બલુચિસ્તાનનાં રાજા એક દિવસ ખ્વાજા નકરુદ્દીન (જે શાલ પીર બાબાના નામે પણ ઓળખાતા હતાં)ને મળીને વિનંતી કરે છે કે તેઓ તેમને પોતાના એક શિષ્ય તરીકે સ્વીકારે. ખ્વાજાને જો કે એક રાજાને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવામાં થોડો સંદેહ હોય છે.

“જો એક શિષ્ય તરીકે નહી તો,” રાજાએ કહ્યું, “પછી મને એક તમારા વિનમ્ર સેવક તરીકે રાખો. જુઓ મેં રાજપાટ છોડી દીધાં છે અને હું તમારી સેવા કરવા માટે અહી આવ્યો છું.”

રાજાનો ભક્તિભાવ તેમના હૃદયને સ્પર્શી ગયો અને બાબાએ તેમને પોતાની શરણમાં લઇ લીધા. ખ્વાજાએ તો રાજાને પોતાનાં મોટા ઘરની સફાઈ કરવાનું કામ સોંપ્યું, તેમને ઘરનો બધો કચરો કાઢીને શહેરથી દુર આવેલી જગ્યામાં તેનો નિકાલ કરવાનો રહેતો. તે ઘરમાં અનેક શિષ્યો રહેતાં હતાં અને માટે એક વ્યક્તિથી ઘરનો બધો કચરો સાફ કરવો ઘણી વાર બહુ મહેનત માંગી લેતું હતું. રાજાએ પૈડા વાળી એક હાથલારી બનાવી, અને આ કામ કરતાં રહ્યાં. થોડો સમય વીતી ગયો અને ખ્વાજાએ તો રાજાને કશું શીખવાડ્યું નહિ. બીજા શિષ્યો એ જાણતા હતાં કે રાજાએ સ્વયં રાજપાટનો ત્યાગ કર્યો હતો તેમનો કોઈએ દેશનિકાલ કે તેમના ઉપર પ્રતિબંધ નહોતો મુક્યો. તેઓને લાગતું કે ખ્વાજાજી રાજાને ફક્ત કચરો કાઢવાનું કામ સોપીને તેમના ઉપર થોડાં આકરા બની રહ્યાં છે.

“ઘણા મહિનાઓ વીતી ગયાં,” તેઓએ ખ્વાજાને વિનંતી કરતાં કહ્યું, “રાજાને હવે તમારી અંગત સેવા કરવાનો મોકો આપો. તેઓ કોઈ વધારે સારા કામને લાયક છે.”
“તે હજી દીક્ષા માટે તૈયાર નથી,” ખ્વાજાએ જવાબ આપતાં કહ્યું.
“પણ તે તો તેમનું કામ તો ખુબ ખંતપૂર્વક કરી રહ્યાં છે! એ આ દેશના રાજા હતાં!”
“વારુ જો તમને મારા પર વિશ્વાસ ન આવતો હોય તો તમે જાતે ચકાસી જુવો,” ખ્વાજાએ જવાબ આપ્યો અને પાછા પોતાની સુફી કવિતા લખવા માટે જતાં રહ્યાં.

બીજી સવારે જયારે રાજા પોતાનું રોજિંદુ કામ કરી રહ્યાં હતાં, ત્યારે એક વરિષ્ઠ શિષ્યે તેમના માથા ઉપર કચરો ભરેલી થેલી ફેંકી અને ચિલ્લાયો: “કશી આવડત વગરના લુચ્ચા! તું મારો જ ઓરડો સાફ કરવાનું ભૂલી ગયો!”
“જો હું હજી રાજા હોત ને તો આ તારું માથું મારી તલવારના એક ઘાથી કાપી નાંખ્યું હોત,” રાજાએ જવાબ આપ્યો. “પણ હું તને જવા દઉં છું કેમ કે હવે હું એક સામાન્ય શિષ્ય માત્ર છું.”

