૧૯૭૩માં, ચારેક વર્ષની સુઝાને તેના ઘરના એક ઓરડામાં રહેલા કબાટનું બારણું ખોલ્યું કે તરત તેમાંથી ચેસ રમવાનો સામાન એક કોથળીમાંથી નીચે પડ્યો. બાજુમાં ચેસ રમવાનું બોર્ડ ગડી વાળેલું પડ્યું હતું. તેને તે બોર્ડ લીધું અને ચેસના મહોરા સામે એક બાળ સહજ વિસ્મયતાથી ટીકી-ટીકીને જોવા લાગી.

“મમ્મી, આ શું છે?” સુઝાને નિર્દોષતાથી એક મહોરું ઉઠાવીને તેને આમતેમ ફેરવી-ફેરવીને જોતા પૂછ્યું.

“આ ચેસના મહોર છે, સુઝા,” તેને એકદમ સહજ જવાબ આપતાં કહ્યું, પરંતુ સાચવીને બહુ ઉત્સાહ ન જતાવી દેવાય ક્યાંક ભૂલથી પણ, તેને ચિંતા હતી કે તેમ કરવાથી ક્યાંક સુઝાનનો જે રોમાંચ છે તે ન મરી જાય. જયારે માં-બાપ બાળકને કશું બતાવવા માટે એકદમ ઉત્સાહમાં આવી જાય, ત્યારે મોટાભાગે હંમેશાં બાળક તે વસ્તુને નકારી દેતું હોય છે. મને નથી લાગતું કે એવું બાળક કઈ જાણીજોઇને કરતુ હોય, એ શરૂઆતમાં એકદમ સહજ પ્રતિભાવરૂપ થતું હોય છે. તેઓ પોતાના માં-બાપને બધો સમય “ના” કહેતા સાંભળતા હોય છે અને માટે તે “ન-કાર” તેમના માટે પણ એક સહજ પ્રતિભાવ જેવો બની જતો હોય છે. અને જયારે બાળકને એક વખત વિદ્રોહનો આનંદ મળી જાય ત્યારબાદ તે મૂળ “ન-કાર”ને તેઓ લાંબા સમય સુધી વળગી રહેતાં હોય છે. ક્લેરા પોલ્ગર, જો કે, વધુ સારી રીતે તૈયારી કરીને બેઠી હતી.

આઠ વર્ષ પહેલા, ૧૯૬૫માં, લાસ્ઝલો પોલ્ગર, કે જે હંગેરીમાં એક શિક્ષક હતો, ત્યારે તે ક્લેરા સાથે પ્રેમ-સંબધમાં હતો અને તેને પત્રો લખતો રહેતો હતો. તેની પાસે સાયકોલોજી અને શિક્ષણની બે પદવીઓ તેમજ વિકાસની ક્ષમતાઓ ઉપર તેને પી.એચ.ડી પણ કર્યું હતું. નવરાશના સમયે તે ચેસ રમતો હતો. તેમના સંબંધ દરમ્યાન, લાસ્ઝલોએ ક્લેરાને કહ્યું કે પોતે એક પ્રયોગ કરી રહ્યો હતો કે જેમાં પ્રતિભાવાન બાળ ઉછેર કેવી રીતે કરવો તેના વિશેનું સંશોધન એક લાંબા જીવનકાળ સુધી ચાલે તેમ હતું, અને એમાં તેને એક પત્નીની પણ જરૂર હતી. ક્લેરા પાસે પણ ત્રણ ડીગ્રીઓ હતી અને પોતે ૮ ભાષાઓ બોલતી હતી. તેને પણ કોઈ એવા સાથે પરણવું હતું કે જે બુદ્ધિમતાની બાબતમાં તેની સમકક્ષ હોય. તેને લાસ્ઝલોનું સંશોધન, તેની પરિકલ્પનાઓ તેમજ તેનું વ્યક્તિત્વ ખુબ ગમતું હતું. તેઓ બંને પરણ્યા. ત્યારબાદ તે યુ.એસ.એસ.આરથી સ્થળાંતર કરીને હંગેરીમાં લાસ્ઝલો સાથે ગઈ અને ત્યાં તેઓ બંને એક સાદા એપાર્ટમેન્ટમાં રહેવાં લાગ્યા.

