“મને સોમવારથી ખુબ જ નફરત છે,” કોઈકે મને એક દિવસે કહ્યું. “અને, જો કશું સોમવારનું ડીપ્રેશન જેવો કોઈ રોગ હોય તો તે મને છે.”

આ વ્યક્તિનું એવું કહેવું હતું કે પોતે ઘણાં જ પૈસા બનાવ્યાં છે, પણ તેમ છતાં તે કોઈ આદર્શ જીવન નહોતો જીવી રહ્યો. તેણે બધું જ કર્યું હતું કેમ કે તેને કરવું પડ્યું હતું. “જો મારે કોઈ આટલી જવાબદારીઓ ન હોત તો,” તેને કહ્યું, “ મેં પણ તમારી જેમ ભગવો પહેરી લીધો હોત અને મુક્તપણે વિહરતો હોત.”
“ઓહ!” હું હસ્યો. “એ તો ફેસબુક ટ્રેપ જેવું છે.”

એ મારી સામે એક નવાઈભર્યા ચહેરે તાકી રહ્યો અને મેં કહ્યું, “મારો કહેવાનો અર્થ એ છે કે જયારે તમે સોશિયલ મીડિયા ઉપર કોઈનો ફોટો જુઓ છો અને એવું વિચારો છો કે તે તો ખરેખર તેમનું જીવન માણી રહ્યાં છે.”
“પણ તમે તો તમને જે ગમે છે તે કરી રહ્યાં છો!”
“હું જે કરું છું તેને હું ગમાડવાનું શીખ્યો છું અને તમે પણ એવું કરી શકો છો.”
“મને તો રોજ સવારે વહેલાં ઊઠવાનું અને અઠવાડિયાનાં  પાંચ દિવસની મજુરી કરવી બિલકુલ ગમતી જ નથી,” તેને કહ્યું.
“જો એ નહિ તો પછી તમે બીજું શું કરતાં હોત?”
“નિવૃત્તિ લઇને નિશ્ચિંત થઇ જઉં, કદાચ વારંવાર વેકેશન કરવાં જાત, બધું થોડું હળવાશથી લેત. મારે જયારે ઉઠીને કામ પર જવું હોય ત્યારે જઈ શકું, કદાચ એક કે બે પુસ્તક લખેત અને એવી રીતે પ્રવાહની સાથે વહેતો રહેત.”

એક વાત આપણી અંદર એટલે ઊંડે સુધી ઘર કરી ગઈ છે કે મને લાગે છે કદાચ આપણા મગજમાં એ બરાબરનું બેસી ગયું લાગે છે. આપણામાંના ઘણાં બધાંને એવું લાગતું હોય છે કે વર્તમાન જીવન એ ઉત્તમ પ્રકારનું જીવન નથી, કે પછી આપણે કોઈ બીજી દિશા તરફ કોઈ એવી ક્ષણ માટે કામ કરતાં હોઈએ છીએ, કે જેનાં આવી ગયા પછી આપણને જે નહિ ગમતું હોય તે નહિ કરવું પડે. જયારે પણ આપણે એ કિનારે પહોંચી જઈશું ત્યારે જીવનમાં બસ પ્રકાશ અને ઇન્દ્રધનુષનાં રંગો જ છવાયેલા રહેશે, અને આપણે આપણા જીવનની પ્રત્યેક ક્ષણ આપણે એ બધું કરતાં બેસીશું જેના વિશે સતત સ્વપ્ન સેવતા રહેતા હતા.

જાણે કે ખુશી અને પરિપૂર્ણતા એ કોઈ એવું મુકામ ન હોય કે જેમાં આપણે ફક્ત એવા લોકોથી જ ઘેરાયેલાં હોઈએ જે આપણને પ્રેમ કરતા હોય અને જેમને આપણે પ્રેમ કરતા હોઈએ, જેમાં ફક્ત બધું ભરપુર પ્રમાણમાં જ હોય, કોઈ તણાવ, સંઘર્ષ કે રોગ ન હોય, ફક્ત આનંદ-આનંદ જ હોય, ફક્ત શાંતિ અને સુખ જ હોય. કોઈ કહેશે કે તે જ પરમ જ્ઞાનની અવસ્થા છે.

