“તકે કોઈ દિવસ મારો દરવાજો ખટખટાવ્યો નથી, સ્વામી,” એક ઉદ્યોગપતિએ મને એક દિવસે પૂછ્યું.

મેં ક્યાંક વાંચ્યું હતું,” મેં જવાબ આપતાં કહ્યું, “કે જો તક તમારો દરવાજો ન ખટખટાવે, તો એક બીજો નવો દરવાજો બનાવો.”

“વારુ, એ પણ મારા કિસ્સામાં નથી બન્યું. ખરેખર, જે કઈ પણ તક છૂપોવેશ લઇને આવે તેને મારો દરવાજો જ ઉડાડી દીધો છે અને મને પણ જમીનદોસ્ત કરી દીધો છે.”

હું એવા અનેક હોશિયાર લોકોને મળતો હોવ છું કે જેઓ પોતાના જીવનમાં ઘણું બધું કરી શકવા માટે સક્ષમ હોય છે. પરંતુ, તેઓને લાગતું હોય છે કે તેઓ ક્યાંક ફસાઈ ગયા છે. જીવન તેમના પ્રત્યે ન્યાયી નથી રહ્યું કે પછી તેઓ કોઈ ખરી તકની રાહ જોતા બેઠા છે, એવું તેઓ મને કહેતા હોય છે.

આવી વાતો મને ઘણી વાર, મારા પ્રોફેસર શર્મા (મારાં અંગ્રેજીના શિક્ષક), ની યાદ અપાવે છે, કે જેઓ હમેશાં કહેતાં કે જે સારા લોકો છે તે કોઈ તકોની રાહ જોઈને બેસી નથી રહેતાં, તેઓ તકનું સર્જન કરતાં રહે છે. “તમે તમારી ઉંમરનાં કોઈપણ સ્તરે કેમ ન હોવ, જો તમારે તક જોઈતી હોય, તો તમે ચોક્કસ તેનું સર્જન કરી જ શકો,” તેઓ દાવા સાથે કહેતા અને પછી મને આ વાર્તા પણ કહેલી.

એક વ્યક્તિએ કાંસકાનું ઉત્પાદન અને વેંચાણ કરીને પોતાનું નસીબ ચમકાવ્યું હતું. જયારે એ પોતે મોટો થઇ રહ્યો હતો ત્યારે કાંસકા છે તે લાકડા અને હાથીદાંતથી બનાવવામાં આવતાં હતાં અને તેનું મોટાપાયે ઉત્પાદન કરવું શક્ય નહોતું. તે વ્યક્તિ એટલું સમજી ગયો હતો કે પ્લાસ્ટિકનાં કાંસકા બહુ જ નજીવા ખર્ચે બનાવી શકાય અને એટલું જ નહિ તે વધારે ટકાઉ પણ હશે. જેમ-જેમ તેની ઉંમર થવા લાગી, તેને નક્કી કર્યું કે પોતાનો ધંધો પોતાના સૌથી કાબેલિયત ધરાવતાં સંતાનને સોંપશે. અને માટે, તેને તેના બધાં સંતાનો – બે દીકરાઓ અને એક દીકરીને બોલાવ્યા – અને તેઓને એક કામ સોંપ્યું.

“બોધ ગયામાં એક બૌદ્ધ મઠ આવેલો છે,” તેણે કહ્યું. “તેમાં હજારો સંન્યાસીઓ રહે છે. મને તે મઠમાંથી એક મોટો ઓર્ડર લઈ આપો.”

“પરંતુ, પિતાજી!” મોટા પુત્રે કઠોરતાથી પ્રત્યુત્તર આપતાં કહ્યું, “સંન્યાસીઓને તો માથે મુંડન કરેલું હોય છે. તેમના માટે કાંસકો શું કામનો?”
“એ તારે શોધી કાઢવાનું,” પિતાએ કહ્યું, અને તે બધાંને ૧૫ દિવસનો સમય આપ્યો. “તમારામાંથી જે કોઈ પણ મને સૌથી મોટો ઓર્ડર લાવી આપશે તેને મારી કંપનીમાં સૌથી ઉચ્ચો હોદ્દો મળશે.”
બે અઠવાડિયા પછી, તેઓ પોતાની પ્રગતિ વિશે વાત કરવાં માટે ભેગા થયા.

