એક નાનકડી છોકરી હતી.
જેને પણ એક નાનકડી છોકરી હતી
બિલકુલ એનાં મસ્તકની મધ્યે;
અને જયારે એ સારી હોય
ત્યારે એ ખુબ-ખુબ સારી હોય,
અને જયારે એ ખરાબ હોય, ત્યારે ભયાનક રીતે ખરાબ હોય.

~ H. W. Longfellow

આપણા બધાંની વિચાર કરવાની ખાસ એક શૈલી હોય છે, એવી બાબતો કે જે આપણા માટે કામ કરી જાય કે પછી આપણને જ લાત મારતી જાય. એકદમ અચાનક જ આપણો મિજાજ બદલાઈ જતો હોય છે અને નકારાત્મક વિચારો કેળાનાં ખેતરમાં તોફાન મચાવી રહેલાં વાંદરાની જેમ આપણા મગજમાં ઘમાસાણ બોલાવી દેતાં હોય છે (કલ્પના કરી જુઓ, રમુજ પડશે). જયારે આપણે સારા હોઈએ છીએ, ત્યારે આપણે એટલાં બધાં સારા હોઈએ છીએ કે આપણને પોતાને પણ આપણી ભલાઈ ઉપર, આપણા હૃદયની વિશાળતા ઉપર વિશ્વાસ નથી બેસતો હોતો. અને જયારે આપણે ખરાબ હોઈએ ત્યારે આપણે એટલાં ખરાબ હોઈએ છીએ કે શેતાનને પણ પોતાનું મોઢું સંતાડવા માટે દોટ મુકવી પડે. આપણે એવા વિચારો નથી કરવાં હોતાં, કે એવી લાગણીઓનો અનુભવ નથી કરવો હોતો, પણ તેમ છતાં આપણે તેમ કરતાં હોઈએ છીએ. તમને નવાઈ લાગે છે કે આવું કેમ થાય છે? કદાચ મારી પાસે તમારા સવાલનો જવાબ છે.

રામકૃષ્ણ પરમહંસ હંમેશાં એક વાર્તા કહેતાં. એક માણસ હોય છે જે એક ધીરે-ધીરે ચાલતી થયેલી ભરચક ટ્રેઈનમાં બેસવા માટે દોટ મુકે છે. થાકતો હાંફતો તે એક ભારે થેલો પોતાના ખભા ઉપર લટકાવી ટ્રેઈનમાં ગમે તેમ કરીને ચડી તો જાય છે, પણ અંદર બેસવા માટે તો એક પણ જગા ખાલી હોતી નથી. થોડી મીનીટો પસાર થઇ જાય છે, ગાડીની ગતિ વધી જાય છે અને તે પોતાનો થેલો ખભા ઉપર જ લટકાવીને ઉભો રહ્યો હોય છે.

“તમે થેલો તો નીચે ઉતારી શકો છો,” એક મુસાફરે તેને કહ્યું.
“કેમ?” તેને તિરસ્કારભર્યા સવારે કહ્યું. “તને શું થાય છે? એ મારો થેલો છે!”
“પણ હવે તમે ગાડીમાં છો!” બીજા મુસાફરે કહ્યું. “આ ભાર ઊંચકી રાખવાને બદલે તમે નીચે પણ મૂકી શકો છો!”
જો કે પેલા માણસે તો પોતાનો થેલો નીચે ન મુક્યો તે ન જ મુક્યો, ને આખી મુસાફરી ઉભા-ઉભા થેલો ઊંચકીને જ કરી.

જોકે, એ ડહાપણભરી વાત નહિ માનીને મુર્ખ અને જીદ્દી જ બની રહ્યો હતો. પરંતુ આ વાર્તા ફક્ત તેની એકલાંની જ નથી. એ આપણા સૌની વાર્તા છે. આપણામાંનું સૌ કોઈ એ વ્યક્તિ જ છે જે પોતાનો ભાર છોડવા માટે તૈયાર નથી. જ્યાં સુધી કોઈ થેલો તમારે ખસેડવાનો કે ઊંચકવાનો ન હોય ત્યાં સુધી તેનો ભાર લાગતો હોતો નથી. આપણા જીવનમાં જે કઈ પણ થઈ રહ્યું હોય તેને લીધે આપણું જીવન એટલું ભારે નથી થઇ જતું હોતું, જેટલું આપણે તે બાબતોનો ભાર નહિ છોડીને કે તેને બાજુ પર નહિ રાખીને આપણા જીવનને ભારે કરી મુકતા હોઈએ છીએ.

