તમારા મત મુજબ ભલાઈનું વિરોધાર્થી શું હોઈ શકે? શું તે કોઈને હાનિ પહોંચાડવી એ હોઈ શકે? મારા મત મુજબ તો એવું નથી. તો પછી શું છે, તમે પૂછશો?

બે વર્ષ પહેલા, હું સુવિ સાથે તેમની કારમાં એક વ્યસ્ત બજારમાંથી પસાર થઇ રહ્યો હતો. હું સુવિ ને બે દસકાઓથી ઓળખતો હતો અને તેમની મારા પ્રત્યેની ભક્તિ અને પ્રેમ મને આજની તારીખ સુધી નવાઈ પમાડે છે. એ જુનનો મહિનો હતો, અને હવામાન એકદમ બર્ફીલું ઠંડુ હતું. અમારી ગાડીમાં હીટર ચાલુ હતું અને બહાર લોકો પોતાનાં ખિસ્સામાં હાથ નાખીને, દાંત કચકચાવતા પોતાના શ્વાસોમાંથી ધુમાડા કાઢતાં ચાલી રહ્યાં હતાં. અરે, મજાક કરું છું. જો તમે ઉત્તર ભારત (કે ચેન્નાઈ)થી હશો તો ત્યાં જુન મહિનામાં કેવી હાલત હોય છે એ મારે તમને કહેવાની જરૂર નથી.

સુરજ જાણે કે કોઈ આગ ઓકતું મોટું ડ્રેગન ન હોય તેમ જાણે કે આખા પૃથ્વી ગ્રહને બાળીને ખાખ કરી નાંખવા માટે આતુર હતો. અમે અમારી કારમાં ખુબ જ આરામદાયક રીતે ફરી રહ્યાં હતાં (Mr. Carrierનો ખુબ ખુબ આભાર કે તેમને એક સદી પહેલાં જ એક કંડીશનની શોધી કાઢ્યું હતું). લોકો ધમધોખતા તાપમાં જાણે કે શેકાઈ રહ્યાં હતાં. ત્યાં એક પણ વૃક્ષ, ફૂલ કે ઘાસનું તણખલું પણ જોવા મળતું નહોતું. અમારી આજુબાજુ સિમેન્ટ-કોન્ક્રીટની બનેલી દુકાનો હતી, ત્રસ્ત થઇને ચાલતાં જતાં લોકો, અવ્યવસ્થિત ટ્રાફિક, ગેરકાનૂની રીતે પાર્ક કરેલી લારીઓ અને અને વાહનો જોવા મળતાં હતાં. અમે રોડની એક બાજુએ ઉભા રહ્યાં (કદાચ ગેરકાનૂની રીતે પાર્ક કરેલી ગાડીઓમાંના જ એક હશું), અને સુવિ બાજુમાં આવેલી એક ફાર્મસીમાં મારા માટે લોજેન્જીઝ (મોઢામાં મૂકીને ચગળવાની ગોળીઓ) લેવા માટે ગયા, જયારે હું ગાડીમાં જ રાહ જોતા બેસી રહ્યો.

મેં આમ જ એક નજર મારી ડાબી બાજુ તરફ કરી, બસ ફક્ત ચાર કે પાંચ ફૂટનાં અંતરે, એક વૃદ્ધા ફૂટપાઠ ઉપર અખરોટનો એક ટોપલો ભરીને વેંચવા માટે બેસી હતી. તે પોતાનો સામાન ભરેલી એક થેલીને સાચવીને બેસી હતી. મને અંદરથી એક દુઃખનું મોજું ભીંજવી ગયું. શું હશે એની જીવનકથા? મેં વિચાર્યું. એનાં બાળકો ક્યાં છે? શું તેઓ તેને એક સમયનું જમવાનું પણ નહિ આપી શકતાં હોય? શું આપણે પણ એક રાષ્ટ્ર તરીકે એની સંભાળ લેવામાં નિષ્ફળ નથી રહ્યાં? શું તે કશું વેચી પણ શકતી હશે? અખરોટ અને તે પણ આવા ઉનાળામાં? ક્યાંથી લાવી હશે? વ્હોટ ધ હેલ! મારું દુઃખ હવે થોડી હતાશામાં ફેરવાઈ ગયું, અરે મને તો આ સુખ સુવિધાઓ કે જે જીવન મારા તરફ ભલું બનીને આપી રહ્યું હતું તેને ભોગવવા માટે પણ એક ગ્લાની થઇ.

