ચાલો આજે હું એક વાર્તા સાથે શરૂઆત કરું કે જે મેં થોડાં વર્ષો પહેલાં વાંચી હતી અને મનમાં ક્યારેક તેના વિશે લખીશ એવું નક્કી કર્યું હતું. શનિવારની સવારથી વધુ સારો સમય બીજો કયો હોવાનો હતો. આ રહી તે (વાર્તાનો શ્રોત અનામી છે):

ઉંમર વધવાની સાથે સાથે મને શનિવારની સવાર માણવી બહુ ગમતી હોય છે. કદાચ, સૌથી પહેલાં ઉઠી જવાથી જે એકાંત મળે છે એનાં લીધે એવું લાગે છે, કાં તો પછી કામ પર નહિ જવાનો જે અબાધિત આનંદ મળે છે તેના લીધે હોય એવું પણ બને. જે હોય તે, શનિવારની સવારના શરૂઆતના થોડાં કલાકો ખુબ જ આનંદદાયક હોય છે.

થોડાં અઠવાડિયા પહેલાં, શનિવારની શરૂઆત રાબેતા મુજબ જ થઇ હતી પણ એ એવી સાબિત થઇ કે જેમાં કોઈક કોઈક વાર જીવન તમને અમુક મહત્વની બાબતોનો પાઠ ભણાવી જતું હોય એવું લાગ્યું. તે શનિવારે હું મારો પ્રિય પ્રોગ્રામ રેડીઓ ઉપર સાંભળી રહ્યો હતો કે જેમાં શ્રોતાઓ ફોન કરીને તેમને પોતાનાં જીવનમાં જે કોઈ પ્રશ્ન હોય તે પૂછતાં હતાં. અને આ પ્રોગ્રામના હોસ્ટ સિવાય શ્રોતાઓ પણ પોતાનો દ્રષ્ટિકોણ એકબીજા સાથે વહેંચી શકતાં. કોઈ ટોમ નામની વ્યક્તિએ ફોન કર્યો અને કહ્યું કે પોતાની નોકરીને લીધે તેને પોતાના કુટુંબથી દુર રહેવું પડે છે, પરંતુ આ નોકરીમાંથી એટલો સારો પગાર મળે છે કે તે પોતાના જીવનનો સૌથી ઉત્તમ સમય જીવી રહ્યો હોય એવું લાગે છે. તે ૩૨ વર્ષનો હતો અને તેનો પ્રશ્ન એ હતો કે તેના જીવનમાં શેની પ્રાથમિકતા હોવી જોઈએ – નોકરીની કે કુટુંબની?

એક બીજા શ્રોતાએ ફોન કર્યો અને તેમના અવાજ પરથી તે થોડાં મોટી ઉંમરના હોય તેવું જણાતું હતું, પણ તેમનો અવાજ સોનેરી હતો. એવો કે જે સાંભળીને એવું લાગે કે તેમને કોઈ બ્રોડકાસ્ટિંગના વ્યવસાયમાં કામ કરવું જોઈએ. તેમને એક એવી સલાહ આપી કે જે હું પોતે ક્યારેય ભૂલી શકીશ નહિ.

“વારુ, ટોમ,” તેમને કહ્યું, “તને સાંભળીને ચોક્કસ એવું લાગે છે કે તું તારી નોકરીમાં ખુબ જ વ્યસ્ત છું. એ લોકોએ તને સારો પગાર આપવો જ જોઈએ પરંતુ એ માટે તારે તારા ઘરથી અને કુટુંબથી દુર રહેવું પડે છે એ શરમજનક પણ કહેવાય. એક યુવાન માણસને પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે અઠવાડિયાના ૬૦ થી ૭૦ કલાક કામ કરવું પડે, એ માન્યામાં આવતું નથી.”

