મને યાદ છે બાળપણમાં બે પુસ્તકો વાંચવાની મને ખુબ મજા પડી હતી, તે હતાં હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓ – જે ઇસપની વાર્તાઓનું ભારતીય સ્વરૂપ જેવું કહી શકાય, કે જે કઈક ૨૦૦૦ વર્ષ પહેલા લખાયેલા હતાં. મારે તમને એક ખાસ વાર્તા કહેવી હતી જે મેં ઉદયલાલ પાઈની તમે સિંહને ન ખાવ તેનો અર્થ એ નથી કે સિંહ પણ તમને નહિ ખાય માં વાંચી હતી. મેં તેને થોડું જુદી રીતે લખ્યું છે (હં…ઘણું બધું જુદું જોકે; લગભગ આખું જ, વાસ્તવમાં જોવા જઈએ તો):

એક સમયે, એક ગામની અંદર, એક નાનકડો છોકરો નદી કિનારે ચાલતો જઈ રહ્યો હતો અને ત્યાં જ તેણે મદદ માટેનો પોકાર સાંભળ્યો.

“બચાવો, બચાવો, મહેરબાની કરીને કોઈ મને આમાંથી બહાર કાઢો,” એક મગર બુમો પાડી રહ્યો હતો. આ પ્રાણી પોતાની પૂછડી પછાડી રહ્યું હતું કેમ કે તે બહુ ખરાબ રીતે એક જાળમાં ફસાઈ ગયો હતો, જેવી રીતે માણસો પોતાની ઇચ્છાઓના જાળામાં ફસાઈ જતાં હોય છે તેમ.

પેલા છોકરાને આ બિચારા મગરની મદદ કરવી હોય છે પણ તેને થોડી શંકા પણ થાય છે. “જો હું તને મદદ કરું તો,” તેણે કહ્યું, “જે ક્ષણે તું મુક્ત થઇશ એવો જ મને ખાઈ જઈશ.”

મગરમચ્છ તો પોતાના આંસુ સારતો બોલ્યો, “જે વ્યક્તિ મારો જીવ બચાવે તેને હું કેવી રીતે ખાઈ શકું? મારા જેવો મગર પોતાના તારણહારનું જ ભક્ષણ કરી જાય એવો નથી. હું વચન આપું છું કે હું તને અડીશ પણ નહિ અને જીવનભર તારો ઋણી રહીશ.”

છોકરાને તો દયા આવી જાય છે અને તે તો પેલી જાળ કાપવાનું શરુ કરે છે. હજી તો મગરનું મોઢું માંડ થોડું બહાર આવ્યું હશે, કે જેવું ધાર્યું હતું એવું જ થયું, તેને તરત પોતાના જડબામાં પેલા છોકરાનો પગ પકડી લીધો અને બોલ્યો: “હું કેટલાંય દિવસોનો ભૂખ્યો છું…”

“અરે આ શું વાત થઇ!” પેલો છોકરો ચિલ્લાયો. “સાલા મગર, મારી ભલાઈનો બદલો આવી રીતે વાળી રહ્યો છે!”

“હું શું કરું? આ જ તો દુનિયાની રીત છે! આવું જ તો જીવન હોય છે!”

“અરે આ તો ખુબ અન્યાય છે!” પેલો છોકરો રડ્યો.

“એમાં વળી અન્યાય શો! ગમે તેને પૂછી જો અને તને જવાબ મળશે કે આવી જ રીતે તો આખું જગત ચાલતું હોય છે. જો તેઓ મને ખોટો પુરવાર કરશે તો હું તને જવા દઈશ.”

છોકરાએ નજીકના વૃક્ષ તરફ નજર કરી તો તેને એક પક્ષી દેખાયું, તેણે પૂછ્યું, “હે પંખી, શું તને લાગે છે જે આ મગર કરી રહ્યો છે તે ન્યાયી કર્મ છે? શું દુનિયાની આવી જ રીત હોય છે – નર્યા અન્યાયથી ભરેલી?”

