“હું મારા મસ્તિષ્કની શક્તિ કેવી રીતે વધારી શકું?” એક દિવસે મને કોઈએ પૂછ્યું. તે શું કહેવા માંગે છે એવું જયારે મેં તેને પૂછ્યું ત્યારે તેને મને કહ્યું કે વધુ સર્જનાત્મક કેવી રીતે બની શકાય અને વ્યક્તિ પોતે પોતાની સંપૂર્ણ શક્તિનો અનુભવ કેવી રીતે કરી શકે.

તેના સવાલે મને પ્લેટોની એક દંતકથા જેમાં ગુફા શબ્દને એક રૂપક તરીકે વાપરવામાં આવ્યું છે તેની યાદ આવી ગઈ. VII of the Republic નામના પુસ્તકમાં પ્લેટો આ દુનિયા અને તેમાં વસવાટ કરતા માનવોની એક ગુફા અને તેમાં કેદ થઇને રહેલા કેદીઓ સાથે સરખામણી કરે છે. તેઓ તેમની આજુબાજુ શું રહેલું છે તે ન જોઈ શકતા ફક્ત તેમની સામે શું રહેલું છે તે જ જોઈ શકતા હોય છે. The Books That Saved My Life in Prison નામના પુસ્તકમાં ક્રીસ વિલ્સન કહે છે:

પ્લેટો ગુફામાં એક કતારમાં રહેલા એવા માણસોની વાત કરે છે, જ્યાં તેઓ ફક્ત ગુફાની દીવાલ ઉપર પડતા પડછાયાને જ જોઈ શકતા હોય છે. તેઓ એવું માનતા હોય છે કે આ પડછાયા જ સમગ્ર દુનિયા છે, અને તેઓ આ પડછાયા ઉપર દલીલો કરતા રહે છે, અને આ પડછાયાઓ ને જ પોતાનું જીવન બનાવી દે છે. પછી, એક દિવસે, એક માણસ ત્યાંથી ભાગી જાય છે અને ગુફાની બહાર નીકળીને જુએ છે તો ત્યાં એક ખરી દુનિયા રહેલી હોય છે: ભૂરું આકાશ, વૃક્ષો, ઉષ્માભર્યો સૂર્ય. એ તો આ સુંદરતા અને શક્યતાઓને જોઈને એટલો ભાવવિભોર થઇ જાય છે કે બસ રડ્યાં જ કરે છે.

એક અથાગ પ્રયત્નથી કોઈ પણ કળામાં પ્રવીણતા તો બિલકુલ કેળવી શકાય છે પરંતુ તેનાથી એ જરૂરી નથી કે વ્યક્તિની ચેતનાનો પુરતો વિકાસ થઇ જાય છે. તમે જે કઈ પણ કરી રહ્યા હોય તેમાં તમે વધુ સારા બની રહો તેનો અર્થ તમારી સંપૂર્ણ શક્તિનો તમને અનુભવ થઇ રહ્યો છે એવો નથી. કારણકે એના માટે તો એક ચોક્કસ વલણની જરૂર પડતી હોય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, આપણે એ પડછાયા વિશે બીજા કેદીઓ સાથે વાતો કરવાની કલામાં તો પ્રવીણતા કેળવી શકીએ, પરંતુ આપણી જાતને તેમાંથી મુક્ત કરવા માટે તો આપણામાં એ ગુફાની બહાર નીકળવાની હિંમત અને તૈયારી જોઈએ. અને તેને જ હું મસ્તિષ્કની શક્તિ કહું છું. અને, આ શક્તિ કેળવવા માટે ત્રણ વસ્તુ મહત્વનો ભાગ ભજવે છે:

૧. આત્મ-વિશ્વાસ

ખુદને મર્યાદિત કરી દેતી આપણી પોતાની માન્યતાઓ જ એક સૌથી મોટી જેલ જેવી હોય છે. જયારે આપણે એવું સ્વીકારી લઈએ કે આપણે કશું નહિ કરી શકીએ, તો આપણે પહેલેથી જ સાચા સાબિત થઇ જઈએ છીએ. ફક્ત હકારાત્મક વાક્યો બોલવાથી કે હકારાત્મક સ્વગત સંવાદ કરવાથી આપણે આપણી આત્મ-શંકામાંથી તો બહાર નીકળી શકીએ છીએ, પરંતુ એ અમુક હદ સુધી જ કામ કરે છે. ખરેખર તો આપણને આપણી સ્વ-મર્યાદિત માન્યતાઓમાંથી બહાર નીકળવામાં જે મદદરૂપ થતું હોય છે, તે છે હાથ પર રહેલાં જે-તે વિષયનું આપણું શ્રેષ્ઠ જ્ઞાન અને તેના માટે જરૂરી એવા કૌશલ્યમાં પ્રવીણતા. દાખલા તરીકે, જો મારે કોઈ પરીક્ષા આપવાની હોય અને મારી તૈયારી બરાબર ન હોય, તો હું દુનિયાની તમામ હકારાત્મક બાબતો વિશે ફક્ત વાતો કરી શકું કે તેને સાંભળી શકું, પરંતુ તેનાથી મારી બેચેની દુર નહિ થાય કે તેનાથી હું કઈ વધારે હોશિયાર નહિ બની જઉં.

