પુરાણો– હિંદુ સનાતન ધર્મના ધાર્મિક પુસ્તકો – દેવ-અસુર સંગ્રામોની દંતકથાઓથી ભર્યા છે. અસંદિગ્ધપણે આ કથાવાર્તાઓ શરીર, મન, આત્મા અને બ્રહ્માંડ માટેના રહસ્યો ઉપર પણ પ્રકાશ ફેંકે છે. તેમાં ભક્તિ અને સંકલ્પ, જોશ અને શ્રદ્ધા, સારું અને ખરાબ જેવા અનેક વિષયો ઉપર વાર્તાઓ છે.

મોટાભાગના ધર્મોમાં દેવો અને દૈત્યોનો વિચાર છે. બૌદ્ધ ધર્મમાં પણ, કે જે વિશેષ રૂપે ધ્યાનનો માર્ગ છે, જેમાં બુદ્ધે દરેક વસ્તુને મનના આવિર્ભાવ તરીકે રજુ કરી છે, તેમાં પણ મારા નામનાં – દૈત્યનો વિચાર છે. ઘણી બૌદ્ધ વિચારધારામાં ગુસ્સાવાળો દેવ યીદમ અને રક્ષા કરવા વાળો દેવ તારા નો વિચાર છે.

દૈત્યને ઇસ્લામમાં શયતાન અને બીજા ઈબ્રાહીમ ધર્મોમાં પણ સેતાન, અને હિંદુ ધર્મમાં દૈત્ય અથવા રાક્ષસ તરીકે કે કોઈ બીજે અલગ નામથી ઓળખવામાં આવે છે, એક ડહાપણ ભર્યો સવાલ એ ગણાશે કે શું તેઓ ખરેખર અસ્તિત્વ ધરાવતા હોય છે ખરા? શા માટે

તેઓ રાત્રીમાં વધારે શક્તિમાન બની જાય છે, શા માટે તેઓ સારાપણાની વિરુદ્ધમાં હોય છે? તમે કોઈ દિવસ ધાર્મિક પુસ્તકમાં વર્ણવેલો રાક્ષસ જોયો છે ખરો? દિવસના અજવાળામાં? ચાલો હું તેના પર થોડો પ્રકાશ પાડું.

દેવો અને દૈત્યો તમારા આંતરિક જગતના તત્વો સૂચવે છે, દેવો હકારાત્મક લાગણીઓ અને દૈત્યો નકારાત્મક લાગણીઓનાં સૂચક છે. દેવ સત્યનાં પ્રતિનિધિ છે જયારે દૈત્ય અસત્યનાં પ્રતિનિધિ છે. દેવ છે તે દયા અને સારાપણાને સૂચવે છે, જયારે દૈત્ય છે તે બધું તેની વિરુદ્ધનું સૂચવે છે. દૈત્ય કોઈ લડાઈ જીતી પણ જાય. થોડા સમય માટે. પરંતુ અંતે તો લડાઈ હંમેશા દેવ દ્વારા જ જીતાતી હોય છે.

એ જ રીતે, દરેક લોકોના આંતરિક જગતમાં, હકારાત્મકતા અને નકારાત્મકતા, સાચા અને ખોટા, સારા અને ખરાબ વચ્ચે કાયમી યુદ્ધ ચાલતું હોય છે. કોઈ વખત તેમની સારી બાજુ ખરાબ બાજુથી ચડી જતી હોય છે, તો ક્યારેક એનાથી ઊંધું પણ થતું હોય છે. કોઈ વખત તેઓ પોતાના ગુસ્સાને તેમજ તેના જેવી નકારાત્મક લાગણીઓને કાબુ કરી શકતા હોય છે તો કોઈ વખત આવી લાગણીનો તેમને પછાડી દેતી હોય છે.

પુરાણો તરફ પાછા વળીએ તો ઇન્દ્ર એ દેવોનો રાજા છે, અને સંસ્કૃતમાં ઇન્દ્રિયનો અર્થ થાય છે અવયવ. તેનો અર્થ કાં તો જ્ઞાનેન્દ્રિય – આંખ, નાક, કાન, જીભ, ત્વચા – કાં તો કર્મેન્દ્રિયો – હાથ, પગ, મોં, જનનાંગ, ગુદાદ્વાર – થાય છે. ઇન્દ્ર કઈ ઉપર સ્વર્ગમાં બેઠા નથી. તમારું મન એ તમારા શરીરનો રાજા છે. તે એકલું જ દરેક કર્મને સમજે છે અને તમને તે કરવા માટે પ્રેરે છે. જયારે પણ તમારું આંતરિક જગત ખળભળી ઉઠે અને તમારી હકારાત્મકતા તમારી નકારાત્મકતાને હરાવી દે છે ત્યારે તમારા દેવ જીતી જાય છે, અને એનાંથી જો ઉલટું થાય તો દૈત્ય જીતી જાય છે.