હું હજી પણ મારા વિચારવમળોમાં અટવાયેલો હતો, ત્યાં જ એક વ્યક્તિએ ત્યાં સ્કુટર ઉભું રાખ્યું. તે એન્જીન બંધ કરીને પોતાના પગ નીચે રાખીને સંતુલન જાળવતો ઉભો. મેં તેમની વાતો સાંભળવા માટે બારીનો કાચ નીચે ઉતાર્યો.

“આ સારી ક્વોલીટીની છે?” તેને ઝૂકીને જરૂર કરતાં વધારે મોટા અવાજે પૂછ્યું.
“હા, સાહેબ.”
“કેટલાંની આપી?”
“૧૦૦ રૂપિયાની ૨૫૦ ગ્રામ!” તેને ખોબો ભરીને હાથ લાંબો કરતાં કહ્યું, જેથી કરીને પેલો વ્યક્તિ અખરોટ કેવી છે તે જોઈ શકે.
“ગાંડી થઇ ગયી છે કે શું?” પેલા માણસે કહ્યું. “હું આનાંથી સારી ક્વોલીટી વાળી અખરોટ, ઓછી કીમતે અને તે પણ સારી દુકાનમાંથી ખરીદી શકું તેમ છું.”
“સાહેબ, આ કશ્મીરી અખરોટ છે,” વૃદ્ધાએ કહું, જાણે કોઈ વિનંતી ન કરી રહી હોય.
“મારે પહેલા ચાખવી પડશે.”

તેને તેનો હાથ પાછો ખેંચી લીધો. તે શું વિચારી રહી હતી તેની મને બિલકુલ ખબર હતી. જો દરેક ગ્રાહક તેની અખરોટ ખરીદતાં પહેલાં ચાખવા માંગે, અને કોઈ ખરીદે નહિ કે પછી બહુ થોડાં ગ્રાહકો જ ખરીદે તો તેને તો બસ ખોટ જ થવાની. તે પેલાને અખરોટ ચાખવા માટે આપવા રાજી નહોતી. થોડી પળો વીતી હશે.

“તમે ખરીદશો ને?” તેને નબળા સ્વરે પૂછ્યું.
“નહિ તો શું હું તારી આરતી ઉતારવા માટે અહી રોકાયો છું?”

એક ખચકાટ સાથે અને ખુબ જ ધીમેથી, વૃદ્ધાએ એક અખરોટ ભાંગી અને પેલા વ્યક્તિને અડધી ચાખવા માટે આપી. પેલા માણસે બીજી અડધી પણ માંગી. તે આખી અખરોટ ખાઈ ગયો અને ફોતરા રસ્તા ઉપર ફેંક્યા અને કહ્યું કે આ અખરોટ સારી નથી. તેને બીજી માંગી, પેલી વૃદ્ધાએ બીજી અખરોટ પણ આપી. એ વ્યક્તિના અવાજમાં એવી હુકમદારી હતી કે તે પેલી વૃદ્ધાને દબાવી દેતો હતી, એ વૃદ્ધાને જો કે એ પણ ખબર હતી કે દસ કલાકના સમયગાળામાં બહુ ઓછા લોકો અહી ઉભા રહેવાનાં હતાં. તે પોતાના માટે સાંજનું ભોજન કમાવા માટેનો એકપણ મોકો ખોઈ દે તે પાલવે તેમ નહોતું.

