ગયા અઠવાડિયે આશ્રમમાં સુંદર બ્લેક લોટસ ચેમ્પિયન્સ ઓરિએન્ટેશનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ ફક્ત જેને આમંત્રણ મળ્યું હોય એવા લોકો માટેનો જ હતો, અને આખા રૂમમાં કઈક જુદી જ ઉર્જા હતી. આટલા બધા લોકો કે જે દુનિયામાં ભલાઈનો ફેલાવો કરવા માટે કટિબદ્ધ જોઇને હૃદય ઉષ્માથી પીગળી જાય એવું હતું. મને એ બાબતમાં કોઈ શંકા નથી, અને મારા પોતાના અનુભવ અને અવલોકનના આધારે હું એ કહી શકું છું કે ભલાઈભર્યું જીવન જીવવાથી તેની ઊંડી અસર ફક્ત સમાજ ઉપર જ નહિ પરંતુ તે તમારા જીવનને પણ સમૂળગું બદલી શકે છે. સરળ શબ્દોમાં કહેવું હોય તો ભલાઈ એ ખુશ થવાનો સૌથી ટૂંકામાં ટૂંકો માર્ગ છે. પરિસ્થિતિ ગમે તેટલી અંધકારભરી કેમ ન હોય, જેવું તમે ભલાઈનું એક કદમ ભરશો કે તમે તમારી જાતને એક પ્રકાશમય સ્થળમાં પામશો.

એક સવાલ કે જે મને વારંવાર પૂછવામાં આવતો હોય છે તે એ છે કે ભલાઈનો કોઈ કંપની કે સંસ્થામાં કેવી રીતે ઉપયોગ કરવો? તમારામાંના મોટાભાગના લોકો કામ પર જતા હશે, તમારામાંથી કેટલાય તો કોઈ ટુકડી કે વિભાગના વડા પણ હશે, કે પછી કોઈ મોટી કંપનીના માલિક પણ હશે, તો તમે આ ભલાઈનો ધંધો કેવી રીતે કરી શકો? ચાલો, હું તમને એક  વાર્તા કહું કે જે મેં ઘણા વર્ષો પહેલા વાંચી હતી. (અને માનવ મસ્તિષ્ક કેટલું અદ્દભુત છે. તમે તેને સાચા સવાલો કરો, અને એ તમને અઘરામાં અઘરો પ્રશ્ન પણ ઉકેલવામાં મદદ કરશે. આપણું મસ્તિષ્ક જવાબ શોધી લાવવા માટે જ બન્યું છે. પાંચ મિનીટ પહેલા, મને એ ખબર નહોતી કે હું આ વખતે શેના ઉપર લખીશ, પણ જેવું મેં કઈક લખવાનું ચાલુ કર્યું કે મારા મનમાં એક વિચારનો ફુગ્ગો ફૂલીને આવી ગયો. આહ, ફુગ્ગા ઉપરથી યાદ આવ્યું, ચાલો હું તમને એક ફુગ્ગાની વાર્તા કહું.)

એક મોટી કંપનીમાં એક મોટો પ્રશ્ન હતો, તેમાં કામ કરતા અધીરા લોકોની ટીમમાં વિશ્વાસ અને સુસંવાદીતતાનો અભાવ હતો. કંપનીનું વાતાવરણ જ એવું બની ગયું હતું કે તેમાં નકારાત્મકતાની લાગણી સતત છવાયેલી રહેવા લાગી, એટલું જ નહિ, પરંતુ દરેક ટીમ એક અસ્વસ્થ આંતરિક રાજકારણ અને સ્પર્ધામાં જ રચીપચી રહેવા લાગી અને લોકો એકબીજાને નીચા દેખાડવા માટે જ વ્યસ્ત રહેવા લાગ્યા. એક માન્યતા ઘર કરી ગઈ હતી કે કોઈ પણ ભોગે તમારે તમારું રક્ષણ કરવું જ રહ્યું.

એ કંપનીમાં એક મોટા સ્ટ્રેટેજીસ્ટને બોલાવવામાં આવે છે અને તે એક આખો દિવસ આ કંપનીના વિવિધ વિભાગોના વડાઓ સાથે વિતાવે છે, જેથી કરીને એ નક્કી કરી શકાય કે શું ખરેખર આ સંસ્થામાં કોઈ ફેરફાર કરવા જરૂરી છે. પચાસથી પણ વધુ સીનીયર મેનેજર્સ આ વર્કશોપમાં હાજરી આપે છે.