જો તમે મને પૂછો તો, આ કોઈ દુર-દુરનો વિચાર માત્ર જ નથી પરંતુ નર્યું અજ્ઞાન અને બુદ્ધિથી વિપરીત બાબત પણ છે. મને એ નથી ખબર પડતી કે આપણે આવા તારણ ઉપર કેવી રીતે પહોંચી ગયા કે મોક્ષનો અર્થ રોજબરોજના કામમાંથી મુક્તિ કે પછી આપણા સ્વપ્ન પાછળ કામ કરવાં માટેની બિલકુલ બેદરકારી. મેં જેરોલ્ડીન એડવર્ડનાં Celebration નામનાં પુસ્તકમાંથી એક સરસ વાર્તા વાંચી હતી:

કેટલાક વર્ષો પહેલા બીજા હજારો લોકો સાથે અમને પણ પ્રથમ ગ્રેટ અમેરિકન અમ્યુઝમેન્ટ પાર્કના ઉદ્દઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતાં. શું અદ્દભુત અનુભવ હતો એ! અમે અમારા બાર બાળકો સાથે અંદર પ્રવેશવા માટે દરવાજા બહાર ઉભા હતાં, અને અમારા ૧૨ વર્ષના પુત્રે કહ્યું, “માં હું તો દરવાજો ખોલે એની જ રાહ જોઈ રહ્યો છું. મને લાગે છે જયારે દરવાજો ખુલશે ત્યારે, દુનિયાની સૌથી શ્રેષ્ઠ બાબત જયારે કોઈ બની હશે એવી એ ક્ષણ હશે.”

જાણે એ એક રાત્રી માટે કોઈ પીનોકીઓના પ્લેઝર આઈલેન્ડ જેવું લાગવાનું હતું. બધું જ મફત.

મારો પુત્ર અને તેનો પિતરાઈ ભાઈ, કે જે તેની જ ઉમરનો હતો, અમને વિનંતી કરી રહ્યાં હતાં કે તેમને શાંતિથી એમની રીતે ચાલવા દેવામાં આવે, એમને જ્યાં જવું હોય ત્યાં જવા દેવામાં આવે. કેમ કે આ પાર્ક સુંદર રીતે પ્રકાશિત અને ચોતરફ દીવાલથી સુરક્ષિત હતો, તેમજ આવેલાં દરેકજણ મહેમાનો હતાં, અમે અમારા બાળકોને એમની રીતે ફરવાની મંજુરી આપી. બે ખુશ બાળકો ક્યારેય આવી રીતે કોઈ અદ્દભુત દુનિયામાં રમ્યા નહોતા. એમની સામે અનેક ચગડોળ હતાં, એમને જે ખાવું હોય તે હતું, કેટલીય ગેમ્સ, દ્રશ્યો અને વૈભવી વસ્તુઓ હતી.

આ પાર્ટી સાંજના આઠથી મધ્યરાત્રી સુધી ચાલી. અમે અમારા દીકરાઓને પોણા બાર વાગે એક મોટા ચગડોળ આગળ મળવાનું નક્કી કર્યું હતું. અલબત્ત, અમે તેમને એ સાંજે ઘણી વાર આમથી તેમ જતાં જોયા હતા, તેઓ એક ચગડોળમાંથી બીજા ચગડોળમાં બેસવા માટે દોડી રહ્યા હતા, તેમના હાથમાં કઈને કઈ ખાવાનું હતું, આંખોમાં ચમક, આતુરતા અને થોડી લાલચ પણ ભરેલી હતી.

સાંજના અંતે, અમે જોઈ રહ્યા હતા કે દરેકજણ બહાર નીકળવાના દરવાજા તરફ દોડી રહ્યા હતા, અમારા બે થાકીને લોટપોટ થઇ ગયેલા દીકરાઓ, તેમના ચહેરા ઉપર ચોકલેટના દાગા પડેલા હતા અને પગ ઢસડાતા હતાં, અને તેમનું માથું ઊંઘથી ઝોકા ખાઈ રહ્યું હતું, તેઓ અમારી તરફ આવ્યા. મારા પુત્રે મારી આંખોમાં જોયું.

“આજે હું કઈક શિખ્યો છું,” તેણે મને કહ્યું. “ખબર છે મેં કેવું કહ્યું હતું કે જયારે આ દરવાજો ખુલશે ત્યારે, દુનિયાની સૌથી શ્રેષ્ઠ બાબત જયારે કોઈ બની હશે એવી એ ક્ષણ હશે? બીજું કશું નહિ પણ ફક્ત પાર્ટી અને મોજ!” તેને અંદર જવાના મોટા દરવાજા તરફ આંગળી ચીંધી અને કહ્યું. મેં માથું હલાવીને હા પાડી. “વારુ, હવે,” તેને આગળ બોલતા કહ્યું, “દુનિયાની ખરાબ ખરાબમાં વસ્તુ એ હશે કે જો આ દરવાજો બંધ થઇ જાય અને હું અહીથી બહાર ન નીકળી શકું.”

