મારી ઈચ્છા છે:
વાંચવાની પણ મારાથી એકાગ્રતા નથી કેળવાતી
કસરત કરવાની પણ એનાં બદલે ટીવી જોવાઈ જાય છે
શાંત રહેવાની પણ મારાથી ગુસ્સો થઇ જાય છે
માફ કરવાની પણ મારાથી ભુલાતું નથી કે નથી માફ થતું
જતું કરવાની પણ મારાથી તેમ થતું નથી
કરવું છે… (ખાલી જગ્યા પૂરો)…પરંતુ થતું નથી….
વિગેરે વિગેરે

દરરોજનાં ધોરણે, હું અનેક નિરાશા અને હતાશા ભરેલી, લાચારી અને ઢીલુ છોડવાની વાતો સાંભળતો હોવ છું, જેમાં કોઈને કોઈ અતિ પ્રમાણિકતાથી મને એવું કહેતું હોય છે કે તેમને અમુક કાર્ય કરવું હોય છે કે અમુક રીતના બનવું હોય છે, પરંતુ તેઓ ગમે તેટલાં પ્રયત્નો કેમ ન કરે, તેઓ અંતે પોતે પહેલા જેવા હતાં તેવા જ બનવા ઉપર પાછા પહોંચી જતા હોય છે. આપણે શા માટે આપણા વચનોનું પાલન કરી નથી શકતાં કે પછી સફળતાનો માર્ગ (ભલેની પછી નાના અમથા પ્રયત્નો પણ કેમ ન હોય) શું તે કાયમ અડચણો અને અવરોધોથી બનેલો હોય છે?

વારુ, મારી પાસે તમને આપવા માટે એક સરળ અને સ્પષ્ટ જવાબ તો છે. પરંતુ તે પહેલાં, હું તમને એક વાર્તા કહીશ કે જેની પાછળ મારે જે કહેવું છે તેનો સંદેશ રહેલો છે.

એક શ્રીમંત ખેડૂત પાસે નારિયેળીના વૃક્ષોનું ખેતર હતું, એક તબેલો હતો કે જેમાં દસેક ગાયો હતી અને એક નાનકડું મરઘા ઉછેર કેન્દ્ર હતું. સમુદ્ર કિનારે થતાં ભવ્ય સૂર્યોદય સાથે તે ઉઠતો અને તારાઓથી મઢેલા આકાશ નીચે તે રોજ સુતો, તે પોતાની પત્ની અને પાળીતા કુતરા સાથે એક સરળ અને સંતોષભર્યું જીવન જીવતો હતો.

“આપણને કોઈ રોજ મદદ કરે તેવું જોઈએ,” તેની પત્નીએ કહ્યું, “કોઈ એવું કે જે આપણી સાથે જ અહી રહેતું હોય.” ખેડૂત આ વાત સાથે સહમત થયો કેમ કે રોજ સાંજે કામ કરનારાઓ તેમના ઘરે પાછા જતાં રહેતાં, અને બીજું એ કે આમ પણ તેઓ બન્ને હવે વૃદ્ધ થઇ રહ્યાં હતાં, માટે તેમની સાથે કોઈ કાયમ રહે તેવું તેમને જોઈતું હતું. ખેડૂતે ગામમાં સમાચાર વહેતા મુક્યા કે તેમને ત્યાં નોકરી માટેની એક જગ્યા ઉપલબ્ધ છે. ઘણાં લોકોએ નોકરી માટે આ ખેડૂતનો સંપર્ક કર્યો પણ એક જુવાન માણસ પોતાના ઉત્સાહ અને આત્મવિશ્વાસને કારણે અલગ તરી આવતો હતો.

“અને મારે તને શા માટે રાખવો જોઈએ?” ખેડૂતે પૂછ્યું.
“હું પ્રામાણિક, મહેનતુ અને કુશળ વ્યક્તિ છું,” તેને જવાબ આપ્યો.
તે તો હોવું જ જોઈએ, એવું હું માનું છું.  મોટાભાગના લોકોએ જેમણે અરજી કરી છે તેમનાંમાં પણ આ ગુણો છે.”
“હશે,” પેલા યુવાન વ્યક્તિએ જવાબ આપતાં કહ્યું, “પણ, હું તો વાવાઝોડુ આવે તો પણ શાંતિથી સુઈ જઈ શકું છું.”

