“હું આત્મજ્ઞાન કેવી રીતે મેળવી શકું?” કોઈએ મને એક દિવસે પૂછ્યું.
“શું તમે મને કોઈ ઊંડો અનુભવ ન કરાવી શકો? મારે મારા જીવનમાં આમૂલ પરિવર્તન જોઈએ છે.”

મને આ પ્રશ્ન ઉત્સાહી જિજ્ઞાસુઓ દ્વારા અનેક વાર પૂછવામાં આવતો હોય છે. તેઓ કોઈ રામબાણ ઈલાજની શોધમાં હોય છે કે પછી કોઈ રહસ્યની, કે જે તેમના તમામ પ્રશ્નો (આધ્યાત્મિક અને ભાવનાત્મક)નું કાયમ માટે નિવારણ કરી શકે. જો કે ઘણા સાધકો તેમાં લાગતી ખંત અને વ્યક્તિગત પ્રયત્નોનું મહત્વ સમજતાં હોય છે, પરંતુ મોટાભાગનાં લોકોને તો તુરંત થઇ શકે તેવો કોઈ ઉપાય જોઈતો હોય છે. આદ્ય શાંતિનો એક સુંદર વિચાર અત્રે પ્રસ્તુત છે કે જેમાં મારા વિચારોનું પણ પ્રતિબિંબ રહેલું છે:

મોટાભાગનાં જિજ્ઞાસુઓ પોતાના મોક્ષની સંપૂર્ણ જવાબદારી નથી લેતાં હોતા, પણ કોઈ એક મોટા અને અંતિમ આધ્યાત્મિક અનુભવની રાહ જોતા બેસતાં હોય છે કે જે એક ગોફણની જેમ સીધા જ તમને તેમાં આખેઆખા ફેંકી દે. આ અંતિમ મોક્ષદાયી અનુભવની તલાશે જ એક આધ્યાત્મિક વેપારીકરણ (spiritual consumerism)ને જન્મ આપ્યો છે, અને તેમાં એક જિજ્ઞાસુ એક ગુરુ પાસેથી બીજા ગુરુ પાસે આત્મજ્ઞાનનું શોપિંગ કરવા માટે ભટક્યા કરે છે, કેમ જાણે આ કોઈ મીઠાઈની ખરીદી ન હોય. આ આધ્યાત્મિક ભેળસેળ એ આત્મજ્ઞાનની શોધને બહુ જલ્દીથી જિજ્ઞાસુઓનાં એક સંપ્રદાયમાં બદલી નાંખે છે. અને, જો કે અનેક લોકોને તેમાં શક્તિશાળી અનુભવો ખરેખર થતાં પણ હોય છે, તેમ છતાં મોટાભાગનાં કિસ્સાઓમાં તે વ્યક્તિનાં કોઈ ઊંડા પરિવર્તન તરફ દોરી જતું હોતું નથી, અને આત્મજ્ઞાનની અભિવ્યક્તિ ઊંડા પરિવર્તનથી જ થતી હોય છે.

આત્મજ્ઞાન માટેની કોઈ મોટામાં મોટી ગેરસમજણ જો કોઈ હોય તો તે એ છે કે આપણે બસ એમ માની લઇએ છીએ કે આત્મજ્ઞાન તો બસ થઇ જશે. જો કે એવું થતું નથી. તે કમાવું પડતું હોય છે, જીવવું પડતું હોય છે. ઘણીવાર આ બાબત જિજ્ઞાસુઓને સમજાવવી મારા માટે પણ એક ચુનોતી જેવું થઇ જતું હોય છે, કે આત્મજ્ઞાનની કોઈ એક વિશેષ ક્ષણ નથી હોતી, પરંતુ તે તો જીવનભરના અનુભવો અને અભ્યાસનું એકત્રીકરણ હોય છે જેનાં લીધે એક ઊંડા જ્ઞાનનો ઉદય તમારી અંદર થાય છે. કોઈ ગુરુનાં જાદુઈ સ્પર્શથી કે વીજળીના ચમકારાથી પોતાનાં જીવનમાં કોઈ આત્મજ્ઞાનની ક્ષણ આવી જશે એવું માનનારા જિજ્ઞાસુઓને હું દોષ નથી દેતો. કારણકે આપણી પાસે એવા અનેક પુસ્તકો છે કે જે આપણને એવું માનવા માટે પ્રેરતાં હોય છે. અરે મેં પણ અજાણતા એવી જ કઈક છાપ મારા સંસ્મરણ પુસ્તકમાં મારા સૌથી મોટા આધ્યાત્મિક અનુભવ વિશે લખતાં છોડી છે. એ બાબતમાં, બુદ્ધની બોધીવૃક્ષ નીચે થયેલાં અનુભવને પણ કઈક અલગ અને વિશેષ મહત્વ તરીકે ચાતરવામાં આવે છે. વાસ્તવમાં એવું નથી.

