Tales of the Hasidim નામના પુસ્તકમાં, માર્ટીન બુબર એક યહૂદી ગુરુ રાબી ઝુસ્યાની વાર્તા કહે છે. આ રાબીએ પોતાનું આખું જીવન એક અસાધારણ ભક્તિ અને અપ્રતિમ શ્રધ્ધા સાથે વ્યતીત કર્યું હતું, અને તેમ છતાં, જયારે તેઓ મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે ખુબજ રડી રહ્યાં હતા. ઝુસ્યાનું આ વર્તન તે ક્ષણે ઓરડામાં ઉપસ્થિત રહેલા તેમના તમામ શિષ્યોને નવાઈ પમાડતું હતું. તેઓ તેમને દરેક હકારાત્મક બાબતો કહીને શાંત પાડવાની કોશિશ કરી રહ્યાં હતા. પણ રાબી ઝુસ્યાના આંસુ તો સુકાયા જ નહિ.

“હૃદય હળવું રાખો, રાબી,” એક શિષ્યે કહ્યું, “તમે એક ઉદાહરણીય જીવન જીવ્યા છો. તમે મોસેઝ (એક યહૂદી પયગંબર) જેટલા જ્ઞાની છો અને અબ્રાહમ જેટલા દયાળુ છો, તમને તો સ્વર્ગમાં બહુ હકારાત્મક સ્થાન મળશે.”

“જયારે હું સ્વર્ગમાં જઈશ,” ઝુસ્યાએ કહ્યું, “ત્યાં મને એ નહિ પૂછવામાં આવે કે તમે મોસેઝ જેવા કે પછી અબ્રાહમ જેવા કેમ ન થયા. ત્યાં તો બસ મને એ એક જ સવાલ પૂછવામાં આવશે કે તમે ઝુસ્યા જેવા કેમ ન થયા? તું તારું જીવન તારી પૂરી ક્ષમતા સાથે કેમ ન જીવ્યો?”

બસ અંતિમ દિવસે આટલી જ ગણતરી થતી હોય છે. અને તે છે: શું હું મારું જીવન મારી પૂરી ક્ષમતાનો ઉપયોગ કરીને જીવ્યો છું/જીવી છુ? એવું જીવવું જો કે શક્ય પણ નથી જ્યાં સુધી તમે તમારા પોતાના સત્યની ખોજ ન કરી હોય, અને તે પણ કઈ મારા શિક્ષકના સત્યની કે મારા આદર્શના સત્યની ખોજ નહિ, મારા પોતાના સત્યની ખોજ. પોતાનો માર્ગ નક્કી કરવાની હિંમત માટે એક આત્મ-વિશ્વાસ અને દ્રઢનિષ્ઠાની જરૂર પડતી હોય છે, અને આ બેમાંથી એકેય એની મેળે ત્યાં સુધી નથી આવતી જ્યાં સુધી હું પોતે મારી જાત સાથે અને મારા નિર્ણયો સાથે શાંતિપૂર્વક રહી શકતો ન હોય.

