એવી દંતકથા છે કે બુદ્ધ એક વખત જેતવનમાં પોતાનું પ્રવચન આપી રહ્યા હતા, અને તેની સમાપ્તિમાં, તેમણે કહ્યું, “જાગો, સમય સરતો જાય છે!”

એકાદ કલાક પછી, તે પોતાના નજીકના શિષ્યો જોડે તેમજ તેમની સેવામાં સતત હાજર એવા આનંદ અને સતત જિજ્ઞાસુ એવા શરીપુત્ર સાથે બહાર નીકળ્યા. લોકોનું એક મોટું ટોળું હજી ત્યાં પરમ જ્ઞાની એવા બુદ્ધની એક ઝાંખી મેળવવા માટે ઉભું રહ્યું હતું. બુદ્ધ દરવાજાની બાજુમાં એક ખૂણામાં ઉભા રહી ગયા, જેથી કરીને ટોળું છે તે વિખરાઈ જાય અને પોતે ત્યાંથી પસાર થઇ શકે. બરાબર ત્યારે જ એક સ્ત્રી એ તેમને જોયા અને તેમની તરફ દોડતી આવી.

“તથાગત,” તે નમન કરતા બોલી, “હું એક નૃત્યાંગના છું અને આજે મારે આ શહેરના એક સૌથી મોટા શ્રીમંત વેપારીના મહેલમાં નૃત્ય કરવાનું હતું. પરંતુ હું તો એ બિલકુલ ભૂલી જ ગઈ, પણ તમે તો સર્વજ્ઞાની છો. જયારે તમે એમ કહ્યું કે ‘જાગો! સમય સરતો જાય છે!’ ત્યારે જ મને મારું આજનું કામ યાદ આવ્યું. હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. આજે મને જે કઈ પણ ધન મળશે એમાંથી અડધું હું તમારા ચરણોમાં ભેટ ધરી દઈશ.”

બુદ્ધે સ્મિત કરીને તેને આશીર્વાદ આપ્યા.

બુદ્ધ અને તેમના શિષ્યો ભાગ્યે જ હજી થોડું ચાલ્યાં હશે ત્યાં જ એક વ્યક્તિ ત્યાં આવ્યો અને બુદ્ધના ચરણો પકડીને બેસી ગયો. બુદ્ધે તેને ઉપર ઊઠવાનું કહ્યું. “ઓ સષ્ટા,” પેલા વ્યક્તિએ કહ્યું, “મને ખબર છે કે તમે કોઈના વિશે પણ ક્યારેય મત નથી બાંધી લેતા માટે મારે તમારી સમક્ષ મારું સત્ય કબૂલ કરવું છે. કેટલાય મહિનાઓ સુધી હું એક ધનવાનનું ઘર નજરમાં રાખીને બેઠો હતો, જ્યાં મારે અંદર ઘુસીને ચોરી કરવી હતી. આજે, મેં તેને તમારા પ્રવચનમાં જોયો અને અને પછી તે તેના ઘરના લોકોને કહી રહ્યો હતો કે આજે તેઓ બીજા શહેરમાં જવા માટે નીકળશે. તમારું છેલ્લું વાક્ય, “જાગો! સમય સરતો જાય છે,” સાંભળીને મને એક આંચકો અનુભવાયો. હું જાણું છું કે તમે મને એ ઈશારો આપ્યો છે, અને આજ રાત્રીના મારા ધ્યેયમાં હું જરૂર સફળ થઈશ. જો મને બહુ બધું ધન મળશે, તો હું આજ પછી ચોરી કરવાનું બિલકુલ બંધ કરી દઈશ.”

“તથાગત ફક્ત મધ્યમ માર્ગ વિશે જ ઉપદેશ આપે છે,” બુદ્ધે સ્વયંને ત્રીજા પુરુષમાં સંબોધીને પેલા વ્યક્તિને કહ્યું, “તથાગત ક્યારેય કોઈને બીજાનું નુકશાન કરવા માટે પ્રોત્સાહન નથી આપતા”

“હું તો બસ એટલું જ જાણું કે તમારા છેલ્લાં શબ્દો ફક્ત મારા માટે જ હતા,” એટલું કહીને પેલા વ્યક્તિએ તો ત્યાંથી જવા માટે રજા માંગી.

હજી બુદ્ધ બીજું કશું બોલે તે પહેલા તો તે ભાગ્યો ત્યાંથી.