માદા પક્ષી આ આખો બનાવ જોઈ રહી હતી, માટે તેને તરત જ જવાબ આપતાં કહ્યું કે મગરની વાત સાચી છે. ભલાઈનો બદલો હંમેશાં ભલાઈથી જ મળે એવું નથી હોતું. તેને પોતાના નર પક્ષી સાથે મળીને આ વૃક્ષ પર માળો બાંધ્યો હતો કે જેથી કરીને પોતાના નાના બચ્ચાઓનું રક્ષણ કરી શકે, પણ બધું નક્કામું ગયું, કેમ કે એક સર્પ આવીને તેના બધાં ઈંડા ખાઈ ગયો. તેને કહું નિ:શંક આ દુનિયા અન્યાયી જ છે.

“સાંભળ્યું તે, છોકરા,” મગરે છોકરાના નાજુક પગ ઉપર પોતાની પકડ મજબુત કરતાં કહ્યું. “ચાલ હવે તને હું ખાઈ જવ…”

“ઉભો રહે…” છોકરાએ નદી કિનારે એક ગધેડું ચરતું જોયું, તેણે આ ગધેડાને પણ સવાલ પૂછ્યો.

“કમનસીબે, મગરની વાત ખરી છે,” ગધેડાએ કહ્યું. “હું એક ગધેડો છું, દરેકજણ માને છે કે હું મુર્ખ છું અને તેમ છતાં મને એ વાતનું જ્ઞાન છે કે આ દુનિયા ન્યાયી નથી. સારા લોકો સાથે ખરાબ થતું હોય છે અને તે પણ લગભગ હંમેશાં. જયારે હું જુવાન હતો ત્યારે મારો માલિક મારા ઉપર મેલા કપડા મૂકીને મારી પાસે જેટલું બને એટલું વધુ કામ લેતો હતો. મેં પણ વર્ષો સુધી તેની સેવા કરી. પરંતુ હવે તો હું ઘરડો અને નબળો થઇ ગયો છું, ત્યારે મારા માલિકે મારો ત્યાગ કરી દીધો, કહે છે કે હવે તે મને ખવડાવી શકે તેમ નથી. માટે, હા, આ મગરની વાત છે તે બિલકુલ સાચી છે. દુનિયા ખુબ જ અન્યાયી, અસમાનતાથી ભરેલી અને અન્યાયી છે.”

“બસ બહુ થયું હવે,” મગરે પેલા છોકરાને કહ્યું. “મારા મોઢામાં પાણી છૂટી રહ્યું છે. હવે મારાથી વધારે વાર નહિ રોકાવાય. તારે કોઈ પ્રાર્થના કરવાની હોય તો કરી લે.”

“ઉભો રહે, ઉભો રહે,” પેલા છોકરાએ આગ્રહ કરતાં કહ્યું. “એક છેલ્લી વાર, મને પેલા સસલાને પૂછી જોવા છે. એવી કહેવાય છે ત્રીજી વારના પ્રયત્નથી હંમેશાં કોઈ ચમત્કાર થતો હોય છે.”

“તે મને બચાવ્યો છે તો, ચાલ હું તને આ છેલ્લો મોકો પણ આપી દઉં.”

છોકરાએ આ જ સવાલ પેલા સસલાને પૂછ્યો, પરંતુ સસલાનો જવાબ પેલા પક્ષી અને ગધેડા કરતાં બિલકુલ વિપરીત જ આવ્યો.

“બિલકુલ બકવાસ છે! એવું કશું છે નહિ,” સસલાએ કહ્યું. “દુનિયા બિલકુલ ન્યાયી અને ભલી છે.”

“મુર્ખ સસલા, શું બકે છે તું!” મગરે પેલા છોકરાનો પગ જડબામાં જકડી રાખીને બબડાટ કરતાં કહ્યું. “બિલકુલ આ દુનિયા અન્યાયી જ છે. આમ મારી સામું જો! મારી કોઈ પણ ભૂલ વગર હું આ જાળમાં ફસાઈ ગયો હતો.”

“મોઢામાં પાન રાખીને કોઈ બોલતું હોય એવું લાગે છે, મને તું શું બબડાટ કરે છે એમાં કઈ ખબર નથી પડતી. જોરથી અને સ્પષ્ટ રીતે બોલ.”

“હા મને ખબર છે તારી ચાલ! હું જેવું સ્પષ્ટ બોલવા માટે મારું મોઢું ખોલીશ કે આ છોકરો ભાગી જશે.”

