આ એક જબરી લાગણી હતી, એવી કે જેમાં હું એકદમ સ્તબ્ધ થઇ ગયો હતો અને લગભગ તે ક્ષણે મને સમાધિમાં મોકલી દીધો હતો.

ગયા મહીને, ૧૯મી ડિસેમ્બરના દિવસે, મને ૧૦,૦૦૦થી પણ વધુ બાળકો સમક્ષ એક વિશાળ કક્ષમાં ઉપસ્થિત રહેવાનું સન્માન મળ્યું. આ અત્યાર સુધીમાં મેં સંબોધેલી સૌથી મોટી સભા હતી. અને ના, આ કોઈ વિશાળ સભાગણ નહોતો કે જેના લીધે મારી આંખો ભરાઈ આવી હોય. અને એ પણ નહિ કે જયારે હું તેમાં પ્રવેશ્યો ત્યારે આ બાળકોએ મારા માટે તાળીઓનો ગડગડાટ કરીને મારું સ્વાગત કર્યું હતું. કારણ તો બિલકુલ જુદું જ હતું. વાંચતા રહો.

૧૯૯૨માં, એક સરળ વ્યક્તિ કે જે પોતે દારુણ ગરીબીમાં એક વિધવા માં અને બીજા ૭ ભાઈ બહેનો વચ્ચે ઊછર્યો હતો તેણે એક અસામાન્ય પગલું ભર્યું. તે વખતે તે ૨૭ વર્ષનો હતો, એક એવી ઉંમર કે જયારે આપણામાંના મોટાભાગના લોકો પોતાનાં ભૌતિક લક્ષ્યોને સિદ્ધ કરવાનો જ વિચાર કરતાં હોય છે, એક એવી ઉંમર કે જેમાં પોતાની ઇચ્છાઓ સિવાય બીજા કશાનો વિચાર પણ કરવાનું અઘરું હોય છે, જયારે માતા-પિતા તમને તમારા લગ્ન તેમજ જીવનમાં સ્થિર થવા માટેનું શું આયોજન છે વિગેરે વિશે પૂછતાં હોય છે. અને તેમ છતાં, આ વ્યક્તિએ એક પ્રાઇવેટ કોલેજમાં કેમેસ્ટ્રી પ્રાધ્યાપક તરીકેની નોકરી છોડીને પોતાનાં ઓરિસ્સા રાજ્યના અંતરાળ વિસ્તારોમાં મુસાફરી કરી.

વિચાર એકદમ સરળ હતો: ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ ગરીબમાં ગરીબ બાળક સુધી સુલભ બનાવવું. તે પોતાની સાથે ૧૨ બાળકોને લાવ્યો, અને તે પણ તેમનાં માં-બાપ કે જેઓ સ્થાનિક બોલી બોલતા હતાં, ઓરિસ્સા રાજ્યની ભાષા ઉડિયા પણ નહિ કે ભારતની અન્ય કોઈ પણ ભાષા નહિ, અનેક આશ્વાસનો અને વચનો આપીને તેમના બાળકોને આ વ્યક્તિ પોતાની સાથે લઈ ગયો. તેને આ બાળકોની સલામતી, ભોજન, રહેવાની વ્યવસ્થા, યુનિફોર્મ અને શિક્ષણની સંપૂર્ણ જવાબદારી પોતાનાં ઉપર લીધી હતી.

આજે ૨૫ વર્ષ પછી, ૨૦૧૮માં, પ્રોફેસર અચુત્ય સામંતની કલિંગ ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાયન્સીઝ (KISS), ૨૭,૦૦૦ આદિવાસી બાળકોને આશરો આપે છે એટલું જ નહિ જ્યાં તેઓ કિન્ડરગાર્ટનથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવે છે. KISS મફત જમવાનું, રહેવાનું, શિક્ષણ, યુનિફોર્મ, દવાખાનાની અને એવી બીજી અનેક સવલતો જે તમે વિચારી શકો તે તમામ પૂરી પાડે છે, ત્યાં સુધી કે અહીંથી આંતરરાષ્ટ્રીય સ્તરે રમે તેવા રગ્બી પ્લેયર્સ પણ પેદા કરે છે.

