એક દિવસે, બુદ્ધ પોતાના સંન્યાસીઓ સાથે એકાંતમાં બેઠા હોય છે અને ત્યારે જ એક વ્યક્તિ તેમની પાસે આવે છે અને બોલે છે, “મહેરબાની કરીને મને બસ થોડાંક શબ્દોમાં જ શ્રેષ્ઠ જ્ઞાન આપવાની આપ કૃપા કરશો?”

બુદ્ધે આ વ્યક્તિની ઉપસ્થિતિની તેમજ તેના સવાલની નોંધ લીધી, અને તેની સામે મંદ સ્મિત કર્યું અને પોતાનું મૌન જાળવી રાખ્યું.

થોડીક મિનિટો સુધી રાહ જોયા પછી, પેલો આગંતુક બુદ્ધ સમક્ષ દંડવત પ્રણામ કરીને કહ્યું, “ખુબ ખુબ આભાર, મને મારો સંદેશ મળી ગયો. હું હવે તમારી રજા લઉં.”

શરીપુત્ર નામનો એક બંડખોર સંન્યાસી હતો જે ક્યારેય બુદ્ધને કોઈ પણ સવાલ પૂછતાં ખચકાતો નહિ, જેવો પેલો આગંતુક ગયો કે તેણે બુદ્ધને પૂછ્યું, “એવું કેવી રીતે બને કે પેલો વ્યક્તિ તેને જે મળ્યું તેનાં બદલે તમારો આભાર માનતો હતો, જયારે અમે તો તેને શું મળ્યું તે અમારી આંખે જોયું પણ નહિ?”

“શરીપુત્ર,” બુદ્ધે જવાબ આપતાં કહ્યું, “એક સારો અશ્વ ફક્ત ચાબુકના પડછાયાથી પણ ભાગવા લાગતો હોય છે. તે વ્યક્તિ તેવો તૈયાર હતો.”

શરીપુત્ર, જો કે તો પણ સમજ્યો નહિ. જેવા બુદ્ધ પોતાના સ્થાન ઉપરથી ઉભા થઇને પોતાની કુટીરમાં વિશ્રામ કરવાં ગયાં કે તેને બાકીના બધાં સંન્યાસીઓને પણ પૂછી જોયું કે તેમાંના કોઈને પણ સમજણ પડી કે નહિ. સ્પષ્ટ હતું કે કોઈને પણ ખબર પડી નહોતી. તેઓ બધાં ભેગા થયાં અને તેમને નક્કી કર્યું આજ સાંજનાં પ્રવચનમાં તે બધાં બુદ્ધને આ શ્રેષ્ઠ જ્ઞાન આપવાં માટે વિનંતી કરશે. તેઓએ બુદ્ધને પૂછ્યું, “શું તમે અમને પણ થોડું જ્ઞાન આપશો, થોડી અંતર્દ્રષ્ટિ – પછી ભલેને તે ઓછામાં ઓછા શબ્દોમાં કેમ ન હોય – કશું નહિ કહો તો પણ ચાલશે? સંભવ છે કે અમારામાંથી પણ કોઈ એકજણ તે મેળવવા માટે તૈયાર હોય.

“બુદ્ધે પોતાની સમક્ષ પડેલાં પુષ્પોમાંથી એક પુષ્પ હાથમાં ઉઠાવ્યું, અને પોતાનાં હાથમાં થોડી વાર માટે રાખ્યું. તેઓ કશું પણ બોલ્યાં નહિ. તેમણે આ પુષ્પ તરફ આંખનો પલકારો પણ માર્યા વગર એકીટશે જોયા કર્યું. બુદ્ધે શ્રેષ્ઠ જ્ઞાનની લ્હાણી આવી રીતે કરી, જે એક ધ્યાનનો શ્રેષ્ઠ માર્ગ હતો, એક શ્રેષ્ઠ અંતર્દ્રષ્ટિ – કશું પણ કહ્યાં વગર. તેઓ ફક્ત પુષ્પ તરફ તાકી રહ્યાં હતા, અને પછી ધીમેથી પોતાની દ્રષ્ટિ ઉંચી કરી અને સ્મિત વેર્યું. ત્યાં બેઠેલાંઓમાંથી કોઇપણ હસ્યું નહિ સિવાય મહાકશ્યપ, જે તેમનો એક શિષ્ય હતો. તો આ હતી બુદ્ધની સૌ પ્રથમ ઝેન જ્ઞાનની લ્હાણી. અહીથી શરૂઆત થઇ.

