એક ચુસ્ત ધાર્મિક માણસે ચાલીસ દિવસનાં સમયગાળામાં પોતાની એક સાધના સમાપ્ત કરી. પોતાની આ આધ્યાત્મિક પ્રવૃત્તિનાં અંતે, તેને કોઈને ભોજન આપવાનું હતું. તેને એક મંદિરના પુજારીને વાત કરી જોઈ, પરંતુ તે પુજારીએ બીજા કોઈને ત્યાં જવાનું વચન આપી દીધું હતું, માટે તેમને આ પ્રસ્તાવની ના પાડી. જેવો આ ધાર્મિક વ્યક્તિ પોતાના ઘરે પાછો વળી રહ્યો હતો કે રસ્તામાં તેને એક ભિખારી મળી ગયો. હું આ ભિખારીને જમાડી શકું, અંતે તો એક જ દિવ્ય શક્તિ દરેકની અંદર બિરાજમાન છે. વિચાર એવો હતો કે કોઈ જીવંત આત્માને જમાડવું એટલે સ્વયં ભગવાનને જમાડવા જેવું હતું અને પોતાના આવા મહાન કર્મથી તેને ઘણું પુણ્ય પ્રાપ્ત થઇ શકે. ભિખારીએ તો તરત જ આમંત્રણ સ્વીકારી લીધું.

પેલો ધાર્મિક વ્યક્તિ તો ભિખારીને પોતાના ઘરે લઇ ગયો અને ખુબ જ માનપાન સાથે તેનો આદર સત્કાર કર્યો. ભિખારી તો આવી લાગણી અને પૂજ્યભાવનું પ્રદર્શન જોઈને અવાક જ થઇ ગયો. આટલેથી અટકી ન ગયું; એક મોટો થાળ જેની અંદર વિવિધ વાનગીઓ જેવી કે દહીં, અથાણું, કેરી, શરબત, પાપડ અને ચટણી વિગેરેથી ભરેલો તેની સમસ્ત પ્રસ્તુત થયો. આ સિત્તેર વર્ષના જીવનમાં આજ સુધી કોઈએ તેને આવી રીતે માન-સન્માન આપ્યું નહોતું.

જેવો યજમાને ભિખારી આગળ ભોજનનો થાળ મુક્યો કે તેને તરત ઝાપટવા માંડ્યું. ખરેખર, ભોજન ખુબ જ સ્વાદિષ્ટ હતું, આજ સુધી તેને આવું ભોજન ચાખ્યું નહોતું. પેલો ધાર્મિક માણસ જો કે ત્યાં આગળ જ પોતાને માન્યામાં ન આવે એવી મૂંઝવણભરી લાગણી સાથે ઉભો રહ્યો. થોડી મિનીટો આમ જ વિતી ગયી હશે.

અચાનક તરત જ ભિખારીનું કાંડું પકડીને તેને ખાતાં અટકાવ્યો અને કહ્યું,
“શું કરી રહ્યો છે તું?”
“કેમ?” ભિખારીએ પૂછ્યું. “શું થયું?”
“શું થયું! શું થયું એમ તું પૂછે છે, કૃતઘ્ની લુચ્ચા! ખાતાં પહેલાં તારે પ્રાર્થના ન કરવી જોઈએ? આ પવિત્ર ભોજન કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની અને પાડ માનવાની ખબર નથી પડતી?
“પણ સાહેબ,” ભિખારીએ કહ્યું, “હું તો ભગવાનમાં માનતો જ નથી. હું તો કોઈને પણ પ્રાર્થના નથી કરતો.”

પેલો ધાર્મિક માણસ તો આશ્ચર્યચકિત થઇ ગયો. અને એ વિચારથી વિચલિત થઇ ગયો કે તેની સાધનાનું કોઈ ફળ નહિ મળે કેમ કે તેણે એક નાસ્તિકને ભોજન કરાવ્યું જે ફક્ત ભિખારી જ નહિ પરંતુ તેનામાં પ્રભુ-વિશ્વાસ જેવી પણ કોઈ ચીજ નહોતી. તેને આકાશ તરફ જોઈને પ્રાર્થના કરીને માફી માંગી: “મારી ખુબ મોટી ભૂલ થઇ ગઈ હે ભગવાન, મેં એવી વ્યક્તિને ભોજન આપ્યું જે તારા જ અસ્તિત્વને નકારે છે!”