૧૯૬૯માં, તેમની પ્રથમ પુત્રી સુઝાન પોલ્ગરનો જન્મ થયો. અસંખ્ય વાર માતા-પિતાએ એકબીજાને પોતાનું જે વચન આપ્યું હતું તેની યાદ અપાવતા રહેતાં હતાં કે તેમનું મુખ્ય ધ્યેય ફક્ત પ્રતિભાવાન બાળક બનાવવું એટલું જ નહોતું પરંતુ એક ખુશમિજાજી પ્રતિભાવાન બાળક બનાવવું હતું. જીવનમાં ફક્ત સિદ્ધિ હાંસિલ કરવી એટલું જ મહત્વનું નથી, એક પરિપૂર્ણ અને યથાર્થ જીવનની અનુભૂતિ વધારે મહત્વની છે. જયારે તમને એવું લાગે કે તમે તમારા પસંદગીના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યાં છો, ત્યારે તમને એક વધુ પરિપૂર્ણતાની અનુભૂતિ થાય છે, અને તે તમને ખુશ અને ઉત્સાહિત રહેવાં માટે મદદરૂપ થતું હોય છે.

જયારે સુઝાન ચેસના મહોરાઓથી એકદમ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી ત્યારે તે ક્ષણ તેમના માટે તેમની કલ્પનાઓની પરીક્ષાના પ્રારંભ જેવી હતી. આ એક જીવનપર્યંત ચાલે એવો અને એક માર્ગદર્શિક પ્રયોગ હતો. ઉપરઉપરથી કદાચ એવું લાગે કે સુઝાનને ચેસનો સામાન અકસ્માતે જ મળી ગયો હતો, પણ હકીકતમાં એવું નહોતું. ક્લેરા અને લાસ્ઝલોએ ભેગા મળીને તેમની પુત્રીના જન્મ પહેલા જ એ નક્કી કરી લીધું હતું કે તેઓ ચેસ સાથે આ પ્રયોગ કરશે કેમ કે ચેસની રમત સીધી જ મસ્તિસ્કની શકિત સાથે સંકળાયેલી છે.

ક્લેરા પોલ્ગરે ચેસનું બોર્ડ ખોલ્યું અને પોતાની ચાર વર્ષની દીકરીને બતાવ્યું કે બધાં મહોરા તેની ઉપર કેવી રીતે ચાલે. ફરી એક વાર, તેને એ વાતની કાળજી રાખી હતી કે પોતાનો ઉત્સાહ બહુ છલકાઈ ન જાય કે પછી સુઝાનને એવું પણ ન લાગે કે તેને આ ચેસની રમત રમવી જોઈએ કેમ કે તેના માતા-પિતાની પણ એવી ઈચ્છા છે. ઉલટાનું તેને આ એકદમ સામાન્ય લાગે એવું અને રમુજ પડે એવું જ રાખ્યું. તમે કોઈની પણ પાસે ગમે તે કામ કરાવી શકો જો તમે તેમને એવું માનવા માટે પ્રેરો કે આ વિચાર તો તેમનો પોતાનો જ વિચાર છે. બીજા શબ્દોમાં, જયારે લોકોને, ખાસ કરીને બાળકોને જયારે એવું લાગે કે કઈ પણ કરવાનો નિર્ણય તેમનો પોતાનો છે તો તેમને તે કામ ઉપાડવાની પ્રેરણા મળશે અને એમાં કોઈ ચુનોતી આવશે તો પણ તેઓ તેમાં ટકી રહેશે.

સાંજે જયારે લાસ્ઝલો ઘરે આવે છે ત્યારે ક્લેરાએ જણાવ્યું કે સુઝાનને આજે કેવો ચેસમાં રસ પડ્યો હતો. પછી તેઓ બંને ચેસબોર્ડ પાથરીને ચેસ રમવા માંડે છે. જયારે માતા-પિતા કોઈ પ્રવૃત્તિ આનંદપૂર્વક માણે છે ત્યારે જેમ બનતું હોય છે તેમ – અત્યાર સુધી આજુબાજુ રમી રહેલી સુઝાન હવે ચેસના બોર્ડ પાસે આવીને બેસી જાય છે. તે સવાલો પૂછતી જાય છે, અને પોતાના મમ્મી-પપ્પાના ખભા ઉપરથી જોયા કરતી હોય છે, અને આમ વધુને વધુ તેને ચેસમાં રસ પડતો જાય છે. માતા-પિતા બન્ને એ બાબતની કાળજી લઇ રહ્યાં હતા કે તેઓ સુઝાનને આ રમત જોવા માટે, રમવા માટે કે શીખવા માટે ભૂલથી પણ ન કહે. તેઓ તો બસ જાતે જ રમતા રહ્યાં અને રમતનો આનંદ ઉઠાવતા રહ્યાં (કે પછી એવો ડોળ કરવાં લાગ્યા).

