“હે રાજન! હું બહુ મોટી આશા લઇને આવ્યો છું!” એક અઘોરીએ કહ્યું. “શું મહામહિમ આજે મારી ઈચ્છા પૂરી કરી શકશે ખરા?”

“તમારે જે જોઈતું હોય તે માંગો,” રાજાએ જવાબ આપતા કહ્યું. “દાન આપવા માટે મારી પાસે ઘણું બધું છે.”

“ફક્ત આ કટોરો ભરાઈ જાય એટલું જ જોઈએ.” અઘોરીએ પોતાનો કટોરો આગળ ધરતા કહ્યું.

“બસ એટલું જ? સામાજિક કામોની સંભાળ લેનાર મંત્રી પણ તમારા માટે એટલું તો કરી શક્યા હોત. તમે શું આ રજવાડાની મશ્કરી કરી રહ્યા છો? ફક્ત આ ભિક્ષાપાત્ર જ ભરવાનું છે! મને ખુબ ખરાબ લાગી આવ્યું છે.”

ભદ્રઘોષ રાજાનું કહેવાનું ખરું પણ હતું કેમ કે રાજા જેટલા ગર્ભશ્રીમંત હતા એટલાં જ પરોપકારી વૃત્તિના પણ હતા. તેઓ એક મોટા સામ્રાજ્યના રાજા હતા અને શરીર ઉપર રાખ ચોપડેલો એક સંન્યાસી એક ભિક્ષાપાત્ર ભરવા માટે થઇને તેમનો કિંમતી સમય બગાડે એ ઉચિત નહોતું, લગભગ એવું જ કઈક રાજાને આ ક્ષણે લાગી રહ્યું હતું.

“તમે સત્ય કહી રહ્યાં છો મહારાજ, પણ થોડી ઉતાવળ કરી રહ્યાં છો.” અઘોરીએ કહ્યું. “અત્યાર સુધી કોઈ આ ભિક્ષાપાત્રને ટોચ સુધી ભરી શક્યું નથી. કદાચ મહારાજાધીરાજ અન્ય લોકોથી ભિન્ન હશે.”

અઘોરીના અવાજમાં રહેલી એક નિર્ભીકતા, ઉત્કૃષ્ટતા અને હૃદય સોસરી ઉતરી જાય એવી નજર જોઈને ભદ્રઘોષની આતુરતા ઓર વધી ગઈ. જો કોઈ બીજાએ એમની સમક્ષ આવી રીતે વાત કરવાની હિંમત કરી હોત તો તેને અત્યાર સુધીમાં તો જેલ ભેગો કરી દેવામાં આવ્યો હોત, પરંતુ આ સંન્યાસી કઈક જુદો જ લાગી રહ્યો હતો. રાજાએ એક તાળી પાડીને પોતાના ખજાનચીને બોલાવ્યો અને આ સંન્યાસીના ભિક્ષાપાત્રને સોનામહોરોથી ભરી દેવાનો આદેશ આપ્યો.

“એમ નહિ, મહારાજ.” અઘોરીએ કહ્યું, “હું મારું ભિક્ષાપાત્ર એક શરતે જ આપીશ.”

“બોલો.”

“જો આપ મહારાજ તેને ભરી શકવા માટે અસમર્થ રહો, તો તમારે તમારો આ રાજમુકુટ અને રાજ્ય મને સોપી દેવું પડશે.”

“અને જો હું આ ભિક્ષાપાત્ર ભરી આપવામાં સફળ રહું તો શું?”

“તો હું આ મારી જટા ઉતારીને માથે મુંડન કરાવી લઈશ અને તમારો ગુલામ બનીને જીવીશ ત્યાં સુધી તમારા ગુણગાન ગાતો રહીશ. અને જો સત્ય જ કહું તો હું તમને જ મારા ગુરુ બનાવી લઈશ.”

ભિક્ષાપાત્ર પેલા ખજાનચીને આપ્યું અને તેને તો થોડી ક્ષણોમાં જ તેને સુવર્ણમુદ્રાઓથી ભરી દીધું.

“મને ખબર નથી પડતી કે આમાં શું મોટી નવાઈની વાત હતી,” ભદ્રઘોષે કહ્યું, “લો આ તો ભરાઈ પણ ગયું.”

“જરા ફરીથી જુઓ, મહારાજ.” અઘોરીએ કહ્યું.

