શું તમારી સાથે ક્યારેય એવું બને છે કે તમે અમુક વિચારો કે લાગણીઓથી મુક્ત જ ન થઇ શકતાં હોવ? વાસ્તવમાં, એવું મોટાભાગના લોકો સાથે અનેકવાર બનતું હોય છે કે તેઓ તેને ગણવાની પણ દરકાર નથી રાખી શકતાં. બધું બરાબર ચાલતું હોય છે અને એકદમ અચાનક જ ક્યાંકથી નકારાત્મક વિચારો જાણે એક જંગલી હાથીની જેમ આપણી શાંતિ અને સમતાને ક્ષણભરમાં ભંગ કરી નાંખે છે.

આપણે બેઠાં-બેઠાં વિચાર કરવા લાગીએ કે મારે આવું નથી વિચારવું કે આવી લાગણી નથી અનુભવવી તેમ છતાં મને કેમ આવું થાય છે. આ વિચારોની ગાડી આપણને સંપૂર્ણપણે પાટા પરથી ઉતારી મુકે છે, અને આપણે એક લાચાર બનીને આપણા વિનાશને આપણી પોતાની જ આંખે જોતા બેસી રહીએ છીએ – અને આ દ્રશ્ય દરેક વ્યક્તિના જીવનનું એક સામાન્ય દ્રશ્ય જેવું છે. આવી ક્ષણોમાં ધ્યાન, જ્ઞાન, હકારાત્મક વિચારો વિગેરે બધું ક્યાંય ઉડી જાય છે અને આપણા મનોવિશ્વમાં ફક્ત એક જ બાબત રાજ કરવા લાગે છે: પ્રચંડ વિચારો.

તો શું એવો કોઈ ઉપાય છે ખરો કે જેનાંથી આ આપણી ચેતનાના દરવાજાને તોડી નાંખે એવા પ્રચંડ વિચારોને નાથી શકાય? હાં છે. અને તે એક સારા સમાચાર છે. અને ખરાબ સમાચાર? તે એ કે આ ઉપાય કોઈ સરળ નથી. તો પછી આપણે આવા વિચારોથી ઉપર કેમ ઉઠી શકીએ?

ચાલો પહેલાં હું તમને એક સુંદર વાર્તા કહું જે એક વખત મેં મારા પ્રવચનમાં કહેલી.

બુદ્ધે એક વખત એક યુવાનની વાર્તા કહે છે કે જે પોતે એક વેપારી હતો અને તેને એક સુંદર પત્ની અને એક નાનો પુત્ર હતો. દુર્ભાગ્યવશ, એક દિવસે તેની પત્ની બિમાર પડી અને મૃત્યુ પામી, અને હવે તે વ્યક્તિ પોતાનો બધો પ્રેમ પોતાનાં બાળક ઉપર રેડી રહ્યો હતો કે જે હવે તેના સુખ અને આનંદનો એકમાત્ર સ્રોત હતો.

એક દિવસે તે ધંધાર્થે બહાર ગયો, અને લુટારાઓ એ ગામમાં ધાડ પાડી, બધું ભસ્મીભૂત કરી નાંખ્યું અને તેના પાંચ વર્ષના પુત્રનું અપહરણ કરીને લઇ ગયાં. જયારે તે વ્યક્તિ પાછો આવ્યો ત્યારે આ પાયમાલી જોઈને વ્યથિત થઇ ગયો. ત્યાં જ તેને એક નાના બાળકનું બળી ગયેલું શબ મળે છે અને હતાશામાં તે તેને પોતાનાં પુત્રનું શબ માની બેસે છે. તે પોતાનાં વાળ ખેંચી અને છાતી કુટીને ખુબ આક્રંદ કરવા લાગે છે.