મહાકશ્યપે સ્મિત કર્યું કારણકે બુદ્ધને પુષ્પ અને મૌન દ્વારા જે કહેવાનું હતું તે એ સમજી ગયો હતો.

બીજું કઈ પણ હું કે પછી ગમે તે કહે તે બસ ફક્ત ઝેનનું અર્થઘટન હશે. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે ખરો, કે આપણે પૂજામાં પુષ્પ કેમ અર્પણ કરીએ છીએ? તે ફક્ત કઈ રંગ અને સુગંધ માટે જ નથી હોતા. જો એવું જ હોત તો પછી આપણે બીજી અનેક સુંદર વસ્તુઓ ધરાવતાં હોત. આપણે આપણા ઇષ્ટને અનેક રંગોથી રંગી શકત; તેમના ઉપર અત્તર છાંટી શકત. પણ પુષ્પ જ શાં માટે? તેના પાછળ એક ખરું અને સુંદર કારણ છે. જુઓ, પુષ્પ છે તે એક જીવંત વસ્તુ છે. તેને એક જીવન હોય છે જે સમય સાથે વિલાઈ જતું હોય છે.

બુદ્ધે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, જે ત્યાં બેઠેલાં બધાં જ ભિખ્ખુઓ માટે હતું, પણ તેઓ બોલ્યાં ફક્ત મહાકશ્યપ તરફ જોઇને. “અહી બધું જ છે, મહાકશ્યપ. બધું જ. કશું કરવાનું નથી. ફક્ત એટલું જ કરવાનું છે કે જે પણ પુષ્પની સુંદરતા છે તેને બસ મન ભરીને માણવાની છે, એ સજાગતા સાથે કે આ પુષ્પ કાયમ નથી રહેવાનું, એક દિવસે તે સુકાઈ જવાનું છે.”

ઝેનનો અનુભવ કરવા માટેનો એક સરળ અને સુંદર રસ્તો એ છે કે એક પુષ્પ તમારા કામ કરવાનાં ટેબલ ઉપર, તમારા ડાઈનીંગ ટેબલ ઉપર, અને એક તમારા બેડરૂમમાં રાખી દો. તેને પાણી આપવાની જરૂર નથી. તેને રોજ બદલવાની પણ જરૂર નથી. જયારે તે સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તેને બદલીને એક બીજું પુષ્પ રાખી શકો છો.

જાપાનીઝ ગ્રંથો કહે છે કે બુદ્ધ દ્વારા સૌ પ્રથમ ઝેન સુત્રનો ઉચ્ચાર એ હતો કે હના વહરાકું, બેન કોકું ના હારું…અર્થાત એક પુષ્પ ખીલતું હોય છે અને સમગ્ર દુનિયામાં વસંત ઋતુનું આગમન થઇ જતું હોય છે.

ઝેનમાં એક પુષ્પને બુદ્ધની સંજ્ઞા આપવામાં આવે છે કેમ કે બુદ્ધનો જન્મ પણ પુષ્પ નીચે થયો હતો. તેમનું નિર્વાણ પણ પુષ્પો ઉપર થયું હતું અને તેમનું જીવન પણ પુષ્પો ઉપર જ વિત્યું હતું. તેમના ભક્તોનો તેમના ઉપરનો પ્રેમ તેમનાં પોતાના જીવન કરતા પણ વધુ હતો. તેમને જ્ઞાન બોધ પણ પુષ્પનાં વૃક્ષ નીચે જ થયો હતો.

તમારા મનને પણ પુષ્પ સાથે સરખાવી શકાય. જયારે તમારું મન ખીલી ઉઠતું હોય છે, ત્યારે આખી દુનિયામાં વસંત છવાઈ જતી હોય છે. જયારે તમારા મનમાં પાનખરનો અનુભવ થવા લાગે છે, ત્યારે બાહ્ય દુનિયામાં ગમે તેટલી સુંદરતા કેમ ન રહેલી હોય, પરંતુ બધે જ અભાવ વર્તાતો હોય છે. બધું જ નીરસ અને દુઃખી લાગતું હોય છે. માટે, ઝેન કહે છે, મને ફક્ત મારા મન ઉપર જ ધ્યાન આપવા દે. કારણકે જો હું મારું મન હંમેશાં ખીલેલું રાખીશ, તો પછી આખું વિશ્વ આપોઆપ સુંદર જ છે.

