પ્રેમ, એ શ્રદ્ધાની જેમ, કોઈ પણ તર્કથી પરે હોય છે. એ ફક્ત પ્રેમ જ હોય છે કે જે આપણને આપણો વિકાસ કરવાં માટે, બદલવા માટે અને અશક્યને શક્ય કરવાં માટે ફરજ પાડતો હોય છે. મને એ બાબતની તો ખબર નથી કે શ્રદ્ધા પર્વતને પણ ખસેડી શકે કે કેમ પણ એ બાબતમાં તો હું નિ:સંદેહ છું કે જો પ્રેમનો પ્રવાહ તમારા હૃદયમાંથી સતત ધસમસતો રહે તો તમે સમગ્ર બ્રહ્માંડને પણ ચોક્કસ હલાવી શકો તેમ છો. કઠોપનિષદમાં આવતી નચિકેતાની વાર્તા કે મહાભારતમાં આવતી સાવિત્રીની વાર્તા એ માનવશક્તિની ક્ષમતાની સાબિતી નહિ તો એક સૂચક તો જરૂર છે. જો કે પ્રેમ છે શું? શું તેની શરૂઆત અને અંત આપણને જે ગમતું હોય તેના પ્રત્યે એક તિવ્ર લાગણી ધરાવવી એ જ માત્ર છે?

તાજેતરમાં જ મેં ગૌર ગોપાલ દાસના  Life’s Amazing Secrets  નામના પુસ્તકમાંથી એક હૃદયસ્પર્શી વાર્તા વાંચી. એ એટલી સુંદર વાત છે કે મને તેને શબ્દશ: અત્રે પ્રસ્તુત કરવાના બદલે મારા પોતાના શબ્દોમાં રજુ કરવાનું મન થાય છે.

લતા ખરે, નામની એક ૬૫-વર્ષીય વૃધ્ધા, અને તેનો પતિ મહારાષ્ટ્રના એક નાનકડા ગામડામાં ખરેખર ગરીબીરેખાની નીચેનું જીવન જીવી રહ્યાં હતાં. તેમની ત્રણેય દીકરીઓને પરણાવીને આ વૃદ્ધ દંપતી ખેતરમાં રોજની દનિયું કમાઈને પોતાનો જીવનનિર્વાહ કરતાં હોય છે. એક સવારે તેના પતિને કોઈ ઇન્ફેકશનના લીધે બેચેનીનો અનુભવ થયો. તે ગામના ડોકટરે શહેરની મોટી ઈસ્પિતાલમાં જવાનું કહ્યું. દવા કરાવવાના કે ડોક્ટરની ફી આપવાના પૈસાની વાત જવા દો, પરંતુ તેમની પાસે કોઈ તો શહેર જવાના પૈસા પણ નથી હોતાં. ગમે તેમ કરીને ઉછીના પૈસા લઇને, આ ચિંતાતુર દંપતી બારામતી શહેરમાં જાય છે.

કેટલાય કલાકો પછી, અમુક પ્રાથમિક તપાસ અને મેડીકલ ટેસ્ટનો ખર્ચો કર્યા પછી, અંતે જયારે તેમનો વારો આવે છે, ત્યારે ડોક્ટર તેના પતિને અંદર તપાસે છે અને લતા બહાર પોતાના શ્વાસ અધ્ધર રાખીને બધું સારું હોય એવી આશાએ બેઠી હોય છે. પરંતુ ડોક્ટર તો તેને હજારો રૂપિયાના બીજા નવા ટેસ્ટ કરાવવાનું કહીને તેને નિરાશ કરી દે છે. હવે અહી એવો કોઈ વિકલ્પ જ નથી હોતો કે તે આટલાં પૈસા ખર્ચી શકે. આંસુભરી આંખે તે કોઈ બીજો રસ્તો કાઢવાની ડોકટરને તેમજ ઈસ્પિતાલને વિનંતી કરી જુએ છે, પરંતુ કઈ વળતું નથી. બપોર તો અહી જ થઇ ચુકી હતી, અને તેમને પાછું પોતાના ગામે પણ જવાનું હતું. દુ:ખી અને નિરાશ થઇને તેઓ બંને એકબીજાની સામું જુએ છે, એક એવો ડર પણ મનમાં અનુભવાતો હોય છે તેઓ હવે એકબીજાનો સાથ બહુ લાંબો સમય નહિ માણી શકે. થોડી નકાર અને અવિશ્વાસની લાગણી અનુભવાય છે. અને તેઓને એ વાતનું પણ ભાન થાય છે કે તેમને બન્નેએ સવારનું કઈ ખાધું નહોતું, અરે એક પ્યાલો પાણીનો પણ પીધો નહોતો.