અંતે, તે તેની અંતિમ વિધિ પતાવે છે, અને તેની રાખને એક રેશમી થેલીમાં ભરી રાખે છે. પોતે કામ કરતો હોય કે સુતો હોય કે ખાતો હોય, તે હંમેશાં તે રાખની થેલી પોતાની પાસે જ રાખતો હોય છે. અનેકવાર તે એકલો બેસીને કલાકોના કલાકો રડ્યાં કરતો હોય છે.

એક દિવસે તેનો પુત્ર લુટારાઓથી ભાગીને, પોતાનાં ઘરે પાછો ફરે છે. અને મધ્યરાત્રીએ તે પોતાનાં પિતાના નવા ઘરે આવે છે અને દરવાજો ખખડાવે છે. પેલો વ્યક્તિ પથારીમાં પડ્યો-પડ્યો પેલી રાખની થેલી પાસે રડતો હોય છે.

“કોણ છે?” તે પૂછે છે.
બાળક જવાબ આપે છે, “હું છું, બાપુ, તમારો પુત્ર. દરવાજો ખોલો.”

પોતાનાં સંતાપ અને મૂંઝવણમાં, આ પિતા ફક્ત એટલું જ વિચારો શક્યો કે કોઈ મસ્તીખોર છોકરો તેની સાથે આવી ક્રૂર મજાક કરી રહ્યો છે.

“ચાલ્યો જા અહીથી,” તે બુમ પાડે છે, “મને એકલો રહેવા દે.” અને તે પાછો રડવા લાગે છે.

પેલો છોકરો વારંવાર દરવાજો ખખડાવે છે, પણ પિતા તેને અંદર નથી આવવા દેતા. અંતે, તે છોકરો ધીમે રહીને પાછો વળી જાય છે અને ચાલ્યો જાય છે. પિતા-પુત્ર ફરી ક્યારેય એકબીજાને જોઈ શકતાં નથી.
વાર્તાના અંતે બુદ્ધ કહે છે, “કોઈ વખત, ક્યાંક તમે કોઈ બાબતને સત્ય તરીકે સ્વીકારી લો છો. પરંતુ જો તમે તેને જડતા પૂર્વક વળગી રહો, તો પછી ખરું સત્ય પણ જો તમારા દ્વાર ખખડાવતું આવી પહોંચે તો પણ તમે દરવાજો નહિ ખોલો.
(Thich Nhat Hanh. Being Peace.)

કોઈપણ પરેશાન કરતાં વિચારોના બે મહત્વનાં પાસાઓ હોય છે જે આપણી શાંતિને રોળી નાંખતા હોય છે. પ્રથમ, તો તે વિચાર પોતે અને બીજું, આપણી વધારે પડતી કલ્પના. વિચારોનો ત્યાગ કરવાનો અભ્યાસ તમે ધ્યાન દરમ્યાન કરી શકો અને તે શીખી પણ શકાય અને વિકસાવી પણ શકાય. જયારે તમે તેના ઉપર પ્રભુત્વ મેળવી લેશો, ત્યારે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે હવે પછી જયારે પણ આવા વિચારો આવે ત્યારે તમારે તમારી જાત સાથે એક નાનકડો સંવાદ કરવાનો અને તમારું ધ્યાન ધીમે રહીને કોઈ હકારાત્મક બાબત ઉપર લઇ જવાનું. બીજી બાજુ, વધુ પડતી કલ્પના એ એક આધ્યાત્મિક બીમારી જેવું છે. તે એક અતિશય વધારે પડતા વિચારો કે ફરજીયાત પણે થતા વિચારો જેવું છે. જયારે આપણે કોઇપણ બાબતની કલ્પના કરવાનું શરુ કરીએ, ત્યારે તે વિચારો એક ફુગ્ગાની જેમ ફૂલવા માંડે છે અને આપણું આખું મગજ રોકી નાંખે છે. થોડીવારમાં જ આપણે હવે જે કઈ પણ જોઈએ, વિચારીએ, સાંભળીએ, કે અવલોકન કરીએ તે તમામ બાબતો તે એક વિચારની સાથે જ સંકળાયેલા રહે છે. અને જો કશુંક બીજું એવું પણ હોય કે જેને કોઈ સ્નાનસુતકનો પણ સંબંધ આ વિચાર સાથે ન હોય તેમ છતાં આપણું મન હવે તેને તે વિચારની સાથે જ સાંકળી લેશે. અને આ હવે આપણું સત્ય બની જશે. અને આપણા જીવનમાં દરેક બાબતો પ્રત્યેના આપણા વલણ અને વર્તનને તે હવે દોરવણી આપવા માંડશે. ડર, ભય, ચિંતા અને અન્ય હાનિકારક લાગણીઓથી આપણું મન ભરાઈ જાય છે.

