એક દિવસે, ચીની સંન્યાસી ફાઝાંગ એક દિવસે  મહારાણી વુંના રાજ્યમાં બુદ્ધના આવાત્મસક સુત્ર (ફૂલનો શણગાર) ઉપર પ્રવચન આપી રહ્યા હતા. તેમને કહ્યું કે આ એક બ્રહ્માંડમાં ચેતનાના અનેક પરિમાણો રહેલા છે, અસ્તિત્વના અનેક ક્ષેત્રો એવા રહેલા છે કે જે એકબીજા સાથે જોડાયેલા જ માત્ર નહિ પરંતુ પરસ્પર એકબીજાને પોતાની અંદર સમાવીને રહેલા છે.

“સમજી ગઈ, સમજી ગઈ,” સામ્રાજ્ઞીએ કહ્યું. “એક્બીજા સાથે જોડાઈને રહેલા છે વાળી વાત તો સમજાણી, પરંતુ બે વસ્તુ એક બીજાને પોતાની અંદર કેવી રીતે સમાવી શકે?”

બધાં જાણતા હતાં કે ફાઝાંગ માટે તો આંતરિક જોડાણનો આ એક નિયમ જ માત્ર મુખ્ય નિયમ હતો અને તે એકમાત્ર તેમની અંતર્દૃષ્ટિ જેવો પણ હતો જેના વડે તે પોતાની આજુબાજુની દરેક વસ્તુને જોતા અને સમજતા હતા. તેઓ એક કુશળ વક્તા હતાં અને સામ્રાજ્ઞી વુંએ તેમને બુદ્ધના અનેક સુત્રોનું ભાષાંતર કરવા માટે રાખ્યા હતા. તેમની વિવિધતા, બુદ્ધિમતા, અને રાજકીય કુનેહથી તે એકદમ પ્રભાવિત હતી.

ફાઝાંગે આંતરિક જોડાણ કેવી રીતે કામ કરતુ હોય છે એ સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ સામ્રાજ્ઞીતો એ વર્ણનથી બિલકુલ પ્રભાવિત થઇ નહિ. “શું તમે તેનું પ્રદર્શિત કરી શકો?” તેને ફાઝાંગને પૂછ્યું, અને તેનો વળતો જવાબ આપતાં ફાઝાંગે કહ્યું કે એ માટે તેમને થોડાં સ્રોતો અને એક અઠવાડિયા જેટલો સમય જોઇશે.

સાત દિવસ પછી, એક સાંજે, ફાઝંગે મહારાણીને વુંને એક મોટા ઓરડાની અંદર આવવાનું નિમંત્રણ આપ્યું, આ ઓરડો અનેક અરીસાઓથી શણગારેલો હતો. સંધ્યાના કોમળ કિરણો અંદર આવીને અનેક અરીસા ઉપર પડી રહ્યાં હતાં અને તેનાંથી કઈક અનોખું જ દ્રશ્ય સર્જાયું હતું. તે ઓરડાની મધ્યમાં કાચનું એક મોટું ઝુમ્મર હતું જેમાં એક મીણબત્તી રાખેલી હતી જેને સળગાવી નહોતી.

“અહી આગળ તો એકદમ શાંતિ અને આ એક સ્વપ્ન સૃષ્ટિ જેવું લાગે છે,” મહારાણીએ કહ્યું.

“મહારાણીની આજ્ઞા હોય તો,” ફાઝાંગે કહ્યું, જેવો સૂર્ય અસ્ત થાય ત્યારે હું આ મીણબત્તી સળગાવી શકું?”

સંધ્યામાંથી રાત્રી થઇ, અને ઓરડામાં એકદમ અંધારું થઇ ગયું, રોશનીનો એક માત્ર સ્રોત હતો બહાર હાથમાં ભાલા લઈને ઉભેલા સૈનિકોના હાથમાં સળગતી મશાલ. ફાઝાંગે મીણબત્તી પેટાવી અને દરવાજો બંધ કરવાનું કહ્યું.