ભિક્ષાપાત્ર તો એકદમ ખાલીખમ હતું. તેને ભરવા માટે ફરી પ્રયત્ન કરવામાં આવ્યો, પણ થોડી ક્ષણો બાદ જ, ફરીથી એ તો ખાલી થઇ ગયું. પછી તો તેને અનાજ, દાણા, સુવર્ણ, દૂધ, પાણી, સિલ્ક અને ત્યાં હાજર એવી દરેક ભૌતિક વસ્તુઓથી ભરવાની કોશિશ કરી જોઈ, પરંતુ કોઈ તેને ટોચ સુધી ભરી શક્યું નહિ, અરે છેવટે કંકર ને પથ્થરાઓ પણ ભરી જોયા, પરંતુ કશું કામ આવ્યું નહિ. રાજા અને મંત્રીગણને તો પસીનો છૂટી ગયો. તે દરેકને આ અઘોરી રાજસિંહાસનની નજીક જઈ રહ્યો હોય એવું માનસિક દ્રશ્ય દેખાવા માંડ્યું.

“મને ક્ષમા કરો, હે મહાપુરુષ!” રાજાએ પેલા અઘોરીના પગે પડતા કહ્યું, “શું આપ સાક્ષાત શિવ છો? કોણ છો આપ?”

“મહારાજ, હું તો ફક્ત એક સાધુ છું,” અઘોરીએ રાજાને ઉભા કરતા કહ્યું, “તમારું સ્થાન મારા ચરણોમાં નહિ પરંતુ આ સિંહાસન ઉપર છે.”

“કૃપા કરીને મને જ્ઞાન આપો. આ ભિક્ષાપાત્રમાં એવું શું ખાસ છે?”

“તે મનુષ્યના ખપ્પરમાંથી બનાવેલી છે. તમે એમાં ગમે તેટલું કેમ ન ભરો, તે ક્યારેય થોડી ક્ષણોથી વધારે સમય માટે સંતોષાતુ જ નથી. તેને હંમેશાં વધુને વધુ જોઈતું હોય છે. અરે જયારે તે ભરાયેલું હોય ત્યારે પણ બસ ખાલી જ ભાસતું હોય છે. આ ખાલીપાનો ભ્રમિત દેખાવ બહુ જ ખતરનાક હોય છે, મહારાજ. તે મનુષ્ય ને એક પછી એક વસ્તુની ખોજ પાછળ જીવનના છેલ્લાં શ્વાસ સુધી દોડતો રાખે છે, પરંતુ તેમ છતાં પણ આ ખોપરીમાં ક્યારેય સંતોષ આવતો જ નથી. લાખો વિચારો મગજની અંદર આવતા જ રહે છે અને તેમ છતાં તે બસ ખાલીપાની ભ્રમણાને હંમેશા જીવતી જ રાખે છે.”

મનમાં ચાલતા રહેતા વિચારો અને ઇચ્છાઓનો અસ્ખલિત પ્રવાહ તેમજ ચેતનામાં ઉઠતી અસંખ્ય લાગણીઓ, આપણા અસ્તિત્વ ઉપર સતત પડતી રહે છે અને એજ છે આ માનવ સહજ બેચેની અને અસંતોષનું મૂળ. આપણે એક ઈચ્છાને સંતોષીએ અને તેનાથી મળેલા ફળનો સ્વાદ પૂરો માણીએ તે પહેલાં તો, મોટાભાગે, આપણને બીજી ઈચ્છાની પૂર્તિ માટે કામ કરવાનું મન થઇ જતું હોય છે. જ્યાં સુધી મનને સ્થિર થવાની તાલીમ નથી મળતી ત્યાં સુધી તેમાંથી સંતોષ પણ નથી આવતો હોતો.