મનમાં સતત ચાલતાં રહેતાં વિચારો અને લાગણીઓ સામાન્ય રીતે મોજાઓની જેમ આવે છે. જેમાં એક સામાન્ય વ્યક્તિ સતત ફંગોળાતી રહે છે, જયારે એક સારો સાધક તેના ઉપર સવાર થઇને સર્ફિંગ કરવાનું શીખી લે છે. આ પ્રચંડ વિચારો માટેની સૌથી મહત્વની વાત જો કોઈ હોય તો તે એ કે તે જે ક્ષણે મનમાં ઉઠે કે તે જ ક્ષણે તેને ઓળખતાં આવડવું જોઈએ. આવી સજગતા વગર, આ વિચારોથી દુર થવું અને આપણું ધ્યાન બીજા કશે લગાડવું લગભગ અશક્ય બની જાય છે. હું વધુમાં ઉમેરતાં કહીશ કે આ ગહન શબ્દ – પ્રચંડ વિચાર – એ કઈ મારો પોતાનો નથી. મેં તેના વિશે સ્વામી શંકરાનંદના The Yoga of Kashmir Shaivism પુસ્તકમાં સૌ પ્રથમ વાંચેલો. અહી તે આ વિચારો વિશે લખતા કહે છે:

હું ઘણી વાર આ ઉઠતા પ્રચંડ વિચારો વિશે વિચારું છું. આ એવા વિચારો છે કે જે આપણી ઉપર હુમલા કરે છે, જેમ કે, “હું નબળો છું. હું નક્કામો છું. હું સારો નથી. પેલી બીજી વ્યક્તિ મારા કરતાં વધારે સારી છે.” આ તોડી નાંખે એવા પ્રચંડ વિચારો એક અસામાન્ય મનોવૈજ્ઞાનિક ઘટના છે. જયારે આપણા જ કોશો માર્ગ ભૂલીને જે શરીરમાં રહેતાં હોય તેનાં જ કોઈ અવયવ ઉપર હુમલો કરવા લાગે, તો આપણે તેને કેન્સર થયું છે એમ કહીએ છીએ. મગજમાં ઉઠતાં આવાં પ્રચંડ વિચારો આપણા મનોશરીરની સ્વયંસુરક્ષામાં આવતી આવી જ એક નિષ્ફળતા સમાન છે.

મન, જે આપણા લાભ માટે ઉપયોગમાં આવવું જોઈએ – પ્રશ્નો ઉકેલવામાં, કોઈ પણ બાબતને સમજવામાં, કે કવિતા લખવામાં – પણ તેના બદલે તે આપણી વિરુદ્ધમાં જ વપરાવા લાગે છે અને તે પણ અનેક વિનાશકારી અસરો સાથે. જયારે આપણું પોતાનું જ મન આપણને ચીરવા લાગે ત્યારે દુશ્મનોનું કોઈ મહત્વ નથી રહેતું.