આવા અનુભવોને સમજવામાં અને દર્શાવવામાં, આપણે તે સ્થાને પહોંચવામાં લાગતાં પ્રચંડ પ્રયત્નોને અવગણી નાંખતા હોઈએ છીએ. એક ક્ષણ માટે, નોબલ પારિતોષિક જીતવાનો વિચાર કરો. આપણે તે બીજા નોબેલ પારિતોષિક વિજેતાઓને મળીને તે મેળવી ન શકીએ, અને ફક્ત આપણને તે સન્માન જોઈતું હોય એટલાં માટે કઈ તે આપણને મળી પણ ન જાય. કોઈ એક વસ્તુ માટે જીવનભરની કટિબદ્ધતા કે પછી અદ્દભુત કાર્ય કરવું પડે, અને માની લઈએ કે બધાં સંજોગો તમારી તરફેણમાં હોય તો કદાચ પારિતોષિકનું ચૂંટણી મંડળ તમારું નામ દાવેદારની યાદીમાં સામેલ કરે. એમાં કોઈ શંકા નથી કે નોબેલ પારિતોષિક જીત્યાં બાદ તમારા જીવનમાં અને જીવન જીવવાની રીતમાં એક મોટો બદલાવ આવી શકે છે, તમે અનેક લોકો માટે પ્રેરણાસ્રોત બની શકો છો, પણ, તેનાથી વિશેષ તેમાં બીજું કશું જ નથી. તેનાંથી તમારા સંબંધોમાં સુધારો નહિ આવી શકે. તે તમારી શારીરિક તંદુરસ્તીને સરખી નહિ કરી શકે, વિગેરે. એ બધી ચુનોતીઓ તો રહેવાની જ.

પૂરી સજ્જતા અને તૈયારી વગર, કોઈ પણ આધ્યાત્મિક અનુભવ ભાગ્યે જ પરિવર્તનકારી હોય છે. અને જો કોઈપણ અનુભવ તમારી અંદર કોઈપણ પ્રકારનું કાયમી પરિવર્તન – પછી ભલે ને તે નાનું અમથું પણ કેમ ન હોય – જો ન લાવી શકતું હોય તો તેનો કોઈ જ બહુ મોટો અર્થ રહેતો નથી. જયારે તમે કોઈ માર્ગ પ્રામાણિકતાથી, ખંતપૂર્વક ચાલતાં રહો તો તેમાં ઘણું જ્ઞાન, અનેક પાઠ અને અનુભવો શીખવાનાં મળશે જેનાંથી તમે તમારું જીવન જુદી રીતે જીવી શકશો. એમાં એક એવો બદલાવ હશે કે જેમાં તમે આનંદની અવસ્થાને ટકાવી રાખી શકશો. આટલું કહ્યાં પછી, હું એ ઉમેરીશ કે તમે જો આત્મજ્ઞાની થઇ જાવ, તો પણ તેનો અર્થ એ નથી કે તમને કોઈ પીડાનો અનુભવ નહિ થાય કે પછી તમારા જીવનમાં જે કઈ પણ ચાલતું રહે તેનાંથી બસ તમને આનંદનો જ અનુભવ થયા કરે.

આર. કે. લક્ષ્મણ (૧૯૨૧ – ૨૦૧૫), જે ભારતનાં એક બહુ મોટા કાર્ટૂનિસ્ટ હતાં, તેમને પોતાના પુસ્તક The Distorted Mirror માં એક સુંદર ફકરો લખ્યો છે.

