એક નાનકડી છોકરી હતી જે પોતાનાં દાદા કે જે એક દરજી હતાં તેમને કાયમ જોઈ રહેતી હતી. દરવખતે તે દાદા કાતર વાપર્યા પછી પોતાના પગ નીચે મુકતા અને પોતાનાં અંગુઠાથી દબાવી રાખતાં. અને જયારે જયારે પણ તેઓ પોતાની સોય ઉપયોગ કરે તો તેનો ઉપયોગ કર્યા બાદ પાછી તેને પોતાની ટોપીમાં ખોસી દેતાં. સોય અને કાતર આ બે જ દરજીકામ માટેના તેમનાં સાધનો હતાં. પેલી નાની છોકરી આ એકદમ ચીવટપૂર્વકના વર્તનને નવાઈભરી નજરે જોઈ રહી હતી.

“દાદા એવું કેમ,” તેને પોતાના નાના-નાજુક હાથ દાદાના ગળે વીંટાળીને દાદાનું કામ અટકાવતાં પૂછ્યું, “દર વખતે બિચારી કાતરને પગ નીચે દબાવું પડે છે પરંતુ સોયને માથા ઉપર ચડાવવામાં આવે છે?”

વૃદ્ધ દાદાજી હસ્યાં, અને બોલ્યાં, “મારી ભોળી રાજકુમારી, સોય એ સન્માનને લાયક છે જયારે મારી કાતરને દરેક ઉપયોગ પછી સજાની જરૂર પડે છે.”
“પણ એવું કેમ?” તેને એ નામંજૂર હોય એમ જાણે પૂછ્યું, થોડો અમથો ગુસ્સો કરીને.
“આવું કરવાનો શો અર્થ!”
“જો બેટા,” દાદાએ દીકરીના માથે હાથ ફેરવતાં કહ્યું, “કાતર કાપવાનું કામ કરે છે, જયારે સોય છે તે જોડવાનું કામ કરે છે. જે જોડવાનું કામ કરે છે તે હંમેશાં જે તોડવાનું કામ કરે છે તેના કરતાં વધારે શક્તિશાળી હોય છે.”

આ વાર્તા મને એક અંગુલીમાળની દંતકથાની યાદ અપાવે છે, જે એક લુટારો હતો અને તે વટેમાર્ગુઓને માર મારીને લુટી લેતો અને પછી તેમની આંગળીઓ કાપીને તેનો હાર બનાવતો હતો.

જયારે તેનો ભેટો બુદ્ધ સાથે થાય છે, ત્યારે તે અવાક બની જાય છે કારણકે બુદ્ધે તો ભયની કોઈ નિશાની બતાવી નહિ. અંગુલીમાળે તો જ્ઞાની પુરુષને ડરાવતા કહ્યું કે તેનાથી આ વિસ્તારમાં સૌ કોઈ ડરે છે અને પોતે તો એક સૌથી શક્તિશાળી વ્યક્તિ છે.

બુદ્ધે તેની શક્તિને ચુનોતી આપતાં હોય તેમ તેની પરીક્ષા કરવાં માટે બાજુના વૃક્ષ પરથી પાંદડા તોડી લાવવા માટે કહ્યું, જે લઇ આવવામાં તેને કોઈ બહુ મોટા પ્રયત્નની જરૂર પડી નહિ.

“હવે, જા પાછો જઈને આ પાંદડા પાછા તેની ડાળીએ ચોટાડી આવ!”
બુદ્ધે સુચના આપી.
“આ શું કોઈ મજાક છે?” અંગુલીમાળે ત્રાડ પાડતાં કહ્યું. “હું કોઈ તોડેલા પાંદડાઓને પાછા તે ઝાડ પર ચોટાડી ન શકું. કોઈ ન ચોટાડી શકે!”
“વારુ, જો તે પોતે જે તોડ્યું હોય તેને તું પોતે જ જો જોડી ન શકતો હોય તો, સ્પષ્ટ છે કે તું સૌથી શક્તિશાળી નથી.”
“શું તમે એવું કરી શકો છો?”
“પ્રથમ તો હું ક્યારેય કશું તોડતો નથી, અંગુલીમાળ,”
બુદ્ધે પોતાના શાંત સ્વભાવ મુજબ જવાબ આપ્યો. “જેને સર્જન કર્યું છે તે હંમેશાં તેને તોડવા વાળા કરતાં વધુ શક્તિમાન હોય છે.”

જે નબળા અને અસલામતીનો અનુભવ કરવાં વાળા હોય છે તેઓ હમેશા બીજાનામાં ભય પેદા કરવાની કોશિશ કરતાં હોય છે પરંતુ જે બળવાન અને જાગૃત હોય છે તે હંમેશાં પ્રેમ પેદા કરવાની કોશિશ કરે છે. કશું તોડી નાંખવું, છોડી દેવું, પડતું મુકવું એ બધું તો એકદમ સહેલું છે કેમ કે તેમાં તો કોઈ તાકાતની જરૂર પડતી હોતી નથી. પરંતુ એનાંથી ઉલટું કરવાનું હોય તો તેમાં જરૂર તમારી નિશ્ચયશક્તિ અને ધીરજની તાકાત પરખાતી હોય છે.