“શું વિચિત્ર વ્યક્તિ છે!” શરીપુત્રે આનંદના કાનમાં કહ્યું, પણ આનંદે તો જવાબમાં ફક્ત સ્મિત કર્યું.

“કોઈના વિશે મત ન બાંધી લઈએ,” બુદ્ધે તે બન્નેને યાદ અપાવ્યું.

તરત જ ત્યાં એ સમાચાર ફેલાઈ ગયા, કે બુદ્ધ પોતાના શિષ્યો સાથે વિહારની બહાર ભ્રમણ કરી રહ્યા છે, અને જોતજોતામાં તો ત્યાં ફરી ટોળું એકઠું થવા લાગ્યું. બુદ્ધે પાછા જવાનો વિચાર કર્યો. બસ ત્યારે જ એક વૃદ્ધ વ્યક્તિ, જે એકદમ સુઘડ વસ્ત્રોમાં સજ્જ થઇને ત્યાં આવ્યો, તે કોઈ શ્રીમંત હોય એવું જણાતું હતું, તેને બુદ્ધને અટકાવીને કહ્યું. “ઓ ભંતે! કરુણાસાગર એવા હે બુદ્ધ!” બે હાથ જોડીને પોતાની ભીની આંખોએ કહ્યું. “આખું જીવન હું ભૌતિક વસ્તુઓ પાછળ જ દોડ્યો છું, આ ધ્યેય અને ફલાણા ધ્યેય પાછળ, એક પછી એક એમ. ઓર વધુ ખ્યાતિ, ઓર વધુ સોનું, ભવ્ય મહેલો, ઓર વધુ ભ્રષ્ટાચાર, છેતરામણી,  અને અનૈતિક વિચારો – બસ આ જ મારા જીવનનો સાર છે. કોના માટે આ બધું, મને વિચાર આવ્યો… તમારા પ્રવચને મારી આંખો ખોલી નાંખી. ખાસ કરીને, તમારા છેલ્લા વાક્યે, “જાગો! સમય સરતો જાય છે!” હું દ્રઢતાપૂર્વક કહી શકું છું કે તે ફક્ત મારા માટે જ હતું. મેં નિશ્ચિત કરી લીધું છે કે હું આ ભૌતિક સુખો પાછળ દોડવાને બદલે હવે હું મારા નિર્વાણ માટે જ મહેનત કરીશ. હું કેવી રીતે તમારો બદલો ચૂકવી શકીશ?”

બુદ્ધે તે વ્યક્તિને આશીર્વાદ આપ્યા અને પોતાના સ્થાનમાં પાછા વળી ગયા જ્યાં વૃક્ષો, પંખીઓ, હરણ અને એક શાંતિ ભર્યો એકાંત તેમની રાહ જોઈ રહ્યા હતા. આનંદે તેમના ચરણ ધોયા અને શરીપુત્રે તેમને નારિયળનું પાણી આપ્યું. અનુરાધા અને સુભૂતી તેમને પવન નાખવા લાગ્યા જયારે નંદા અને ઉપાલી એક પાત્રમાં પાણી ભરીને તેમની કુટીરની દીવાલો ઠંડી થાય એટલા માટે તેના ઉપર પાણીનો છંટકાવ કરવા લાગી.

“મારા આધ્યાત્મિક પુત્રો, ધ્યાનથી સાંભળો,” બુદ્ધે તેમને પોતાની નજીક બોલાવતા કહ્યું, “તથાગત એકત્રિત શ્રોતાગણો વચ્ચે ફક્ત એક જ વચન બોલ્યા, તેમ છતાં તેનો અર્થ જુદા-જુદા લોકો માટે જુદો-જુદો હતો. દરેકજણે તેનો અર્થ પોતાની સમજણ, અનુકુળતા અને સંજોગો મુજબ કાઢ્યો. માટે, જ હું કહું છું કે તમારી મુક્તિ ફક્ત તમારા સાચા દ્રષ્ટિકોણ ઉપર જ આધાર રાખે છે.”

