માર્ક ટ્વેઇને એક વખત કહ્યું હતું, “સવારમાં સૌથી પહેલા એક જીવતો દેડકો ખાઈ જાવ અને દિવસ દરમ્યાન તમારી સાથે કશું પણ ખોટું નહિ થાય.”

જો કે એ વિવાદાસ્પદ છે કે ખરેખર તેમને એવું કશું કહ્યું હતું કે કેમ.

છતાં પણ જો તમે તેમની આ દેડકો ખાવાની વાતનું જે કોઈ કલ્પના ચિત્ર બને તેની પેલે પાર જઈને વિચારો, તો તમને જણાશે કે તેમની આ નાનકડી સલાહ તો ખુબ જ અમુલ્ય છે.

બ્રાયન ટ્રેસી તેમના પુસ્તક, Eat That Frog, માં આ જાણીતી કહેવત ઉપર વિસ્તારપૂર્વક વાત કરે છે.

તમારો “ફ્રોગ-દેડકો” એટલે તમારું સૌથી મહત્વનું કામ, કે જેના માટે તમે રોજ કશું નહિ કરતાં રહો, તો સંભવ છે કે તમે તેને હમેશા પાછું જ ઠેલતા રહેશો. અને આ કામ એવું પણ હોવાનું જ કે જેની તમારા જીવન ઉપર સૌથી મોટી અસર થતી હોય અને તેનાંથી તમને સૌથી મોટું પરિણામ પણ મળતું હોય.

દેડકો ખાવાની આ પ્રક્રિયાનો સૌથી પ્રથમ નિયમ છે: જો તમારે બે દેડકા ખાવાના હોય, તો સૌથી પહેલા તમે જે સૌથી ગંદો દેડકો છે તેને જ ખાવ.

અહી કહેવાનો અર્થ એ છે કે, જો તમારે દિવસમાં બે મહત્વના કામ કરવાના હોય, તો સૌથી પહેલા શરૂઆત તમે સૌથી મોટા, અઘરા અને સૌથી મહત્વના કામ સાથે જ કરો. એક જાતની શિસ્તતા સાથે સવારમાં ઉઠીને તરત જ શરુ કરી દો અને જ્યાં સુધી તે કામ પૂરું ન થઇ જાય ત્યાં સુધી કરતાં રહો અને ત્યારબાદ જ બીજું કામ હાથ પર લો.

આ બાબતને એક પરીક્ષાની જેમ લો. એક વ્યક્તિગત ચુનોતીની જેમ લો. સરળ કામથી શરૂઆત કરવાની જે લાલચ છે તેનો પ્રતિકાર કરતાં શીખો. તમારી જાતને સતત એ યાદ અપાવો કે રોજના મહત્વના નિર્ણયોમાંનો એક નિર્ણય તમે એ નક્કી કરવાનો કરશો કે જો ખરેખર તમે કશું કરવાં માંગતા હોય તો કયું કામ તમે સૌથી પહેલા કરશો અને કયું કામ તેના બાદ કરશો.
 
દેડકો ખાવાની પ્રક્રિયાનો બીજો નિયમ છે: જો તમારે જીવતો દેડકો ખાવાનો હોય તો, તેની સામુ બહુ લાંબા સમય સુધી જોતા બેસવાથી કશું વળવાનું નથી.
 
અર્થાત, શ્રેષ્ઠ દેખાવ અને ઉત્તમ સક્ષમતા (high performance & productivity) માટેની કોઈ ચાવી હોય તો તે છે: જીવનભર એક એવી ટેવ કેળવવી કે જેમાં તમે તમારું સૌથી મહત્વનું કામ દરરોજ સવારે સૌથી પહેલા કરી લેશો. તમારે એક એવો નિત્યક્રમ બનાવવો જ પડશે કે જેમાં તમે બીજું કઈ પણ કરો એ પહેલા કે પછી બહુ વિચાર કરીને બેસી રહેવામાં સમય બરબાદ કર્યા વગર “તમારો દેડકો” સૌથી પહેલા ખાઈ લેશો.

દરેક સફળ લોકોના જીવનમાં જો કોઈ એક મહત્વનું નિર્ણાયક તત્વ હોય તો તે આ છે: મોટાભાગે હમેશા તેઓ પોતાની દિવસની શરૂઆત જ એક ઉત્પાદકતા વાળી (પ્રોડક્ટીવ મોર્નિંગ) સવાર સાથે કરે છે. એમની એક દિનચર્યા હોય છે કે જેને તેઓ હંમેશાં વળગી રહેતાં હોય છે, પછી ભલે ને ગમે તે કેમ ન થાય.