તેનો આવો ફિલસુફી ભર્યો જવાબ સાંભળી ખેડૂત તો ખુશ થઇ ગયો અને તરત તેને કામ પર રાખી લીધો. પોતાના વચનો મુજબ જ તે તો થાક્યાં વગર ખુબ જ મહેનત કરતો અને દરેક બાબત ખુબ સારી રીતે સંભાળતો થઇ ગયો. થોડા મહિનામાં જ, તેણે આ ખેડૂત દંપતીનો વિશ્વાસ જીતી લીધો અને તેઓ બન્ને આ યુવાન ઉપર વધુને વધુ ભરોસો કરતાં થઇ ગયા.

એક રાતે, તેમનો પાલક શ્વાન જોરજોરથી ભસવા લાગ્યો, કઈક વિચિત્ર રીતે જ. ખેડૂત અને તેની પત્નીએ તેને શાંત કરવાનો પ્રયત્ન કરી જોયો, પણ તે બંધ થયો નહિ. થોડીવારમાં જ તેમને ખબર પડી ગયી કે એક દુર ભયંકર તોફાન આકાર લઇ રહ્યું હતું. તે તો પથારીમાંથી કુદકો મારીને બાજુમાં આવેલી પેલા નોકરની ઓરડીએ જઈ દોડ્યો, પણ તે તો શાંતિથી ઊંઘી રહ્યો હતો.

“ઉઠ!” ખેડૂતે તેને જોરથી હલાવા લાગ્યો. “એક બહુ જ મોટું તોફાન આવી રહ્યું છે!”
“આઘા જાવ,” તેને પોતાના ચહેરા તરફ ટોર્ચનો પ્રકાશ કરી રહેલા પેલા ખેડૂત સામે ઝીણી આંખો ખોલીને કહ્યું.
“આ તો બહુ કહેવાય! ઉભો થા, હું કહું છું!”
“મેં તમને કહ્યું હતું કે હું તો તોફાન આવે તો પણ સુઈ જ રહું છું,” તેને ઊંઘરેટા અવાજે પડખું ફરતાં કહ્યું.
“હું તને સવારે જોઈ લઈશ!” ખેડૂત ચિલ્લાયો અને પોતાની મિલકતનું રક્ષણ કરવા માટે પત્ની સાથે બહાર દોડી ગયો. પવનની આંધી જોરજોરથી ફૂંકાતી હતી અને આકાશમાં સતત થતી વીજળી અને ગડગડાટથી એકબીજાને સાંભળવું પણ મુશ્કેલ હતું.

પ્રથમ તેઓ વાડામાં ગયા અને જોયું ઘઉં અને ઘાસની ગાંસડીઓ સરસ રીતે બાંધીને તેના ઉપર તાડપત્રી ઢાંકીને તેને નાયલોનની મજબુત દોરીથી સરસ રીતે વીંટાળી દીધી હતી. ખેતીકામના સાધનો બાજુના કબાટમાં સાચવીને મુકેલા હતા. પશુઓનો વાડો બહારથી બંધ કરેલો હતો અને ગાયો શાંત જણાતી હતી, એટલું જ નહિ તેમના માટે પૂરતા ચારા-પાણીની પણ સરસ વ્યવસ્થા કરેલી હતી. મરઘાના પાંજરા પણ સરસ રીતે વાસેલાં હતા. દરેક વસ્તુ તેની પોતાની જગ્યાએ સલામત હતી.

“વારુ,” પત્નીએ ખેડૂતને કહ્યું, “ચોક્કસ એ તો આવા ભયંકર તોફાનમાં પણ શાંતિથી સુઈ રહેવા માટે તૈયાર જ છે.”

આપણે સૌ મુશ્કેલીઓ, લાલચો અને અવરોધોથી બચવા તો માંગીએ છીએ, પરંતુ તેનો રસ્તો છે તેના માટેની એક તૈયારી હોવી. તમારી જાતને સલામત રાખવાની ઈચ્છા, અમુક ચોક્કસ રીતે રહેવાની ઈચ્છા, એ બધું ચોક્કસ મહત્વનું છે, પણ  ઇચ્છાઓ ફક્ત એક શરૂઆત માત્ર છે. હકીકતમાં ઇચ્છાઓ કરવી એ તો સૌથી સહેલું છે. તમે બધી રીતે સાચા જ્ઞાનથી તૈયાર છો (કે પછી ઓછા નામે તે શીખવા માટે કટિબદ્ધ છો) કે કેમ તેના ઉપરથી તમારી સફળતાની શક્યતાઓ નક્કી થતી હોય છે.