“સારું,” પેલા માણસે કહ્યું, “વીસ રૂપિયાની જોખી આપ.”

પેલી ગરીબ વૃદ્ધા તો રાજીના રેડ થઇ ગયી, તેને તરત પોતાનું ત્રાજવું ઊંચક્યું, અને જુના વર્તમાનપત્રમાંથી બનાવેલી એક નાનકડી કોથળી મૂકી અને તેમાં અખરોટ ભરી. માન્યામાં નહોતું આવતું! મેં વિચાર્યું, તેને ભાગ્યે જ ૫-૭ રૂપિયા જેટલો નફો મળવાનો હતો, અને તો ય તે ખુશ થઇને હસી રહી હતી.

“તારા જેવા લોકો બહુ ચાલાક હોય છે,” પેલા માણસે તેને કહ્યું. “બતાવે બીજું અને વેચે તો કઈક બીજું જ.”
“હું એવી નથી, સાહેબ. આ તમારી સામે જેટલું પડ્યું છે એટલો જ માલ મારી પાસે છે.”
“મારે એ કોથળીમાંથી એક ચાખી જોવી પડશે, એ ખાતરી કરવાં માટે કે તે કોઈ ચાલાકી તો નથી કરી ને.”

પેલી વૃદ્ધાએ કોથળીમાંથી એક અખરોટ લઇને, ભાંગીને બંને ટુકડાં પેલાને ફરી ચાખવા માટે આપ્યાં. ત્રીજી વખત તે અખરોટ ખાઈ ગયો, અને હસતાં હસતાં ફોતરા રસ્તા ઉપર ફેંક્યા.

“નથી સારી!” કહીને એને પોતાનું સ્કુટર ચાલુ કર્યું.

પેલી સ્ત્રી તો એક ક્ષણ માટે આઘાતથી પથ્થરનાં પુતળા જેવી થઇ ગઈ. “તમે મને બે રૂપિયા ઓછા આપજો,” તેને ગાંડાની જેમ કહ્યું થેલી નીચે મુકી તેમાં મુઠી ભરીને બીજી અખરોટ નાંખતા કહ્યું. પેલો વ્યક્તિ તો હવે જઈ રહ્યો હતો. “તમે દસ રૂપિયાની જ ખાલી લઇ જાવ,” તેને પાછળથી જોરથી વિનંતી કરતાં કહ્યું. “પાંચ રૂપિયા!” પણ ગ્રાહક તો ક્યારનો ય જતો રહ્યો હતો. ઝંખવાયેલા ઉદાસ મનથી તેને ત્રાજવું સરખું કર્યું, પાછી કોથળી ટોપલામાં ઠાલવી, કોથળી ગડી વાળીને પોતે જે પાથરણા ઉપર બેઠી હતી તેની નીચે સેરવી દીધી.

હું થોડો ઉદાસ અને અસ્વસ્થ થઇ ગયો. જો કે મને પેલાં વ્યક્તિ ઉપર ગુસ્સે નહોતો આવ્યો, કારણકે એવું કરવામાં તો કોઈ બુદ્ધિમાની નહોતી. એવું પણ નહોતું તેને ગુસ્સેથી કશું કહેવાથી એ સારો માણસ બની જશે. કુદરત એને કોઈ બીજી રીતે પાઠ ભણાવશે. કુદરતનો માર્ગ હંમેશાં ધ્યાન રાખતું જ હોય છે. એક મિનીટ પછી, સુવિ પાછા આવ્યા. તેમને થોડી વાર લાગી કેમ કે મારે જે ખાસ લોજેન્જીઝ જોઈતી હતી તે લેવા માટે તેમને બીજી એક ફાર્મસીમાં જવું પડ્યું હતું, એવું તેમને મને કહ્યું.

“તમારી પાસે થોડાં કેશ પડ્યા છે?”
“જી સ્વામીજી,” તેમને ખુબ પ્રેમથી કહ્યું. “કેટલાંની જરૂર પડશે?”
“તમારી પાસે જેટલાં હોય તેટલાંની,” મેં કહ્યું.

