“જીવને મને શીખવ્યું છે સ્વામીજી,” મારા પિતાએ મને એક દિવસે કહ્યું, “કે, દરેકે પોતાની મુસાફરી એકલાં એ જ કરવાની હોય છે.”

તે થોડાં બેબાકળા અને વિક્ષુબ્ધ પણ જણાતાં હતાં, કેમ કે તેઓ તાજેતરમાં જ એક છેતરપિંડી વાળા ફોન કૉલ ના શિકાર થયાં હતાં, ફોન કરનારે તેમને કહ્યું કે તેમનું બેંક કાર્ડ બ્લોક થઇ ગયું છે અને પછી તેમને ખોટી રીતે દોરીને તેમની પાસેથી બધી જરૂરી માહિતી કઢાવી લીધી. અને પછી મારા માતા-પિતાનું આખા એક મહિનાનું પેન્શન અનેક વેબસાઈટ્સ ઉપર ખર્ચી નાંખ્યું. બેંકનો સંપર્ક કરતાં તેમને જણાવ્યું કે એ મારા પિતાનો વાંક કહેવાય કે તેમને પોતાનો ટ્રાન્ઝેક્શન પાસવર્ડ પેલા કૉલરને આપ્યો, અને સમજી શકાય તેમ છે કે આ કિસ્સામાં પોલીસ પણ કઈ ખાસ કશું કરી શકી નહિ કેમ કે કૉલ ભારતનાં કોઈ બીજા રાજ્યમાંથી આવ્યો હતો.

એક વિશાળતાથી જોઈએ તો: જયારે તમે ચાર દસકાઓથી કમાઈ રહ્યાં હોય ત્યારે એક મહિનાનું પેન્શન ગુમાવવું કઈ બહુ મોટી બાબત ન કહેવાય. પરંતુ, કોઈ પણ નુકશાનમાં, નુકશાનના પ્રકારનું કે તે કેટલું મોટું છે તેની વાત નથી હોતી, પણ તેનો શિકાર બનનાર તે ક્ષણે કેવું અનુભવે છે તેનાં ઉપર બધું હોય છે. કોઈ અણધાર્યો, અનિચ્છનીય બનાવ કોઈ પણ ડાહ્યાંમાં ડાહ્યાં વ્યક્તિને પણ હચમચાવી મુકે છે. તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી છે એ બાબત સ્વીકારતા તેમને બે અઠવાડિયા જેટલો સમય લાગ્યો. બીજી બાજુ મારી માતા, શિયાળાના વાયરાની જેમ એકદમ ઠંડા હતાં અને આ આર્થિક નુકશાન માટે તેમણે આંખનો પલકારો પણ ન માર્યો. એક છત નીચે રહેતાં બન્ને લોકો, એક જ નુકશાનને સહન કરી રહ્યાં હતાં, પણ તેમ છતાં તે નુકશાન તે બન્ને ને જુદીજુદી રીતે અસર કરી રહ્યું હતું. આપણે જે દુનિયામાં રહીએ છીએ તે કેટલી સુંદર અને વિસ્મયકારી છે.

“મેં જોયું છે કે,” પિતાએ પોતાનું તકલીફોવાળું બાળપણ યાદ કરતાં કહ્યું, “જયારે તમે પીડાતા હોવ છો ત્યારે તમારી પાસે કોઈ હોતું નથી. ફક્ત તમારું ધૈર્ય અને પ્રભુ કૃપા જ વ્યક્તિને આ મુસીબતમાંથી પાર ઉતરવામાં મદદરૂપ થતી હોય છે, બીજું કોઈ પણ તમને મદદ કરી શકતું હોતું નથી.”