આ બાબત પ્રત્યે ખ્વાજાનું ધ્યાન દોરવામાં આવ્યું. શિષ્યોએ દલીલ કરતાં કહ્યું કે રાજાએ કોઈ હિંસક કૃત્ય ન કર્યું માટે તે ચોક્કસપણે દીક્ષા માટે તૈયાર છે.
“તૈયાર નથી! હમણાં તો નહિ જ!” ખ્વાજાએ જવાબ આપતાં કહ્યું. “એનાં મગજમાં જીવી રહેલો રાજા તેના હૃદયમાં વસેલા શિષ્ય કરતાં હજુ ઘણો બળવાન છે.”

બીજા થોડાં મહિનાઓ વીત્યાં અને શિષ્યોએ રાજાના વધારે ઉદાહરણીય વર્તનની વાતો ખ્વાજાને કહી અને ફરી વિંનતી કરી જોઈ. પરંતુ આ વખતે પણ ખ્વાજાએ એમ જ કહ્યું કે હજુ તેનો સમય આવ્યો નથી. અને ફરી એકવાર, તેઓએ રાજાની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. બીજા એક શિષ્યે રાજાની કચરો કાઢવાની હાથલારીને એક લાત મારી, બધો કચરો આમતેમ ફેલાઈ ગયો. એક મુઠ્ઠી વાળીને રાજા પેલા શિષ્ય તરફ ધસ્યો પછી તરત અટકી ગયો. પાછા વળીને બધો કચરો ફરીથી વીણીને બબડાટ કરતો કરતો જતો રહ્યો.

“અરે અમે પણ આટલા શાંત ન રહી શક્યાં હોત,” શિષ્યોએ દલીલ કરતાં કહ્યું. “તેમને દીક્ષા આપો, ખ્વાજાજી!”

“એ હજી તૈયાર નથી! હમણા નહિ,” તેમને જવાબ આપ્યો. “તેને પોતાનું પદ અને સંપત્તિનો ત્યાગ કર્યો છે, પરંતુ પોતાના રાજ્યનો નહિ. હું દીક્ષા આપું એ પહેલા હજુ ઘણું કામ બાકી રહે છે.”

એક વધુ વર્ષ પસાર થઇ ગયું. બે વર્ષ થવા આવ્યા હશે અને રાજાએ એક પણ દિવસ માટે પોતાનું દૈનિક કાર્ય કરવાનું ચુક્યા નહોતા.
“હવે તે તૈયાર છે,” ખ્વાજાએ એક દિવસ પોતાનાં શિષ્યને કહ્યું.
“તમને કેવી રીતે ખબર પડી?” શિષ્યોએ પૂછ્યું.
“હું જયારે તેની આંખોમાં જોઉં છું ત્યારે, અને તેની વર્તણુકમાં હવે મને રાજા નથી દેખાતો. એક શિષ્ય દેખાય છે.”
“પણ તે એવું દેખાવાનો ડોળ કરી રહ્યાં હોય એવું પણ બને,” શિષ્યોમાંના એકે દલીલ કરતાં કહ્યું.
“તો તેની પરીક્ષા કરી જુઓ.”

ફરી એક વાર, જયારે રાજા કચરો કાઢી રહ્યાં હતાં, ત્યારે એક શિષ્યે તેમના ઉપર સડેલાં માંસની એક થેલી ફેંકી, અને રાજા તેનું કામ બરાબર નથી કરી રહ્યો એવો આરોપ મુક્યો. રાજાએ કશું કહ્યું નહિ, કોઈ પ્રતિકાર બતાવ્યો નહિ, પોતાનું મોઢું ધોઈને કચરો ઉઠાવી પોતાનાં રસ્તે ચાલતાં થયા. શિષ્યોએ આ પ્રસંગ ખ્વાજાને કહ્યો.

“અને આ છે,” ખ્વાજાએ કહ્યું, “એક વિનય અને વિનમ્રતા વચ્ચેનો તફાવત. તે હવે બિલકુલ તૈયાર છે.”