“હું તમને દરેકજણને એક ફુગ્ગો અને એક માર્કર આપુ છું,” પેલા સ્ટ્રેટેજીસ્ટે કહ્યું અને એક ખાલી રૂમ તરફ આંગળી ચીંધી. “તમારું કામ છે આ ફુગ્ગાને ફૂલાવવાનો અને એના ઉપર તમારું નામ લખવાનું અને પેલા ખાલી રૂમમાં જઈને મૂકી આવવાનો. આપણે સ્ટોપવોચનો ઉપયોગ કરીશું અને તમને આ કામ કરતા કેટલો સમય લાગે છે એની નોંધ લઈશું.”

તરત જ દરેકજણ ફુગ્ગો ફૂલાવવામાં, ગાંઠ વાળવામાં અને તેના ઉપર પોતાનું નામ લખવામાં વ્યસ્ત થઇ ગયા. કેટલાક ફુગ્ગાઓ તો ફુલાવતાની સાથે જ ફૂટી ગયા, અને એ લોકોને આ આખું કામ પૂરું કરતા થોડો વધારે સમય લાગ્યો. જયારે બધા જ ફુગ્ગા એ રૂમમાં મુકાઈ ગયા, તો પેલા સ્ટ્રેટેજીસ્ટે તેમને બીજું કામ સોપ્યું, અને તે એ કે દરેકજણે એક પછી એક એમ વારાફરતી એ રૂમમાં પાછા જવાનું અને તેમનો પોતાનો ફુગ્ગો શોધી લાવવાનો. ફરીથી એ માટે પણ સ્ટોપવોચનો ઉપયોગ કરીને કેટલો સમય લાગે છે તેની નોંધ લેવામાં આવી.

અમુક મેનેજર્સને સદનસીબે એક કે બે મિનીટમાંજ પોતાનો ફુગ્ગો મળી ગયો, પરંતુ મોટાભાગના લોકોને તો ખુબ જ વધારે સમય લાગી ગયો. સ્ટ્રેટેજીસ્ટે અધવચ્ચે જ બધાને અટકાવી દીધા અને બધાને સુચના આપી કે ફરી એક વખત બધા પોતપોતાનો ફુગ્ગો પાછો રૂમમાં મૂકી આવે.

“તમને લાગે છે આ ફુગ્ગાને બીજી કોઈ સારી રીતે શોધી શકાય?”

કેટલાય મેનેજરે એવું સુચન આપ્યું કે ફક્ત ચાર-પાંચ અલગ-અલગ રંગના જ ફુગ્ગાનો ઉપયોગ કરીને અમુકને ચોક્કસ રંગનો ફુગ્ગો આપી શકાય, દરેક રંગ છે તે એક ચોક્કસ વિભાગનું પ્રતિનિધિત્વ બતાવે, અને આમ જે કોઈ પણ ફુગ્ગો શોધવા માટે જાય તેને દસ કે તેનાથી પણ ઓછા ફુગ્ગામાંથી જ શોધવાનું રહે. તો બીજા મેનેજરોએ એવું સુચન આપ્યું કે થોડા વધારે મોટા રૂમનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આ ફુગ્ગાઓને સારી રીતે જુદા પાડી શકાય, અને તે રીતે તેને ફરી શોધવામાં સરળતા રહે. આ બધા જ વ્યવહારુ વિકલ્પો હતા.

“આપણે નિયમમાં થોડો ફેરફાર કરીએ તો કેવું રહેશે?” પેલા સ્ટ્રેટેજીસ્ટે કહ્યું. “હવે, એક પછી એક મહેરબાની કરીને પાછા પેલા રૂમમાં જાઓ, અને તમારા હાથમાં જે ફુગ્ગો પહેલા આવે એ પકડી લાવો, અને તેના ઉપર જે નામ લખ્યું હોય તે મોટેથી બોલો, અને તે નામની વ્યક્તિ ઉભી થાય અને તેને આ ફુગ્ગો આપી દો.”

ફક્ત પાંચ મિનીટની અંદર જ, દરેકના હાથમાં પોતાનું નામ લખેલો ફુગ્ગો હતો.

