“મારે ધ્યાન કરવું છે,” કોઈએ મને એક દિવસે પૂછ્યું, “પરંતુ, મને નથી લાગતું કે તે મારા માટે હોય. શું ધ્યાન કરવું એ આત્મ-બોધનો એકમાત્ર માર્ગ છે?”
“બિલકુલ નહિ,” મેં જવાબ આપ્યો. “ તમે તદ્દન જુદા માર્ગે ચાલીને પણ તમારા સત્ય સુધી પહોંચી જ શકો.”
“પણ discover your own truth (તમારું સત્ય જાતે શોધો) કહીને તમે ખરેખર શું કહેવા માંગો છો, અને ખરેખર તે કરવું કેવી રીતે?” તેને મને મારા વિડીઓ પ્રવચનના અંતે આવતી ટેગલાઈનને ટાંકતા પૂછ્યું.

મને લાગ્યું કે આ એક વ્યાજબી સવાલ છે, અને ભૂતકાળમાં હું અનેક એવા લોકોને મળ્યો છું જેઓએ મને આ જ સવાલ પૂછ્યો હોય. આખરે આપણા આ અસંખ્ય માર્ગો અને અનંત પસંદગીઓના ઘોંઘાટથી ભરેલા વિશ્વમાં, તમને એ કેવી રીતે ખબર પડે કે કયો માર્ગ તમને તમારા લક્ષ્ય સુધી લઇ જશે? વારુ, એ કઈ શરૂઆતમાં જેટલું લાગે છે તેટલું અઘરું પણ નથી. જરૂરી છે ફક્ત એટલું સમજવાની કે જીવનના સરળ સત્યો જટિલ રચનામાં નહિ દેખાય. આ વ્યક્તિના સવાલે મને એક ઝેન વાર્તાની યાદ અપાવી.

એક નવો સંન્યાસી બે વરિષ્ઠ સંન્યાસીઓ સાથે જોડાયો હતો અને એકદિવસ તેઓ એક સરોવર કિનારે સઘન ધ્યાન કરવા માટે બેઠા. આ નવા સંન્યાસીએ કેટલાંય વર્ષો સુધી જુદા-જુદા ગુરુઓ પાસે રહીને ધ્યાનની તાલીમ લીધી હતી, પણ આ આશ્રમ વિશે સારી વાતો સાંભળીને, તેને અહી સ્થળાંતર કર્યું હતું.

ધ્યાનની મધ્યે જ એક વરિષ્ઠ સંન્યાસી ઉભા થયાં અને કહ્યું, “સુરજ તપી રહ્યો છે, હું મારી છત્રી લઇ આવું.” પોતાની સામે જ તળાવના પાણી ઉપર પગ રાખીને સહજતાથી પાણી ઉપર ચાલીને સામા કિનારે આવેલી પોતાની ઝુપડીએ ગયા.

તે જેવા પાછા આવ્યા કે, બીજા વરિષ્ટ સંન્યાસી ઉભા થયા, “મને તરસ લાગી છે. હું મારો પાણીનો ઘડો લઇ આવું.” તે પણ એક સહજતાથી પાણીની ઉપર ચાલીને સામે કાંઠે ગયા અને પાછા આવ્યા.

નવો સંન્યાસી તો આ જોઈને જ અવાક થઇ ગયો, પણ પોતે પાછો ન પડતો હોય એમ બોલ્યો, “મેં પણ વર્ષો સુધી ધ્યાન કરેલું છે. આ તો સરળ છે. આમુ જુઓ!” તે પાણી તરફ ગયો પણ તરત જ તેમાં પડી ગયો. તેને ફરી પ્રયત્ન કરી જોયો પણ ફરીથી પોતે કેડ સમાણા પાણીમાં પડી ગયો.

“તમને શું લાગે છે,” એક વરિષ્ઠ સંન્યાસીએ બીજા સંન્યાસીને કહ્યું, “તેને પગ રાખવા માટેના પથ્થરો પાણીમાં ક્યાં છે એ બતાવીએ?”

