એક પ્રખ્યાત ઝેન સંન્યાસી એક ગર્ભશ્રીમંતના ઘરે રાખેલી બોનેન્કાઈ ( આ જાપાનીઝ શબ્દનો અર્થ થાય છે: વર્ષને અંતે બધા એકત્ર થઇને વર્ષને ભૂલવાની ઉજવણી કરે છે તે.)માં સામેલ થાય છે. શહેરના દરેક ક્ષેત્રના જાણીતા લોકો એ આ ઉજવણીમાં સામેલ થઇને ચાર ચાંદ લગાવી દીધા હોય છે. આ મિજબાનીમાં સુંદર ગેઈશાઓ (નૃત્યકલાના પ્રદર્શનથી જનમનોરંજન કરનારી સ્ત્રીઓ), મોંધી મદિરાઓ, વાતાવરણમાં પ્રસરી રહેલી ખુશ્બુ અને ભવ્ય ભોજનનું પ્રદર્શન દરેકને તેના પ્રત્યે સહજ આકર્ષિત કરે તેવું હતું.

“મારો આશય તમને નીચા દેખાડવાનો નથી, ગુરુજી.” એક બીજા ગર્ભશ્રીમંતે ઝેન સંન્યાસીને પૂછતાં કહ્યું, “પરંતુ, શું હું તમને એક સવાલ પૂછી શકું?”

સંન્યાસીએ પ્રત્યુત્તરમાં પોતાનો એક હાથ હવામાં ઉંચો કરીને સમંતિ આપી.

“બધા કહે છે કે તમે બહુ આત્મજ્ઞાની છો,” તેને ધીમે રહીને પૂછ્યું, “કે તમારી આભામાં એક પ્રકારની શાંતિ અને ચમક છે. પણ એવું તો હું એક ગેઈશા માટે પણ કહી શકું.” પેલા વ્યક્તિએ એક સુંદર દેખાવ વાળી અને મોટા ફૂલોની ભાત વાળો સિલ્કનો કીમોનો પહેરેલી ગેઈશા તરફ આંગળી ચીંધતા કહ્યું. આ ગેઈશાના વ્યક્તિત્વમાં રહેલી દરેક વસ્તુ જેવી કે સુંદર કેશકલાપ, રંગેલા નખ એ બધું જ જાણે કોઈ એક કલા જેવું લાગતું હતું. “વાસ્તવમાં તો આ ગેઈશા સામું જોવું વધારે આનંદદાયક છે. તે તમારી અંદર એક ઈચ્છા ઉભી કરે છે અને તેના તરફ એક દ્રષ્ટિ માત્ર મારા ગર્વને ગાળી નાંખતી હોય એવું લાગે છે.”

“તો પછી,” તેને ચાલુ રાખતા કહ્યું, “તમારી અને એની વચ્ચે તફાવત શો છે?”

“બરાબર છે,” સંન્યાસીએ જવાબ આપતાં કહ્યું, “હું તમારા સવાલનો જવાબ યોગ્ય ક્ષણે આપીશ.”

થોડા કપ ચા પીધા પછી, પેલી એ જ ગેઈશા આ સંન્યાસી પાસે ગઈ અને તેમને નમન કર્યું.

“અરે હા, તું!” સંન્યાસીએ આશ્ચર્યજનક થઇને પૂછ્યું, “મારે તને એક ભેટ આપવાની છે.”

“તમારા તરફથી જે કઈ પણ મળે તે એક આશીર્વાદ સમાન છે,” ગેઈશાએ કહ્યું.

ગુરુએ તો બાજુમાં રાખેલી સગડીમાંથી ચોપસ્ટીક વડે એક સળગતો લાલ કોલસો લીધો.

એક ક્ષણના ખચકાટ પછી, ગેઈશાએ પોતાનો કીમોનો હાથ ઉપર લપેટ્યો, અને હાથ લંબાવીને ગુરુ પાસેથી ગરમ કોલસો લીધો. પછી સીધી જ તેને રસોડા તરફ દોટ મૂકી અને એક પાણી ભરેલા વાસણની અંદર એ કોલસો મૂકી દીધો. આ સમગ્ર પ્રક્રિયામાં તેના હાથ તો સહીસલામત રહ્યા પણ તેનો કીમોનો બળી ગયો. તે બીજા ઓરડામાં ગઈ અને બીજા વસ્ત્ર બદલ્યાં, પોતાનો મેકઅપ ઠીક કર્યો અને પાછી ઉજવણી જ્યાં ચાલી રહી હતી તે મોટા ઓરડામાં આવી.

“તમારી ભેટ બદલ આભાર,” ગેઈશાએ સંન્યાસીને કહ્યું. “અને, મારી પાસે પણ તમને બદલામાં આપવા માટેની એક ભેટ છે.”

“સંન્યાસીએ સ્મિત વેરતા પોતાનું માથું હલાવ્યું. ગેઈશાએ પણ બાજુમાં પડેલી સગડીમાંથી ચીપિયા વડે એક બળતો કોલસો ઉઠાવ્યો અને સંન્યાસી તરફ લંબાવ્યો.