તાજેતરમાં જ મારી એક ધ્યાન શિબિરના પ્રથમ દિવસે જ બન્યું એવું કે અમે અમારા ઓડીઓ-વીડિઓનું કામ જેને આપતાં હતાં તેને વધારે ઓર્ડર લઇ લીધા હતા, અને માટે તેણે તેની જગ્યાએ કોઈ બિનઅનુભવીને અમારા કાર્યક્રમમાં મોકલી દીધો હતો. અમારી સમર્થ ટીમ કે જે આ શિબિરની વ્યવસ્થા કરી રહી હતી, તે અને અમારા સમર્પિત સ્વયંસેવકોની ટુકડીને ખબર પડી ગઈ કે અમારી ઓડીઓ સિસ્ટમ થોડી વધારે સારી હોવી જોઈતી હતી.

“સોરી, સ્વામીજી,” પછીથી કોઈ મારી પાસે આવ્યું અને કહ્યું, “અમે ધ્યાન રાખીશું કે આવું ફરી કાલે ન થાય.”
“માફી સ્વીકારી લીધી.” મેં કહ્યું, “પરંતુ, કમનસીબે તેનાથી કઈ આ પ્રશ્ન નહિ ઉકેલાય.”
“હું પોતે જાતે જ કાલે ઓડીઓ સિસ્ટમ ચલાવીશ,” બીજાએ કહ્યું.
“હું કદર કરું છું તમારી ભાવનાની,” મેં જવાબ આપતાં કહ્યું, “પણ, તમે શું તેના જાણકાર છો? પ્લીઝ, આપણે જેને આ કામ દર વખતે આપીએ છીએ, તે વ્યક્તિને અહી પાછો બોલાવીએ.”

તે દરેકે આ બાબત હાથમાં લઇ લીધી, અને પેલા વ્યક્તિને પાછો બોલાવ્યો, થોડા ફેરફારો કર્યા અને કાર્યક્રમના બાકીના દિવસો ખુબ સહજતાથી પસાર થયાં. (હું ગાયો અને વાડાની વાત કરી રહ્યો હતો, માટે મને આનાથી વધુ સારી સમરૂપતા બીજી યાદ નથી આવતી).

મારે વાત કરવાની છે ઈરાદાઓની અને આવડતની. અમુક સારી વાત કરવાનો ઈરાદો હોવો એક બાબત છે અને તેમ કરી શકવાની આવડત એક અલગ બાબત છે. કોઈવાર તમારે કોઈને મદદ કરવી હોય છે કે પછી ક્યારેક કોઈ બીજી વ્યક્તિ તમને મદદ કરવાની ઈચ્છા રાખતી હોય, આ બધું સારું છે, પણ જ્યાં સુધી તમારે પાસે તેના માટેની સાચી આવડત નહિ હોય, ત્યાં સુધી આ બધાં ઈરાદાઓ હોવાનો કોઈ બહુ મોટો ફાયદો નથી. આ ઈરાદાઓ અને આવડત વચ્ચેની જે ખાઈ છે તે જ આપણા અનેક પ્રયત્નોમાં મળતી નિષ્ફળતા માટે જવાબદાર હોય છે. દાખલા તરીકે, તમે કદાચ કોઈ બહુ મોટા કલાકાર હોઈ શકો છો, પણ તમારું કામ જો વેચાતું ન હોય, તો વેચવાની આવડત કેળવો. દરેક બાબતમાં સફળતા મેળવવા માટે જુદીજુદી આવડતની જરૂર પડતી હોય છે. કદાચ, એટલાં માટે જ શીખવાની પ્રક્રિયા જીવનભર ચાલતી હોય છે.