જુડિથ સીલ્સ તેમના પ્રખ્યાત પુસ્તક Excess Baggage માં તેને આપણા blind spots કહે છે. કે જેને જોઇને પણ આપણે ઓળખી શકતાં હોતાં નથી. જેમ કે ઘરમાં રહેલું કોઈ જુનું અને ભારે ફર્નીચર, જેની સાથે રોજ આપણો અંગુઠો ભટકતો હોય છે. આ વધારે પડતાં ભારની સૌથી જૂની અને મોટી નિશાની જો કોઈ હોય તો તે આપણી એ માન્યતા હોય છે કે કોઈ બીજું વ્યક્તિ મારા દુઃખનું કારણ છે. આપણું વર્તન, માન્યતાઓ અને લાગણીઓ કેવી રીતે એક ભારે થેલો આપણા માટે નિર્માણ કરે છે તેનું આ લેખિકાએ પોતાનાં પુસ્તકમાં બહુ સુંદર વર્ણન કર્યું છે. અત્રે ટાંકું છું:

સૌ પ્રથમ વર્તનનાં સ્તર પર જોઈએ તો, આપણા આ ભારે થેલામાં આપણી ટેવો હોય છે – એ બધી ટેવો કે જેનાંથી શરૂઆતમાં તો આનંદ મળે પણ પાછળથી ગ્લાની ઉત્પન્ન થાય. વિનાશક મોહ, અને હાનિકારક વળતાં પ્રહારો કે જેનાંથી આપણી જ તંદુરસ્તી જોખમાતી હોય, આપણી જ ક્ષમતામાં અવરોધ ઉભો થાય, અને જેમાં જે લોકોને આપણે સૌથી વધુ પ્રભાવિત કરવાં માંગતા હોઈએ તેમને જ આપણે દુઃખ આપી બેસતા હોઈએ છીએ. આ બધી જ બાબતોનો સમાવેશ થઇ શકે તેવી યાદી બનાવવી તો અસંભવ છે કેમ કે માણસ તરીકે હોવામાં આપણી પાસે એક એવો જાદુ છે કે જેની શક્તિ વડે આપણે અનંત ખરાબ ટેવો ઉભી કરી શકીએ તેમ છીએ.

સમજણનાં સ્તર ઉપર જોવા જઈએ તો, આપણો આ ભાર હોય છે આપણા બરાબર નહિ ચકાસેલા મુલ્યો, માન્યતાઓ અથવા તો આપણી ધારણાઓ કે જે આપણને એટલાં દુઃખી, આતુર, ડરપોક, કે પછી એકદમ નબળા બનાવી દેતાં હોય છે, જે કદાચ તેના અભાવે આપણે એવા ન હોત. માન્યતાનો થેલો એક એવી ફ્રેમ છે કે હવે તેમાં ફીટ થવા જેટલાં નાનાં તમે રહ્યાં હોતાં નથી, એક અંગત સૂત્ર કે જે હવે તમારા માટે કોઈ કામનું નથી રહ્યું હોતું. દાખલા તરીકે, “સારી છોકરીઓ પૈસા વિશે વાતો ન કરે” આ માન્યતા જ્યાં સુધી સ્ત્રીઓ કામ નહોતી કરતી ત્યાં સુધી તો બરાબર હતી, પણ જયારે આ સારી સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પ્રવેશી અને ત્યાં તેને પુરુષની સરખામણીમાં ઓછું વેતન આપવામાં આવ્યું ત્યારે આ માન્યતા એક સમસ્યા બની ગઈ. એવી જ રીતે એક બીજી માન્યતા કે “પુરુષો જ જે કઈ ભાંગ્યું-તૂટ્યું હોય તેને સરખું કરે” – જે મારી પ્રિય માન્યતા હતી, પરંતુ એક દિવસ એક પ્રસંગ ઉપર એમાંથી મારા પતિએ મને આઝાદ કરી દીધી. (મારા લગ્ન થયાનાં શરૂઆતનાં દિવસોમાં, એક દિવસ બાથરૂમનો નળ તૂટી ગયો અને તેમાંથી સતત પાણી ટપક્યાં કરતુ. મને એનો અવાજ સાંભળીને ખુબ ચીડ ચડતી. અંતે મેં કહ્યું: “જુવોને, આ બાથરૂમનો નળ ટપક્યાં કરે છે…” તેને પોતાનાં પેન્ટની ઝીપ ખોલી અને તેના તરફ આંગળી ચીંધી અને કહ્યું, “જુડિથ, આનાં લીધે કઈ હું પ્લમ્બર નથી બની જતો.”)

