જો કોઈ તમને પૂછે કે તમે શા માટે દુઃખી છો તો તમે શું કરો છો? સામાન્ય રીતે, તમે તમારા દુઃખ પાછળની વાર્તા કહેશો. કે ફલાણી વ્યક્તિએ મારા માટે કઈક એવું કર્યું કે કઇક એવું ન કર્યું, કે પછી કોઈ વ્યક્તિએ તમને કઈક એવું કહી દીધું, કે પછી મારું જીવન તો ખુબ જ મુશ્કેલીભર્યું છે, વિગેરે. માનસશાસ્ત્રની દ્રષ્ટીએ જો કે રસપ્રદ બાબત તો એ છે કે આપણે આ વાર્તાઓને વાર્તા તરીકે નહિ જોતા કારણો તરીકે જોઈએ છીએ. આપણે એવું માનવા લાગીએ છીએ કે આપણી પાસે તો દુઃખી કે ઉદાસ થવા માટેનું યોગ્ય કારણ છે. કદાચ એ સાચું પણ હોઈ શકે તેમ છતાં જો કે મોટાભાગે તો એ એકદમ સાપેક્ષ બાબત જ હોય છે, આ કોઈ કારણો નથી હોતા પણ વાર્તાઓ જ હોય છે કે જે આપણે આપણી જાતને કહેતાં હોઈએ છીએ.

ત્રણ લુટારાઓ હોય છે જે જંગલ માર્ગે જતા એક કુટુંબને લુટી છે. તેઓ એક યુવાન સ્ત્રી સિવાય બાકીના દરેકજણને મારી નાંખે છે, અને આ યુવાન પત્નીને તેઓ તેમની સાથે ઉપાડી જાય છે. મોડી રાત્રે, તેઓ દારુ પીવે છે અને આ સ્ત્રી સાથે બળજબરી કરવા માટે આવે છે. આ સ્ત્રીને ખબર પડી જાય છે કે પોતે બળથી તો આ લોકોનો સામનો નહિ જ કરી શકે માટે કળપૂર્વક તે તેમની સાથે થોડી રમત રમવાનું નક્કી કરે છે, અને તેમને થોડો વધુ દારુ પીવડાવે છે. થોડી વાર પછી આ પીધેલા લુટારાઓ થોડું ભાન ભૂલવા લાગે છે, ત્યારે તે સ્ત્રી ત્યાંથી સહી સલામત ભાગી છૂટે છે. વહેલી સવારમાં તે જંગલમાંથી બહાર નીકળવા માટે દોડતી હોય છે, ત્યારે તે પરમજ્ઞાની અને શાંત એવા મહાવીરના દર્શન કરે છે, જે એક વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરી રહ્યા હોય છે. તેમના ચહેરા ઉપરની જે શાંતિ હતી તે જોઈને આ યુવાન સ્ત્રીને એકદમ હાશ થઇ જાય છે. કેટલો મોટો ફરક છે, તેને વિચાર્યું. અહી એક આ પુરુષ છે કે જેના શરીર ઉપર કપડાનો એક તાતણો પણ નથી, સંપૂર્ણ નગ્ન છે, અને તેમ છતાં તેમના ચહેરા ઉપર ન તો કોઈ ઈચ્છા છે કે ન તો કોઈ અસંતોષ.

“તમે મહાવીર જ હોવા જોઈએ,” સ્ત્રીએ કહ્યું, “આ સમયના એકમાત્ર એવા પરમજ્ઞાની પુરુષ. મારી જીંદગી ખતરામાં છે, હું તમારા શરણે આવી છું.” અને આ દુઃખી સ્ત્રીએ પોતાની આખી વાત કહી કે લુટારાઓ તેના આખા કુટુંબને તેની નજર સામે મારી નાંખ્યું અને હવે તેઓ તેની આબરૂ લૂટવા માટે પાછળ પડ્યા છે.

“હું તારી રક્ષા કરીશ,” સંતે કહ્યું, અને તેને નજીકમાં આવેલી તેમની ઝુપડીમાં સંતાઈ જવા માટે કહ્યું.

અને થોડીવારમાં જ, તે ત્રણ લુટારાઓ ત્યાં પેલી સ્ત્રીને શોધતાં આવી ગયા અને મહાવીરને સવાલ કર્યો. “તે કોઈ યુવાન સ્ત્રીને અહીથી જતા જોઈ છે?”

પરમજ્ઞાની એવા મહાવીર માટે આનો જવાબ કોઈ સરળ હા કે નાં નહોતો, કારણકે જો જવાબમાં નાં કહે તો પોતાની સત્યની પ્રતિજ્ઞા તૂટે અને જો હા કહે તો પેલી સ્ત્રીને હાનિ પહોંચે.

