આ પ્રશ્ન ઉપર વિચાર કરો, જો કે આ પ્રશ્ન થોડો ફિલસુફીથી ભરેલો છે, પરંતુ જેવી રીતે મોટાભાગના ફિલસુફી ભરેલા સવાલોનું હોય છે તેમ આ સવાલનું પણ આપણા જીવનમાં ખાસ મહત્વ રહેલું હોય છે. સૌથી વધુ ફાયદાકારી બાબત કઈ છે: ભૌતિક સુખો મેળવવા માટેની એક લગાતાર દોટ કે પછી આંતરિક શાંતિ ભર્યા માર્ગે ચાલતાં રહેવું તે? જો કે તે એકબીજાથી તદ્દન અલગ છે એવું પણ નથી, તેમ છતાં બેમાંથી એકને આપણા જીવનમાં પ્રાથમિકતા આપવી જ પડતી હોય છે. મારો કહેવાનો અર્થ એ છે કે શું આપણે સફળ બનવા ઉપર જ કેન્દ્રિત થઇ જવું જોઈએ કે જે સફળતા મેળવવામાં આપણે નિર્દયી બની જતાં હોઈએ અને જેમાં આપણા સંબંધોનો પણ ભોગ લેવાઈ જતો હોય (આશા રાખું કે આપણા નૈતિક મુલ્યો અને સિદ્ધાંતોની બલી પણ ન ચડી જતી હોય)? કે પછી આપણે થોડાં ઓછામાં સંતોષ રાખીને આપણા કુટુંબને, આપણને જેનો શોખ હોય તેના માટે, કે આપણા આંતરિક સ્ફૂરણા વિગેરેને મોટી પ્રાથમિકતા ગણવી?

ટોની કમ્પોલો કે જે એક અમેરિકન પાદરી છે, અને તેના માતા-પિતા ઇટાલીથી અમેરિકા સ્થાઈ થવા આવેલા, અને તેના જન્મ સમયે તેના માતા-પિતા ખુબ સંઘર્ષભર્યું જીવન વિતાવી રહ્યાં હતાં. ટોની પોતાની બુક Let Me Tell You a Story માં પોતાના માતા-પિતાના સંઘર્ષ વિશે અને તેમને કેવી રીતે એક બીજા પાદરી (કે જે ટોનીને અચાનક જ મળી ગયા હતાં) એ મદદ કરી હતી તેના વિશે એક સુંદર વાત લખી છે:
દુનીયાભરની માતાઓ ઉપર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમને એક સવાલ પૂછવામાં આવ્યો, “તમારા બાળકો મોટા થઇને શું બને એવી તમારી ઈચ્છા છે?” જાપાની માતાઓ એ મોટાભાગે એવો જવાબ આપેલો કે, “અમે અમારા બાળકો સફળ બને એવું ઇચ્છીએ છીએ.”

પરિણામ એ હતું કે જાપાનીઝ લોકોએ એક આખી બાળકોની પેઢી એવી ઉછેરી કે જેઓ દુનિયાના અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ સફળતા માટે જીવતાં બાળકોની હોય. તેઓ તેમને સોપેલાં કોઈ પણ પ્રકારના કામમાં બીજા કોઈ પણ લોકો કરતાં ખુબ જ વધુ મહેનત કરતાં. તેઓ જે કોઈપણ કામ હાથમાં લે તેને તે ઉત્તમ રીતે જ કરશે એવી એક અપેક્ષા રહેતી. બીજા વિશ્વયુદ્ધનાં નુકશાન પછી જાપાન જે રીતે ઉપર ઉઠ્યું તેની પાછળ માતા-પિતાઓ એ પોતાના બાળકોમાં સફળ થવા માટેનું જે એક ઝનુન ઉભું કર્યું હતું તે જવાબદાર હતું.

જયારે અમેરિકન માતાઓને પણ આ જ સવાલ કરવામાં આવ્યો, તો તમે તેમનાં જવાબની કલ્પના કરી શકો છો: “અમે અમારા બાળકો ખુશ રહે એવું ઇચ્છીએ છીએ!”