લાગણીના સ્તરે જે થેલો છે તેમાં તમારા ભૂતકાળનો ભાર ભરેલો હોય છે જે તમારા વર્તમાનના આનંદ અને કામ કરવાની ક્ષમતા ઉપર અવરોધ ઉભો કર્યા કરે છે. આ બહુ જૂની અને શક્તિશાળી લાગણીઓ હોય છે કે જે નવી પરિસ્થતિમાં પણ નડ્યાં કરતી હોય છે. આપણા માતા-પિતા આ લાગણીઓનું મૂળ કેન્દ્ર હોય છે, ખાસ કરીને એક માં-બાપ તરીકેની તેમની લાગણીઓ અને આપણી સતત નિરાશા અને ગુસ્સાની લાગણીઓ, અરે આપણું જુનું સાથી પણ આપણી અંદર એક કર્કશ લાગણી જન્માવી શકે છે. એટલું જ નહિ, આપણા ભાઈ-બહેનો પણ કે પછી કુટુંબનાં બીજા સભ્યો પણ આ લાગણીનો થેલો ભારે કરી મુકતાં હોય છે.

આપણા દરેક પ્રકારનાં થેલાઓનો સ્રોત આપણા વ્યક્તિત્વનાં પ્રકાર ઉપર આધાર રાખે છે, આપણા વ્યક્તિત્વના લીધે જ આપણો એકાદો થેલો બીજા કરતાં વધારે ભરેલો રહેતો હોય છે…આપણી સૌથી મોટી નબળાઈ આપણી સૌથી મોટી તાકાતમાંથી જ જન્મતી હોય છે.

અહી પાંચ ભારે થેલાઓનાં  માનસિક લક્ષણોનું વર્ણન લખ્યું છે કે જે સામાન્ય રીતે એનાં માટેનું જે ઝનુન હોય છે એમાંથી જ જન્મતા હોય છે. દરેક લક્ષણની નીચે વાંકડીયાં અક્ષરોમાં જુડિથના પુસ્તકમાંથી એક-એક વાક્ય લખેલું છે જે દર્શાવે છે આ લક્ષણ કેવી રીતે આપણી તાકાત તેમજ નબળાઈ પણ છે. તમારા વ્યક્તિત્વમાં રહેલું એ કયું લક્ષણ છે કે જે તમારા માટે હવે ભારરૂપ બની રહ્યું છે તે સજાગતા માત્ર જ તમને તેને તે રીતે ઓળખવામાં અને પછી તેને પડતું મુકવામાં સહાયરૂપ થશે. પૂરી સભાનતાથી, જો આપણે આ તેની અંદર રહેલા ઝનુનને નાથી શકીએ, તો પછી તેના તમામ લક્ષણો પણ આપોઆપ જતાં રહેશે. આ લક્ષણો જરૂરી નથી કે સારા અથવા તો ખરાબ જ હોય (કારણકે તે તો હંમેશાં સાપેક્ષમાં જ રહેવાનાં). એ તો બસ એટલું જ કે તેનાંથી આ થેલામાં બસ એક ભાર ભરાતો જશે જે તમને તમારું જીવન પૂરી રીતે જીવવામાં અને માણવામાં અવરોધરૂપ બનશે. ચાલો તેના વિશે જાણીએ: (તમારું લક્ષણ કયું છે તે જોતા રહેજો, મેં આંખો બંધ રાખી છે…)

