ગયા વર્ષે જયારે હું ઓશોનું પુસ્તક “The Secret of Secrets(આભાર audible app નો!) સાંભળી રહ્યો હતો ત્યારે મને રશિયન ચિંતક જી. આઈ. ગુર્જિફની એક રસપ્રદ વાર્તા વિષે જાણવા મળ્યું. જો કે જયારે મેં ગુર્જિફ ઉપર થોડા વર્ષો પહેલા જે પણ અભ્યાસ કર્યો હતો તેમાં મને ક્યાંય આ વાર્તા વિષે જાણવા મળ્યું હોય એવું બન્યું નથી. ન તો આવી કોઈ વાર્તાનો ઉલ્લેખ ગુર્જિફના લાંબા સમય સુધી શિષ્ય રહેલા પી. ડી. ઓઉસ્પેન્સકીના રચેલા સાહિત્યમાં ક્યાય જાણવા મળ્યો હતો. આમ, હું જો કે  આ વાર્તાની યથાર્થતાને તો નથી ચકાસી શક્યો પણ તેમ છતાં તેમાં એક ખુબ જ સુંદર એવો સંદેશ તો ચોક્કસ રહેલો છે.

હું ઘણા બધા લોકોને મળતો હોવ છું અને એમાંથી ઘણા બધા લોકો મને પૂછતાં હોય છે કે: હું મારા ક્રોધ ઉપર કેવી રીતે કાબુ મેળવું? કાં તો પછી, લાલચ આવીને ઉભી રહે ત્યારે તેની સામે હું કેમ હારી જઉં છું? હું ક્યારેય કેમ મારા સંકલ્પોને વળગી નથી રહી શકતો. એવું કેમ, શા માટે?

ચાલો હું તમને આ વાર્તા કહું કે જે મેં થોડી ફેરવીને મારા પોતાના શબ્દોમાં પણ લખી છે:

ગુર્જિફ જયારે નાના હતા ત્યારની આ એક દંતકથા છે, મૃત્યુશૈય્યા પર રહેલા તેમના દાદાએ પોતાના પ્રિય શિષ્યને બોલવવાનો આદેશ આપ્યો. તેઓ એક ગ્રીક વંશમાંથી આવતા હતા, અને માટે આ વૃદ્ધ વ્યક્તિએ પોતાનું આખું જીવન મહાન ગ્રીક તત્વચિંતકો વિષે અભ્યાસ કર્યો હતો અને તેમની પાસે એક અદ્દભુત સલાહ હતી જે આજે તેમને આપવી હતી.

“જીવન એ અનેક ક્ષણોનો એક સતત વહેતો જતો પ્રવાહ છે,” નવ વર્ષના નાના ગુર્જિફને પોતાની તરફ ખેંચતા તેમણે કહ્યું. “પોતાની રીતે તો આ બધી ક્ષણો ખુબ જ સરસ અને શુદ્ધ હોય છે. પરંતુ, ઇચ્છાઓનાં ફંદામાં અને અનૈતિક પસંદગીઓ કરવાથી આ પ્રવાહ દુષિત થઇ જતો હોય છે. તમે આ લાલચોમાં જેટલા વધારે ફસાતા જશો એટલું વધુ તમારું પોતાનું જ જીવન ખરાબ થતું જશે. હું જે કહી રહ્યો છે તે તું સમજી રહ્યો છે?”

ગુર્જીફે પોતાનું માથું હલાવીને હા પાડી, પોતાના દાદાનો નબળો પડતો જતો અવાજ સાંભળીને તેની આંખો ભરાઈ આવી. ગુર્જિફને ખબર હતી કે આ કદાચ તેમનો આખરી સંવાદ ચાલી રહ્યો હતો.

