એક વખત અકબર અને બીરબલ છુપાવેશે શહેરમાં ફરી રહ્યાં હતાં. પોતાની પ્રજાની અસલી હાલત જાણવા માટે અકબર આવી રીતે છુપાવેશે અનેક વાર ફરતાં હતાં. દુરથી, અકબરે એક કઠિયારાને કુવામાંથી પાણી પિતા જોયો.

“તને શું લાગે છે આ કઠિયારો મારા વિશે કેવું વિચારતો હશે?” અકબરે બીરબલને પૂછ્યું.
“નામદાર, બિલકુલ તમે જેવું તેના વિશે વિચારતાં હશો તેવું જ તે તમારા વિશે વિચારતો હશે.”
“આ તો બહુ જ વાહિયાત વાત મેં સાંભળી હોય એવું લાગે છે! મારા રાજ્યનો એક નાનો નાગરિક પોતાના સમ્રાટ વિશે એવું કેવી રીતે વિચારી શકે જેવું સમ્રાટ તેના વિશે વિચારતાં હોય?”
“વારુ, જહાંપનાહ,” બીરબલે જવાબ આપતાં કહ્યું, “લાગણીમાં કોઈ વિચાર નથી હોતો. તેનું તો બસ આદાન-પ્રદાન જ થતું હોય છે. એ તમારા વિશે શું વિચારતો હોય તે કદાચ જુદું હોઈ શકે, પરંતુ તે તમારા વિશે કેવી લાગણી રાખતો હશે એ બિલકુલ તમે તેના માટે જેવી લાગણી રાખતાં હશો તેવી જ હશે.”
“અચ્છા તો એ સાબિત કર નહીતર તને એક રાજપુરુષની એક સામાન્ય નાગરિક સાથે સરખામણી કરવાં બદલ સજા કરવામાં આવશે.”

બીરબલની વિનંતીથી, અકબર એક ઝાડ પાછળ સંતાઈ જાય છે અને પેલા કઠિયારા વિશે નમતું અને અપમાનજનક શબ્દો બોલે છે. તેમને પોતાની અંદર ઊંડે કોઈ અજાણી વ્યક્તિ માટે જેટલી પણ નફરત અને ધ્રુણા હોય તે બધી બહાર કાઢી. આ હરામી, એક મામુલી કઠિયારો, આ રાજ્ય પર બોજ છે. જો ને કેવો પરસેવા વાળો અને કદરૂપો લાગી રહ્યો છે. તેના જેવા લોકો મારી સંપત્તિનો દાટ વાળી દે છે. એકદમ નક્કામો અને સરકારની મદદ ઉપર જીવે છે. મને ચોક્કસ ખાતરી છે કે તેને જંગલ અધિકારીની કોઈ પરવાનગી લીધી નહિ હોય અને તેમ છતાં પણ આ લાકડું કાપીને કાળાબજારમાં વેંચવા માટે લઇ જઈ રહ્યો છે. આ માણસને તો ફાંસી આપીને લટકાવી દેવો જોઈએ.

આ દરમ્યાન, કઠિયારો પોતાનાં કામે લાગ્યો.

“ઓ બાપ રે!” બીરબલે નવાઈ પામતા તેનાં તરફ દોટ મૂકી. “તને ખબર પડી આજે આપણા રાજાને સાપ કરડ્યો અને તેઓ મૃત્યુ પામ્યાં? મને તો ખુબ જ આઘાત લાગ્યો છે.”
“આઘાત!” નવાઈ પામતાં કઠિયારાએ પોતાનાં લાકડાનો ભારો નીચે નાંખતા કહ્યું. “સારું થયું છુટકારો થયો, હું તો કહું છું! એ કોઈ રાજા તો હતો જ નહિ, જુલ્મી હતો. એ મુર્ખે આખો દિવસ પોતાની ઇચ્છાઓ સંતોષવા સિવાય કોઈ બીજું સારું કામ કર્યું છે ખરું? બસ ફક્ત સંગીત, કલા અને સ્ત્રીઓ! તમે આવી રીતે કોઈ દેશ ન ચલાવી શકો. આવો રાજા તો દશકાઓ પહેલા મરી ગયો હોત તો સારું!”

