“મારે બદલવું છે, પણ મારો ભૂતકાળ મારો પિછો નથી છોડતો, સ્વામી,” એક મુલાકાતીએ મને હમણાં જ પૂછ્યું. “મને સતત મારા પાપોનો પસ્તાવો થયાં કરે છે. હું મારા આ બોજથી કેમ કરીને છુટકારો મેળવું?”
બે બાબતો તારી કબર સુધી તારી પાછળ આવશે,” મેં જવાબ આપતાં કહ્યું. “કલ્પના કરવી છે?”
“મારા કર્મો?”
“અને તારા લેણદારો,” મેં મજાક કરતાં કહ્યું. “કર્મોનું મોટું પોટલું સાથે આવશે અને બીજો એક થેલી લઇને.” તે હસવા માંડ્યો એક ભયભીત સ્મિત.
“એક દેવું છે,” મેં ઉમેરતા કહ્યું, “અને બીજો દેવાની વસુલી કરનાર.”

આપણા કર્મોનું પોટલું એ આપણું નહિ ચૂકવેલું દેવું જ છે.

અને આપણા જીવનમાં, અનેક પ્રકારના લોકો આવતાં હોય છે, તેમાંના કોઈક કર્મોના લેણદાર હોય છે જે દેવાની વસુલી કરનારની ભૂમિકા ભજવતાં હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ભૂતકાળથી પીછો છોડાવવો અશક્ય છે.

અજ્ઞાનતાથી હોય કે અભિમાનથી હોય, આપણમાંનાં દરેકજણે પોતાનાં જીવનમાં એવા શબ્દો ઉચ્ચાર્યા હોય છે અને એવા કર્મો પણ કરેલાં હોય છે જે આપણને લાગે કે આપણે ન કર્યા હોત તો સારું. ખરાબ કર્મો કરવાથી જરૂરી નથી કે કોઈ ખરાબ થઇ જાય. ઘણીબધી વાર, સારા લોકોથી ખરાબ કર્મો થઇ જતાં હોય છે, અને કહેવાતાં ખરાબ લોકો ઘણાં બધાં સારા કર્મો કરી દેતા હોય છે. એક ખરાબ વિચાર કે કર્મથી તમે ઉતરતી કક્ષાના નથી થઇ જતાં. ઉલટાનું, આપણી ચેતનાની હીનતા તો ત્યારે છતી થતી થાય છે જયારે આપણામાં એવી હિંમત નથી હોતી સ્વીકારવાની કે હા મારાથી બધું બગડી ગયું અને અને હું એના માટે દિલગીર છું.

આપણી ભૂલોને નકારવાથી કે અસ્વીકારવાથી તો આ પોટલું ઓર વધુ મોટુંને મોટું થતું જતું હોય છે. જયારે આપણે આપણી ભૂલને શાલીનતાથી સ્વીકારી લેતા હોઈએ છીએ, ત્યારે આપણે આપણી અંદરથી ગુસ્સો (મારે આ પરિસ્થિતિમાં કેમ રહેવું પડે છે?) અને ગ્લાની (હું જુદી રીતે કેમ વર્તી ન શક્યો/શકી?) બહાર નીકળી જાય છે. નિ:શંક તે પ્રસંગ હજી પણ તમારા મગજમાં લાંબા સમય સુધી ખૂંચ્યા કરશે, પણ તેની યાદ હવે તમારી શાંતિનું હનન નહિ કરે.

The Way of Chuang Tzu નામનાં પુસ્તકમાં થોમસ મેરટોને Flight from Shadow નામની એક સુંદર વાર્તા લખી છે:

એક વ્યક્તિ હોય છે જે પોતાનાં પડછાયાથી ખુબ જ વિચલિત હોય છે અને પોતાનાં પગલાંથી પણ તે એટલો નાખુશ હોય છે કે પોતે આ બન્નેને દુર કરી નાંખવા માંગતો હોય છે. અને તેના માટે તે નક્કી કરે છે તે દોડીને આ બન્નેથી દુર થઇ જાય.

માટે તે ઉઠે છે અને દોડવા માંડે છે. પણ જેટલી વખત તે પોતાનો પગ નીચે રાખે તેટલી વખત એક બીજું પગલું બની જાય, અને તેનો પડછાયો તો તેનો સાથ જ ન છોડે.