“એક પુરુષને જે જોવું હોય છે તે જ દેખાતું હોય છે,” મહાવીરે કહ્યું. “હું જયારે એક પુરુષ હતો, ત્યારે મને દરેક સ્ત્રીમાં સ્ત્રી દેખાતી હતી, પરંતુ હવે, હું ફક્ત આત્મા જ જોઉં છું.”

“અમને સીધી વાત કર, શું તે પેલી સ્ત્રીને જોઈ છે?”

મેં તમને કહી તો દીધું કે હું ફક્ત આત્માનાં જ દર્શન કરું છું. જયારે તમે લોકો અહી આવ્યાં ત્યારે તમે મને જ જોયો, પણ તમે આ મારી પાછળ રહેલા આ વૃક્ષના થડને ન જોયું, કે પછી તેની ડાળીઓને ન જોઈ, કે હું જે ચોતરા ઉપર બેઠો છું તેને ન જોયો. તમારે ફક્ત જે જોવું હતું તે જ તમે જોયું. હિંસાનો માર્ગ છોડીને શુદ્ધ જીવન જીવતા થાવ. કર્મનો પ્રવાહ અને કાર્મિક દેવું જો અટકાવવું હોય તો તેના માટેનો આ એકમાત્ર માર્ગ છે.”

પેલા લુટારાઓ તેમના પગે પડી ગયા અને જે રસ્તેથી આવ્યા હતા ત્યાં પાછા વળી ગયા. તેમનું પછી શું થયું એની દરેકજણ કલ્પના કરી શકે છે, પણ દંતકથા એવી છે કે ત્યારબાદ તે જંગલમાં લાંબા સમય સુધી કોઈપણ પ્રકારની લુટફાટ થઇ હોય એવું સાંભળવા મળ્યું નહિ. એક મહત્વની વાત એ છે કે મેં આવી જ બીજી એક વાર્તા બુદ્ધના જીવન માટેની ઓશોના પ્રવચનમાં સાંભળી હતી. જો કે દિવસને અંતે, મને લાગુ પડે છે ત્યાં સુધી, આ કોઈ બુદ્ધ કે મહાવીરનો સવાલ નથી, પરંતુ આ વાર્તામાં જે સંદેશ છે તેનું મહત્વ છે.

અને એ શબ્દો કે –માણસને જે જોવું હોય તે જ દેખાતું હોય છે– ખુબ જ અલગ તરી આવતા હતા. આપણે બધા ફક્ત એ જ જોતા હોઈએ છીએ જે આપણે જોવું હોય છે. કોઈ યાત્રામાં તમારી જોડે કોઈ સહયાત્રી હોઈ શકે છે અને તમે તેને શાંત પર્વતો, વહેતી નદીઓ, ભૂરું આકાશ અને આજુબાજુ રહેલી સુંદરતા બતાવવા માંગતા હોવ, પણ શક્ય છે કે તેનું બધું ધ્યાન ત્યાં પડેલા ભેસના મડદા ઉપર જ ચોટેલું હોય. જ્યાં સુધી બીજા લોકો પોતે જે વાર્તામાં વિશ્વાસ કરતા હોય તે બદલવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી તમે કોઈને આ દુનિયાનું દર્શન જુદી રીતે કરવા માટે મદદરૂપ ન થઇ શકો.

સવાલ બીજી વ્યક્તિ કરી રહી છે તમે પોતે કરી રહ્યા છો, એનું મહત્વ નથી, કારણકે એના જવાબમાં આપણી જે વાર્તા રહેલી હોય છે તે પણ એવી જ હોય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, “હું શા માટે દુઃખી છું? હું શા માટે વિચલિત છું? હું શા માટે ખુશ નથી?”, તેના જવાબમાં તમે તમારી જાતને એક વાર્તા કહેતા હોવ છો કે આવો બધો અનુભવ કરવા માટેનું કારણ એ છે કે તમે જીવનમાં એકલા છો કે પછી તમારા લોકો તમારી તરફ વફાદાર નથી હોતા, કે પછી બધું તમારા આયોજન મુજબ પાર નથી ઉતર્યું હોતું કે પછી તમે આ દુનિયા માટે નથી બનેલા વિગેરે. વાસ્તવિકતા, જો કે તદ્દન જુદી હોઈ શકે છે. એ કદાચ તમે સત્યનો સામનો અને સ્વીકાર કરવાની તમારી તૈયારી નથી હોતી એમાં રહેલો હોય છે, કે પછી તમારા વિચારો અને કર્મો વચ્ચેનો કોઈ તાલમેળ નથી હોતો એ બાબત જવાબદાર છે. અને સૌથી મોટી અદ્દભુત વાત તો એ છે કે આ વાર્તા ગમે તે હોઈ શકે છે. હા, કઈ પણ. તે એક સાધન જેવું, નિસરણી જેવું છે કે જેના ઉપર ચડીને આપણે આપણા જીવનની દીવાલનું સમારકામ કરી શકીએ. તો પછી હું મારી જાતને એક સારી વાર્તા પણ કહી જ શકું, એક એવી વાર્તા કે જે મને પ્રેરણા આપે અને મારો ઉદ્ધાર પણ કરે.