જયારે તમે નિરાશ હોવ, તણાવગ્રસ્ત હોવ, કે પછી હતાશ હોવ, જયારે જીવન એક મોટા રાક્ષસી ડ્રેગન જેવું લાગે ત્યારે પણ આશા ન છોડો, ધીમે ધીમે પણ આગળની તરફ વધતાં રહો. કેમ કે, તેનું એક સરળ કારણ છે: આ પણ પસાર થઇ જશે. અને રિસાઈ જવાથી કે તમારી ચુનોતીઓ અને પૂર્વગ્રહોથી દુઃખી થઇ જવાથી એ સમય પસાર નથી થઇ જવાનો, પરંતુ જુદું વિચારવાથી કે જુદું કાર્ય કરવાથી, કઈક નવા બનવાથી એ સમય પસાર થશે. જુનું મન જૂની વૃત્તિઓથી જ જો ઘેરાયેલું રહેશે તો તેમાં નવું સર્જન કરવાં માટે કશું ખુલશે જ નહિ.

તમે ક્યારેય એની નોંધ લીધી છે કે જયારે વીજળી ગુલ થઇ જાય કે પછી તમે પ્રકાશિત ઓરડામાંથી એક અંધારા ઓરડામાં પ્રવેશો તો, પહેલાં તો તમને ત્યાં કશું દેખાતું હોતું નથી? અને જયારે તમે થોડી વાર માટે ત્યાં જ તમારી આંખોને ખુલ્લી રાખીને ઉભા રહો ત્યારે તમારી આંખોના ડોળા થોડાં મોટા થાય છે, જેથી કરીને વધુ પ્રકાશ તેમાં જઈ શકે, અને પછી ધીમેધીમે તમને ત્યાં રહેલી વસ્તુઓ દેખાવા લાગે છે. જીવનનું પણ એવું જ છે, જયારે તમે અંધકારથી ઘેરાયેલાં હોવ ત્યારે એ સમયે તમારી પાસે બે પસંદગીઓ રહેલી હોય છે. એક, ડરનાં માર્યા આંખો મીચી દો અને અંધકાર ઉપર ગુસ્સે થયે રાખો. અને બીજી એ કે, જાગતાં રહો અને તમારી આંખોને પણ ખુલ્લી રાખો.

જાગૃતતા તમને અંધકારમાં જોઈ શકવાની અને તેમાં ચાલતાં રહેવાની ક્ષમતા આપે છે. જો કે જ્હોન મિલ્ટને પેરેડાઇઝ લોસ્ટ (કે ધ ડિવાઈન કોમેડીમાં દાન્તેમાં) વધારે સરળ મત પ્રદાન કર્યો છે:

At once as far as angel’s ken he views
The dismal situation waste and wild,
A dungeon horrible, on all sides round
As one great furnace flamed, yet from those flames
No light, but rather darkness visible
Served only to discover sights of woe,
Regions of sorrow, doleful shades, where peace
And rest can never dwell, hope never comes
That comes to all; but torture without end…

બુદ્ધે પણ જન્મ-મરણના ચક્રમાં ગોળગોળ ફરતાં રહેવાની બાબતને નિરર્થક કહી છે અને જીવનને એક દુઃખની ઉપમા આપી છે, કૃષ્ણે પણ આ સંસારને એક સાશ્વત દુઃખોનો દરિયો કહ્યો છે (दुखालयम साश्वतम), પણ શું ખરેખર એવું છે ખરું? શું આપણું જીવન વધુ સુંદર હોત જો તેમાં ફક્ત સુખ જ હોત કે પછી જો દરેક વસ્તુ આપણી ઈચ્છા મુજબ જ ચાલતી હોત? અંતે સુખ છે શું? વિરોધાભાસ વગર રંગો છે શું? શું આપણો ગ્રહ એટલો જ અદ્દભુત હોત જો તેમાં સુર્યાસ્ત ક્યારેય થતો જ ન હોત? તો પછી આપણે ક્યારેય તારલાઓથી મઢેલા આકાશ સામે તાકવાનો આનંદ માણી શક્યા હોત? મંદ ચંદ્રપ્રકાશની ટાઢક અનુભવી શક્યાં હોત? કે પછી શાંતિથી ઊંઘી શકતાં હોત?