જેવો કઠિયારો ગયો, કે બીરબલે અકબરને એક બીજી સામેથી આવતી વૃદ્ધ સ્ત્રી વિશે સારા અને પ્રેમ ભર્યા શબ્દો વિચારવાનું અને બોલવાનું કહ્યું. અકબર ફરીથી ઝાડ પાછળ સંતાઈ ગયા અને સામેથી એક વૃદ્ધ સ્ત્રી પોતાનાં માથે ઘાસની ભારી લઇને આવતી જોઈ. અરે આ કેટલી સારી અને શાંત વ્યક્તિ છે! એ મારી દાયી જેવી લાગે છે, જે હું નાનો હતો ત્યારે મારી સંભાળ લેતી હતી. મારા રાજ્યે આ વૃદ્ધ લોકો માટે જરૂર હજી કઈ વધારે કરવું જોઈએ. હું દેશભરમાં આવા લોકો માટે ભરણપોષણની રકમમાં વધારો કરવાનું તેમજ તેમને દવાદારુના પૈસાનો ફાયદો થાય એવું કરવાનું કહીશ. એની ઉમરની કોઈપણ વ્યક્તિને આવી મહેનત ન કરવી પડવી જોઈએ. હું આપણા વૃદ્ધ નાગરિકો માટે એક ખાસ સ્તર નક્કી કરીશ.

“તમે સાંભળ્યું, માતા જી” બીરબલે પેલી વૃધ્ધાને પૂછ્યું, “કે આપણા રાજાને આજે સવારે સાપ કરડ્યો અને તે મરી ગયાં? મારું તો હૃદય બેસી જાય છે એ વાત જાણી ને.”
“અરે આવું ન બને!” બોલતાં-બોલતાં તો તે નીચે જમીન પર બેસી ગઈ અને વિલાપ કરવાં લાગી. “અંતે, ભારતમાં એક એવાં સમ્રાટ હતાં કે જે શુરવીર, ભલા અને દૂરંદેશી હતાં તો ય ભગવાને તેમને જ લઇ લીધા! તે કઈ ફક્ત ભારતના જ સમ્રાટ નહોતાં, પરંતુ લોકોના હૃદયસમ્રાટ હતાં. હવે આ રાષ્ટ્રનું શું થશે? હિંદુ અને મુસ્લિમ તો તેમની બે આંખો સમાન હતાં. કાશ, મોત તેમનાં બદલે મને લઇ ગયું હોત!”

અકબરે કબુલ કર્યું કે બીરબલની વાતમાં ચોક્કસ દમ છે.

મને લાગે છે કે આ વિચારનો અર્થ એ પણ થઇ શકે: “લાગણીઓ હંમેશાં પારસ્પરિક હોય છે,” અને મને આપણા આ અસ્તિવનાં ભાગ સમાન લાગણીઓ માટે એ વાત ખુબ જ આશ્ચર્યજનક લાગે છે કે આપણે કોઈપણ વ્યક્તિને આપણા વિશે અમુક પ્રકારની લાગણીનો અનુભવ ફક્ત આપણે પણ તેમના વિશે એવી લાગણીનો વિચાર કરીને કે એવી લાગણી અનુભવીને કરાવી શકીએ તેમ છીએ. જરા વિચાર કરો, મને નથી લાગતું કે આ એક જાદુથી કઈ ઓછું હોય. જયારે બે લોકોને એકબીજા સાથે બનતું ન હોય, અને તેમનો સંબંધ સમય સાથે ફક્ત બગડતો જ જતો હોય, ત્યારે તેમાં જ્યાં સુધી તેઓ એકબીજામાં રહેલી હકારાત્મકતા વિશે વિચાર ન કરતાં થાય ત્યાં સુધી કશું બદલી પણ ન શકાતું હોતું નથી.

આ બાબતને આકર્ષણનો નિયમ કહો કે પછી બીજું કઈ પણ નામ આપો, દિવસને અંતે તો આ ખુબ જ સરળ બાબત છે: કે આપણે જીવનમાં જેના ઉપર પણ આપણું ધ્યાન (વિચાર અને લાગણી) કેન્દ્રિત કરીએ છીએ, તે જ વસ્તુ આપણા જીવનમાં મોટી બનતી હોય છે. પછી એ ફકત સારા ભોજનનો આનંદ હોય કે પછી અંગુઠો કચરાઈ જવાનું દર્દ હોય, જયારે તમે તમારું બધું ધ્યાન કોઈપણ વસ્તુ ઉપર કેન્દ્રિત કરો છો ત્યારે તમારું સમગ્ર અસ્તિત્વ એક પારસ્પરિક પ્રતિભાવની લાગણીનો અનુભવ કરવા લાગે છે. અને માટે જ જે લોકો નકારાત્મક હોય છે તેમને તેમની આજુબાજુનું તમામ પડી ભાંગતું અને બગડી જતું હોય એવું લાગતું હોય છે. તેમના મત પ્રમાણે, આખી દુનિયાનું પતન થઇ રહ્યું હોય છે, સમાજ અનૈતિકતા તરફ વળતો નજરે ચડે છે, આજની યુવાપેઢી નક્કામી લાગે છે વિગરે. જેમ કે તુલસીદાસે લખ્યું છે, जाकी रही भावना जैसी, प्रभु मूरत देखी तिन तैसी, તમને તમારી આજુબાજુ રહેલી દુનિયાનું તેમજ દિવ્યતાનું દર્શન તમારી આંતરિક અવસ્થા મુજબનું જ થતું હોય છે. તમારી બારીનો કાચ સાફ કરો અને બહારનું પણ ચોખ્ખું દેખાવા લાગશે.

