કોઇપણ વર્ષે, સરેરાશ ૧૦,૦૦૦થી પણ વધુ ઈ-મેઈલ, ૩૦૦૦થી પણ વધુ નોંધ અને પત્રો મને મારા વિવિધ પ્રસંગોએ મળતા રહેતા હોય છે (આ ત્રણ ગણું સારું છે ઈ-મેઈલની બાબતમાં ૨૦૧૪ કરતા). અને આમાં કેટલીય સમૂહ અને વ્યક્તિગત મુલાકાતોનો તો સમાવેશ નથી થતો, અને એટલાં જ સવાલો હું સ્વામીનારમાં વાંચીને જવાબ પણ આપતો હોવ છું. વધુમાં, મારું પોતાનું પણ કામ હોય છે. બ્લેક લોટસ, બ્લોગ, આશ્રમ, લેખન કાર્ય, સંપાદકો, પ્રકાશકો, મુસાફરીઓ, શિબિરો વિગેરે. બીજા શબ્દોમાં કહું તો મારા સમયનો મોટો ભાગ લોકો સાથે મળીને વાત કરવામાં જતો હોય છે. અરે, આવા સતત ઈ-મેઈલ અને બીજી અનેક બાબતોની આડશ વચ્ચે પણ કોઈક રીતે, તેની વિનંતી ભરી નોંધ પર મારું ધ્યાન ખેંચાયું.

ચારેક વર્ષ પહેલા તેણે મારા આશ્રમની વ્યવસ્થાપક ટીમનો સંપર્ક કર્યો હતો અને હું તેને તરતજ મળવા માટે તૈયાર થઇ ગયો. તે પોતે તો આશ્રમ આવી શકે એવી સ્થિતિમાં નહોતી, માટે અમે જ અમારી એક યાત્રા દરમ્યાન વચ્ચે રોકાઈને તેને મળવાની વ્યવસ્થા કરી.

એક નિર્બળ પણ સુંદર આત્મા, વંદના, વંદના શર્મા, જેણે જીવનની ફક્ત ચાલીસેક વસંત જોઈ હશે, ત્રણેક વર્ષ પહેલાં જયારે હું તેને મળ્યો ત્યારે તેની આંખોમાં થોડો ડર પણ હતો અને થોડી આશા પણ. તે ૨૦૧૫થી કેન્સર સાથે લડી રહી હતી. તેનું કેન્સર એકદમ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું હતું અને આખા શરીરમાં પણ પ્રસરી ગયું હતું. તેને ફરી સાજા થવું હતું અને જીવવું હતું, એવું તેને મને એકદમ સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું. વંદનાને પોતાના નાના સંતાનોની ખુબ ચિંતા હતી. તેની સારવારનો કોઈ અંત જ નહોતો આવતો, સર્જરીઓ, દવાઓ, કીમો અને રેડિએશનથી તેનું સ્વાસ્થ્ય એકદમ કથળી ગયું હતું. કોઈ કોઈ વાર તો એનામાં ચાલવાની પણ બિલકુલ શક્તિ નહોતી રહેતી, અને તેને મારી સમક્ષ વ્હીલચેરમાં બેસાડીને લાવ્યા હતા. તે કાયમ હસતી અને થોડી ગભરાતી હોય એવી રહેતી હતી.

તે મારી પાસે બહુ જ મોટી શ્રદ્ધા સાથે આવી હતી, પણ જે હવે મારા હાથમાં પણ ન રહ્યું હોય એ બાબતનું વચન હું કઈ રીતે આપી શકું? આપી શકું? શું મેં તે આપ્યું? ના.

અને છતાં પણ, મેં તેને અને તેના પરિવારને તેમજ તેના પ્રેમાળ પતિને મળવાનું ચાલુ જ રાખ્યું. જયારે પણ મારાથી શક્ય બનતું હોય ત્યારે હું થોડી મિનીટ તેના માટે અલગ રાખી દેતો, અને અત્યાર સુધીમાં હું તેને પાંચેક વાર મળ્યો હશું. તેને બહુ જલ્દી જ એ વાતની ખબર પડી ગઈ હતી કે હું તેની ઈચ્છા પૂરી કરી શકું તેમ નથી.

