જો તમે એકલવાયાપણાનો આનંદ ઉઠાવતાં-ઉઠાવતાં તેમાંથી પ્રેરણા પણ મેળવી શકતાં હોવ તો તે એક આશીર્વાદ સમાન છે. અને જો તમે, તેમ ન કરી શકતાં હોવ તો તે તમારામાં સતત રહેતી બેચેની અને ખાલીપાનું  મૂળ કારણ છે. તે તમને એક એવો અનુભવ કરાવે છે કે દરેક વસ્તુ તમારા જીવનમાં વેર-વિખેર છે, અને તમે એક વ્યક્તિ તરીકે સંપૂર્ણ નથી, અથવા તો તમારે કઈક એવું કરવું પડે કે બીજા કોઈ એવાને શોધવા પડે જે તમારી અંદરના ખાલીપાને પૂરી શકે. કદાચ તમારે કોઈ નવા કે જુદા સંબંધની જરૂર છે, કે પછી કદાચ તમારે તમારી નોકરી બદલાવાની જરૂર છે કે પછી કોઈ બીજા દેશમાં સ્થળાંતર કરી જવાની જરૂર છે, કે પછી કોને ખબર તમે ફક્ત એક ડીપ્રેશન (હતાશા)નો અનુભવ કરી રહ્યાં છો. એક એવી લાગણી કે જેમાં તમે એક ઊંડી ગર્તામાં પડી રહ્યા છો કે પછી કોઈ એક દીવાલ સામે તાકી રહ્યાં છો અને તમને ખબર નથી કે તમે કઈ તરફ જઈ રહ્યા છો, આ બધું જયારે તમે તેની સાથે કામ નથી લઇ શકતાં ત્યારે અનુભવાતું હોય છે. મારો કહેવાનો અર્થ છે તમારી એકલતાની લાગણી.

જયારે તમને જીવન દિશાહીન લાગે, જયારે તમને બધું જ અર્થહીન લાગે (પછી ભલેને તે થોડાં સમય માટે પણ કેમ ન હોય) ત્યારે તમને એકલવાયાપણાનો અનુભવ થતો હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ક્રમશ: સતત વધતાં જતાં પ્રમાણમાં અસંખ્ય લોકોને અત્યંત એકલતવાયાપણાની મહામારી જેવી બીમારી લાગુ પડી ગઈ છે અને તેમનાંમાં એક નિસ્તેજતા આવી ગઈ હોય છે.

મેં તાજેતરમાં જ મેટ હૈગના Notes on a Nervous Planet નામનાં પુસ્તકમાંથી એક ખુબ જ રસપ્રદ વિચાર વાંચ્યો હતો:

તમે ક્યારેય માતા-પિતાઓને પોતાના બાળકને સતત મનોરંજનની જે ટેવ પડી છે તેના વિશે વિલાપ કરતાં સાંભળ્યા છે?

જેમ કે.

“અમે જયારે નાના હતાં ત્યારે ગાડીની પાછલી સીટ ઉપર બેસીને બારી બહાર વાદળો અને ઘાસને ૧૭ કલાક સુધી તાક્યા કરતાં હતાં, અને અમે એમાં બિલકુલ ખુશ રહેતાં હતાં. અને હવે અમારી નાની મીશા ગાડીમાં અલ્વીન એન્ડ ચીપમન્ક જોયા વગર, કે કોઈ એપ ઉપર ગેઈમ રમ્યા વગર, કે પછી પોતાની સેલ્ફી લઇને એનું યુનીકોર્ન બનાવ્યાં વગર પાંચ મિનીટ સુધી પણ બેસી શકતી નથી…”

એનાં જેવું.

વારુ, એમાં એક સીધી સત્ય બાબત રહેલી છે. આપણા મનને જેટલાં વધારે ઉત્તેજનો મળે, તેટલાં વધુ સરળતાથી આપણે કંટાળાનો અનુભવ કરતાં હોઈએ છીએ.

અને એક બીજો પણ વિરોધાભાસ છે.

આમ વિચારીએ તો ક્યારેય એકલા નહિ પડવાનું ક્યારેય આટલું સરળ નહોતું જેટલું વર્તમાન સમયમાં છે. કોઈને કોઈ કાયમ ઓનલાઈન હોય જ છે જેની સાથે આપણે વાત કરી શકીએ. જો આપણે આપણા પ્રિયજનોથી દુર હોઈએ તો તેમની સાથે સ્કાઈપ કોલ કરી શકીએ તેમ છીએ. પણ એકલવાયાપણુ એ બીજું કશું નહિ પણ એક લાગણી છે. જયારે મારે મારી હતાશાઓ હતી, ત્યારે હું એટલો નસીબદાર હતો કે મારી આજુબાજુ એવા લોકો હતાં જેઓ મને પ્રેમ કરતાં હોય. પણ મને એટલું બધું એકલું નહોતું લાગતું.