૧. તમે હંમેશાં સાચા હોવા જોઈએ

આ લક્ષણનાં મૂળમાં છે પોતાનો કાબુ રાખવાનું ઝનુન, કે જેથી કરીને તમે એક સારા પ્રતિસ્પર્ધી, સક્ષમ, અને જવાબદાર બની રહો. તમે કદાચ તમારી જાતને સંપૂર્ણ કહેવાનું અભિમાન પણ લઇ શકો. તમે જે શરુ કર્યું હોય તે તમારે પૂરું કરવું જ પડે. અરે એક એકદમ કંટાળાજનક પુસ્તક કેમ ન હોય, પણ તમે તે પૂરું કરશો જ કેમ કે તમે તે વાંચવાનું ચાલુ કર્યું હતું. તમારે કોઈ પણ ખરીદી કરતાં પહેલા પુરતી તપાસ કરવી જ પડે કેમ કે તમે એક હોશિયાર નિર્ણય લીધો છે એમ તમને હંમેશાં લાગવું જોઈએ એવી તમારી એક જીદ હોય છે. તમે સહેલાઇથી એક વર્કહોલિક (સતત કામ કરનારા), બની જઈ શકો છો અને પછી તમારા કામની ભૂમિકા અને જવાબદારીઓ તરફ આંગળી ચીંધીને તમારી ગાંડપણ ભરી કામ કરવાની રીતને ન્યાયી ઠેરવતા રહો છો. તમારા માટે આદર્યા અધૂરા છોડવાનું ખુબ જ અઘરું થઇ પડે છે.

જયારે કશું મહત્વનું હોય, ત્યારે તમે શક્ય એટલું ઉત્તમ કાર્ય કરશો. પણ, જયારે એનું કઈ મહત્વ ન હોય, ત્યારે પણ તમારે એ “બરાબર” કરવું જ પડે.

૨. શ્રેષ્ઠ હોવાની લાગણી

તમે પોતે શ્રેષ્ઠ છો એવી લાગણીની પછવાડે તમારું આત્મગૌરવનું ઝનુન રહેલું હોય છે. મેં એ જોયું છે કે તમે તમારી જાતમાં જેટલો ઓછો વિશ્વાસ રાખો, એટલું જ તમારામાં આત્મ-ગૌરવ ઓછું હોય છે (પછી ભલે ને તમે જાહેરમાં લોકો વચ્ચે બીજું કશું કેમ પ્રદર્શિત કેમ ન કરતાં હોવ). અને જેટલું આત્મગૌરવ ઓછું, એટલું જ તમને તમારી સર્વોપરિતા પ્રદર્શિત કરવાનું મન વધારે થાય. દાખલા તરીકે, કોઈ સુપરસ્ટાર હશે તેને રેડ કાર્પેટ ઉપર કોઈ ઘરેણાં પહેર્યા વગર, સાદા કપડામાં પણ ચાલવામાં કોઈ ખચકાટ નહિ અનુભવાય, પરંતુ એક સંઘર્ષ કરતી વ્યક્તિને પોતાના તરફ કોઈપણ રીતે ધ્યાન ખેંચવા માટે જાતજાતનાં નખરા, કપડા કે અમુક રીતના શબ્દો બોલવાની જરૂર પડતી હોય છે. જયારે તમે કોઈ વ્યક્તિ વિશેષ હોવ તો તમે પહેલીથી જ ખાસ છો. એ તો બસ અધૂરા ઘડા જ બહુ છલકાયા કરતાં હોય છે. જો તમે ખરીદી કરવાં માટે ગયાં હોવ તો તમે ફક્ત ત્યાં જે સૌથી સારું મળતું હોય તે જ ખરીદો છો. તમે તમારી જાતને બહુ ચોક્કસ પસંદગી વાળા માનતા હોવ છો, પણ ત્યાં તમે ફક્ત મુર્ખ જેવાં જ દેખાતાં હોવ છો.

અતિશ્રેષ્ઠતા એ એક જાદુઈ ઉચ્ચાઈ છે, એક મહાકાય અને મજા પડે એવા અહંકારથી ફૂલાયેલો ફુગ્ગો. પરંતુ, ત્યાં ઈર્ષ્યા, અદેખાઈ અને લઘુતાગ્રંથીની સોયોથી એ ફુગ્ગો ફૂટી જવાનો ભય હંમેશાં રહેતો હોય છે.

