તમે એ વાતની નોંધ લીધી છે કે આપણે હંમેશાં આપણા હૃદયમાં, બીજા લોકોના હૃદયમાં કે તેમના જીવનમાં એક સ્થાન શોધતા રહેતાં હોઈએ છીએ કે જે આપણને ખુશી આપી શકે? આપણું કઈ મહત્વ હોવું જોઈએ, આપણે કોઈનાં હોવા જોઈએ કે બીજા કશાથી જોડાયેલા હોવા જોઈએ. આપણે એવું માનતા થઇ ગયા છીએ કે આપણી કોઈ બોલબાલા હોવી કે લોકપ્રિયતા હોવી એ આપણે કેટલાં મહત્વના છીએ અને આપણને કેટલો બધો પ્રેમ મળી રહ્યો છે તેનું નિર્દેશન છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, હું જેટલો કોઈ બીજા માટે (કે પછી કોઈ સંસ્થા માટે પણ હોઈ શકે છે) અનિવાર્ય, તેટલો જ હું વધારે મહત્વનો, અને જેટલુ વધુ મારું મહત્વ, તેટલાં વધારે પ્રમાણમાં મને પ્રેમ મળી રહ્યો છે એવું લાગે. અને આમ આપણે એક સ્થળેથી બીજા સ્થળે, એક આશ્રમથી બીજા, અને એક વ્યક્તિથી બીજા વ્યક્તિ પાસે જતાં રહેલા છીએ, કોઈ એક એવા સ્થળની ખોજ માટે કે જ્યાં આપણું મહત્વ આપણે જેવા છીએ એવા હોવાને લીધે હોય, અને એટલાં માટે નહિ કે ત્યાં આપણે શું યોગદાન આપી શકીએ તેમ છીએ.

લોકોએ તેને યુટોપિયા, સિદ્ધાશ્રમ, જ્ઞાનગંજ અને બીજા એવા અનેક નામો આપ્યાં છે: એક શ્રેષ્ઠ સ્થળ. એક સંપૂર્ણ સુસંવાદીતતા. જ્યાં કોઈ ફરિયાદ નહિ, બીમારી નહિ, કે અસુસંવાદિતતા નહિ. ફક્ત ખુશી, શાંતિ, અને પરમાનંદ. આપણી ઇચ્છાઓની પૂર્તિ કરવાં માટે, આખા માનવ ઈતિહાસ પર નજર કરીએ તો, આપણે એના માટે બહુ લાંબી અને કઠોર મુસાફરીઓ પણ ખેડી છે. વાસ્કો-દ-ગામાએ ભારત તરફનો દરિયાઈ માર્ગ શોધ્યો. જો કે કોલંબસને પણ એવું જ લાગેલું (પણ, ખરેખર કોલંબસ તમારો હૃદયપૂર્વક આભાર, તમારી અકસ્માતે પણ જે ધરતીની ખોજ થઇ છે તે જો ન થઇ હોત તો, આજે આપણે iMac, એમેઝોન અને ગુગલ વગરના હોત. થાળી ભરીને ખાવાનું અને મોઢામાં પાણી આવી જાય એવા ડોમિનોઝ, મેકડોનાલ્ડ, બર્ગર કિંગનું ખાવાનું આ બધાંને લીધે આપણી બીજી દુનિયા તરફની યાત્રા કઈક અંશે ઝડપી બની ગઈ છે. KFCનું એક બકેટ ખાઈને કોઈ પણ બકેટને લાત મારવા જેવા થઇ જવાય છે. આ ફાસ્ટફૂડ ખરેખર ખુબ ફાસ્ટ થઇ ગયું છે, તમને કહી દઉં.)