વિનય (વિવેક)માં ફકત નમ્રતા હોવાનો દેખાવ છે જયારે ખરી વિનમ્રતામાં તો આપણે કોઈ ખાસ હોવાની બાબતનો બિલકુલ ત્યાગ કરેલો હોય છે. વિનય (વિવેક) એ બહુબહુ તો એક સામાજીક સભ્યતા છે, જયારે વિનમ્રતા એ તમારી એક માનસિકતાનો ભાગ છે. ઘણાં વિનયી લોકો આધ્યાત્મિક માર્ગ પર ચાલતાં તો હોય છે પણ સિદ્ધીઓની ટોચ ઉપર તો ફક્ત વિનમ્ર વ્યક્તિ જ પહોંચી શકે છે. બુદ્ધ, મહાવીર, ઈશુ, ગુરુ નાનકનો વિચાર કરો. શું તેમના ચારિત્ર્યમાં રહેલી વિનમ્રતા તમારા હૃદયને સ્પર્શી નથી જતી?

કોઈ વ્યક્તિનું મન મેલું અને હૃદય કાળું હોય તેમ છતાં તે એકદમ વિવેકશીલ હોઈ શકે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, વિનય (વિવેક)થી વ્યક્તિ થોડાંઘણાં અંશે એવી શુદ્ધતા અને ચરિત્રતા દર્શાવી શકે કે જે તેનામાં બિલકુલ હોતી નથી. વિનય કે વિવેકતામાં આપણને લોકો કેવી રીતે જુવે એની વાત આવે છે. જો કે વિનમ્ર હોવું એ તો તદ્દન જુદી જ બાબત છે. વિનમ્રતામાં આપણે ખરેખર કેવાં છીએ તેની વાત છે. ફક્ત એક સરળ હૃદય જ વિનમ્ર બની શકતું હોય છે. એક એવું મન કે જે વિશ્વાસ કરતાં કે સ્વપ્ન જોતા ડરતું નથી, એક બાળક જેવું હૃદય કે જે ઋજુ અને સંવેદનશીલ છે તે જ વિનમ્ર બની શકવાની આશા રાખી શકે. મેં અગાઉના ફકરામાં જે જ્ઞાની વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે તેમનાં વિશે ફરી વિચાર કરી જુઓ. શું તેમનું જીવન અને વ્યવહાર એક સાદગીભર્યો નહોતો? અને એ એટલાં માટે કે સાદગી અને વિનમ્રતા બન્ને એકબીજાની સાથે જ ચાલતાં હોય છે.

વિનય અને વિનમ્રતા વચ્ચેનો આ ભેદ પારખવામાં જે ભૂલ થાય છે તેને લીધે જ મોટાભાગના આધ્યાત્મિક જિજ્ઞાસુઓ ગોથું ખાઈ જતાં હોય છે. મને ઘણીબધી વાર એવા જિજ્ઞાસુઓ મળે છે કે જેઓએ ઘણાં બધાં કલાકો ધ્યાન કરવામાં વિતાવ્યા હોય છે, પરંતુ તેમનું ધ્યાન ફક્ત કલાકો ગણવામાં જ લાગેલુ હોય છે અને જરૂરી એવા ગુણો જેવા કે કરુણા, સમાનુભુતી, વિનમ્રતા વિગેરે વિકસાવવા પ્રત્યે બિલકુલ નથી હોતું. પરિણામે, તેઓ ખુબ જ જડ જેવાં બની જાય છે અને તેમનામાં પોતે કઈક ખાસ હોવાનો અને કોઈ સિદ્ધી પ્રાપ્ત કરી લીધી હોય એવી હવા આવી જતી હોય છે. આધ્યાત્મિક માર્ગે ચાલવાનો મુખ્ય હેતુ જ આનાથી ચુકી જવાતો હોય છે. જયારે આપણે આધ્યાત્મિક રીતે વિકસતા જઈએ તેમ-તેમ આપણે બીજાનું સન્માન કરવાનું તેમજ પ્રેમ કરવાનું શીખીએ છીએ. સમાનુભૂતિ અને કરુણા તમારા જીવનમાંથી એવી રીતે વહેવા લાગે છે જાણે ગંગોત્રીમાંથી ગંગા ન વહેતી હોય: સતત અને ટીપે ટીપે.