જીવનના ગહન સત્યોના કિસ્સામાં પણ આવું જ હોય છે. મોટાભાગના જિજ્ઞાસુઓ એવું વિચારતા હોય છે કે અંતર્જ્ઞાન તો કોઈ રહસ્યોમાં રહેલું છે, કે પછી કોઈ અતીન્દ્રિય શક્તિમાં. જયારે હકીકતમાં, તે આપણા રોજબરોજના જીવનમાં, જે કઈ નાની-નાની વસ્તુઓ આપણે કરતાં હોઈએ છીએ (કે નથી કરતાં હોતા), તેમાં જ છુપાયેલું હોય છે. તેના માટે કઈ પાણી ઉપર ચાલવાની જરૂર નથી પણ પાણીમાં પગ રાખવા માટેનાં પથ્થરો ક્યાં રહેલા છે તે જ માત્ર જાણવાની જરૂર છે. વાસ્તવમાં, અસામાન્યતા માટેનો આપણો જે મોહ છે તે જ આપણને આજુબાજુની સામાન્યતામાં જે સુંદરતાની સંપત્તિ રહેલી છે તેને જોવાનું ચુક્વાડી દે છે.

બેન્જામીન હોફે, તેમનાં એક સુંદર પુસ્તક The Tao of Poohમાં એક Uncarved Block નામનાં પ્રકરણમાં કહે છે કે : “નહિ ઘડેલા પથ્થરમાં જે મૂળ સરળતા રહેલી છે તેમાં જ તેની કુદરતી શક્તિ રહેલી છે, જયારે આ સરળતામાં કોઈ બદલાવ આવે તો આ શક્તિ પણ સહેલાઈથી બગડી જઈ શકે છે કે ખોવાઈ પણ જતી હોય છે.”
એજ પુસ્તકમાં, તાઓ ફિલસુફી ઉપર વધુ પ્રકાશ પાડતા, તે કહે છે, “જે બાબત કોઈને તદ્દન જુદા પાડતી હોય, કે હકીકતમાં તેના જેવી વ્યક્તિ ફક્ત તે એકમાત્ર જ હોય, તો તે બાબતને કઈ બુદ્ધિથી નથી સમજી શકાતી.” આપણી મૂળ સાદગી તરફ પાછા ફરવું હોય તો તેના માટે જરૂરી છે કે આપણે આપણા મૂળ સ્વભાવની ખોજ કરીએ. બેન્જામીન હોફ તેને the Cottleston Pie (જે A. A. Milneની Winnie-the-Pooh નામની કવિતામાં આવે છે તે) કહે છે, જેમાં વિશિષ્ટતાના સિદ્ધાંતોનું વર્ણન છે.

Cottleston, Cottleston, Cottleston Pie,
A fly can’t bird, but a bird can fly.
Ask me a riddle and I reply:
“Cottleston, Cottleston, Cottleston Pie.”

Cottleston, Cottleston, Cottleston Pie,
A fish can’t whistle and neither can I.
Ask me a riddle and I reply:
“Cottleston, Cottleston, Cottleston Pie.”

Cottleston, Cottleston, Cottleston Pie,
Why does a chicken, I don’t know why.
Ask me a riddle and I reply:
“Cottleston, Cottleston, Cottleston Pie.”

“A fly can’t bird but a bird can fly.”  કેટલું સરળ છે, નહિ? અને તેમ છતાં, તમને નવાઈ લાગશે કે અનેક લોકો આ સરળ સિદ્ધાંતનું તેમના રોજબરોજના જીવનમાં પાલન નથી કરતા હોતા, અને ચોરસ આકારના ટુકડાને વર્તુળ આકારના કાણામાં બેસાડવાની મથામણ કરતાં રહે છે, જે હકીકત જેવી છે તેવી છે, તેમ છતાં પણ તેને તદ્દન અવગણે છે

જે બાબત જેવી નથી તેવી તેને કરવાની મથામણ કરવી તદ્દન નિરુપયોગી અને અર્થહીન બાબત છે. દરેક બાબતનું પોતાનું એક સ્થાન અને કાર્ય હોય છે, અને તમે કદાચ માનો કે ન માનો પરંતુ માણસોનું પણ એવું જ હોય છે, અને માટે જ તેઓ ખોટી નોકરી પણ કર્યે જતાં હોય છે કે પછી ખોટા લગ્ન સંબંધોમાં કે બીજા કોઈ પણ પ્રકારના સંબંધોમાં પણ પડી રહેતા હોય છે. તમારે તમારા આંતરિક સ્વભાવને જાણવાનું અને તેનું સન્માન કરવાનું શીખવું પડશે. જયારે તમે એવું કરવા માંડશો ત્યારે તમને જણાશે કે તમે કેવા છો અને કેવા નથી…

