“શું ખુશ રહેવાનો કોઈ ટૂંકમાર્ગ છે ખરો?” નારાયણી ગણેશે મને ગયા અઠવાડિયે જયારે હું બેંગ્લોર લીટ ફેસ્ટમાં બોલવા માટે ગયો હતો ત્યારે મને આ સવાલ કર્યો હતો.

“”ઓહ,” મેં કહ્યું, “તમારો કહેવાનો અર્થ  છે ખુશીનો કોઈ જુગાડ?”

આ સાંભળીને નારાયણી ગણેશ તેમજ શ્રોતાગણમાં બેઠેલા બીજા અનેક લોકો મારી સાથે હસી પડ્યા. જુગાડ શબ્દનો અર્થ થાય છે કોઈ પ્રશ્ન માટેનો કોઈ એવો અનોખો ઉપાય, એક જાતનો કામચલાઉ રસ્તો કે જેના અભાવે એ પ્રશ્ન ઉકેલવા માટે ઘણાં બધાં શ્રોતોની જરૂર પડે. ઓક્સફર્ડ ડિક્સનરીએ ૨૦૧૭માં જુગાડ શબ્દને પોતાની અંદર ખરેખર સામેલ કર્યો છે. જુગાડમાં કઈ હંમેશાં શોર્ટકટની જ વાત હોય એ જરૂરી નથી, પરંતુ દરેક શોર્ટકટમાં હંમેશાં કોઈને કોઈ જુગાડ જરૂર રહેલો હોય છે. અને બીજી એક વાત કહી દઉં: જે કોઈપણ બાબતને માટે તમે કોઈ ટૂંકમાર્ગ અપનાવતા હોવ છો તે બહુ જલ્દીથી નક્કામો પણ થઇ જતો હોય છે. જો તમે કોઈ નક્કર ઉકેલની ખોજમાં હોવ તો તમને કોઈ કામચલાઉ ઉકેલ પરવડશે નહિ.

એક મોટો સંતોષ આપણને આપણી દુરંદેશીતા, આપણી સમજણ અને આપણા કામની ગુણવત્તામાંથી મળતો હોય છે. તે આપણા સ્વભાવ અને આપણા સિદ્ધાંતોમાંથી પણ મળતો હોય છે.

એક શ્રીમંત વ્યક્તિ પોતાના છેલ્લાં શ્વાસ લઇ રહ્યો હતો અને તેના કુટુંબીજનો તેને વીંટળાઈને બેઠા હતાં. તેના ગયા પછી તેની સંપત્તિમાંથી કોને કેટલો ભાગ મળવો જોઈએ તેની કડવી દલીલ ચાલી રહી હતી. આ ક્ષણે તેના કહેવાતા પોતાના પ્રિયજનો ચુપચાપ ઉભા રહ્યાં હતાં, કેટલાંક હાથની અદબ વાળીને ઉભા રહ્યાં હતાં, તો કેટલાંક ભવાં ચડાવીને, તો અમુકજણા ગંભીર વદને ત્યાં ઉભા રહ્યાં હતાં. પ્રત્યેક જણ ત્યાં ઉભા રહીને આ વૃદ્ધ વ્યક્તિના મૃત્યુની રાહ જોઈ રહ્યાં હતાં, કે જેથી કરીને એમના વકીલ સાથે તેમની મુલાકાત ચાલુ થાય.

આ જ ઓરડાની અંદર, એક ખૂણામાં તેના જીવનના ત્રણ મહત્વના પાસાઓ ઉભા રહ્યાં હતાં: સંપત્તિ, પ્રેમ અને વિશ્વાસ. સંપત્તિ છે તે એકદમ શણગાર સજીને ઉભી રહી હતી, પ્રેમ છે તે એક ઉષ્માભરી ઉર્જાથી ઉભરાઈ રહ્યો હતો, પરંતુ વિશ્વાસ એકદમ શાંતિથી ત્યાં ઉભો રહ્યો હતો. જો કે એ તેની હંમેશાંની આદત હતી. અંતે વિશ્વાસ એક શાંત લાગણી છે. તમે કોઈને શબ્દોથી ખાતરી આપી શકો, પણ તમારા કર્મો થકી જ તે ખાતરી ખરી રીતે બંધાતી હોય છે. “તું શું કરીશ, સંપત્તિ?” પ્રેમે તેને પૂછ્યું. “લાગે છે તું તો આ મૃત્યુ પામતાં વ્યક્તિને છોડવા માટે બધી રીતે તૈયાર થઇને બેઠી છે?