પ્રોફેસર સામંત અહી અટકી નથી ગયા. સાથે સાથે, તેમણે એક બીજી સંસ્થા પણ બનાવી કે જે KIIT (કલિંગ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ ટેકનોલોજી) તરીકે ઓળખાય છે કે જેમાં ૨૭૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ફી ભરીને બીજા અનેક વિષયોમાં આગળ ભણી શકે છે. આ કેમ્પસ ૪૦૦ એકર જેટલી જમીન પર પથરાયેલું છે. ૫૪૦૦૦ વિદ્યાર્થીઓ (KISS અને KIIT બન્ને થઇને). ૧૨,૦૦૦નો સ્ટાફ. આ બધું એક વ્યક્તિએ જોયેલા સ્વપ્ન અને કઠોર મહેનત વડે શક્ય બન્યું.

“KIITના એક વિદ્યાર્થી દીઠ” પ્રોફેસર સામંતે મને કહ્યું, “KISSમાં અમે એક આદિવાસી બાળકને પ્રવેશ આપીએ છીએ. KIITમાંથી જે આવક થાય તેનાં ભંડોળમાંથી અમે KISS ચલાવીએ છીએ.”

અચુત્ય સામંતને મળવાનો લ્હાવો એ એક હૃદયને ઉષ્માથી ભરી દે તેવો હતો કેમ કે તેમનાંમાં પ્રેમ, જ્ઞાન અને નમ્રતા છલકાતાં હતાં. મને એવું જાણવા મળ્યું છે કે હજી પણ તેઓ ૨-બેડરૂમના મકાનમાં ભાડે રહે છે. ક્યારેય લગ્ન નથી કર્યા, તેમને પોતાનું જીવન લાખો હજારો બાળકોના જીવન ઉચા લાવવા માટે સમર્પિત કરી દીધું છે.

હું બાળકોની શિસ્ત અને પ્રતિક્રિયાઓને જોઈને ખુબ જ પ્રસન્ન થઇ ગયો. મારી આખી સ્પીચ દરમ્યાન, દર વખતે જયારે-જયારે પણ હું તેમને સવાલ પૂછીને ખાતરી કરું કે તેઓ મારી સાથે છે કે નહિ, તે દર વખતે તેઓએ મને તરત અને સાચા જવાબો આપતાં હતાં. તેઓ મારો સંદેશ, મારી રમુજ અને મારી વાતને સમજી રહ્યાં હતાં.

“આ તમારા માટે ખુશીની ક્ષણ નથી પણ મારા માટે આનંદની વાત છે કે મને આજે તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો,” મેં બાળકોને કહ્યું. “તમારી ઉપસ્થિતિ માત્રથી મને આપણી દુનિયા માટે હજુ કઈક વધારે કરવાની પ્રેરણા મળે છે. હું તમારો, તમારા માતા-પિતાનો અને તમારા શિક્ષકોનો આભારી છું.”

“પ્રત્યેકજણ જે આ દુનિયામાં જન્મે છે તેમને ત્રણ મૂળભૂત અધિકારો આશીર્વાદમાં મળતાં હોય છે,” મેં વધુમાં કહ્યું. “જીવન કદાચ ન્યાયી ન પણ લાગતું હોય, પરંતુ તેમ છતાં તમારી પાસેથી આ ત્રણ અધિકારો કોઈ છીનવી શકે તેમ નથી. સ્વપ્ન જોવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર અને કર્મ કરવાનો અધિકાર. ખુલ્લી આંખે સ્વપ્નાઓ જુવો. કાળજીપૂર્વક પસંદગી કરો અને જવાબદારી પૂર્વક વર્તન કરો.”