મને લાગે છે એડીથ વ્હાર્ટન એકલવાયાપણાના વિષય ઉપર સૌથી વધારે વિદ્વાન ગણી શકાય એવા લેખિકા હતાં. તેઓ માનતા હતાં કે એકલવાયાપણાને દુર કરવાનો રસ્તો એ નથી કે તમારી પાસે કાયમ કોઈ સાથ આપવા વાળું હોય, પરંતુ તે માટે તમારે એવો કોઈ રસ્તો શોધી કાઢવો પડે કે તમે તમારા પોતાના સાથ સાથે જ ખુશ રહી શકતાં હોવ. આમાં કોઈ અસામાજિક બની જવાની વાત નથી પરંતુ પોતાની એક એવી હાજરી કે જેમાં બીજું કોઈ ગેરહાજર હોય તો તેવી પરિસ્થતિથી ડરી પણ જવાની જરૂર નથી.

તે લેખિકાને એવું પણ લાગતું કે આ દુઃખનો ઉપાય એ હતો કે “આપણું આંતરિક ઘર એવી શ્રીમંતાઈથી શણગારવું કે પોતે તેમાં સંતોષથી રહી શકીએ, જેને પણ તેમાં આવીને રહેવું હોય તેનું સહર્ષ સ્વાગત છે, પણ જયારે પોતે તેમાં ફરજીયાતપણે એકલાં થઇ જાય તો પણ પોતે તેમાં ખુશ થઇને જ રહેશે.”

હું પણ બિલકુલ સહમત છું. જેમ તમારી ઈચ્છાઓને પૂરી કરવાથી તે બીજી વધુ ઈચ્છાઓને જન્મ આપે હોય છે, તેમ તમારા એકલવાયાપણાની કોઈ બીજાના સાથ વડે પૂર્તિ કરવાથી બહુ લાંબુ નથી ચાલતું. માનવીઓનો એકબીજા સાથેનો બોલોચાલો, સાથ-સહકાર, સમુદાય વિગેરે તેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, અને હું તેને નકારતો નથી. પરંતુ તેમ છતાં આ બધું એક મોટી અગવડતાનો અનુભવ કરાવ્યા વગર કાયમ તમારા જીવનનું પ્રાથમિક કેન્દ્રબિંદુ ન બની રહી શકે. સામાજિક મેલઝુલ અને એ બધું તમારી એકલવાયાપણાની લાગણીને થોડી દુર કરે એવું તો બને, કે પછી થોડી ક્ષણો માટે તમને એ ભૂલવાડી દે કે ખરેખર તમે કેટલાં એકલાં છો, પરંતુ દિવસને અંતે તો, આ બધું કઈ તમારા એકલવાયાપણાથી તમને બહુ દુર નહિ થવા દે. મોટાભાગના સ્વ-વિકાસના પુસ્તકો એવું કહેતા હોય છે કે જીવનમાં કોઈ શોખ/ઝનુનનો અભાવ તમને એકલવાયાપણાની લાગણીનો અનુભવ કરાવે છે. કે, તમને જો એકલું લાગતું હોય તો, શક્ય છે તમારા જીવનમાં એવું કશું વ્યાજબી કારણ નથી કે જે તમને જીવન જીવવા માટે કે આગળ ધપવા માટે પ્રેરણા આપે. એવું કદાચ કશું નથી જે સવારમાં એલાર્મ વાગે એ પહેલા તમને પથારી છોડીને ઉભા થઇ જવા માટેનો ઉત્સાહ આપે. આમ, સામાન્ય જ્ઞાન કહે છે કે તમારા જીવનને કશાથી ભરેલું રાખો.

યોગિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આ હજી પણ એક હંગામી ઉપાય છે. હું કોઈ બાબત પ્રત્યે કે કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યે એક ગાંડાની જેમ ઝનુન રાખી શકું, પરંતુ તેનો અર્થ એ નથી કે તેનાંથી મને એકલવાયાપણું નહિ અનુભવાય. દુનિયાના જે ખુબ જ સફળ કલાકારો, સંગીતકારો છે તેમના તરફ એક નજર કરો જેઓ પોતાની કલાને દિન-રાત શ્વસતા રહ્યાં છે, આખું જીવન પોતાની કલાને માટે જીવતાં રહ્યાં છે, અને તેમ છતાં તેઓ ડીપ્રેશનનો ભોગ બન્યાં હોય છે. યોગ એવું કહે છે કે એકલાપણું એ તમારી જાતને ખોજવાની એક સુંદર તક છે, એક એવું ચિંતન કરવાની કે તમે શું કરી શકો છો એટલું જ નહિ પણ તમે અત્યાર સુધી શું કર્યું છે. જયારે તમે એકાંતમાં પણ તમારી સજાગતાને જાળવી રાખી શકો, તો તમે આ શાંતિનો શાંત દરિયો ખોજી શકશો. જો આ એકલવાયાપણું બીજું કશું પણ હોય તો તે છે તમારી આત્માનો અવાજ.

એક મોટી એકલતામાં એક તીવ્ર જાગૃતતા એ નિર્વાણ અવસ્થાથી કઈ કમ નથી. એક સામાન્ય એકલતામાં તમે તમારા વિચારો અને લાગણીઓ સાથે ઉડી રહ્યાં હોવ છો કે જે ચકાસો નહિ તો મોટાભાગે નકારાત્મક જ હોય છે. એક શુદ્ધ પ્રકારની એકલતામાં, જેને હું યોગિક એકલતા કે પછી મનનું એકાંત કહું છું, તેમાં તમે દરેક નાનામાં નાના વિચાર પ્રત્યે, પસાર થતી એક-એક ક્ષણ પ્રત્યે તીવ્ર જાગૃતતા જાળવી રાખી શકતાં હોવ છો. તમને એ જ્ઞાન થવા લાગે છે કે તમે ખરેખર અજન્મા છો, અમર છો અને વિશુદ્ધ છો. કે તમે આ જે ઘરડું થતું શરીર અને સતત બબડતું જતું મન ધારણ કરેલું છે તેનાંથી ક્યાંય પરે છો.

જીવન વિષયક જ્ઞાનનો ઉદય આવી શાંત ક્ષણોમાં જ થતો હોય છે. એ તમામ જેમને તમે પ્રેમ કે નફરત કરો છો, જેમની ઈચ્છા કે ધ્રુણા થાય છે, તેને મળવાની ઈચ્છા કે ટાળવાની ઈચ્છા થાય છે, તદુપરાંત તમે પોતે આ બધાં જ અહી માત્ર થોડાં સમય માટે જ છે.

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥  गीता 2.28॥

“તું કોના માટે શોક કરે છે ઓ અર્જુન!” કૃષ્ણે કહ્યું. “આ લોકોનું ભૂતકાળમાં અસ્તિત્વ નહોતું, અને તેઓ ભવિષ્યમાં પણ નહિ હોય. થોડાં સમય માટે જ્યાં સુધી તું અહી છે ત્યાં સુધી જ તેઓ તારા જીવનમાં છે. તો પછી આવી સ્થિતિમાં શા માટે મોહ કરવાનો?”

આપણે જીવનમાં જેને પણ મળીએ છીએ તે તમામની તેમની પોતાની મુસાફરી હોય છે, આપણા માર્ગ ફક્ત એકબીજા સાથે ચાર રસ્તે મળી જતાં હોય છે. અને માટે જ એકલવાયાપણાનો ઉકેલ કોઈ વસ્તુ કે વ્યક્તિની પ્રાપ્તિમાં નથી કે જે તમને પ્રવૃત, ખુશ કે વ્યસ્ત રાખી શકે. એનાં માટે તમારે તમારી જાગૃતિનું કેન્દ્રબિંદુ શોધવું પડશે અને એનું ભાન થવું જોઈએ કે સતત ચાલે એવા સુખ માટે તમારે ફક્ત અંતર્મુખી જ થવું પડે અને તમારી એકલતાની સુંદરતાને આલિંગન આપવું જ પડે.

યોગિક ગ્રંથોએ આવી એકલતાને એક અનેરો મોક્ષ પ્રદાન કરનારી કહી છે. તેઓએ તેને માટે કૈવલ્ય શબ્દ વાપર્યો છે જેનો અર્થ થાય છે તમે તમારા પોતાના જ સાથમાં એક અત્યંત શાંતિ અને મસ્તીમાં મ્હાલો છો. આપણી પોતાની શરતો, ઈચ્છાઓ અને કર્મોને લીધે જ આપણી બુદ્ધિ અને આત્મા વચ્ચે એક મોટી ખાઈ રહી જતી હોય છે. આત્મ-તપાસ, ચિંતન અને સજગતાથી આ અંતર ઓછું થતું જાય છે, અને જેમ-જેમ તે અંતર ઓછું થતું જાય, તેમ-તેમ તે તમને તમારી જાતની નજીક લાવતું જાય છે.