મનની સાંકળોને તોડવા માટે ખુબ જ જરૂરી એવી મસ્તિષ્કની કઠોરતા તમારી ‘હું શું કરી શકું તેમ છું’ તે વિશેની માન્યતાને ચુનોતી આપવામાંથી આવતી હોય છે. અને ત્યારબાદ એ નકારાત્મક માન્યતાઓનો બિલકુલ સફાયો કરવા માટે તમે જે ક્યારેય કરવાનું વિચાર્યું ન હોય એવું કાર્ય વધારે સારી રીતે અને અનેક વાર કરવું પડતું હોય છે. અને, આવું મોટું કામ કરવા માટે તમારે તમારા મસ્તિષ્કને બરાબર તૈયાર કરવું જ રહ્યું. ધ્યાન, યોગ, અને બીજી અનેક આધ્યાત્મક પ્રવૃત્તિઓ એના માટે ઉપયોગી છે. જો કે આ પ્રવૃત્તિઓ પોતાની રીતે પુરતી નથી. તમારી આજુબાજુ નજર કરો, અને તમે જોશો કે આપણી દુનિયામાં અનેક ધ્યાન કરવા વાળા લોકો, આધ્યાત્મિક અને ધાર્મિક લોકો રહેલા છે અને તેમ છતાં તેઓ શાંત નથી હોતા, કે પછી રસ્તામાં જોવા મળતા એક સામાન્ય વ્યક્તિથી કઈ વિશેષ નથી હોતા.

જીવનમાં કોઈ પણ કાર્ય સંપૂર્ણ કરવા માટેનો એક સોનેરી સવાલ છે જે તમે તમારી જાતને પૂછી શકો છો: જયારે પણ તમને એવું લાગે કે તમે કશું કરી શકતા નથી, ત્યારે તમારી જાતને સહજ સવાલ કરો:

‘હું કેવી રીતે આ કામ કરી શકું?’

તમારી જાતને એ સતત પૂછતાં રહો, “હું કેવી રીતે આ કામ કરી શકું?” અને તમારા મગજમાં આ સવાલ ત્યાં સુધી ઘૂમતો રાખો જ્યાં સુધી તમારું મગજ તમારા માટે તેનો જવાબ ન શોધી લાવે. તમારા જીવનમાં તમારો સંઘર્ષ ગમે તે કેમ ન હોય, માનસિક, શારીરિક, લાગણીકીય, સામાજિક કે પછી આધ્યાત્મિક ગમે તે ક્ષેત્રમાં કોઈ પણ અવરોધ કેમ ન હોય, જે તમને લાગતો હોય કે તમે પાર કરી શકો તેમ નથી, ત્યારે તમારી જાતને સતત પૂછતાં રહો, “હું આ કેવી રીતે કરી શકું?” અને તમે એ જોઈને ચકિત થઇ જશો કે તમારા અઘરા સવાલોના જવાબ શોધી લાવવાની કેવી અદ્દભુત શક્તિ તમારા મગજ પાસે રહેલી છે.

૨. સ્વયં-શિસ્ત

તમારું ક્ષેત્ર ગમે તેટલી ચુનોતીઓ વાળું કેમ ન હોય, જીવનમાં તમારે ભવ્ય મહેલ જેવડું ઘર જોઈતું હોય કે પછી આત્મ-સાક્ષાત્કાર સિદ્ધ કરવો હોય, દરેક બાબતને સ્વયં-શિસ્તથી સિદ્ધ કરી શકાતી હોય છે. હું હજી સુધી એવા કોઈ સફળ વ્યક્તિને મળ્યો નથી કે જેનામાં સ્વયં-શિસ્ત ન હોય. તમને જયારે પણ એવી કોઈ વ્યક્તિ સાથે કામ કરવાનો મોકો મળે, કે જે પોતાના ક્ષેત્રમાં અવ્વલ હોય, તો તેનું બરાબર અવલોકન કરજો. તમે જોશો કે તેઓ પોતે જ એટલા બધા સ્વયંશિસ્તબદ્ધ હોય છે કે બીજા કોઈ તેમનું ધ્યાન રાખે એવી જરૂર જ નથી પડતી. તેઓ પોતાનું ધ્યાન સ્વયં રાખી શકતા હોય છે અને સ્વયંશિસ્તની નિશાની જ એ છે કે, શું તમે તમારું ધ્યાન રાખીને તમારા આયોજન મુજબ કામ કરી શકો તેમ છો? તેના માટે એક સજગતા અને કટિબદ્ધતાની જરૂર પડતી હોય છે. પથચ્યુત થઇ જવું કે કોઈ પણ વસ્તુને ટાળતા રહેવાનું તો ખુબ જ સહેલું છે પરંતુ તેનું પરિણામ એવું આવતું હોય છે કે જે જોઇને એવું લાગે કે ક્યારેય ઢીલાશ ન રાખવી જોઈએ. કેમ જેટલી વખત આપણે આપણા માર્ગ પરથી ફંટાઈ જઈએ એટલી વધુ વખત આપણી અંદર આત્મ-શંકા ઘર કરી જતી હોય છે.