ગુપ્ત રીતે આપણામાંનું સૌ કોઈ પોતાને મહત્વનું અને ખાસ સમજતું હોય છે. એક વિનયી વ્યક્તિ પોતાની જાતને બીજા કરતાં કઈક વધારે પ્રમાણમાં મહત્વનું અને ખાસ સમજતું હોય છે. અને નવાઈ લાગી શકે એવું છે પરંતુ આ તેમનાં વિનય અને વિવેક જ હોય છે જે તેમનામાં પોતે કઈક ખાસ હોવાની લાગણી પેદા કરતી હોય છે. અરે જે વિનમ્ર છે તે વ્યક્તિ પણ પોતાની અંદર પોતે ખાસ હોવાનો અનુભવ કરતી હોય છે. આખરે વિનમ્રતાનો અર્થ એ બિલકુલ નથી કે તમે તમારા વિશે ઉચ્ચ વિચારો પણ ન રાખી શકો કે પોતાની કોઈ કદર જ ન કરો. વિનમ્રતાનો સરળ અર્થ ફક્ત એટલો જ છે કે તમે પોતાના માટે તો ખાસ હોવાની લાગણી રાખો જ છો પરંતુ સાથે-સાથે બીજા લોકોને પણ પોતાના વિશે એવી જ લાગણી રાખવાનો અધિકાર છે એ વાત તમે સમજો છો. વિનમ્રતામાં તમારે બીજાને તે પોતે જે સમજતાં હોય તે લાગણીથી વિમુક્ત કરવાનું નથી, કેમ કે વિનમ્રતા, જેમ મેં પહેલા પણ કહ્યું તેમ, એ કોઈ શિષ્ટાચાર નથી, પરંતુ એક માનસિકતા છે.

વિનમ્રતા કેળવવા માટેનાં બે માર્ગ છે. એક સરળ અને બીજો થોડો અઘરો માર્ગ છે. બીજો જે છે તે મોટાભાગે આપણા કાબુની બહાર છે. એ જયારે આપણને જીવન મુશ્કેલીઓમાંથી પસાર કરે અને આપણને કેટલીક ગંદી ઠોકરો વાગે ત્યારે તે આપણને જીવનને જુદા દ્રષ્ટિકોણથી જોવાની ફરજ પાડતું હોય છે. જીવનની મોટાભાગની પદ્ધતિઓ મુજબ, આ પણ એક દુઃખદાયી પ્રક્રિયા તો છે, પણ પરિવર્તન કરનારી છે. તે એક જ ઝટકામાં આપણી મોટાઈની સમજણને ઉલાળી નાખે છે. જે સરળ માર્ગ છે તેના ઉપર આપણો કાબુ ચાલતો હોય છે. તેની શરૂઆત કરવાં માટે એક સારા અવલોકનકાર બનો અને એક એક સારા શ્રોતા બનો. તમારી આજુબાજુ રહેલા લોકોને જાણવા માટે સમય આપો. જેટલું તમે અવલોકન કરશો અને સાંભળશો કે તમને જણાશે તમારી આજુબાજુ રહેલાં લોકો પણ કોઈને કોઈ બાબતમાં હોશિયાર છે. આવા શાંત લોકો બહાર જઈને પોતાનાં કૌશલ્યનું માર્કેટિંગ નથી કરતાં હોતાં કે નથી પોતે કોઈ ખાસ હોવાનો દાવો કરતાં ફરતાં, પરંતુ તેઓ જયારે પણ પોતાની આવડત મુજબના કામમાં મશગુલ થયેલાં હોય ત્યારે એ દ્રશ્ય જોવા જેવું હોય છે. મારે ઘણાં બધાં શ્રેષ્ઠ સંગીતકારો, કલાકારો, લેખકો અને કવિઓને મળવાનું થતું હોય છે. તેમનું કૌશલ્ય તો તમને મોહિત કરી દે તેવું હોય જ છે, પરંતુ તતેમની વિનમ્રતા મારા હૃદયને તેમના કૌશલ્ય કરતાં ક્યાંય વધુ પીગળાવી દે છે.