“આ જુઓ, મહારાણી,” તેને સામ્રાજ્ઞીને અરીસાઓની આસપાસ લઇ જતાં કહ્યું, “એક મીણબત્તીના પ્રકાશથી આખો ઓરડો પ્રકાશિત થઇ ગયો છે. માત્ર એક મીણબત્તીની જ્યોતનો પ્રકાશ અનેક અરીસાના કાચ દ્વારા પરાવર્તિત થઇને તેને અનેકગણો બનાવી રહ્યો છે. દરેક અરીસામાં એક જ્યોત નજર આવી રહી છે. મૂળ સ્રોત તો ફક્ત એક જ છે પરંતુ અહી તો દરેક અરીસો તેને પોતાનામાં બતાવી રહ્યો છે. ફક્ત એક મીણબત્તી ઓલવી નાંખો અને આ તમામ જ્યોતો જતી રહેશે.”

“હું સમજી,” સામ્રાજ્ઞીએ જવાબ આપતાં કહ્યું. અનેકગણો પરાવર્તિત થતો પ્રકાશ તેની આંખોમાં, તેના ઘરેણામાં અને તેને પહેરેલા વસ્ત્રોના સોનેરી ભરતકામમાંથી ટીમટીમ થઇ રહ્યો હતો. “પરંતુ, આનાથી તે એકબીજાને પોતાની અંદર સમાવે છે તે કેમ સાબિત થાય?”

“આહા! ફાઝાંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું. “મહેરબાની કરીને મારી સાથે ચાલતાં રહો અને કાળજીપૂર્વક કોઈ પણ અરીસામાં જોતા રહો.”

“કેમ એમાં શું છે?” તે એક અરીસા સામે ઉભા રહેતાં બોલી.

“દરેક અરીસામા માત્ર મીણબત્તીનું પ્રતિબિંબ જ નથી, પરંતુ તેની અંદર બીજા દરેક અરીસાની દરેક જ્યોતનું પ્રતિબિંબ પણ છે. આમ કોઇપણ અરીસામાં બીજા દરેક અરીસાઓની અસંખ્ય જ્યોતોનું પ્રતિબિંબ પણ રહેલું છે. અને આ જ છે આંતરિક જોડાણનો બ્રહ્માંડીય નિયમ.”

અને આવું જ આપણી જોડે અને આપણી આજુબાજુ રહેલા દરેક લોકોની જોડે પણ રહેલું છે; આપણે કર્મોની દ્રષ્ટિએ એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છીએ. બ્રહ્માંડની આપણે જાણતા ન હોઈએ તેવી અને માપી ન શકાય તેવી ભવ્યતાને અને તેની સામુહિક ચેતનાની છાપને સદાકાળ સુધી આપણી અંદર સમાવીને રહેલા છીએ. તમે જે પણ કર્મ કરો, વાણી ઉચ્ચારો, કે પછી મનમાં જે વિચારો કરો તેની બીજા બધાં ઉપર પણ અસર થતી હોય છે અને તેવું જ કોઈ બીજા દ્વારા કરાયેલા કર્મો, વાણી અને વિચારોની તમારા પર થતી અસરનું પણ હોય છે; તેનાંથી એક કર્મ સર્જાતું હોય છે. અને સામુહિક ચેતનાનો મારો અર્થ પણ એ જ છે. આ સામુહિક ચેતના સતત બદલતી અને પરિવર્તન પામતી રહેતી હોય છે. બુદ્ધે આ સંસારને અનિત્ય અને અનાત્મન કહ્યો છે; આ બે શબ્દોમાં આ સમગ્ર  શિક્ષણ એક ગાગરમાં સાગરની જેમ રહેલું છે. કે, આ સંસાર અસ્થાયી (અનિત્ય) છે અને સતત બદલતો રહેલો (અનાત્મન) છે.

આપણી માન્યતાઓ પ્રત્યેનો આપણો મોહ આપણી અજ્ઞાનતાથી વિશેષ બીજું કશું પણ નથી – એક અજાગૃત મન અને સુષુપ્ત ચેતના. આજની દુનિયામાં થતી રહેલી હિંસા, અસહનશીલતા, અને બેચેની તરફ એક નજર કરો, તે લોકોની પોતાની જીવનપ્રણાલી પ્રત્યેનો જે મોહ છે તેમાંથી જ તો થતું રહેલું છે. અને કોઇપણ બાબત પ્રત્યેનો મોહ, ઉપરથી તો કુદરતી અને વ્યાજબી જ લાગે છે, પણ ખરેખર તો તે એક અજ્ઞાનતામાંથી જન્મતો રહેલો છે, કારણકે દરેક પ્રકારના મોહનો મૂળ સ્વભાવમાં નિત્યતા-સ્થાયીતવની તરસ માત્ર છે. મારી સુંદરતા, મારી સંપત્તિ, મારું કુટુંબ, મારી યુવાની, મારી સામાજિક પ્રતિષ્ઠા આમાંનું બધું જ કાયમ માટે અકબંધ રહેવું જોઈએ. જયારે-જયારે પણ આપણને જે વસ્તુઓને ટકાવી રાખવાની ઈચ્છા હોય તેના ઉપર આપણી પકડ ઢીલી કરવાની ફરજ પડે ત્યારે-ત્યારે આપણો મોહ આપણને પીડા આપતો હોય છે.