એવા દરેક લોકો કે જેને આપણે વિલક્ષણ-પ્રતિભાશાળી કહેતા હોઈએ છીએ તેઓ ખરેખર તો સ્વયંશિસ્ત, સમર્પણ અને કડી મહેનતનું જ એક પરિણામ હોય છે. જયારે તમે કોઈ સર્જનાત્મક વ્યક્તિને જુઓ છો, પછી તે કવિ હોય, લેખક હોય કે ચિત્રકાર હોય, ત્યારે તમે એવું વિચારવા માટે લલચાઈ જાવ છો કે તેમનામાં જરૂર કઈક ખાસ બાબત છે. કે રોજ સવારે તેમના મગજમાં અમુક અદ્દભુત વિચારોનો ચમકારો કે બીજી દુનિયામાંથી એવા વિચારો તેમના ઉપર વરસતા રહેતાં હશે! પણ આ વાતમાં કોઈ તથ્ય રહેલું નથી.

તમારે જેના ઉપર પણ પ્રવીણતા મેળવવી હોય, તેના માટે રોજ ને રોજ થોડો સમય આપો અને હજી તો કશી ખબર પણ પડે તે પહેલા જ તમને જણાશે કે તમે પોતે પણ હવે એક સર્જનાત્મક અને સક્ષમતાના સરોવરમાં આનંદ પૂર્વક તરતાં થઇ ગયા છો, અને તે પણ તમારી પસંદગીના ક્ષેત્રના એક વિશેષજ્ઞ તરીકે. મનોવિજ્ઞાનના મત મુજબ, અસક્ષમતામાંથી સક્ષમતા-દક્ષતા તરફ પ્રયાણ કરવાં માટેની પ્રક્રિયાનાં ચાર સ્તરો રહેલા છે. આ એક એવી કલા છે કે જેને કોઇપણ શીખી શકે છે. મેં મારા અનેક કાર્યો દરમ્યાન સક્ષમતાની કેટલીય હારમાળાઓ જોઈ છે, તેમ છતાં ગ્રેહામ ફીત્ચે તેમના પુસ્તક Practicing The Piano માં જે સંક્ષિપ્ત વર્ણન આપેલું છે તે મને સૌથી વધુ ગમ્યું છે. આ રહ્યાં તે ચાર સ્તરો અને તેના ઉપરનો મારો પોતાનો વિચાર-વિસ્તાર.

૧. અજાગૃત અને અસક્ષમ (નવો નિશાળીયો)

અહી આપણેને એ વાતનું ભાન નથી કે આપણને  હજી પુરતું જ્ઞાન નથી.

આ સ્તર ઉપર કદાચ વધારે પડતો આત્મવિશ્વાસ જણાઈ શકે, કદાચ એવું ધારી લઈએ કે એ આ કામ એટલું બધું અઘરું નહિ હોય કે પછી તેમાં પ્રવિણ બનવામાં કદાચ એટલી બધી વાર નહિ લાગે. ખરેખર તો એ કરવાં માટે શેની જરૂર પડશે એનાં વિશે આપણે બીલકુલ અજાણ જ હોઈએ છીએ.

આ સ્તરે, આપણે જે દક્ષતા કેળવવી હોય છે ત્યાં પહોંચવા માટે જરૂરી આવડત અને મહેનતનો આપણને પૂરો અંદાજ જ નથી હોતો, કે પછી આપણે આ આવડત અને મહેનતની જરૂરિયાતને જ બિલકુલ નકારી દેતાં હોઈએ છીએ. આપણે ધ્યાન કરવાનું શરુ કરીએ છીએ અને આપણને એવું લાગતું હોય છે કે થોડાં અઠવાડિયાઓમાં કે મહિનાઓમાં જ આપણે ધ્યાનની બાબતમાં નિષ્ણાંત બની જઈશું. કે પછી આપણી પહેલા જે લોકો એમાં નિષ્ણાંત બન્યા તેમના જેટલો સમય આપણને તો નહિ લાગે. સૌથી વધુ હદ તો એ છે કે આપણે એવું માની લઈએ છે કે થોડાં સમય માટે બસ મજા પડે એટલાં માટે ધ્યાન કરીશું અને એનાંથી મારી ચેતનાનો અકલ્પનીય વિસ્તાર થઇ જ જશે.