તમારી આજુબાજુ કોઈ બહુ જ સામાન્ય હોય એવી વ્યક્તિનો વિચાર કરો. હવે જાવ, અને તે વ્યક્તિને જાણવાની કોશિશ કરો. તમને નવાઈ લાગશે કે આ વ્યક્તિ કેટલી ખાસ સાબિત થતી હોય છે. તે ખરેખર અદ્દભુત હોય છે. ગમે ત્યારે કોશિશ કરી જુઓ.

એક રાબી સિનાગોગમાં કેટલાંય વર્ષોથી સબાથની સેવા કરી રહ્યાં હતાં, એક દિવસ માંદગીને લીધે તેઓ ત્યાં પોતાની સેવા આપી શક્યાં નહિ. એક કેન્ટોરે (ખ્રિસ્તીઓનાં દેવળમાં ભજન ગવડાવનાર) તેમનાં બદલે તે દિવસે સેવા આપી, અને તેમાં પેલાં રાબીના ઘણાં વિદ્યાર્થીઓએ હાજરી આપી. તે દિવસની પ્રાર્થનાને અંતે તેઓ બધાં રાબીની ખબર કાઢવા તેમનાં ઘરે ગયા.

“રાબી!” એક વિદ્યાર્થીએ કહ્યું, “કેન્ટોર તો આજે તમારા વખાણ કરતાં થાકતો નહોતો!”
“એમ, શું કહ્યું તેને?” રાબીએ પોતાની આંખમાં એક ચમક સાથે કહ્યું.
“તેને બધાંને કહ્યું કે તમે તો કેટલાં બધાં જ્ઞાની છો!”
“બીજું શું કહ્યું?”
“કે તમારું ચારિત્ર્ય તો એકપણ ડાઘ વગરનું છે.”
“બસ એટલું જ કહ્યું?”
“અરે. હા તેને એમ પણ કહ્યું હતું કે તમે ખુબ જ ડાહ્યાં, વિદ્વાન, રમુજી અને કાયમ બીજાને મદદ કરવાં માટે આતુર હોવ છો.”
“બીજું કઈ?” રાબીએ બનાવટી સ્મિત સાથે કહ્યું.
“તેને એ પણ જાહેરમાં કહ્યું કે તમે એક આદર્શ યહૂદી છો.”
“બીજું શું?”
“મને લાગે છે કે બસ એટલું જ કહ્યું હતું.”
“એ અજ્ઞાની મુર્ખ હું કેટલો નમ્ર છું એનાં ઉપર બોલવાનું જ ભૂલી ગયો?”

જો આપણે આપણી મહત્તાથી ઉપર ન ઉઠી શકતાં હોય, અને જો આપણી આજુબાજુ રહેલા બીજા લોકોની અંદર ભલાઈ કે દિવ્યતાના દર્શન ન કરી શકતાં હોય તો પછી આપણી પ્રાર્થનાઓ અને ધાર્મિકતાનો કોઈ લાભ નથી. કોઈ પણ આધ્યાત્મિક સિદ્ધિ વિનમ્રતા વગર બહુ જલ્દી નષ્ટ થઇ જતી હોય છે અને તેને હાંસલ કરનારને પહેલાં કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિમાં છોડી જતી હોય છે. આ દોડભાગ વાળી દુનિયામાં આપણે સ્પર્ધાત્મક વાતાવરણને ખુબ પ્રોત્સાહન આપતાં હોઈએ છીએ, જ્યાં આપણે મહત્તા અને માલિકીનો ઉપયોગ દરેક પ્રકારના લાભ મેળવવા માટે કરતાં હોઈએ છીએ, જ્યાં વિનમ્રતાને ક્યારેક નબળાઈની નિશાળી તરીકે જોવામાં આવે છે. જો કે વાસ્તવમાં તો જેના પણ હૃદયમાં વિનમ્રતા વસતી હોય છે તે ખરેખર ખુબ જ ભાગ્યશાળી હોય છે.

જો તમારે મજબુત બનવું હોય તો વિનમ્ર બનો, કારણકે વિનમ્રતા જ એક ખરી તાકાત છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email