“તું મહામુર્ખ છે કે શું?” સસલાએ કહ્યું. “તું ભૂલી ગયો કે તારી પૂછડી કેટલી બળવાન છે? જો આ છોકરો ભાગવાની કોશિશ પણ કરે તો, તું એને તારા પૂછડાની એક ઝાપટથી ખતમ કરી શકે છે. અહી આપણી વચ્ચે તો ફક્ત એક તું જ બળવાન છે!”

મગરમચ્છને તો પોતાના આવા વખાણ સાંભળવા ગમ્યા અને તેને દલીલ ચાલુ રાખવા માટે પોતાનું મોઢું ખોલ્યું.

સસલાએ તરત જ ચીસ પાડી, “ભાગ છોકરા ભાગ! ત્યાં ઉભો ન રહીશ!” અને પેલો છોકરો તો ત્યાંથી વીજળીવેગે ભાગ્યો.

મગર તો ગુસ્સાથી લાલચોળ થઇ ગયો. “ચોર સાલા, સસલા! તે મારું ભોજન મારાથી છીનવી લીધું. આ તો ખુબ અન્યાય કહેવાય!”

“લો સાંભળો હવે કોણ અન્યાયની ફરિયાદ કરે છે!” સસલાએ વૃક્ષ પરથી પડેલું બોર ખાતા કહ્યું.

પેલો છોકરો તો દોડતો ગામમાં ગયો અને ગામવાસીઓને વાત કરી તો તેઓ બધાં પોતાની કોદાળી અને તલવાર લઇને પેલા મગરને મારવા માટે નદી કિનારે દોડ્યા. એ છોકરાનો પાળીતો કુતરો પણ તેની સાથે આવ્યો, અને તેને ત્યાં જેવું પેલું સસલું જોયું કે તેની પાછળ દોડ્યો.

“અરે! અરે!” છોકરો તો ચિલ્લાયો અને કુતરાને પકડવા માટે પ્રયત્ન કર્યો. “આ સસલાએ જ તો મારા પ્રાણ બચાવ્યા. તેને ન મારીશ.” પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઇ ગયું, કુતરાએ ત્યાં સુધી તો તરાપ મારીને સસલાની ગરદન ઉપર પોતાના તીક્ષ્ણ દાંત બેસાડી દીધાં હતાં. હવે એ સસલું જમીન ઉપર એક સુંદર રેશમી દડો થઇને પડ્યું હતું.

“કદાચ મગર સાચું જ કહેતો હતો,” છોકરો નિરાશ થઇને બોલ્યો. “આ દુનિયામાં અન્યાય જ છે! જીવન પણ એવું જ છે!”

હજારો લોકો સાથે મળીને વાત કર્યા પછી, અને પીડાને એકદમ નજીકથી જોયા પછી, મને લાગે છે પીડામાંથી હજી પણ બહાર નીકળવાનો કોઈ માર્ગ છે એવું માનવું એ નરી અજ્ઞાનતા જ કહેવાય. અહી, હું દર્દ (જે છે તે) અને પીડા (જે આપણને લાગે છે કે છે તે) વચ્ચે કોઈ ભેદ નથી કરી રહ્યો. બુદ્ધે કહ્યું હતું કે પીડાનું અસ્તિત્વ છે અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ છે. હોઈ શકે કદાચ. વેદોએ પણ કહ્યું છે કે જો હું સમતા જાળવી શકું, અને જો હું એ હમેશા યાદ રાખી શકું કે આ દુનિયા તો અસ્થાયી છે જેનો કોઈ ભરોસો નથી, તો મને એટલી પીડા નહિ થાય.

સારા લોકો હમેશા હેરાન થતા હોય છે. તમે કેટલાં સારા કે આધ્યાત્મિક છો અને તમારે તમારા જીવનમાં કેટલું બધું સહન કરવું પડે છે તે બેની વચ્ચે કોઈ સંબંધ જ નથી. દાખલા તરીકે, જો તમારા વારસામાં કોઈ બીમારી ચાલી આવતી હોય (જીનેટીક્સ) તો સારા કે મહાન બની રહેવાથી કઈ તમને એ બીમારી નહિ થાય એવું નથી. સારા હોવ એનો અર્થ કે નથી કે તમારી સાથે રસ્તામાં કોઈ ટ્રક નહિ અથડાય કે કોઈ દારૂડિયો વાહન ચાલક તમારી સાથે કોઈ અકસ્માત નહિ કરી બેસે. તમારા શેરના બજાર ભાવ ઉપર કે તમારી પ્રિય વ્યક્તિઓના જીવન ઉપર તમારા સારા હોવાની સાથે કોઈ લેવાદેવા નથી. બીજા શબ્દોમાં કહેવું હોય તો, તમને જે ખરાબ લાગી રહ્યું છે તેનાથી બચવા માટેની પ્રતિકારશક્તિ કે પછી તેનું વળતર તમને ભલાઈમાંથી નથી મળતું.

