હું વારંવાર કહેતો હોવ છું કે તમારું બાહ્ય જગત તમારા આંતરિક જગતનું એક પ્રતિબિંબ છે. જો તમારું આંતરિક જગત પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યું હશે તો તમને તમારા બાહ્ય જગતમાં આપોઆપ એક બદલાવ અનુભવાશે. ઘણાં લોકોને આ સમજવું અઘરું પડે છે. આખરે તો વાસ્તવિક દુનિયામાં તમે જે લોકો સાથે વ્યવહાર કરતાં હોવ છો તે તો એવાં ને એવાં જ રહેતાં હોય છે. કોઈ જો તમને દુઃખી કરતું હોય, તો શું તે પોતે પોતાની રીતો બદલવાનું છે? એવું કેમ બનતું હોય છે, હું શું કહેવા માંગું છું? ચાલો હું તમને એક તાઓ ધર્મની નીતિકથાથી મારો વિચાર સમજાવું:
એક વખત એક કઠિયારો હોય છે. તે પોતાનાં કામમાં નિપુણ હોય છે અને તેની પાસે ઘણી બધી કુહાડીઓ હોય છે. એક વખત એક અઠવાડિયા સુધી વરસાદ પડ્યા પછી એક સરસ તડકા વાળો દિવસ ઉગ્યો હોય છે. તેને જંગલમાં જઈને થોડું તાજું લાકડું લઇ આવવાનું વિચાર્યું. પણ તેને તેની સૌથી મનપસંદ કુહાડી મળતી નહોતી, તેથી તે ખુબ નારાજ થઇ ગયો. તેને ખબર હોય એવી બધી જગ્યાએ તે જોઈ વળ્યો. પણ કશું મળ્યું નહિ. તે પોતાનાં બાળકો પ્રત્યે નારાજ થઇ ગયો, તેને લાગ્યું કે તેમને જ ક્યાંક કુહાડી આડી અવળી મૂકી દીધી હશે. તે પોતાની પત્ની પ્રત્યે પણ નારાજ થઇ ગયો કારણ કે તેને લાગ્યું કે તે તેને પોતાનાં કામમાં કોઈ જ પ્રકારની મદદ નથી કરી રહી, અને આમ તે આખી દુનિયા પ્રત્યે ગુસ્સે થઇ ગયો. જેટલું વધારે તે શોધતો ગયો તેમ તેમ તે વધારે ઉદ્વિગ્ન થતો ગયો. તેને કુટુંબમાં બધે પૂછી જોયું પણ કોઈને કશી ખબર નહોતી. તેને લાગ્યું કે ચોક્કસ આ બધા તેને સાચું નથી કહી રહ્યાં.
ત્યાં જ તેને કશું જોયું અને તેનાંથી તેને રાહત થઇ. હવે તેને ખબર પડી કે તેનાં કુટુંબીજનો ખોટું નથી બોલી રહ્યા. થોડે દુર લાકડાં રાખવાનાં ખુલ્લા સ્થળ પર તેને પોતાનાં પાડોશીના છોકરાને લપાઈને ઉભેલો જોયો. ત્યાં તે પોતે કશું નહિ કરવાનો ઢોંગ કરતો હોય તેવું લાગ્યું. હકીકતમાં તે થોડો બેચેન, આશંકાજનક, દોષી જણાતો હતો. જો કે તે દુર હતો છતાં કઠિયારો તેની આંખમાં એક દોષ અને શરમની લાગણી જોઈ શક્યો જે સામાન્ય રીતે એક નવો-સવો ચોર સંતાડી શકતો હોતો નથી. ઉપરાંત, જેવો કઠિયારો તેનાં તરફ આગળ વધ્યો કે તે તરત અદબ વાળીને ઝડપભેર અદ્રશ્ય થઇ ગયો.
“કેટલો ધૂર્ત છે!” તેને લાગ્યું, “હું કદાચ સાબિત તો ન કરી શકું કે તેને મારી કુહાડી ચોરી હતી, પણ હું તેને પાઠ ભણાવવાનું તો શોધી જ કાઢીશ. મારાં બાળકો આ ચોર સાથે ન ફરવાં જોઈએ.” અને તે પાછો ઘરમાં એક ચક્રવાતની જેમ પાછો ફર્યો. તેને બહાર જંગલમાં જવાનું આયોજન રદ કર્યું. તે એટલો ગુસ્સે હતો કે કામ પર જઈ ન શક્યો. તેનો આખો દિવસ બરબાદ થઇ ગયો હોય તેવું તેને લાગ્યું.
પણ તેને કેટલાં દિવસ કામ પર નહિ જવાનું પાલવે! બીજા દિવસે તે લાકડાં રાખવાનાં ખુલ્લાં ગોદામમાં બીજી કુહાડી લેવા ગયો ત્યાં જ તેની નજર પોતાની મનપસંદ કુહાડી પર પડી કે જે કાપેલાં લાકડાંની નીચે પડી હતી. તરત તેનાં આનંદ અને ખુશી પાછા ફર્યા. તે પાછો ખુશ થઇ ગયો, જાણે કે તેની દુનિયા પાછી સંપૂર્ણ થઇ ગઈ. થોડી વાર તેને બીજા લોકો પર શક કરવા માટે પસ્તાવો પણ થયો.