હું જાણતો હતો કે હું વંદનાને આ પૃથ્વી ઉપર થોડો પણ વધારે સમય રહેવામાં કોઈપણ પ્રકારની મદદ કરી શકું તેમ નથી. તેને પ્રકૃતિ માતા તરફથી જ આ ગ્રહ છોડવાની સુચના મળી ગઈ હતી. કદાચ, સાચી રીતે કહેવું હોય તો તેનું હવે સ્થળાંતર થઇ રહ્યું હતું. અહી તેના સમય દરમ્યાન તેને જે સેવા આપવાની હતી તે તેને પૂરી કરી લીધી હતી, અને હું વંદના અહી વધુ સમય માટે રોકાઈ શકે એના માટે કશું પણ કરી શકું તેમ નહોતો.

અને, આ ગુરુ પૂર્ણિમાએ (૧૬-જુલાઈ-૨૦૧૯), તેના પતિએ મારી મુલાકાત લીધી. દર વખતની જેમ, આજે પણ, તેમની પાસે મારા માટે ઘરે બનાવેલા લાડવા હતા. બે બોક્સ ભરીને. એક નાનું બોક્સ મેં રાખ્યું અને બીજું બોકસ મેં આશીર્વાદ આપીને પાછું આપ્યું. આ અમારી પ્રથમ મુલાકાતથી ચાલ્યું આવતું હતું. અમને બન્નેને ખબર હતી કે હું મીઠાઈ ખાતો નથી. પણ એનાથી કશો ફરક પડતો નથી.

વંદનાના પતિએ મને એક પરબીડિયું આપ્યું, અને કહ્યું, “વંદના ઇચ્છતી હતી કે તમને આ પત્ર મળે. મને આ પત્ર તેના જતા રહ્યા પછી મળ્યો છે.”

મેં ગુરુપૂર્ણિમાનો પ્રસંગ પૂરો થઇ જાય તેની રાહ જોઈ, કારણકે મારે તે પત્ર શાંતિથી વાંચવો હતો. તે મારા ટેબલ પર ત્રણ દિવસ સુધી બેસી રહ્યો હતો, મારે નજર સામે જ, અને મને એ યાદ અપાવતો હતો કે મારે તેને ઉચિત સમય અને ધ્યાન આપવાનું છે.

અહી હું તેને તમારી સમક્ષ અક્ષરશ: રજુ કરું છું (વંદનાના પતિની સહમતી અને મંજુરીથી). મેં આ પત્રમાં રહેલોં શબ્દો, ફકરાઓ, વિરામચિન્હો જેવા વંદના (૧૭.૦૫.૧૯૭૪ – ૦૬.૦૫.૨૦૧૯)એ લખ્યા હતા તેવા ને તેવા જ રાખ્યા છે.

સ્વામીજી,

શત-શત પ્રણામ.

જો તમે આ વાંચી રહ્યા હશો તો તેનો અર્થ શું છે એ આપણે બન્ને જાણીએ છીએ.

કઈ વાંધો નહિ!

હું ભગવાનનો પાડ માનું છું કે એ તમને મારા જીવનમાં લાવ્યા અને તે પણ એવા સમયે કે જયારે

મને એક ગુરુની જરૂર હતી જે મને મારા જીવનના આ છેલ્લા અને સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થવા માટે મદદ કરે.

હું ખુબ જ શાંત હૃદય અને ઠંડા મગજથી જાવ છું.

હું થોડી દુઃખી તો જરૂર છું, પરંતુ મને કોઈ ડર નથી લાગતો. દુઃખી એટલા માટે કે હજી પણ હું લાગણીઓથી જોડાયેલી છું, પણ કોઈ ડર નથી કે શું થશે. આ પરિવર્તન ફક્ત તમારા લીધે જ થયું છે.

મને નથી ખબર કે હું બદલાઈ ગઈ છું કે કેમ, પણ હું જુદી જ રીતે અનુભવતી અને વિચારતી થઇ ગઈ છું. હું ખુબ જ દર્દમાં છું તેમ છતાં પણ મને મારા સંજોગો માટે, જીવન માટે, કે ભગવાન માટે કોઈ ગુસ્સો નથી. મને એ ભાન થઇ ગયું છે હું પોતે જ મારી પીડાની સર્જનહાર છું. હવે હું જે કોઈને પણ મળું છું તે દરેક માટે મને ઊંડા પ્રેમની અનુભૂતિ થાય છે. તે પ્રત્યેકજણ મને મારા પોતાના જેવા લાગે છે.