મેં એ પણ જાણી લીધું છે કે, પોતાની જાત સાથે શાંતિપૂર્વક રહેવામાં એક ચોક્કસ માત્રામાં આત્મ-ગૌરવની જરૂર પડતી હોય છે. તમારામાં તમારી જાત માટેનો એક સ્વીકાર અને પ્રેમ હોવો જોઈએ અને તો જ તમે તમે જે છો, જ્યાં છો, જેવા પણ હોવ – સંજ્ઞાત્મક કે પછી ભૌતિક રીતે તેની સાથે તમે શાંતિથી રહી શકો. અને, તમારી જાતને પ્રેમ કે સન્માન કરવું ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી તમે તમારી જાત સાથે હળવાશથી ન રહી શકો, જ્યાં સુધી તમે એક જાતની નિશ્ચિંતતાથી ભરેલા ત્યાગભાવ સાથે ન જીવતા હોવ ત્યાં સુધી એ શક્ય જ નથી. મોટાભાગે, જયારે કોઈ આપણને એમ પૂછે કે આપણે શું છીએ ત્યારે તેના જવાબમાં આપણે આપણા બાયોડેટાનું વર્ણન કરવાનું ચાલુ કરી દેતા હોઈએ છીએ, કે આપણે ફલાણી કોલેજમાંથી સ્નાતક કરેલું છે, ફલાણી કંપનીમાં કામ કરીએ છીએ, કે હું કોઈ CEO છું વિગેરે. આપણે ભાગ્યે જ એ વાત કરતા હોઈએ છીએ કે આપણા માટે શું મહત્વનું છે. સામાન્ય રીતે આપણે એવું ક્યારેય નથી કહેતા કે આપણે ભલા છીએ, સત્યવક્તા છીએ કે એક પ્રમાણિક વ્યક્તિ છીએ. ઉલટાનું, આપણે શું કરીએ છીએ એની જ વાત કરવાનું ચાલુ કરી દઈએ છીએ. આવી મનોવૃત્તિ આપણને આપણે જે ભેટ લઇને જન્મ્યા છીએ તેનાથી દુર કરી દે છે. એ વાતને ભૂલી જતા હોઈએ છીએ કે આપણે શા માટે અહી છીએ કે પછી આપણે આપણા જીવનમાં શું કરી શકીએ તેમ છીએ.

આપણામાંના મોટાભાગના લોકો કોઈ બીજા જેવા બનવાની એક કાયમી કોશિશમાં લાગેલા રહીએ છીએ. પ્રેરણા એ સારી બાબત છે, પરંતુ નકલ કરવી એ સારી બાબત નથી. એ તો ખુબ જ ભયાનક બાબત છે. જેમ કે એવું કહેવાય છે કે આપણી પ્રગતિનું સાચું માપ એ નથી કોઈ બીજાની સરખામણીમાં આપણે કેટલું સારું કર્યું છે, પરંતુ આપણે આપણા ભૂતકાળની સરખામણીમાં કેટલું સારું કર્યું છે તેના ઉપર આધારિત છે. જ્યાં સુધી કોઇપણ સરખામણી આપણને પ્રેરણા આપી શકે, ત્યાં સુધી તો તે હજુ પણ તંદુરસ્ત સરખામણી કહી શકાય, પરંતુ જો આવી સરખામણીઓ આપણને આપણામાં કશુંક ખૂટે છે એવી અનુભૂતિ આપે ત્યારે એ માર્ગ એકદમ ખતરનાક સાબિત થાય છે.

પાર્કર જે. પાલ્મર  તેમના Let Your Life Speak નામના પુસ્તકમાં બહુ સુંદર વિચાર લખે છે. મેં એ પુસ્તક પાંચ વર્ષથી પણ વધુ સમય પહેલા વાંચ્યું હતું, પણ કોઈ કારણોસર તે સંદેશ મારી સાથે રહી ગયો છે. આ રહ્યો તે.

મારી પૌત્રીને તેના નાનપણના દિવસોથી મેં જોઈ હતી, અને તેને જોતા, મારા પચાસ વર્ષે હું એવું કઈક જોઈ શક્યો હતો જે હું વીસ વર્ષે જયારે બાપ બન્યો ત્યારે જોવાનું બિલકુલ ચુકી જવાયું હતું: અને તે એ હતું કે મારી પૌત્રી એક ચોક્કસ વ્યક્તિ તરીકે જન્મી હતી.

એ કોઈ એવી કાચી માટીની નહોતી કે જેને આ દુનિયા પોતાનો મનપસંદ આકાર આપી શકે. તે પોતાના આગવા સ્વરૂપ સાથે આવી હતી, તેનો આત્મા પોતાની રીતે જ પવિત્ર હતો. પવિત્ર ગ્રંથો જેમ કહે છે કે આપણે દરેકજણ ભગવાનના સ્વરૂપમાંથી જન્મેલા છીએ….માનવીય પરંપરા તેને એક ઓળખ અને સમગ્રતા કહે છે. તેને જે કહેવું હોય તે, એ એક કિંમતી મોતી જેવું છે.