હું સમજી શકતો હતો કે તે મનમાં શું અનુભવી રહ્યાં હતાં કેમ કે હું એવા અનેક લોકોને મળ્યો છું જેઓ પોતે જયારે દુઃખી હોય ત્યારે પોતાને બહુ એકલા પડી ગયાં હોવ એવું લાગતું હોય છે. સામાન્ય રીતે તેઓ એકલાં હોતાં નથી, પરંતુ આસપાસ બધી મદદ હોવાં છતાં પણ એકલપણું તિરાડમાંથી જેમ પાણી ઘુસી જાય તેમ અંદર છેક મન સુધી ઘુસી જતું હોય છે. આ તિરાડો આપણી ચેતનામાં, આપણી જાત અને જીવન માટેની આપણી સમજણમાં પડી જતી હોય છે. એટલાં માટે જ બુદ્ધે સમ્યક દ્રષ્ટી (જીવન માટેનાં સાચા અભિગમ) ઉપર બહુ વિશેષ ભાર મુક્યો છે. કૃષ્ણે પણ ગીતામાં અર્જુનને દરેક વસ્તુના અસ્થાયી સ્વભાવ ઉપર વારંવાર યાદ અપાવ્યું છે, અને જીવનની દરેક દ્વિધાઓમાં હિંમતથી આગળ વધવા માટે કહ્યું છે. (मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः…ગીતા અધ્યાય ૨.૧૪.) વધુમાં ભગવાન કહે છે, વસ્તુઓની બાબત તો ભૂલી જાવ, પણ જે કોઈ પણ લોકો છે કે જેમને તું પ્રેમ કરે છે કે નફરત, તેઓ પણ એક દિવસે તારા જીવનમાં નહિ હોય, કે તું તેમનાં જીવનમાં નહિ હોય. (अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत… ગીતા અધ્યાય ૨.૨૮.) તો પછી તું શેના માટે શોક કરી રહ્યો છે.

જીવનમાં કશું ખોવાતું હોય કે ખુદ જીવન પોતે ખોવાઈ જતું હોય તે કોઈ જો અને તો નો સવાલ નથી પણ ક્યારે શું ખોવાય છે તેનો સવાલ છે.

આપણને જે કઈ પણ હૃદયથી પ્યારું હોય, તેને ખોવા માટે બસ સમયની જ વાર હોય છે. તે એક ટાળી ન
શકાય એવી બાબત છે.

“ચોક્કસ,” મેં તેમને કહ્યું, “આપણી પીડામાં કોઈ ભાગ પડાવી નથી શકતું. હું સહમત છું. આ એક અંગત બાબત હોય છે. બિલકુલ એવી જ રીતે જયારે આપણે જો ધરાઈને ખાધું હોય કે પછી ભૂખ્યા હોઈએ તો તેથી કઈ બીજાને ધરાવો કે ભૂખનો અનુભવ નથી થતો હોતો.”

તેઓ સહમત થયાં, એ જાણીને કે હું, કે જેને તેઓ પોતે પણ પોતાના ગુરુ તરીકે જુએ છે, પણ તેમના મતનું સમર્થન કરું છું. “જો કે,” મેં ચાલુ રાખતાં કહ્યું, “તેઓ તમારા નુકશાનને જરૂર વહેંચી શકે, તેઓ તમારા દુઃખમાં જરૂર ભાગ પડાવી શકે. તમે તમારા સ્વાદિષ્ટ ભોજનની તૃપ્તિને તો બીજા સાથે ન વહેંચી શકો, પરંતુ તમારા ભોજનને બીજા સાથે જરૂર વહેંચી શકો. ત્યારબાદ તેઓને તૃપ્તિનો અનુભવ થાય કે ધ્રુણાભર્યો, તે તેમના ઉપર નિર્ભર છે. અને, પીડાનું પણ આવું જ છે: આપણી જોડે શું થઇ રહ્યું છે એના ઉપર નહિ પરંતુ જે પણ થઇ રહ્યું છે તેને આપણે કેવી રીતે જોઈએ છીએ તેના ઉપર બધો આધાર છે. તે કોઈ વાસ્તવિક પરિસ્થિતિ નહિ પણ તેના વિશેનું આપણું અર્થઘટન હોય છે કે જે આપણી અંદર અમુલ લાગણીઓને જન્મ આપતું હોય છે. આ અર્થઘટન બદલી નાંખો, અને તમારી લાગણીઓ તેની મેળે જ બદલાઈ જશે.”

