કેનેડામાં એક વ્યક્તિ હોય છે – અને હું તમને એમનાં જીવનની સાચી વાત કરી રહ્યો છું જે મેં ઘણાં સમય સુધી જાતે સાક્ષી બનીને જોયેલું છે. હું જયારે તેમને પ્રથમ વખત ભારતમાં મળ્યો ત્યારે તેઓ ગાયત્રીમંત્રના એક પ્રમાણિક આરાધક હતા. હકીકતમાં એ પહેલા એવા વ્યક્તિ મેં જોયા હતા કે જેને ખરેખર ગાયત્રીમંત્રની સિધ્ધિ પ્રાપ્ત કરી હોય; ગાયત્રી મંત્રની ઉર્જા તમારા દ્વારા કામ કરતી હોય છે, તમારી અંદર જ જીવંત રહેતી હોય છે અને બીજા અનેક લોકોને માટે લાભદાઈ સાબિત થતી હોય છે. આ વ્યક્તિએ અનેક લોકોને તેમના જીવનમાં આવતાં સંઘર્ષમય સમયને પાર કરવા માટે આશિષ આપ્યાં હતાં અને મદદ પણ કરી હતી.

હું જયારે પ્રથમ વખત આ વ્યક્તિને મળ્યો હતો ત્યારે તેમના ચહેરા ઉપર એક અદ્દભુત કાંતિ હતી. તેમનો ચહેરો એવો સુંદર અને તેજસ્વી હતો કે તમે આખો દિવસ તેમની સામુ બસ જોયા કરો, અને તો પણ તમને એવું જ લાગે કે તમને એક પ્રેમ, હુંફ, દિવ્યતા અને કૃપા તેના તરફથી વહીને તમારી પાસે આવી રહ્યા છે. એ દિવસોમાં હું ખુબ જ જ્યોતિષી કરતો હતો – હું ત્યારે ૧૫ વર્ષનો હોઈશ. આ સાધકનું સમર્પણ કઈક અનોખું જ હતું. તે ગાયત્રીમંત્રના રોજની ૧૬ માળા કરતા હતા. એક માળામાં ૧૦૮ ગાયત્રી મંત્ર હોય છે. અને આવું તેમણે લગભગ ૧૬ વર્ષ સુધી દરરોજ કર્યું હતું, તેઓ પોતાના મંત્ર કરવાનો જે નિત્યક્રમ હતો તેને ક્યારેય ચુક્યા નહોતા.

હું એક ક્ષણ માટે વિષયાંતર કરીને તેમના જીવનનો એક પ્રસંગ કહું છું. તેઓ જે ફેક્ટરીમાં કામ કરતાં હતાં તેમા એક દિવસ એક બહુ જ મોટો ઓર્ડર મળ્યો હતો, માટે દરેકજણને રોજનો અડધો દિવસ વધુ કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. એ રીતે, બે જણ મળીને ૧૨ કલાકનું કામ જુદીજુદી શિફ્ટમાં કરી શકે, તો એ રીતે ફેક્ટરી ૨૪ કલાકનું ઉત્પાદન કરી શકે. આ નેવુંના દસકાની વાત છે.

તેમને પોતાના બોસને કહ્યું, “જુઓ, મને માફ કરજો, પરંતુ હું બપોરના ૩ વાગ્યા પછી રોકાઈ શકીશ નહિ, મારે જવાનું હોય છે. મારે મારું પોતાનું કામ કરવાનું હોય છે – એ મારો પોતાનો અંગત સમય હોય છે.”

“તમે આ કંપનીમાં છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરો છો,” તેમના બોસે કહ્યું. “તમને એ ખબર છે કે આ ઓર્ડર આપણા માટે બહુ જ મોટો છે. અને એવું પણ નથી કે અમે તમને તેનો પગાર નથી આપવાના. અમે તમને ઓવરટાઇમ કરવાના બેગણા પૈસા આપીશું. અમે ફક્ત એટલું જ માંગી રહ્યાં છીએ કે તમે દિવસના ચાર કલાક વધુ કામ કરો, અને તે પણ ફક્ત આઠ કે નવ અઠવાડિયા સુધી જ કરવાનું છે.”