મારી પૌત્રીના બાળપણના દિવસોમાં, મેં તેની રૂચી અને વલણનું બહુ નજીકથી અવલોકન કર્યું હતું. મેં જોયું હતું, અને હજી પણ જોઉં છું, કે તેને શું ગમે છે, શું નથી ગમતું, તેનો ઢોળાવ કઈ બાબતો પ્રત્યે છે અને કઈ બાબતોથી તે દુર ભાગે છે, તે કઈ રીતે આગળ વધે છે, શું કરે છે, શું કહે છે વિગેરે.

હું મારા અવલોકનોને એક પત્રમાં લખી લઉં છું. જયારે મારી પૌત્રી કિશોર અવસ્થાની થશે કે પછી વીસેક વર્ષની થશે ત્યારે હું આ પત્રો તેને મળે એવી વ્યવસ્થા કરીશ. તેની શરૂઆતમાં પ્રસ્તાવના જેવું કશુક આવું લખ્યું હશે: “તું તારા દુનિયામાં શરૂઆતના વર્ષોમાં કેવી હતી તેનું આ એક પ્રાથમિક રેખાચિત્ર છે. જો કે તે સંપૂર્ણ ચિત્ર નથી – એ તો માત્ર તું જ દોરી શકે. પણ આ રેખાચિત્ર એવી વ્યક્તિએ દોર્યું છે કે જે તને ખુબ જ પ્રેમ કરે છે. કદાચ આ પત્રો તને તારા જીવન માટે સારું એવું કઈક બહુ વહેલા કરવા માટે મદદરૂપ થશે જે તારા દાદા એમના જીવનમાં બહુ મોડેથી કરી શક્યા હતા: જયારે તું આ દુનિયામાં આવી ત્યારે તું કેવી હતી તે હંમેશાં યાદ રાખજે, અને તું જેવી હતી તેવી હંમેશાં પાછી બનતી રહેજે.”

આપણે આ દુનિયામાં અમુક જન્મજાત ભેટો સાથે આવીએ છીએ – અને પછી આપણા જીવનનો અડધો ભાગ તેને ખોવામાં વિતાવી દઈએ છીએ, કે પછી અન્ય લોકોને આપણે એ છૂટ આપી દઈએ છીએ કે તેઓ આપણને આ ભેટ કોઈ ભ્રાંતિ છે એવું સમજાવી દે. એક યુવાન વ્યક્તિ તરીકે, આપણે એવી અપેક્ષાઓથી ઘેરાયેલા રહીએ છીએ કે જેને આપણે ખરેખર કોણ છીએ તેની સાથે કોઈ લેવાદેવા જ નથી હોતી, આવી અપેક્ષાઓ એવા લોકોની હોય છે જે આપણને સમજવા માટે તૈયાર નથી હોતા, પરંતુ તેમણે નક્કી કરેલા ચોકઠાંઓમાં આપણને બેસાડવાની કોશિશ કરતા રહે છે…આપણા અડધા જીવનમાં જ આપણને મળેલી મૂળ ભેટની વિસ્મૃતિ થઇ જાય છે. ત્યારબાદ – જો આપણે જાગૃત હોઈએ, સજાગ હોઈએ અને આપણી ખોટને સ્વીકારી શકતા હોઈએ – તો પછી બાકીનું અડધું જીવન આપણે તેને પાછી મેળવવામાં લગાવી દઈએ છીએ.

કુરુક્ષેત્રના મેદાનમાં, પોતે શું કરવું જોઈએ એ બાબતે મૂંઝવણમાં મુકાયેલો અર્જુન પણ પોતે પથચ્યુત થઇ જાય છે. પોતાને હવે કોઈ યોધ્ધા તરીકે ઓળખાવું નથી હોતું કે કોઈ યોગ્ય કારણસર પણ યુદ્ધ લડવું નથી હોતું. તે પોતે છોડી દેવા માટે તૈયાર હોય છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પણ તે આ જ સલાહ આપી હતી.