જયારે તેઓ એક બસસ્ટોપ તરફ જઈ રહ્યાં હોય છે, ત્યારે તેઓ રસ્તા ઉપર એક સમોસા વેચવા વાળા પાસે ઉભા રહે છે. લતા પોતાની સાડીનાં છેડે બાંધેલા દસ રૂપિયા કાઢે છે અને અને બે સમોસા ખરીદે છે. પેલો સમોસા વાળો લતાને એક સમાચાર પત્રકના રદ્દી કાગળ ઉપર સમોસા આપે છે. તેલ અને ચટણીથી ખરડાયેલાં એ વર્તમાનપત્રકમાં લખેલું હતું “બારામતી મેરેથોન – આવતી કાલે.” એ સ્પષ્ટ હતું કે આ મેરેથોન દોડ આવતી કાલે જ હતી અને ઇનામ હતું ૫૦૦૦ રૂપિયા.

“હું આ મેરેથોનમાં દોડીશ,” તેને પોતાનાં પતિને કહ્યું.
“ગાંડી થઇ ગઈ છું?” તેના પતિએ ગુસ્સે થઈને કહ્યું. “તારે ય મરી જવું છે?”
“હું તો ભાગ લેવાની જ.”

ગામમાં બધાની તેમજ પોતાના પતિ અને દીકરીઓની સલાહ વિરુદ્ધ, લતા ખરે બીજા દિવસે મેરેથોનમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહી. તેને કોઈ રમત-ગમતનો ગણવેશ, ટી-શર્ટ, ટ્રેક પેન્ટ કે એવું કશું પહેર્યું નહોતું. ફક્ત એક જ પોશાક કે જે તેને પોતાની આખી જીંદગી પહેર્યો હતો તે જ એટલે કે સાડી પહેરીને જ તે આવી હતી. જો આયોજકો માટે આ એક રેડ ફ્લેગ ન હોય તો બીજું એ કે તેને પગમાં કોઈ શુઝ પણ નહોતા પહેર્યા. તે તો ફક્ત ઉઘાડા પગે જ હતી. તેનાંથી તેને કોઈ ગંભીર ઈજા થઇ શકે છે તેવું કારણ બતાવીને તેને તેમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી.

પણ લતા ખરે માને તેમાંની નહોતી. પ્રાચીન ગ્રંથોએ પણ સ્ત્રી હઠને એક રાજ હઠ જેટલી જ શક્તિશાળી માની છે – કે જો કોઈ સ્ત્રી મનમાં કશું કરવાનું નક્કી કરી લે તો તેને કોઈ રોકી શકે તેમ નથી હોતું. લતાએ તે દિવસે આ સાબિત કરી દીધું હતું. આયોજકોએ તેની વાત અને વિનંતી સાંભળીને અંતે તેને શાંત કરવાં માટે તેમાં ભાગ લેવા માટે સમંતિ આપી દીધી.

ત્યાં એકઠા થયેલા સૌ કોઈએ તેના માટે હર્ષોલ્લાસ કર્યો, કોઈએ કટાક્ષમાં તો કોઈએ પ્રામાણિકપણે. “જાવ, માજી, જાવ” એવો સૌ કોઈએ નારો લગાવ્યો.

