મંત્રીગણ પોતાના રાજા કૃષ્ણદેવરાયના પરાક્રમોનો મહિમા ગાઈ રહ્યાં હતાં, કે જે વિજયનગરના સમ્રાટ હતા. રાજાની છાતી આનંદ અને ગૌરવથી ગજગજ ફુલાતી હતી. અંતે, એ તેની કુશળ રાજનીતિ હતી કે જેના પ્રતાપે તેમની જેલો લગભગ ખાલી જ રહેતી હતી, તેમના અનાજ તેમજ ધનના કોઠારો ભરપુર હતા અને નાગરિકો પોતાનો કર નિયમિત ભરી રહ્યા હતા.

“કારણકે હું પોતે એક હૃદયથી પ્રેમાળ, સીધો અને પ્રામાણિક વ્યક્તિ છું,” રાજાએ કહ્યું, “કુદરતી રીતે જ મારી પ્રજા પણ મારા જેવી જ છે.”

દરબારમાં બેઠેલા મંત્રીઓ આ વાતથી સહમત હતા અને માટે તેઓએ પોતાના રાજાના ગુણો વિશે સવિસ્તાર વખાણ કર્યા. રાજાના ખાસ સલાહકાર, તેનાલી રામા, જો કે, આ દરમ્યાન બધો સમય બિલકુલ ચુપ હતાં.

“કેમ, તેનાલી રામા,” રાજાએ તેમના ઉપર એક અસ્વીકૃતિભર્યો દેખાવ જોતા કહ્યું, “તમને મારા ગુણોના વખાણ સાંભળીને ખુશી થઇ નથી લાગતી?”
“મહરાજ, તમારી ભલાઈને કોણ નકારી શકે તેમ છે!” તેનાલી રામાએ કહ્યું, “એ તો ફક્ત આ બાબત માટે મારા પોતાના વિચારો કઈક જુદા છે એટલાં માટે.”
“કેવી રીતે જુદા છે?”
“ચોક્કસ, તમારા ગુણોનું મહત્વ છે અને તે પ્રજાગણને પ્રોત્સાહન પણ આપે છે, પરંતુ એટલાં માટે કઈ તેઓ નિયમિતપણે કર નથી ભરી રહ્યા કે એટલાં માટે જ કઈ તેઓ કશું ખોટું વર્તન નથી કરી રહ્યાં એવું પણ નથી.”
“તો પછી?”
“એ તો એટલાં માટે કે આપણી જે રાજવ્યવસ્થા છે તે એકદમ બરાબર છે. એનાં વગર, દ્રશ્ય કઈક જુદું જ હોત.”
“હું અસમંત છું,” રાજાએ કહ્યું. “લોકો સારા છે કેમ કે તેઓ ખરેખર અંદરથી ભલા છે.”
“ચોક્કસ મહારાજ. પણ સત્ય વાત તો એ પણ છે કે લોકોને પણ પોતાના માટે કઈક ઇચ્છાઓ અને જરૂરિયાતો છે જે કોઈ-કોઈ વાર તેમને પથચ્યુત પણ કરી શકે છે. અને તે પણ એટલી પ્રબળ કે કોઈ-કોઈ વાર તેઓ માટે પણ એ બાબતનો મનોસંઘર્ષ થઇ જતો હોય છે કે રાજ્યહિતને આગળ મુકવું કે પોતાના હિતને. જો આપણી રાજ્યવ્યવસ્થા જેવી છે તેવી ન હોત તો, આ જ લોકો અપ્રામાણિકતા ભર્યું વર્તન પણ કરતાં જ હોત.”

મંત્રીઓ અને રાજાએ તો આ વાત માટે જોરશોરથી તેનાલી રામાનો વિરોધ કર્યો, અને તેને આ વાતને ખરી સાબિત કરવાની ચુનોતી આપી, જે તેનાલી રામાએ સહર્ષ સ્વીકારી લીધી.

બીજા દિવસે, એક ઢંઢેરો પીટીને એક જાહેરાત કરવામાં આવી કે આવનાર તહેવારની ઉજવણી માટે દરેક લોકોએ ફરજીયાતપણે તેમના એક દિવસના દૂધના ઉત્પાદનના ૨૦% રાજભંડોળમાં જમા કરાવવું પડશે.