પેલા વ્યક્તિએ કહ્યું, “સોરી, હું નહિ કરી શકું.”

“આ કોઈને ગમવાનું નથી. તમે સુપરવાઈઝર છો. તમે આવું કરીને બીજા માટે શું ઉદાહરણરૂપ સાબિત થશો?”

“મને માફ કરશો, મારે ખાવા માટે તો કમાવવું જ પડશે, પણ બપોરે ૩ વાગ્યા પછી તો હું નહિ જ રોકાઈ શકું.”

મેનેજર તો ખુબ જ ગુસ્સે થઇ ગયો. આ વાત તો છેક વિભાગના વડા સુધી પહોંચી, અને તેઓએ પણ આ વ્યક્તિ સાથે એક મિટિંગ કરી. પણ ત્યાં પણ આ વ્યક્તિએ પોતાની વાત પકડી જ રાખી. અને હવે તો આ મુદ્દો છેક કંપનીના CEO સુધી પહોંચ્યો. કેમ કે આ વ્યક્તિ ત્યાં છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરતાં હતાં માટે તેઓ તેમને એકદમ કાઢી પણ ન શકે. તેઓને પણ તકનીકી ક્ષેત્રના જાણકારની જરૂર હતી, જે આ ઓર્ડરને પૂરો કરી શકે.

“હું મારી સમજણની હદ ઉપર આવી ગયો છું,” CEOએ કહ્યું. “તમારે ૩ વાગ્યે જવાની એવી તો શું જરૂર છે? તમે ચાર કલાક માટે રોકાઈ કેમ ન શકો અને તે પણ ફક્ત થોડાં અઠવાડિયાની જ તો વાત છે? મને વાત કરો, શું મુશ્કેલી છે? આપણી કંપની વિકાસ કરે એનાંથી શું તમને આનંદ નહી થાય.?

“આ અંગત બાબત છે,” તેમણે જવાબ આપતાં કહ્યું. “મારે જઈને કોઈને મળવાનું હોય છે.”

“તમે કોઈ પ્રેમમાં પડી શકે એવા નવયુવાન જેવા તો નથી દેખાતા. તમારે એવું તો રોજ કોને મળવાનું હોય છે કે તમે તે ચુકી જ ન શકો? તમે તેને શું ૭ વાગ્યે ન મળી શકો?”

“મારે ચાર વાગ્યા સુધી ઘરે પહોંચી જવું પડે, અને ત્યાં હું બેસીને તેમને મળતો હોવ છું.”

“પણ કોને?” CEO અકળાયો. “તમારે કોને મળવાનું હોય છે?”

હું અહી મારા પોતાના કોઈ શબ્દો ઉમેરી નથી રહ્યો. મેં જેવું એ વ્યક્તિ પાસેથી સાંભળ્યું હતું એવુને એવુ જ શબ્દશ: તમને કહી રહ્યો છું.

“વારુ, મારે એવા કોઈને મળવાનું હોય છે જેણે મને આ નોકરી આપી છે,” તેમને કહ્યું.

“શું ગાંડા જેવી વાત છે આ,” CEOએ પોતાના હાથ હવામાં ઊંચા કરીને કહ્યું. “શું વાત કરી રહ્યાં છો તમે? મેં તમને આ નોકરી આપી છે. હું માલિક છું આ કંપનીનો!” પછી CEOએ વિચાર્યું કે અહી કોઈ વચ્ચે કોઈ એજન્ટ રહેલો હશે કે શું? આ વ્યક્તિ બિચારો એક ગરીબ ઇમિગ્રન્ટ છે, માટે વચ્ચે કોઈ એવો એજન્ટ રહેલો હશે કે જે વચ્ચેથી પૈસા ખાઈ જતો હશે, અને પોતે એ વાતને કદાચ ન પણ જાણતો હોય. “ઓહ! હું સમજ્યો! આપણી બેની વચ્ચે શું કોઈ એજન્ટ છે? પણ આ નોકરી તો મેં તમને જાતે આપેલી છે.”

“ના, કોઈ એજન્ટ નથી, પણ હું તમને એ કહી શકું છું કે મારે રોજ ૪ વાગ્યે કોને મળવાનું હોય છે.”