“આ લેખનો હેતુ પ્રોફેસર સામંતનું મહિમાગાન કરવાનો નથી, કારણકે એમના જેવા લોકો તો આ બધાથી ક્યાંય પરે હોય છે. તેઓ તો તેમના ખુદના ઘડવૈયાઓ હોય છે, જે દરેક મુશ્કેલીઓને એવી રીતે કાપીને આગળ વધે છે જેમ પાણી પત્થરને કાપીને વહેતું હોય છે. ઉલટાનું, હું તો એવી ઈચ્છા રાખું છું કે આ લેખ દ્વારા હું તમને એવું કહેવા માંગું છું કે આપણામાંના દરેકજણની અંદર મહાનતાનું એક બીજ રહેલું હોય છે. એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે આપણા નસીબના આધારે બેસી રહીએ કે પછી આપણા નસીબને જાતે ફરીથી લખીએ.

બધું જ એક સ્વપ્ન સાથે શરૂ થતું હોય છે, પણ ખરું સ્વપ્ન એ કઈ હંમેશાં બહુ મોટી દૂરદર્શિતા (વિઝન) હોય એ જરૂરી નથી. ગુગલ, ફેસબુક, કે પછી માઈક્રોસોફ્ટના સ્થાપકોએ જયારે શરૂઆત કરી હતી ત્યારે તેમને જરાય કલ્પના પણ નહોતી કે તેઓ એક મહાકાય સંસ્થાનું સર્જન કરી રહ્યાં છે. મોટાભાગે, શરૂઆત એ એક નાનકડી બાબત હોય છે કે જેના વિશે તમને કઈક કરવાનું મન થતું હોય છે અને જે તમારા હૃદયની બિલકુલ નજીક હોય છે. જેવા તમે તેની પાછળ એક ખંત અને પ્રમાણિકતાથી કામ કરતા રહો છો, ત્યારે તમારું સ્વપ્ન તમારી સાથે મોટું થતું જાય છે. હવે તમને એ જ્ઞાનપ્રાપ્તિ થવા માંડે છે કે તમારા સ્વપ્નને સાકાર કરવા માટે તમને શેની જરૂર છે. કે, એક બાબતને ઘટવા માટે તમને બીજી અનેક બાબતોની જરૂર પડતી હોય છે. નીચેનામાંથી તમને કઈ બાબત તમારા સ્વપ્નને સાકાર કરવા માટે જરૂરી લાગે છે?

• કડી મહેનત
• નસીબ
• હિંમત
• ક્ષમતા
• ઉપરની તમામ બાબતો

સત્ય તો એ છે કે આ બધાં માત્ર સફળતાની જુદી જુદી સામગ્રીઓ છે, અને સામગ્રીઓ ખાલી પોતાની રીતે કોઈ સારી વાનગી નથી બનાવી શકતી. એ તો કઈ વાનગી બનાવી છે, કઈ સામગ્રી કેટલાં પ્રમાણમાં નાંખી છે, કેવી રીતની સજાવટ કરી છે, આજુબાજુનું વાતાવરણ, અને બેકગ્રાઉન્ડમાં કાં તો બીધોવન કે પછી બોલીવુડનું ગીત વાગતું હોય વિગેરે. આ તમામ બાબતો આપણા અનુભવને અસર કરતી હોય છે અને અંતે વાનગી કેટલી સ્વાદિષ્ટ લાગે છે તેમાં આ તમામ બાબતોનો ફાળો પણ રહેલો હોય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, હું એવું સૂચવી રહ્યો છું કે જયારે આપણે સાચી શરતોનું સર્જન કરીએ છીએ ત્યારે જ આપણા સ્વપ્નાઓ સાકાર થવા લાગતાં હોય છે.