જો કોઈ એકમાત્ર ઘટના એવી હોય કે જે સંક્ષિપ્તમાં તમારી બધી ઉર્જાઓને ભ્રષ્ટ કરી નાંખે તેમ હોય, તો તે છે આ મનને તોડી નાંખતા પ્રચંડ વિચારો. પ્રચંડ વિચાર એ એક આતંકવાદી જેવો હોય છે કે જે તમારી સૌથી અંદરની રક્ષણાત્મક વ્યવસ્થાને તોડીને અંદર સુધી ઘુસી ગયો હોય છે, અને તમારા જ શહેરમાં નીચ ઈરાદાઓ સાથે રહેવા લાગ્યો હોય છે. તમે જો આ એક વૃત્તિને અટકાવી દો તો તમારામાં આમૂલ પરિવર્તન આવી જશે. જયારે આપણને જીવનમાં નિષ્ફળતા મળતી હોય છે, ત્યારે તે હારથી આપણે એટલાં નીચે નથી પડી જતા જેટલા તેને લઈને આપણે આપણી જાત વિશે જે વિચારો કરી કરીને પડી જતા હોઈએ છીએ. આપણે એવું કહેવા લાગીએ છીએ કે, ‘અરે, હું તે રમત હારી ગયો, માટે હું નક્કામો છું’. આપણા આ નખરા હોય છે, જે દિવસ રાત ચાલતાં હોય છે, અને આપણાથી ઘણાં માઈલ દુર બેઠેલા લોકોને પણ આપણે તેનાંથી પીડા આપીએ છીએ. સૌથી વધુ જો કે જો કોઈ પીડાતું હોય તો તે આપણે પોતે. જો આપણે આવા ઉગ્ર વિચારો ન લાવીએ તો, આપણે ફક્ત એટલું જ કહેવાનું હોય કે, “હવે હું આમાંથી શું શીખી શકું? સારું, હવે બીજી વખત હું તે મુજબ કરીશ.” અને, આપણે બિલકુલ સ્વચ્છ અને કોરા થઇને આગળ વધી જઈ શકીએ.

બીજું, જો તમે જીવનની અન્ય કોઈ બાબતમાં સફળ રહ્યાં હોય અને જો તેમાં તમે તમારી આંતરિક પ્રક્રિયાને ચકાસશો તો, તમને જણાશે કે તમે તે બાબતમાં કોઈ ઉગ્ર વિચારથી પીડાતા હોતા નથી. આપણે આપણી જાતને આ નુકશાનકારક અને અધોગતિ તરફ લઇ જતા વિચારોથી જ હાર અપાવી દેતા હોઈએ છીએ.
(સ્વામી શંકરાનંદ. The Yoga of Kashmir Shaivism: Consciousness is Everything.)

જયારે આપણે આપણા જીવન અને વિચારોનાં ચક્રને સ્વીકારી લઈએ, ત્યારે આપણે થોડા હળવા બની જતા હોઈએ છીએ. આપણને એ ખબર પડવા લાગે છે કે આપણા જીવનમાં બધું આપણે જેમ ઈચ્છીએ તેમ તો ન જ થાય. મારા બધાં સ્વપ્નાં તો સાચા નહિ જ ઠરે. કુદરતને પણ પોતાનું કોઈ આયોજન હોય. જયારે આપણે આ સમજવા લાગીએ, ત્યારે બાકીનું બધું રોકેટ વિજ્ઞાન જેટલું સહેલું થઇ જાય છે. અહી હું મારી એક જીવનની રેસેપી જણાવું છું કે જે તમને આવા ઉગ્ર વિચારોને દુર રાખવામાં મદદરૂપ થશે. તે રોજ આરોગજો અને બીજાને પણ આપજો.
આ રહી:

 