“હું તને કઈક એવું કહીશ કે જેનાંથી મને મારા જીવનમાં સારી પ્રાથમિકતાઓ કેવી રીતે રાખવી તે વિશે માર્ગદર્શન મળ્યું હતું,” આગળ ચાલુ રાખતાં તેમને કહ્યું. “હજાર લખોટીઓની મારી એક સંકલ્પના. એક દિવસે, મેં બેસીને થોડી ગણતરી કરી જોઈ. એક મનુષ્યનું સરેરાશ જીવન આશરે ૭૫ વર્ષનું હોય છે. મને ખબર છે કોઈ વધારે પણ જીવે અને કોઈ ઓછું પણ જીવે, પણ આશરે સરેરાશ મનુષ્ય જીવન ૭૫ વર્ષનું ગણી શકાય.

“પછી મેં ૭૫ને ૫૨ વડે ગુણી કાઢ્યા અને જવાબ ૩૯૦૦ મળ્યો અને તેટલાં શનિવાર એક મનુષ્યના જીવનકાળમાં મળતાં હોય છે. મને આ બધી બાબતોનો વિગતવાર વિચાર મારી પંચાવન વર્ષની ઉંમરે આવ્યો હતો, અને ત્યાં સુધીમાં તો મેં ૨૮૦૦ શનિવાર જીવી પણ લીધા હતાં. મને વિચાર આવ્યો કે જો હું પોતે ૭૫ વર્ષ સુધી જીવું તો મારી પાસે હવે ફક્ત ૧૧૦૦ શનિવાર જ મન ભરીને જીવવા-માણવા માટે બચ્યાં છે.”

“અને માટે હું તે જ દિવસે એક રમકડાની દુકાને ગયો અને તેમની પાસે હતી એટલી લખોટીઓ ખરીદી લાવ્યો,” પેલા વ્યક્તિએ તો બોલવાનું ચાલુ જ રાખ્યું. “મને ૧૦૦૦ લખોટીઓ મળી. મેં એ બધી લખોટીઓને એક પારદર્શક પ્લાસ્ટિકની બોટલમાં ભરીને મારા રેડીઓ પાસે મૂકી દીધી. ત્યાર બાદ દર શનિવારે, હું એક લખોટી લઈને દુર ફેંકી દેતો. મને જણાયું કે લખોટીઓને ઓછી થતાં જોઈને હું પણ જીવનમાં જે સૌથી વધી મહત્વની બાબતો હોય તેના તરફ જ ધ્યાન આપતો થયો હતો. આ દુનિયામાં તમારો સમય જેમ જેમ પૂરો થઇ રહ્યો હોય તેનાં તરફ ફક્ત જોવા માત્રથી તમને તમારી પ્રાથમિકતાઓની સીધી ખબર પડવા માંડતી હોય છે.”

“હવે હું આ ફોન મૂકીને મારી વ્હાલી પત્ની સાથે બહાર બ્રેકફાસ્ટ કરવાં માટે જતાં પહેલાં એક છેલ્લી વાત કહી દઉં. આજે સવારે, મેં બરણીમાંથી છેલ્લી લખોટી કાઢીને ફેંકી દીધી છે. હવે જો હું આવતાં શનિવાર સુધી અહી હોઈશ તો હું સમજીશ કે મને થોડો વધુ સમય પણ મળ્યો છે. અને જો આ એક વસ્તુ એવી છે કે જેનો આપણે સૌ ઉપયોગ કરી શકીએ છીએ અને તે હોય છે થોડો વધારે મળતો સમય. હું આશા રાખું છું કે તું તારા પ્રિય વ્યક્તિઓ સાથે વધારે સમય વિતાવી શકે. ચાલ ત્યારે ગુડમોર્નિંગ!”

