એક દિવસે એક વાંચકે મને ઈ—મેઈલ કરીને પૂછ્યું કે કોઈ જયારે તમને ગુસ્સો અપાવે ત્યારે શું કરવું? જો કે, ભૂતકાળમાં મેં ક્રોધ ઉપર સારું એવું લખ્યું છે, ચાલો આજે થોડું વધુ એનાં વિષે જોઈએ, કારણકે આખું જગત જાણે કે એનાંથી પીડા અનુભવે છે. દરેકજણ ક્રોધ અનુભવે છે અને લોકો નજીવી બાબતોથી ગુસ્સે થઇ જતાં હોય છે.

ઘણાં લોકો તેમનાં ભૂતકાળ પ્રત્યે ક્રોધિત હોય છે તો કોઈ તેમનાં વર્તમાન પ્રત્યે. ઘણાં તેમનાં સાથી ઉપર ગુસ્સે હોય છે, તો કોઈ પોતાનાં માતા-પિતા ઉપર, કોઈ પોતાનાં બાળકો ઉપર ગુસ્સે થતાં હોય છે, કોઈ પોતાનાં ભાઈ-બહેન ઉપર ગુસ્સે થતાં હોય છે વિગેરે. થોડાક એવાં કેટલાંક હોય છે કે જે દરેક વસ્તુ ઉપર અને દરેકજણ ઉપર ગુસ્સે હોય છે. ભલેને તમે તમારો ગુસ્સો કાં તો વ્યક્ત કરો કે પછી તમારી અંદર ધરબાયેલો રાખો, તે બન્ને રીતે તમને જ દુઃખી કરતો હોય છે. અને જેટલું વધારે તે તમને દુઃખી કરે તેટલાં જ વધુ તમે ગુસ્સે થાવ છો અને બદલામાં એ તમને વધુ કડવાહટ તરફ લઇ જાય છે.

પ્રામાણિકપણે જો તમને કહું તો, તમારા ગુસ્સાને કાબુ કરવા માટેનો કોઈ સરળ રસ્તો નથી. જયારે તમારો વિશ્વાસઘાત થાય, કે તમને અન્યાય થાય, કે તમે હતાશા અનુભવો ત્યારે સામો પ્રહાર નહિ કરવા માટે અત્યંત વ્યક્તિગત શિસ્તની જરૂર પડતી હોય છે. અને જયારે તમે ગુસ્સાનો પ્રકોપ કરો તો પણ તેનો અર્થ એ નથી કે તમારો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે, કારણકે ગુસ્સો તો તે પછી પણ તમારામાં નિચોવાયેલા લીંબુમાં રહેલી ખટાશની જેમ રહેવાનો જ. બરાડા પાડીને તો ફક્ત તમે તમારામાં રહેલી હતાશાને થોડી બહાર આવવા દીધી પણ તે પછીની ક્ષણથી જ તે હતાશા પાછી એકઠી થવા લાગતી હોય છે. જે લોકો પોતાની આજુબાજુની પરિસ્થિતિમાં પેદા થતાં ઘર્ષણની સાથે કામ લેવા માટે ગુસ્સાનો ઉપયોગ કરે છે તેઓ હંમેશાં માટે ક્રોધિત અવસ્થામાં જ રહેતાં હોય છે કારણકે જીવનમાં મતભેદો તો મોટાભાગે કાયમ રહેવાનાં જ.

મોટાભાગના લોકો જયારે તેમનાં જીવનમાં હતાશા અને નારાજગી આવે ત્યારે તેનાં અંતર્પ્રવાહથી ગુસ્સે થઇ જતાં હોય છે. જયારે તમે આ નકારાત્મક લાગણીઓને બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી આપતાં ત્યારે વહેલાં કે મોડા આ લાગણીઓ એક ગુસ્સાનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આજે, મારો ઈરાદો તમને ગુસ્સામાંથી કેમ ઉપર ઉઠવું એનાં વિષે એક બીજી વધારે રીત બતાવવાનો નથી (તમે ક્રોધ ઉપરના મારા લેખ વાંચી શકો છો કે પછી તેનાં ઉપરની વાત સાંભળી શકો છો.) એનાં બદલે આજે હું તમને ગુસ્સા ઉપર એક અલગ દ્રષ્ટિકોણ આપીશ, જેનાં ઉપર તમે ચિંતન કરી શકો. ચાલો હું તમને એક યહૂદી વાર્તા કહું.