“હા, કઈક એવું જ,” સંપત્તિએ તટસ્થતાથી જવાબ આપતાં કહ્યું. “મારો કહેવાનો અર્થ છે કે એવું પણ નથી કે હું કઈ એની માલિકીની છું. હું મારી જાતને તેની મિલકતમાં, શેરમાં, બેંક એકાઉન્ટમાં અને બેલેન્સ શીટમાં વહેંચી નાંખીને જીવતી રહીશ. અને, તેના ઉત્તરાધિકારીઓ જો હોશિયાર હશે અને મારી સારી રીતે કાળજી લેશે તો હું છું એનાં કરતાં પણ વધીને પાછી આવતી રહીશ.”

“તારું શું છે, પ્રેમ?” સંપત્તિએ વળતો સવાલ કરતાં પૂછ્યું, જયારે વિશ્વાસ ત્યાં ચિંતન કરતાં પોતાનું માથું હલાવતો ઉભો હતો.

“હું તો ખુબ જ છૂટ વાળો છું,” પ્રેમે કહ્યું. “પરંતુ અત્યારે તો મારે અહીથી જતાં રહેવું પડશે કારણકે અહી આવા ઝેરી અને ઉગ્ર વાતાવરણમાં તો મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. અહી દરેકજણ બસ તારા ઉપર જ બધું ધ્યાન આપી રહ્યાં છે, અને જ્યાં મારી જરૂર ન હોય ત્યાં હું રોકાતો નથી.”

“તો શું તું તેમને કાયમ માટે છોડીને જઈ રહ્યો છું?”

“ના, એવું પણ નથી. જો તેઓ એકબીજા માટે કાળજી, સન્માન અને કરુણાની લાગણીઓ દાખવવાનું શીખશે, તો હું રાજીખુશીથી પાછો આવીશ. અહી રહેવાની અત્યાર સુધી ખુબ મજા આવી હતી અને જયારે આ શ્રીમંત વ્યક્તિ પોતાનો દેહ છોડશે એટલે હું પણ અહીંથી જતો રહીશ.”

વિશ્વાસ તો ત્યાં એકદમ શાંત થઇને અત્યાર સુધી ઉભો રહ્યો હતો, એની નોંધ લઇને તે બન્નેએ એકીસાથે પૂછ્યું, “તું પણ જતો રહીશ?”

“મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.”

“તો તું હવે પછી કેવી રીતે અને ક્યારે પાછો આવીશ? તને ફરી અહી મળવાની મજા આવશે.”

“મને માફ કરશો, મિત્રો, પણ મારી કામ કરવાની પદ્ધતિ કઈક જુદી જ છે.”

“એ કેવી રીતે?”

“હું પાછો નથી આવતો,” વિશ્વાસે પોતાનું માથું હલાવતા કહ્યું. “એકવાર જો હું જતો રહો, તો હું કાયમ માટે જતો રહેતો હોવ છું.”

મારા મત મુજબ, ખુશી એક એવી લાગણી છે જે ત્રણ વસ્તુઓમાંથી આવતી હોય છે:

૧. ધ્યેય

જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ ધ્યેય નહિ હોય, ત્યાં સુધી કઈ પણ સર્જનાત્મક કાર્યમાં તમારી શક્તિ વપરાશે નહિ. મન એ માનવ અસ્તિત્વની એક મૂંઝવણભરી ઘટના છે. મેં એ જોયું છે કે તમારા જીવનમાં તમે જે ઈચ્છ્યું હોય એ તમામ વસ્તુઓ હાજર હોય પરંતુ જો તમારા જીવનમાં કશું અર્થસભર કાર્ય કરવાં જેવું કશું નહિ હોય તો તમને જીવનમાં એટલો બધો તણાવનો અનુભવ થશે કે હું તમને એ શબ્દોમાં કહી શકું તેમ નથી, તમે જીવનમાં ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગશે. આવા ખાસ લોકોને હું હંમેશાં મળતો હોવ છું, જેઓ પોતાનામાં જ એટલાં બધાં ડૂબી ગયા હોય છે કે તેમને પોતાનું જીવન હંમેશાં એક બોજ જેવું લાગતું હોય છે.