કોઈ પ્રાર્થના, ધ્યાન કે પદ્ધતિ એવી નથી કે જે તમારા મનને બધાં જ સંજોગોમાં શાંત રાખી શકે. જીવન જેવું હોય એવું તેનો સ્વાદ લેતા આવડવું જોઈએ. તેમાં થોડી બાબતો એવી હોય છે કે જે આપણે બદલી શકીએ છીએ, પરંતુ તેમાંનું ઘણું બધું આપણા જીવન પ્રત્યેના વલણ ઉપર આધાર રાખે છે, અને આપણું વલણ દરેક પરિસ્થિતિમાં આપણું વર્તન કેવું છે અને આપણે કેવા શબ્દો બોલીએ છીએ તેના ઉપર આધાર રાખે છે. જીવન પ્રત્યેનું આપણું વલણ, વાસ્તવમાં આપણા માનસ (સમજણ) અને માન્યતાઓ દ્વારા નિશ્ચિત થતું હોય છે. અને આપણું માનસ છે તે ધ્યાન, જ્ઞાન અને પ્રેરણા દ્વારા બદલી શકાય. અને સમજણ છે તે શિક્ષણ, અનુભવ અને અંત:સ્ફૂરણાથી બદલી શકાય.

રાત્રીના અંધકારમાં, એક વ્યક્તિને સ્મશાનમાંથી પસાર થવાનું હોય છે. ખુબ જ ડર અને બીક સાથે તે જતો હોય છે ત્યારે તેને એક કબરમાંથી સંગીત વાગતું હોય એવું સંભળાય છે. કોઈ મોઝાર્ટની પ્રખ્યાત રચના ઉંધી રીતે વગાડી રહ્યું હતું. એક આઘાત સાથે તે પોતાની ચાલવાની ઝડપ વધારીને ત્યાંથી નીકળી જવા માંગતો હતો અને ત્યાં જ તે ત્યાંનાં ચોકીદાર સાથે ભટકાયો.

“સારું થયું ભગવાન!” પેલો વ્યક્તિ બીકનો માર્યો બોલ્યો. “પેલી કબર…પેલી કબરમાંથી…મેં સંગીત બહાર આવતું સાંભળ્યું.”
“એમાં શું નવાઈ?” ચોકીદારે જવાબ આપતાં કહ્યું. “ત્યાં તો મોઝાર્ટને દફન કરવામાં આવેલો છે!”
“તો, પછી તેનું ભૂત પિયાનો કે બીજું કશું ઊંધું વગાડી રહ્યું છે? આ તો બીક લાગે એવું છે.”
“શાંત થા, ભાઈ,” ચોકીદારે જવાબ આપતાં કહ્યું, “એ હવે પોતાની ધૂનનું વિઘટન કરી રહ્યો છે.”

આપણા વિચારો અને લાગણીઓ આપણું સંકલન કરતી હોય છે અને આપણા કર્મો અને શબ્દો આપણું વિઘટન કરતાં હોય છે. આપણા કર્મો અને શબ્દોમાં એ જ ગીત ગવાતું હોય છે જે આપણા વિચારો અને લાગણીઓમાં સતત વાગતું રહેતું હોય.

જો તમે તમારા મન અને હૃદયને ઉમદા વિચારો અને લાગણીઓથી ભરી રાખશો તો તમારું માનસ અને માન્યતાઓ આપોઆપ ઉમદા થઇ જશે. અને તેનાંથી તમારા વલણમાં જબરું મોટું પરિવર્તન આવશે. ઉપર દર્શાવેલી દિવ્ય ખીરમાં બતાવેલી છ સામગ્રીઓ તમારા પ્રચંડ વિચારોની ચુટકીનાં ડંખને મંદ પાડી દેશે. તેના ઉપર થોડું સ્મિત વેરીને સુશોભન પણ કરી શકો છો.

ઉમદા બનો.

મને એ જણાવતા આનંદ થાય છે કે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે નોન-રેસીડેન્શીયલ ધ્યાન શિબિરનું આયોજન સિડની અને સિંગાપોરમાં થઇ રહ્યું છે. મારી સાથે થોડા જ્ઞાન અને રમુજ માણવા માટે જોડાશો. જગ્યા વહેલાં તે પહેલાંના ધોરણે ઉપ્લબ્ધ છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

૧. સિંગાપોર ધ્યાન શિબિર. એપ્રિલ ૨૮-૨૯
૨. સિડની ધ્યાન શિબિર. જુન ૦૯-૧૦-૧૧

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email