તે પોતાની નિષ્ફળતા માટે એવું માનવા લાગ્યો કે પોતે છે તે જોઈએ તેટલી ઝડપથી નથી ભાગી રહ્યો. માટે તે વધુ ઝડપથી ભાગવા માંડે છે અને એટલી ઝડપથી દોડે છે કે અટકતો જ નથી. અંતે, પડીને મરી જાય છે.

તે એટલું સમજવામાં નિષ્ફળ જાય છે કે જો પોતે પોતાનાં પડછાયામાં જ પગ મૂકીને ઉભો રહેશે, તો પડછાયો અદ્રશ્ય થઇ જશે, અને જો પોતે સ્થિર થઇને બેસી જશે, તો ત્યાં કોઈ પગલાં પડશે જ નહિ.

તેને આપણો ભૂતકાળ કહો, કર્મોનું પોટલું કહો, પડછાયો કહો કે બીજું કઈપણ, હકીકત તો એ જ છે કે આપણે આપણા કરેલાં કર્મોને ભૂંસી શકતાં નથી. આપણે જે શબ્દો બોલ્યાં હોઈએ કે કોઈ અનિચ્છનીય કર્મો કર્યા હોય તેને પાછા નથી વાળી શકતા. બહુબહુ તો, આપણે માફી માંગી શકીએ, પસ્તાવો, અફસોસ કરી શકીએ કે પછી સમય સાથે તેમાંથી સાજા થઇ શકીએ. તો પણ સત્ય તો એ જ રહેતું હોય છે કે આપણો ભૂતકાળ આપણે જ્યાં જઈએ ત્યાં સાથે જ સફર કરતો રહેતો હોય છે. ફકત જયારે આપણે અંધકારમાં હોઈએ ત્યારે આપણો પડછાયો આજુબાજુના અંધારામાં વિલીન થઇ જતો હોય છે. આવા અંધકારમાં, આપણને ક્ષણિક એવું લાગી શકે કે હવે આપણી પાસે કોઈ પોટલું રહ્યું નથી, પરંતુ તે એક ભ્રમણા માત્ર જ હોય છે, કારણકે, હજી આપણે અંધકારથી તો દુર થયાં જ નથી હોતા. ઉલટાનું, આપણે આપણી જાતને પ્રકાશથી છુપાવી દીધી હોય છે.

અરે, સૌથી પ્રકાશિત ઓરડાની અંદર પણ અંધારો ખૂણો હોય છે, ગમે તેટલો નાનો કેમ ન હોય. એવી જ રીતે, સૌથી સારામાં સારી રીતે જીવાતી જિંદગીના હૃદયમાં પણ ક્યાંક કોઈક પ્રકારનું અંધારું છુપાયેલું જ હોય છે. એ આપણો પડછાયો છે જેને આપણે દુર નથી કરી શકતાં, અને તેનાંથી ડરવાનું આપણી પાસે કોઈ જ કારણ પણ નથી. આપણે પ્રકાશથી બનેલાં છીએ અને માટે પડછાયો આપણા અસ્તિત્વનું એક અભિન્ન અંગ છે. એ મહત્વનું નથી કે આપણો પડછાયો કેટલો લાંબો કે કેટલો કાળો છે, મહત્વનું તો એ છે કે તે ક્યાં રહેલો છે, આપણી આગળ કે પછી આપણી પાછળ.

જેવી રીતે ચુંગ ત્ઝુંએ દર્શાવ્યું છે કે આપણા પડછાયાથી વિરામ મેળવવા માટેનો એક માર્ગ છે તેની અંદર પગ મુકવો. કૃપાના વૃક્ષનો પણ એક એવો જ છાંયો હોય છે જેવો સત્ય અને માફીના વૃક્ષનો હોય છે. આ વૃક્ષોના છાયા તેની નીચે ઉભા રહેલા વ્યક્તિના પડછાયાને એક કોમળતાપૂર્વક પોતાની અંદર શોષી લે છે.