અને આ કારણોસર જ દુનિયાભરનાં દરેક ધર્મનાં પ્રત્યેક આધ્યાત્મિક શિક્ષણમાં, તેઓ વારંવાર આપણને આપણી નફરત, ઈર્ષ્યા, અને ક્રોધની લાગણીઓને ત્યાગવાનું કહે છે. આપણા હૃદયમાં આવી લાગણીઓને સંઘરી રાખવાથી આપણને આંતરિક શાંતિ કે આનંદનો અનુભવ નહિ થાય. વધુમાં, લાગણીઓ તો બહુ જ ચેપી હોય છે. એકપણ શબ્દ બોલ્યાં વગર જ તે તમારી માનસિક અને શારીરિક નજદીકીમાં રહેલા દરેકજણને અસર કરતી હોય છે. એટલાં માટે જ કદાચ ઉચ્ચ વિચારો વાળા લોકોનાં સત્સંગમાં રહેવાનું  કે જેમાં લોકો એકબીજા સાથે ભેગા થઇને ભલાઈ વિશે વાતો કરવાની કે ભલાઈનો ફેલાવો કરવાની બાબત ઉપર પહેલીથી જ ખુબ ભાર મુકવામાં આવ્યો છે. પછી ભલેને આ સત્સંગને ખ્રિસ્તીઓ દેવળમાં શોધે, બૌદ્ધો તેને સંઘમાં શોધે કે પછી સનાતન ધર્મીઓ તેને સંતોમાં શોધે, તે બાબતનું મહત્વ નથી. મહત્વ તો  છે, એ સમજવું કે મારી પોતાની અન્ય લોકો પ્રત્યેની જે લાગણી છે તે બીજા લોકોની મારા પ્રત્યેની જેવી કઈ પણ લાગણી છે તેના માટે જવાબદાર છે. જો કદાચ તમે એ બાબત પ્રત્યે ધ્યાન ન આપ્યું હોય તો કહી દઉં કે જો તમારી આજુબાજુના લોકો તમારા માટે સારી લાગણી ન ધરાવતાં હોય, તો તમારા માટે પણ તમારા પોતાના માટે સારી લાગણીનો અનુભવ કરવો અઘરું થઇ પડતું હોય છે. જો તમને કોઈ જેવી રીતે જોતાં હોય તેને બદલવું હોય તો પ્રથમ તમે તેમને કેવી રીતે જુઓ છો તે બદલવું પડશે.

પોતાના ઘૂંટણીયે પડીને કબુલાત કરતાં એક છોકરી ફાધરને કહે છે, “મને આશીર્વાદ આપો, ફાધર કારણ કે મેં પાપ કર્યું છે.”
“શું કર્યું છે, બેટા તે?” પાદરીએ પૂછ્યું.
“મેં એક મિથ્યાભિમાન કર્યું છે, ફાધર. દિવસમાં અનેક વખતે, અરીસામાં મારી સામું જોઈને મેં મારી જાતને એવું કહ્યું છે કે હું કેટલી સ્વરૂપવાન છું.”
“પાદરીએ પાછા વળીને, એ છોકરી સામું ધારીને જોયું, અને કહ્યું, “મારી પાસે એક સારા સમાચાર છે, બેટા. એ પાપ નથી…એ તો ફક્ત તારી ભૂલ થઇ હતી.”

આપણી આજુબાજુ આપણે જે કઈપણ જોઈએ છીએ તે સામાન્ય રીતે જેવું દેખાય છે તેવું હોતું નથી, પરંતુ આપણે તેનું અર્થઘટન કેવી રીતે કરીએ છીએ તેનાં ઉપર આધારિત છે. જો તમે કોઈ સ્પર્ધામાં હોવ જ નહિ તો તમારે તે જીતવાની પણ નથી હોતી. જો તમે કોઈ યુદ્ધ લડી જ નથી રહ્યાં તો પછી તમારે હાર પણ નથી જોવાની કે નથી જમીનદોસ્ત થઇને ધૂળ ચાટવાની. બીજી વ્યક્તિને ખોટી સાબિત કરવાની ઈચ્છા કે પછી અન્ય કોઈ કરતાં પોતાને વધારે સારા સાબિત કરવાની બાબતે ક્યારેય કોઈને વધુ હોશિયાર સાબિત કર્યા નથી. એ ફક્ત અજ્ઞાનતાની જ નિશાની છે. તમારી સાથે જે અસહમત થાય તે દરેકનો તમે અસ્વીકાર કરી શકો છો અને કાં તો પછી તમે તમારા જીવનમાં તેમનું એક ખુલ્લા હૃદય સાથે સ્વાગત પણ કરી શકો છો. પસંદગી તમારી. તમે આખી દુનિયાને એક નફરતભર્યા દ્રષ્ટિકોણથી નિહાળી શકો છો અથવા તો તમે આ વાતને પણ અજમાવી શકો છો કે..सियाराम माया सब जब जानी करहु प्रणाम जोड़ी जुग पानी (દરેકવસ્તુ અને દરેકજણ ભગવાન છે અને માટે હું મારા બે હાથ જોડીને દરેકને સન્માનું છું), બધું જ તમારા ઉપર આધારિત છે. તમે જે કઈ પણ પસંદ કરશો તે સ્પષ્ટ રીતે તમારા જીવનની ગતિ નક્કી કરશે.