અરે ખરાબીની હદ તો ત્યારે થાય છે જયારે આવો મોહ આપણને તે વસ્તુની આસક્તિમાં ડુબાડી દે છે ત્યારે, અને જયારે મોહવશ આપણે કશામાં આસકત થઇ જઈએ છીએ, ત્યારે આપણા સ્વભાવમાં તેના પ્રત્યેની એક પ્રકારની કામુકતા આવી જાય છે, આપણે સ્વયંની અંદર જ ડૂબેલા રહીએ છીએ અને આત્મગ્રસ્ત થઇ જઈએ છીએ જેમાં પોતાના સિવાય બીજું કશું દેખાતું જ નથી. આપણે આપણી જાતના પ્રેમમાં પડી જઈએ છીએ અને તે પણ એવા પ્રેમમાં નહિ કે જે આપણા આત્મ-ગૌરવને અને આત્મ-કલ્યાણને પ્રોત્સાહન આપતું હોય પરંતુ એક એવા પ્રકારના પ્રેમમાં કે જેમાં આપણે આપણી યોગ્યતાની કિંમત સતત બાહ્ય અનુમોદનમાંથી જ અનુભવાતી હોય છે.

જો આ વાર્તાનો અંત અહી જ આવી જતો હોત તો હજુ પણ કઈ વધારે ખરાબ નહોતું. પણ ખરેખર મુશ્કેલી તો ત્યારે ઉભી થાય છે જયારે આ આસક્તિ તરફ લઇ જતો મોહ સૌથી વિનાશકારી લાગણી – (તૃષ્ણા)ને જન્મ આપે છે.

સંસ્કૃત શબ્દ તૃષ્ણા એ ખુબ જ ગહન શબ્દ છે, કારણકે એનો અર્થ લોભથી અનેકગણો વધારે છે. તૃષ્ણામાં મનુષ્ય સ્થાયિત્વની એક વ્યર્થ-અર્થહીન ખોજ કરતો થઇ જાય છે અને તે પણ એવી બાબતો માટે કે જેનો મૂળભૂત સ્વભાવ જ અસ્થિરતા છે.

બહુ સરળ વાત છે: લોભથી આપણે કામ(પ્રવૃત્તિ)માં આસક્તિ આવે છે અને આપણે મોહાંધ બની જઈએ છીએ, જેના કારણે ખરી જ્યોત અજ્ઞાનતાથી ઢંકાયેલી રહે છે અને અજ્ઞાનતાથી આપણે જે પણ બાબતો માટે વળગી શકીએ તેના પ્રત્યે બસ વળગેલા જ રહીએ છીએ, અને પરિણામે આપણી પીડા પણ નિરંતર ચાલતી રહેતી હોય છે, તેનો કોઈ જ અંત ક્યારેય આવતો હોતો નથી.

એક પતિ એક દિવસ બાથરૂમમાંથી પોતાની પત્નીને બુમ પાડે છે, “હની, મને રૂમાલ આપીશ?”

“રૂમાલ!” પત્નીએ રસોડામાંથી ગર્જના કરતાં કહ્યું. “મારે તો શું તારે ગરચવા માટે આ નાસ્તો બનાવવો કે પછી તને રૂમાલ આપવો?”

પતિ તો અંદર જ બંધ ફુવારા નીચે પાણીથી ટપકતો ઉભો રહ્યો.