“તને આપવા માટે મારી પાસે નથી કોઈ સંપત્તિ, ઘર કે ઘોડા,” વૃદ્ધ દાદાએ આગળ બોલતા કહ્યું, “પણ તારા માટે મારી પાસે આ સોનેરી શબ્દો છે. તેને તું તારા મન-હૃદયમાં અંકિત કરી દઈશ તો તને જીવનમાં ક્યારેય એક દિવસ માટે પણ અફસોસ નહિ થાય. બેટા, જો જીવન છે ને એ તારી અસંખ્ય પરીક્ષાઓ કરશે અને અનેક લાલચો પણ આપશે. પણ જો જે તે તને પતનના જોખમી અને છેતરામણી વાળા રસ્તે ભૂલથી પણ ખેંચી ન જાય. ખુબ જ કાળજીપૂર્વક સારું શું અને ખરાબ શું તે બે વચ્ચેનું અંતર સમજી લેજે અને પછી જે સારું હોય તેને જ પસંદ કરજે. યાદ રાખજે, સારી પસંદગીઓ જ સારા પરિણામ તરફ લઇ જતી હોય છે.”

“પણ મને કેવી રીતે ખબર પડે કે સારું શું છે?” ગુર્જિફે પૂછ્યું.

“એ કહેવું તો બહુ કઠીન છે. એના માટેનો કોઈ એક ચોક્કસ રસ્તો હોય એવું નથી, છતાં હું તને એક સામાન્ય નિયમ બતાવી શકું: જયારે પણ તારા કહેવાથી જો કોઈને દુઃખ પહોંચી રહ્યું હોય કે જયારે તું કશું ખોટું બોલી રહ્યો હોય, તો પછી તેને સારું કર્મ ન કહી શકાય. એક દિવસે, એ ફરીને પાછું તારી પાસે આવશે અને તને ચોક્કસ બીવડાવશે.

“એરીસ્ટૉટલે જે કહ્યું છે એ યાદ રાખજે, ‘સન્માન અને ભૌતિક સંપત્તિની ઝંખના એ કઈ સર્વોત્તમ બાબત હોઈ શકતી નથી. ઉલટાનું, જે તારી માનવ હોવાની ગરિમાને વધારે તે બાબત હંમેશાં સર્વોત્તમ હોય છે.’ સરળ શબ્દોમાં કહેવું હોય તો તારે હંમેશાં એક સારા માનવ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, સમજ્યો?”

ગુર્જિફે ફરીથી માથું હલાવીને હા પાડી અને કહ્યું, “દાદાજી, હું તમને વચન આપું છું કે હું એવું જ કરીશ.”

“હવે તે મને વચન આપ્યું છે તો,” વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, “હું તને ખુશીનું રહસ્ય બતાવીશ જેના વડે તું તારું જીવન સુંદર રીતે જીવી શકીશ. કાળજીપૂર્વક સાંભળે છે ને?”

“હા.”

“તને જયારે પણ કશું ખરાબ કે ખોટું કરવાનું મન થાય, કે પછી તને ક્રોધનો અનુભવ થાય અને તારે કોઈ ઉપર ચીલ્લાવું હોય, ત્યારે તે બાબતને ફક્ત ૨૪ કલાક માટે ટાળવાની કોશિશ કરજે. ક્યારેય જલ્દીથી વળતો ઉત્તર આપવાની ઉતાવળ નહિ કરતો. અને, જયારે પણ તને સારું કર્મ કરવાની તક મળે, તો તેને ક્યારેય કાલ ઉપર ન ટાળતો. એ તો બસ તરત જ કરી નાંખજે.

સારી પસંદગીઓ તેમજ સત્કર્મોની હારમાળા જ અંતે તો તમારા જીવનમાં આવતી અનિચ્છનીય પરિસ્થિતિઓ અને પ્રસંગોમાં તમારું સુરક્ષા કવચ બનીને તમને સાચવે છે. બસ, આટલું સરળ છે આ. સારા વિચારો, શબ્દો અને કર્મો એજ તમારું સુરક્ષાકવચ બની રહેતું હોય છે. અને એવું પણ નથી કે જીવન તમારા ઉપર તીર ચલાવવાનું બંધ કરી દેશે, પણ હા તમે હંમેશાં સલામત રહી શકશો. અને, હું માનું છું કે મોટાભાગના લોકો આ યુક્તિમાં રહેલી અમુલ્યતાને જોઈ શકતા હશે: તમારા ખરાબ કર્મોને થોડા સમય માટે ટાળી દો, અને સત્કર્મો કરવામાં હંમેશાં ઉતાવળ દાખવો. અને અહી મુખ્ય પ્રશ્ન તેના મહત્વને સમજવાનો નથી, પણ તેના ઉપર અમલ કરવાનો છે. પરંતુ જયારે આપણી અંદર ક્રોધની જ્વાળાઓ ઉઠી રહી હોય અને બધું ડહાપણ જયારે આપણને છોડીને જતું રહેતું હોય ત્યારે આ કરવાનું કેવી રીતે યાદ રાખવું? આપની લાલચ, ટેવો, ઇચ્છાઓ તેમજ આપણા સ્વયંસંચાલિત પ્રતિભાવો આપણને આ જ્ઞાનની વિસ્મૃતિ કરાવી દેતા હોય છે. ક્રોધનો આવેગ આપણી ભલાઈને ડરાવીને તેને ઉડાડી મુકે છે, જેવી રીતે એક મોટી તાળીના અવાજથી પંખી વૃક્ષ ઉપરથી ઉડી જાય છે તેમ.