“બહાર નીકળ મારા ઘરમાંથી!” તેને ચીસ પાડી, ભોજનની થાળી આંચકી લીધી અને ભિખારીનું અપમાન કર્યું. “જો આજુબાજુ પણ ક્યારેય દેખાયો તો તારા શરીરનું એક-એક હાડકું ખોખરું કરી નાંખીશ.”
“મને કશી પડી નથી તારા ભગવાનની,” ભિખારીએ કહ્યું. “કોઈ ઈશ્વર છે જ નહિ!”
“ભાગ અહીંથી નહીતર મારી નાંખીશ તને!”

ભિખારી તો બબડતો-બબડતો જતો રહ્યો, અને પેલા ધાર્મિક વ્યક્તિએ વધેલું ભોજન કચરા પેટીમાં નાંખી દીધું. તેણે મનમાં ને મનમાં પેલાં મંદિરના પુજારીને જ બોલાવવાનું નક્કી કર્યું પછી તે કાલે આવે કે પછી જે દિવસે તેમને અનુકુળ હોય ત્યારે આવે, અને બાકીની આખી સાંજ તેને પૂજાલયમાં ભગવાનની માફી માંગતા-માંગતા પસાર કરી.

પોતાની જાત ઉપર અને પેલા ભિખારી ઉપર ગુસ્સો અનુભવતા, તે રાત્રે સુઈ ગયો. સવારનાં પહોરે, ભગવાન તેના સ્વપ્નમાં આવ્યા. આ કૃપાથી તે એકદમ ગદ્ગદ થઇ ગયો, અને ભગવાનના પગે પડીને જોરથી તેને વળગી પડ્યો. “હે ભગવાન, મને તો લાગ્યું કે તમે મારાથી નારાજ થઇ ગયા,” પેલાં ધાર્મિક વ્યક્તિએ કહ્યું. “ભગવાન મેં તમારો પવિત્ર પ્રસાદ એક નાસ્તિકને આપ્યો જે તમને જ ગાળો આપતો હતો, તમારામાં જેનો કોઈ વિશ્વાસ નહોતો. એને બરાબરનો પાઠ ભણાવજો!”

“પુત્ર, તે આ શું કર્યું,” ભગવાન બોલ્યા. “મેં એ વ્યકિતને ૭૦ વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો મત બાંધ્યા વગર ખવડાવ્યું છે અને તું એને એક વખત પણ ન જમાડી શક્યો.”

કેટલી વાર તમે કોઈ બીજાને મદદ કર્યા પહેલાં તેમનાં વિશે મત બાંધી લેતાં હોવ છો? હું એ વાતનો અસ્વીકાર નથી કરતો કે આપણું મગજ મોટાભાગે ધારણાઓ મુજબ આજુબાજુના વાતાવરણનો અર્થ, એક નહીવત જેવા પ્રયત્નથી કાઢી લેતું હોય છે, જેથી કરીને તેને દરેક વસ્તુ મૂળથી સમજવી ન પડે. અને, તમને કોઈપણ પ્રકારનું કર્મ કે દાન કરતાં પહેલાં પરખવાનો (ને કદાચ મત બાંધવાનો પણ) અધિકાર છે. પરંતુ, આવું કરુણા માટે ન કહી શકાય કેમ કે કરુણા તો તમારા હૃદયના સાતમાં પડદેથી જન્મતી હોય છે અને એ લાગણી તમને તે મુજબનું કર્મ કરવાની પ્રેરણા આપતી હોય છે.