“એક, તો તું હંમેશાં રૂમાલ બહાર ભૂલી જાય છે અને પછી તું એ ભીનો રૂમાલ પલંગ ઉપર જ મૂકી દે છે! મારે તારા ગંદા કપડા પણ ધોવા માટે શોધવાના,” પત્ની બાથરૂમ સુધી આવી પણ બબડવાનું તો ચાલુ જ રાખ્યું. “બાથરૂમને સાફ કરવાનું તો એકબાજુએ રહ્યું, તું તારી શેવિંગ જેલ પણ ખુલ્લી જ રાખી દે છે, તારું રેઝર પણ બેદરકારીથી ધાર ઉપર રહે એવી રીતનું જ રાખી દીધેલું હોય છે. અને પછી એક તળાવમાંથી સીધા બહાર નીકળેલા સાંઢની જેમ તું આખો ભીનેભીનો જ ઘરમાં ફરતો હોય છે. તે દિવસે પેલી બિચારી કામવાળી ભીની ફર્શ ઉપર લપસી પડી અને પછી ત્રણ દિવસ સુધી કામ પર જ ન આવી. બધું કામ મારે જાતે કરવું પડ્યું! હે ભગવાન! આ જ માણસ મળ્યો તને મારા માટે!?”

પતિને વિચાર આવ્યો કે મારી શું ભૂલ થઇ, આ રૂમાલ માંગ્યો એ કે પછી લગ્ન માટે તેનો હાથ માંગ્યો એ?

કદાચ ખરી ભૂલ પતિનું બેદરકારીભર્યું વર્તન હોઈ શકે. કે પછી, કદાચ પત્ની થોડી વધુ ધેર્યવાન હોઈ શકે કે પછી બે માંથી એકેય ને કશી પડી નહિ હોય. જે હોય તે, ધીમેધીમે તે બન્નેમાંથી પ્રેમ ઓછો થતો જશે અને એક દિવસે તેમને એવો વિચાર આવશે કે પ્રેમ ક્યાં જતો રહ્યો! બીજા વિશે કાળજી કરવાનું બંધ કરી દો અને તમે જોશો કે એની એજ બેદરકારીની લાગણીનું કંપન સામેવાળા તરફથી તમારી બાજુ પણ આવશે જ. એકબીજા સાથે જોડાયેલા હોવાની સમજ આંતરિકજોડાણને બળતણ પૂરું પાડે છે.

તમે ક્યારેય પણ તમારા પ્રિય લોકો સાથે લાંબા સમયથી રાહ જોતા હોય એવા કોઈ વેકેશન –જેમ કે કોઈ હિલ સ્ટેશન ઉપર ગયા છો? ત્યાં આગળ કોઈપણ નાની ગેરસમજણ થઇ જવાથી, કે કોઈની સાથે દલીલ થઇ જવાથી કે પછી તમને કામના સ્થળેથી કોઈ ખરાબ સમાચાર મળવાથી તમને યાદ છે તમને કેવી લાગણી થઇ જાય છે? ત્યાં પછી પહાડોની સુંદરતા, બરફની સફેદ ચાદર, પંખીઓનું સંગીત કે પછી, વહેતા ઝરણાની સુંદરતા પલ ભરમાં વિલાઈ જતી હોય છે. અંદરનો કેબહારનો કોઈ પણ આનંદ કેમ ન હોય, તમે તે સુંદરતાને જોઈ શકવાની ક્ષમતા જ ગુમાવી દો છો. બધું ત્યાંનું ત્યાં જ રહેલું હોય છે, છતાં તમને તે તેવું લાગતું હોતું નથી. બસ, અજ્ઞાનતા આપણી ચેતના સાથે કઈક આવું જ કરતી હોય છે. બધું અહીનું અહી જ હોય છે, છતાં આપણે તેને જોઈ શકતાં નથી.

આંતરિક જોડાણના બ્રહ્માંડીય નિયમનો ફાયદો લેવો હોય તો, આપણે આપણી ચેતનાના અરીસાને તૃષ્ણા અને સ્વાર્થથી ઢાંકેલો ન રાખીએ. તેનો એક એવો પડદો પડી જાય છે કે જે આપણને જ્યોતની અંદર રહેલી જ્યોતને જોવા દેતું નથી, આ સુંદર ઓરડાનું એક અખંડ દ્રશ્ય પણ જોવા દેતું નથી, સુર્યાસ્તને પણ નહિ, અને ઝુમ્મરની અંદર રહેલી મીણબત્તીનો ટીમમટીમાટો પ્રકાશ પણ નહિ. આ બધું આપણો અરીસો ચોખ્ખોચટ હોય અને આપણી દ્રષ્ટી બરાબર હોવા ઉપર આધારિત છે.