શહેરની વચ્ચોવચ એક ગાડામાં મોટું પીપલું મુક્યું અને એક દિવસ નક્કી કરવામાં આવ્યો જયારે દરેક જણે આવીને, તેની અંદર દૂધ રેડી દેવાનું. લોકોને જણાવવામાં આવ્યું આ કાર્ય એક ભરોસા હેઠળ કરવામાં આવશે અને રાજાને પોતાની પ્રજાની ભલાઈ અને પ્રામાણિકતા ઉપર પુરતો વિશ્વાસ છે. સુર્યાસ્ત પછી આ ગાડું બળદ વડે ખેંચવામાં આવશે અને દૂધ રાજવી પરિવારના રસોઈઘરમાં લઇ જવાશે. દરેકજણ એકઠા થયા અને પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા કરી. લોકો ભેળા થઇને પોતાના રાજાના વખાણ કરવા લાગ્યા અને અમુક તો એવું કહેવા લાગ્યા કે તેઓ પોતાના દુધાળા પશુઓનું એક આખા દિવસનું દૂધ પણ રાજીખુશીથી આપી દેશે. આખું શહેર ઉત્સાહિત થઇ ઉઠ્યું અને લોકો એકબીજાને આ વાત જણાવવા પણ લાગ્યા.

“તમે આ જગ લઇને ક્યાં ચાલ્યાં?” એક ગરીબ માણસની પત્નીએ પૂછ્યું.
“તને ખબર છે ક્યાં! આજે આપણા દૂધના ઉત્પાદનના ૨૦% જમા કરાવવાનું છે.”
“તમને શું એવું લાગે છે કે તમારા આ એક જગનું દૂધ બધાને જણાશે? આપણા બાળકોનું પેટ કોણ ભરશે?”
“પણ, મારે તો આ લઇ જ જવું પડશે,” પેલા માણસે કહ્યું. “આપણા બધાં પાડોશીઓ પણ જઈ રહ્યા છે.”
“હા તે જાવ,” પત્નીએ કહ્યું, “ચોક્કસ જાવ, પણ, લાવો હું તમને બરાબર માપીને દૂધ આપું.” એ સાથે તેણે પેલો જગ પોતાના પતિના હાથમાંથી લઇ લીધો અને તેને અડધા ઉપર ખાલી કરી નાંખ્યો અને પાછો પાણીથી ભરી દીધો. “તમારો હાથ પીપલામાં નાખીને આ જગ અંદર રેડી દેજો. કોઈને કશી ખબર નહિ પડે.”

કોઈ બીજી જગ્યાએ, એક શ્રીમંત માણસ પોતાની પત્નીને એક મોટું વાસણ ભરીને દૂધ આપવા બદલ ઠપકો આપી રહ્યો હતો.
“હું જો આ રીતે આપી દેવાનું શરુ કરીશને, તો બહુ જલ્દી જ આપણે બધાં રસ્તા ઉપર આવી જઈશું!”

તેને એ વાસણ પાછું લઇ લીધું અને બીજા વાસણમાં ૯૦% પાણી અને ૧૦% દૂધ ભરીને આપ્યું. “બસ આ ધોળું દેખાવું જોઈએ, જયારે આખું શહેર દૂધ આપી રહ્યું છે ત્યારે એક વાસણ ભરીને દૂધ રેડો કે પાણી, કશો બહુ ફરક પડવાનો નથી.”

હજારો લોકોએ કતાર લગાવી દીધી જાણે કે કોઈ કીડીયાળુ ન ઉભરાયું હોય! અને હજી તો બપોર પણ નહોતી પડી ને તે મોટું પીપલું ભરાઈ પણ ગયું! અને ત્યાં બીજું પીપલુ મુકવું પડ્યું, અને સુર્યાસ્ત થાય ત્યાં સુધીમાં તો એક, બે કે ત્રણ નહિ પણ પુરા ચાર પીપલા ભરીને દૂધ જમા થયું અને તેને રાજ પરિવારના રસોઈઘરમાં લઇ જવામાં આવ્યું.

જોયું, તેનાલી રામા,” રાજાએ દૂધ ભરેલા પીપલા સામે આંગળી ચીંધતા કહ્યું, “જોયું આ? મારી પ્રજા કેટલી ઉદાર અને ભલી છે!”
“બિલકુલ, મહારાજ. હવે જો આપ નામદાર પરવાનગી આપો તો હવે આપણે જલ્દી આ દૂધ ઉકાળીને માવો બનાવીએ, નહિતર આ ગરમીમાં બધું દૂધ બગડી જશે?”

તરત જ તેઓ આ દૂધને ઉકાળવા માટે મોટા તપેલામાં ઠાલવવા લાગ્યા અને જોયું કે દૂધ તો સામાન્ય કરતાં ખુબ પાતળું જણાતું હતું, જાણે કે આ કોઈ દૂધ નહિ પણ છાસ ન હોય! તેમ છતાં તેઓએ તે દૂધ ઉકાળવા માંડ્યું, અને તેમાંથી જેટલો માવો બનવાની આશા હતી તેના પાંચ ટકા જેટલો ય બન્યો નહિ.