લોકોને મારા વ્યવસાય માટે બહુ જ જિજ્ઞાસા થતી હોય છે અને હું તેમની બધી શંકાઓને દુર કરવા માટે મારાથી બનતો બધો પ્રયત્ન સવાલો પૂછીને કરતો હોવ છું. તાજેતરમાં જ એક બાઈએ મને પૂછ્યું, “તમે તમારા કાર્ટૂન માટેના બધાં જ ચિત્રો જાતે દોરો છો?” મેં જવાબ આપતાં કહ્યું “હા, હું જ દોરું છું.” તો પછી તેને બીજો સવાલ પૂછ્યો, “અને કાર્ટુન પરનું લખાણ, શું એ પણ તમે જ લખતાં હોવ છો?” “બિલકુલ,” મેં કહ્યું. અને, અંતે તેને પૂછ્યું, “તો પછી એ કાર્ટુન માટેના વિચારો, હવે એમ ન કહેતા કે એ પણ હું જ વિચારું છું?”

એક એવો પણ (સવાલ) છે કે જે મને કદાચ ભાગ્યે જ પૂછવામાં આવતો હોય છે પણ તે મને ખુબ જ ઊંડા આત્મનિરીક્ષણમાં દોરી જાય છે. અને તે છે: “જયારે તમે આજુબાજુ જોતાં હોવ છો, ત્યારે શું તમને દરેક વસ્તુમાં રમુજ દેખાતી હોય છે?” એક કાર્ટૂનિસ્ટનું જીવન કઈ કાયમી ચાલતાં રમુજી જીવન જેવું નથી હોતું જેમાં બીજા લોકોની જેમ કાળજી કે ચિંતાનો સદંતર અભાવ હોય. ડુંગળીનો ભાવ ઉંચો નીચો થાય ત્યારે એ જેમ કોઈ શાળાના શિક્ષકને આનંદ કે ગુસ્સાનો અનુભવ કરાવે એમ મને પણ અસર કરતો જ હોય છે. એવી જ રીતે ટેક્સ પણ મને ખુબ જ હતાશ કરતો હોય છે. માઈકનાં ભૂંગળા અને ટ્રાફિક જામ મને ગાંડો કરી નાંખે છે. ચોક્કસ જેમ કોઈ ડોક્ટર પોતાના જીવનને ફક્ત શરદી, ઉધરસ, એલેર્જી અને ફેફસાની જલનની જેમ નથી જોતો હોતો. કોઈ ચલચિત્રોનો અભિનેતા/અભિનેત્રીને, જરૂર એટલું તો ભાન હોય છે જ કે કેમેરાની હદની બહાર જીવન કઈ રમણીય દ્રશ્યોથી ભરપુર, સેક્સ, ગાયન વાદન, અને કેચઅપ બ્લડ વાળું નથી હોતું. કેમ, તો પછી એક કાર્ટૂનિસ્ટને કેવી રીતે તેની આજુબાજુ કાર્ટુન ચિત્રો કે પછી પેટમાં ગલગલીયા કરાવે એવા સંવાદો જ સંભળાતા હોઈ શકે? અને માટે જ હું મારી જાતને એક ખાતરીપૂર્વકનું આશ્વાસન આપતો હોવ છું કે મારું જીવન પણ લાઈનમાં ખાંડ કે કેરોસીન લેવા ઉભેલા એક સામાન્ય માણસ જેટલું જ સાધારણ છે.