એકલવાયાપણું, તણાવ, બેચેનીના હુમલા, સતત ચાલતી દુઃખની ભાવના તેમજ એક સતત સાલતો ખાલીપો, એ તમામની જનની ફક્ત એક જ છે: એક ધ્યેય વગરનું જીવન. અને ધ્યેય હોવું એનો અર્થ એવો નથી કે તમે જે કામો કરતાં હશો તે કરવામાં તમને ખુબ બધો આનંદ આવતો રહેશે. મોટાભાગના સમયે તો તમારા રોજના કરવાના કામોની યાદીમાં એવું જ બધું કામ સામેલ હશે જે કદાચ તમને કરવાનું પણ મન ન થાય. અને એ જ તો મુખ્ય બાબત છે: રોજના કરવાં જેવા કામો કરતાં રહેવાં કેમકે તમને ખબર છે કે આમ કરવાથી જ તમે રોજે-રોજ થોડાં-થોડાં તમારા ધ્યેયની નજીક પહોંચતા રહેશો. ધ્યેયનો અર્થ એવો છે કે તમે કઈક એવું કામ હાથમાં લીધું છે કે જે કરવામાં તમારી ખૂબીને તમે આખી દુનિયા સાથે વહેચી રહ્યા છો એવું લાગશે. જેના લીધે તમને તમારું અસ્તિત્વ મહત્વનું લાગશે.

૨. પ્રેમ

જ્યાં સુધી તમે જે કામ કરતાં હોવ તેને પ્રેમ કરવાનું ન શીખો ત્યાં સુધી તેના પ્રત્યે ઉત્સાહિત રહેવું ખુબ જ અઘરું છે. પ્રેમ અને પ્રેરણા વગર, સ્વયં-શિસ્ત દાખવવી ઓર અઘરી બાબત બની જતી હોય છે. અને કોઈપણ વસ્તુને પ્રેમ કરવાનો એક રસ્તો છે તેની ઉજળી બાજુને જોવી. એ આત્મ-શંકા અને ઇચ્છાઓનાં સુકા પાંદડાથી ભરેલા માર્ગમાં છુટા-છવાયેલા પથરાયેલા આનંદના અનમોલ હીરા મળવા જેવું છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, મુસાફરીનો પણ આનંદ માણવો અને તેમાં પણ વિજયની લાગણીનો અનુભવ કરવો. જયારે તમને મહેનત કર્યા પછી કશાની પ્રાપ્તિ થતી હોય છે ત્યારે તમારો આનંદ આપોઆપ અનેકગણો વધી જાય છે. કસરત કર્યા પછી એક સારું ભોજન જમવાનો આનંદ કે પછી થકાનથી ભરેલા એક લાંબા સમય પછી પાણીના ફુવારા નીચે ઉભા રહેવાનો આનંદ કઈ અનેરો જ હોય છે.

આપણે જે કામ કરીએ તેના પ્રત્યે પ્રેમનો અનુભવ ત્યારે જ થતો હોય છે જયારે આપણે આપણને જે કામ-કરવાં-ગમતા હોય છે તે અને જે કામ-આપણે-કરવાં-પડે એવા હોય છે તે બેની વચ્ચે આપણે એક કાળજીપૂર્વકનું સંતુલન સાધતા શીખીએ. જીવનમાં જેટલું સ્વીકારવાનું અને પાછળથી આનંદ લેવાનું શીખીએ તો તેટલી જ વધુ આનંદની તકો આપણને મળતી રહેશે. જો તમારે જીવનમાં જે કઈ કરવાની ઈચ્છા હોય તેવા કામો કરવાં હોય તો પછી તમારે તેના માટે જે કરવાં પડે તેવા કામો હોય છે કરતાં રહેવાનો આનંદ પણ લેતાં શીખી લેવું પડશે. કહ્યું છે ને કે, “કાં તો તમને જે પ્રિય હોય તે કરો ને કાં તો જે કરવું પડતું હોય તેને પ્રેમ કરતાં થાવ.”

૩. વિશ્વાસ

વિશ્વાસનો અર્થ ફક્ત એટલો જ નથી કે જે લોકોએ તમારામાં વિશ્વાસ મુક્યો છે તેનું રક્ષણ માત્ર કરવું, પરંતુ સાથે સાથે આત્મ-વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે. આત્મ-વિશ્વાસમાં વધારો તો જ થાય જયારે તમે જે કહ્યું હોય કે તમે કરશો તે ખરેખર તમે કરો તો. જયારે તમે કશું કરવાનો નિર્ણય કરો ને કાં તો તમારી જાતને કોઈ વચન આપો (દાખલા તરીકે, હું સ્મોકિંગ છોડી દઈશ કે પછી અઠવાડિયામાં ૫ દિવસ કસરત કરીશ વિગેરે.) અને પછી તેનું પાલન ન કરો, ત્યારે તમારા આત્મ-વિશ્વાસને બહુ મોટો ધક્કો પહોંચતો હોય છે. અને જેટલી વખત આવું બને તેટલી વખત તમે તમારામાંથી એક શ્રધ્ધાને ગુમાવતા જાવ છો અને ધીરેધીરે એક એવા મુકામ ઉપર પહોંચી જાવ છો જ્યાં તમને તમારામાં પ્રત્યે કોઈ વિશ્વાસ રહેતો નથી. હવે, જો તમને જ તમારામાં વિશ્વાસ ન હોય, તો બીજા લોકો કે પછી આ દુનિયા તમારો વિશ્વાસ કેવી રીતે કરી શકે?