“મહારાજ,” મુખ્ય રસોઈયાએ રાજાને જણાવતા કહ્યું, “માફ કરજો આ દુઃખદ સમાચાર બદલ, પણ આ દૂધ તો દૂધ જ નહોતું. તેમાં ૯૫% બસ પાણી જ ભેળવેલું હતું.”

કૃષ્ણદેવરાય ખુબ જ ગુસ્સે થઇ ગયા અને બધાં દરબારીઓ તો ચુપ જ થઇ ગયા હતાં.

“મેં ક્યારેય કલ્પના સુધ્ધા નહોતી કરી કે મારી પ્રજા આટલી અપ્રામાણિક હોઈ શકે છે. હું શું એટલો ખરાબ રાજા છું કે હું મારી પ્રજાને પોતાની રીતે ભલી બની રહેવાં માટે પ્રેરણા પણ ન આપી શકું?”

“મહરાજ! મહેરબાની કરો,” તેનાલી રામાએ કહ્યું, “ના તમે ખરાબ છો કે ના તમારી પ્રજા. થોડું આઘુંપાછુ કરવું એ તો માનવ-સ્વભાવ છે. દરેકે એવું જ વિચાર્યું કે જયારે આખું ગામ દૂધ આપી રહ્યું છે ત્યારે પોતાનો એક પાણી ભેળવેલો જગ નહિ દેખાય. અને આપણે કોઈ જાતની ચકાસણી કરવાનું ન રાખ્યું માટે દરેકે ત્યાં ફક્ત ઔપચારીકતા ખાતર હાજરી આપી, અને પીપલામાં ફક્ત જગ ઠાલવ્યો, પછી તેમાં ફક્ત પાણી જ કેમ ન ભરેલું હોય.”

અને આવું જ ભલાઈ માટે પણ હોય છે; આપણને એવું લાગે કે ભલાઈનું એક નાનું કર્મ શું આખી દુનિયા થોડી બદલી શકે, પણ તે જરૂર બદલી શકે. દરેક કર્મ મહત્વનું છે. પાણીની એક-એક બુંદની કિંમત હોય છે. દરેક નાનો વિચાર પણ મહત્વનો હોય છે.

આ લેખની પ્રેરણા આપે એવો સવાલ મને બ્લેક લોટસનો ઉપયોગ કરતાં થોડાં લોકો દ્વારા સ્વામીનારમાં પૂછવામાં આવ્યો હતો કે ભલાઈના નાના કર્મો કરવાથી શું તે કરનારના જીવનમાં કે આ દુનિયામાં કોઈ ફરક પડી શકે ખરો?

આપણે એવું વિચારતાં હતાં કે દુનિયાને બદલવા માટે આપણે કશું બહુ મોટા પાયા ઉપર કરવું પડે. એટલું વિશાળ અને મહાકાય કે સ્પષ્ટ રીતે તે કોઈ એક વ્યક્તિ કે થોડાં વ્યક્તિઓના સમુદાયથી તો ન જ થઇ શકે. સત્ય તો જો કે એ છે કે, કશું પણ ક્યારેય નથી થવાનું જો દરેકજણ એમ વિચારે કે કોઈ બીજું તે કરશે. કે પછી અમુક નાનું કામ કરવાથી શું મોટો ફરક પડી જવાનો છે. ખરેખર તો તેનાંથી ફરક પડતો જ હોય છે, પડશે જ. હંમેશાં પડ્યો છે. રેતીનો એક કણ હોય કે મોટો પર્વત, તે બનેલો તો નાના-નાના કણોથી જ હોય છે. જો આપણે એક સમયે એક કણ લેતા જઈએ, તો એક ક્ષણ એવી તો આવવાની જ કે ત્યાં પછી કોઈ કણ બચ્યો ન હોય.

સારાઈ અને ભલાઈના ગુણોને આપણા સામાન્ય જીવનમાં જીવતા રહીને, અને રોજીંદા કર્મોમાં કરતાં રહીને, કે અનુભવતા રહેવાથી તે આપણી અંદર કેળવાતા જશે. ધીમેધીમે, તે આપણી ચેતનાની અંદર ઉતરતા જઈને એક દિવસ આપણો બીજો સ્વભાવ બની જશે. બીજું શું જોઈએ, અને આ સદગુણો  તો ચેપી હોય છે. જયારે લોકોનો એક સમુદાય એવી રીતે જીવવાનું શરુ કરે કે જેમાં દરેકનું સારું અને દરેકનું કલ્યાણ થતું હોય ત્યારે તેમની આજુબાજુ રહેલા લોકો પણ તેને અપનાવવા લાગતા હોય છે. નિ:શંક, બીજા કોઈ પણ પરિવર્તનની જેમ જ આ પરિવર્તન પણ એક ધીમી અને લાંબી ચાલતી પ્રક્રિયા છે પણ એ કામ કરશે. જરા આજુબાજુ નજર કરો અને જુઓ કે કેવી રીતે અનેક રાષ્ટ્રો, સંસ્કૃતિઓ અને ધર્મો સમયની સાથે વિકસિત થયા છે. કોઈ થોડાં વધારે તો કોઈ પ્રમાણમાં થોડાં ઓછા.