વારુ મજાક બાજુ પર રાખીએ, પણ આપણે ખરેખર ક્યાં હોવા જોઈએ? સૌથી શ્રેષ્ઠ સ્થળ કયું છે? કોલેમન બાર્કસની The Big Red Book (મને જે વ્યક્તિએ આ પુસ્તક આપ્યું તેનો હું ખુબ આભાર માનું છું)માં એક શામ્સ તબરીઝની મકાલત નામની એક સુંદર વાર્તા ટાંકી છે. મહાન સુફી સંત રૂમીના એક આધ્યાત્મિક માર્ગદર્શક હતાં જેમનું નામ હતું શામ્સ. કોલેમનના શબ્દોમાં જ તેમની આ વાર્તા અત્રે પ્રસ્તુત છે:

એક કાફિલો યાત્રા કરતો કરતો એક જગ્યાએ આવી પહોંચે છે જ્યાં કોઈ માનવ વસવાટ નથી હોતો કે પાણી પણ નથી હોતું. ત્યાં એક કુવો દેખાય છે, પણ આજુબાજુ કોઈ દોરડું કે ડોલ હોતા નથી. પાણી પીવા માટે, થઈને એ કાફિલામાંથી કોઈ પોતાનું દોરડું એક કીટલીથી બાંધીને કુવામાં નીચે જવા દે છે. પણ ત્યાં કશું ભટકાય છે અને, તે જેવું પાછું ઉપર ખેંચવા જાય છે ત્યાં જ કીટલી ભાંગી જાય છે.
 
તેઓ બીજી કીટલી વાપરે છે, પરંતુ તે પણ તૂટી જાય છે. ત્યારબાદ તેઓમાંથી એક તરસ્યો યુવાન પોતે સ્વયં નીચે જવા માટે તૈયાર થાય છે, અને ત્યાર બાદ બીજો, પરંતુ તે બધાં નીચે ગયા પછી અદ્રશ્ય થઇ જાય છે. હવે આ કાફિલામાં એક હોશિયાર વ્યક્તિ હોય છે તે નીચે જવા માટે તૈયાર થાય છે. એ પોતે હજી નીચે પહોંચવામાં જ હોય છે, કે ત્યાંથી એક ભયાનક કાળું જનાવર નજરે પડે છે.
 
“હું તો તારાથી બચી શકું તેમ છું જ નહિ,” પેલો હોશિયાર વ્યક્તિ એ રાક્ષસને કહે છે, “પણ હું ઈચ્છું છું કે હું પુરા ભાનમાં રહું કે જેથી કરીને હું મારી સાથે શું થઇ રહ્યું છે તે જાતે જોઈ શકું.”
“બહુ લાંબી વાતો નહિ,” પેલો રાક્ષસ કહે છે. “તું મારો બંદી છે. જ્યાં સુધી તું મારા સવાલનો જવાબ નહિ આપે, ત્યાં સુધી તું પાછો નહિ જઈ શકે.”
“પૂછ.”
“સૌથી શ્રેષ્ઠ સ્થળ કયું છે?”

પેલો હોશિયાર વ્યક્તિ મનમાં થોડાં વિચારમાં પડી જાય છે. “આ તો એકદમ લાચારી જેવું થઇ ગયું. જો હું બગદાદ કે પછી કોઈ બીજા સ્થળને સૌથી શ્રેષ્ઠ સ્થળ કહીશ, તો પછી એ તેના પોતાના વતનનું અપમાન કર્યા જેવું ગણાશે.”

તે જવાબ આપતાં કહે છે, “કોઇપણને માટે રહેવાં માટેનું ઉત્તમ સ્થળ એ જ હોય છે જ્યાં તેને પોતાના ઘર જેવું લાગે. અને જો આ ઘર દુનિયાની વચ્ચોવચ્ચ કોઈ મોટા ખાડામાં પણ આવેલું હોય, તો તેના માટે તો ઘર જ છે. અને તે જ રહેવાં માટેનું સૌથી ઉત્તમ સ્થળ છે.”