હાસીદીક ગુરુ રાબી ડોવીડ બીડરમેન એ પોલેન્ડનાં લીલોવનાં માર્ગદર્શક ગુરુ હતાં. તેઓ પોતાના માયાળુપણા માટે અને તોરાહનાં ગૂઢ અર્થનાં જાણકાર તરીકે પ્રખ્યાત હતાં. લોકો તેમને પોતાનાં પૂજ્ય ગણતાં હતાં. એક દિવસે જયારે તેઓ ગલીમાંથી પસાર થઇ રહ્યા હતાં કે એક સ્ત્રી પાછળથી તેમની નજીક આવી, અને કોઈ કારણ વગર, તેમની પીઠ ઉપર જોરથી ફટકાર્યું. અને હજી તો ચોંકી ગયેલાં રાબી પાછું વળીને જુવે તે પહેલાં તો તે સ્ત્રી પ્રતિશોધની ભાવનાથી ચીસો પાડવા લાગી અને તેમને વધારે મારવા લાગી. રાબીતો નીચે પડી ગયા અને દર્દથી આળોટવા લાગ્યાં.

અચાનક, તે સ્ત્રી અટકી ગઈ અને બે હાથ વડે પોતાનું મોઢું દાબી દીધું. રાબી એ વ્યક્તિ નહોતા જે પોતે સમજી બેઠી હતી. તેને રાબીને ભૂલથી પોતાનો ભાગી ગયેલો પતિ સમજી બેઠી હતી. તે હવે શરમ અને ગ્લાની અનુભવવા લાગી અને રાબી ડોવીડની ખુબ જ માફી માંગવા લાગી. રાબી ઉભા થયા અને તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તેને કોઈ રાબીને નહિ પણ તેનાં ભાગી ગયેલાં પતિને જ માર્યો હતો.

આ વાર્તા નો સાર શું છે? પેલી સ્ત્રી રાબીને પોતાનો પતિ સમજીને તેમનાં ઉપર ગુસ્સે થઇ ગઈ હતી. જો તે પોતે હકીકત જાણતી હોત તો તેને રાબીને જોઇને આ ગુસ્સાની લાગણી ન થઇ હોત. એજ રીતે, હકીકતમાં તમે કોઈના ઉપર તે કોણ છે તેનાં માટે નહિ પણ તમે તેનાં વિષે જેવું વિચારો છો કે તે કેવો/કેવી છે તેનાં માટે થઇને ગુસ્સે થતાં હોવ છો.

અને મોટાભાગે, કોઈ કેવું છે તેનાં વિષેનો આપણો મત આપણે તે વ્યક્તિને જેમ વધારે ઓળખીએ તેમ બદલાઈ જતો હોય છે. થોડા સમય પહેલાં કોઈ મારાથી નારાજ હતું કારણકે તેનાં કુટુંબની એક વ્યક્તિને આશ્રમમાં થોડો સમય રહેવું હતું અને તે તેની વિરુદ્ધ હતી (તેમાં બીજા પણ કારણો હતાં, પણ હું તેમની ઓળખાણ ગુપ્ત રાખવા માટે આટલું જ કહીશ.) તે મને ક્યારેય મળી નહોતી પરંતુ મારા વિષે તેનો ખ્યાલ એ હતો કે હું કોઈ એવો સાધુ છું કે જે કદાચ તો ધાર્મિક પાગલ છે કે પછી કોઈ નકલી સ્વામી જેણે તેનાં ઘરની વ્યક્તિને ગેરમાર્ગે દોર્યો હતો. તેનો મને પ્રથમ સવાલ એ હતો કે, “હું એવું કઈ રીતે માનું કે તમે ધોખેબાજ નથી?”

પ્રથમ, તો હું થોડી ક્ષણો માટે શાંત થઇ ગયો, પછી હું હસ્યો અને ત્યારબાદ હું ખડખડાટ હસ્યો અને ત્યારબાદ હું ગંભીર થયો. હું પ્રથમ શાંત થઇ ગયો કારણકે હું ઈચ્છતો હતો કે જે સવાલ છે તે ઊંડે સુધી ઉતરે. મારામાં નહિ, પેલી સ્ત્રીની અંદર. હું માનું છું કે કોઈ પણ સવાલનો જવાબ શ્રેષ્ઠ રીતે આપવો હોય તો એ પછી જ આપવો જયારે પ્રશ્ન પૂછનારને પણ પોતાનો પ્રશ્ન બરાબર સાંભળવાનો મોકો મળે. હું હસ્યો કારણકે હું જાણતો હતો કે આ કોઈ સવાલ નહોતો પણ સીધો હુમલો જ હતો અને માટે પહેલી વાત તો ત્યાં કોઈ જવાબની જરૂર હતી જ નહી. હું ખડખડાટ હસ્યો કારણકે કોઈ પણ ચુનોતી સામે મારો કુદરતી પ્રતિભાવ જ એ હોય છે.

