મને Willpower નામનાં રોય બૌમિસ્ટરનાં પુસ્તકનો એક ફકરો યાદ આવી રહ્યો છે, જે કઈક આ મુજબનો છે:

“લાગણી ઉપરનો કાબુ એ કઈક અનોખી રીતે જ અઘરો છે, કેમ કે તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારી મનોદશાને બદલી શકતાં હોતાં નથી. તમે કશી બાબત માટેના તમારા વિચારો કે તમારું વર્તન જરૂર બદલી શકો, પરંતુ તમે તમારી જાતને ખુશ રહેવાં માટે દબાણ ન કરી શકો. તમે તમારા સાસરીયાઓ સાથે નમ્રતાપૂર્વકનું વર્તન જરૂરથી કરી શકો, પરંતુ તમે તેમના મહિના જેટલી લાંબી મુલાકાત માટે તમારી જાતને ઉત્સાહિત કે આનંદિત ન કરી શકો.”

એક વખત હું કોઈને મળ્યો હતો કે જે જાણતો હતો કે તેને શું કરવું જોઈએ અને વાસ્તવમાં તે બીજું જ કશું કરી રહ્યો હતો, અને આ વિરોધાભાસ દુર કરવા માટે તે સતત સંઘર્ષ કરી રહ્યો હતો. મેં તેને નાના-નાના સંકલ્પો કરીને તેને સિદ્ધ કરવાનું કહ્યું.

“મારા દરેક સંકલ્પોનો કોઈ જ અર્થ નથી.” તેને લગભગ અવજ્ઞા કરતાં કહ્યું. “મારે ધૂમ્રપાન નથી કરવું કે ક્રોધ પણ નથી કરવો હોતો, કે નથી કશી બાબતને ટાળવી હોતી, પરંતુ તેમ છતાં હું અંતે એ જ બધું કરતો હોવ છું. મારે ધ્યાન કરવું હોય છે, કસરત કરવી હોય છે અને સવારે વહેલું પણ ઉઠવું હોય છે પણ હું ગમે તે કેમ ન કરું, મારામાં સંકલ્પશક્તિ જેવું જ કશું નથી.”

મેં શાંતિથી તેની સામું જોયું કારણ કે હું તમને શું કહું કે આ બાબત કેટલી સામાન્ય બની ગઈ છે, અને આપણામાંના અનેક લોકો આ સંકલ્પશક્તિના અભાવથી પીડાતા હોય છે.

“મને લગભગ એવું જ લાગે છે કે હું એક જન્મજાત અસફળ વ્યક્તિ છું, જે પોતાના કોઈ પણ વચનનું પાલન કરી શકતો નથી,” તેને બધો સાર કાઢતો હોય એમ કહ્યું. “ કોઈ હવે મારો વિશ્વાસ પણ કરતુ નથી. અરે, હું મારો પોતાનો જ વિશ્વાસ ખોઈ બેઠો છું!”

આવું આપણી સૌ સાથે દરરોજના ધોરણે બનતું હોય છે. આપણે એક વાત કરવાનું નક્કી કરીએ છીએ, પણ આપણે તેને પાર પાડતા નથી. આપણે આપણી જાતને વચન આપીએ છીએ કે આપણે અમુક લાગણીનો અનુભવ નહિ કરીએ, કે અમુક વિચારો નહિ કરીએ, અને તેમ છતાં મનમાં ચાલતી સતત લાલચો અને લાગણીઓનાં લીધે, આપણે લાચાર તો નહિ પણ કશું આપણા ઉપર હાવી થઇ ગયું હોય એવું લાગવા માંડે છે. શું આમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ છે ખરો? વારુ, ચોક્કસ છે.

વાસ્તવમાં, આપણી જાતને બદલવાનું તમને શરૂઆતમાં જેટલું અઘરું લાગે છે તેવું પણ નથી. તમારે જે રીતનું જીવન જીવવું હોય, તમે જે ધાર્યું હોય તે કરવું હોય તો એ શક્ય જ છે. તમારા ભૂતકાળને ખંખેરીને, અંધકારમાંથી બહાર નીકળીને પ્રકાશ તરફ ચાલવું એ તમારા હાથની જ વાત છે. કેવી રીતે, તમે પૂછશો?