આજે, જો કે, હું કરુણા ઉપર વાત નથી કરવા માંગતો પરંતુ યજમાની કે ભલાઈ જેવા સામાન્ય ગુણ ઉપર વાત કરવા માંગું છું. આજનાં માન્યામાં ન આવે એટલાં ઝડપી જગતમાં શ્રદ્ધા તો ઉત્તર ધ્રુવમાં આવેલી હિમશીલાઓની જેમ પીગળીને અદ્રશ્ય થઇ રહી છે, એવામાં આ જગતને જો વધુ ધૈર્યવાન, સહનશીલ અને ભલું સ્થળ બનાવવું હશે તો આપણામાંના સૌ કોઈએ પોતપોતાનાં કર્મ થકી થોડો ફાળો આપવો પડશે. તમારી આજુબાજુ નજર કરો ને તમને જણાશે કે મોટાભાગના લોકો ઉતાવળમાં જ નહિ પરંતુ વધુને વધુ વ્યાકુળ પણ રહેતાં હોય છે. એરપોર્ટ પર, રાત્રીના જમવાના સમયે, રસ્તા ઉપર જાણે એવું લાગે છે આપણી અંદર બીજા વ્યક્તિને માટે કોઈ ધીરજ કે સમય જ નથી. આપણે આપણા ગેજેટ્સ (ફોન, ટેબ્લેટ, કે પછી અન્ય કોઈ ઇલેક્ટ્રિક ડીવાઈસ) ઉપર કલાકોના કલાકો અર્થહીન વસ્તુઓ કરતાં રહીને બરબાદ કરતાં રહીએ છીએ પણ બીજા કોઈને આપણી જરૂર હોય તો તેના માટે આપણી પાસે એક મિનીટ પણ હોતી નથી.

ભારતમાં એક સમય એવો હતો કે લોકો પોતાનાં ઘરના દરવાજા આગળ લખતા: “અતિથી દેવો ભવ” – મહેમાન એ ભગવાનનું  સ્વરૂપ છે. ધીમેધીમે, જેમ લોકો બીજા કરતાં પોતાના ઉપર વધુ ધ્યાન આપવાં લાગ્યા ત્યારે, આ સંસ્કૃતિ બદલાતી ગઈ, અને વધુને વધુ ઘરોમાં હવે અતિથી દેવો ભવ કોઈ નથી લખતું. એનાં બદલે તેઓ “નમસ્તે” લખતા થઇ ગયાં. આ નમસ્તેમાં જાણે કે એવું ન સૂચવતા હોય કે તમે અને હું બંને એક જ આત્માના સ્તરે છીએ. તમે (એક મહેમાન તરીકે) કદાચ ભગવાન ન હોઈ શકો, પણ ઓછાનામે તમે મારા જેવા તો છો જ, માટે તમે મારા સન્માનને લાયક છો. વધુ સમય પસાર થતો ગયો, અને પાશ્ચાત્ય સંસ્કૃતિની ઝગમગાતી ભૌતિક પ્રગતિને લીધે લોકોએ “વેલકમ” શબ્દ લખતા થઇ ગયા. તમે અને હું હવે એકસમાન નથી અને તમારી જાતને ભગવાન માનવાની હિંમત પણ નહિ કરતા, પરંતુ તેમ છતાં તમારું મારા ઘરમાં સ્વાગત છે, જે ઘર મેં મારો પરસેવો અને લોહી રેડીને બનાવ્યું છે. આવો અને જુઓ કે હું કેટલો સફળ માણસ છું.

થોડો વધુ વખત પસાર થઇ ગયો અને લોકો પોતાના જીવનમાં વધુ ઓતપ્રોત થઇ ગયા, એક ખોટી માન્યતા પણ તેમનામાં ઘર કરી ગઈ કે સુખ તો ફક્ત વ્યક્તિગત બાબત છે કે પછી આજુબાજુ અને દુનિયામાં ગમે તેટલી વિષમતા કેમ ન હોય, હું તેમ છતાંય સુખી કે ખુશ રહી શકું છું. વેલકમની સંજ્ઞા હવે દીવાલ પર ચોખ્ખી દેખાય તેમ રહી નહોતી. એનાં બદલામાં, તે હવે એક પગલુછણીયાંમાં કોતરાઈ ગઈ હતી. જાણે કે તે એવું ન કહેતી હોય, કે હવે તમે અહી સુધી આવી જ ગયા છો, તો અંદર પણ આવી જાવ, હું જોઉં છું કે હું તમારા માટે કેવું અનુભવું છું અને એ ભાવ પરથી મારાથી તમારા માટે શું થઇ શકે તેમ છે. આવું થોડાં સમય સુધી ચાલ્યાં કર્યું.

હવે, દ્રશ્ય થોડું વધુ બદલાઈ ગયું. ભાગ્યેજ હવે વેલકમ તમને ઘરની બહારની દીવાલ ઉપર કે પગલુછણીયાંમાં દેખાતું. અતિથી દેવો ભવ કે નમસ્તેની તો વાત જ જવા દઈએ. આજે, આપણે મોટા જાડા અક્ષરોમાં લખેલું પાટિયું દરવાજા આગળ ટાંગી દઈએ છીએ કે: કુતરાથી સાવધાન.

