“તમે મને કોઈ સલાહ આપશો?” એક દુઃખી વ્યક્તિ કબીરના અદ્દભુત જ્ઞાનની વાતો સાંભળીને તેમની પાસે પહોંચી જઈને પૂછે છે.

“કેમ?” કબીરે  કાપડ વણતા પૂછ્યું. “શું વાત છે?”

“મારે અને મારી પત્નીને  છે તે બિલકુલ બનતું જ નથી. અમારા વચ્ચે લગભગ દરેક બાબતો માટે દલીલો થાય છે. મને તો એ ખબર નથી પડતી કે હું મારું લગ્ન જીવન કેવી રીતે ટકાવી રાખું?”

“મન નાનું ન કર, મિત્ર.” કબીર વણવાનું બંધ કરીને કહ્યું. “કોઈને કોઈ રસ્તો હંમેશાં હોય છે.”

થોડી ક્ષણો બસ મૌનમાં જ વીતી, અને તે દરમ્યાન કબીર પોતાની રચેલી કવિતા ગણગણવા લાગ્યા અને પાછો પોતાનો ચરખો ચલાવવા લાગ્યા. પેલો વ્યક્તિ તો ઉનાળાના ધોમધખતા નિર્દયી સૂર્યની ગરમીથી પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. એ પોતે જે સાદડી પર બેસ્યો હતો તેના ઉપર જ આમથી તેમ ખસતો રહ્યો, અને આમ તેમ જોઈ રહ્યો હતો. તે ખુબ જ હતાશ અને બેચેન હતો. અહી નથી તો કોઈ છાંયડો કે નથી પંખો, આ માણસ (કબીર) અહી કેવી રીતે રહી શકતાં હશે, કવિતાઓ રચવાની તો વાત જ જવા દો.

પરંતુ કબીર તો એકદમ સંતોષ અને શાંતિમાં ડૂબેલા હતા. કોઈ ફરિયાદ નહિ, કોઈ તકલીફ નહિ પછી તે આ ગરમીની હોય કે પોતાની ગરીબીની હોય. પોતે જે ગરીબીમાં ડૂબેલા હતા તે એટલા માટે કે પોતે ઉચ્ચ વર્ણના નહોતા, તેમની અદ્દભુત કવિતાઓની એટલા માટે જ તો કોઈએ નોંધ નહોતી લીધી,પરંતુ તેથી કઈ તેમનામાં કડવાહટ પણ નહોતી આવી ગઈ.

“સાંભળે છે?” કબીરે ખુબ જ હળવા અવાજે પોતાની પત્ની જે રસોડામાં કામ કરી રહી હતી તેને બુમ પાડી.

“મારા માટે એક ફાનસ સળગાવી લાવીશ?”

કઈક દસ મિનીટ પછી તેમની પત્ની બહાર આવી અને ફાનસ કબીરની બાજુમાં મુક્યું. નાની અમથી વાટમાંથી આવતી ઝળઝળાહટની સૂર્યના પ્રચંડ પ્રકાશ સામે કોઈ વિસાત નહોતી, છતાં તે સ્થિરતાથી પ્રકાશી રહી હતી.

“આપણા ઘરે મહેમાન આવ્યા છે,” કબીરે પોતાની પત્નીને કહ્યું, “તેમના માટે થોડો ગોળ અને પાણી લાવીશ?”

એ દિવસોમાં, શ્રીમંતો આગંતુકોનું સ્વાગત મીઠાઈ અને પાણી પીરસીને કરતા હતા. મધ્યમ વર્ગના લોકો આમળાનો મુરબ્બો પીરસીને કરતા, તો ગરીબ લોકો છે તે પોતાના મહેમાનને ગોળ અને પાણી આપતા.

ગોળ તો બરાબર છે, પરંતુ કોણ પાગલને આ ધોમધખતા સુર્યની હાજરીમાં ફાનસની જરૂર પડે છે? છતાં, પણ પેલો વ્યક્તિ તો એક શબ્દ પણ બોલ્યો નહિ અને બસ બધું જોયા કર્યું.