સારા સમાચાર એ છે કે આ કોઈ ફિલસુફી, રહસ્યવાદ, અને આધ્યાત્મિકતાથી દુર, એવો એક વ્યવહારુ ઉકેલ છે. તેની શરૂઆત કરતાં, પહેલા, જો કે હું તમને ૧૯૬૦માં કરાયેલા એક માનસશાસ્ત્રીય પ્રયોગના પરિણામ વિશે વાત કરીશ. જેને માર્શમેલો એક્સ્પરીમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં વિખ્યાત મનોચિકિત્સક વોલ્ટર મિશેલે અને એબ્બે બી. એબ્બેસને સ્ટેનફોર્ડ યુનીવર્સીટીમાં શ્રેણીબંધ પ્રયોગો કરેલા હતાં.

તેઓ એક નાનું બાળક તરત મળતા આનંદનો કેવી રીતે પ્રતિકાર કરતાં શીખે છે તેના વિશે અભ્યાસ કરી રહ્યાં હતાં. અને તેઓએ આ પ્રક્રિયાનું અવલોકન ચાર વર્ષના બાળકોમાં કરવાં માટે એક ખુબ જ સર્જનાત્મક રસ્તો ખોળી કાઢ્યો હતો. એક ઓરડામાં તેઓ બાળકોને એક પછી એક લાવતા હતાં, અને ત્યાં તેમને એક માર્શમેલો બતાવતાં હતાં, અને તેઓ બાળકને ઓરડામાં એકલો મુકતા પહેલાં એક શરત બતાવતાં હતાં. બાળક પોતે જયારે ઈચ્છે ત્યારે માર્શમેલો ખાઈ શકે છે, પણ જો તે બાળક માર્શમેલો ખાતાં પહેલા તેમનાં પાછા આવવાની રાહ જોશે તો તેને એકના બદલે બે માર્શમેલો આપવામાં આવશે. અમુક બાળકો તો માર્શમેલો તરત જ ખાઈ ગયા; તો કેટલાંકે થોડી વાર માટે તેનો પ્રતિકાર કરવાની કોશિશ કરી, પણ લાંબો સમય ટકી શક્યાં નહિ; થોડાંક એવા હતાં કે જે મોટા ફાયદા માટે થઇને પૂરી ૧૫ મિનીટ સુધી રાહ જોઈ શક્યાં. જે સફળ રહ્યાં તે એટલાં માટે કે તેઓ પોતાની જાતને કશી બીજી વસ્તુમાં વિચલિત કરી શક્યાં હતાં, જે ૧૯૬૦માં એક રસપ્રદ સંશોધન હતું.