અમે અખરોટ વેંચતા માજી પાસે થોડી વાર માટે ઉભા રહ્યાં જેથી કરીને તે આજનાં બાકીના દિવસ માટે કે પછી વધુ દિવસો માટે ઘરે જઈ શકે. અમે બારીનો કાચ પાછો ચડાવ્યો અને અમારા મુકામનાં સ્થળ સુધી શાંતિથી ગાડી ચલાવતાં રહ્યાં. તે પ્રસંગથી હું ઊંડા વિચારમાં પડી ગયો. પેલા સ્કુટર પર આવેલાં મધ્યવયસ્ક વ્યક્તિના કર્મની કિંમત કોણ ચૂકવશે? એની એ લુચ્ચાઈ અને અસંવેદનશીલતા માટે તેને શું કિંમત ચૂકવવી પડશે? ચોક્કસ તેને કશીક તો કિંમત ચૂકવવી જ પડશે.

મેં આજે જે કઈ પણ લખ્યું છે એનાં ઉપર મારે કઈ બીજું વધારે વિસ્તારથી લખવાની જરૂર નથી. વાર્તા પોતે જ એક મારો સંદેશ છે.

તેમ છતાં, લેખની શરૂઆતમાં મેં એક સવાલ ઉભો કર્યો હતો: કે ભલાઈનું વિરોધાર્થી શું છે? શું તે બીજા પ્રત્યે ભલા ન બનવું તે છે? ના, દોસ્ત, એ એનાંથી તો ક્યાંય ઊંડે છે. ભલાઈનો અભાવ એ જ ભલાઈનું વિરોધી છે.

જેવી રીતે પ્રકાશની ગેરહાજરી એ અંધારાની હાજરી બને છે, તેમ જેમ આપણે આપણા હૃદયમાં ભલાઈનો અનુભવ ન કરતાં હોઈએ ત્યારે આપણે કઠોર બની રહ્યાં હોઈએ છીએ. કઠોરતાનો અર્થ ફક્ત કઠોર વર્તન નથી. તેનો અર્થ એ પણ છે કે જયારે આપણે ભલા બની શકીએ તેમ છીએ ત્યારે પણ આપણે તેવાં નથી બનતાં, અને ભલાઈપૂર્વકનું વર્તન કરવાનું પસંદ નથી કરતાં. તો ભલાઈપૂર્વકનું વર્તન એટલે શું? જયારે આપણે સામેવાળાનાં હિતને નજરમાં રાખીને જે પણ વ્યાજબી વર્તન કરીએ તે. અને એવું જયારે આપણે થોડી માત્રામાં સંવેદનશીલતા રાખીને, સામેવાળી વ્યક્તિની લાગણીઓને ધ્યાનમાં રાખીને કરીએ ત્યારે આપણે ભલા બની રહીએ છીએ. જયારે આપણે આપણું હૃદય અને મગજ ખુલ્લું રાખીએ છીએ ત્યારે આપણે ભલા બનતાં હોઈએ છીએ. તમે મક્કમ બની શકો, ના પણ પાડી શકો, પાછુ પણ ઠેલવી શકો અને તેમ છતાં ભલા પણ બનીને રહી જ શકો. વાસ્તવમાં, ભલાઈ વગર, આપણે ન તો સહાનુભુતિ દાખવી શકીએ, ન તો કરુણાશીલ બની શકીએ, માફ પણ ન કરી શકીએ અને નમ્ર પણ ન બની રહી શકીએ.