“મહેરબાની કરીને કહો,” CEO અકળાતા કહ્યું.

“તમે ઇસુને ઓળખો છો?” આ વ્યક્તિએ પૂછ્યું.

“જો તમારો કહેવાનો અર્થ ઇસુ ખ્રિસ્ત હોય, તો ચોક્કસ, હું તેમને ઓળખું છું.”

“વારુ, તો પછી હું ઘરે તેમના પિતાને મળવા માટે જઉં છું. હું કૃષ્ણને ભજુ છું.”

૪૦ વર્ષ સુધી આ વ્યક્તિ ક્યારેય પોતાના ગાયત્રી મંત્રના જપ કરવાનું ચુક્યા નહોતા. દરરોજ એ ૧૬ માળા ગાયત્રી મંત્રની અને બે માળા હરે કૃષ્ણ મહામંત્રની કરતા અને ત્યારબાદ ભગવદગીતાનો એક અધ્યાય વાંચતા. તે એક ગૃહસ્થ હતાં અને ૬૦ વર્ષના હતાં ત્યાં સુધી તેમને નોકરી કરી હતી. જો તમારે મંત્ર સાધનાના માર્ગ ઉપર સફળતા મેળવવી હોય તો આ સ્તરની શિસ્ત અને શ્રદ્ધાની જરૂર પડતી હોય છે.

પેલા CEOએ એક રેકોર્ડ રાખવા માટે થઇને તેમની ફાઈલમાં લખ્યું કે “આ માણસને ભવિષ્યમાં ક્યારેય હેરાન કરવો નહિ: તેને ૩ વાગ્યા પછી જે કરવું હોય તે કરવાં દેવું; તેને પોતાના સમયે જ્યાં જવું હોય ત્યાં જવા દેવું.” જો કે આ વ્યક્તિ પણ આ કંપનીમાં નિવૃત્ત થયા ત્યાં સુધી કામ કર્યું. તેની શ્રદ્ધા તો જુવો. ઘણીબધી વાર, આપણે એવું વિચારતા હોઈએ છીએ કે જે લોકો આપણા જીવનમાં એક માધ્યમ જેવા હોય છે તે જ આપણું સર્વસ્વ હોય છે, કે તેમની કૃપા વગર આપણી જીવિત પણ ન હોત. પરંતુ એવું નથી હોતું. તેઓ તો માત્ર એક માધ્યમ જ હોય છે. “जा पर क्रिपा राम की होय, ता पर क्रिपा करे सब कोई” (જો ભગવદ્દકૃપા તમારા ઉપર હોય તો પછી આખું જગત તમારા ઉપર કૃપા કરતુ હોય છે.)

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ મને એક વખત લખ્યું હતું કે, “મુખ્યમંત્રીનો મારા ઉપર ખુબ જ પ્રેમ હતો, પરંતુ હવે મુખ્યમંત્રી મારા વિરુદ્ધ છે, અને માટે હવે મારા ઉપર ખોટા આરોપ મુકવામાં આવી રહ્યાં છે,” વિગેરે…તે મને આ જણાવવા માટે ખુબ આતુર હતાં, માટે મેં પણ તેમને એક લીટી લખી: “તમે કશું ખોટું કર્યું છે?”

તેમને જવાબ આપ્યો, “ના.”

મેં વળતો જવાબ લખતાં કહ્યું કે: “તમારે ચિંતા કરવાં જેવું કશું નથી, તમારા દરેક ડરને ખંખેરી નાંખો.”

થોડા દિવસો પછી એમને બીજો એક ઈ-મેઈલ લખ્યો અને કહ્યું કે, “આ તો એક ચમત્કાર જેવું જ થઇ ગયું! મને ખબર નથી પડતી કે આવું કેવી રીતે બન્યું, પણ ગઈકાલે સાંજે જ, હું કેબીનેટ સેક્રેટરી અને પ્રિન્સિપલ સેક્રેટરીને ગમે તેમ કરીને મળવાનું થયું. દરેકજણ હવે મારી બાજુ છે, અને એ લોકો કે જેઓ મારી વિરુદ્ધ હતાં તેઓ હવે એવું કહી રહ્યાં છે કે ખરેખર હું જે કરી રહ્યો હતો તે સાચું હતું. પરંતુ મારે ફક્ત મુખ્યમંત્રીની નજરમાં પણ સારું દેખાવું છે, કેમ કે આખરે તે જ તો મુખ્ય મહત્વના માણસ છે.”