તો પછી સવાલ એ ઉઠે છે કે, જો એવું જ હોય તો, પછી ભલા જ શા માટે બનવું? જો મારી ભલાઈ કે સારાઈ મારી પીડાને જરા પણ ઓછી ન કરી શકતી હોય (સીધી રીતે તો નહિ જ), તો પછી આ ભલાઈ ને સારાઈનો ધંધો કરવાની માથાકૂટ કરવી જ શા માટે?

વારુ તેનો જવાબ તેના સવાલ કરતાં ક્યાંય વધારે સીધો અને સરળ છે. અને તે છે: સારા (ભલા) બની રહેવું તે આપણો મૂળભૂત સ્વભાવ છે. આપણી રચના જ એવી રીતની થઇ છે કે જયારે-જયારે પણ આપણે ભલાઈ કરીએ ત્યારે-ત્યારે આપણને અંદરથી ખુશીનો અનુભવ થતો હોય છે. માટે જ લોકો સારા છે કેમ કે એ આપણો કુદરતી ધર્મ છે. સારાઈ અને તેની પિતરાઈ બહેન ભલાઈ, બન્ને આપણને આપણા જીવનમાં આવતી ચુનોતીઓ અને મુશ્કેલીભર્યા સમય સામે ઝઝૂમવાની તાકાત પૂરી પાડે છે. અને આ ચુનોતીઓ તેમજ મુશ્કેલીભર્યો સમય તો જીવનમાં ઋતુઓની જેમ નિયમિત અને સમયસર આવતો જ રહેતો હોય છે.

આપણે પ્રાર્થના કરીને, ધ્યાન કરીએ, ભલાઈપૂર્વકનું વર્તન કરીએ, આપણે સારું કરીએ એટલાં માટે કે તેવું તો આપણે કરવું જ જોઈએ; તેને જ સારાઈ કહેવાય. તે આપણો એક અભિન્ન હિસ્સો છે. પણ એના માટે એવું જરૂરી નથી કે બધું આપણા મુજબ જ થાય, પણ એવી રીતે બધું કરવામાં આવે કે જેનાંથી આપણને આનંદ અને ખુશીનો અનુભવ થાય. આપણે આપણી ભલાઈને ન છોડી દેવી જોઈએ, કેમ કે આપણી ભલાઈ જ આપણી અંદર તાકાત અને સ્થિતિસ્થાપકતાને પ્રેરતી હોય છે. અરે અતિ સુંદર વાત તો એ છે કે ભલા લોકો તેમની ભલાઈનું યોગ્ય વળતર તેમને નથી મળતું ફક્ત એટલાં માટે જ થઇને કઈ ભલા બનવાનું બંધ નથી કરી દેતાં. સારા લોકો તો હંમેશાં સારા જ બની રહેતાં હોય છે. અહી તેમની પાસે કોઈ બીજો વિકલ્પ જ નથી હોતો. થોડી વાર માટે કોઈપણ મહાન વ્યક્તિઓને કે જેને તમે ઓળખતા હોવ તેનો વિચાર કરો. શું તેઓને પોતાની ભલાઈનો યોગ્ય બદલો નહોતો મળતો તો તેઓ હિંસક બની ગયા? કે પછી તેઓએ કોઈ ખરાબ વર્તન કરવાનું ચાલુ કરી દીધું હોય એવું બન્યું ખરું?

આપણી ચુનોતીઓથી આપણી પરીક્ષા થતી હોય છે પણ આપણા સ્વભાવથી તો આપણું ચારિત્ર્ય ઘડતર થતું હોય છે. આપણી મુશ્કેલીઓ આપણને કચડી નથી નાંખતી, પણ એ જ આપણને જીવનમાં કઈક બનાવતી હોય છે. એ આપણી અંદર જે છુપાયેલું હોય છે તેને બહાર લઇ આવતું હોય છે. માટે જ, સારા લોકો જયારે વિરોધનો સામનો કરે ત્યારે વધુ સારા બનતાં હોય છે, કડવા નહિ.