લતાએ પોતાની સાડી ઉંચી ખોસીને, દરેક પ્રકારના અવરોધો વચ્ચે એવી રીતે દોડી કે જાણે કાલ સવાર કોણે જોઈ છે! એક મેરેથોનની દોડમાં ૪૨ કિલોમીટર (૨૬ માઈલ)નું અંતર હોય છે, અને આ કઈ એવી બાબત નથી કે જેને માટે તમે એક રાતમાં તૈયારી કરી શકો. જીતવાની તો વાત ભૂલી જઈએ, પણ પુરતી તૈયારી અને જરૂરી પોષક આહાર વગર મોટાભાગના લોકો આ દોડ પૂરી પણ નથી કરી શકતાં હોતાં. વધુમાં, ખાલી આ અંતર કાપવું કાફી નહોતું, લતા માટે તો ઇનામની રકમ મેળવવા માટે આ દોડ જીતવાની હતી. એનાં માટે તો પોતાના પતિને બચાવવા માટે ફક્ત આ એક જ માર્ગ બચ્યો હતો. તે પોતે કોઈ ટ્રોફી જીતવા માટે કે ખ્યાતી મેળવવા માટે નહોતી દોડી રહી, તે તો શબ્દશ: જીંદગી માટે દોડી રહી હતી. અહી જો કશું હતું તો તે હતો ફક્ત તેનો પતિ પ્રેમ જે તેના દ્વારા આ રોડ પર દોડી રહ્યો હતો, જેમાં તેના પગમાં કોઈ પગરખા પણ નહોતા, હતી તો ફક્ત એક સાડી જે તેના દરેક પગલે અવરોધ બની રહી હતી. પથ્થર, કંકર, ખાડા કે તૂટેલાં રસ્તા હોય, જોવા વાળા તો એવું કહેતા હતાં કે લતા ખરે તે દિવસે એવું દોડી હતી જાણે કે તેને કોઈ ભૂત ન વળગ્યું હોય!

પણ એ જ તો પ્રેમ કરતુ હોય છે. એ એવું કરતુ હોય છે જે ફક્ત ને ફક્ત એક પ્રેમ જ કરી શકે – એ તમારી મર્યાદાઓને ઓળંગી જતું હોય છે.

સવાલ છે: શું લતા ખરે જીતી ગઈ? એક ઘરડી સ્ત્રી ખુલ્લા પગે એવા લોકોની સાથે સ્પર્ધામાં હતી કે જેઓ તેની સરખામણીમાં શારીરિક રીતે વધુ સક્ષમ હતાં, સારો આહાર આરોગતા હતાં, અને તેમની પાસે સારા કપડા અને પગમાં શુઝ પણ હતાં. અને શું એ પોતે જીતે એનું કોઈ મહત્વ પણ હતું ખરું? અને વધારે અગત્યની વાત તો એ કે, શું તે પોતે આ સ્પર્ધા જીતી ન હોત તો તેના નામે આ વાર્તા બનત ખરી? કોઈ વિજયની ટ્રોફીના અભાવમાં પણ તેના પ્રેમની કઈ ઓછી કિમંત નહોતી.

લતાએ પોતાના પતિ માટે શું કર્યું હતું તેની તમે ત્યાં સુધી કલ્પના પણ નહિ કરી શકો જ્યાં સુધી તમારી નસ-નસની અંદર એક ઊંડો પ્રેમ વહેતો નહિ હોય. અને તે પણ જયારે ભય કે ડરની પરિસ્થિતિમાં જેમ તમારી રગોમાં એડ્રેનલીન ધસમસતો હોય છે, તેના પ્રવાહ કરતાં પણ આ પ્રેમનો પ્રવાહ વધારે ગતિથી દોડતો હોવો જોઈએ. પ્રેમ શું છે?: જ્યાં તમે તમારું ભલું સામે વાળાનું ભલું થાય તો જ થઇ રહ્યું છે એમ સમજતાં હોવ. અને કાળજી? : કોઈના પ્રેમને ફક્ત કાળજીથી જ સાચી રીતે માપી શકાતો હોય છે. અંતે તો, જો પ્રેમની સતત શાબ્દિક અભિવ્યક્તિ જ જો પુરતી હોય તો કદાચ બધાં જ સંબંધો પ્રેમથી ભરપુર હોત. પરંતુ જો તમારા કર્મો પણ સામે વાળી વ્યક્તિની પ્રાથમિકતાઓ, સન્માન, કલ્યાણ માટે કાળજી કરે એવા હોય (અને તેમની પણ તમારા પ્રત્યે એવી જ કાળજી હોય) તો ફક્ત એ જ સાચા પ્રેમનું સૂચક હશે.