ખુબ ધીરજ, સાતત્ય અને કઠોર નિશ્ચયશક્તિથી, લાસ્ઝલોએ સુઝાનને તાલીમ આપવા માંડી. આ તાલીમની યાત્રા ખુબ જ મુશ્કેલીભરી હતી. એટલાં માટે નહિ સુઝાનને ચેસ નહોતું રમવું કે પછી લાસ્ઝલો પાસે તાલીમની પૂરી વ્યવસ્થા નહોતી, પરંતુ એટલાં માટે કે એ સમયે ચેસની રમતમાં પુરુષોનું જ પ્રાધાન્ય ખુબ હતું. લાસ્ઝલો અને ક્લેરાને જો કે ખબર હતી કે તેમની દીકરી બીજા કોઇપણની જેમ સારું રમી શકે એવી હતી.

ઘણીવાર, લાસ્ઝલો સુઝાનને ચેસ ક્લબમાં લઇ જતો ત્યારે ત્યાં હાજર એવા બીજા રમતવીરોને એવું લાગતું કે આ તો લાસ્ઝલો પોતે ચેસ રમવા માટે અહી આવ્યો છે અને સાથે પોતાની પુત્રીને ખાલી જ લઇ આવ્યો છે. તેઓને એવું લાગતું કે લાસ્ઝલો પોતાની દીકરીને ચેસ રમતા શીખવાડીને ફક્ત તેનો સમય જ બરબાદ કરી રહ્યો છે. અને જયારે સાત-આઠ વર્ષની સુઝાન રમતમાં કોઈ હોશિયાર ખેલાડીને હરાવી દે તો તે રમતના અંતે તેની સાથે હસ્તધનુન કરવાની ના પાડી દેતાં, અને એવા બહાના બનાવતા કે, “હું બીમાર છું, આજે મને માથું દુ:ખે છે, ગઈ કાલે રાત્રે હું બરાબર સુતો નહોતો,” વિગેરે. પણ તેનાંથી આ પિતા-પુત્રીનો ઉત્સાહ ન તુટ્યો. ઉલટાનું એનાંથી તેમના આત્મવિશ્વાસમાં ઓર વધારો થયો અને તેમને નક્કી કરી લીધું કે એક દિવસ તેઓ આ દુનિયાને દેખાડી દેશે કે છોકરીઓ પણ છોકરાઓ જેટલી જ કાબેલ હોય છે.

લાસ્ઝલો અને કલેરાએ સુઝાનની એક સઘન અને ખાસ તાલીમ ચાલુ જ રાખી. દરમ્યાન, તેઓને બીજી બે પુત્રીઓ પણ જન્મી. ૧૯૭૪માં સોફિયા પોલ્ગર, અને ૧૯૭૬માં જુડિથ પોલ્ગર. દર વખતે, તેઓએ સોફિયા અને જુડિથના ઉછેર કરવામાં પણ એની એ જ યુક્તિ અજમાવી. પરિણામ શું આવ્યું, તમને કદાચ પ્રશ્ન થશે? ચાલો એક પછી એક તમને કહી દઉં:

સુઝાન પોલ્ગર પોતાની પ્રથમ અન્ડર – ૧૧ ચેસ ટુર્નામેન્ટ ચાર વર્ષની ઉંમરે જીતી. બાર વર્ષની ઉંમરે, તેને વર્લ્ડ ચેમ્પિયનશીપ (ગર્લ્સ) અન્ડર – ૧૬ ટુર્નામેન્ટ જીતી. પંદર વર્ષની ઉંમરે, તે વિશ્વની શ્રેષ્ઠ મહિલા ચેસ ખેલાડીઓમાંની એક હતી. અને જેમ પુરુષોની બાબતમાં પરંપરાગત ચેસ ગ્રાન્ડમાસ્ટર હોય છે, તેમ ૨૨ વર્ષની ઉંમરે પોતે ચેસ ગ્રાન્ડમાસ્ટર બની. ૧૯૯૬માં, ૨૭ વર્ષની ઉંમરે સુઝાન પોલ્ગરને મહિલા ચેસ ચેમ્પિયન તરીકે નવાજવામાં આવી.