બીજી દસ મિનીટ વીતી હશે, જો કે એ દસ મિનીટ બહુ લાંબી અનુભવાઈ, ફરી તેમના પત્ની એક હાથમાં પાણીનો પ્યાલો અને બીજા હાથમાં નમકીન નાસ્તો લઇને આવ્યા. કબીરે પોતાની પત્નીનો આભાર માન્યો અને નાસ્તો મહેમાનને આપ્યો.

આ શું પાગલપણું ચાલી રહ્યું છે? સૌ પ્રથમ તો આ બાઈ એમના માટે ભરબપોરે ફાનસ સળગાવી લાવે છે અને પછી જયારે કબીર ગોળ માંગે છે, તો તે નમકીન લઇને આવે છે. હું જ મહામુર્ખ છું કે અહી આવીને કોઈ જ્ઞાન મેળવવાની અપેક્ષા રાખું છું.

“તમને લાગી રહ્યું હશે કે હે ભગવાન! આ શું ચાલી રહ્યું છે અહી,” કબીરે તેમનું મન જાણી લેતા કહ્યું. “હું બળબળતા બપોરે જયારે ફાનસ લાવવાનું કહું છું ત્યારે મારી પત્ની એક શબ્દ પણ બોલ્યા વગર લઈ આવે છે, અને હું જયારે ગળ્યું લાવવાનું કહું છું તો એ તમારા માટે નમકીન લઇને આવે છે.”

“સાચું કહું તો મને ખુબ જ નવાઈ લાગી રહી છે.” પેલા વ્યક્તિએ કબુલાત કરતા કહ્યું.

“જો, મિત્ર, સુખી લગ્નજીવનનું રહસ્ય એ છે કે એમાં બિનજરૂરી દલીલોને ટાળવી અને એ દલીલો પણ મોટાભાગે તો નજીવી બાબતો માટે જ થતી રહેતી હોય છે. દરેક દલીલ એ મન પર પડતા એક મોટા ફટકા જેવી હોય છે અને જો એના માટે નજરચૂક થઇ તો, એક દિવસ એ લગ્નને ભાંગી શકે છે. મારી પત્ની મને એવું પૂછી શકી હોત કે, અત્યારે આ સમયે મારે ફાનસ શા માટે જોઈએ છીએ, પણ તેણે મારા ઉપર વિશ્વાસ રાખ્યો, એ જાણતી હતી કે મારી આવી વિચિત્ર વિનંતી પાછળ પણ કઈક કારણ હશે. અને જયારે તે ગોળની જગ્યાએ નમકીન લઇ આવી, ત્યારે હું સમજી ગયો હતો કે કદાચ ઘરમાં ગોળ પતી ગયો હશે. માટે મેં તેને સવાલ કર્યા વગર તેના ઉપર વિશ્વાસ રાખ્યો. એકબીજા ઉપરનો વિશ્વાસ અમને બન્નેને જરૂરી એવી મોકળાશ આપે છે, જેમાં અમે બન્ને અમારાથી બનતું શ્રેષ્ઠ કરી શકીએ છીએ.”

“અને આવો વિશ્વાસ અમે કેવી રીતે ઉભો કરી શકીએ? પેલા વ્યક્તિએ કબીરને પૂછ્યું.

“વ્યાજબી વાત કરવાથી, પ્રમાણિક બની રહેવાથી, અને ધીરજ દાખવવાથી.” કબીરે જવાબ આપતા કહ્યું.

એવું બહુ બધી વાર બનતું હોય છે, જો કે, મને તો એવું ઘણી બધી વાર સાંભળવા પણ મળતું હોય છે, કે બે વ્યક્તિઓ ઘણા લાંબા સુધી પરણીને સાથે તો રહેતી હોય છે, પરંતુ તેમ છતાં તેઓ પોતે એકબીજા માટે ન બન્યા હોય એવું લાગતું હોય છે. મારી પત્ની મારું કહ્યું સાંભળતી નથી, મારો પતિ મને બિલકુલ સમજતો જ નથી, મને જે ગમે તેમાંનું કશુંય મારી પત્નીને ગમતું નથી, મારો પતિ ઘરકામમાં બિલકુલ મદદ કરતો નથી, અમારી પસંદ એકબીજા સાથે મળતી નથી, અમારા બન્નેની દુનિયા જોવાની રીત બિલકુલ વિરુદ્ધ છે, અમને બન્નેને જીવન પ્રત્યે જુદી જ અપેક્ષાઓ છે.