લાગણી એ અત્તર લગાડવા જેવું છે. તમને ભલે એ સુગંધ દેખાતી ન હોય, પણ તે ત્યાં હોય છે તો ખરી જ. બીજા જે તમારા સંપર્કમાં આવે છે તેને તે સુગંધની લહેરનો અનુભવ જરૂરથી થાય છે. તમારા કપડા ઉપર અત્તર લગાવવાનો કોઈ અર્થ નથી, શરીરમાં જે જગ્યાએ ધબકારા થતા હોય એવી જગ્યાએ લગાડવું જોઈએ. એવી જ રીતે, તમારા વ્યક્તિત્વને ફક્ત લાગણીઓથી શણગારવામાં કશું કઈ ખાસ નથી, તમારે ખરેખર તો તમારી ચામડીની અંદર ઊંડે સુધી ઉતરવું પડશે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, લાગણીઓનો બાહ્ય દેખાડો અને આંતરિક સંવેદનાઓ આ બંને બાબતો સમાન નથી. કોઈ નાટક લાંબો સમય નહિ ચાલે. પરંતુ એક સાચી લાગણી જરૂર ચાલશે. અને, તમારી અંદર એક ભલાઈ અને બીજી સારી લાગણીઓ કેવી રીતે ઉત્પન્ન કરવી? વારુ, એનાં માટે ખુલી જાવ. એક બંધ બોટલમાંથી કોઈ સુંગધ બહાર આવી નથી શકતી.

જાવ એક સારી સુગંધ વાળું અત્તર લગાવો.

આજે મારે તમારી સમક્ષ એક જાહેરાત પણ કરવાની છે. શરૂઆત હું માર્ગરેટ મીડના વાક્યથી કરીશ: “ક્યારેય એક વિચારશીલ, કટિબદ્ધ નાગરિકો આખી દુનિયાને બદલી શકે છે એ વાત ઉપર કોઈ શંકા ન કરશો. ખરેખર તો, ફક્ત એ એક જ બાબત હંમેશાં સાચી રહી છે.”

મને એ જણાવતા અત્યંત હર્ષની લાગણી થાય છે કે સિડનીમાં થોડાં કટિબદ્ધ લોકોએ સાથે મળીને એક આખું બ્લેક લોટસ ચેપ્ટર ઉભું કરવાનું નક્કી કર્યું છે. તેના માટે, તેઓએ તેમના બધાં જ સ્રોતો એકત્રિત કરીને બ્લેક લોટસ પીસ ફાઉન્ડેશન સાથે મળીને ૮૦ એકરની જમીન ખરીદી છે જેના ઉપર અમે એક એવું સ્થળ બાંધીશું કે જ્યાં લોકો ધ્યાન માટે, શિબિર માટે ભેગા થઇને એકાંતનો આનંદ માણી શકશે. જે દિવસે હું એ જમીન જોવા માટે ગયો હતો ત્યારે ત્યાં એક કાંગારુંનું બચ્ચું  કુદી રહ્યું હતું. તે દ્રશ્ય હ્રદયને ઉષ્મા અને આનંદથી ભરી દે તેવું હતું. તે એક ઓસ્ટ્રેલીયન ચેપ્ટર શરુ કરવાં માટેનું એક માંગલિક પ્રતિક હતું. ત્યાં અમે યુવાનો અને બીજા સાધકો માટે આધ્યાત્મિક કાર્યક્રમો યોજીશું, કે જે આપણી દુનિયાને એક વધુ સારું સ્થળ બનાવશે. તમારામાંથી જે પણ કોઈ લોકોએ સિડની મેડીટેશન કેમ્પમાં આ ચેપ્ટર સાથે જોડાવાનો રસ બતાવ્યો હતો, તેમના માટે હું આવનાર સમયમાં થોડી વધુ વિગતો આપીશ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email