ઘણા વખત પછી, જો કે મિશેલે સદ્નસીબે કઈક બીજું જ શોધ્યું. તેની પોતાની જ દીકરી, સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના કેમ્પસમાં આવેલી એ જ શાળામાં ભણતી હતી, જ્યાં માર્શમેલો એક્સ્પરીમેન્ટ કરવામાં આવ્યો હતો. મિશેલે તો આ પ્રયોગ કેટલાંય સમય પહેલાં પૂરો કરીને બીજા વિષયો ઉપર પણ કામ કરવાં માંડ્યું હતું, પરંતુ મિશેલ પોતાની દીકરી જયારે તેના સહાધ્યાયીઓ વિશે વાતો કરતી તે સાંભળતો હતો. તેને નોંધ્યું કે જે બાળકો એક વધારે માર્શમેલો માટે રાહ નહોતાં જોઈ શક્યાં તેઓને શાળામાં તેમજ શાળાની બહાર વધુ મુશ્કેલીઓમાં આવી જતાં જોયાં. આ વર્તણુકમાં કોઈ ચોક્કસ ભાત તો નથીને તે શોધી કાઢવા માટે મિશેલ અને તેના સહાધ્યાયીઓ એ અનેક પ્રયોગોના અનુભવનું પૃથ્થકરણ કર્યું. તેઓને જોવા મળ્યું કે જે બાળકો ૪ વર્ષની ઉંમરે, પોતાની સંકલ્પશક્તિ દર્શાવી હતી તેઓને પરીક્ષામાં વધુ સારા ગુણાંક મળ્યાં હતાં. જે બાળકો આખી પંદર મિનીટ સુધી રાહ જોઈ શક્યાં હતાં તેઓને SATની પરીક્ષામાં, પેલા અડધી મિનીટ સુધી પણ રાહ ન જોઈ શકનાર બાળકો કરતાં ૨૧૦ કે તેથી વધુ પણ ગુણાંક મેળવી શકતાં જોયા. જે બાળકોમાં સંકલ્પશક્તિ હતી, તેઓ મોટા થઇને તેમનાં સહાધ્યાયીઓ તેમજ શિક્ષકોમાં વધુ પ્રિય હતાં. તેઓને વધુ ઉચ્ચ પગાર વાળી નોકરી પણ મળતી હતી. તેઓના શરીરનો BMI પણ ઓછો હતો જેનો અર્થ એ થતો હતો કે તેઓ મધ્યવયસ્કની અવસ્થાએ પહોંચતા પણ તેમના વજનમાં એટલો બધો વધારો નહોતો થતો.

જે લોકોમાં સારું એવું આત્મ-નિયંત્રણ હતું તેઓ બીજા લોકો સાથે એક સારો, સલામત અને સંતોષકારક સંબધ બાંધી અને જાળવી રાખી શકતાં હતાં. તેઓ બીજા પ્રત્યે સહાનુભૂતિ અને બીજાને તેમના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરી શકતાં હતાં. તેઓ લાગણીની દ્રષ્ટીએ વધુ સ્થિર હતાં તેમજ તેમનામાં વિહ્વળતા, તણાવ, સંદેહ, માનસિકતા, ઓબ્સેસિવ કમ્પલઝીવ બીહેવીઅર, ખોરાકમાં અનિયમિતતા, તેમજ શરાબના રવાડે ચડી જવાની શક્યતા, તેમજ બીજી અનેક માંદગીઓ ઓછી જોવા મળતી હતી.
તેઓને ગુસ્સો પણ બહુ ઓછો આવતો, અને જયારે આવતો ત્યારે તેઓમાં આક્રમક (શાબ્દિક કે શારીરિક રીતે) થવાની શક્યતા ઓછી રહેતી હતી.

(Willpower: Rediscovering Our Greatest Strength by Roy F. Baumeister and John Tierney)

છેલ્લાં દસકામાં, અનેક પુસ્તકોમાં મેં આ માર્શમેલો પ્રયોગનો સંદર્ભ વાંચ્યો હશે અને મને થયું કે આત્મ-પરિવર્તનના માર્ગે તે કદાચ તમને ઉપયોગી થશે. ટૂંકમાં, આ પ્રયોગ આત્મ-નિયંત્રણ કે પછી ઈચ્છાપૂર્તિનાં આનંદને કેટલાં સમય સુધી ટાળી શકો છો તેનું મહત્વ સમજાવે છે. એટલાં માટે જ કદાચ પતંજલિ તેમનાં યોગસુત્રમાં યમ (નૈતિક સંયમ) અને નિયમ (આત્મ-નિયમન)ને સૌથી પ્રથમ મુકે છે. આત્મસંયમ વિના કોઈ પણ જાગૃત બદલાવ લાવવો શક્ય નથી. તમારા આત્મ-નિયમન માટે અહી ત્રણ સરળ નિયમ આપું છું જે તમને તમારી સંકલ્પ શક્તિ વધારવા માટે અત્યંત મદદરૂપ થશે.

ધ્યાનમાં જે દસ સિદ્ધાંતો કે હઠ-યોગની સંકલ્પનાઓની સરખામણીમાં આ ત્રણ નિયમો ઘણા બધાં સરળ અને ખુબ જ અસરકારક છે.