“અરે અત્યારે જેની જરૂર હતી એ જ!” સંન્યાસીએ જવાબ આપતા પોતાની કીસેરું (સ્મોકિંગ પાઈપ) લંબાવી અને કોલસાથી તેને સળગાવી.

“બોનેન્કાઈ!” સંન્યાસીએ ગર્જના કરતા કહ્યું. “ખાલી વર્ષને નહિ ભૂલતા, ભૂતકાળને પણ ભૂલી જઈએ. જે ગયું એ ગયું.”

“ગુરુજી!” પેલો સવાલ પૂછનાર વ્યક્તિ આ બધું જોઈ રહ્યો હતો તે બોલ્યો, “મને મારો જવાબ મળી ગયો.”

કોઈવખત, જીવન તમને સળગતો કોલસો પણ આપશે અને એ પણ ત્યારે કે જયારે તમે તેના માટે પૂરતા તૈયાર નહિ હોવ. અરે સૌથી ખરાબ તો એવું પણ થાય કે તમે એ સળગતા કોલસાને લાયક પણ નહિ હોવ. એ અનપેક્ષિત ભેટથી દાઝી નહિ જતા. ઉલટાનું, તેનો ઉપયોગ તમારી પરિસ્થિતિને વધુ મજબુત કરવા માટે જ કરજો, આગળ વધવા માટે કરજો. હા આ કઈ બગીચામાં ટહેલવા જેટલું સરળ નહિ હોય અને એ કઈ કુદરતી આવડત જેવું પણ નહિ હોય, તેમ છતાં તેને શીખી શકાય છે અને તેના ઉપર પ્રભુત્વ પણ મેળવી શકાય છે. અને આ સખત મહેનતનું કામ છે એવું હું એટલા માટે કહું છું કે ત્યાં તમારી સજગતામાં સહેજ પણ ચૂક થઇ જાય તો એ ચૂક આ દુનિયાનું સમગ્ર જ્ઞાન ભૂલવાડી દેવા માટે પુરતી હશે. અને એનાથી આપણે આપણી જાતને તેમજ બીજાને પણ નુકશાન કરી બેસીશું.

ચાલો એ સ્વીકારીએ કે બધો સમય સજાગ રહેવું કે દરેક વખત શાંત રહેવું એ હંમેશાં સરળ નથી. વાસ્તવમાં, તો એક જ્ઞાની અવસ્થા કાયમ માટે રાખવી એ આ અશાંત દુનિયામાં લગભગ અશક્ય જેવું થઇ ગયુ છે કેમ કે આ દુનિયામાં સતત બદલાતા સંજોગો જાણે કોઈ જાદુગર હવામાંથી નવી-નવી વસ્તુઓ કાઢે તેમ કાયમ નવાઈ પમાડે એવા હોય છે. અને એ જ તો વાત છે. ખરું જ્ઞાન એ જાણવામાં છે કે તમારા દુઃખનું કારણ ગમે તે હોય, તે ફક્ત હંમેશાં અસ્થાયી જ છે, તે ત્યાં કઈ કાયમ ટકવાનું નથી. માટે તેને થોડું હળવાશથી લો, એક ઊંડો શ્વાસ ભરો, જાણો કે કોઈ દુઃખ આવી પડે તો દુનિયાનો પણ અંત આવી ગયો છે એવું નથી.

જેવી રીતે આપણી ઇચ્છાઓ અને લાગણીઓ એક ચક્રની જેમ ફરતી રહેતી હોય છે, તેવું જ સારા અને ખરાબ સમયનું પણ હોય છે. એવું નથી કે દરેક દિવસ કઈ તમારી અપેક્ષા મુજબનો જ ઉગવાનો છે કે દર વખતે કોઈ સારા સમાચાર જ તમારો દરવાજો ખટખટાવશે. અમુક વખતે, પરિસ્થિતિ અનિચ્છનીય અને દુઃખદ પણ હોઈ શકે છે, પરંતુ આપણે કઈ તેને ટાળી શકતા નથી. તેની સાથે પણ કામ લેવું પડશે. અને હા, દર વખતે કઈ મુશ્કેલીઓ સામે પ્રસન્નચિત્તે કામ લેવું એ પણ યોગ્ય નથી હોતું, પરંતુ ત્યારે તેની સાથે ધીરજપૂર્વક કામ લેવાનું તો શક્ય જ હોય છે.

योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥२-४८॥
 
હે ધનંજય! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધી અને અસિદ્ધીમાં સમ્બુદ્ધી રાખીને
યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર, સમત્વ એ જ યોગ કહેવાય છે. ||૨ – ૪૮||

ઘણીવાર મને એ પૂછવામાં આવતું હોય છે કે શું આપણે આપણા શોખને વિકસાવવા માટે પ્રયત્નશીલ ન રહેવું જોઈએ? અલબત્ત, રહેવું જ જોઈએ. વૈરાગ્ય (નિર્લેપતા)નો અર્થ એ નથી કે તમારી અંદર બધું જ છોડી દેવાની ભાવના જન્મે, પરંતુ તેનો અર્થ એ છે કે તમારી અંદર એક એવી સમજણનો વિકાસ થાય કે સારા નિર્ણયો લેવા માટે તમારે હાલમાં અને ફરી જરૂર પડે ત્યારે પણ, તમે તમારી જાતને તમારા ગમતા વિષયોમાંથી દુર કરી શકવા જોઈએ, જેથી કરીને તમારી અંદર એક વિશેષ અને વધારે સારા દ્રષ્ટિકોણનો વિકાસ થાય. પછી તમને ત્યાં એક સંપૂર્ણ ચિત્રનું દર્શન થઇ શકશે, સિક્કાની ત્રણેય બાજુઓ દેખાશે: ડાબી, જમણી, અને જયારે સિક્કો ઉભો રહ્યો હોય ત્યારે તેનું પણ.