“મેં તમને કહ્યું હતું,” મોટા પુત્રે કહ્યું, “આમાં ફક્ત સમય જ બગાડવાની વાત છે. મેં તેમને કાંસકા ખરીદવા માટે કહ્યું તે બદલ તેઓએ મારી મજાક ઉડાવી. મેં એક વરિષ્ટ સંન્યાસીને કાંસકો ભેટ આપ્યો તો તેનાંથી તે પોતાની પીઠ ખંજવાળવા લાગ્યો. મને તો મારા ઉપર જ ખુબ શરમ આવી!”

“એટલું પણ કઈ ખરાબ નહોતું,” બીજા પુત્રે કહ્યું, “મેં તો ગમેતેમ કરીને બસો કાંસકાઓ તો વેંચ્યા. મેં તેમને કહ્યું કે તેઓ મઠની એક એક કુટીરમાં એક કાંસકો મુલાકાતીઓ માટે રાખી શકે છે. ઘણાં બધાં લોકો ખુબ દુરદુરથી આવતાં હોય છે અને તેમના વાળ ઘણી બધી વાર મુસાફરીથી વિખેરાઈ ગયેલાં હોય છે.”

“મેં ૨૦૦૦ કાંસકાં વેચ્યા, પિતાજી,” પુત્રીએ કહ્યું. “અને હવે પેલા વરિષ્ઠ સંન્યાસી કે જેઓ કાંસકો પોતાની પીઠ ખંજવાળવા માટે ઉપયોગ કરતાં હતાં એ સાંભળીને મને લાગે છે એક નવી પ્રોડક્ટ બનાવવા માટેની પણ અહી એક તક રહેલી છે.”

“૨૦૦૦! કેવી રીતે?” તેઓએ એકીસાથે પૂછ્યું?

“વર્ષે ૫૦,૦૦૦થી પણ વધુ યાત્રાળુઓ આ મઠની મુલાકાતે આવતાં હોય છે!”
“તો?”
“મેં તેમને કહ્યું કે તેઓ કાંસકાની વચ્ચે બુદ્ધનું ચિત્ર ઉપસાવીને રાખી શકે છે અને એક બાજુ ચાર ઉમદા સત્યો  અને બીજી બાજુ આઠ નૈતિક નિર્દેશો લખાવી શકે છે. અને તેઓ આ કાંસકો દરેક મુલાકાતીઓને આપી શકે છે કે જે તેમને આ ઉપદેશની રોજબરોજના ધોરણે યાદ અપાવી શકે.”
“અવિશ્વસનીય!” તેના પિતાએ ખુશ થતાં કહ્યું.
“વધુમાં, મને એક શ્રીમંત વેપારી મળી ગયાં કે જે વાર્ષિક ૫૦,૦૦૦ કાંસકા પોતાની કંપનીના લોગો સાથે આ મઠને દાન કરશે. જેથી કરીને લોકો ભલાઈ અને નૈતિકતાને તેની કંપની સાથે સંકળાયેલી જોશે.”
“અને મઠના મુખિયાએ આ વાતને મંજુરી આપી?”
“હકીકતમાં,” પુત્રીએ ઉત્સાહ સાથે જવાબ આપતાં કહ્યું, “મુખીયાએ તો એવું કહ્યું કે આ વેપારી પોતાના આ ભલાઈના આધ્યાત્મિક કર્મથી પુણ્ય કમાશે.”

જે લોકો તકોનું જાતે નિર્માણ કરે છે તેઓ દરેક વસ્તુને જુદી રીતે લેતાં હોય છે. ખરેખર, આ એટલી સરળ વાત છે.

જો તમે એવું કહો, કે હું આ ન કરી શકું, તો તમે પહેલીથી જ સાચા છો. પણ, જો તમે એવું પૂછો, કે હું આ કેવી રીતે કરી શકું, તો ઓછાનામે તમારું મગજ નકારાત્મકતામાંથી એક વૈચારિક અવસ્થામાં આવશે. અને, જયારે માનવ મગજ એક વિચારતંતુને પકડીને ચાલવા માંડે ત્યારે ત્યાં દરેક બાબત શક્ય બની જતી હોય છે. આપણી ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ, વૈજ્ઞાનિક શોધો અને ઊંડી ફિલસુફીભર્યા સત્યો આ બાબતની નિ:શંક સાક્ષી પૂરે છે. અમુક રીતે જોવા જઈએ તો જે લોકો જીવનમાં સફળ થતાં હોય છે તે સામાન્ય રીતે ડાહ્યાં નથી હોતાં. હું આ હકારાત્મકતાથી કહું છે. તે લોકોમાં ચાર જાતનું ગાંડપણ રહેલું હોય છે, જેને તેઓ જીવતાં અને શ્વસતાં હોય છે. હું તેને એક EPIC મોડેલ કહું છું.