જયારે તેમને ફોન મુક્યો ત્યારે ત્યાં એકદમ નીરવ શાંતિ થઇ ગયી હતી. અરે, આ કાર્યક્રમનાં જે હોસ્ટ હતાં તેઓ પણ થોડીક ક્ષણો માટે ચુપ થઇ ગયાં હતાં. મારે એ સવારમાં થોડુક કામ કરવાનું આયોજન હતું અને ત્યાર બાદ જીમમાં જવાનું હતું. એનાં બદલે, હું ઉપર ગયો અને મારી પત્નીને એક ચૂમી ભરીને ઉઠાડી. “કમ ઓન, હની, હું તને અને બાળકોને બહાર નાસ્તો કરવાં માટે લઇ જઉ છું આજે.”
“આજે વળી આવું કેમ સુઝ્યું?” તેને પણ એક સ્મિત સાથે પૂછ્યું.
“અરે, કઈ ખાસ નહિ, ઘણો વખત થઇ ગયો આપણે શનિવારે બાળકો સાથે સમય પસાર નથી કર્યો.”
તે તો પથારીમાંથી કુદીને ઉભી થઇ ગયી.
“તદુપરાંત,” મેં તેને કહ્યું. “મારે થોડી લખોટીઓ પણ ખરીદવાની છે.”

મોટાભાગનાં  લોકો આજે કામ, લક્ષ્ય, મહત્વકાંક્ષા વિગેરે પાછળ દોડતાં રહેલાં છે. તેઓને એવું લાગતું હોય છે કે જો આપણે દરેક બાબતમાં ટોંચ ઉપર નહિ રહીએ તો બીજા કરતાં આપણે પાછળ રહી ગયાનો એક ડર (FOMO – Fear of Missing Out) રહેતો હોય છે, અને તે ડર દરેક બાબત માટે આપણને આપણી ક્ષમતાંથી પણ વધુ ખેંચાઈ જવા માટે મજબુર કરતો હોય છે. એટલું જ નહિ, આ આપણે આપણી તંદુરસ્તી, આધ્યાત્મિકતા, અને શારીરિક સંભાળના ખર્ચે કરતાં હોઈએ છીએ, એટલું જ નહિ પણ જે બાબતો આપણા માટે ખરેખર મહત્વની છે તેના ભોગે પણ કરતાં રહીએ છીએ. હું ના નથી કહેતો કે આજની દુનિયા અતિસ્પર્ધાત્મક થઇ ગઈ છે, પણ જો તમે કોઈ સંતુલિત જીવન જીવતાં હોય એવા લોકો તરફ નજર નાખશો તો તમને જણાશે કે તેઓ તેમના જીવનમાં પણ એક વિકાસ કરી જ રહ્યાં હોય છે અને તેઓ બરાબર જ હોય છે.

અમેરિકાનાં એક હોસ્પાઈઝ (કે જ્યાં મરણતોલ બીમારીથી પીડાતા લોકોની સાર-સંભાળ કરવામાં આવતી હોય છે.)માં એક સર્વે કરવામાં આવ્યો જેમાં મૃત્યુશૈયા ઉપર રહેલા દર્દીઓને પૂછવામાં આવ્યું કે તેમને જીવનમાં કશો વશવશો છે ખરો? એમાંના એક પણ માણસે એવું ન કહ્યું કે તેઓ એવું ઈચ્છે છે કે કાશ તેમને થોડો વધુ સમય કામ કરીને વિતાવ્યો હોત, કે પછી કોઈ મહત્વની થીસીસ પૂરી કરી હોત, કે અમૂક ચોક્કસ પ્રોડક્ટ બહાર પાડી હોત. એમાંના દરેકજણે એવું લખ્યું કે કાશ તેઓ કાળનાં પેટાળમાં પાછા જઈ શકે, અને તો તેઓ થોડો વધુ સમય પોતાના કુટુંબ સાથે વિતાવી શકે.

વારંવાર, ગ્રંથો આપણને એ યાદ અપાવતાં રહે છે કે દુનિયામાં દરેક વસ્તુ અસ્થાઈ છે, કે આમાંનું કશું પણ કાયમ ટકતું હોતું નથી. આપણા જીવનમાં આજે જે કઈ પણ કેમ ન હોય, એક દિવસે એ ત્યાં નહિ હોય. અમુક શનિવાર ચોક્કસપણે આપણો છેલ્લો શનિવાર હશે. એક સવાર હશે જયારે આપણે નહિ ઉઠી શકીએ, એક ક્ષણ એવી હશે કે જેના બાદ આપણે ફરી શ્વાસ નહિ લઇ શકીએ. આમાંથી કોઈ છટકી શકવાનું નથી.