આત્મજ્ઞાનનું પણ કઈક આવું જ હોય છે. આત્મજ્ઞાનનો અર્થ એ નથી કે તમને કોઈ પીડાનો અનુભવ નહિ થાય કે તમારી આજુબાજુ જે ચાલતું હશે તેનાંથી તમને કોઈ અસર જ નહિ થાય. આપણા કર્મો, સ્વભાવ અને જીવન પ્રત્યેનાં આપણા અભિગમને લીધે આપણે સૌએ એ બધામાંથી તો પસાર થવું જ પડશે. ફક્ત એક જ વસ્તુ બદલાતી હોય છે, તે એ કે તમે પોતે વધું ને વધું આધ્યાત્મિક જીવ બનતાં જાવ છો, તમે વધું ને વધું સક્ષમ અને ભલા બનતાં જાવ છો. જીવન તમારા તરફ ગમે તે કેમ ન ફેંકે તેનાથી તમે તેને કેવી રીતે ઝીલશો કે ટાળશો તેમાં કશું બદલાતું હોતું નથી. જયારે એ તમને ઉથલાવીને ફેંકી દે તે હદ સુધી પહોંચી જાય, ત્યા સુધીમાં તો તમે ખુબ જ સ્વતંત્ર, અત્યંત સ્વાવલંબી બની ગયાં હોવ છો. હવે દુનિયા તમારા માટે શું વિચારશે, તમને કેવી દ્રષ્ટીથી જોશે વિગેરે બાબતોની તમને હવે કોઈ દરકાર રહી હોતી નથી. બીજા શબ્દોમાં, તમે તમારું કાર્ટુન જાતે જ દોરતાં થઇ જશો, તેના ઉપરના સંવાદો પણ જાતે જ લખતાં થઇ જશો અને બીજા લોકોને નવાઈ લાગશે અને વિશ્વાસ પણ નહિ આવે કે તમારા કાર્ટુન દોરવા માટેના વિચારો પણ તમારા પોતાનાં જ છે.

એક ઝેન કહેવત છે: “આત્મજ્ઞાનની પહેલાં: લાકડાં કાપો, પાણી ભરી લાવો. આત્મજ્ઞાન પછી: લાકડાં કાપો, પાણી ભરી લાવો.”

જીવનમુક્ત આત્મા કે પછી કોઈ આત્મજ્ઞાની વ્યક્તિ પોતાની ફરજોથી દુર નથી થઇ જતી. જેમ એકનાથ ઈશ્વરન કહે છે તેમ, આત્મજ્ઞાન એ તમારા સત્કર્મોનું વળતર નથી. એ તો તમારા અનુભવોથી ઉદ્દભવતી એક સમજણથી આવતો જીવન પ્રત્યેનો તમારો અભિગમ હોય છે. જો તમારે ખરેખર આત્મજ્ઞાનના વિચાર ઉપર બરાબર પકડ બેસાડવી હોય તો તમે તેને એક જીવન જીવવાની રીત તરીકે જુઓ, સદગુણો પ્રત્યેની એક કટિબદ્ધતા તરીકે જુઓ, તમારી જાતને અમુક ચોક્કસ રીતે રાખવાના એક વચન તરીકે અને તમારા જીવનને તમને શોભે એ રીતે જીવો.

મોક્ષ એ કોઈ માઉન્ટ એવરેસ્ટ ઉપર કોઈ વિજયી ઝંડો સ્થાપી દેવા જેવી બાબત નથી, તે તો એક સજાગપણે અને ખંતપૂર્વક ખેડવામાં આવતી એક યાત્રા જેવું છે કે જેમાં અનેક ચડાણ અને ઢોળાવ આવતાં હોય છે, જેમાં ક્યારેક થોભવું પણ પડે અને વિસામો પણ ખાવો પડે, માર્ગમાં બીજા મુસાફરોને પણ મળવાનું અને આવકારવાનું થાય, મનોરમ્ય દ્રશ્યોને મન ભરીને માણવાનાં પણ મળે, માર્ગમાં આવતી ચુનોતીઓની કદર પણ કરતાં જવાનું અને જ્યાં પણ હોઈએ તેનો આનંદ પણ ઉઠાવતાં જવાનું છે. આ બધાં દરમ્યાન તમારે થોડાં અંતર્મુખી બનવાનું અને પોતાનાં ધ્યેય ઉપર ધ્યાન કેન્દ્રિત રાખતાં જવાનું છે.