૧. સારું જમો

આત્મસંયમ જાળવતી વખતે તમારું શરીર ગ્લુકોઝનો ઉપયોગ કરે છે. હવે ખબર પડી કે કેમ ઘણા બધાં લોકો જયારે કોઈ લાલચનો પ્રતિકાર કરવાની કોશિશ કે પોતાની અસંયમિત જાત સાથે સંઘર્ષ કરી રહ્યાં હોય ત્યારે તેમને ગળ્યું ખાવાનું કેમ બહુ મન થતું હોય છે? જો તમે વધુ કાર્બોહાઈડ્રેટ વાળા ખોરાક, જેમાં વધુ સ્ટાર્ચ હોય, પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ ફૂડ, કે સફેદ બ્રેડ વિગેરે, ખાતાં હોવ, તો તમારા શરીરમાં એક થોડાં સમય માટે તરત શક્તિનો સંચાર થતો હોય એવું જણાશે, પણ અસલી પોષણના અભાવે આ બાબત થોડાં વખતમાં જ બિલકુલ ખરાબ થઇ જશે. માટે, જલ્દી જલ્દીથી કશું પેટમાં ભરી દેવાની લાલચને રોકો, એનાં બદલે પોષક ખોરાક ઉપર ધ્યાન આપો. એમાં: તાજા શાકભાજી, સુકો મેવો અને તાજા ફાળો, કોટેજ ચીઝ અને એવા બીજા ખોરાકનો સમાવેશ થાય છે. અને, હા તમારા વિટામીન્સ ન ભૂલતાં. સાથે-સાથે જો તમે તમારા ભોજનની જોડે યોગ્ય કસરત ઉપર પણ ધ્યાન આપી શકો તો એ બહુ જ સારું છે. તમારા રક્તમાં એક યોગ્ય પ્રમાણમાં ગ્લુકોઝ હશે તો તમારાથી આત્મસંયમનું પાલન કરવું સરળ થઇ જશે. વિશ્વાસ ન આવતો હોય કોશિશ કરી જુઓ.

૨. નાનાં લક્ષ્ય રાખો.

લક્ષ્ય જેટલું નાનું, તેટલું તેને સિદ્ધ કરવું સરળ. દરેક લક્ષ્યપ્રાપ્તિથી તમારા આત્મ-ગૌરવને એક ઉત્સાહ પ્રાપ્ત થશે, જે વળતી તમારી સંકલ્પશક્તિને વધુ દ્રઢ બનાવશે. (પોષક ખોરાક ખાવાથી તમારા મગજમાં અમુક ચોક્કસ ન્યુરોટ્રાન્સમીટર્સને ઉર્જા મળશે, અને જે તમને હકારાત્મક અને આત્મવિશ્વાસનો અનુભવ કરાવશે.) જો તમે તમારી જાતને એક મસમોટું કામ આપી દેશો, અને જો તેમાં કોઈ નાનાં, જલ્દી સિદ્ધ કરી શકાય એવા મહત્વના તબક્કાઓ નહિ રાખ્યાં હોય, તો સંભવ છે કે તમે ગંભીરતાથી શરુ કરો તે પહેલા જ તેને પડતું પણ કદાચ મૂકી દો. એક દિવસે એક કામ. બહુ બધાં કામ એકીસાથે કરવાથી તમારી ક્ષમતાનો જ ક્ષય થઇ જતો હોય છે. મારો પોતાનો મત તો એ છે કે એકસમયે એક જ કામ કરવું બહુ અસરકારક હોય છે, સફળતા અપાવે એવું હોય છે. કશુંક નક્કી કરી લો, અને તેને પહેલા પૂરું કરી દો, અને ત્યારબાદ બીજું કામ ઉપાડો.