હું ગંભીર એટલાં માટે બની ગયો કે મને ખરેખર એનાં માટે દુઃખ થયું. મેં એનાં મનની શાંતિ માટે પ્રાર્થના કરી. હું એનું દુઃખ અનુભવી રહ્યો હતો. મેં વિચાર્યું કે તેને પોતાનાં જીવનમાં ઘણું બધું સહન કર્યું હશે અને માટે જ તેનાં હૃદયમાં આ ક્રોધ વસવાટ કરી રહ્યો હતો અને માટે જ પોતે જે વ્યક્તિને મળી પણ નથી એનાં પ્રત્યે પણ તે ગુસ્સે હતી. ક્યાંક મને એવું પણ લાગ્યું કે તે પોતે પોતાની પ્રિય વ્યક્તિ ઉપર ગુસ્સે હતી કે જેનાં માટે તે નહોતી ઇચ્છતી કે તે આશ્રમમાં આવે. ક્યાંક તે કદાચ પોતે પોતાનાં ઉપર જ ગુસ્સે હતી. હું તો ફક્ત એક નિશાન તાકવા માટેનું પાટિયું હતો. અને હાલની ક્ષણમાં મારી પાસે ત્રણ પસંદગીઓ હતી:
૧. ત્યાંથી ઉભા થઇ જવું અને તે સ્થળેથી ચાલ્યા જવું.
૨. માયાળુપણાથી પ્રતિભાવ આપવો.
૩. મારો દયાનો જે સિદ્ધાંત છે તે મુજબ જીવવું.

પ્રથમ બે પ્રતિભાવો સામાન્ય અને ગુસ્સા વાળી પસંદગીઓ છે. વધુમાં, હું તેનાંથી નારાજ તો હતો જ નહિ પણ તેનાં માટે દુઃખી હતો. હું જો ઉભો થઇને જતો રહ્યો હોત કે મેં તેને પાછો જવાબ આપ્યો હોત તો તેનાંથી તેની જે કડવાહટ છે તે જતી ન રહી હોત. વધુમાં મારી પાસે ગુસ્સો કે કડવાહટ તો હતાં જ નહિ કે જે તેને હું આપી શક્યો હોત. મારા કમંડળમાં હું ફક્ત ગળી વાનગીઓ જ રાખું છું. અને તે જ મારે આપવાનું હતું. “તને શું લાગે છે હું શું ઈચ્છી શકું તેમ છું?” મેં તેને મારો પ્રતિભાવ આપતાં ધીમેથી એટલું જ માત્ર કહ્યું. મારા હૃદયમાં મેં તેનાં માટે પ્રેમ મોકલ્યો, જેનાંથી તેને કદાચ થોડી રાહત મળે. મારી અંદરની લાગણી, મારા એક વાક્યના પ્રતિભાવે તેને એકદમ તરત જ શાંત કરી દીધી. અમે થોડી વાતો કરી અને થોડી મીનીટો પછી તે એકદમ જોરથી ખડખડાટ હસતી હતી.

મને લાગ્યું કે એનો સવાલ મારા સિદ્ધાંતો કરતાં મોટો નહોતો. કે એનું જીવન, અને માટે આપણી આ દુનિયા, એ કદાચ વધુ સારું સ્થળ બનશે જો ત્યાં એક વ્યક્તિ ઓછી હશે કે જેનાં પ્રત્યે તે ક્રોધ ન અનુભવે. અને ઘરે લઇ જવા માટે આજ ખરેખર એક સંદેશ છે: કોઈપણ જયારે તમને ગુસ્સો અપાવે ત્યારે, તમે તમને એક સવાલ કરો કે તમે ખરેખર કોના પર ગુસ્સે છો, બીજું, તમારો પ્રતિભાવ ખુબ જ કાળજીપૂર્વક પસંદ કરો. જયારે તમે એ નિર્ણય કરી લો કે તમારે શું પ્રતિભાવ આપવો છે અને તમે તે સામે વાળાને જણાવો તે પહેલાં થોડો સમય પસાર થવા દો.

જયારે તમે સજાગ રહીને તમારો ગુસ્સો તપાસવાનું ચાલુ કરશો તો અંતે ગુસ્સો છે તે તમને છોડીને સંપૂર્ણત: ચાલ્યો જશે. એ સ્થિતિએ, તમારે તમારા ગુસ્સાને કાબુ કરવા માટે કોઈ પ્રયત્ન નહિ કરવો પડે, એનાં બદલે તમે તેને તમારી અંદર અનુભવશો જ નહિ. મનની ક્રોધમુક્ત અવસ્થા એ વિચારમુકત અવસ્થા પછીની એક બીજી શ્રેષ્ઠ અવસ્થા છે.

તમારા ગુસ્સાને થુંકશો નહિ, તેને ગળી પણ ન જાવ, તેને સજાગતાથી, દયાથી, પ્રેમથી ધોઈ નાંખો. પરંતુ, સામે વાળી વ્યક્તિ તમારા ઉપર કોઈપણ કારણ વગર જ નારાજ થતી હોય તો શું કરવાનું? તેનાં વિષે ફરી ક્યારેક જોઈશું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Google+
Google+
0Email to someone
email