૩. અસ્વીકારનો ડર

અસ્વીકારના ભયની નીચે સુરક્ષા માટેનું ઝનુન જવાબદાર હોય છે. તમે બધાં સાથે બહુ જ સારા બનીને રહો છો કેમ કે તમારો કોઈ અસ્વીકાર કરશે એ વિચાર પણ તમારાથી સહન નથી થતો હોતો. તમે બહુ સરળતાથી કોઈનાં ઉપર આધારિત થઇ જાવ છો. બહુ સારા થવાની કોશિશમાં તમે બહુ વધારે પડતાં દાની પણ થઇ જાવ છો, ને ક્યારેક શહીદ પણ. આ પ્રકારના વલણમાં, જો કે સમસ્યા એ છે, કે અહી તમને બદલામાં બહુ બધી અપેક્ષાઓ પણ રહેતી હોય છે. તમને એવું લાગતું હોય છે કે તમે બીજા માટે એટલું બધું કરી રહ્યાં છો અને એ પણ કોઈ પસંદગી કરીને નહિ પણ તમે ખરેખર તેમના માટે કાળજી કરો છો એટલાં માટે, અને માટે  જ તેઓએ પણ તેની કદર કરવી જોઈએ અને તેમનું જીવન તમારા મુજબ જીવવું જોઈએ. અને બીજી બાજુ, તેઓ એવું વિચારતા હોય છે કે તમે તો પ્રેમના લીધે અને તમારે લેવી હોય છે એટલાં માટે જ તેમની સંભાળ લઇ રહ્યાં છો. પરંતુ તમને તો સતત એક સહમતીની, કદરની, સ્વીકારની જરૂર પડતી હોય છે. અરે એટલું જ નહિ તમને ઘણીવાર તો તમારા પર જે શુભેચ્છાઓની વર્ષા કરવામાં આવી હોય તો તમને એનો પણ વિશ્વાસ નથી આવતો હોતો. અંદરખાનેથી તમને એવું જ લાગતું હોય છે કે તમે તો બહુ જ સારા છો અને તમે ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહ્યાં છો. તમે સામાજિક પ્રસંગો અને પાર્ટીઓમાં જવાનું પણ ટાળો છો.

તમે ખુબ જ ઉદારતાથી આપતા રહો છો પણ બદલામાં બહુ મોટી કિંમત પણ લો છો.

૪. તમે બહુ મોટું નાટક કરો છો

આ લક્ષણની પાછળ તમારો મોહ જવાબદાર છે. તમારા માટે બધાં ઉભા થઇને તાળીઓનો ગડગડાટ કરે એવું સ્વપ્નું તમે સેવો છો. તમારા સાથી સાથે વાત કરતી વખતે તમારું વાક્ય આવી રીતનું શરુ થાય છે, “જો તું મને પ્રેમ કરતો/કરતી હોય તો તને અમુક વાતની ખબર હોવી જોઈએ…કે પછી મારે તને કઈ કહેવાની જરૂર ન પડે, વિગેરે” પ્રેમ માટેની તમારી મુખ્ય માન્યતા એ હોય છે કે જો તમારે પ્રેમ માંગવો પડતો હોય તો, તે પ્રેમનું કોઈ મુલ્ય નથી. તમે કોઈકના બનવા તો ઈચ્છો છો પરંતુ સાથે સાથે તમે એ પણ ઈચ્છો છો કે તે વ્યક્તિ તમને એક પાગલની જેમ પ્રેમ કરે / કે તમારી જરૂરિયાત અનુભવે, જેથી કરીને તમારી દુનિયા એક બધી રીતે સંપૂર્ણ બને. લાગણીઓ તમારા માટે ખુબ જરૂરી છે કેમ કે તમે એક અતિ લાગણીશીલ વ્યક્તિ છો. તમારી પ્રથમ દલીલ જ એ હોય છે કે તમને કેવી લાગણી અનુભવાય છે એનાં ઉપર તમારો કોઈ કાબુ નથી ચાલતો. તમને દિનચર્યાનો ડર લાગતો હોય છે અને નાટકીય જીવનનાં સ્વપ્ના જોતા બેસો છો.

તમને તમારા પોતાના વિચારો પણ હોઈ શકે અને તેના માટે તમારી અંદર એક અંત:સ્ફૂરણા પણ હોઈ શકે. પરંતુ, તમને જે કોઈ માહિતી મળે તેના પ્રત્યે તમે વધુ પડતો પ્રતિકાર આપો છો. તમારા માટે આદર્શ ભેટ એ છે કે તમને કોઈ કેટલો પ્રેમ કરે છે એનું જાહેરમાં પ્રદર્શન કરવામાં આવે.

૫. તમને ગુસ્સે થવાનું ગમે છે.