વિશ્વાસ વગર, જીવનમાં કોઈ સલામતી નથી રહેતી. અને સલામતીનો જ્યાં અભાવ હોય છે ત્યાં પોતાનો એક ખોટી રીતનો સ્વબચાવ કરતાં રહેવાનો સ્વભાવ થઇ જતો હોય છે, અંદરનો અહંકાર ફૂલી જતો હોય છે અને તેનાંથી જીવનમાં એક પ્રકારની અનિર્ણયાત્મકતા આવી જાય છે. પછી કશું થઇ શકતું નથી.

એક સુંદર સાંજે, મુલ્લા નસરુદ્દીન પોતાની પત્ની સાથે બેઠા-બેઠા અરેબિયન કોફી અને ખજુરનો સ્વાદ માણી રહ્યાં હતાં. પોતાના જુના દિવસો યાદ કરતાં કહ્યું, “બેગમ, તું બેહદ ખુબસુરત દેખાતી હતી અને મને ખબર છે કે તને પોતાને પણ એ વાતની ખબર હતી.” તેમની બેગમનું મુખ તો શરમથી લાલ થઇ ગયું અને બોલી, “હું પણ તમારાથી ખુબ જ પ્રભાવિત થઇ ગઈ હતી.” “તો પછી તે ક્યારેય એ દિવસોમાં જતાવ્યું કેમ નહિ? અને એવું કેમ હોય છે ક્યારેય કોઈ સુંદર સ્ત્રી પુરુષ માટે પોતાનો પ્રેમ પ્રગટ નથી કરતી જયારે પુરુષ તો હંમેશાં કરતો હોય છે?”

“તમે ક્યારેય ઉંદર પકડવાના પિંજરાને ઉંદર પાછળ દોડતાં જોયું છે?” તે એક વિજયી સ્મિત કરતાં એક મોટી ખજુર પોતાના મોઢામાં મૂકી અને કોફીનો ઘૂંટ ભરતા બોલી.

વળતો કોઈ જવાબ નહિ આપતાં, મુલ્લા શાંત બનીને પોતાની પ્લેટમાંથી સારી ખજુર શોધવાનો ડોળ કરવાં લાગ્યા.

“તમે પણ ખુબ જ દેખાવડા અને કાળજી કરનારા હતાં,” બેગમે વાત ચાલુ રાખતાં કહ્યું, “પણ હવે તો તમે બિલકુલ બદલાઈ ગયા છો.”

“કેવી રીતે?”

“વારુ, પહેલા તો તમે મારા માટે ઘણાં બધાં નવા કપડા, દાગીના, વાસણો અને બીજી અનેક ભેટ-સોગાદો લાવતા હતાં, પણ હવે તો એમાંનું કશું નહિ.”

“અરે બેગમ, તું કેટલી નિર્દોષ છે,” મુલ્લાએ કહ્યું. “ડોલમાં આવી પડેલી માછલી માટે કોણ જાળ ફેલાવીને છટકું કરવાનું હતું!”

પ્રેમ કે વાસના, જે હોય તે, તે કોઈ લાલચ કે છટકું ગોઠવવાની વાત નથી, એ તો પરસ્પર કાળજી, કદર કરવાની વાત છે, પરસ્પરનું સન્માન અને જીવનમાં કોઈ ધ્યેય રાખવાની બાબત છે.

ખુશીનું રહસ્ય છે: કોઇપણ કિંમતે વિશ્વાસ (આત્મ-વિશ્વાસ અને અન્ય લોકોના વિશ્વાસ)નું રક્ષણ કરો; પ્રેમ અને ધ્યેય એની મેળે જ તમારા જીવનમાં આવી જશે. અને એ ત્રણેય ભેગા મળીને ખુશી આપે છે.

આટલું સરળ ગણિત છે આ, ખરેખર.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email