“A fish can’t whistle and neither can I”. એક જ્ઞાની મન માટે આ વાક્યનો અર્થ એ થશે કે, “મારી અમુક મર્યાદાઓ છે, અને મને ખબર છે તે કઈ છે.” આવું મન એ પ્રમાણેનું વર્તન કરશે. આપણે વ્હીસલ ન વગાડી શકતાં હોઈએ તો તેમાં કશું ખોટું નથી, ખાસ કરીને જો તમે એક માછલી હોવ તો. પણ જો તમે જેનાં માટે ન બન્યા હોય તે બનવાની આંધળી કોશિશો કરો તો તેમાં ચોક્કસ કશું ખોટું છે. માછલી કઈ વૃક્ષ પર ન રહી શકે અને પંખી છે તે પાણીની અંદર ન રહી શકે…એનો અર્થ એ પણ નથી કે આપણે બદલવાનું કે સુધરવાનું પણ બંધ કરી દેવું.  તેનો અર્થ ફક્ત એટલો થાય કે આપણને સત્યની ખબર હોવી જોઈએ…ડાહ્યા માણસને પોતાની મર્યાદાની ખબર હોય છે, જયારે એક મુર્ખ પોતાની મર્યાદાની પણ સતત અવગણના કરતો બેસી રહેતો હોય છે…

“Why does a chicken, I don’t know why”. એક મરઘી જે કરતી હોય છે તે કેમ કરતી હોય છે? તમને નથી ખબર? અમને પણ નથી ખબર. કે બીજા કોઈને પણ નથી ખબર…જીન્સ, DNA? તેની અંત:સ્ફૂરણા? એનો અર્થ એમ થાય કે અમને નથી ખબર. મહત્વની વાત એ છે કે આપણે તે જાણવાની પણ કોઈ જરૂર નથી…આપણે કોઈ બિનજરૂરી પ્રશ્નો પૂછવાની કે તેના અર્થહીન જવાબો આપે તેવા કોઈ ગુઢ તત્વવેત્તા બનવાની જરૂર નથી. આપણે આપણી આંતરિક પ્રકૃતિને ઓળખવાની અને દરેક વસ્તુ જેવી હોય તેવી તેની સાથે રહીને કામ કરવાની જરૂર છે.

Cottleston Pie આપણી આંતરિક પ્રકૃતિના તરફ અંગુલીનિર્દેશ કરે છે જે આપણા રોજબરોજના જીવનમાં આવતી ચુનોતીઓના જવાબ જેવું છે. દાખલા તરીકે, એને ફૂટબોલ શા માટે પસંદ છે જયારે મને વોલીબોલ પસંદ છે. તમને કેમ ચટપટો નાસ્તો ભાવે છે જયારે તમારા મિત્રને સવારમાં કશુક ગળ્યું ખાવાનું પસંદ છે?

કોઈપણ જો તમને એવું કહેતું હોય કે તમારા સત્ય સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ ફક્ત ધ્યાન કે પછી અમુક ચોક્કસ વસ્તુ જ છે, તો તે એક અજ્ઞાનતાભર્યો દાવો માત્ર છે, જે તમારા માટે કોઈ રીતે લાભદાયી નથી. સત્ય તો એ છે કે, એક ઊંડા ચિંતન કર્યાં બાદ તમને જણાશે કે બીજા કોઈ પણ કરતા તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખો છો. અને, આ સ્વ-સમજણ અને જ્ઞાન માત્રથી જ તમને તમારા જીવનમાં કે જીવન સાથે શું કરવું જોઈએ તેનું ભાન થઇ જશે. એક વખત તમે જાણી લેશો, ત્યારબાદ તમે એ મુજબના કોઈ માર્ગદર્શક કે ગુરુની શોધ કરી શકો છો. જો તમે બિલકુલ તૈયારી વગર જશો, તો તમે એવા કોઈના શરણમાં પહોંચી જશો કે જેનાં વચનોમાં તમારા માટે કશું લાભદાયી નહિ હોય.