આપણને એવું ધારી લેવું ગમતું હોય છે કે સચિન તેંદુલકર કે મોઝાર્ટ તો બસ એવી કલા લઈને જ જન્મ્યા હતાં. અથવા તો હું તો એટલો હોશિયાર છું કે તે અઘરી પ્રવેશ પરીક્ષા તો એક પુસ્તકનું પાનું ખોલ્યા વગર જ પાસ કરી લઈશ. જે નવા નિશાળિયાઓ હોય છે તે બધું જ તક ઉપર છોડી દેતાં હોય છે, અને પોતાની જોડે જે સૌથી સારું હોય તે થાય એનાં માટે પ્રાર્થના કરે છે, ને કાં તો પોતાના તરફ અતાર્કિક તરફેણ થાય એવી આશા રાખતાં બેસી રહે છે. જો આવી વ્યક્તિમાં શીખવાની પ્રબળ ઈચ્છાશક્તિ હોય અને તે પણ એ શિસ્તબદ્ધ અને નિશ્ચિત પ્રયત્નો કરવાની તૈયારી હોય તો જ તે બીજા સ્તર ઉપર પ્રગતિ કરી શકે છે.

2. જાગૃત પણ અસક્ષમ (શિખાઉ)

અહી આપણને એ વાતનું તો ભાન હોય છે કે આપણને પૂરું જ્ઞાન નથી.

“આહ! આ તો મેં વિચાર્યું હતું એનાં કરતાં પણ મુશ્કેલ છે. મને નથી લાગતું કે હું આ પૂરું કરી શકીશ.” અહી પ્રેરણા અને ઉત્સાહ બંનેની જરૂર પડતી હોય છે, કેમ કે આ સ્તરે અધવચ્ચેથી પડતું મુકવું બહુ જ સરળ હોય છે.

મોટા ભાગના લોકો કશું કરવાનું નક્કી કરે છે, ત્યારે સૌથી પહેલા, તેઓ ઓછા પ્રયત્ને ઘણું બધું થઇ જશે એવી અપેક્ષા રાખતાં હોય છે. પણ અંતે અહી તમને એ વાતનું ભાન થઇ જતું હોય છે કે તમે હાલમાં જ્યાં છો અને તમારે જ્યાં પહોંચવું છે (કે જે બનવું છે) તે બંનેની વચ્ચે બહુ મોટું અંતર રહેલું છે. આ બીજું સ્તર છે; તમને એ વાતની ખબર હોય છે કે તમને બધું પુરુતું જ્ઞાન હજી નથી. અહી આ ક્ષણે જ એક નિર્ણય લેવાની જરૂર પડે છે. હવે મને ખબર છે કે અહી તો બહુ બધો સમય અને પ્રયત્ન લાગી જવાનો છે તો પછી હું આ કાર્ય કરવાનું ચાલુ રાખું કે પછી અહી જ પડતું મુકું? હું પોતે એ મહાન નિષ્ણાંત વ્યક્તિ બનવાને બદલે જે બીજા મહાન નિષ્ણાંતો છે તેમને બસ જોયે રાખવાનો આનંદ ઉઠાવું? માન્યામાં ન આવે એટલાં મોટા પ્રમાણમાં લોકો અહી સુધી આવીને છોડી દેતાં હોય છે. પરંતુ, જે નથી અટકી જતાં અને જેને ભૂલોની શરમ નથી તેવા લોકો ત્રીજા સ્તર સુધી પહોચી શકતાં હોય છે.

3. જાગૃત અને સક્ષમ (મુસાફર)

અહી આપણે એ વાતનું ભાન હોય છે કે આપણી પાસે જરૂરી જ્ઞાન છે.

આ એક એવી સ્થિતિ છે કે જે સૌથી લાંબો સમય ચાલતી હોય છે. હજી પણ અઘરું અને મુશ્કેલીભર્યું તો લાગતું જ હોય છે અને તેમ છતાં આપણે એવું માનતા હોઈએ છીએ કે ઘણાં બધી મહેનત પછી, આપણે આપણા લક્ષ્ય ઉપર પહોંચી જઈશું. આપણે સતત એવા સાધનોની શોધતા રહીએ છીએ જેના વડે આપણા માર્ગમાં આવતી અડચણો અને ચુનોતીઓને હટાવી શકીએ.