તમે ક્યારેય એ વાતની નોંધ લીધી છે કે સંઘર્ષ હંમેશાં ત્યારે જ થાય છે જયારે બીજી વ્યક્તિ આપણા કર્મો સાથે સહમત નથી થતી, કે પછી જયારે આપણે તેમના કર્મો સાથે સહમત નથી થતા?  આપણને સામેવાળી વ્યક્તિના કર્મો સાચા નથી લાગતા, કે પછી સૌથી મહત્વનું તો એ કે, તેમના દ્રષ્ટિકોણ આપણા જેવા નથી હોતા. તેઓ તમારા જેવા જ વાતાવરણમાં મોટા થયા હોય એવું બને, તેમને કદાચ તમે જે શાળામાં ભણ્યા તેમાંથી જ શિક્ષણ લીધું હોય એવું પણ હોઈ શકે, અરે તેઓ કદાચ તમે જે ઘરમાં ઉછર્યા હોવ તેમાં જ મોટા થયા હોય તેવું પણ બને, અને તેમ છતાં પણ તેનો અર્થ એ નથી કે તેઓ આ દુનિયાને તમારી નજરે જ જોઈ શકે. બુદ્ધે “સાચા દ્રષ્ટિકોણ” ઉપર ખુબ જ વધુ ભાર મુક્યો છે, અર્થાત, એક એવો દ્રષ્ટિકોણ કે જે અહિંસક છે (વિચાર, વાણી અને વર્તન થકી) કે જેમાં એવો વિચાર રહેલો છે કે મને જેવું લાગતું હોય એના માટે હું પોતે જ જવાબદાર છું, અને સૌથી મોટી વાત તો એ કે મને જે પણ અનુભવ થાય છે તે કાં તો મારા જ કર્મો કે પછી મારી જ શરતો (વાંચો જીવન વિશેનો મારો પોતાનો દ્રષ્ટિકોણ)નું જ પરિણામ છે. હકીકતમાં, શ્રેષ્ઠમાર્ગની શરૂઆત એક સાચા દ્રષ્ટિકોણથી થાય છે, કારણકે, બુદ્ધના મત મુજબ, અને મારું પણ અનુમોદન એ જ છે, કે એક સમગ્રતા ભરી સમજણનો અભાવ હોય ત્યાં બધું જ અંતે ભાંગી પડતું હોય છે. અને સરળ શબ્દોમાં કહેવાનું હોય તો, “સાચા દ્રષ્ટિકોણ”માં ત્રણ બાબતો આવે છે:

  1. ૧. દરેક કર્મનું એક પરિણામ આવતું હોય છે.
  2. મૃત્યુ એ કઈ અંત નથી.
  3. આપણા કર્મો અને માન્યતાઓનું પરિણામ મૃત્યુ પછી પણ આવતું હોય છે.

જો બે વ્યક્તિઓ આ દુનિયાને એક જ નજરે જોઈ શકતી હોય, તો તેમની વચ્ચે કોઈપણ સંઘર્ષ નહિ હોય. અને સામાન્ય રીતે આ જ તો એક મોટો સંઘર્ષ છે: બીજી વ્યક્તિને તમારો દ્રષ્ટિકોણ જોતા કરવી કે પછી આપણે સામે વાળાનો દ્રષ્ટિકોણ સમજતા થવું.

It is difficult to get a man to understand something, when his salary depends on not understanding it!
– Upton Sinclair

અને મેં એ જોયું છે કે આ પગાર કઈ કાયમ આર્થિક વળતર નથી હોતો, મોટાભાગે આ આપણી એવી માન્યતાઓ હોય છે કે જેને આપણે જડતા પૂર્વક વળગી રહેલા હોઈએ છીએ, અને તે આપણી નૈતિકતા અને સામાજિક શરતોમાં છલકાતી હોય છે. અને તેનો આપણે દરેક વ્યક્તિગત, પરસ્પર, અને વ્યાવસાયિક સ્તરે સામનો કરવો પડતો હોય છે.

ગમે તે પરીસ્થિતીમાં તમને જો તમારું ઇચ્છિત પરિણામ મેળવવું હોય તો એનો આધાર છે તમે પોતે કેટલા સામે વાળી વ્યક્તિને તમારી વાત સાથે સહમત કરી શકો છો. બે જણ વચ્ચે શાંતિ તો જ શક્ય છે કે જયારે તેઓ બંને એકબીજાનો દ્રષ્ટિકોણ સમજી શકે. એના ઉપર જરા વિચાર કરો. દરેક સંઘર્ષનું મૂળ કારણ, અને દરેક વસ્તુમાં આપણે જે સંઘર્ષનો સામનો કરવો પડે છે તેના મૂળમાં આ જ વસ્તુ રહેલી છે: સામે વાળી વ્યક્તિ કે લોકો તમે જે કરો છો તે શા માટે કરો છો તેને નથી સમજી શકતા કે સ્વીકારી નથી શકતા. અને એવું જ તમારા વિશે પણ કહી શકાય, કે તમે તેમનો દ્રષ્ટિકોણ નથી સમજી શકતા.