તમને ફક્ત તમારી લાગણીઓ બદલવી છે એટલાં માટે થઈને કઈ તમે તેને બદલી શકો નહિ, પછી ભલે ને તમે ગમે તેટલાં અધીરા કે અડગ મનના કેમ ન હોવ. તમારે એ શોધી કાઢવું પડે તમારી અંદર આ લાગણીઓ  શેના લીધે ઉશ્કેરાતી હોય છે. તેના મૂળ સ્રોત સુધી ઊંડા ઉતરો. તે કદાચ એક પ્રસંગ કે પ્રસંગોની હારમાળા પણ હોઈ શકે, અમુક ચોક્કસ લોકો પણ હોઈ શકે, વિગેરે. પછી તમારી જાતને પૂછો કે તમારે શું જુદી લાગણીનો અનુભવ કરવો છે ખરો? જો કરવો હોય, તો મનમાં એ ધારણા સાથે જ શરૂઆત કરો કે કોઈ વસ્તુ કે વ્યક્તિ બદલાવાની નથી. તેઓ તો ત્યાં જ છે જ્યાં તેઓ હંમેશાંથી હતાં, અને તેઓ જ્યાં હોવાનાં હતાં બરાબર ત્યાં જ છે. તમારા દ્રષ્ટિકોણને વિશાળ બનાવો, તમારી જાતમાં હકારાત્મકતાથી વિક્ષેપ ઉભો કરો, ઉજળી બાજુ પ્રત્યે ધ્યાન આપો, તમારી જાત પ્રત્યે અને બીજા લોકો પ્રત્યે એક પ્રેમાળ-ભલાઈ સાથે વર્તો, અને ધીમેધીમે તમારો દ્રષ્ટિકોણ બદલાવા લાગશે. જયારે તે બદલાશે, ત્યારે તેની સાથે બીજું બધું પણ બદલાશે.

એક દિવસ બુદ્ધનો સામનો સુચીલોમા નામનાં રાક્ષસ સાથે થાય છે. સુચીલોમાનો અર્થ થાય છે સોયની અણી જેવા વાળ વાળો! તેને એ જાણવું હતું કે શું બુદ્ધ ખરેખર એક આત્મજ્ઞાની છે કે નહિ. માટે તે બુદ્ધની નજીક જઈને બેસી જાય છે અને તેમની ઉપર ઢળી પડે છે જેથી કરીને બુદ્ધને સોયની અણીઓ વાગે, પરંતુ બુદ્ધ તરત ખસી જાય છે.

“ઓહ!” સુચીલોમાએ કહ્યું. “તમને પીડા નથી ગમતી. તમે આત્મજ્ઞાની નથી. એક આત્મજ્ઞાની વ્યક્તિ તો ગમે તે પરિસ્થિતિ કેમ ન હોય તે પોતાની સમતા જાળવી રાખી શકે છે. તેને કોઈ ગમો-અણગમો ન હોય.”