એક ટ્રાવેલ એજન્ટ હોય છે. તે આ તહેવારના દિવસોમાં તેના ધંધામાં જે મોટો ફાયદો થયો હોય છે તે જોઈને ખુબ જ ઉત્સાહિત થઇ ગયો હોય છે. જયારે તેને એક થોડી મોટી ઉંમરની સ્ત્રી અને પુરુષને તેની દુકાનની કાચની દીવાલ ઉપર લગાવેલ વિવિધ પર્યટન સ્થળોનાં ચિત્રો ઉપર નજર ફેરવી રહેલા જોયા ત્યારે તે થોડો વધારે ઉદાર થઇને તે બંનેને દુકાનની અંદર બોલાવે છે અને કહે છે, “મને ખબર છે કે કદાચ તમારા પેન્શનની રકમ ઉપર તમે ક્યારેય વેકેશન ઉપર જવાની આશા પણ નહિ રાખી શકતાં હોય. પરંતુ, હું તમને મારા ખર્ચે હવાઈમાં આવેલા એક ખુબ જ સરસ રિસોર્ટ ઉપર મોકલું છું.”

તે બંને એ તેની આ ઉદારતાને સ્વીકારવાની ના પાડી જોઈ પરંતુ પેલો એજન્ટ તો એવું કહેવાં લાગ્યો કે પોતે ગંભીર છે અને આમાં કોઈ મજાક નથી. અંતે, નવા રમકડા મળવાથી જેમ એક બાળક ખુશ થઇ જાય, તેમ ખુશ થઇને તેઓએ આ ભેટને સ્વીકારી લીધી અને તેઓ જતાં રહ્યાં. એક મહિના પછી પેલી સ્ત્રી પાછી તે દુકાનમાં ગઈ.

“મને વાત કરો કેવું રહ્યું!” પેલા એજન્ટે ઉત્સાહપૂર્વક પૂછ્યું.

“ફ્લાઈટ આરામદાયક હતી અને રહેવાનો રૂમ તો ખુબ જ મોટો હતો,” તેને કહ્યું. “હું તમારો આભાર માનવા માટે આવી છું. પણ, એક વાત મને સમજાતી નથી. પેલો બીજો આધેડ વયનો પુરુષ કોણ હતો જેની સાથે તમે મને એક રૂમમાં રહેવાની ફરજ પાડી હતી?”

ભલાઈનો અર્થ એવો નથી કે સામેવાળાને શું જરૂરીયાત છે તે જાણ્યા વગર તમે તેમના માટે કશુંક કરવાં લાગી જાવ. બીજા શબ્દોમાં, કોઈવાર તમને એવું લાગતું હોય કે અમુક વસ્તુ સામેવાળાને ફાયદાકારક રહેશે, પણ તે કદાચ તે વ્યક્તિને બિલકુલ કામની ન હોય. ભલાઈ એટલે સામેવાળા પ્રત્યે સંવેદનશીલ અને ખુલ્લા રહેવું. કારણકે, ખુલ્લાપણું અને સંવેદનશીલતા આપોઆપ તમારા હૃદયમાં ભલાઈને પેદા કરશે. જયારે તમે એવી અવસ્થાનો અનુભવ કરી લેશો, તમે કુદરતી રીતે જ ભલાઈભર્યું વર્તન કરતાં થઇ જશો, અને એટલું જ નહિ તમે ભલાઈપૂર્વક વિચાર પણ કરતાં થઇ જશો અને ભલાઈની લાગણીનો તમારી અંદર અનુભવ પણ કરતાં થઇ જશો.

તમારી જાત પ્રત્યે અને બીજા પ્રત્યે ભલા બનો. દરેક વસ્તુ અને વ્યક્તિ માટે પણ ભલા બનો.

અહી કેટલાંક પ્રસંગો છે જો તમે તેના માટે ઉત્સાહિત હોવ તો:

૧. વર્ચ્યુઅલ મેડીટેશન કેમ્પ, બેંગ્લોર, ઓગસ્ટ ૨૪- ૨૬
૨. સેલ્ફ-ટ્રાન્સફોર્મશન યુથ કેમ્પ, આશ્રમ, નવેમ્બર ૧ – ૪
૩. આશ્રમ મુલાકાત – ઓક્ટોબર ૨૩ – નવેમ્બર ૨૭

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email