ગુસ્સે થવાના આનંદની પાછળ ન્યાય માટેનું ઝનુન જવાબદાર હોય છે. તમારી સાથે જેણે ખોટું કર્યું હોય તેમને કોઈ પણ રીતે સજા થાય તે વિચારમાં તમને સ્વાદ આવે છે. તમે કદાચ તેમને નુકશાન થાય એવું ઈરાદાપૂર્વક ન ઇચ્છતાં હોવ, પરંતુ તમે તેમને પોતાની ભૂલ સમજાય તેવું તો જરૂર ઇચ્છતાં હોવ છો. જો તમારે કોઈ પાર્ટીમાં જવાનું હોય, તો તમે એવું જાણવાનું પ્રથમ પસંદ કરશો કે જે વ્યક્તિથી તમને તિરસ્કાર છે તેને પણ આમંત્રણ મળ્યું છે કે કેમ, જો મળ્યું હોય તો તમે ત્યાં જવાનું ટાળશો. તમે ત્યાં ને ત્યાં તરત સામે વાળી વ્યક્તિને તેના મોઢા પર કહી દેવા માટે પ્રખ્યાત હોવ છો. એક વખત તમે કોઈનાં માટે કોઈ અભિપ્રાય મનમાં બાંધી લીધો કે તમારા માટે તેને બદલવો બહુ અઘરો થઇ પડે છે. પોતાની જાતને સાચી અને સલામત રાખવા માટે બીજા ઉપર હુમલો કરવો એ જ રક્ષણ માટેની સૌથી ઉત્તમ વ્યૂહરચના છે . અને, ભૂલો અને માફ કરો એ તો તમને ખુબ જ અઘરું લાગતું હોય છે.

ગુસ્સે થવાનો આનંદ લૂટવામાં, તમને જે કોઈ તકલીફ આપતું હોય તેને તો તમે તકલીફ આપી જ બેસો છો. પરંતુ, એવું કરવામાં તમને જે લોકો નથી તકલીફ આપી રહ્યાં તેને પણ તમે વધુ તકલીફ આપી બેસો છો, અને એવું વધુ પ્રમાણમાં બનશે.

અહી રસપ્રદ વાત એ છે કે, જે અભિમાની વ્યક્તિ છે તેનામાં આ પાંચેય લક્ષણો વધતાંઓછા અંશે જોવા મળે છે – તેમને તો જેકપોટ જ લાગી ગયો હોય એવું લાગે છે.

                                                            (Table source: Excess Baggage by Judith Sills.)

જો આપણે દરેક લક્ષણની પાછળ જે ઝનુન રહેલું છે તેને નાથી શકીએ, તો આ ભાર આપોઆપ ઓછો થવા માંડશે. અને આ ઝનુનને શાંત કરવાનો એક માર્ગ છે તમે જેવું વિચારો છો, જેવું જુઓ છો અને જેવું કરો છો તે બદલો. બીજા શબ્દોમાં, જ્યાં સુધી તમે જીવનમાં બીજી શક્યતાઓ માટે ખુલશો નહિ (જે તમે તમારા જીવનમાં કોઈ ધ્યેય રાખીને, તમારા વિચારો, લાગણીઓ, શબ્દો અને કર્મો પ્રત્યે સજાગ બનીને, અને સારું સાહિત્ય વાંચીને તમારો દ્રષ્ટિકોણ વિશાળ બનાવીને કરી શકો છો), ત્યાં સુધી તમારા જીવનમાં કશું પણ જુદું નહિ બને.

મુલ્લાની બેગમ લગ્નની વર્ષગાંઠ ઉપર મુલ્લા તરફથી પોતાને કોઈ ભેટ મળે એવું ઇચ્છતી હોય છે, પરંતુ મુલ્લાનાં ખિસ્સા ખાલી હતાં. મુલ્લાએ એક દુકાનમાંથી ચોરી કરવાનું નક્કી કર્યું, પણ પકડાઈ ગયા.
“તારા ઉપર ચાર વખત દુકાન તોડવાનો આરોપ લાગે છે,” જજે કહ્યું. “તને ગુનો કબુલ છે કે નહિ?”
“કબુલ છે, જજ સાહેબ.” મુલ્લાએ કહ્યું, “હું કબુલુ છું કે મેં મારી બેગમ માટે એક જોડી કપડાની ચોરી કરી છે.”
“એક જોડી? તે ચાર વાર દુકાન તોડી છે, મુલ્લા!”
“પણ તેને ત્રણ વખત તે કપડાનો રંગ જ પસંદ ન પડ્યો, સાહેબ.”