એક એવો સમય પણ હતો જયારે મારી પાસે શક્તિ અને જીવન બન્ને હતાં પણ એનું શું કરવું એની ખબર નહોતી, અને હવે જયારે મને શું કરવું એનું થોડું અમથું પણ જ્ઞાન થયું છે, તો હવે શક્તિ અને જીવન બન્ને નથી રહ્યા મારી પાસે. મને એવી આશા હતી કે હવે એક સાચા ઈરાદા સાથે હું આ શક્તિ અને જીવનનો ઉપયોગ કરી શકીશ. બસ એ એક જ અફસોસ રહ્યો.

મને મારા સંતાનો અને ખાસ કરીને મારા પતિની << નામ જાણી જોઇને નથી લખ્યું >> ખુબ ચિંતા થતી હતી. મારા પતિ મારા આત્મસંગાથી છે અને તેમની સમગ્ર દુનિયા મારી આજુબાજુ ફરતી રહેતી હોય છે, પરંતુ મને હવે કોઈ ચિંતા નથી કારણ કે મને ખબર છે કે તમે આ બધાની કાળજી લેવાના છો.

મને પહેલા એવો વિચાર પણ આવતો કે જો ભગવાને મને આટલી જ જીંદગી આપી હોય તો પછી મને એક સેકંડમાં જ કેમ ઉઠાવી નથી લેતો, કોઈ સ્ટ્રોક કે અકસ્માતમાં જ! શા માટે મને ૪ વર્ષ સુધી આ પીડા આપી? પરંતુ હવે મને એ સમજાયું છે કે આ સંપૂર્ણ મરામત કરાવ્યા પછી જ મારા આત્માનો વધુ વિકાસ થઇ શક્યો છે.

તેના માટે તો મેં આ બહુ નાની કિંમત ચૂકવી કહેવાય.

એક નાનકડી વિનંતી છે.

મારા દરેક જીવનકાળમાં આજ બાદ, પછી ભલેને હું ગમે તે સ્વરૂપ કે શરીર કેમ ન લઉં, મને કોઇપણ રીતે કરીને તમારી આસપાસ જ રાખજો.

મને ખબર નથી કે મારો આત્મા તમારી કૃપાની ખોજમાં કેટકેટલું ભટક્યો હશે પણ હવે જયારે તમે મને મળી ગયા છો તો પછી બસ મારે તમારા આશિર્વાદની શીળી છાયા તળે જ રહેવું છે. મને ખબર છે કે દરેક જન્મમાં મારા સંબંધો અને લાગણીઓ તો બદલાતા જ જશે, પણ આ એક બંધન મારે શાશ્વતકાળ સુધી જોઈએ. મને વચન આપો કે તમે મને હંમેશાં દરેક જન્મોમાં તમારી આજુબાજુ જ કયાંક રાખશો.

આપણે બહુ જલ્દીથી પાછા મળીશું, એવા એક ખૂબ જ ચોક્કસ વિશ્વાસ સાથે હું તમને ગુડબાય કહું છું.

તમે મારા ગુરુ છો, મારો પ્રેમ છો, મારા ઈશ્વર છો.

તમારા બિનશરતી પ્રેમ અને સહકાર માટે હું તમારો ખુબ આભાર માનું છું.

હું કદાચ તમને નહી ઓળખી શકું પરંતુ તમે તો મને ચોક્કસ શોધી કાઢશો.

જય શ્રી હરિ.

વંદના.

તથાસ્તુ, મેં કહ્યું.

આ પત્ર જ એક સંદેશ છે જે આજે મારે તમને સૌને આપવાનો છે. મહેરબાની કરીને એટલું સમજી લેશો કે એક દિવસે આ જીવનનો અંત આવી જવાનો છે. તમારું જીવન એવી રીતે જીવો કે જાણે તમે એને પ્રેમ કરતા હોવ અને એની પરવાહ પણ. નિમ્ન વિચારો, લાગણીઓ, ખિન્નતા, ધ્રુણા, નકારાત્મકતા, આ બધા માટે ખરેખર આપણી પાસે બિલકુલ સમય નથી. અને, જો તમને લાગતું હોય કે છે, તો પુન:વિચાર કરો.

બસ નક્કી કરી લો કે પછી આગળ ચાલતા રહો.

અને હા, વંદના, ઓમ સ્વામી તને શોધી કાઢશે. જેવી રીતે મેં મારું વચન પાલન કરીને આ સમયમાં જેટલાં લોકોને શોધી કાઢ્યા છે (અને હજી પણ એ ચાલુ જ છે), એવી જ રીતે સ્વામી તને પણ શોધી જ

લેશે. એ મારું કામ છે, મારો ધર્મ છે, એ બન્નેને હું ક્યારેય હળવાશથી નથી લેતો.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email