૩. તમારી સંકલ્પશકિતને સાચવો

જો તમારું મન તમારી સંકલ્પશક્તિનું રીટેઈલર છે તો તમારું મગજ અને પેટ તેનાં ડીસ્ટ્રીબ્યુટર્સ છે. શરીર એકમાત્ર સ્ટોકિસ્ટ છે અને ચેતના એક માત્ર સપ્લાયર. બીજા શબ્દોમાં કહેવું હોય તો, તમારી પાસે સંકલ્પશક્તિનો ફકત એક જ સ્રોત છે. જો તમે બિનજરૂરી અને કોઈ મહત્વ વગરની બાબતો માટે તમારી સંકલ્પશક્તિની ખર્ચ્યા કરશો, તો પછી જે મહત્વની અને જરૂરી બાબતો છે તેના માટે કોઈ સંકલ્પશક્તિ તમારી પાસે બચશે જ નહિ. જયારે તમારે ગ્લાની, પસ્તાવો, ઈર્ષ્યા, ક્રોધ વિગેરે ન કરવાં હોય, કે જયારે તમારે તમારી લાલચોનો પ્રતિકાર ન કરવો હોય ત્યારે એ બધી જ વખતે તમારી સંકલ્પશક્તિ ખર્ચાતી હોય છે. જો તમે આત્મસંયમ ઉપર, સારો અને પોષક ખોરાક ખાવા ઉપર, અને નાનાં પણ મહત્વના લક્ષ્યો ઉપર ધ્યાન આપશો તો, તમારે નકારાત્મક બાબતોને જીતવા માટે તમારી શક્તિ નહિ ખર્ચવી પડે. તમારી લાગણીઓને બદલવા માટે તમારી સંકલ્પશક્તિને ખર્ચવામાં કોઈ બુદ્ધીમાની નથી (જેમ કે લેખની શરૂઆતમાં વાત થઇ રહી છે તેમ). એનાં બદલે, તમારી જાતને હકારાત્મક બાબતોથી વિચલિત કરો કે જેથી તમારી ઉર્જાની બચત થાય.

મે મિશેલ ક્રેસનીનું Let There Be Laughter નામનું એક પુસ્તક વાંચ્યું હતું તેમાંથી થોડાં ફેરફાર સાથે અહી એક વાત પ્રસ્તુત કરું છું: એક યુવાન સ્ત્રી મુલ્લા નસરુદ્દીન પાસે પોતાનું ભવિષ્ય જાણવા જાય છે. તે મુલ્લાને કહે છે કે બે પુરુષો તેના જીવનમાં છે, હુસેન અને આમીર, અને બન્ને જણા તેને ખુબ પ્રેમ કરે છે. તેને ખબર નથી પડતી કોની સાથે નિકાહ કરવાં.

“મુલ્લા, મહેરબાની કરીને મને કહો.” તેને પૂછ્યું, “કોણ મારી સાથે નિકાહ કરશે? એ કયો સદ્દનસીબ પુરુષ હશે?”
“હં…” મુલ્લાએ પોતાની દાઢીમાં હાથ ફેરવતા કહ્યું, “આમીર તારી સાથે નિકાહ કરશે અને હુસેન એ સદ્નસીબ પુરુષ હશે.”

સાવધાની એ તમારી પસંદગીઓ પ્રત્યે સભાન રહેવાની કલાનું નામ છે, અને સંકલ્પશક્તિ એ ગમે તે કેમ ન થાય પણ એક વાર નક્કી કરી લીધા પછી તેને વળગી રહેવાની કલાનું નામ છે. તમે સંકલ્પશક્તિનું વાવેતર કરી શકો, તેને વિકસાવી પણ શકો, મજબુત અને ધારદાર પણ બનાવી શકો. એક વાર તમે પસંદગી કરી લીધી હોય (કશી બાબત માટે શું કરવું છે તેનો નિર્ણય કરી લીધો હોય), પછી બસ તેને કરો. કર્યા જ કરો. સતત. ધીરજપૂર્વક. બસ અહી ફક્ત એટલું જ કરવાનું છે.

તમારી સંકલ્પશક્તિ (નિર્ણયશક્તિ) એ તમારી સૌથી મોટી મિલકત છે. તમારા વિચારો, લાગણીઓ, દુઃખો, અને વળગાડ, આ બધું તેનાંથી જ શક્ય થતું હોય છે. તેને સમજી વિચારીને વાપરો. મહેનતપૂર્વક તેને મજબુત કરો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email