જ્યાં સુધી તમે તમારાં અસ્તિત્વ સાથે શાંતિ નહિ બનાવીને રાખો, અને જ્યાં સુધી જીવનમાં જાગૃતતા નહિ કેળવો, ત્યાં સુધી તમારા જીવનમાં આ લાગણીઓનું ચક્કર ચાલ્યાં જ કરવાનું અને તમારું જીવનકાળ અમુક ચોક્કસ રીતનો જ ચાલ્યાં કરવાનો, જેમાં તમે એકની એક વસ્તુ માટે વારંવાર બસ દોડ્યા જ કરશો. જો તમારે જુદો માર્ગ પકડવો હોય, તો જીવનની ગાડી બીજી દિશામાં ચલાવવી પડશે. આપણને એવું લાગતું હોય છે મારા જીવનમાં જે કઈ પણ ઘટી રહ્યું છે તેના માટે બીજા લોકો જવાબદાર છે, પરંતુ તમારા માર્ગની આડે ફક્ત એક જ વ્યક્તિ હોય છે: તમે પોતે. જેમકે કૃષ્ણ ભગવાને કહ્યું છે, કે તમે પોતે જ તમારા શ્રેષ્ઠ મિત્ર છો અને કનિષ્ઠ દુશ્મન પણ. (उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।…ગીતા અધ્યાય ૬.૫)

મહેરબાની કરીને તમે તમારા માર્ગમાંથી હટી જાવ.

આજે, મારે ટૂંકો લેખ લખવાની જરૂર હતી કારણકે મારે આજે તમને કશું કહેવાનું છે અને એ માટે ધ્યાન આપજો. બે મહત્વની જાહેરાત છે.

૧. બ્લેક લોટસ ૨.૦ ડાઉનલોડ કરો

અમે બ્લેક લોટસ એપનું નવું વર્ઝન બહાર પાડ્યું છે. તેને નવેસરથી ડીઝાઇન કરવામાં આવ્યું છે. જુન ૨૦૧૭, માં (અહી)
મેં જણાવ્યું હતું કે તેમાં નવી વિશિષ્ટતાઓ હશે. વારું, તો તે સમય આવી ગયો છે. દર મહીને, હું એક સ્વામીનાર કરીશ. આ એક જીવંત પ્રસારણ હશે જેમાં તમે અગાઉથી તમારા પ્રશ્નો મોકલી શકશો અને હું મારાથી જેટલાં પ્રશ્નોનો ઉત્તર આપી શકાશે તેટલાંને તેમાં આવરી લઈશ. દર મહીને ૨ સ્વામીનાર હશે: એક નોર્થઅમેરિકન સમય પ્રમાણે અને બીજો યુરોપ અને એશિયાના સમય પ્રમાણે. આ એપને અહીથી ડાઉનલોડ કરીને મારી સાથે સ્વામીનારમાં જોડાઈ શકો છો. વધુમાં, આ ૧૦૦% મફત છે. એવું કેવી રીતે? તેના માટે બીજો મુદ્દો વાંચો.

૨. અમને બ્લેક લોટસ ૩.૦ બનાવવા માટે મદદ કરો

અમે આ એપને અમારાંથી અહી સુધી ડેવલપ કરવામાં અત્યાર સુધી અમારા સ્રોત ખર્ચ્યા (કે નિવેશ) કર્યા છે, જેમાં ૧૦૦,૦૦૦$ થી વધારે ખર્ચો થઇ ગયો છે. હજી તેમાં બીજી વધારે વિશિષ્ટતાઓ ઉમેરવાની છે,  કે જેનાં દ્વારા તમે આ વૈશ્વિક સમુદાયના બીજા સાધકો સાથે જોડાઈ શકશો, તમારી વાણી અને કર્મો પ્રત્યે ભલાઈના કર્મો (Random Acts of Kindness – RAKs)  દ્વારા વધારે જાગૃત બની શકશો. અને આ માટે મને તમારી મદદ જોઈએ છીએ. ધ્યેય મોટું છે, પણ જો તમે તેમાં તમારું ભલાઈનું એક કર્મ ઉમેરશો તો આપણે તેને સરળતાથી સિદ્ધ કરી શકીશું. આનાં માટેનું ભંડોળ ઉભું કરવાના કાર્યમાં સહભાગી થવા માટે અહી ક્લિક કરો. દરેક નાનામાં નાનું દાન આમાં મહત્વનું છે. બ્લેક લોટસ ચળવળમાં જોડાવ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email