તમારે શાંત રહેવું હોય છે, પણ તમે શું એ આવડતને શીખ્યા છો? તમારે તમારા સાથી માટે કેક બેક કરીને તેને સરપ્રાઈઝ આપવી છે, પણ તમને શું બેકિંગ આવડે છે? વધુમાં, જો કેક ઈંટ જેવી થઇ જાય (આશા, રાખીએ કે કોલસા જેવી તો ન થઇ જાય), અને તેથી તમારા સાથી તમારી કદર ન કરે, તો શું તમને ખોટું લાગશે? ત્યારે તમે તમારા ઉત્તમ ઈરાદાઓ જેવું જ વર્તન પણ ઉત્તમ દાખવી શકશો ખરા? આપણે કાળજી કરવી હોય છે, પ્રેમ કરવો હોય છે, સફળ થવું હોય છે, પરંતુ જો તેનાં માટેની જરૂરી આવડત નહિ હોય, તો પછી ત્યાં બહુ આશા પણ નથી. મોટાભાગનું જે પણ કઈ આપણે જીવનમાં જાણીએ છીએ તે આપણે ક્યાંક ને ક્યાંક શીખેલાં હોઈએ છીએ. અને આપણને જે બહુ જ સારી રીતે આવડતું હોય તે આપણે ઘણી બધી વખત કરી ચુકેલાં હોઈએ છીએ, જેમાં આપણે અભ્યાસ અને તાલીમથી નિષ્ણાંત થઇ ગયાં હોઈએ છીએ. બસ આમાં આટલું જ છે: આપણે જે કઈ પણ પ્રાપ્ત કરવું હોય, તેનાં માટેની જરૂરી આવડત ઉપર આપણે પ્રભુત્વ મેળવવાની જરૂર હોય છે. એક હોશિયાર વ્યક્તિએ મને એક વાત કહી હતી: “એક કુશળ અને ધંધાદાર વ્યક્તિની નિમણુંકથી પણ જો કઈ વધારે મોંઘુ હોય તો તે છે કોઈ અપરીપક્ક્વ વ્યક્તિની નિમણુંક કરવી.”

એક ઘરડો વ્યક્તિ એક ભરચક બજારમાં મૂર્છિત થઇ ગયો અને એની ચારેકોર નાનકડું ટોળું એકઠું થઇ ગયું. ટોળાને ચીરતો એક વ્યક્તિ ઘટનાસ્થળે પહોંચે છે અને જુવે છે કે એક સ્ત્રી પેલા મૂર્છિત વ્યક્તિને ભાનમાં લાવવાની કોશિશ કરી રહી હોય છે.

“આઘી જા બેન તું!” તેને બુમ પાડી, “હું ફર્સ્ટ-એઇડ સ્પેશિયાલિસ્ટ છું. મને ખબર છે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ.”

પેલી સ્ત્રી બોલવાની કોશિશ કરી રહી હતી, પણ તે કઈ સાંભળવાનો હોય એવું લાગ્યું નહિ. અંતે, તે બાજુમાં  જઈને ઉભી રહી ગઈ, અને પેલો ફર્સ્ટ-એઇડ સ્પેશિયાલિસ્ટ પેલા વૃદ્ધને ભાનમાં લાવવાના મરણતોલ પ્રયાસો કરવા માંડ્યો.

“જયારે તું એવા મુકામ પર પહોંચે કે તારે એ બોલવાની જરૂર પડે કે હવે-દાકતરને-બોલાવો,” પેલી સ્ત્રીએ શાંતિથી જવાબ આપતાં કહ્યું, “તો હું અહી જ ઉભી છું.”

તમારે જે કઈ પણ પ્રાપ્ત કરવું હોય, તેવું તમારે બનવાનું છે. તેને સિદ્ધ કરવા માટે, તમારે એ મુજબનું કામ અને એવું વર્તન કરવું પડશે. એ તમારો ઈરાદો થયો. તમે તમારા ધાર્યા મુજબનું કામ કરી શકશો કે કેમ તે તમારી આવડતનો સવાલ છે. સારા સમાચાર એ છે, વ્યાજબી સમય, માર્ગદર્શન અને શિસ્તબદ્ધતાથી, કોઇપણ વ્યક્તિ ગમે તે આવડત ઉપર પ્રભુત્વ મેળવી શકે છે.

ફરી વાર, જયારે તમને એવું લાગે કે તમારી મહેનત તમને તમારા લક્ષ્યની નજીક લઇ જઈ રહી નથી, તો તમારો ઈરાદો શું છે તે લખી નાંખો અને તેની નીચે તેના માટે જરૂરી વર્તન કરવા માટે શી આવડતની જરૂર પડી શકે તે પણ લખી નાંખો. બધી જ મૂંઝવણ દુર થઇ જશે. એ જરૂરી આવડત શીખવા માટે કડી મહેનત કરવા માંડો, અને તમે જોશો કે બધું તેની મેળે જ થાળે પડતું જશે.

ઈરાદાઓ અને આવડત વચ્ચેની ખાઈને પૂરો; સફળતા પછી બહુ દુર નથી. અને આ જગ્યા પુરવા માટે ક્યારેય કશું મોડું થયું નથી. ખરેખર, વર્તમાન ક્ષણ જ તેની શરૂઆત કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે.

હજી પણ રાહ જોઈ રહ્યાં છો?

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email