ગાંડો ઉત્સાહ  (Insanely Enthusiastic)

ઉત્સાહ માટેનો અંગ્રેજી શબ્દ enthusiasm ગ્રીક શબ્દ enthousiasmos ઉપરથી બનેલો છે, જેનો અર્થ થાય છે પ્રેરણા કે ભગવાન દ્વારા સંચાલિત. પ્રથમ ઘણી બધી સદીઓ સુધી આ શબ્દ ફક્ત લોકોનાં ધાર્મિક આવેશ માટે કે પછી જેની અંદર કોઈ દિવ્ય આત્મા સંચાલિત થયો હોય એનાં માટે થતો હતો. જોકે, આજે આપણે enthusiasm શબ્દનો અર્થ ઝનુન કે પછી કોઈ બાબત પ્રત્યે આપણી આતુરતા બતાવવા માટે કરીએ છીએ, છતાં મારો સંદર્ભ અહી એક વિશાળ અર્થ બતાવવા પ્રત્યે છે જે છે પ્રેમ. જયારે તમે કશા પ્રત્યે ઉત્સાહિત હોવ છો ત્યારે તમે ફક્ત તેના માટે આતુર જ નથી હોતાં. તમે તેના પ્રેમમાં પણ હોવ છો. તમે જોશો કે તમે તે બાબત વિશે જ હમેશાં વિચારતાં હોવ છો, વાતો કરતાં હોવ છો, તેના વિશે જ સ્વપ્નાઓ જોતાં હોવ છો કે ચિંતન કરતાં હોવ છો.

હવે પછી, જયારે કોઈ પણ સફળ વ્યક્તિને તેના પોતાનાં પ્રયોજન, ઉત્પાદન કે પોતાની કોઈ દરખાસ્ત વિશે વાત કરતાં સાંભળો, ત્યારે ખુબ ધ્યાનપૂર્વક તેનું અવલોકન કરશો તો તમને જણાશે કે વાત કરતાં તેમની આંખો ચમકી ઉઠશે, તેમનું સ્મિત એકદમ પહોળું થઇ જશે, તેમની બોડી લેન્ગવેજ બદલાઈ જશે અને તેમનું સમગ્ર વ્યક્તિત્વ હકારાત્મકતા અને પ્રેરણાથી ભરાઈ જશે. જો કશાને માટે તમારી પાસે આવો ગાંડો ઉત્સાહ હોય તો તમારી જાતને ખુબ જ નસીબદાર સમજજો;  કારણકે અડધું કામ તો ત્યાં જ થઇ ગયું હશે. તમારે ફક્ત હવે બીજા મહત્વના ગુણ ઉપર જ ધ્યાન આપવાનું છે.

ગાંડું સાતત્ય (Insanely Persistent)

તેઓ અધવચ્ચે છોડી નથી દેતાં. હાં, બીજાની જેમ, તેઓ પણ હતાશ થઇ જતાં હોય છે અને તેમને પણ ક્યારેક સુકા ભેગું લીલું બાળી નાંખવાનું મન થઇ જતું હોય છે; પરંતુ તેઓ આવી રીતે વર્તતા નથી હોતા. હું હજી સુધી એકપણ એવી વ્યક્તિને મળ્યો નથી કે જે અધવચ્ચે છોડી દઈને પણ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી શક્યાં હોય.