તે ખરેખર તેના બાળપણની સૌથી વધુ મજા પડે એવી સાંજ હતી, પરંતુ હવે તેને એ પણ ખબર પડી હતી કે મોજ-મજાને પણ સમય મર્યાદા હોય છે, અને જયારે એ સમય અવધિ સમાપ્ત થાય ત્યારે તે મોજ-મજા આનંદ આપે એવી નથી રહેતી. હવે જે મૂળભૂત વસ્તુઓ છે તેના તરફ પાછા વળવાનો સમય થઇ જતો હોય છે કે જે મોજને એક અર્થ આપતું હોય છે. આપણું કામ પણ જીવનને હેતુ તેમજ મહત્વ આપતું હોય છે, અને આપણે જે કઈ પણ કામ કરીએ તેમાં એક હેતુની સમજ જ મોજ અને મજાને એક વધુ સુંદર અને વધુ અર્થસભર બનાવે છે – તે તેને એક ઉત્સવ બનાવે છે.

આ શબ્દોમાં એક ઊંડું ડહાપણ ભરેલું છે. આખો દિવસ મહત્વના કામને આજે કરીશ-કાલે કરીશ એમ કહીને પાછુ ઠેલ્યા કરી, ફરજીયાત પણે ફક્ત ટીવી ઉપર નેટફ્લીક્સ જોયા કરવાનું અને તે પણ ત્યાં સુધી કે આંખોના પોપચા થાકીને બંધ થઇ જાય. આવી ઊંઘ કરતાં, આખો દિવસ થાક લાગે એવી સખત મહેનત કરીને રાત્રે પોતાની મુલાયમ પથારીમાં પડતાં વેત જે ઊંઘ આવી જાય તેમાં કઈક વધારે આનંદ રહેલો છે.

દાખલા તરીકે રાત્રે મોડે સુધી જાગતાં રહીને અર્થહીન વસ્તુઓ કરતાં રહેવાથી કદાચ તમને આનંદ મળી
શકે, પણ તે કઈ તમને એક વ્યક્તિ તરીકે વિકસવા માટે કોઈ ચુનોતી નહિ આપે, બીજા દિવસે સવારે જયારે તમે ઉઠો ત્યારે નોંધ કરજો તમને કેવું લાગે છે: અસ્વસ્થ, માથું થોડું ભારે થઇ ગયું હોય એવું, મોઢામાં વિચિત્ર દવા જેવો સ્વાદ આવતો હોય એવું લાગશે. તમે તરોતાજા અને ઉર્જાવાન થઇને નથી ઉઠતાં. ઉલટાનું તમને એવું લાગશે કે ગઈકાલ કરતાં પણ આજે તમારામા ઓછી ઈચ્છાશક્તિ છે. કારણ બહુ સરળ છે: એક પરિપૂર્ણતાનો ભાવ આપે એવા આરામનો આનંદ તે કમાયા પહેલા મળતો નથી. અને, તે આનંદને કમાવવા માટે તમારે દિવસ આખો જે કામ કરવાનું તમે ટાળતા હોવ છો તે કરવું પડતું હોય છે, અને તમારા જીવનમાં મારે-શું-કરવું-પડશે-જ અને મારે-શું-કરવાની-ઈચ્છા-છે આ બે બાબતો વચ્ચે એક સંતુલન સાધીને જ મળતો હોય છે.

આપણે આપણા રોજીંદા જીવનમાં કઈ બાબતો ફરજીયાતપણે કરવી જ જોઈએ એની ચિંતા આપણા મગજમાં એક દબાવ અને નકારાત્મક લાગણીઓ જન્માવે છે, એવું જેરોલ્ડીન એડવર્ડસ કહે છે અને એ જ પ્રકરણમાં તેઓ આ વાત સુંદર રીતે રજુ કરતાં કહે છે:

આપણામાંના ઘણા બધા લોકોને, પ્રભાતે આંખો ખોલતાની સાથે જ આપણે જે-જે કાર્યો કરવાના છે તેની એક તુરંત અને દબાણપૂર્વક અનુભૂતિ થાય છે કે. હજી તો આપણા પગનો સ્પર્શ ધરતી સાથે થાય એ પહેલા તો આપણા લમણે કોઈએ બંદુક ન મૂકી હોય એવો અનુભવ થવા લાગે છે… આપણું જીવન જાણેકે એક મોટું કપડા ધોવાનું બાસ્કેટ લઈને આપણે એક સાંકડો દાદરો ઉતરતા હોઈએ એના જેવું લાગે છે જ્યાં દરેક વસ્તુ હાથમાંથી સરકતી અને લપસતી જતી હોય એવું લાગે છે.