નિર્લેપતાનો અર્થ આળસ કરવી કે ટાળવું એવું પણ નથી થતો. જો વૈરાગ્ય એ કશું પણ હોય તો તે છે એક સચોટ સજગતા અને ચેતનાની એક ઉચ્ચતમ અવસ્થા. જયારે માતા-પિતા પોતાના બાળકને તેના સ્વપ્નાઓ સાકાર કરવા માટેની છૂટ આપે ત્યારે, તેમને એક પ્રકારની વૈરાગ્યતાનું પાલન કરવું પડતું હોય છે જેથી કરીને તેઓ પોતાના બાળકનું કલ્યાણ જેમાં હોય તે બાબતને પોતાના ગમા-અણગમા કરતા આગળનું સ્થાન આપી શકે. એ વૈરાગ્ય વગર બિલકુલ શક્ય જ નહિ થઇ શકે. અને સારા સમાચાર એ છે કે વૈરાગ્યને શીખી શકાતું હોય છે, આ દુનિયાની અસ્થાઈ પ્રકૃતિ તેમજ સમગ્ર બ્રહ્માંડની વિશાળતા ઉપર એક જાગૃત ધ્યાન કરવાનો અભ્યાસ કરીને તમે આ વૈરાગ્યને શીખી શકો છો. તેનાથી તમે દરેક વસ્તુને એક મોટા સંદર્ભમાં સમજતા થાવ છો.

એક સ્ત્રીએ પોતાના પતિ કે જેનું વજન ખુબ જ વધી ગયું હતું તેને એક દિવસ વજનકાંટા ઉપર ઉભા રહીને પોતાનું પેટ અંદર સંકોચતા જોઈ ગઈ.

“હાહાહા!” તે હસી પડી. “એમ કરવાથી કશો ફરક નહિ પડે.”

“ચોક્કસ પડે છે,” પતિએ કહ્યું. “એમ કરવાથી જ મને નીચેના નંબર દેખાય છે.”

જરૂર પડે ત્યારે અંદર પાછું સંકોચી લો. અન્ય લોકો કદાચ તમે એવું કેમ કરો છો એ ન સમજી શકે પણ જ્યાં સુધી તમે તે બાબતને સમજી લો છો, ત્યાં સુધી બધું બરાબર છે.

શેક્સપીયેરે કહ્યું છે: “Sweet are the uses of adversity, which, like the toad, ugly and venomous, wears yet a precious jewel in its head.”  (અર્થાત..વિકટ પરિસ્થીતિઓનો પણ સારો ઉપયોગ થઇ શકે છે જેમ કે ઝેરી દેડકો જે ગમે તેટલો બેડોળ અને ઝેરી કેમ ન હોય એના માથે જ કિંમતી મણી જડેલો હોય છે.”) પીડાની ભેટનું પણ એવું જ છે, તે હંમેશાં આપણને કશું ને કશું શીખવે છે, કોઈ ને કોઈ રીતે આપણો ઉદ્ધાર કરે છે, અને સૌથી મોટું તો એ કે તે આપણને આપણા સવાલોના જવાબ અને ઉકેલ માટે આપણી ચેતનાના ઉચ્ચતમ સ્તર સાથે જોડાવાની ફરજ પાડે છે. દુઃખદાયી છે, પણ ઉપયોગી છે. ન ગમે એવું છે, પણ જરૂરી છે.

આ શરતી દુનિયામાં, આપણો મોહ આપણને આંધળા કરી મુકે છે અને આપણને કચડી પણ નાંખે છે, તે આપણું કશું સારું નથી કરતો. જે દિવસે તમે આ સત્યને સમજી લેશો અને જીવનમાં વણી લેશો, ત્યારે તમારું જીવન બદલાઈ જશે. બળતો કોલસો પકડશો પણ નહિ અને તેને ઊછાળશો પણ નહિ. તેનો ઉપયોગ કરતા શીખો. બસ ફક્ત સજગ રહેતા શીખો. તેનાંથી મદદ મળશે.

સમજી લો કે ક્ષણભંગુરતા અને અસ્થાયીતા એ તો આ સંસારના નિયમ છે. જ્યાં સુધી આપણે સૌ અહી છીએ ત્યાં સુધી ચાલો થોડા કરુણામય અને થોડા પ્રભાવશાળી પણ બની રહીએ. એ સર્વથા કરવા જેવું કાર્ય છે.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email