આપણું કૌશલ્ય બતાવવા માટે ઘણી વાર કડી મહેનત કરવાની અને કોઈવાર બહારથી મદદ લેવાની પણ જરૂર પડતી હોય છે. તમને એ બાબતની બિલકુલ સ્પષ્ટતા હોય છે કે તમે શું જાણો છો અને શું નથી જાણતા. તમે જે ધાર્યું હોય છે તે તમે કરી શકવા માટે સમર્થ હોવ છો, પરંતુ હજુ પણ તે એકદમ સહજતાથી નથી થઇ રહ્યું હોતું. તે તમને થકવી નાંખતું હોય છે અને તમારી સામે વાળી વ્યક્તિ તમારી ચુનોતીઓ અને સંઘર્ષોને જોઈ શકે છે. ગમે તેમ કરીને, તમે તમારું કાર્ય સંપન્ન તો કરી જ લો છો. પરંતુ તમારી રગોમાં તમારી સક્ષમતાની સાથે-સાથે એક પ્રકારની બેચેની, મૂંઝવણ અને અનિશ્ચિતતા પણ વહેતી રહેતી હોય છે. જો તમે અધવચ્ચેથી છોડી નહિ દો, તો તમે એક વિરાટ પગલું ભરી શકશો. મુસાફર બહુ જલ્દી જ તેના અંતિમ મુકામ પર પહોંચી જતો હોય છે.

૪. અજાગૃત છતાં પણ સક્ષમ (પ્રવિણ ગુરુ)

આપણી પાસે જ્ઞાન છે તે વાતની અહી ખબર નથી હોતી.

આ સ્તરે, આપણે આપણો પિયાનો સહજતાથી વગાડી શકતાં હોઈએ છીએ, તેના માટે કોઈ જાગૃતપણે વિચાર નથી કરવો પડતો હોતો. એ એકદમ સરળ લાગતું હોય છે, અને આપણે ઘણી વાર એ વિચાર કરતાં હોઈએ છીએ કે આપણે આ શીખવા માટે આટલો બધો સંઘર્ષ કેમ અનુભવ્યો!  આપણે  હવે એક સ્વયંસંચાલિતતા ઉપર આવી ગયા હોઈએ છીએ, અને આપણે ગમે તે જોખમ લઇ શકીએ છીએ અને પ્રવાહની દિશા જે તરફ હોય તે તરફ તરી શકીએ છીએ.

હવે, આ કૌશલ્ય તમારો બીજો સ્વભાવ બની ગયો હોય છે. એક કુદરતી સહજતા અને સરળતા બંને સિદ્ધ થઇ ગયા હોય છે. તમારી આજુબાજુના લોકો તમારા વિશે એવું વિચારતા હોય છે કે તમે તો એક વિલક્ષણ વ્યક્તિ છો કે કાં તો તમારી પાસે એક વિશેષ શક્તિ રહેલી છે. આ સ્તરે તમે કોઈ પ્રેરણાની રાહ જોતા બેસી નથી રહેતાં, તમે પ્રેરણાનું સર્જન કરતાં રહો છો. ખરેખર તો તમે પોતે જ હવે એક પ્રેરણાસ્વરૂપ બની ગયા હોવ છો.

જો તમારે ખુશ રહેવાની કલા હસ્તગત કરવી હોય કે પછી ધ્યાન કરવાની કલા ઉપર પ્રભુત્વ મેળવવું હોય, તમારે તમારું શરીર ઘડવું હોય કે વજન ઉતારવું હોય, કે પછી તમારા નોકરી-ધંધામાં સફળ થવું હોય, તો ફક્ત એટલું યાદ રાખજો, કે એમ કરવું જરૂર શક્ય છે, જરૂર અહી એક આશા પણ રહેલી છે, અને એ થઇ પણ શકે તેવું છે. અને, તે કલા શીખીને, તેના ઉપર કુશળતા કેળવીને અને તેને ઉપયોગમાં લઈને જ એ લક્ષ્ય સિદ્ધ થઇ શકે. આવી જ રીતે એલન મસ્ક નફો રળતી અનેક કંપનીઓ સ્થાપી શકે છે કે પછી જે. કે. રોલિંગ તલ્લીન થઇ જવાય એવા પુસ્તકો લખતાં રહે છે. આ બધાની શરૂઆત થાય છે, રોજના એક શિસ્તબદ્ધ નિત્યક્રમના હોવાથી, અને તેને વળગી રહેવાથી. જે શિસ્તબદ્ધ જીવન જીવે છે તેના માટે પ્રેરણા, ઉત્સાહ વિગેરે બધું તમામ દિશાઓમાંથી વહેતું-વહેતું તેની પાસે આવી પહોંચે છે.