વધુમાં, ખંતનો અર્થ ફક્ત ગમે તે થાય ત્યારે અધવચ્ચે છોડી ન દેવું એટલો જ નથી. તેના માટે બીજા પણ વધુ યોગ્ય શબ્દો છે જેવા કે જીદ્દીપણું કે હઠીલાપણુ. ખંત એ છે કે જેમાં તમે કશાકને માટે સતત કાર્ય કરતાં રહો અને તે પણ એક ખુલ્લા મન સાથે, અને જોડે-જોડે પોતાની અંદર સુધારો વધારો કરતાં રહીને પ્રગતિ કરતાં રહો છો, અને આમ તમારી સફળતા માટેની સંભાવનાને પણ સતત વધારતા જાવ છો. જે સફળ લોકો છે તેઓને પોતાનો અભિપ્રાય બદલવામાં કોઈ ડર નથી લાગતો હોતો. કોઈ બાબતને એટલાં માટે ફક્ત વળગી રહેવું કેમ કે એવું તમે બોલેલા હતાં, અરે હવે તમે એનાંથી કઈ વધારે સારું જાણો છો તેમ છતાં પણ બસ જૂની વાતને જ વળગી રહેવું એ કોઈ ડહાપણ નથી. બીજા શબ્દોમાં કહેવું હોય તો સફળ માણસો સતત નવું શિખતા રહે છે અને પોતાનામાં સુધારો કરતા રહે છે.

ગાંડી આત્મનિર્ભરતા (Insanely Independent)

જો કે એ સાચું છે કે તમે તમારી સેના જેટલાં જ શકિતશાળી હોવ છો,  છતાં મેં એ અસંખ્ય વખત જોયું છે કે જે લોકો કોઈ પણ ક્ષેત્રમાં અગ્રેસર હોય છે પછી તે ખાનગી ક્ષેત્રમાં હોય કે રમત-ગમતમાં કે પછી કલા ક્ષેત્રમાં તેઓની અંદર એક જબરું વિચાર સ્વાતંત્ર્ય હોય છે. તેઓએ બીજા લોકોની સલાહ, મત અને પોતાના ધ્યેય તેમજ દુરંદેશીતા વચ્ચે સંતુલન જાળવવાની કલાને હસ્તગત કરી લીધી હોય છે. તેઓ દરેક નાની-નાની બાબતો માટે બીજાની મંજુરી લેવા માટે દોડતાં હોતાં નથી, અને તેઓને બધું તૈયાર કરીને આપી દેવાની પણ જરૂર નથી પડતી હોતી. જે સફળ નેતાઓ છે, તેમને સલામતીનાં ક્ષેત્રમાંથી બહાર કદમ કાઢીને પોતાના ધ્યેય પાછળ પૂરી ક્ષમતા સાથે ઝંપલાવવામાં કોઈ ડર નથી લાગતો. તેમને ખોટા પડવાનો અને તેને સ્વીકારવામાં કોઈ ડર લાગતો નથી હોતો. ઉલટાનું વિરોધાભાસ લાગી શકે એવું છે, પરંતુ જે લોકો આત્મનિર્ભર છે તેઓ ટુકડીનાં એક સારામાં સારા ખેલાડી પણ બની રહે છે અને એક પ્રેરણાદાયી નેતૃત્વ પણ સંભાળી શકે છે.

એક ગાંડી સ્પષ્ટતા (Insanely Clear)

તદુપરાંત, તેઓ એ બાબતમાં ખુબ જ સ્પષ્ટ હોય છે પોતાને શું જોઈએ છે. કારણકે તેઓને બદલાવમાં (કે પોતાના અભિપ્રાયોને બદલવામાં) કોઈ ડર નથી. તેઓ પોતાના મનમાં એક ગાંડી સ્પષ્ટતા રાખતાં હોય છે. એક અસમંજસમાં અટવાયેલી વ્યક્તિ માટે સફળતાનો માર્ગ ખુબ લાંબો રહેતો હોય છે (પછી તે સફળતા ભૌતિક હોય કે આધ્યાત્મિક). જયારે તમે પોતે સ્પષ્ટ હોવ છો, ત્યારે પણ તમને કદાચ નિષ્ફળતા મળી શકે, પરંતુ તમારી બીજી ખાસિયતો તમને બીજી વખતે વધુ સારા નિર્ણયો લેવા માટે મદદરૂપ થતી જ હોય છે, અને તે વખતે તમારી સફળતાની સંભાવના પણ વધી જતી હોય છે. હકીકતમાં, વિચારોની સ્પષ્ટતા એક સફળ અને ખુશ લોકોની સૌથી મોટી ખાસિયત છે. જે પ્રખર વિદ્વાન છે તેઓમાં આ વસ્તુ ભારોભાર ભરલી હોય છે.