આપણામાંનું દરેકજણ અમુક ચોક્કસ વૃત્તિઓ લઈને જન્મ્યું હોય છે, આપણા ઉછેર, વાતાવરણ અને શરતોને લીઘે આપણે અમુક ચોક્કસ પ્રકારનાં હોઈએ છીએ, આપણી ઈચ્છા અને મહત્વકાંક્ષાઓને કારણે આપણે જુદીજુદી વસ્તુની પ્રાપ્તિ માટે મહેનત કરતાં હોઈએ છીએ. અને એટલા માટે જ, જો આપણે આપણા માટે એક એવો માર્ગ લઈએ કે જેમાં આપણી મર્યાદાઓની પણ ખબર હોય અને આપણી ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરી શકતાં હોય, તો આપણે ઓછા પ્રયત્ને જલ્દી સફળ થઇ શકીશું. કારણકે, આપણે આપણી જાત સાથે કોઈ સતત સંઘર્ષમાં નથી ઉતરવાનું, પરંતુ તેની સાથે રહીને કામ કરવાનું છે.

અને તમારું સત્ય જાતે શોધો એ કહેવા પાછળનો મારો આશય પણ એ જ છે. જો હું કે કોઈ બીજું તમને એમ સીધું કહી દે (તમે તમારી જાતને પ્રથમ સમજો તે પહેલા જ) કે ધ્યાન કરવા માંડો અને બધું બરાબર થઇ જશે કે પછી કોઈ મંત્રજપ કરવા માંડો અને બધાં કામ પાર પડી જશે, તો એક દિવસ તમને એ ખબર પડી જ જવાની કે આ વાત ક્યારેય સાચી નહોતી. એક ગુરુનું કામ ઉપદેશ આપવાનું કે કહી દેવાનું બિલકુલ નથી, પરંતુ તમને તમારા માર્ગ ઉપર ચાલવામાં મદદ કરવાનું છે, જેથી કરીને તમે તે માર્ગે ચાલો જે તમને અંતે વધારે સારા બનવા તરફ દોરી જતું હોય.

“શું એ સાચું છે, ડેડી,” એક પુત્રે પોતાના પિતાને પૂછ્યું, “કે દુનિયાના અમુક ભાગોમાં પુરુષને પોતાની પત્ની કઈ છે તેની ખબર જ્યાં સુધી તેના લગ્ન ન થાય ત્યાં સુધી નથી હોતી?”
“દીકરા,” પિતાએ નિસાસો નાંખતા કહ્યું, “એ વાત દરેક જગ્યાએ સાચી છે.”

તમે જ્યાં સુધી તમારી જાત સાથે નહિ જોડાવ ત્યાં સુધી તમે શું કરી શકો તેમ છો તેની તમને ક્યારેય ખબર નહિ પડે. તમે કોણ છો તે બાબત તમે શું બની શકો તેમ છો તેના કરતાં ક્યાંય વધુ મહત્વની છે. આત્મજ્ઞાનનો સમગ્ર પ્રવાસ છે: એક એવા મુકામ પર પહોંચવું કે જ્યાં તમે તમારી જાતને સ્પષ્ટપણે જોઈ અને સમજી શકતાં હોય. ત્યારે તમે એ સમજી શકશો કે તમારું નિર્વાણ બળબળતા બપોરમાં ભૂખ્યા માનવીઓને જમાડવામાં છે કે પછી હિમાલય ઉપર કોઈ વૃક્ષ નીચે ધ્યાન ધરીને બેસવામાં છે.

Cottleston, Cottleston, Cottleston Pie,
The bliss an enlightened soul revels in,
How does one feel that high?
Ask me once and I reply:
Cottleston, Cottleston, Cottleston Pie.

Cottleston, Cottleston, Cottleston Pie,
Should I meditate or do chanting?
Whether your path is devotion or service,
Ask me again and I reply:
Cottleston, Cottleston, Cottleston Pie.

તમને પોતાને સમજી લો અને પછી તમે જે છો તે બની રહેવા માટે તમારી પાસે જે છે તે બધું તેને આપી દો. તમારું સત્ય જાતે શોધો – Discover Your Own Truth.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email