આજ એક કારણ છે અમુક લોકોના સંઘર્ષનો ક્યારેય અંત જ નથી આવતો હોતો, તેઓ આખું જીવન હમેશા દુઃખોની ધાર ઉપર જ રહે છે. મોહ આપણી સાથે આવું કરે છે; તે આપણા મગજમાં એક ઘોંઘાટ અને વિક્ષેપ સર્જે છે.

મને ખબર છે તમને એક સવાલ થશે, જે મને હંમેશાં પૂછાતો હોય છે, કે શું તો પછી આપણે કોઈપણ પ્રકારનો મોહ જ જીવનમાં ન રાખવો જોઈએ?

 એ કોઈ મારો વિશેષ અધિકાર નથી કે હું તમને તમારા જીવનમાં તમે શું કરી શકો અને શું ન કરી શકો કે પછી તમારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ એ કહી શકું. હું ઉપદેશ આપવામાં તો બિલકુલ માનતો જ નથી. પૂર્ણવિરામ. હું તો અહી ફક્ત એટલું જ કહી રહ્યો છું કે હું જેનાંથી પણ જોડાયેલો રહીશ અંતે તો એ જ મારા દુઃખનું કારણ બનશે. એમાં કોઈ શંકા નથી. હા, મોહથી તમને પ્રેરણા પણ મળતી હોય છે, આનંદ પણ મળતો હોય છે, અરે તે આપણને અમુક રીતે તો શક્તિનું પણ પ્રદાન કરે છે, પરંતુ તે તમને સત્યથી પણ વિમુખ રાખે છે અને તમારી આજુબાજુ જે ખરી સુંદરતા રહેલી છે તેનાંથી પણ. આંતરિક જોડાણનો આ નિયમ દરેક લોકો માટે છે, પણ એ તમારા માટે તો જ કામ કરશે જો તમને એના પૈડાને ગતિ આપતાં આવડતું હશે તો. કોઈની પાસે બેંક એકાઉન્ટમાં ૧૦ મિલિયન ડોલર હોઈ શકે છે, પરંતુ જો તેમને પૈસા કેવી રીતે ઉપાડાય અને કેવી રીતે વપરાય તેની જ જો ખબર નહિ પડતી હોય તો એ મૂડીને ન તો વાપરી શકાશે ન તો તેનું કશે રોકાણ કરી શકાશે.

અને, “આ પૈડાને દોડતાં કેમ કરવાં”, તમે પૂછશો? ભલા બનો, કોઈનાં જીવનમાં સારો તફાવત લાવો. જયારે પણ કોઈવાર તમને દુઃખ થયું હોય, ત્યારે તમારી જાતને પૂછો, કે શું મને એટલાં માટે દુઃખ થાય છે કેમ કે હું મારા મતની પેલે પાર જોઈ શકતો નથી, શક્ય છે મારો જ અરિસો ઢંકાયેલો હોય અને હું એ જ્યોતને નથી જોઈ શકતો/શકતી જે મારા સમગ્ર વિશ્વને પ્રજવલિત કરી રહી છે?

આમ કરવાથી તમારા અંતર્નાદનું પ્રભુત્વ વધશે અને એ જ તમારું માર્ગદર્શન કરીને તમને શાંતિ અને પ્રેમના કિનારા સુધી લઇ જશે, અને સાથે સાથે તમારું આ બ્રહ્માંડ સાથેનું જે જોડાણ છે તેની પણ સમજણ આપશે.

એક ભલાઈનું કર્મ જેટલું એકબીજાને જોડી શકે છે એટલું બીજું કશું પણ જોડી શકતું નથી. અને, કશું કાયમ માટે જોડાયેલું પણ નથી રહેતું. આ બ્રહ્માંડની રચનામાં સ્થાયિત્વની કોઈ પરવાહ નથી.

શાંતિ.

સ્વામી

વિશેષ નોંધ: ગયા લેખમાં મેં આપેલ વચન પ્રમાણે, હું જુનમાં UKની મુલાકાતે આવી રહ્યો છું. મારી સાથે ધ્યાન શિબિરમાં જોડાવું હોય તો તેની વિગત અહી છે.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email