અને, સંતોષ એ કઈ હંમેશાં એક લાગણી નથી હોતી. અને અસંતોષી વ્યક્તિ લોભી હોય છે એવો પણ તેનો અર્થ નથી. કોઈક વખતે, (મોટાભાગે તો હંમેશાં) એવું બનતું હોય છે કે, અસંતોષ એ ફક્ત મગજનો એક બબડાટ માત્ર હોય છે, જેવી રીતે એક નાનકડું છોકરું જેમ હમણાં-હમણાં જ શબ્દો જોડીને વાક્ય બોલતા શીખ્યું હોય અને સતત પોતાની સાથે જ વાતો કરે રાખે એમ, એવું જ આપણી ખોપરીમાં સતત ઉઠતાં વિચારોનું પણ હોય છે. અરે વિસ્મય પમાડે એવી વાત તો એ છે કે જો આ વિચારો ઉપર આપણે ધ્યાન ન આપીએ તો એ સતત આવતા જ રહે છે અને આપણી સમગ્ર ચેતનાની અંદર પોતાનું સ્થાન લઇ લેતા હોય છે, જેવી રીતે તળાવની અંદર હવા એક પરપોટો બનીને ધીમેધીમે તેની સપાટી ઉપર આવી જાય છે અને પછી ઉપર તરતો રહે છે, એ મોટો ને મોટો બનતો જાય છે. થોડી વાર માટે તો એ ઉપર પાણી ઉપર તરતો રહે છે, પરંતુ છેવટે પછી ફૂટી જાય છે.

એક ઢંગધડા વગરના વિચારની ઉત્પત્તિ અને વિલયની વચ્ચે એ તમારા મનની અડીયલ વૃત્તિઓને ઉશ્કેરીને તમને સોક્રેટીસમાંથી સેતાન બનાવી શકે છે. મારા મત મુજબ વિચાર એ માનવ અસ્તિત્વની એક શકિતશાળી બાબત છે.

આપણી વિચાર કરી શકવાની શક્તિ આપણને આપણે જેવા છીએ તેવા બનાવતી હોય છે, અને આપણી તેના ઉપર વિચાર નહિ કરી શકવાની અસમર્થતા આપણને આપણા જ વિચારોના ગુલામ બનાવી દેતી હોય છે. દાખલા તરીકે, તમે સુવાની કોશિશ કરો છો પરંતુ મનનો બબડાટ સતત ચાલી રહ્યો હોય તો તમારે તો આરામ કરવાની ઈચ્છા છે પરંતુ મનની વધારે પડતી સક્રિયતા ને લીધી તમે સુઈ શકતા હોતા નથી.

એક સારા અને એક મહાન ધ્યાનની વચ્ચે ફક્ત મનની સ્થિરતાનો કે પછી એક અસામાન્ય એકાગ્રતાનો જ તફાવત રહેલો છે એવું નથી, તેમાં એક સતત સજગતા – જાગૃતિ રહેતી હોય છે. હું આ જાગૃતતા વિષે છેલ્લા કેટલાક વર્ષોથી વાત કરી રહ્યો છું, પરંતુ અહી તેનો અર્થ બીજા સંદર્ભમાં કહી રહ્યો છું. અહી જાગૃતિમાં તમારે તમારા મનમાં જે સતત બબડાટ થઇ રહ્યો હોય છે તેના તરફ ધ્યાન નહિ આપવાની બાબતની વાત છે. અને આ કૌશલ્ય ઉપર પ્રભુત્વ મેળવી લઈએ તો તેનો ખુબ જ ફાયદો પણ છે: તમે તમારા મગજમાં ઉઠતા વિચારોને અવગણતા શીખો છો. કારણકે, કોઈ પણ બાબત વર્તમાન ક્ષણમાં ગમે તેટલી મહત્વની કે ગંભીર કેમ ન જણાતી હોય થોડો સમય પસાર થઇ ગયા પછી તે જ બાબતનું મહત્વ તેટલું જણાતું હોતું નથી. ગઈકાલની જે વાત કદાચ જીવન-મરણના સવાલ જેવી લાગી હોય એ જ બીજા દિવસે સવારે કદાચ એકદમ ક્ષુલ્લક કે રમુજ પમાડે એવી પણ લાગી શકે, ખાસ કરીને એક સરસ ઊંઘ લીધા પછી અને સવારનો પોષક નાસ્તો કરી લીધા પછી તેના ઉપર પાછો વિચાર કરીએ તો.