श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |

स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥४७॥

તમને જે કુદરતી તરફથી મળ્યું હોય તેનો ત્યાગ કરીને કોઈ બીજાનું આંધળું આચરણ ન કરી શકો, તેમ કરવું યોગ્ય પણ નથી. જયારે તમે તમારી ક્ષમતા અને કર્મ વચ્ચે એકતાલ સાધી લો છો ત્યારે ત્યાં કોઈ સંઘર્ષ રહેતો નથી. (શ્રીમદ્ ભગવદ ગીતા, ૧૮.૪૭)

મારા નમ્ર મત મુજબ, જો તમે તમારામાં રહેલી કળાનો ઉપયોગ નહિ કરવાનું પસંદ કરશો, કે પછી તમે જેટલા સક્ષમ છો તેનાથી ઓછી ક્ષમતાના સ્તરે રહીને કાર્ય કરતા રહેવાનો નિર્ણય કરશો, તો તમને લાંબી ખુશી/સુખનો અનુભવ નહિ થાય. અને એ જો આપણને નહિ પણ ગમતું હોય તેમ છતાં, કુદરત આપણી પાસેથી આપણા મનોવલણ, ક્ષમતા, અને આપણી ચેતનાના પ્રવાહ અનુસાર કામ તો લેશે જ. તો પછી વધુ સારું તો એ રહેશે કે આપણે પોતે જ આ બધા સાથે એકતાલ મિલાવીને જીવનમાં અપ્રતિમ સર્જનાત્મકતા અને આનંદનું સર્જન કરીએ.

મુલ્લા નસરુદ્દીન, મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત એવા નગરના મંત્રીને નવી જ બાંધેલી યુનિવર્સીટી બતાવવા માટે તેમની સાથે લટાર મારતા હોય છે. તેઓ પુસ્તકાલય આગળ ઉભા રહે છે જ્યાં મોટા અક્ષરે લખ્યું હોય છે, અલ હબીબ પુસ્તકાલય.

“આ અલ હબીબ કોણ છે? મંત્રીએ નવાઈ પામતા પૂછ્યું. “ક્યારેય આ નામ સાંભળ્યું નથી!”

“કેમ, સાહેબ,” મુલ્લાએ કહ્યું, “એ તો બહુ મોટા લેખક હતા.”

“ખરેખર? એમણે એવું તે શું લખ્યું હતું?”

“ચેક.”

દુનિયા આપણને એટલા માટે યાદ નથી રાખવાની કે આપણે આપણી પાસે કેટલું રાખ્યું છે, પણ એટલા માટે જરૂર યાદ રાખશે કે આપણે કેટલું આપીને ગયા.આપણને એ બાબત માટે સન્માનવામાં નહિ આવે કે આપણે શું કરી શક્યા હોત, પરંતુ આપણે ખરેખર શું કર્યું છે તેના માટે સન્માન આપવામાં આવશે. આપણી ક્ષમતા માટે આપણું માન નહિ થાય, આપણા કર્મો માટે થશે. આપણા ઈરાદાઓ માટે આપણી કિંમત નથી થવાની, પણ આપણે શું પેદા કર્યું છે એના ઉપર આપણી કિંમત નિર્ભર રહેશે. આપણે શું કરી શકીએ તેમ છીએ તેના ઉપરથી નહિ આપણે ખરેખર શું કર્યું છે એના ઉપર વિચાર કરવાથી આપણને સારી લાગણી થતી હોય છે. જો આવું જ હોય તો, અને ખરેખર એવું જ છે, તો પછી આપણે પણ આપણી ઉત્તમ દેખાવ કરવાની જન્મસિદ્ધ ભેટને પાછી માંગીએ. ઓછા નામે, આપણે પ્રયત્ન તો

કરી જ શકીએ. ચંદ્ર પ્રયાણનું ધ્યેય શા માટે રાખવું જયારે ખરેખર આપણે એના ઉપર ઉતરી શકીએ તેમ હોઈએ.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email