આ દમનકારી લાગણીઓ ઉપર અંકુશ કેળવવા માટે હું બે બાબતો ઉપર ધ્યાન આપું છું. એક તો સતત મેં કેટલી વસ્તુઓ નથી કરી એનાં બદલે કેટલી વસ્તુઓ મેં કરી લીધી છે એનાં ઉપર હું ધ્યાન આપું છું. મેં શું કર્યું છે તેની નોંધ કોઈ બીજાએ લેવાની નથી – હું પોતે જ લઉં તે પુરતું છે. બીજી બાબત એ કે મારે એ વાતને યાદ રાખવાની છે કે મારા કામ ઉપર મારો કાબુ છે. કઈ બાબત ક્યારે અને કેવી રીતે પૂરી કરવાની છે એ નક્કી કરવાની આ એક મારા માટેની તક છે. મારા કાર્યોનું આયોજન કરનાર અને તેના ઉપર કામ પણ કરનાર હું પોતે જ છું – અને જરૂર પડે તો તેમાં ફેરફાર કરીને તેને વધુ સારી રીતે કરવાનું કે જુદી રીતે કરવાનું એ બધું જ મારી તે કાર્યો ઉપર વિચાર કરવાની શક્તિ ઉપર નિર્ભર છે, મારે જાતે જ જવાબદારી અને નિર્ણય લઇને તે કરવાનું છે.

એવું કોઈ નથી હોતું જેને કશી ચિંતા ન હોય. આપણામાંનું કોઈ કાયમ માટે ખુશ નથી હોતું, પછી તે ગમે તે કેમ ન હોય. ઇચ્છાવાન, હકારાત્મક, આશાવાન, હા ચોક્કસ એવા તો હશે જ: પણ ચુનોતી, સંઘર્ષ અને મુશ્કેલીઓ વિનાનું કોઈ? ના એવું તો કોઈ જ નહિ હોય.

જુઓ મારા મિત્ર, તમને હજી સુધી તમારા જીવનનું ધ્યેય મળ્યું ન હોય તો, હું તમને કહીશ કે તે મળે તે પહેલા, તમારે એ વાતને સમજવી પડશે કે પ્રતિકાર ક્ષમતાની તાલીમ એ કોઈપણ પ્રકારની શક્તિને કેળવવા માટેનો પાયો છે. આપણી બદનસીબીનો પણ હિંમતભેર સ્વીકાર કરવો, તમારી ખુશી તમારે જે કામ કરવું પડતું હોય છે તેમાંથી જ મેળવવી, અને એનાં માટે પૂરી ધીરજ રાખવી આ બધું જ તમારી મહત્તમ ક્ષમતા મુજબ કામ કર્યે જવાથી આવતું હોય છે.