ખાસ કરીને મારી હિમાલયમાં અત્યંત કઠોર સાધનાના દિવસો દરમ્યાન મારા માટે જો હમેશા કઈ કામ કરી ગયું હોય તો, તે હતી એક નાની અમથી યાદ. હું મારી જાતને એવી કહીને યાદ અપાવતો કે, “ઘડિયાળની ટીક-ટીક તો આમ પણ ચાલુ જ છે. અને એમ પણ હું કઈ ને કઈ પ્રવૃત્તિ તો કરતો જ રહેવાનો છું, અને જયારે હું અહી ધ્યાન કરવા માટે આવી જ ગયો છું, તો પછી હું એ જ કામ કરી લઉં.” તમારી જાતને એ યાદ અપાવો, કે કરવા જેવા કામ જયારે તમે કરી શકો તેમ હોવ, તો પછી બીજું કોઈ કામ શા માટે કરવું જોઈએ.”

સ્વયંશિસ્ત એ એવું જ્ઞાન છે કે જેમાં તમને એ વાતનું ભાન રહે છે કે જો કોઈ પણ કાર્ય તમે નહી કરો, તો તે થવાનું પણ નથી. અને પછી તે કાર્ય ગમે તે કેમ ન હોય.

૩. નૈતિકતા

તમને કદાચ એવું લાગશે કે નૈતિકતા અને સદ્દગુણો વાળા જીવનને મસ્તિષ્ક શક્તિ સાથે શું સંબધ? સત્ય તો એ છે કે: કે તેને બધી પ્રકારની લેવાદેવા છે.

આપણા દરેકની પાસે ફક્ત એક જ મગજ હોય છે (કે તેનાથી ઓછુ…) અને તેનાથી કેટલું કામ થઇ શકવાનું હતું. જો તેને સતત પોતાનું જુઠ્ઠાણું છુપાવવાનું હોય અને પોતાનો સ્વબચાવ પણ કરતા રહેવાનું હોય, જો આ નાનકડા અમથા અવયવને આંતરિક રિપુઓ સાથે સતત યુદ્ધ લડતા રહેવાનું હોય, તો પછી એના પાસે કોઈ મોટા ધ્યેય માટે કામ કરવાની ઉર્જા જ નથી બચવાની. તમારા મગજને તમારા મિત્ર બનવા માટે કે પછી આત્મ-પરિવર્તનમાં સહાયક બની રહેવા માટે તે સૌ પ્રથમ તો અનિચ્છનીય વિચારો તેમજ નક્કામાં કર્મોની તુચ્છ ઝંઝીરોમાંથી મુક્ત હોવું જોઈએ. અને, સદ્દગુણોથી ભરેલું જીવન જ તમને એ સ્વતંત્રતા આપી શકે છે. જયારે આપણે કોઈ કરવા જેવું સાચું કાર્ય હોય તે જો સતત કરતા રહીએ, તો તેનાથી આપણા મગજને બ્રહ્માંડીય ચેતનામાંથી ફક્ત તાકાત અને શક્તિ જ નહિ પરંતુ જરૂરી એવી ઉર્જા પણ મળતી રહેતી હોય છે. કારણકે સત્યથી વ્યક્તિગત ચેતના અને બ્રહ્માંડીય ચેતના વચ્ચેનું અંતર જો મટી નહિ જતું હોય તો ઓછું તો જરુરુથી થઇ જતું હોય છે. જયારે આપણે એક સરળ અને પારદર્શક જીવન જીવતા રહીએ, તો પછી આપણે બહુ ચિંતા કરવા જેવું રહેતું નથી, અને ચિંતામુક્તિ તે હંમેશાં એક સારી વાત છે.

જો ટૂંકમાં કહું તો, મસ્તિષ્કને એક શક્તિ-એક બળ તરીકે જોવું જોઈએ (નહિ કે એક માત્ર અવયવ તરીકે). સ્વયં ને મર્યાદિત કરી દેતી માન્યતાઓને હટાવીને, પોતાનો આત્મ-વિશ્વાસ મજબુત કરીને તેમજ એક સદ્દગુણોથી ભરેલું જીવન જીવવાથી આ મસ્તિષ્કની શક્તિને કેળવી શકાય છે, એટલું જ નહિ તેને અનેકગણી વધારી પણ શકાય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email