મુલ્લા નસરુદ્દીને એક વાળ કાપવાની દુકાન ખોલી અને પોતાના ગ્રાહકોનું સ્વાગત કરવા માટે અને સેવા કરવા માટે તૈયાર થઇને બેઠા હતા. પ્રથમ દિવસ જ હોવાથી ઘણા બધા લોકો આવ્યા અને તેમાં એક પચાસ વર્ષનો વ્યક્તિ પણ આવ્યો, તેની દાઢી હલાવતો-હલાવતો.

“મુલ્લા,” તે ધીમે રહીને બોલ્યો, “મારી નવી પત્ની આજે ઘરે આવી રહી છે, તો મારી દાઢીમાંથી બધા ધોળા વાળ કાઢી નાંખ, હું એકદમ નવયુવાન જેવો દેખાવો જોઈએ.”

મુલ્લાએ તો કાતર હાથમાં લીધી, અને એક જ ઝાટકે પેલા માણસની આખી દાઢી જ કાપી નાંખીને તેના હાથમાં પકડાવતા કહ્યું, “આ રહી તારી દાઢી નવયુવાન, તું જાતે જ એમાંથી ધોળા વાળ કાઢી નાંખ, આજે મારી પાસે તો સમય નથી.”

તમારી વાર્તામાંથી નકારાત્મક પ્રસંગો કાઢી નાંખવાનું કદાચ દર્દનાક પણ હોઈ શકે અને સમય લઇ લે તેવું પણ. કોઈ વખત, શ્રેષ્ઠ ઉકેલ એ જ છે કે આખી વાર્તા જ કાપી નાંખવી અને ફરીથી લખવાની હિંમત રાખવી.

અને જો તમે એક ક્ષણ માટે તેના ઉપર વિચાર કરો, તો તમને જણાશે કે આપણી સાથે જે કઈ પણ ઘટે એ બધા માટેની એક વાર્તા હોય છે. આપણી દરેક પ્રકારની લાગણી અને કર્મ માટે, આપણે એક વાર્તા કહેતા હોઈએ છીએ. અને પછી એ વાર્તા તમારા જીવનનો એક અભિન્ન હિસ્સો બની જાય છે; ખરેખર, તે આપણી બુદ્ધિ અને ડહાપણ ઉપર કબ્જો કરી લે છે અને આપણને ફક્ત એ વાર્તામાનું એક પાત્ર બનાવી મુકે છે. પછી ભલેને તે પાત્ર કોઈ મુખ્ય નાયકનું જ કેમ ન હોય, તે છે તો એક વાર્તાનો જ ભાગ ને, જયારે ખરેખર તો તમે જો ઈચ્છો તો એ વાર્તાના લેખક પણ બની શકો તેમ છો. એક સુંદર વાર્તા લખો, પ્રેરણાત્મક, તમારા હૃદયમાં રહેલા સ્વપ્નો જેવી આશાસ્પદ. હોરર સ્ટોરી ફક્ત સ્ટિફન કિંગ માટે છોડી દો (વ્યક્તિગત રીતે મેં ક્યારેય સ્ટિફન કિંગનું લેખન કાર્ય વાંચ્યું કે જોયું નથી પરંતુ હમણાં-હમણાં વિદ્યા સ્વામી એના માટે બહુ ગાંડા થયા છે. માટે…). જાવ, તમે કશુંક પ્રેમ અને આશા ભર્યું લખો.

અને હા, વાર્તાનો મુખ્ય સંદેશ? તમારું જીવન જો બદલવું હોય, તો તમારી વાર્તાને બદલો.

શાંતિ.

સ્વામી

વિશેષ નોંધ: હું પણ મારા ૮ વર્ષ જુના બ્લોગની વાર્તા બદલી રહ્યો છું. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં તેની જાહેરાત થશે. ચિંતા ન કરશો, એ એક સારો બદલાવ હશે. જો કે, કેવો સારો એ તમે તમારી જાતને કઈ વાર્તા કહેતા રહો છો તેના ઉપર આધાર રાખે છે.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email