જેમ કે બીલ ગેટ્સે કહ્યું છે કે, “મોટાભાગના લોકો પોતે એક વર્ષમાં શું કરી શકે છે તે બાબતને બહુ વધારીને જુએ છે, અને પોતે દસ વર્ષમાં શું કરી શકે છે તેને બહુ ઘટાડીને જુએ છે.”

એક એક પગલું રોજ ચાલતાં રહેવાથી બહુ દુર સુધી પહોંચી જવાતું હોય છે. જે કામ સૌથી વધારે કંટાળાજનક લાગતું હોય કે સૌથી વધારે અઘરું લાગતું હોય તેને સવારમાં જ પતાવી દો. જે કામ ટાળવાનું તમને સૌથી વધારે મન થતું હોય તેને તમે પહેલા જ કરી નાંખો. તમારી સવાર વિશે આગલી રાત્રે જ યોજના બનાવી રાખો, કે જેથી કરીને તમે જેવા ઉઠો તેવા તરત જ તેના ઉપર કામ ચાલુ કરી શકો. કરો, કરો બસ કરી કાઢો એ કામ. તમારી સવાર ઈ-મેઈલમાં, મેસેજ કરવામાં કે આળસ કરવામાં ન બગાડશો.

એક શ્રીમંત વ્યક્તિ મુલ્લા નસરુદ્દીન પાસે પોતાની પત્નીનું ચિત્ર દોરાવવા માટે જાય છે.

“ખર્ચની ચિંતા ન કરશો, બસ એનું એકદમ સરસ ચિત્ર દોરો,” તેને કહ્યું. કેટલીય મુલાકાતો પછી મુલ્લાએ એક ચિત્ર તૈયાર કરીને આપ્યું, જો કે તેનાંથી ગ્રાહક ખુશ થયા નહિ.

“આ તો બિલકુલ મારા પત્નીનું ચિત્ર હોય એવું લાગતું નથી,” તેને કહ્યું. “આ તો એકદમ કદરૂપી સ્ત્રી છે.”

“સાહેબ,” મુલ્લાએ વિનમ્રતાથી જવાબ આપતાં કહ્યું, “જો તમારે મારી પાસે સફરજનનું ચિત્ર દોરાવવું હતું, તો તમારે મને જામફળ આપવાની જરૂર નહોતી.”

પરિણામ તો ફક્ત કર્મ કરવાથી જ મળવાનું. કોઈ દિવાસ્વપ્નો જોવાથી, કે કોઈ કામ ટાળવાથી કે હકારાત્મક વાક્યો બોલવાથી નથી મળવાનું. સાચી કલા સાથે જો સાચા કર્મો પણ ભળે તો જ આપણે જે જોઈતું હોય તે પરિણામ મળતું હોય છે. દાખલા તરીકે, જો તમારે વધુ બચત કરવી હોય તો તમારું મૂળ ધ્યાન છે તે આવક પર હોવું જોઈએ, ખર્ચા ઉપર નહિ. જો તમારે પ્રગતિ કરવી હોય તો તમારો સમય જે જરૂરી બાબતો છે તેમાં જ વપરાવો જોઈએ.

તમે દેડકાના ગમે તેટલાં વખાણ કેમ ન કરો કે પછી તેને ગમે તેટલાં ચુંબનો કેમ ન કરો, તેમાંથી દેડકો કોઈ રાજકુમાર નથી બની જવાનો. વાસ્તવમાં જોવા જઈએ તો, જો તમે તેને ખાશો નહિ તો એ તો ત્યાં નો ત્યાં જ પડી રહેવાનો છે અને આખો દિવસ ડ્રાઉં-ડ્રાઉં કરતો રહેશે. તો પછી સારું તો એ રહેશે કે તમે એને એક જ કોળીયામાં આરોગી જાવ. સાથે ટમેટો કેચપ લેશો?

શાંતિ.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email