આ એક નકારી ન શકાય એવું સત્ય છે તેને માનીને, અને એવું જાણીને કે દરેક વસ્તુ અસ્થાઈ છે, શું એવું નથી લાગતું કે તો પછી આપણે આપણું જીવન મનભરીને જીવવું જોઈએ? ચોક્કસ બધો સમય કામ કરતાં રહીને તમે સંપૂર્ણ જીવન ન જીવી શકો, હા, વ્યસ્ત જીવન જરૂર જીવી શકો, પણ પૂર્ણ જીવન નહિ. આપણા માટે માર્ગ ભૂલી જવો અને આપણી પ્રાથમિકતાઓ આપણી નજર બહાર થઇ જવી ખુબ જ સરળ છે. અરે Candy Crush Saga જેવો એક નાનામાં નાનો વિક્ષેપ પણ તમને કલાકો ના કલાકો એવી બાબતમાં વેડફી નંખાવે છે. જે સમય કદાચ તમે કોઈ જીમમાં વિતાવી શક્યાં હોત કે પછી બગીચામાં પોતાના પ્રિય વ્યક્તિઓ સાથે બેસીને વિતાવી શક્યાં હોત, કે પછી ખાલી આરામ કરીને વિતાવી શક્યાં હોત તે એક નક્કામી બાબત પાછળ ખર્ચાઈ જાય છે. કારણ? સજાગતાનો અભાવ.

મને તો લાગે છે તમે હવે ૭૫ (કે ૭૭)ના થાવ તેના માટે હવે કેટલાં શનિવાર બચ્યાં છે તેની ગણતરી કરવી એ એક ખુબ જ આવકારદાયક વિચાર છે, અને પછી એટલી લખોટીઓ લાવીને એક પારદર્શક બરણીમાં ભરી રાખવી. દર શનિવારે એમાંથી એક લખોટી કાઢી લો. જેમ કે પેલા સમજદાર માણસે રેડીઓમાં કહ્યું હતું કે: “આ દુનિયામાં તમારો સમય જેમ જેમ પૂરો થઇ રહ્યો હોય તેનાં તરફ જોવા માત્રથી તમને તમારી પ્રાથમિકતાઓની સીધી ખબર પડવા માંડતી હોય છે.” આ તમારી જીવનની બરણી હોઈ શકે છે અથવા તો સજાગતાની બરણી. તમારા FOMO (Fear of Missing Out) ને JOMO (Joy of Missing Out)માં બદલી નાંખો. દુનિયામાં જે કઈ પણ બધું ચાલતું હોય તે તમામ બાબતોને આપણે જાણવી જરૂરી નથી, દુનિયાનું બધું જ સાહિત્ય આપણે વાંચવું જ પડે એવું જરૂરી નથી અને દરેક બાબતમાં ટોંચ ઉપર રહેવું જ પડે એવું પણ જરૂરી નથી. હળવાશથી લો.

એક દિવસ મુલ્લા નસરુદ્દીનના મિત્ર તેમને મળવા આવ્યા, અને મુલ્લાની બેગમે મહેમાનને ગરમાગરમ રોટલી અને સરસ મજાનું શાક જમાડવાનું નક્કી કર્યું.

મુલ્લા તો તવા ઉપરથી ઉતરતી ગરમ ગરમ રોટલી એક પછી એક લાવીને પીરસવા માંડ્યા, તેમના મિત્ર હવે ધરાઈ ગયાં હતાં.

“હજી એક બીજી લો!” મુલ્લાએ આગ્રહ કરતાં કહ્યું.
“ના, મુલ્લા,” પેલા મિત્રે કહ્યું. “મેં પાંચ તો ખાધી!”
“ભાઈ, સામાન્ય રીતે તો હું ગણતરી નથી કરતો, પણ હકીકતમાં તું સાત ખાઈ ગયો છું.”