તમે એક પુષ્પ છો અને તમારું એક સુંદર જીવન છે. તમારા જીવનને એવા કરોડો લોકો સાથે સરખાવો કે જેઓ પાસે જીવનની મૂળ જરૂરિયાતો સંતોષાય એટલું પણ નથી. મોટાભાગનાં લોકો જયારે રેસ્ટોરન્ટમાં જમવા જાય ત્યારે તેમને જે ખાવું હોય તે ઓર્ડર પણ નથી કરી શકતાં હોતા. તેઓ તેની કિંમત તરફ જોઈને એ નક્કી કરતા હોય છે કે તેઓ શું મંગાવી શકશે. દરેક લોકો વૈભવી જીવન નથી માણી શકતાં, પણ તમે માણી રહ્યાં છો. યાદ રાખો તમે તમારા જીવનમાં ક્યાં છો અને તમારા પર શું આશીર્વાદ રહેલાં છે. જીવનમાં ખુશીનો અનુભવ કરવા માટે જો આ હજુ પણ પુરતું ન હોય, તો પછી તમે જ મને કહો, કઈ બાબત તમને ખુશ કરશે? કશું જ નહિ.

ઝેન આપણને એ શીખવે છે કે ખુશી એ કોઈ ખોજ નથી. એ કોઈ એવી બાબત નથી કે જે આપણે શોધવાની હોય. હા, આપણી પાસે ઉત્સાહ, હોશ, અને ઝનુન જરૂરથી હોવા જોઈએ, પરંતુ ઝનુનનો અર્થ બેપરવાઈ કે ઢીલા-ઢાલાં પ્રયત્ન એવો નથી. આ પેશન – ઝનુનની બાબત કે જે તમને સતત કહેવામાં આવી રહી છે કે તમારા જીવનમાં કોઈ “ઝનુન-પેશન” હોવું જોઈએ, તે એકદમ નવી બાબત છે, એકદમ અમેરિકન છે. કરોડો લોકો આ ઝનુન હોવાની બાબત પ્રચલિત થઇ તે પહેલાં પણ પોતાનું જીવન જીવી જ ગયા છે, અને તેમને કોઈ ઝનુન – પેશન હતું નહિ. પરંતુ તેમ છતાં તેઓ ખુશ હતાં, શાંત અને સંતોષી હતાં.

ઝેન કહે છે કે બસ મને આ વર્તમાન ક્ષણમાં જ રહેવા દો, અરે આ શ્વાસ પણ એક આશીર્વાદ છે. જો હું આજે મારી પાસે છે તેનાંથી જ જો ખુશ ન હોવ, તો પછી ભવિષ્યમાં પણ મારી પાસે જે કઈ હશે તેનાંથી પણ કદાચ હું ખુશ નહિ થાવ. એક વાત બહુ સ્પષ્ટ છે કે દરેક સમયે અને દરેક સંજોગોમાં તમારા જીવનમાં એક વ્યક્તિ એવી હોવાની જ કે જે તમારા માટે માથાના દુઃખાવા જેવી હોય. તમારી પાસે એક મોટી ચુનોતી તો હોવાની જ. અને તમારે એક એવાં દુઃખનો તો સામનો કરવાનો રહેશે જ, પછી તે માનસિક હોય, શારીરિક હોય, લાગણીકીય હોય, મનોરોગ હોય કે પછી ફક્ત તમારી માનસિકતામાં હોય કે આધ્યાત્મિકતામાં હોય. આ તમામ જીવનનાં જ એક ભાગ રૂપ છે. પણ આ બધાંમાં વહેતા રહેવું તેનું નામ જ ઝેન.

બુદ્ધના ગયે હજારો વર્ષ થશે તેમ છતાં પણ, ઝેન કોઈની સમજમાં નથી આવતું. તે એટલાં માટે કે લોકોને કોઈને કોઈ લંગર જોઈતું હોય છે; કે કોઈ વિધિ જોઈતી હોય છે. જયારે હું લોકોને એમ કહેતો હોવ છું કે, “બસ ફક્ત બેસી જાવ અને સજાગ થઇ જાવ; તમારે કશું જ કરવાનું નથી,” તો તેઓને લાગે છે કે આટલું પુરતું નથી. કોણ જાણે કેમ તેઓ બધાં સ્થિર બેસવાની કળામાં પ્રવીણ ન થઇ ગયાં હોય! જો હું તેમને કોઈ મંત્ર આપું – અને એ ભાગ્યે જ બનતું હોય છે કે હું તેમને કોઈ મંત્ર આપું – તો તેઓ તેનો જપ થોડા અઠવાડિયા સુધી કરશે, કદાચ મહિનાઓ સુધી, અને તરત મારી પાસે પાછા આવશે અને કહેશે, “સારું, તો હવે પછી બીજું શું કરવાનું છે?”