જો તમે એક ફળદ્રુપ વાતાવરણનું સર્જન કરી શકો તો પછી ઇચ્છિત પરિણામ મેળવવા માટે બસ હવે સમયની જ વાર લાગતી હોય છે. મને યાદ છે હું મારી બારીમાંથી અનેક પંખીઓને વૃક્ષ પર બેઠેલા જોતો હોવ છું. જયારે વસંત ઋતુ હતી, ત્યારે તેઓ આવતાં, ચહચહાટ કરતાં, નવા કુમળા પાંદડા ઉપર રમતાં, પતંગિયા અને મધમાખીઓ ખીલેલાં પુષ્પો ઉપર બેસતાં, ઘાસ અને વૃક્ષો લીલાછમ હતાં. સુંદર રંગો અને નાની પાંખો વાળા પંખીઓ આવતાં. મેં આ પંખીઓને આમંત્રણ આપવા માટે કશું વિશેશ કર્યું નહોતું સિવાય કે છેલ્લાં બે વર્ષોમાં અમે મારા કોટેજની બહાર રહેલી વનસ્પતિઓની દેખભાળ રાખી રહ્યાં હતાં. અમે ફક્ત તેમના માટે જરૂરી એવી શરતોની જ કાળજી લીધી હતી, બાકીનું કામ તો કુદરતે એની મેળે જ કરી નાંખ્યું હતું.

કોઈ પણ કુટુંબમાં કે સંસ્થામાં, જો તમારે સત્ય અને પારદર્શકતાને પ્રોત્સાહન આપવું હોય તો તમારે એવું વાતાવરણ બનાવવું પડશે કે જે તેના માટે અનુકળ હોય. આપણે જે કશામાં પણ વધારો કરવો હોય તો તેને પ્રોત્સાહન આપવું જોઈએ. માટે, જયારે તમે તમારા સ્વપ્નાઓ ઉપર કામ કરતાં હોવ ત્યારે તમારે ફક્ત સજાગ બનીને તમારી જાતને એટલું જ પૂછવાનું છે કે, “હું જે આ પગલું લેવા જઈ રહ્યો/રહી છું શું તે મને મારા સ્વપ્નની નજીક લઇ જઈ રહ્યું છે કે દુર?”

એક નાનું ડગલું, અને તેના પછી બીજું એક નાનું ડગલું, પછી બીજું, અને હજી પણ બીજું…આ ત્યાં સુધી ચાલવું જોઈએ જ્યાં સુધી એક દિવસ તમે તમારા સ્વપ્નની દુનિયામાં પહોંચી ન જાવ, કે જ્યાં તમે જેના વિશે ક્યારેક એક સ્વપ્ન જોતા હતાં તે આજે તમારી આજુબાજુ હકીકતની દુનિયા બનીને ઉભું રહ્યું છે. એક અવાસ્તવિકતાની લાગણી જયારે કોઈ માઉન્ટ એવરેસ્ટ સર કરી લેતું હોય છે, કે જયારે કોઈ યોગીને અનેક વર્ષોની યૌગિક શિસ્તના અંતે સમાધિ લાગી જતી હોય, એ ક્ષણ કે જયારે સંસ્થાના સ્થાપક કે CEOને જયારે પોતાની કંપનીના પ્રથમ વખત શેર (IPO) વોલસ્ટ્રીટમાં સામેલ થતાં હોય ત્યારે થતી હોય છે…

માનવીનું એ એક નાનકડું પગલું, માનવજાત માટે એક લાંબા કુદકા સમાન હતું. – નીલ આર્મસ્ટ્રોંગ

અદ્દભુત એવા અરુણ બોથરા અને તેમના પ્રેમાળ પરિવાર પ્રત્યે હું મારી કૃતજ્ઞતા પ્રગટ કરું છું જેઓએ મારા ઓરિસ્સાના પ્રવાસને ખુબ જ મહત્વપૂર્ણ બનાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી, અને નાનામાં નાની વિગતની ખુબ જ ઝીણવટભરી કાળજી લીધી હતી. ફક્ત તેમનાં એક થકી જ મને KISSના અદ્દભુત બાળકોને મળવાનો મોકો મળ્યો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email