બીજું કોઈ ગણતરી કરતુ હોય કે નહિ, એક હિસાબ તો જરૂર રહેતો હોય છે. ના, હું એમ નથી કહી રહ્યો, ઉપર કોઈ ખાતાવહી લઇને બેઠું છે. બસ એટલું જ કે આપણામાંનું દરેકજણ એ અંતિમ ક્ષણ તરફ આગળ વધી રહ્યું છે. ખોટી લાગણીઓ ઉપર, પસ્તાવા ઉપર, કે ફક્ત ભૌતિક લક્ષ્યો ઉપર જીવનનો સમય વેડફી નાંખવો યોગ્ય નથી. તમે આખું જીવન ખુબ જ મહેનત કરો છો કે જેથી કરીને નિવૃત થયા બાદ તમે થોડાં વર્ષો ચોપાટી નજીક આવેલા કોઈ મોંઘા ઘરમાં રહીશકો. પણ અંતે, તો તમે શહેરમાં એક નાના ઓરડા વાળા મકાનમાં ને કાં તો પછી વૃદ્ધાશ્રમમાં જ રહેતાં હોવ છો, જ્યાં કદાચ બારીમાંથી એક બગીચો દેખાતો હોય તેવું બને. વધારે સારા ભવિષ્યની આશામાં તમારા વર્તમાનનો ખાત્મો બોલાવી દેવો એ કોઈ ડહાપણ ભરી વાત નથી. તમારી આજ જ તમારી ગઈકાલનું ભવિષ્ય હતું. ભવિષ્ય એ કોઈ દૂરની તારીખ નથી કે નથી કોઈ અંતિમ મુકામ. એ તો અહી જ છે, તમારું આગલું પગલું.

આપણે ઘણી વાર એ ભૂલી જતાં હોઈએ છીએ કે આપણે આપણો સમય ખરેખર ક્યાં વિતાવવો જોઈએ. જે લોકો મહત્વના નથી તેમને આપણી પાસે જે નથી તેના વડે ખોટા પ્રભાવિત કરવામાં આપણે લાગેલાં રહીએ છીએ. આપણને જે ન ગમતું હોય એ જ કામ કરતાં રહીએ છીએ, જેથી કરીને આપણે કમાઈ શકીએ અને કમાયેલું ધન એવી વસ્તુઓ ખરીદવામાં વાપરી શકીએ જેની આપણને કોઈ જરૂર નથી હોતી. મને શંકા છે કે તમે નાના હશો ત્યારે આવું જીવન જીવવાનું સ્વપ્ન પણ સેવ્યું હશે કે કેમ!. જીવન આવું જ હોવું જોઈએ એવું જરૂરી નથી. આપણે એવી બાબતોની ચિંતા કરતાં હોઈએ છીએ જેનું આ વિશાળ રચનામાં કોઈ મહત્વ નથી…જ્યાં તમને ખબર જ નથી કે આવતી કાલે શું થવાનું છે. કારણ કે તમારું જીવન આખરે છે શું? એક વરાળ કે જે થોડાં સમય માટે તો દેખાય છે અને ત્યારબાદ અચાનક જ અદ્રશ્ય થઇ જાય છે. (જેમ્સ. ૪:૧૪) ધીમા પડો. થોભો. શું આવું જ કરવાનું છે તમારે? તમારે કયા માર્ગે ચાલવું એ પસંદગી કરવાનો ચોક્કસ તમને પોતાને અધિકાર છે, પણ ફક્ત સજાગ બનીને તે નિર્ણય કરો.

બ્લેક લોટસ એપમાં ૧૭મી જુનના રોજ આવનાર સ્વામીનારના જીવંત પ્રસારણમાં મારી સાથે જોડાવ. (આ એપ દ્વારા તમે મને પ્રશ્નો પૂછી શકો છો, અને તેમાં હું જેને સૌથી વધુ મત મળ્યો હોય એવા પ્રથમ દસ પ્રશ્નોનો ઉત્તર આપીશ. વધુ માહિતી માટે આ એપને app store અથવા તો Google Play Store માંથી ડાઉનલોડ કરો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email