એક માણસ સમાચાર પત્રક વાંચવામાં તલ્લીન હતો, તેને છાપામાંથી માથું ઊંચકીને પોતાની પત્નીને કહ્યું, “મારા માટે એક કપ ચા બનાવીશ, પ્લીઝ?”
“ચા!” પત્નીને નવાઈ પામતા પૂછ્યું. “તમારે આજે કામ પર નથી જવાનું?”
“ઓહ, સોરી…મને લાગ્યું કે હું કામ પર છું.”

ભલાઈ એ કોઈ દાન નથી, જો કઈ હોય તો તે પ્રામાણિકતા છે. એક અપ્રામાણિક વ્યક્તિ માટે ભલું કે દયાળુ બની રહેવું બહુ અઘરું છે, કારણકે દિવસના અંતે એ બહુ સરળ છે: જો તમે જે કઈ પણ કરી રહ્યાં હોય તેમાં તમે જો પ્રામાણિક હોવ, તો તમે જે કઈ પણ સાહસ હાથમાં લેશો તેમાં તમે પાર ઉતરવાના જ છો. તમને એ વાતનું ભાન થશે કે કોઈપણ બાબત ઉપર પ્રભુત્વ કેળવવા માટે, પછી તે કોઈ લાગણી હોય કે કલા, એનાં માટે ખંત અને સારો એવી મહેનત લાગી જતી હોય છે, જેમાં તમારા લક્ષ્ય પ્રત્યે તમે નાના ડગલા સતત ભરતા રહેતાં હોવ છો.

ભલાઈનું દરેક કર્મ એ તમારા આધ્યાત્મિક બેંકના ખાતામાં જમા થતું રહે છે, અને એ વધતું જતું હોય છે. જો પ્રત્યેક્જણ પુરતી કરુણા પેદા કરે, તો ભલાઈનો GDP આપોઆપ ઉપર તરફ વધતો જશે.

દરેક નાનું પતંગિયું, દરેક મધમાખી, દરેક પંખી એક સપાટ જમીનને એક ઘનઘોર જંગલમાં પરિવર્તિત કરવાં માટે પોતાનું યોગદાન આપે છે. નાના અમથા બિજાંકુર અને બિજ કે જેને તે પોતાની ઉપર લઇ જાય છે તે આમ-તેમ ગમે ત્યાં ખરતા રહેતાં હોય છે, અને એમાંના એક-એક બીયા મહત્વના હોય છે. કેમ? દરેક વસ્તુનું અને દરેકજણનું કુદરતના આ વિશાળ અને સતત ચાલતાં રહેતાં ખેલમાં મહત્વ રહેલું હોય છે. તમારું પણ છે, અને તમારા કર્મોનું પણ.

ચાલો આપણી આ દુનિયાને સારાઈ અને ભલાઈથી ભરી દઈએ. અનેક લોકોને તમારી મદદની જરૂર હોય છે. જરા આજુબાજુ નજર કરો અને તમને જણાશે કે હું શું કહેવાં માંગું છું.

બીજી વાત, એ કે અનેક લોકોએ ભેગા થઇને એક The Book of Faith નામનું પુસ્તક લખ્યું છે અને હું તેનાથી એટલો બધો ગદ્દગદિત થઇ ગયો છું કે શબ્દોમાં તેનું વર્ણન નથી કરું શકું એમ. નવજોત ગૌતમ અને બીજા અનેક લોકોનું તેમાં યોગદાન છે, અને હંમેશાંની માફક સાધ્વી વૃંદા ઓમે તેનું સંકલન અને સંપાદન કર્યું છે. આ પુસ્તકમાં ઘણી બધી વાતો છે કે જે વાંચવાની મને પણ મજા પડી. આજનાં લેખમાં તમે જે ચિત્ર જુઓ છો તે આ The Book of Faithનું કવર પેજ છે. થોડાં સમયમાં જ આ પુસ્તક ઉપલબ્ધ થશે, અને કીંડલ વર્ઝન (ઓનલાઈન કોપી) તો અત્યારે ઉપલબ્ધ છે જ. જો તમારે વાંચવું હોય તો આ રહી તેના માટેની લીંક.

૧. Amazon.in
૨. Amazon.com

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email