“બહુ સરસ કહ્યું. તું એક વિલક્ષણ વ્યક્તિ છે,” રાક્ષસે કહ્યું. “તારા આશીર્વાદને લીધે હું તારી સાથે આવેલા બીજા લોકોને પણ મુક્ત કરી દઈશ અને તને આ જમીનનો ઉત્તરાધિકારી બનાવું છું. હું અન્ય કોઈને પણ હવે કેદી નહિ બનાવું. અને આ કુવાના પાણીને પણ છોડી મુકીશ.” શામ્સ તેનું અદ્દભુત જ્ઞાન આપતાં કહે છે કે રાક્ષસને તેના ઘરમાં જ રહેવાં દો. પેલા વ્યક્તિએ આ સ્થળ સાથે જે કર્યું છે તે ખુબ સારું છે.

સૌથી શ્રેષ્ઠ સ્થળ ખરેખર એ જ છે કે જ્યાં તમને પોતાના ઘર જેવું લાગે. ઘરમાં, કદાચ તમે એકબીજા સાથે દલીલ કરો, ઝઘડો કરો કે અસહમત થાવ તો પણ દિવસને અંતે તમે એકબીજાની સાથે હોવ છો. તમારા વિશે કદાચ તમારા ભાઈ-ભાંડુંઓ કે માતા-પિતા કોઈ મત બાંધી બેસે, તો પણ તમને એક છતની નીચે બધાં સાથે ભોજન કરવામાં વાંધો નહિ હોય. બીજા શબ્દોમાં કહેવું હોય તો, ઘરની અંદર હોવાનો અર્થ એ છે કે ત્યાં થોડાં લોકો (કે જેમના માટે તમને લાગણી હોય છે)ની વચ્ચે રહીને પણ તમારા માટે થોડી નાની અંગત જગ્યા હોય છે. એક એવી જગ્યા કે જ્યાં તમે ખોટા છો એ સંભળાવાનો તમને કોઈ વાંધો નથી હોતો. જીવનમાં નિરાશા મળે ત્યારે તમે આ જગ્યાએ પાછા જતાં હોવ છો. ત્યાં રહેતાં લોકો, કે જેમની પ્રત્યે તમે ગમે તેટલાં નારાજ કેમ ન હોવ, તેમને કોઈપણ પ્રકારનું નુકશાન થાય એવું તમે નથી ઇચ્છતાં હોતાં, તમારે જયારે પણ તમારું દુઃખ કે પીડા કોઈની સાથે વહેંચવી હોય ત્યારે આ જ લોકો સૌથી પહેલા મગજમાં યાદ આવતાં હોય છે.

જો કે, જે યોગી હોય છે, તેઓ તો આ ઘરને પણ અસ્થાયી ગણતા હોય છે, કારણકે, જયારે આપણું મન શાંત ન હોય તો આ ઘરમાં રહીને પણ ઘર જેવું નથી લાગતું હોતું. ત્યારે આ ઘર પણ કોઈ બીજી ઈમારતોમાંની જ એક ઈમારત જેવું લાગે છે અને તેમાં રહેતાં લોકોને પણ આપણે ઓળખવા છતાં જાણતા હોતાં નથી. જે કઈ પણ ભૌતિક છે તે અસ્થાયી છે અને અંતે તો તેનો નાશ જ થવાનો છે. માટે, સાશ્વત શાંતિની ખોજ અસ્થાયી વાસ્તવિકતામાં કરવી એ નરી વ્યર્થ કોશિશ જ છે. એને બદલે, આપણી પ્રેરણાની ખોજ આપણે આપણી ચેતનાના ઉચ્ચ સ્તરે કરવી સારી, કે જ્યાં તમે તમારી સાશ્વત ચેતનાને લઇને ચાલતાં રહેલા છો, કેમ કે તે જ માત્ર લાંબો સમય ચાલતી હોય છે, બીજું આપણે કઈ પણ ખોજીએ તે સાશ્વત હોતું જ નથી. જરા કલ્પના કરો જયારે આપણે કોઈ સર્જનાત્મક, ઉત્પાદક, કે કોઈ એવા કાર્યમાં લાગેલા હોઈએ કે જેમાંથી આપણને આપણા મર્યાદિત ક્ષેત્રમાંથી બહાર આવવા માટે ચુનોતી મળતી હોય, ત્યારે આપણને કેટલાં આનંદની અનુભૂતિ થતી હોય છે, ત્યાં આપણને જેટલું જ્ઞાન હોય તેની પરીક્ષા અને એનાંથી થોડું જુદી રીતે વિચારવાની ફરજ પડતી હોય છે.