“સહયોગ આ કામ કરે છે,” પેલા સ્ટ્રેટેજીસ્ટે કહ્યું. “નામ લખેલો દરેક ફુગ્ગો તમારી જવાબદારીનું ક્ષેત્ર (કે જે જગ્યાએ કોઈ પ્રશ્ન હોય તે) દર્શાવે છે, પરંતુ એકબીજાની સાથે સારી રીતે વાત કરવાથી, અને એક સામુહિક ભલાઈથી, તમે એક બીજાને એમના ધ્યેય સિદ્ધ કરવા માટે વધારે ઝડપથી અને સારી રીતે મદદરૂપ થઇ શકો છો. મોટો ઓરડો હોવાથી કે અલગ અલગ રંગના ફુગ્ગાઓ લાવવા, વિગેરે પણ સારા વિકલ્પો છે, પરંતુ તેમાં હંમેશાં જરૂર કરતા વધારે સ્રોતોની જરૂર પડશે.”

“તો સ્ટોપવોચ રાખવાનો અર્થ શો હતો?” શ્રોતાગણમાંથી એકે પૂછ્યું.

“એ ફક્ત એક તાકીદ-ઉતાવળની છાપ ઉભી કરવા માટે હતું, જયારે હકીકતમાં કોઈ ઉતાવળ જેવું હતું જ નહિ. ઘણીબધી વાર મેનેજર્સ અને વિભાગના અન્ય કાર્યકર્તાઓ કોઈ પણ કાર્ય માટે બિનજરૂરી અને નકારાત્મક તણાવ ઉભો કરે છે. એકબીજાની સાથે અને એકબીજા માટે કામ કરવું એ હંમેશાં એકબીજાની વિરુદ્ધ કામ કરવા કરતા અનેકગણું વધારે સારું ઉત્પાદન આપે છે.”

મેં પણ ઘણી બધી કંપનીઓમાં, પ્રોજેક્ટ્સ ઉપર, અને એ પણ અનેક ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાય હોશિયાર લોકો સાથે કામ કર્યું છે અને મારો અનુભવ પણ બિલકુલ આવો જ રહ્યો છે. અને તે એ કે સક્ષમ લોકો હંમેશાં ખુબ જ પરિણામવાદી હોય છે અને તેઓનું સમગ્ર ધ્યાન પોતાનું નામ લખેલ ફુગ્ગો શોધવામાં જ રહેતું હોય છે. અંતે, તો આપણે સૌના મગજનું એવુ જ શરતીકરણ થયેલુ હોય છે: બસ ગમે તે ભોગે જીતો. પણ જે સાચા નેતા છે તે આના કરતાં વધુ સારી રીતે સમજતા હોય છે. તેમને ખબર હોય છે કે એક મોટી સફળ કંપની ઉભી કરવા માટે એ જરૂરી છે કે હોશિયાર દિમાગ વાળા લોકો એકબીજાની સાથે કામ કરે. આવા નેતાઓ કંપનીમાં એવું વાતાવરણ સર્જવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હોય કે જેમાં કામ કરતા લોકો ફુગ્ગો શોધીને તેના ઉપર જેનું નામ લખ્યું હોય તેને જઈને આપે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, તેઓને પોતાની અંગત જવાબદારી તેમજ સામુહિક જવાબદારીનું બહુ સરસ ભાન હોવું જોઈએ કે જેથી કરીને કંપનીના એક મોટા ધ્યેયને સિદ્ધ કરી શકાય. એ એક વ્યક્તિગત તફાવતો અને વ્યક્તિગત વલણ કરતા ક્યાંય વધુ સારું પરિણામ આપતુ હોય છે.