જયારે તમને આ બાબતનું જ્ઞાન થઇ જશે ત્યારે એક સુખ અને ખુશીની ચાદર તમને હંમેશાં વિટળાયેલી રહેશે. તમને એ સમજાઈ જશે કે જીવનમાં કોઈ કાળી ક્ષણો જેવું કશું નથી, તમે પહેલેથી જ આત્મજ્ઞાની છો. તમારે ફક્ત તેનો અનુભવ કરવાં માટે અમુક ચોક્કસ રીતે જીવવું પડશે. ત્યારે તમને એ જાણીને હસવું આવશે કે તમે તમારી જાતને કેટલી બધી બિનજરૂરી ગંભીરતાથી લઇ રહ્યાં હતાં. જેમ કે થીક નાહટ હાન્હ (Thich Naht Hanh) કહ્યું છે કે:

મને હવે એ વિચારીને હસવું આવે છે કે હું એક વખત કેવો સ્વર્ગને મારી આ જન્મની દુનિયાની બહારના કોઈ ક્ષેત્રમાં ખોજી રહ્યો હતો. ખરેખર તો આ જન્મ અને મૃત્યુની દુનિયામાં જ ચમત્કારી સત્યનું દર્શન થતું હોય છે. પણ આ કોઈ એવું હાસ્ય નથી કે જેમાં કોઈનું અચાનક જ કોઈ મોટું નસીબ જાગી ગયું હોય; કે આ હાસ્ય કોઈ એવાનું પણ નથી કે જેનો કોઈ બહુ મોટો વિજય થઇ ગયો હોય. પણ આ હાસ્ય તો એવા કોઈકનું છે કે જે કોઈ ચીજને ખુબ જ પીડાપુર્વક લાંબા સમય સુધી શોધી રહ્યો હોય, અને એક દિવસની સવારે તેને તે ચીજ પોતાના કોટનાં ખિસ્સામાંથી જ મળી આવે.

એક ધાર્મિક વ્યક્તિએ એક સંન્યાસીને પોતાનાં નવા ઘરને આશીર્વાદ આપવા માટે બોલાવ્યો. પેલાં સંન્યાસીએ નમ્રતાથી એ વિનંતીનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે પોતે વ્યસ્ત છે.
“પણ તમે શું કરો છો?” પેલા માણસે આગ્રહ કરતાં પૂછ્યું.
“કશું નહિ.”
એને લાગ્યું કે કદાચ આ સંન્યાસીને તે દિવસે મુલાકાતનું મન નહિ હોય, તેને રહેવા દીધું અને બીજા દિવસે તેને ફરી ફોન કર્યો. “શું તમે આજે આવી શકશો મારા ઘરને આશીર્વાદ આપવા માટે?”
“માફ કરશો,” સંન્યાસીએ કહ્યું, “હું વ્યસ્ત છું.”
“શું કરવામાં વ્યસ્ત છો?”
“હું કશું કરી નથી રહ્યો,” સંન્યાસીએ જવાબ આપતાં કહ્યું.
“પણ એ તો તમે કાલે કરી રહ્યાં હતા!” પેલા માણસે કહ્યું.
“બરાબર,” સંન્યાસીએ જવાબ આપતાં કહ્યું. “એ હજી પૂરું નથી થયું!”

આત્મજ્ઞાન પણ સતત ચાલતી રહેતી ક્રિયા છે. નિ:શંક તેમાં પરિવર્તનકારી ક્ષણો આવતી હોય છે જે તમારી અંદર કાયમનો બદલાવ લાવી દેતી હોય છે. પરંતુ એ બદલાવને જીવવો તે એક સજાગતાની વાત છે. અને એ જ હોય છે સાચું આત્મજ્ઞાન.

બસ આટલું જ છે. આ જીવન. ને સુંદર છે. જીવો. તેને પ્રેમ કરો. તમારા માટે, અને બીજાના માટે થઈને પણ. હસી નાંખો. બસ આટલું જ જાણવાનું છે. જીવનમાં બીજું કશું નહિ પણ હોય તો ય જીવન ચાલશે.

શાંતિ.
સ્વામી

નોંધ: હું તમને મારા પુસ્તક Mind Full to Mindful નાં દિલ્હીમાં ૨૩ એપ્રિલનાં રોજ થનાર અનાવરણમાં ભાગ લેવા માટે આમંત્રણ આપું છું. વધુ વિગત માટે અહી ક્લિક કરો.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email