દોસ્ત, બ્રહ્માંડનાં રહસ્યો કે જે આશ્ચર્યથી આપણું મો પહોળું કરી દે છે, આકાશમાં અબજો તારાઓની ટીમટીમ, અને એ તમામ, અંધકાર ઉપર જ આધારિત છે. જેટલી કાળી રાત, તેટલી જ યાદગાર તેની સુંદરતા. એક પૂનમની રાત હિમાલયમાં કે પછી જંગલમાં ક્યાંક વિતાવી જુઓ, અને તમને હું શું કહેવાં માંગું છું તે એકદમ સમજાઈ જશે. એ ફક્ત અંધકાર જ હોય છે કે જે આપણને આપણી ત્રુટીઓથી વિરામ આપે છે, કારણકે તે આપણા તમામ પાપો અને મૂર્ખતાઓ ઉપર એવી રીતે એક ચાદર ઓઢાડી દે છે, જેવી રીતે એક માં પોતાના બાળકને શાલ ઓઢાડે છે તેમ જેથી કરીને તે બાળક શાંતિથી ઊંઘી જાય. અને જેવા તમે દિવસના પ્રકાશથી તાજા અને સ્ફૂર્તિવાન થઇને જાગો છો કે તરત જ તમે તમારા દોષો અને મર્યાદાઓનું દર્શન કરવાં માટે તેમજ તેનાં ઉપર કામ કરવાં માટે તૈયાર થઇ જાવ છો.

આપણે રાત્રીમાંથી પસાર થયા વગર દિવસનો અનુભવ કે સત્કાર કરી જ ન શકીએ. તમે ક્યારેક ને ક્યારેક એ પણ અનુભવ્યું જ હશે કે જયારે તમે અંધારામાં તમારી આંખોને જોરથી મીચીને ફરી ખોલો છો, ત્યારે તમને વધુ સ્પષ્ટ દેખાતું હોય છે. માટે જ, થોડી વાર માટે જો કશું બંધ થઇ જાય તો તેમાં કશું ખોટું નથી, જો તમે અંતે તમારી આંખો પાછી ખોલવાનાં હોવ તો.

આપણામાંના મોટાભાગના લોકો આખું જીવન ઊંઘતા જ રહેતાં હોય છે, પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જે વિચારવાની અને જીવન જીવવાની બીજી રીતો માટે પણ ખુલ્લા રહેતાં હોય, કારણકે એ જ તો જાગૃતતા છે. ખરેખર, એને જ જાગૃત અવસ્થા કહી શકાય. જયારે તમને જેનો ડર હોય તેને તમે ચકાસો છો; જયારે તમે તમારા ડરનો સામનો કરો છો અને તમારા દુશ્મન (આંતરિક અને બાહ્ય)નો ભેટો કરો છો; જયારે તમે કોઈ પણ શંકાની પેલે પાર જઈને એ વાત સમજો છો કે તમારે દુશ્મનને નહિ દુશ્મનાવટને ખતમ કરવાની છે, ત્યારે જ ખરી જાગૃતતા આવી કહેવાય.

“માર મને,” પીડામાં સુખ ભોગવનારે (masochist), એ સુખની ઈચ્છા સાથે કહ્યું.
“નહિ મારું,” તેને મારીને આનંદ ભોગવનાર (sadist) સાથીએ કહ્યું.

જે પીડા આપે છે અને જે પીડા ભોગવવામાં આનંદનો અનુભવ કરે છે (the sadist and masochist) તે બંને તમારી અંદર જીવે છે. તે ફક્ત તમારા જ એક વ્યક્તિત્વના બે પાસાઓ છે.

જોડો ખરા પણ તોડો નહિ. જેટલું વધુ તમે જોડશો, તેટલાં વધુ કુદરત તમને આશીર્વાદ આપશે. બે બાજુને જોડતો એક સેતુ બાંધો અને તમારા ભેદભાવો વચ્ચે પણ સેતુ બાંધો. કશું પણ સર્જનાત્મક કાર્ય એ શક્તિ છે, એ ધર્મ છે, એ એક હક્ક પણ છે. વૃક્ષ તો કોઈ પણ કાપી શકે, ફક્ત તેને વાવવામાં અને ઉછેરવામાં જ કરુણા, કાળજી અને પ્રેમની જરૂર પડતી હોય છે.

જો જૂની રીતે જીવન જીવવાની અને વિચારવાની રીતભાત તમને દુઃખ આપી રહી હોય, તો એ કુદરતી વાત છે કે તમારે આ અંધકારમાંથી બહાર નીકળવા માટે નવા માર્ગે જીવવાની તેમજ વિચારવાની જરૂર પડશે જ. જયારે આંખો બંધ રાખવાથી તમને બીક લાગતી હોય, તો પછી બુદ્ધિમાની ફક્ત તમે આંખો ખોલીને તમે એ ખરાબ સ્વપ્નનો અંત લાવો તેમાં જ છે. એ જ જાગૃતતા છે. અને, જો હું બીજું વધુ ઉમેરું તો, જાગૃતતા એ એક માત્ર મુક્તિ-મોક્ષ છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email