ખુશ ?!?!?! તમારે એ ધ્યાનમાં રાખવું પડશે કે હું એક જુનવાણી ઇટાલી પરિવારમાં ઉછર્યો છું. મને નથી લાગતું કે હું ખુશ છું કે નહિ એની મારા પિતાએ દરકાર પણ કરી હોય. હા, કદાચ હું એવું માનું છું કે મારી ખુશીની તેમને થોડી તો દરકાર હશે, અને હું ચોક્કસ એવું માનું છું કે હું મોટો થઇને સફળ વ્યક્તિ બનું એવું પણ તેઓ ઇચ્છતાં જ હશે.

પણ જો તમે મારા પિતાને પૂછો તો, અને ખાસ કરીને મારી માતાને, “તમે તમારો દીકરો મોટો થઇને શું બને તે ઈચ્છો છો?” તો એ બન્ને એ આ જ જવાબ આપ્યો હોત, “એ મોટો થઇને સારો બને એવું ઇચ્છીએ છીએ!”

આ વાર્તા સાંભળતી વખતે મને એવો ભાસ થયો કે આવું મારી સાથે પણ થયું છે (કદાચ તમારી સાથે પણ થયું હશે એવું તમને પણ લાગી શકે). મને યાદ છે, જયારે અમે મોટા થઇ રહ્યાં હતાં, ત્યારે મારા માતા હંમેશાં અમારા માટે બસ આ જ પ્રાર્થના કરતાં. જયારે પણ તેઓ અમને કોઈ સંતના આશીર્વાદ માટે લઇ જતાં તો પણ તેઓ હંમેશાં એવું જ કહેતા, “મહેરબાની કરીને એવા આશીર્વાદ આપો કે જેથી કરીને તેઓ મોટા બનીને સારા માનવ બને.” એમને અમને એવું પણ કહ્યું હતું કે જીવનમાં સૌથી મહત્વની બાબત હોય તો તે છે: સારા બનવું. બાકીનું બીજું બધું એની મેળે જ એક યાં બીજી રીતે થાળે પડી જતું હોય છે – એવું તેઓ કહેતાં. હું નાનો હતો ત્યારે મેં ક્યાંક વાંચ્યું હતું કે, “મહત્વની વ્યક્તિ બનવું એ એક સારી બાબત છે, પણ સારા બનવું એ વધુ મહત્વની બાબત છે.”

હું સહમત છું કે ઘણી વાર તમારે તમારી જાતની સુરક્ષા પણ કરવી પડે અને તે માટે પ્રતિકાર પણ, છતાં પણ તમે તેવું તમારી સારાઈ-ભલાઈને છોડ્યા વગર પણ કરી જ શકો. એવું વિચારી લેવું કે સારા બનવું એટલે થોડાં ઢીલાં રહેવું એ તો ભલાઈ માટેની એક ગેરસમજણ છે. (ચાર વર્ષ પહેલાં, ભલા એટલે શું એ સવાલ ઉપર મેં પ્લેટોના યુથીફ્રોના આધાર ઉપર લખ્યું હતું. તમારે વાંચવું હોય તો અહી ક્લિક કરો). મને લાગે છે ત્યાં સુધી, ભલાઈનાં ત્રણ મુખ્ય ગુણ છે:

૧. નેક ઈરાદો

હું જે કરવાં જઈ રહ્યો છું એની પાછળનો મારો ઈરાદો કોઈને દુઃખ, નુકશાન કે ઈજા પહોંચાડવાનો નથી આ વાત ભલાઈના પાયામાં રહેલી હોય છે. કે હું જે મારા હૃદયમાં ધરબી રહ્યો/રહી છું તે કોઈના પ્રત્યેની ઈર્ષ્યા, ખરાબ ઈરાદો, કે નફરત નથી. નેક ઈરાદો એ તમારી ચેતના માટેનું શુદ્ધીકરણ છે. એટલું કહ્યાં બાદ, ઉમેરીશ કે આ તો એક પ્રથમ પગલું છે અને તે પણ પોતાની રીતે સંપૂર્ણ નથી, કારણકે સાચી ભલાઈમાં તો કોઈ બીજાને મદદ કરવાની વાત છે, કોઈના માટે કામમાં આવવાની વાત છે અને તે પણ ફક્ત વિચારોથી નહિ કર્મોથી પણ. અને અહી ચુનોતી તો ત્યારે આવતી હોય છે કે જયારે તમારે કશું હકારાત્મક કરવું હોય, અને તમે જેમને પ્રેમ કરતાં હોવ તે લોકો તરફથી જ તમને એ બાબત માટે ટેકો ન મળે. શું તમારો ઈરાદો તો પણ ઉમદા કહી શકાય ખરો કે જેમાં તમે બીજાને દુઃખ આપીને કોઈને મદદ કરી રહ્યાં હોય? આ ભલાઈ પાછળની એક ખરી મોટી મુસીબત છે. તેમાં કોઈ એક પસંદગી કરવાની વાત આવે છે. આવા પ્રસંગમાં ફક્ત એટલું યાદ રાખો કે અહી તમારો મુખ્ય ઈરાદો જરૂરીયાતમંદને મદદ કરવાનો છે. જયારે આપણે પ્રેમપૂર્વક વર્તતા હોઈએ, કોઇપણ જાતના મલીન કે ઝેરી ઈરાદા વગર, ફક્ત આપણી જાતને સત્યના માર્ગ ઉપર આગળ ધપાવવા માટે થઇને કે પછી કોઈ બીજી વ્યક્તિને સીધી મદદ કરવાં માટે થઇને જ તો જાણશો કે અહી તમારો ઈરાદો નેક છે.

૨. પરોપકારવૃત્તિ

આપણે મોટાભાગનું જે કઈ પણ કરીએ તે ફક્ત આપણી સુવિધા અને આનંદ માટે જ કરતાં હોઈએ છીએ. વધુ તેજ ભાગતી ગાડી, વધારે મોટું ઘર, એકદમ નવા ગેજેટ્સ, વધુ રોકાણ વિગેરે. જયારે આપણે આપણા સ્વાર્થી ઈરાદાઓ પાછળ મૂકીને થોડાં અંશે નિ:સ્વાર્થભાવે, બીજાને નજર સમક્ષ પ્રથમ રાખીને જો કોઈ નિર્ણય લેતાં હોઈશું તો આપણે ભલા બની રહ્યાં છીએ એમ કહી શકાય. એક સુંદર સુફી કહેવત છે જેનું ભાષાંતર કરીએ તો કઈક આવું લાગશે:

તમે એકલાં તરી શકતાં હોવ તેમાં કોઈ નવાઈ નથી, તમે જો કોઈ ડૂબતાંને તારી શકતાં હોવ તો વાતમાં કઈ દમ છે.
ભલા લોકો સાથે તો સૌ કોઈ ભલાઈ કરી શકે, જો તમે કોઈ ખરાબ વ્યક્તિ સાથે પણ ભલાઈ કરી શકો તો તે ખરી ભલાઈ છે.

પરોપકારની આ સમજ મને તેના પછીના ગુણ તરફ લઇ જાય છે કારણકે નિ:સ્વાર્થ બનો એ દ્વારા હું એવું નથી કહી રહ્યો કે તમે એવા લોકોની મદદ કરો જેમને તમારી મદદ ન જોઈતી હોય. પરોપકાર દ્વારા હું એવું સુચવી રહ્યો છું કે આપણું પ્રથમ પગલું બીજાને મદદ કરવાં માટેનું હોવું જોઈએ તેમના માટે કોઈ મત બાંધી લેવા માટે નહિ, તેમની સાથે સમાનુભૂતિ દાખવવાનું છે સલાહ આપવાની વાત નથી, ટેકો કરવાની વાત છે, ઠપકો આપવાની નહિ. આપણે આપણો હાથ લંબાવવો જોઈએ, તેઓને જો ન પકડવો હોય તો એ બાબત જુદી છે.