મેં જવાબ આપતાં કહ્યું, “તમે મુખ્ય મુદ્દો જ ચુકી ગયા. મુખ્યમંત્રી તમારા ભવિષ્યના ઘડવૈયા નથી; તે તો ફક્ત એક માધ્યમ માત્ર છે. તમે ફક્ત જે સાચું છે તે કરવાં ઉપર જ બધું ધ્યાન આપો, અને જે સાચું છે તે આપોઆપ તમારી સાથે ઘટતું રહેશે.”

અહી એ યાદ રાખવું બહુ જરૂરી છે કે જયારે તમારી શ્રદ્ધા મજબુત હોય છે, ત્યારે જીવનની કોઈપણ મુશ્કેલી તમને હલાવી શકતી નથી. નહિતર તો પછી દરેક નાની ઘટના પણ એક મોટા પ્રસંગ જેવી બની જતી હોય છે. દરેક નાની અડચણ, પ્રત્યેક નાની ચુનોતીમાં જાણે કે કોઈ પહાડ ચડવાનો હોય એવું લાગવા માંડે છે, જે ખરેખર એવું નથી હોતું. તમે પોતે જ તેનો પહાડ બનાવી દીધો હોય છે, પણ તે તો કશું નથી હોતું. તમારે જે કરવાનું છે તે કર્યે જાવ અને તમારો આગળનો માર્ગ થઇ જશે.

કઈ પણ થાય, જયારે આપણે કોઈ મંત્ર-જાપ કરતાં હોઈએ, જેમ કે ગાયત્રી મંત્ર, ત્યારે આપણે કોઈ અલૌકિક શક્તિ આપણી મદદમાં આવે એવું નથી કહી રહ્યાં હોતાં. ઉલટું, આપણે આપણી પોતાની જ છુપી શક્તિને જાગૃત કરી રહ્યાં હોઈએ છીએ; આપણે આપણી શક્તિને જગાડી રહ્યાં હોઈએ છીએ. તેને કોઈ ઇષ્ટ સાથે જોડી દેવાની ચેષ્ટા એ ધ્યાનની એક બાબત થઇ, જેનાંથી તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં, એક મનોચિત્ર બનાવવામાં, અને તેનો સાક્ષાત્કાર કરવામાં વધારે સારી મદદ મળતી હોય છે બસ એટલું જ.

ઉપરોક્ત લખાણ મારા નવા પુસ્તક The Hidden Power of Gayatri Mantraમાંથી લીધું છે જેમાં મેં ગાયત્રી સાધના વિશે વાત કરી છે અને આ મંત્રના આહ્વાહનની ટૂંકી રીત પણ લખી છે જે સમયની મારામારી જેને હોય તેના માટે ફાયદાકારી રહેશે. આ પુસ્તક મારા ગાયત્રી સાધના કેમ્પમાં હું જે પ્રવચન આપું છું તેના ઉપરથી લખવામાં આવેલું છે. તમે આ પુસ્તક ખરીદો તે પહેલા કહી દઉ કે તે ખરેખર તો મારા The Ancient Science of Mantras  પુસ્તકનું જ એક નાનકડી આવૃત્તિ જેવું છે, પરંતુ અહી ફક્ત ગાયત્રી મંત્ર, તેના મૂળ અને તેના આહ્વાહન ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. મને લાગ્યું કે આ જાહેરાત કરવી જરૂરી છે જેથી કરીને તમે કોઈ એવું પુસ્તક લઇને ન બેસી જાવ કે જેને વાંચ્યા પછી તમે કહો કે “આ તો મને ખબર હતી.” શું કહ્યું? તો પણ તમારે તે વાંચવું છે? સારું, તો પછી આ રહી તેને ખરીદવા માટેની લીંક.

Amazon.in (ભારત)
Amazon.com (દુનિયાના બીજા દેશો માટે)

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email