સુઝાનને ઉછેરતા, તેના માતા-પિતા – ક્લેરા અને લાસ્ઝલો – માં-બાપ તરીકે બાળ ઉછેરની અને સઘન તાલીમની બાબતે કઈક વધારે શિખતા ગયા, પરિણામે તેઓ પોતાની બીજી દીકરી સોફિયા પોલ્ગરને વધારે સારું વાતાવરણ અને તાલીમ આપી શક્યાં. અને પરિણામે સોફિયા ૧૧ વર્ષની ઉંમરે જ વર્લ્ડ અન્ડર – ૧૪ ગર્લ્સ ચેસ ચેમ્પિયન બની.

હજુ પણ વધારે અનુભવ અને અંતર્દૃષ્ટિના વિકાસથી, એ કુદરતી હતું કે તેમની ત્રીજી દીકરી, જુડિથને ઓર વધુ અનુકુળ વાતાવરણ મળ્યું. તેની બહેનો પણ તેની સાથે ચેસ રમતી, અર્થાત તેમના ઘરે જમવાના સમયે ટેબલ પર મોટા ભાગે ચેસની જ વાતો ચાલતી હોય. હવે તેમના માતા-પિતાને વધુ પડતી કાળજી કે આતુરતા નહોતી રાખવી પડતી જે સામાન્ય રીતે પ્રથમ બાળક વખતે દરેક માતા-પિતાને રાખવી પડતી હોય છે. તેમની બાળઉછેરની ક્ષમતા અને કુશળતામાં ખાસ્સો એવો વધારો થઇ ચુક્યો હતો. તેઓ હવે બાળકોને કેટલી અંગત છૂટ આપવી અને કેટલું સ્વયંશિસ્ત ઉપર છોડી દેવું એનાં વિશે બહુ સરળતાથી નિર્ણય કરી શકતાં હતાં. અને પરિણામે, જુડિથની જે સિદ્ધિ હતી તે તેમની કલ્પના બહારની હતી.

બાર વર્ષની ઉંમરે, જુડિથ પોલ્ગર પાસે FIDE રેટિંગ (વર્લ્ડ ચેસ રેટિંગ)માં બીજી કોઈ પણ સ્ત્રી ચેસ ચેમ્પિયન કરતા ૩૫ પોઈન્ટ વધુ હતા. પંદર વર્ષની ઉંમરે, તે દુનિયાની સૌથી નાની ચેસ ગ્રાન્ડમાસ્ટર બની હતી, અને તે આ ચેસ રમતના ઈતિહાસમાં કોઈ પુરુષ પાસે પણ આ સિદ્ધી નહોતી. તેની ગણના સામાન્ય રીતે આ સમયની સૌથી મજબુત મહિલા ખેલાડી તરીકે થતી હતી. દસ વર્ષની ઉંમરે તો જુડિથ ચેસ ગ્રાન્ડમાસ્ટર લેવ ગુટમેનની સામે રમી હતી, અને એટલું જ નહિ તેને હરાવ્યો પણ હતો.

પાંચ વર્ષની ઉંમરે, જુડિથે એમના કુટુંબમાં એક મિત્રને ચેસબોર્ડ સામે જોયા વિના જ હરાવી દીધા હતા. “તું ચેસ રમવામાં બહુ સારી છે,” મિત્રે રમત પછી મજાક કરતા કહ્યું, “પરંતુ, હું એક સારો રસોઈયો પણ છું.”

“એમ?” જુડીથે જવાબ આપતા કહ્યું, આંખનો એક પણ પલકારો મારતા જુડિથે પૂછ્યું, “પણ, શું તમે સ્ટવ સામે જોયા વગર રાંધી શકો છો?”

ત્રણેય દીકરીઓ ઘરે જ પોતાની માં ક્લેરા પાસે રહીને ભણી હતી અને ચેસ તેમનો મુખ્ય વિષય હતો. તેઓએ બહુ લાંબા સમય પહેલા એ સમજી લીધું હતું (જે અનેક માતા-પિતાઓ છેક હવે સમજી રહ્યા છે) કે પોતાના બાળકોને પરંપરાગત શાળામાં ભણાવવાનો કોઈ જ અર્થ નથી, કે જ્યાં વ્યક્તિગત વિકાસ અને એક ચોક્કસ સ્વભાવ બનાવવા પ્રત્યે એક સન્માનપૂર્વકનો પ્રયત્ન ખુબ જ અલ્પ પ્રમાણમાં થાય છે. બપોર સુધીમાં મોટાભાગના બાળકો ઘરે પાછા આવે, ત્યારે તેઓ એટલા થાકી ગયેલા હોય છે અને તેમનો આખો દીવસ આમ જ પૂરો થઇ જાય છે. ત્યારબાદ તેઓ ઘરે આવીને કોઈ પણ બાબતમાં સઘન તાલીમ લે તે અપેક્ષા ન તો વ્યાવહારિક છે ન તો વ્યાજબી.