તમારી અંદરનો દૈત્ય તમને ખરાબ કરવા માટે પ્રેરે છે અને તમારી અંદરનો ભગવાન તમને સારું કરવા માટે પ્રેરે છે. તે બંને જુદા તત્વો નથી. તે ફક્ત એક જ મનના બે ગુણ છે, જેમ કે એક સિક્કાની બે બાજુ. હવે પછી ફરી જયારે તમને લાગે કે તમે ગુસ્સે થઇ રહ્યા છો કે તમારું મન કઈ ખોટું કરવા માટે લલચાઈ રહ્યું છે, તમારી જાતને યાદ અપાવો કે તમારી અંદરનો દેવ એ દૈત્યની સામે લડાઈ ગુમાવી રહ્યો છે. તે યાદ, તે જાગૃતતા, તરત જ તે દૈત્યને નબળો બનાવી દેશે.

ચિંતનપૂર્વક કહેવું હોય તો, દેવો અને દૈત્યોને શક્તિ એક જ સ્રોતમાંથી મળે છે – તમારા મનમાંથી, મન એ દેવ અને દૈત્ય બન્ને માટે સહિયારો શક્તિનો સ્રોત છે. તો જયારે તમે તમારી હકારાત્મક બાજુને મજબુત કરો છો ત્યારે નકારાત્મક બાજુનો આપોઆપ હ્રાસ થાય છે.

એક ગુરુએ પોતાના શિષ્યોને પૂછ્યું, “મારા મનમાં બે બળદ છે. એક સાશ્વતપણે શાંત અને ખુશ. અને બીજો હંમેશા અશાંત અને અસ્વસ્થ. જો બન્ને લડાઈ કરે તો કોણ જીતે?”

કેટલાંક શિષ્યોનો મત શાંત બળદ માટે હતો તો કેટલાંકનો મત અશાંત માટે હતો.

ગુરુએ કહ્યું “એનો આધાર હું કોને વધારે ખવડાવીને મોટો કરું છું એના પર છે! તેમની જીત તેમની શક્તિ ઉપર આધારિત છે. જરૂરી નથી કે હંમેશા કોઈ એક છે તે બીજાને હરાવશે. છતાંપણ જો તમે સતત શાંત બળદને ખવડાવી પીવડાવી પોષણ કરશો તો, એ વધુ શક્તિમાન બનશે અને એના જીતવાની શક્યતા હંમેશા સમય સાથે વધતી જશે.”

હું કહીશ કે આ આટલું સહેલું છે. જો તમે રાક્ષસને પોષણ આપશો, તો એ વધુ શક્તિમાન બનશે અને એ વિજયી બનશે. જયારે તમે તમારી નકારાત્મકતાને પોષો છો ત્યારે તે તમારી હકારત્મકતાને હરાવી દે છે. જેનું તમે પોષણ કરશો તેને શક્તિ મળશે, અને જે વધુ શક્તિમાન હશે તે જીતશે.

તમારી અંદરની હકારાત્મકતાને પોષવા માટેની તમારી રીત કદાચ ધ્યાન (meditation)ની ના પણ હોય, એ કદાચ ડાન્સિંગ, કૂકિંગ, દાન, મંત્રજાપ, પ્રાર્થના, રમત કે બીજું કંઈપણ જે તમને કરવું ગમતું હોય તે હોઈ શકે છે. જો તમે થોડો સમય તમારી જાતનું વિશ્લેષણ કરવામાં થોડો સમય કાઢશો તો તમને તમારી પોતાની રીત જડી જશે. અને કોઈ પણ સંજોગોમાં હંમેશા દયા અને કૃતજ્ઞતાની પ્રેક્ટીસ રાખો, તે હંમેશા શાંત બળદને પોષણ આપે છે. તમે શાંતિ અને શક્તિનો અનુભવ કરશો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook0Tweet about this on TwitterShare on LinkedIn0Google+0Email to someone