આપણે કુદરતની સાથે જેટલી સુસંવાદીતતા સાધીને જીવીએ, તેટલું જ જીવન વધારે આનંદિત રહેતું હોય છે. જયારે હું કુદરતની વાત કરું ત્યારે તેનો અર્થ ફક્ત વૃક્ષો, પર્વતો અને તમારી પાસે શું છે એ જ માત્ર નથી થતો. કુદરતનો અર્થ છે તમારા આંતરિક અને બાહ્ય વિશ્વ વચ્ચેનો તાલમેલ. મારી ઇચ્છાઓ, અપેક્ષાઓ, સ્વપ્નાઓ, લક્ષ્યો એ તમામ મારી અંદર રહેલા છે, તેનું સૌ પ્રથમ મારા મનમાં, મારા આંતરિક વિશ્વમાં અસ્તિત્વ હોય છે. મારી ભૌતિક સંપત્તિ, મારી આજુબાજુ રહેલા લોકો, મારા માલિકીની બીજી વસ્તુઓ એ તમામનું અસ્તિત્વ આ બાહ્ય વિશ્વમાં રહેલું છે.

આ બે વિશ્વ વચ્ચે જેટલો મોટો તફાવત રહેલો હશે, તેટલું વધુ મને મારા ઘરમાં જ ઘર જેવું નહિ લાગે. હાં, જોવા જઈએ તો ઘરમાં હોવાનો અર્થ છે આપણે જેને પ્રેમ કરતાં હોઈએ અને જે લોકો આપણને ઈચ્છતા હોય એમની આસપાસ ઘેરાયેલાં હોવું, પરંતુ તે તો ફક્ત અડધું સત્ય છે, પૂર્ણ તો નથી જ. ઘરે હોવું અર્થાત સ્વતંત્ર હોવું. અને સ્વતંત્રતા એ એક આંતરિક બાબત છે, એક આંતરિક શરત.

બાહ્ય જગત ફક્ત સાંકળને તોડી શકે, પરતું વિચારોની હાથકડીઓને નહિ. તેનાંથી અંતર તો ઘટે પરંતુ તેનાંથી હૃદય કઈ વધારે પ્રેમાળ નથી બનતું. તમે તમારા વિશ્વમાં, તમારી નોકરીમાં, તમારા સંબંધોમાં કેટલી પરિપૂર્ણતા અનુભવો છો તેનો સો ટકા આધાર તમે અંદરથી કેટલાં સંતોષી છો તેના ઉપર છે. કદાચ, આ લેખનો અંત એ જ પુસ્તકમાં ટાંકેલા રૂમીના આ વાક્ય દ્વારા કરવો જ ઉત્તમ રહેશે.

Jars of springwater are not enough anymore.
Take us down to the river.
The face of peace, the sun itself.
No more the slippery cloudlike moon.
Give us one clear morning after another,
And the one whose work remains unfinished,
Who is our work as we diminish,
Idle, though occupied, empty and open.

શાંતિ.

સ્વામી

વિશેષ નોંધ: મને એ જણાવતા આનંદ થાય છે કે નીચેના કેમ્પ આપણે સિંગાપોર, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ માં કરીશું (આવતાં મહીને યુ.કે., યુ.એસ.એ અને કેનેડા વિશે જાહેરાત કરીશું.)

૧. સિંગાપોર કુંડલીની શિબિર ૨૭-૨૭ એપ્રિલ. ૧૨૦ જગ્યા.

૨. સિડની કુંડલીની શિબિર. ૪-૫ મે. ૧૨૦ જગ્યા.

૩. ઓકલેન્ડ ધ્યાન શિબિર. ૧૧-૧૨ મે. ૯૦ જગ્યા.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email