શ્રેષ્ઠ બાબત છે કરુણામય બનવું. જો તે અઘરું હોય, તો સમાનુભુતી દાખવો. જો તે પણ અઘરું લાગતું હોય તો, બીજા પ્રત્યે સંવેદનશીલતા રાખો (તે સજગતા રાખવીને થઇ શકે તેમ છે). અને આમાંનું જો એકેય કરવું શક્ય ન હોય તો, નમ્ર બની રહો. અને જો તેમાં પણ નિષ્ફળ થવાતું હોય, તો વિવેકી બની રહો. એ ય ખુબ મુશ્કેલીભર્યું લાગે છે? તો ઓછાનામે આતિથ્યભાવ રાખો. સારું, અતિથી દેવો ભવ જેટલું નહિ તો આશા રાખું કે કુતરા-થી-સાવધાન જેવું પણ નહિ. કોઈપણ કિંમતે ઘરના-માલિક-થી-સાવધાન વધારે યોગ્ય છે, એવું મને લાગે છે.

મુલ્લા નસરુદ્દીનના ભાવિ લગ્નસંબધ માટેની ગોઠવણ થઇ હતી. પ્રથમ મુલાકાત નક્કી કરવામાં આવી હતી, અને મુલ્લો તો પોતાની થનાર બેગમને જોવા માટે અખાડામાં ઉભેલા સાંઢની જેમ ઉતાવળો થયો હતો,. એકદમ સરસ કપડા પહેરીને, તે હાથમાં બે ફાનસ લઇને ઘરની બહાર નીકળ્યો.

“આ હાથમાં બે ફાનસ લઈને ક્યાં જાય છે?” તેના અબ્બાએ પૂછ્યું.
“કેમ, હું મારી થનાર બેગમને જોવા માટે જઉં છુ.
“બેટા,” પોતાની દાઢીમાં હાથ ફેરવતાં તેના અબ્બા બોલ્યાં, “હું જયારે તારા જેવડો હતો, ત્યારે હું પ્રેમમાં એટલો બહાદુર હતો કે રાતે જંગલમાં દોટ મૂકી હતી અને કાળી રાત્રીમાં પણ હું તારી માંને મળ્યો હતો.”
“એટલે જ કોઈ નવાઈ નથી, અબ્બા,” મુલ્લાએ કહ્યું, “અને જુઓ તમને શું મળ્યું!”

જો તમે તમારું જીવન અંધકારમાં ચાલવાનું પસંદ કરો, તો તમારી આજુબાજુ જેટલી પણ ભવ્યતા રહેલી છે તેને જોવાનું તમે ચુકી જવાના. અને કોઈક વખત, જયારે જીવન તમને અંધકારભર્યા માર્ગે ચાલવાની ફરજ પાડે ત્યારે, ઊંચું જોવાનું રખે ચૂકતાં, કારણકે ઉપર કરોડો તારલાઓ બેસુમાર ભવ્યતા સાથે ધીમેધીમે ટમટમી રહેલા હોય છે. તમે તમારા અસ્તિત્વની સુંદરતાને કે પછી તમારા હૃદયના ઊંડાણને ત્યાં સુધી નહિ પામી શકો જ્યાં સુધી તમે નવી રીતે વિચારતાં નહિ શીખો. ચેતનાનાં વણખેડાયેલાં આકાશમાં એક એવી ઉચ્ચ જાગૃતતા સાથે ઉડવું હોય તો, તમારે દુનિયા તરફ એક જુદો દ્રષ્ટિકોણ કેળવવો જ પડશે. અને અંતે તો એનું નામ જ આધ્યાત્મિક સિદ્ધિ: એક એવો દ્રષ્ટિકોણ કેળવવો જેથી કરીને તમે આ જ દુનિયામાં રહીને તેનું જુદું અર્થઘટન કરી શકો. અને તેની શરૂઆત પોતાની જાતનું તેમજ બીજાનું સન્માન કરીને, એક પ્રેમાળ ભલાઈ સાથે અને નમ્રતા રાખીને જીવન જીવવાથી થતી હોય છે.

કુતરા-થી-સાવધાન નહિ. જો કશી સાવધાની રાખવાની જ હોય તો તમારા વિચારોથી સાવધાની રાખો.

સારા બનો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email