सत्त्वपुरुषयो: शुध्धिसाम्ये कैवल्यम् इति (पतंजलि  योग सूत्र 3.55)
“આમ, જયારે બુદ્ધિ અને આત્માની શુદ્ધિ સમાન થઇ જાય ત્યારે આત્મા મુક્તિની અંતિમ અવસ્થાએ પહોંચી જાય છે.”

એક સુંદર છોકરી એક કાફેમાં બેસીને કોફી પીતી હતી અને ત્યારે જ મુલ્લા નસરુદ્દીન તેની પાસે ગયા.
“તમે એકલાં જ છો?” તેમને પોતાના શરમાતા સ્વરે પૂછ્યું.
“હું તો ઘણાં સમયથી એકલી છું?” તેને નિસાસો નાંખતા કહ્યું.
“અચ્છા તો પછી હું આ બીજી ખાલી ખુરશી લઇ જઉં?”

જો તમે એકલાં હોવ એટલાં માટે તમને કોઈ બીજાનો સાથ જોઈતો હોય, તો તમે નિરાશ જ થશો. તમારે તો તેમના હૃદયમાં બેસવું હોય છે, અને કદાચ, તેઓને ફક્ત તમારી ખુરશીની જ જોઈતી હોય છે. સહમત છું કે બીજી વ્યક્તિનું તમારા જીવનમાં હોવું એનાંથી તમને કદાચ થોડી વ્યસ્તતાનો અનુભવ જરૂરથી થશે જેવી રીતે મોટાભાગના દુન્વયી સંબંધોમાં થતું હોય છે, પરંતુ વ્યસ્તતાનો અર્થ અને પરિપૂર્ણતા કે આનંદનો અર્થ એકસમાન નથી થતો. બે એકલાં લોકો કઈ ઉત્સવનો આનંદ લેતું ટોળું ન બનાવી શકે.

જયારે તમે તમારું જીવન સરળ બનાવી દો છો અને તેમાંથી બધી બિનજરૂરી વસ્તુઓને કાઢી નાંખો છો, તેમજ જયારે તમે તમારો સમય તમારા મન અને આત્માના કલ્યાણ માટે વાપરો છો, જયારે તમે દરેક જીવ માટે પ્રેમ અને ભલાઈની લાગણી રાખી એક સુસંવાદિતતા સાથે જીવવા લાગો છો ત્યારે તમે બુદ્ધિ અને આત્મા વચ્ચેની જે ખીણ છે તેના ઉપર એક સેતુ બાંધો છો. જયારે તમે તમારી બુદ્ધિની શરતોની પેલે પાર પહોંચી જાવ છો ત્યારે તમને એ ભાન થાય છે કે તમે તો એ બધાથી ક્યાય પરે છો જે તમને દુઃખ આપતું હોય છે, તમને જેની ખેવના થતી રહે છે તે તમામથી તમે તો ક્યાય ઉપર ઉઠેલા છો, કે તમે આ બ્રહ્માંડમાં કોઈ એક ચમકી રહેલો તારલો જ નહિ પરંતુ બ્રહ્માંડ સ્વયં છો. તો પછી તમને કોણ એકલવાયાપણાની લાગણીનો અનુભવ આપવાનું હતું કે કોણ તમને આ એકાંતમાંથી ચપટી વગાડીને બહાર લઇ આવવાનું હતું? કોઈ નહિ. જો કોઈ એવું હોય તો તે ફક્ત એક જ વ્યક્તિ છે જેની પાસે એવી શક્તિ છે જેના વડે તે તમને તમારી એકલતામાંથી કાયમ માટે બહાર ખેંચીને કાઢી શકે. અને તે છે તમે પોતે. સંપૂર્ણ, સુંદર અને અવિનાશી એવા તમે જે તમારી અંદર જ રહેલા છો તે. એ અસીમ ભવ્યતા કે જે કાયમ માટે કોઈ સાધારણ એકલવાયાપણાની લાગણીથી ક્યાંય દુર છે.

તમારો એક માત્ર સાચો અને સાશ્વત સંબંધ ફક્ત તમારી જાત સાથેનો છે. તેને જીવો. તેને પ્રેમ કરો. તેની કદર કરો. કેમ કે એવું ખરેખર કરવાં જેવું છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email