હા, લતા ખરે જીતી. તેને જીતવું જ પડે તેમ હતું. અને તે જીતી પણ ખરી. જુઓ નીચે.

(Image source: steemitimages)

હું આ લેખનો અહી જ અંત લાવી શક્યો હોત પરંતુ લતાની વાત એ આખું ચિત્ર પૂર્ણ નથી કરતી. તેની એક બીજી બાજુ પણ છે, પ્રેમનું એક બીજું પરિમાણ કે જેના ઉપર થોડું ચિંતન કરવું જરૂરી છે. શું એ સારું ન હોત, કે પછી શું એ પણ પ્રેમ ન કહેવાય, જો ત્યાં જમા થયેલા અનેક લોકોમાંથી કોઈ એક કે એકથી વધુ લોકો એક પગલું આગળ આવ્યા હોત અને લતાને ૫૦૦૦ રૂપિયા જેટલી રકમની મદદ કરી હોત? શું એક વૃદ્ધાને પોતાના પતિને બચાવવા માટે દોડવું પડે? જો એ મારી જ મા હોત જેને આ કામ માટે દોડવું પડે તો હું શું કરત? આયોજકોએ કે પછી બીજા કોઈએ કેમ આ વૃધ્ધાને એવું કહ્યું નહિ કે, “અમે દિલગીર છીએ તમારી હાલત જોઈને, માજી. અમે તમારા માટે પાંચ હજારનું ભંડોળ ભેગું કરીશું.”

આ દુનિયા ઉદાર લોકોથી ભરપુર ભરેલી છે. મને એ બાબતની બિલકુલ શંકા નથી કે જો આયોજકોએ ત્યાં જાહેરાત કરી હોત તો અનેક લોકો આગળ આવ્યા હોત, અને આ મેડીકલ ટેસ્ટ માટે જરૂરી પૈસાથી પણ વધુ રકમનું દાન કરી શક્યા હોત. અનેક સામાજિક અને આર્થિક ચુનોતીઓ હોવા છતાં, લાખો લોકો કરોડો ડોલરનું દાન ભારતમાં કરે છે. માટે જયારે પ્રેમની વાત આવે ત્યારે, સવાલ એ નથી કે તમને કાળજી કરવાનું પોષાય કે કેમ, સવાલ છે: પ્રથમ તમે ખરેખર કોઈ કાળજી કરો છો ખરા? કારણ કે જો તમે કાળજી કરતા હોવ, તો સ્રોતની તો કોઈ ખોટ નથી. જો તમે ખરેખર કાળજી કરતાં હોવ, તો તે પ્રેમ છે.

ફરી વાર, આપણે જો લતા ખરેને જોઈશું, તો આપણે તેના માટે એક દ્રષ્ટા તરીકે તેનો ઉત્સાહ નહિ વધારીએ પરંતુ તેની મુશ્કેલીઓમાં સામેલ થઈશું અને તેને અપનાવીશું. તમારું હૃદય અને હાથ બને ખુલ્લા કરો. જે બીજાને મદદ કરવાં માટે પોતાના હથેળીઓ ખુલ્લી રાખે છે તે કુદરત તરફથી પણ આશીર્વાદ મેળવે છે કેમ કે તે લેવા માટે પણ તેના હાથ ખુલ્લા જ હોય છે. એક ક્ષણ પણ ત્યાં વેડફાતી નથી. જેમ તમે તમારા નિવૃત્ત જીવન માટે નિયમિત થોડું ભંડોળ એકઠું કરતા રહો છો, તેમ બીજી થોડી તો થોડી પણ એક નાની રકમ પણ બાજુમાં રાખતાં જાવ, બીજાને મદદ કરવા માટે. તમને ક્યારેય તેનો અફ્સોસ નહિ થાય.

જીવો. પ્રેમ કરો. હસો. આપો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email