મોટી બહેન સુઝાનના મત પ્રમાણે, જુડિથે બહુ જ ધીમું-ધીમું ચાલુ કર્યું હતું પરંતુ તે ખુબ જ મહેનતુ હતી. લાસ્ઝલો એ પણ કહ્યું હતું કે ખુશ પ્રતિભાવાન બાળક એ કડી મહેનત + નસીબ + પ્રેમ + સ્વતંત્રતાનું પરિણામ હોય છે. લાસ્ઝલો જયારે યુનિવર્સીટીમાં હતો ત્યારે તે ઇન્ટેલિજન્સ (બુદ્ધિમતા) ઉપર ભણ્યો હતો અને પછીથી તેને યાદ આવ્યું: “જયારે મેં પ્રતિભાશાળી લોકોના જીવનચરિત્ર તરફ જોયું, તો મને આ જ વાત જાણવા મળી…તે તમામે બહુ નાની ઉમરથી જ શરૂઆત કરી અને ખુબ સઘન અભ્યાસ કર્યો હતો.” પિતા બન્યા પહેલા જ, તેણે લગભગ ૪૦૦ લોકોની આત્મકથાઓ વાંચી લીધી હતી જેમાં સોક્રેટિસથી લઇને આઇન્સ્ટાઇન પણ આવી જતા હતા, અને તે બધામાં તેને આ જ બાબત વારંવાર જોવા મળી હતી. “પ્રયોગ હજી પૂરો નથી થયો,” લાસ્ઝલો પોલ્ગરે કહ્યું. “તે ૨૩ વર્ષ પહેલા એક સાદા સિદ્ધાંતથી શરુ થયો હતો: કે દરેક બાળક કોઈપણ પસંદગીના ક્ષેત્રમાં પ્રતિભાવાન બનવાની ક્ષમતા ધરાવે છે, જ્યાં સુધી તેની તાલીમ અને શિક્ષણ તેના ત્રીજા જન્મદિવસ પહેલા જ જો શરુ થઇ જાય તો, અને ૬ વર્ષના થતા સુધીમાં તો તેઓ તેમાં વિશેષજ્ઞ બની જતા હોય છે.”

અને મેં પણ અનેક દાયકાઓ સુધી કરેલા બાળક અને મનોવિજ્ઞાનનાં અભ્યાસ ઉપરથી બાળઉછેરનો સાર આ જ નીકળે છે:

  1. દરેક બાળકમાં એક  ક્ષમતા રહેલી છે.
  2. આ ક્ષમતા તેની પ્રતિભામાં બદલાઈ શકે છે.
  3. આવી પ્રતિભા એક ખુશ વ્યક્તિ પણ બની શકે છે.
  4. તાલીમની શરૂઆત તેઓ જયારે ખુબ નાના હોય ત્યારથી જ થઇ જતી હોય છે.
  5. અને આ તાલીમમાં આનંદ અને રમવાની મજા આવે એવી જ હોવી જોઈએ.