આ બિલકુલ ભૌતિક પ્રકારનો વિચાર છે. હવે પછી બીજું કશું કરવાનું જ નથી. જો તમે આપેલા પથ ઉપર તમારી જાત સાથે જ એકાકાર ન થઇ શકતાં હોવ તો, પછી ત્યાં “કશું બીજું” કરવાનું નથી કે જે તમને તમારી મંઝીલ સુધી લઇ જઈ શકે. ધ્યાનમાં જુદાજુદા પડાવ આવતાં હોય છે, ત્યાં કોઈ જુદાજુદા પગથીયા નથી. તમે જુદીજુદી વસ્તુઓ કરીને જુદા પડાવ સુધી પહોંચી શકો નહિ. તમે કઈ આગળ વધીને તે પડાવોનો અનુભવ કરી શકો નહિ. વાસ્તવમાં, તે એક પડાવ પણ નથી, તે તો એક અવસ્થા હોય છે.

તમે જે કરતાં હોવ તે કર્યે જાવ. તમે બસ તેને જ ઉત્તરોત્તર શ્રેષ્ઠ બનાવતાં જાવ; તમે તેમાં પ્રવીણ બનતાં જાવ, અને પછી તમે એ ઉચ્ચ અવસ્થાએ પહોંચતા હોવ છો. એક માર્શલ આર્ટસના ગુરુએ પોતાના વિદ્યાર્થીને કહ્યું, “દસ હજાર જુદીજુદી કરામતો શીખવાની ચિંતા નહિ કર. તું એ બધામાં પ્રવીણ નહિ થઇ શકે. અને મને દસ હજાર કરામતો શીખવવામાં રસ પણ નથી કે જે તું એક કે બે વખત જ કરી શકવાનો હોય. મને ફક્ત તને એક જ વિજય અપાવે તેવી કરામત શીખવવામાં રસ છે, કે જેનો અભ્યાસ તારે દસ હજાર વખત કરવાનો છે. અને એ તારી એક શ્રેષ્ઠ કરામત બની જશે.”

૧૦૦૦ વર્ષ પસાર થઇ ગયાં હશે અને ત્યારે દક્ષીણ ભારતમાં, કાંચીપુરમમાં, કે જે અત્યારે તમિલનાડુ તરીકે ઓળખાય છે, ત્યાં એક રાજવી પરિવારમાં એક બાળકનો જન્મ થયો. બૌદ્ધ ફિલસુફીથી તે અત્યંત પ્રભાવિત હતો, અને તેને એક અદ્દભુત માર્ગ લીધો કે જેનાંથી ઝેન વિચારધારાને ફરી જીવંત જ ન કરી પરંતુ તેનો દુરદુર સુધી વિસ્તાર પણ કર્યો…

તમે આ જે વાંચ્યું તે છે મારા નવા પુસ્તક Mind Full to Mindful માંના થોડાંક અંશો. મારું આ નવું પુસ્તક મેં કેનેડા અને ભારતમાં જે ઝેન શિબિર કરી હતી તેમાં આપેલાં પ્રવચનો ઉપરથી લખેલું છે. આ એક સરળ વાંચન છે, એકદમ ઝેન જેવું જ, અનેક વાર્તાઓથી, રમુજોથી અને સુંદર ઉદાહરણોથી ભરપુર. ઝેનનો અર્થ થાય છે “અત્યારની ક્ષણમાં” જીવવું, તો પછી મને કોઈ કારણ નથી જણાતું કે શા માટે તમારે તમારી પરત “અત્યારે જ” ન ખરીદવી? આશા રાખું છું કે તમને આ પુસ્તકનું વાંચન ગમશે. ખરીદવા માટે નીચે ક્લિક કરો:

૧. ભારતમાં ખરીદવા માટે અહી ક્લિક કરો.
૨. વિશ્વનાં બીજા ભાગોમાંથી ખરીદવા માટે અહી ક્લિક કરો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email