બુદ્ધે કહ્યુ: “મુર્ખ ન બન. એવી વસ્તુઓ રહેવાની જ કે જે મારા શરીરને નુકશાન કરી શકે. તેનાંથી ક્ષતિ થવાની અને તેને અસ્વસ્થ પણ કરી શકે” (SN 10:53). આ એક સામાન્ય બુદ્ધિની વાત છે. તમે સાપ ઉપર પગ ન મૂકી શકો, તમે અગ્નિપ્રવેશ ન કરી શકો, અને તમે કોઈ સોયને ભોકાવા ન દેશો. ત્યાં તમે ખસી જાવ. આ એક સામાન્ય બુદ્ધિ છે, કોઈ મોહની વાત નથી. આ તમારા શરીર પ્રત્યેની એક પ્રેમાળ-ભલાઈ છે: તેને તંદુરસ્ત રાખો, તેને સલામત રાખો.
(Bear Awareness by Ajahn Brahm)

વારેવારે આપણે આપણા પોતાના જ અનુભવોથી, શરતોથી અને પોતાની રીતોથી જ અંધ બની જઈને, આપણે બિલકુલ આવું જ કરતાં હોઈએ છીએ: આપણે સાપ ઉપર પગ મુકતા હોઈએ છીએ, આગ તરફ દોડી જતાં હોઈએ છીએ અને આપણી જાતને સોય ભોકાવા દેતાં હોઈએ છીએ. મોહના સર્પો, ઇચ્છાઓની આગ, અને ઈર્ષ્યા તેમજ લોભની સોયો. તે કરડી શકે, બાળી શકે, અને પીડા પણ આપી શકે. આપણે તેને પીડા કહેતાં હોઈએ છીએ અને આપણે એવું વિચારતા હોઈએ છીએ કે જીવનનું બસ આવું જ હોય છે. આપણે આપણા દર્દને પીડા માની લેતાં હોઈએ છીએ. દર્દ ઉપર આપણો બહુ ઓછો કાબુ હોય છે પરંતુ પીડા ઉપર લગભગ આપણો સંપૂર્ણ કાબુ હોય છે. આપણે એક લાંબુ ડગલું ભરીને ખસી પણ જઈ શકીએ કાં તો પછી ત્યાં આવતી આ ભરતી સાથે તણાઈ પણ જઈ શકીએ. આપણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે આ પસંદગી હંમેશાં આપણા હાથમાં જ હોય છે. બધાં જ સમયે.

એક માણસ એક પીઝા શોપમાં જાય છે અને એક મોટો વ્હોલ-વ્હીટ પીઝા અને ડાયેટ કોકનો ઓર્ડર આપે છે.
“પીઝાનાં છ ભાગ કરું કે દસ?” દુકાનદારે પૂછ્યું.
“દસ! દસ!” પેલો વ્યક્તિ ચોંકી ગયો. “અહી કોઈ વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યું છે! છ ભાગ જ કરો!”
આ એ જ જીવન છે, જો તમારે આખેઆખું તમારા માટે જોઈતું હોય તો તમે તેનાં છ કટકા કરો કે દસ, તેથી કોઈ બહુ મોટો ફર્ક પડતો નથી. જેમ કે મેં Mind Full to Mindful માં લખ્યું છે: “કશાનો કોઈ જ અર્થ નથી. અંતે.” આપણે એ જેટલું જલ્દી સમજી લઈશું તો સંઘર્ષો  કે ચુનોતીઓ આપણને તેટલાં વહેલાં પરેશાન કરવાનું બંધ કરી દેશે.