દરેક કંપની ગ્રાહક-કેન્દ્રીત હોય છે, જેનું ધ્યાન હંમેશાં બહાર તરફ જ હોય છે. એવી રીતે જ મોટી કંપનીઓ જીવંત, યુવાન અને હંમેશાં કઈને કઈ નવીન કરતી રહે છે. તેઓ કઈ એક ઓરડામાં ભરેલા નાના-મોટા વિવિધ રંગના ફુગ્ગાઓથી કઈ ડરી નથી જતા. તેમને એ વાતની ખબર હોય છે કે જ્યાં સુધી સમર્થ લોકો કામ પર લાગેલા હોય અને તેઓ સાચી પદ્ધતિને અનુસરી રહ્યા હોય, તો પછી કોઈપણ સ્વપ્ન સિદ્ધ કરવું અશક્ય નથી. મોટાભાગે જે કંપનીઓ નિષ્ફળ થવાના આરે હોય છે તેઓ આંતરિક બાબતો જેવી કે અંદરોઅંદરનું કામ, લોકો અને ઓફીસમાં રમાતા રાજકારણમાં જ વ્યસ્ત હોય છે. આવી કંપનીઓ ક્રમશ: નબળી અને જૂની થતી જાય છે, અને એક દિવસ અદ્રશ્ય થઇ જતી હોય છે. આ બધાનો સાર એ જ છે કે કંપનીમાં પહેલીથી જ સાચું વાતાવરણ બનાવવું જોઈએ, અને પ્રેરણાથી અને નહિ કે કોઈ ડરથી દોરાવું જોઈએ, એક પ્રેમભર્યું વાતાવરણ હોવું જોઈએ, નહિ કે ભયભર્યું, મતની અંદર વિવિધતા હોવી જોઈએ નહિ કે એકબીજાના મતનો વિરોધ.

મેં નીકો નેરુડાના The Little Book of Sufi Parables નામના પુસ્તકમાંથી એક સુંદર જોક વાંચ્યો હતો. થોડા ફેરફાર સાથે કહું છું:

મુલ્લા નસરુદ્દીન એક દિવસ કોફી હાઉસમાં બેઠા હોય છે અને ત્યાં એક અજાણ્યો વ્યક્તિ કોઈ રમુજી વાત કરી રહ્યો હોય છે તેને એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા હોય છે. જો કે પેલો વ્યક્તિ રમુજી ટુચકો સારી રીતે કહેવામાં અને તેમાં હસવું આવે એવી બાબતને કહેવામાં બિલકુલ ગોટાળો કરી દે છે. અને ત્યાં બેઠેલામાંથી કોઈપણ તેના ટુચકા ઉપર હસતું હોતું નથી. સિવાય મુલ્લા નસરુદ્દીન કે જે મોટે-મોટેથી હસતા હોય છે.

તમે કેમ હસ્યાં, મુલ્લા?” તેમના મિત્રે તેમને પૂછ્યું. “આપણને તો આ જોકમાં કશી ગતાગમ પડી નથી.”

મને પણ ક્યાં પડી છે?” મુલ્લાએ કહ્યું. “પણ હું દરેક ટુચકા ઉપર હસતો હોવ છું. કારણકે જો તમે ન હસો તો ત્યાં તે એક ખતરો રહેલો છે, અને તે એ કે પેલો ફરીથી કદાચ તમને એનો એ જ જોક સંભળાવે.”

તો કંપનીઓ અને જીવનમાં પણ આવી જ મુશ્કેલીઓ રહેલી હોય છે. જો તમે તેને અવગણશો, તો તે પાછીને પાછી આવતી રહેશે. જો દરેક ફુગ્ગો એ એક પ્રશ્નનું પ્રતિનિધિત્વ કરતુ હોય તો, પછી તમે ગમે તેટલા ઉત્સાહથી એ ઓરડામાં પગ કેમ ન મુકો, જ્યાં સુધી તમે એક પછી એક ફુગ્ગાને હટાવવાનું કામ નહિ કરો ત્યાં સુધી, આ પ્રશ્નો કે ચુનોતીઓ હમેશા તમને સતાવતી જ રહેશે.

જેમ કે સુન ત્ઝુંએ કહ્યું છે, “દરેકજણ હું જે કઈ પણ કરીને જીતું છે તે જોઈ શકે છે, પરંતુ કોઇપણ વ્યક્તિ એ બાબતને નથી જોઈ શકતું કે કઈ વ્યૂહરચનાઓ વડે મારી જીત થઇ રહી છે.”

તો બસ આ છે ફુગ્ગાનો સિદ્ધાંતનો સાર. તે એક સામુહિક ડહાપણનું સૂચક છે, એક વ્યૂહરચનાત્મક વિચારધારા કે જે દરેક સંસ્થાની અપ્રતિમ સફળતાને પાછળ જવાબદાર છે. તમારા હાથમાં રહેલો ફુગ્ગો સાચી વ્યક્તિને આપતા જાવ. જ્યાં પણ જેનો આભાર માનવાનો હોય તે માનો, અને તમે જોશો કે તમારું કામ હંમેશાં થતું જશે.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email