પરંતુ યાદ રહે, હું અહી એવું નથી કહી રહ્યો કે દરેક-દરેક માતા-પિતાએ પોતાના બાળકને પ્રતિભાવાન બનાવવાની કોશિશ કરવી જોઈએ, પછી તે રમત-ગમતમાં હોય, કળાના ક્ષેત્રમાં હોય, વિજ્ઞાનના ક્ષેત્રમાં હોય કે પછી કોઈ બીજા. કે એવું પણ નથી કહી રહ્યો કે પ્રતિભાવાન લોકો જ આ દુનિયાને સારી દુનિયા બનાવી શકે છે કે પછી સુખી અને ખુશ થવા માટે તમારે પ્રતિભાવાન પણ બનવું જ પડે. એક માતા-પિતા તરીકે તમારા બાળક માટે તમારો કયો માર્ગ પસંદ કરવો જોઈએ, કે પછી બાળક જાતે માર્ગ પસંદ કરે અને તમે ફક્ત તેને સહાય કરો, એ તમારી અંગત બાબત છે. એ તો તમારી અને તમારા બાળક વચ્ચેની બાબત છે એ બિલકુલ કોઈ મારો હક નથી. અરે, એક ક્ષણ માટે હું એવું પણ નથી કહી રહ્યો કે પ્રત્યેક બાળકને તેની ક્ષમતાની મર્યાદા આવી જાય ત્યાં સુધી તેના ઉપર દબાણ કરવું જોઈએ કે પછી તેને એક સરળ જીવન ન જીવવા દેવું જોઈએ. ઉલટાનું, હકીકતમાં તો હું એવું માનું છું કે એક બાળકને જે ન કરવું હોય તે કરવા માટેની ફરજ પાડીને તેની સ્વતંત્રતાને છીનવી લેવામાં કોઈ બુદ્ધિમતા નથી. માં-બાપ અને બાળકો વચ્ચેની આવી દોરડાખેંચ બહુ જલ્દી જ ઝેરી બની જતી હોય છે.

તમે કે હું ગમે તે વિચારતા હોઈએ, પરંતુ સત્ય તો એ જ છે કે તમારા ઘરે રહેલા બાળકની અંદર એક મહાનતાનું બીજ રહેલું જ હોય છે. તેઓ અગાધ માનવ ક્ષમતાને ખોજવાની એક તક સમાન છે. તમે એમને આપણી આ દુનિયામાં કોઈ સકારાત્મક ફરક લાવવા માટે સહાયરૂપ થઇ શકો તેમ છો. તેઓ જે પણ ક્ષેત્ર પસંદ કરે તેમાં તેઓને સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા માટે તમે પણ મદદ કરી શકો તેમ છો. એક માતા-પિતા તરીકે તમે બાળકને પોતાની ક્ષમતા પ્રત્યે સભાન કરી શકો છો, અને તે પણ એવી રીતે કે જેને તેઓ સમજી શકે, અને તેઓને જે પણ માર્ગે ચાલવું હોય તેમાં તમે તેમના મદદગાર બનો.

અહી, હું તમારી સાથે એ જ્ઞાન વહેંચીશ કે બાળકના મનમાં એવું ચારિત્ર્યઘડતર કેવી રીતે કરવું કે જેથી કરીને તે આવનાર દરેક તોફાનો સામે એક ગરિમા સાથે ઝઝૂમી શકે અને હંમેશાં આગળ પણ ધપતા રહે.  દરેક દીકરીમાં એક ગાંધી, એક આઇન્સ્ટાઇન કે એક મોઝાર્ટ છુપાઈને રહેલો છે, બસ તેને શોધવાની જરૂર છે. પ્રત્યેક બાળકમાં પિકાસો, રોનાલ્ડો કે નેલ્સન મંડેલા બનવાની ક્ષમતા રહેલી છે. બધુ આપણા કાબુમાં નથી હોતું, પરંતુ જેટલું પણ આપણા કાબુમાં છે તેટલું પણ એક માતા-પિતા તરીકે જો તમે કરતા રહો તો તેનાથી પણ મહાનતાની ટોચ ઉપર તમારું બાળક પહોંચી શકે છે, અને તે માટે તમારે કોઈ દબાણ પણ નહિ કરવું પડે કે ઉપદેશો પણ નહિ આપતા રહેવું પડે. અને તેની શરૂઆત બાળકની અંદર દરેક બાબતમાં એક શ્રેષ્ઠ દેખાવ કરવાની ધગશનું બીજ રોપવાથી થાય છે, અને તે પોતે એક જીવનપર્યંત ચાલે એટલી મોટી યાત્રા છે.

તો આ હતું મારા આવનાર પુસ્તક The Children of Tomorrowમાં નો થોડો ભાગ. આ પુસ્તકમાં, મેં સારા માં-બાપ બનવાના મારા વિચારો તમારી સાથે વહેંચ્યા છે, અને મારા મતમાં મારું અવલોકન, સંશોધન અને અનેક મનોવૈજ્ઞાનિક અભ્યાસ પણ સામેલ છે. હાર્પર કોલીન્સ, ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયું છે, અને તમે તેની પ્રત અહીંથી ખરીદી શકો છો.

  1. Amazon India.
  2. Amazon.com.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email