સત્ય તો એ છે કે સંબંધોમાં સુસંગતતા જાળવવા માટે બન્ને જણાએ પ્રયત્ન કરવો પડે. જો તમે એમાં રહેલી શક્યતાઓ માટે ખુલ્લા થઇ જાવ, તો તમને એકબીજાની પસંદગીઓ પસંદ પડવા લાગશે. જો કે એવું રાતોરાત તો ન જ થાય, પણ અંતે એ થશે તો ખરું જ. તકલીફ ત્યારે જ ઉભી થતી હોય છે જયારે આપણે સંબંધમાં એક આરામદાયકતા અને ફાયદો મેળવવા માટે મહેનત નહિ કરતા બસ આશા રાખીને જ બેસી રહીએ. કોઈની સાથે લગ્ન કરવા એ એક નોકરીના કરારનામા ઉપર સહી કરવા બરાબર છે, એ બતાવે છે કે તમે હવે એમાં કટિબદ્ધ છો. તમને કદાચ શરૂઆતમાં તેના ઉપર સહી કરવા માટેનું થોડું બોનસ મળી જાય, પરંતુ ખરું કામ તો તમે જયારે સંબંધ ઉપર કામ કરવા લાગો છો ત્યારે જ શરુ થતું હોય છે. જેમ કે આપણી તંદુરસ્તી જાળવવા માટે આપણે આપણા પેટમાં શું જઈ રહ્યું છે તેના ઉપર નજર રાખતા હોઈએ છીએ તેવી જ રીતે આપણા સંબંધની રક્ષા અને માવજત કરવા માટે, આપણે શું કરીએ છીએ તેના ઉપર ધ્યાન આપવું જરૂરી હોય છે. પ્રમાણિક પ્રયત્નો કરો, ઈરાદાઓ શુદ્ધ રાખો, ભલા શબ્દો ઉચ્ચારો, સંબંધમાં એક પ્રમાણિકતાભર્યા કર્મો કરતા રહો, અને તમને તે મુજબના પરિણામોની પ્રાપ્તિ થતી રહેશે. ફક્ત એક જ બાબતની સાવધાની એ રાખવાની છે કે, અને તે મહત્વનું પણ છે, અને તે એ જ કે આ તો જ કામ કરશે, જો તેમાં બન્ને બાજુથી સામુહિક પ્રયત્ન થતો હશે તો.

કોઈ વખત, જે કામ ઝઘડા કરવાથી, દલીલો કરવાથી, બોલાચાલી કરવાથી કે ધમકીઓ આપવાથી નથી થતું હોતું તે કામ પ્રેમથી અને સામે વાળી વ્યક્તિને પ્રોત્સાહન આપવા માત્રથી થઇ જતું હોય છે. માટે, હું માનું છું કે, જયારે સમય કસોટી કરી રહ્યો હોય ત્યારે, તમારે તમારો મુદ્દો સાબિત કરવાને બદલે, તમારી જાતને એ પ્રશ્ન પૂછવો જોઈએ કે, “હું આ વ્યક્તિને મારો દ્રષ્ટિકોણ સમજાવવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરી શકું?” અથવા વધારે સારો સવાલ એ  હોઈ શકે કે, “મારે તેનો દ્રષ્ટિકોણ સમજવા માટે શું કરવું જોઈએ?” બસ આટલું કરવાથી જ બધો ફરક પડી જતો હોય છે. એ સજાગતાની ક્ષણમાં જ, તમે એકબીજાને દુઃખદાયી શબ્દો કહી દેવાની ભૂલને ટાળી શકશો.