તો પછી જયારે આ વિલંબિત પ્રતિભાવ આપવા માટે જરૂરી એવી સજગતા તમારી પાસે હંમેશાં રહે તે બાબતનું ધ્યાન કેવી રીતે રાખવું? સૌ પ્રથમ, તો સજગતા કેળવવા માટે તમારે વારંવાર તમારા મનને વર્તમાન ક્ષણમાં લાવવાની પ્રેકટીસ કરવી પડશે. એના માટે બે સરળ સવાલો તમારી જાતને પૂછો:

(૧). હું અત્યારે શું કરી રહ્યો/રહી છું?

(૨). મારે અત્યારની ક્ષણે શું કરવું જોઈએ?

અને બીજું, તેનાથી પણ વધારે મહત્વનું છે, સજગતા અને ભલાઈને પોષે તેવું વાતાવરણ તમારી આજુબાજુ હોય. તમારે ઓલોમ્પિકની તરણસ્પર્ધામાં ભાગ લેવો છે? વારુ, તો પછી તમારે ઓલોમ્પિકમાં જેવડો મોટો સ્વીમીંગપુલ હોય છે એવડા મોટા પુલમાં પ્રેક્ટીસ આજે નહિ તો કાલે શરુ કરવી જ પડશે. એક દિવસ એની જરૂર પડવાની જ છે, તો પછી જેટલું જલ્દી કરવું એટલું વધારે સારું રહેશે, અને જેટલી વધુ પ્રેક્ટીસ કરશો એટલું જ વધારે સારું પણ રહેશે.

Can a man take fire to his bosom, and his clothes not be burned? Can one go upon hot coals, and his feet not be seared? (Proverbs 6:27-28).

તમારી જાતને એક યોગ્ય વાતાવરણમાં રાખો અને જુઓ એક સજગતાનો ચમત્કાર કેટલો સહજતાથી થાય છે. સાચી શરતોનું સર્જન કરો અને જુઓ કે એનાથી કેવો જાદુ થાય છે.

“આ જુઓ, છત કેટલી ટપકે છે!” મુલ્લા નસરુદ્દીનના ભાડુઆતે તેમના ઉપર ચિલ્લાતા કહ્યું. “હું તમને કેટલાય મહિનાઓથી કહી રહ્યો છું. આવું ક્યાં સુધી ચાલશે?”

“કશું કહી ન શકાય મારા મિત્ર,” મુલ્લાએ શાંતિથી જવાબ આપતા કહ્યું, “હવામાન વિશેની મારી આગાહી મોટેભાગે ખોટી જ પડતી હોય છે.”

કોઈપણ પરિસ્થિતિનો સામનો આપણે કેવી રીતે કરીએ છીએ તેનો આધાર ફક્ત બે બાબતો ઉપર રહેલો છે: જીવન પ્રત્યેનો આપણો અભિગમ અને આપણી ટેવો. આ બે બાબતોમાં જો બદલાવ લાવીએ તો તેનાથી આપણી લાગણીઓ, પ્રતિભાવો અને આપણા ફરી પડી ગયા પછી ઉભા થવામાં જે સમય લાગે છે એ તમામ બાબતોમાં પણ બદલાવ આવતો જશે.

હંમેશાં ખરાબ કર્મને ટાળો. અને સત્કર્મો કરવામાં ઉતાવળ દાખવો.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email