અને આ રીતે જે હોશિયાર લોકો છે તે પોતાના જીવનમાં તકોનું નિર્માણ કરતાં હોય છે.

જે લોકો જોખમ લેતા ડરે છે, જીવનને થોડી વધુ પડતી સલામતીમાં (Safe) જીવતાં હોય, એવાં જીવનમાં કોઈ તાજગી કે મૌલિકતા નથી હોતી અને માટે તે એક વાસી કે કોહવાટ વાળું (Trite) જીવન થઇ જતું હોય છે. અને આ S અને T મારા ઉપર કહ્યાં મુજબના epic મોડલમાં ઉમેરશો તો તે તેને એક પ્રતિકુળ મોડલ બનાવી દેશે. કેવી રીતે? વારુ, જે epic (ઐતિહાસિક) છે તે હવે septic (વાસી અને કોહવાઈ ગયેલું) બની જશે.

એક ભરવાડ મુલ્લા નસરુદ્દીનને એક અસામાન્ય પ્રશ્ન લઇને મળે છે અને કહે છે કે તેના એક ઘેટાનું માથું એક નાના ઘડામાં ફસાઈ ગયું છે. પોતે તેનું માથું કાઢવાના બનતાં પ્રયાસો કરી જોયા, પણ એ મૂંગું પ્રાણી એટલું બધું ડરી ગયું છે, કે એનાં ફેફસા બહાર આવી જાય એટલી ચીસો નાંખે છે.

“હં…” મુલ્લાએ પોતાની દાઢીમાં હાથ ફેરવતા કહ્યું, “આ મુશ્કેલીનો ફક્ત એક જ ઉપાય છે.”
“અને તે કયો છે?” ભરવાડે આતુરતાથી પૂછ્યું.
“તારા ઘેટાનું માથું કાપી નાંખ.”
“મુલ્લા, કોઈ બીજો રસ્તો પણ હોવો જ જોઈએ! મારા જીવનનિર્વાહ માટે મારે એ ઘેટું જોઈએ.”
“માફ કરજે, પણ બીજો કોઈ રસ્તો નથી. જો તું એનું માથું કાપી નાંખીશ, તો તે પેલા વાસણમાં પડશે અને પછી તું એને આસાનીથી બહાર કાઢી લઇ શકીશ.”
જંખવાતા મને પેલો વ્યક્તિ એ ઘેટાને મારી નાંખવા માટે સહમત થયો અને બિલકુલ જેવું મુલ્લાએ કહ્યું હતું તેવી જ રીતે માથું છે તે પેલા ઘડામાં પડ્યું.
“પણ, મુલ્લા,” ભરવાડે કહ્યું, “આ માથું તો હજી મારાથી બહાર નથી નીકળતું.”
“હું સમજુ છું,” મુલ્લાએ શાંતિથી જવાબ આપ્યો. “શેનો ઘડો છે તે?”
“માટીનો.”
“તને કહું, એ ઘડો ફોડી નાંખ અને માથું બહાર કાઢી લે.”

કોઈક વખત, જયારે તમારું માથું કોઈ પ્રશ્નમાં અટવાઈ જાય, તો ઘડાને ફોડવો એ બીજા કોઈ હિંસક વિકલ્પો કરતાં વધુ ડહાપણભર્યું છે. અને, જો કોઈ બીજું તમને તમારા પ્રશ્નનો ઉકેલ તેને પ્રથમ બરાબર સરખી રીતે સમજ્યા (કે તેની કદર કર્યા) વગર આપે, તો તે મોટાભાગે ખોટી સલાહ જ હશે.

ભૂલોથી ડરશો નહિ કારણકે સાચું જ્ઞાન મોટાભાગે આપણા ખોટા નિર્ણયોમાંથી જે શીખ મળે છે તેમાંથી જ આવતું હોય છે. જો તમારે એક સુંદર પ્રભાતનાં દર્શન સાથે ઉઠવું હોય, તો તમારે એક અંધકારભરી રાત્રી તો પસાર કરતાં બેસવું જ પડશે. તમારા ગાંડપણને સ્વીકારો અને માણો, કારણકે કોઈ વખત આ એક જ લાગણી આપણે ડાહી બનાવતી હોય છે અને કપરા સમયમાં જીવન જીવવાની હિંમત પણ આપતી હોય છે.

બહાદુર બનો. Epic બનો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email