તાજેતરમાં જ મને એક ૧૫-વર્ષના યુવાનને મળવાનો અવસર મળ્યો કે જે કે કુશળ તરવૈયો છે અને પાણીમાં માછલીની જેમ તરતો હોય છે. તે ૪ વાગે ઉઠે છે, અને અઠવાડિયામાં પાંચ દિવસ નિશાળે જાય છે, અને સાતે-સાત દિવસ રોજના ૫ કલાક પાણીમાં તરવાની તાલીમ લે છે, ૨ કલાક જેટલો સમય તાલીમ કેન્દ્રમાં આવવા-જવામાં રોડ ઉપર વીતતો હોય છે, અને બાકીનો જે પણ સમય બચે તે પિયાનો વગાડવામાં આપે છે. (અને પોતે એક મનુષ્ય પણ છે એવું લાગે એટલાં માટે તે સુવા માટે પણ થોડો સમય કાઢે છે.). છેલ્લાં પાંચ વર્ષમાં તે એક પણ દિવસ પોતાની તાલીમનો ચુક્યો નથી. એક પણ દિવસ. મને ખબર જ છે એવા કેટલાય દિવસ હશે જયારે બહાર અંધારું હોય ત્યારે તેને વહેલી સવારે ઊઠવાનું મન પણ નહિ થતું હોય, કેનેડાના કાતિલ ઠંડા શિયાળામાં ઠંડા પાણીના હોજમાં છલાંગ લગાવવાની તો વાત જ જવા દો (મને એવું કહેવામાં આવ્યું હતું કે તરણ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરતાં તરવૈયા માટે ઠંડા પાણીમાં તરવું એક જરૂરિયાત છે). જયારે આકાશ વાદળછાયું હોય ત્યારે કે પછી બહાર ભારે બરફવર્ષા થતી હોય ત્યારે તેને કદાચ પોતાની નરમ પથારીમાં સવાર-સવારમાં ટુટીયું વાળીને સુઈ રહેવાનું મન થતું જ હશે, પણ ના, તે પોતાની જાતને સંકેલીને પોતાની નરમ રજાઈમાંથી બહાર નીકળીને, પોતાનું ધ્યેય જે પરિપૂર્ણ કરવાં માટે જે જરૂરી હોય તે તેને રોજેરોજ કર્યું છે. જે ચેમ્પિયન હોય છે ને તેમાં આવા જ ગુણધર્મો રહેલા હોય છે.

ધ્યેયપૂર્ણ જીવન જીવવું એ શિસ્ત અને બલિદાન દ્વારા જે ટેવો આપણે કેળવીએ છીએ તેના ઉપર આધાર રાખે છે અને નહિ કે કોઈ આકસ્મિક શોધ પર. જો તમે થોડું જોવાની તસ્દી લેશો, તો તમને દેખાશે કે દુનિયાના સૌથી સુખી અને ખુશ લોકો મોટાભાગે ખુબ જ મહેનતુ હોય છે. હું એવું નથી કહેવાં માંગતો કે તેઓ રોજના ૧૮ કલાક કામ કરતાં રહે છે, પરંતુ જે કામ કરવાનું હોય તેમાં તેઓ કોઈ આળસ બતાવતાં હોતાં નથી.

મુલ્લા નસરુદ્દીનના શિક્ષકે તેને પૂછ્યું, “જે સાંભળી શકતું ન હોય તેને આપણે શું કહીએ છીએ?”
“તમારે તેને જે કહેવું હોય તે કહી શકો છો,” મુલ્લાએ કહ્યું. “એવું તો નથી કે તે સાંભળી જવાનો છે!”

તકો તમારો દરવાજો હંમેશાં ખટખટાવતી હોય છે, અને આ તકો તમને તમારું જીવન-ધ્યેય પણ આપતી હોય છે, જો તમે તેને સાંભળવાનું જ પસંદ ન કરો અને જ્યાં છો ત્યાં ના ત્યાં જ પડી રહો, કે પછી રાહ જ જોતા બેસી રહો, કે કશું મોટું, બીગ-બેંગ જેવું, કોઈ અવાસ્તવિક ઘટના ઘટશે અને બધું સારું થઇ જશે, તો તમે કાયમ નિરાશ જ થવાના.

જો તમારે તમારું આદર્શ જીવન જીવવું હોય, તો પ્રથમ તો તમારી ઉર્જા અને ઉત્સાહનો એક-એક અંશ તમારા વર્તમાનને આપો. વધુ વાર લગાડ્યા વિના જ તમને તમારા જીવનનો હેતુ શું છે તે મળી જશે અને પરિણામે તમારું જીવન એક ઊંડી પરિપૂર્ણતા તરફ લઇ જશે. જયારે તમે તમારું હૃદય, મગજ અને આત્મા તમે જે કોઈપણ કામ હાથમાં લો તેને આપો છો, ત્યારે તે તમને મુક્તિના માર્ગે લઇ જતું હોય છે. અને ફક્ત એક મુક્ત આત્મા જ જીવનપથ પર સહજતા અને ગરિમાથી ચાલી શકે છે, જેવી રીતે એક કુશળ તરવૈયો પાણીને કાપીને સરકતો રહે તેમ. અને એ દ્રશ્ય ખરેખર જોવા જેવું હોય છે.

તમારા જીવનને એક ભવ્ય મોટો પ્રસંગ બનાવવો હોય તો એ તમારા હાથની જ વાત છે; માટે હલાવો એ હાથ બરાબર.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email