અકસ્માતે જંગલમાં તેને પેલો પાડોશી અને તેનો દીકરો બન્ને મળી ગયા. તેઓ પણ લાકડાં માટે આવ્યા હતા. તેને પેલા છોકરા તરફ એકદમ નજીકથી તેની ચકાસણી કરતાં હોય તેમ જોયું. આ વખતે જો કે કઠિયારાને તે દોષી કે ચોર ન દેખાયો. હકીકતમાં તો તે છોકરો એકદમ ઉમદા અને તેનાં પ્રત્યે માન ઉપજે તેવો લાગ્યો. તેની આંખોમાં એક નિર્દોષતા હતી તેમજ તેની મુખાકૃતિ એકદમ ઉત્કૃષ્ઠ જણાઈ. “આ એ જ છોકરો છે?” તે વિચારમાં પડી ગયો.
સુંદર વાર્તા.
આવું શું વાસ્તવિક દુનિયામાં પણ ઘણીવાર નથી બનતું? તમે તમારા વિચારો, લાગણીઓ, અને તમારા મનની પરિસ્થિતિનાં આધારે મત બાંધો છો. તટસ્થ રહેવાનું અઘરું લાગે છે. પાછલાં વર્ષોમાં, હું એવાં ઘણાં લોકોને મળ્યો છું કે જે પોતાનાં કામમાં સક્ષમ કે યોગ્ય ન હોવા છતાં તેઓ પોતે સફળ નથી રહ્યા તેનાં માટે જાતિવાદ, પક્ષપાત વગેરેને જવાબદાર ગણતાં હોય છે. બીજી કોઈ જ્ઞાતિ, સંસ્કૃતિ, રંગ, કે ધર્મનું કોઈ નજરે ચડી જાય તો તરત પોતે તેની વિરુદ્ધ એક અંતર કે ભેદ બનાવી લે.
ઘણીવાર તમે જે વિચારતા હોવ તેનાં માટે તમે ખુબ જ ચોક્કસ હોવ છતાં કોઈ પણ ચોક્કસતા હંમેશા વિવાદાસ્પદ જ હોય છે. મારો કહેવાનો અર્થ એ છે કે તમારું બાહ્ય જગત એ તમારા આંતરિક જગતમાં જે ભરેલું છે તેમાંથી જ વ્યુત્પાદિત થયેલું હોય છે. જો તમે પાગલ હશો, જો તમે અંદરથી અસલામત હશો, તો તમે આખી દુનિયા માટે વ્યગ્ર થઇ જશો, તમારું ખુદનું મન તમને એવું વિચારવા માટે પ્રેરિત કરશે કે દરેક લોકો પાસે એક છૂપી યોજના છે, જાણે કે દરેકજણ તમને જ નિશાન બનાવીને બેઠું છે. તમારી શરતો તમારા મતની ગુણવત્તા અને સ્વભાવને સીધી અસર કરે છે. લોકો પાસે જે વસ્તુને તેઓ નથી જાણતા તેનાં માટે પણ એક મત હોય છે, જે લોકોને તેઓ નથી મળ્યાં તેમનાં માટે પણ એક મત હોય છે, જે ધર્મનું તેઓ પાલન નથી કરતાં તેનાં માટે પણ એક મત હોય છે, લગભગ જીવનની દરેક વસ્તુ માટે તેમની પાસે એક મત હોય છે. તે એક સામાન્ય વાત છે; પણ તેનો અર્થ એ નથી કે તેનાંથી વધુ સારો કોઈ રસ્તો નથી.
જો તમે સતત તણાવમાં અને દુઃખી રહેતા હોવ, જો તમે હંમેશા ચિંતાતુર અને નિરાશ રહેતા હોવ, જો તમે આનંદી રહેવા કરતા દુઃખી વધારે રહેતા હોવ તો બીજા માટેના અને દુનિયા માટેના તમારાં મતને ખુબ ગંભીરતાથી ચકાસો. જો તમે ધીરજ પૂર્વક તેની તપાસ કરશો તો તમને તેમાં એક પેટર્ન ઉભરાતી દેખાશે. મેં એવાં લોકોને જોયા છે જે હંમેશા નાખુશ હોય, અને તેઓ તેમ દરેક સાથે નાખુશ હોય છે. અને જે હકારાત્મક અને કદર કરનારા હોય છે તેઓને હંમેશા બીજા લોકોમાં કઈક ને કઈક સારું કે વખાણવા લાયક દેખાતું હોય છે. તો તમારા મતથી ઉપર કેમ ઉઠવું? તેનાં માટે થોડો સમય અંતર્મુખી બની આત્મચિંતન કરો. ત્યારબાદ તમે દુનિયાને એક નવા પ્રકાશમાં નિહાળી શકશો.
જાવ! તમારા સ્વ-અનુભવ પરથી મત બાંધો નહિ કે અન્ય લોકોનાં કહેવા પર. અને તે તમને તમારી કલ્પનાની બહાર શક્તિશાળી બનાવશે.
શાંતિ.
સ્વામી