દર્દ અનિવાર્ય છે, પણ પીડા તો વૈકલ્પિક છે. ખોટ કે નુકશાન ને ટાળી ન શકાય, પણ દુઃખને જરૂર ટાળી શકાય. મૃત્યુ તો ચોક્કસ બાબત છે. અને જીવન, વારુ, જીવન ચોક્કસ નથી. એમાં રહેલી અચોક્કસતા, અનિશ્ચિતતા, અરે એમાં જે અતાર્કિકતા પણ રહેલી છે તે જ તેને તે જે છે તે બનાવે છે: જીવવા યોગ્ય અને એક આશીર્વાદ સમાન. જીવનનાં લક્ષણો તમને ત્રાસદાઈ, કંટાળાજનક અને લુચ્ચાઈ ભરેલા લાગી શકે છે, અથવા તો સાહસિક (Adventurous) સુંદર (Beautiful)અને આકર્ષક (Captivating) પણ લાગી શકે. તમે જે પસંદ કરો તે. અને આ જ છે જીવનની ABC. સાચા શબ્દ બનાવવાની રમત (scrabble)માં, તમારા શબ્દનો છેલ્લો અક્ષર કયો છે તેનું મહત્વ નથી, પરંતુ તમે તે અક્ષર વડે બીજો કયો સાચો શબ્દ બનાવશો તે તમારા જ્ઞાન અને આવડત ઉપર આધાર રાખતું હોય છે. જો તમારું શબ્દભંડોળ વધુ સારું હશે તો તમે વધુ સારો અંક બનાવી શકશો. તમે તમારી કતારને જેટલી જલ્દી ખાલી કરતાં જશો, તેટલાં વધારે સારા અક્ષરો મળવાની સંભાવના વધતી જાય છે. જો તમે ત્યાં રહેલા અક્ષરને જતો ન કરો અને તમે તો કેટલાં કમનસીબ છો એવું જ વિચારતા બેસી રહો, તો તમે સારા અંક બનાવવાનો મોકો પણ ગુમાવો છો. જીવન પણ બસ આવું જ છે. મૂળાક્ષરો તો એનાં એ જ છે તમે તેનો ઉપયોગ કરીને કયો શબ્દ બનાવો છો તેના ઉપર જ તમે દરેક બાબત માટે કેવું અનુભવો છો તેનો આધાર રહેતો હોય છે. હા, તમામ બાબતનો.

તમારા હૃદયને પ્રેમાળ-ભલાઈથી ભરી દો, તમારા સમયને ઉમદા કર્મોથી ભરી દો, તમારા મનને સારા વિચારોથી ભરી દો, અને પીડા તમારા જીવનમાંથી એવી રીતે છુમંતર થઇ જશે જેવી રીતે એક સંતોષી હૃદયમાંથી દુઃખ અદ્રશ્ય થઇ જાય તેમ. તમે તમારા આત્માનો-તમારી જાતનો સાક્ષાત્કાર કરી શકશો. કોઈ સોય તમારા આત્માને ભોંકાશે નહિ અને કોઈ અગ્નિ તેને બાળી નહિ શકે. પાણી તેને સડાવી નહિ શકે અને ગરમી તેને સુકવી નહિ નાંખે.  (अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च… ગીતા અધ્યાય ૨.૨૪) અને સાપ, તમે કદાચ પૂછશો કે ઇચ્છાઓના સાપોનું શું? વારુ, એક યોગી તેને પોતાનાં ગળે વીંટાળીને રાખે છે અને તેમ છતાં તેનાંથી કોઈ નુકશાન પામતો નથી.

આ જ અનંત શાંતિનો માર્ગ છે. મારી સાથે ચાલતાં રહો.

મારે આજે ત્રણ જાહેરાત કરવાની છે.

૧. અમારે અનુભવી અને હોંશિલા લોકોની જરૂર છે (ડેવલોપર્સ અને ડીઝાઇનર્સ) કે જે અમારી બ્લેક લોટસ એપ સાથે જોડાઈ શકે. બ્લેક લોટસનું એક વિશેષ ડેવલપમેન્ટ થઇ રહ્યું છે. જો તમે આ દુનિયામાં કોઈ હકારાત્મક તફાવત લાવવા માંગતા હોવ તો વધુ માહિતી માટે અહી જાવ. તમે દુનિયામાં ગમે તે સ્થળેથી કામ કરી શકો છો.  એક સારા પગાર સિવાય, તમને એક સારા હેતુ માટેના અનેક કર્મો કમાવાના મળશે.
૨. કેલિફોર્નિયામાં વિકએન્ડ ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. સપ્ટેમ્બર ૧-૨.
૩. ટોરોન્ટોમાં ૩-દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. ઓગસ્ટ ૨૪-૨૬.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email