જયારે-જયારે પણ એક દલીલ ટાળવામાં આવે ત્યારે ત્યાં થોડા પ્રેમની કમાણી થઇ જતી હોય છે. તમારી પાસે જેટલો વધુ પ્રેમ એકત્રિત થયેલો હશે, એટલો જ વધુ તમે જયારે તેની સૌથી વધારે જરૂર પડે ત્યારે ખર્ચ પણ કરી શકશો. પ્રેમ એ ઠંડા થઇ ગયેલા બે હૃદયોમાં ઉષ્મા ભરી દેતો હોય છે. જો તમે પ્રેમમાં હોવ અને જો તમે એ સંબંધ બરાબર કામ કરી શકે એવું ઇચ્છતા હોવ તો, ફક્ત પ્રેમ અને તેના પરિણામ સ્વરૂપે બીજા સદ્દગુણો જેવા કે ભલાઈ, કાળજી, મૃદુતા, સમાનુભૂતિ વિગેરે થી જ તેમાં બદલાવ લાવી શકશો.

મેં રીડર્સ ડાઈજેસ્ટ માં એક વખત આ વાંચ્યું હતું:

એક માં પોતાની દીકરીને ડેટિંગ ઉપર ટીપ્સ આપી રહી હતી. “જો ધ્યાન રાખજે, જેન,” તેને કહ્યું, “જે પણ પુરુષને તું મળતી હોય તેના અને તારા શોખ એકસરખા નહિ તો ઓછા નામે મળતા તો હોવા જ જોઈએ. જો એને પણ તારા જેવું જ ભોજન ભાવતું હોય, તમને બન્નેને એકસરખી ફિલ્મ જોવી ગમતી હોય, જો એની અને તારી સંસ્કૃતિ એક જ હોય અને તમે બન્ને એક જ ધર્મનું પાલન કરતા હશો તો, પછી લગ્નજીવનમાં બીજું બધું એકદમ સરળ થઇ જશે.”

“પણ, મોમ, જીવનને જો જીવંત રાખવું હોય તો તેમાં થોડા તફાવતો જોઈએ.” દીકરીએ દલીલ કરતાં કહ્યું. “મેં વાંચ્યું હતું કે વિરોધાભાસથી એકબીજા પ્રત્યેનું આકર્ષણ વધે છે!”

“જેન! ફક્ત અને સ્ત્રી અને પુરુષ હોવું એટલો વિરોધાભાસ કાફી છે. બહુ બધા વિરોધાભાસની આપણને કશી જરૂર નથી!”

નિ:શંક, સંબંધો કોઈ વખત તકલીફભર્યા બની જતા હોય છે, પણ તમે જો આજુબાજુ નજર કરશો (કે પછી અંદર તરફ ઝાંખશો), તો તમને જણાશે કે આપણે મનુષ્યો એકબીજા વગર રહી શકતાં હોતા નથી. એકલવાયાપણું કેટલાય લોકો માટે ખુબ જ તણાવભર્યું બની જતું હોય છે. અને, જો તમે કોઈ સંબંધમાં બંધાવાના જ હોવ, તો પછી તમે તેને ટકાવી પણ રાખો. હા, હા, હું જાણું છું કે તમે તમારા સંબંધોમાં તકલીફનું કારણ નથી, વાંક તો પેલાનો કે પેલીનો જ હોય છે, એવું તમે કહેશો. પણ હું તમને એના ઉપર પુન: વિચાર કરવાનું કહું છું. કોઈ વખત, સામેવાળી વ્યક્તિની અંદરથી શ્રેષ્ઠ કે ખરાબ બહાર કાઢી લેવાનું કામ આપણી અંદર શું ભરેલું છે તેના ઉપર પણ નિર્ભર કરતુ હોય છે.

હા, તો હું એવું કહી રહ્યો હતો કે જો તમારે કોઈ સંબંધમાં બંધાવું જ હોય તો તમે એને સફળ બનાવવા માટે કામ પણ કરો. સખત. ખંતપૂર્વક. એનાંથી હંમેશાં ફાયદો જ થશે.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email