મુલ્લા નસરુદ્દીન જયારે ફક્ત ૭ વર્ષના હતાં ત્યારે તેમના પાડોશીએ તેમને બે દીનારની લાલચ આપી.

“જા જઈને પેલા ખૂણેથી બે સમોસા લઇ આવ?” પાડોશીએ કહ્યું. “એક તું ખાજે અને બીજું મારા માટે લઇ આવજે.”

દસ મિનીટ પછી મુલ્લા પાછા આવે છે અને કહે છે, “આ રહ્યો એક દીનાર, દુકાન વાળા પાસે એક જ સમોસું હતું, માટે મેં મારું ખાઈ લીધું. તમારો ખુબ આભાર.”

એક સારી વ્યક્તિ પણ બીજી કોઈ પણ વ્યક્તિની જેમ જ પીડામાંથી પસાર થતી હોય છે. ફક્ત કોઈ વ્યક્તિ સારો ગણિતકાર હોય કે કોઈ સારો કલાકાર હોય એટલા માટે જ કઈ તે બીમાર ન પડે એવું નથી હોતું. આવી સરખામણી કરવી એ તો નરી મૂર્ખતા છે. એવી જ રીતે, કોઈ વ્યક્તિની આધ્યાત્મિકતામાં વધારો થયો છે તેનો અર્થ એ નથી કે તે કુદરતના નિયમોની પરે થઇ જાય છે. કે પછી ઉદયલાલ પાઈના શબ્દોમાં જ કહેવું હોય તો: તમે સિંહને ન ખાવ તો એનો અર્થ એ નથી કે સિંહ પણ તમને નહિ ખાય.

તો શું એનો અર્થ એ છે કે આપણે પણ ખરાબ થઇ જવું? તો તમને કહી દઉં, કે એ તમારા હાથની વાત જ નથી. વધુમાં એવું કરવાથી શું ફાયદો છે? અંતે તો, ભલાઈનું જે વિરોધી કર્મ છે તે કરવાથી કઈ તમારી પીડામાં સંરક્ષણ મળી જશે એવું પણ તો નથી થતું. તો શેનાંથી આ સંરક્ષણ મળે છે, કદાચ તમે પૂછશો? તમારા દ્રષ્ટિકોણમાંથી, તમારા સ્વભાવમાંથી, તમારા મતમાંથી અને તમારી જીવન પ્રત્યેની અપેક્ષાઓમાંથી એ સંરક્ષણ તમને મળતું હોય છે. જયારે આ તમામ વસ્તુઓ વચ્ચે એકલયતા-સામંજસ્યતા હોય છે ત્યારે જીવનમાં પછી ભલેને કોઈ પણ ચુનોતીઓ કેમ ન આવે, વિરોધ કેમ ન આવે કે પછી પીડા પણ કેમ ન આવે પરંતુ ત્યાં હવે તમારે કશું સહન નહિ કરવું પડે. તમે કદાચ ડગી જશો, પણ રડી નહિ પડો, તમે કદાચ ભાંગી પડો, પણ કચડાઈ તો નહિ જ જાવ.

જયારે બીજું બધું નિષ્ફળ જતું હોય છે ત્યારે એ તમારી અંદરની ભલાઈ હોય છે કે જે તમને આ તોફાની દરિયામાં તમારી જીવનનૈયાને હંકારવાની હામ પૂરી પાડતી હોય છે. મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, માર્ટીન લ્યુથર કિંગ અને તેમની પહેલા અને પછી થઇ ગયેલા અનેક મહાન લોકોએ ભયંકર તોફાનો સામે ટકી રહેવાં માટે આ મૂળભૂત સિધ્ધાંતનો જ ઉપયોગ કરેલો છે.

તમે આ વાર્તામાં આવતાં પાત્રોમાંથી છોકરો, મગર, પક્ષી, ગદર્ભ કે પછી સસલું ગમે તે કેમ ન હોવ, જીવનમાં કોઈ પણ બાબતની ખાતરી નથી હોતી. અને કદાચ, આ અચોક્કસતા જ જીવનને સાહસિક બનાવે છે.

ભલાઈ એક પ્રાર્થના છે, એક ધ્યાન છે. હકીકતમાં તો ભલાઈ એ જ ભગવાન છે. માટે ભલા બનો.

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email