ક્યારયે મરઘીને પોતાના ઈંડા સેવતા જોઈ છે? તે એના ઉપર દિવસો સુધી બેસી રહેતી હોય છે. દિવસમાં અનેક વખતે તે આવીને તેના ઉપર બેસતી હોય છે, અને તેમને જરૂરી હુંફ અને રક્ષણ આપતી હોય છે. તેની આ ક્રિયા તેના ઈંડાને જીવંત રાખે છે, અને એક દિવસે તેમાંથી બચ્ચું બહાર આવતું હોય છે. હવે મરઘી પોતાના બચ્ચાઓના પ્રેમમાં પડી જાય છે અને તેમના પ્રત્યે એક પ્રકારનો માલિકી ભાવ આવી જાય છે. તેને મુકેલા ઈંડા અને હવે બહાર આવેલા બચ્ચાઓના મોહમાં તે પડી જાય છે. આપણે જે વિચારોનો ત્યાગ નથી કરી શકતા હોતા તેમના માટે પણ બસ આવું જ થતું હોય છે. પ્રથમ તો તે ફક્ત આપણી અંદર જ હોય છે, અને અંદર જ વિકસતા હોય છે. એક દિવસે, તે એક સ્વરૂપ ધારણ કરી લે છે, અને આપણે તેનો સામનો કરવાની ફરજ પડતી હોય છે. જો તમે તેની ઉપર જ બેસી રહેશો તો તમે તેને જીવંત જ રાખશો. અને એક દિવસે તેમાંથી કશુંક તો બહાર ચોક્કસ આવશે જ, અને હવે જયારે તમે આટલું બધું ધ્યાન એના ઉપર આપેલું હશે તો તમને તેને પકડી રાખવાનું પણ મન થવાનું જ, તેની પાછળ-પાછળ દોરાવાનું મન પણ થવાનું જ. બસ મનનું વલણ જ પછી આવું બની જતું હોય છે. પછી એક નિરાશાવાદી સતત ચિંતા કરતો થઇ જાય છે અને એક આશાવાદી છે તે હવે વધારે પડતો આત્મવિશ્વાસુ બની જાય છે. એક શોખ હવે ઝનુન બની જાય છે અને ઝનુન છે તે રોગ.

સજગતા એ વિચારોના ધોધ ઉપર એક નજર રાખે છે. તે તમે શેની પાછળ જઈ રહ્યા છો તેના વિષે તમને સભાન રાખે છે. અને ઉત્તમ વાત તો એ કે, સજગતા તમને તમારી ઈચ્છા મુજબ તમારું ધ્યાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે સમર્થ બનાવે છે.

મુલ્લા નસરુદ્દીન ઈંડા વેચતા હોય છે, ત્યાં એક ગ્રાહક આવે છે અને ઈંડા ચકાસે છે. તે ઈંડાને પોતાના હાથમાં લે છે તેને આમતેમ ફેરવીને જુવે છે અને પાછુ મુકે છે. ક્યારેક તે તેને સુંઘશે તો ક્યારેક તેને થોડું હલાવી જોશે.

“શું આ ઈંડા તાજા છે?” ખરીદવાનું મન બનાવીને ગ્રાહકે મુલ્લાને પૂછ્યું.

“સાહેબ, મને તેની કેવી રીતે ખબર પડી શકે?” મુલ્લાએ જવાબ આપ્યો. “હું ઈંડા નથી મુકતો, હું તો ખાલી વેચું છું.”

માનવ-મનને વિચારોની શું પ્રકૃતિ છે તેની ખબર હોતી નથી. તેને એ નથી ખબર હોતી કે વિચારો સારા છે કે ખરાબ, સાચા છે કે ખોટા, તાજા છે કે વાસી. આપણે આપણી સમજણ અને શરત મુજબ તેના ઉપર આવા લેબલ લગાવતા હોઈએ છીએ.જો તમે તમારા વિચારો ઉપર બેસીને તેને સેવતા નહિ રહો તો તેમાંથી કશું જન્મીને બહાર પણ નહિ આવે. અને જો તેમાંથી કશું બહાર નહિ આવે તો તમને જીવનમાં એક મોહ ઓછો થશે, જીવનમાં ચિંતા કરવા માટેની એક બાબત ઓછી રહેશે. એક અનિચ્છનીય વિચાર ઉપર ધ્યાન અને મંત્રણા કરીને તેને આહાર આપવામાં કશું ડહાપણ નથી, તમારી ખોપરીમાં સતત વિચારોને ભરી રાખવામાં પણ કોઈ મોટું ડહાપણ નથી. એ તો એક એવું ભિક્ષાપાત્ર છે કે જે ક્યારેય ભરાતું જ નથી. જતું કરો. તમારું ધ્યાન બીજે લગાવો. તમારી ઉર્જાનો નિવેશ કશુક સર્જનાત્મક અને અર્થસભર કાર્ય કરવામાં કરો. યાદ રાખો, ઈંડા નહિ તો બચ્ચા પણ નહિ.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email