તમારી સમજમાં બદલાવ લાવવા માટે, અને આંખો પરથી રંગીન ચશ્માં ઉતારીને દુનિયાને જેવી છે તેવી જોવાની  હિંમત રાખવા માટે  એક ધીરજ, સહાનુભૂતિ, અને જ્ઞાન (અને માર્ગદર્શન પણ ખરું)ની જરૂર પડતી હોય છે. હકીકતમાં, વિચારોનું બહુ વિશ્લેષણ નહિ કરવું એ સારા ધ્યાનના છ સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે. તળાવની સપાટી નીચે શું રહેલું છે તે તમે જ્યાં સુધી તેના પાણીને સ્થિર ન થવા દો ત્યાં સુધી જોઈ નથી શકાતું. ધ્યાનનો અર્થ છે, તમારા મનમાં ઉઠતા અભિપ્રાયો અને વિશ્લેષણોના તોફાનને  શાંત કરવું, જેથી કરીને તમે દરેક વસ્તુ જેવી છે તેવી જોઈ શકો. અને મારો “સાચા દ્રષ્ટિકોણ” શબ્દ કહેવાનો અર્થ પણ એ જ છે.

“તમે કાયમ ખુશ કેવી રીતે રહી શકો છો?” મુલ્લા નસરુદ્દીનના મિત્રે તેમને એક દિવસે પૂછ્યું.

“એ બહુ સરળ છે, મિત્ર,” મુલ્લાએ કહ્યું. “મારી પત્ની ખુબ જ સુંદર અને બુદ્ધિશાળી છે. મારો દિવસ ગમે તેટલો તણાવભર્યો કેમ ન હોય, જયારે હું ઘરે જાઉં અને તેની સાથે શાંતિ ભરી ઘનિષ્ઠ સાંજ પસાર કરું કે મારો બધો તણાવ જતો રહે છે.”

“ખરેખર?”

“હા બિલકુલ, મારો વિશ્વાસ કર!”

તેમના મિત્રે મુલ્લાની આ સલાહ બદલ આભાર માન્યો. અને બે અઠવાડિયા પછી, એક દિવસ જયારે મુલ્લા પોતાનું રાતનું ભોજન લઇ રહ્યા હોય છે, ત્યારે કોઈએ એમનો દરવાજો ખટખટાવ્યો. મુલ્લા દરવાજો ખોલીને જુએ છે કે ત્યાં પોતાનો પેલો મિત્ર ઉભો હોય છે, અને તે એકદમ ઉદાસ જણાતો હોય છે.

“તું, અહી? અત્યારે? બધું બરાબર છે ને?” મુલ્લાએ નવાઈ પામતા પૂછ્યું.

“હું ખુબ જ તણાવગ્રસ્ત છું, મુલ્લા,” તેને કહ્યું, “અને હું તમારી પત્ની સાથે એક શાંત અને ઘનિષ્ઠ સાંજ પસાર કરવા માટે તૈયાર છું.”

તો હવે, તમે સમજ્યા કે હું જયારે આ દુનિયાને બીજાના દ્રષ્ટિકોણથી સમજવાનું કહ્યું ત્યારે તેનો અર્થ શું થાય છે તે? એનો અર્થ એવો નથી થતો કે અન્ય લોકો આ દુનિયામાં જે કરી રહ્યા છે એનું એ જ તમારે પણ કરવું. મોટાભાગે એનો સરળ અર્થ એ થાય છે આપણી જે દુનિયા છે તેમાં શક્યતાઓની એક નવી હારમાળા લઇ આવવી, કે જેથી કરીને આપણે એક જગ્યાએ અટકી ન જઈએ કે પછી પાછા હતા ને હતા એવી પરિસ્થિતિમાં ન આવી જઈએ. અંતે પ્રગતિનું કોઈ પણ સ્તર પ્રાપ્ત કરવું એનો અર્થ એટલો જ છે કે જીવનની નવી રીતનો, નવા પરિમાણનો અને અને નવા દ્રષ્ટિકોણનો સ્વીકાર કરવો. એના માટે તમારી જાતને ચુનોતી આપતા રહો.

નુતન જીવન તરફની યાત્રાની શરૂઆત એક નુતન વિચારધારાથી જ થતી હોય છે. જાગો! સમય સરતો જાય છે…

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email