૩. સમજદારી

ભલા બનવું એ કોઈ સરળતાથી વિજય પ્રાપ્ત કરી લેવા જેવું નથી. સમજદારીનો અર્થ થાય છે જયારે તમે તમારો મત થોડી સાવધાની સાથે બાંધો છો અને તમે તેવું વ્યાવહારિકપણે અને તે પણ થોડાં વાસ્તવિકતા સાથે. સમજદારી વગર, ભલાઈ અજ્ઞાનતા તરફ ઢોળાઈ જાય છે. તમે આ શબ્દો સાંભળ્યા હશે કે “ક્યારેય અધૂરું નહિ છોડવાનું.” વારુ, એ કઈ હંમેશાં માટે સાચું નથી હોતું જેમ કે દાખલા તરીકે,  તમારી મદદ જેને ન લેવી હોય તેને તમે મદદ કરી શકતાં નથી હોતાં. ભલાઈનો અર્થ એ પણ છે કે તમારામાં એવી સૂઝ હોવી જોઈએ કે ક્યારે કઈ બાબતને છોડી દેવી અને તમારી ઉર્જાને કોઈ બીજી મહત્વની બાબત તરફ વાળી દેવી. આવા ડહાપણ વગરની ભલાઈ ફક્ત દુઃખ જ આપે છે અને ભાગ્યે જ ઉપયોગી સાબિત થતી હોય  છે.

જ્હોની અને રોની નામનાં બે નાના છોકરાઓ નાતાલના એક અઠવાડિયા પહેલા પોતાના દાદા-દાદીના ઘરે એક રાત રોકાય છે. સુવાના સમયે, તેઓ પોતાના ઘૂંટણીયે પડીને પ્રાર્થના કરે છે. જ્હોની જે નાનો હતો તે તેનામાં હોય એટલું જોર કરીને પ્રાર્થના કરતાં કહે છે:
“હું સાઇકલ માટે પ્રાર્થના કરું છું…” અને પછી હજી વધારે જોરથી ચીખતા કહે છે, “નવી સાઇકલ! ભગવાન મહેરબાની કરીને મને નાતાલ ઉપર એક નવી સાઇકલ આપો!”

રોની તેની સામું જુએ છે પણ જ્હોની તો પોતાની પ્રાર્થના જોર જોરથી ચાલુ જ રાખે
છે, એટલી ચીસો પાડે છે કે જાણે પાડોશીઓને જગાડવાની કોશિશ ન કરતો હોય. “હું નવા Xbox માટે પ્રાર્થના કરું છું…Xbox, ભગવાન, એ એક ગેમિંગ કન્સોલ છે! મહેરબાની કરીને મને નાતાલ ઉપર Xbox પણ જોઈએ!!”

“શું છે જ્હોની?” રોનીએ પૂછ્યું. “તું રાડો શા માટે પાડે છે? ભગવાન કઈ બેરા નથી.”
“પણ દાદી તો છે ને!” નાના જ્હોનીએ ધીમેથી કહ્યું અને પાછો રાડો પાડીને પ્રાર્થના કરવાં લાગ્યો.

નિ:શંક એક શ્રધાળું માટે, એક મોટી શક્તિ (દિવ્ય શક્તિ) દરેક વસ્તુ આપતી જ હોય છે. જો તમે ખરેખર તેના ઉપર વિચાર કરો તો, તેમ છતાં, ત્યાં હંમેશાં એક માધ્યમ રહેલું હોય છે જે મોટાભાગે એક બીજી વ્યક્તિના માધ્યમ દ્વારા આવતું હોય છે. અને કોઈ બીજા માણસ સાથે જોડાવાનો એક માર્ગ છે તેના પ્રતિ સારા કે ભલા બનાવાનો. તમે જેટલાં વધુ ભલા બનશો તેટલાં વધુ જીવનને તમે સ્પર્શી શકશો. અને તમે જેટલાં વધુ વ્યક્તિઓના જીવનને સ્પર્શશો (કે પછી થોડાંક વધુ જીવનોને), તેટલી વધુ તમારી ચેતનામાં સુંદર યાદો ભેગી થશે. આ હકારાત્મક અને માયાળુ યાદો જયારે-જયારે તમે એકલા કે હતાશા અનુભવતા હશો ત્યારે-ત્યારે તમારી મદદે આવતી રહેશે. અંતે તો, જો તમે તેની નોંધ લીધી હોય તો, તમને જણાશે કે જયારે તમે તમારી યાદોનાં પ્રવાહમાં તણાઈ ગયાં હોવ છો ત્યારે જ તમને એકલતા સાલતી હોય છે. કોઈની સાથે ગાળેલી, માયાળુ અને દયાળુ ક્ષણો તમારી અંદર એક ખુશીની યાદો બનાવતી હોય છે. જયારે દલીલો, અભદ્ર વ્યવહાર, ક્રોધ અને ગાળો વિગેરે એક દુઃખભરી યાદોના ચણતર માટેની ઈટો જેવી હોય છે જે તમારી અંદર એક દુઃખી યાદો બનાવતી હોય છે. ખુશીની યાદો તમને અંદરથી એક ઉષ્મા આપતી હોય છે જયારે દુઃખી યાદો તમારી અંદર એક કડવાહટ પેદા કરતી હોય છે. જેણે ભલાઈનાં આંતરિક સ્વભાવને ઓળખી લીધો છે અને આત્મસાત કરી લીધો છે તેને ક્યારેય એકલવાયું નહિ અનુભવે.

એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું, “મને એકલવાયાની એક તીવ્ર લાગણી સતાવે છે, હું તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકું?”
“ક્યારેય એવું ન વિચારીશ કે કશું પણ અહીથી બહારનું છે,” ગુરુએ જવાબ આપ્યો. “જીવનમાં દરેક વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં જ છે. જયારે તું આ સ્વીકારી લઈશ, ત્યારે જીવનમાં ઘણું બધું કરવાં જેવું દેખાશે.”

આશાને પણ એક અવસર આપો. જયારે તમે ભલા બની રહો છો ત્યારે તમે ફક્ત અન્ય વ્યક્તિઓ સાથે એક મજબુત સંબંધ માત્ર જ નથી બનાવતાં, પરંતુ તમે તમારી પોતાની જાત સાથે પણ એક ઊંડાઈથી જોડાવ છો. અને આવું કરવાથી તમે એક સુંદર સંબંધમાં બંધાવ છો. સુંદર સંબંધ શું હોઈ શકે, એવો વિચાર આવે છે? તો સાંભળો, સૌથી મોટા સંતોષકારી સંબંધમાં એક શાંતિ હોય છે. અને શાંતિ, જો હું વધુ ઉમેરતાં કહું તો, સારા કે ભલા બન્યાં વગર મળવી શક્ય નથી.

ભલા બનવું એ લાંબા ગાળે તમે વિચારી પણ ન શકો એટલું ફળદાયી સાબિત થતું હોય છે. તે ફક્ત વળતર જ નહિ બહુ મોટું વળતર રળી આપનારું સાબિત થાય છે. ભલાઈ એ એક ખરી આશાનું બીજ છે. કોઈ પણ ભલાઈનું કામ એ ક્યારેય એળે નથી જતું, પ્રકૃતિ તમને એનું અનેકગણું કરીને પાછુ આપતી હોય છે, કાયમ.

જયારે આપણે આ દુનિયામાં છીએ, ત્યારે એ આપણી જવાબદારી બને છે કે આપણે આપણા પોતાના માટે, આપણી પ્રેમાળ વ્યક્તિઓ માટે, સમાજ માટે અને આ દુનિયા માટે એક ભલાઈ દાખવીએ. મહાનતાનું એક બીજ કે જે તમે તમારી અંદર લઈને જો ફરતાં રહેશો, તો જે દિવ્ય પ્રકાશના દર્શનની તમને અભિલાષા છે, તે તમારી અંદર ભલાઈનાં દીપકમાંથી જ પ્રગટશે. અને જયારે એ એક મોટી આગ બની જાય ત્યારે તે બધી જ નકારાત્મકતા અને સ્વાર્થીપણાને ખાઈ જતી હોય છે.

હવે પછી વરસાદ વરસી ગયા પછીનું જે આકાશ દેખાય તેને ધારીને જોજો. સુંદર ભૂરું આકાશ જેમાં હવે બધાં વાદળો વરસીને ખાલી થઇ ગયા છે, તે એકદમ શાંત અને એક મનોરમ્ય નવાપણાથી ધોવાઇ ગયેલું હોય એવું લાગશે. અને આ એક ભલા હૃદયની નિશાની પણ છે; જેની અંદર હારની કે કોઇપણ પ્રકારની નકારાત્મક લાગણીઓ (પોતાના માટે કે બીજા કોઈ માટે પણ)ની નિશાની નથી હોતી, તે પોતાની ભવ્યતા સાથે જ શાંત રહેતું હોય છે.

ભલા બનો, હળવા બનો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email