બીજો માર્ગ છે, અને તે મોટાભાગે લલચામણો પણ છે, અને તે એ છે કે હંમેશાં અંધકારમાં જ રહેવું અને તેમાંજ જીવવું. અંધકારમાં, તમને કદાચ પડછાયો તો નહિ દેખાય, પણ તમે બીજું કશું પણ કઈ ખાસ જોઈ શકશો નહિ…કોઈ સુંદરતા નહિ, કોઈ પ્રકાશ નહિ. આપણી આજુબાજુ રહેલાં લાખો લોકો પોતાની જાતને બીજા બધાંથી અલગ થઇને બંધ કરી દેતા હોય છે. ભય, ડર, ગ્લાની અને બીજી કોઈપણ લાગણીને લીધે, તેઓ પોતાની આખી જિંદગી અંધકારમાં વિતાવી દેતા હોય છે, કારણ કે ફક્ત તેઓ પડછાયાથી દુર ભાગવા માંગે છે. જે ડાહ્યા છે, તે જોકે, વધુ સારું સમજી શકતા હોય છે.

જુઓ, જયારે આપણો પડછાયો આપણી સામે હોય ત્યારે જ આપણને આગળનો માર્ગ અંધકારમય લાગતો હોય છે. અને, પડછાયો આપણી સામે ત્યારે જ હોય છે જયારે આપણે આપણી પીઠ પ્રકાશ તરફ રાખીને ઉભા રહ્યાં હોઈએ. પરંતુ જયારે તમે પ્રકાશ તરફ ડગ ભરવા માંડો છો, ત્યારે તમારો પડછાયો તમારી પાછળ જતો રહેતો હોય છે.. હવે તે તમારા માર્ગમાં અંધારું નહિ ફેલાવે.

આપણા પોટલાને ફેકવા માટેની મને ફક્ત આ એક જ રીતની ખબર છે: કે આપણે એક આશા અને કરુણા (આપણા માટે તેમજ બીજા માટે) સાથે હંમેશાં પ્રકાશ તરફ ચાલતાં રહેવું જોઈએ. આપણા પડછાયાને પાછળ રાખવાનો આ એક જ માર્ગ છે. ભૂતકાળની ભૂલો માટે તમારી જાતને માફ કરો. સહજ બનો. તેનાંથી તમારું પણ ઘણું ભલું થશે અને બીજાનું પણ ભલું કરવા માટે તમને મદદ કરશે, અને લાંબાગાળે આ એક જ ભલાઈનું કામ હશે.

જો તમે સતત ચાલતાં રહેશો તો તમારા પગલાં તમારી પાછળ જ રહેશે. જરા થોભી જાવ અને તમે જોશો કે તમે તમારા પગલાં ઉપર જ ઉભા રહ્યાં છો. આપણે હિમાલયના શ્વેત બરફ જેવા દાગ વિહીન છીએ તેવો આડંબર તો કરી લઈએ, પણ ક્યારેક ને ક્યારેક આપણે બીજા ઉપર પથ્થર ફેકેલો જ હોય છે. અને કોઈ વાર આપણે બીજા કિનારે પણ ઉભેલા હોઈએ છીએ. અંતે તો, જે બાબતને આપણે આપણા પડછાયાની જેમ આપણી પાછળ મૂકી દઈએ તો તેનું કોઈ મહત્વ રહેતું નથી.

મેં હમણાં જ ઈમામ જમાલ રહેમાનનું The Comic Teachings of Mulla Nasruddin પુસ્તક વાંચ્યું જેમાં મેં એક ટુંચકો વાંચ્યો હતો. થોડા ફેરફાર સાથે અત્રે પ્રસ્તુત છે:

એક માં પોતાનાં તોફાની છોકરાને મુલ્લા પાસે લઇને આવે છે, અને ફરિયાદ કરતા કહે છે કે પોતે તેના તોફાનોથી થાકી ગઈ છે.
“મહેરબાની કરીને,” તેણે મુલ્લાને કહ્યું, “કઈક કરો કે જેથી તેનાં હૃદયમાં થોડો ડર બેસીજાય.”
“હમણાં જ કરું,” મુલ્લાએ આત્મવિશ્વાસથી કહ્યું. “તે હમણાં જ ગાય જેવો થઇ જશે.”

મુલ્લાએ ખુબ જ ભયાનક રીતે છોકરાની આંખમાં આંખ નાંખીને જોયું અને તેને બુમ પાડીને કહ્યું કે તારી માંનું કહ્યું સાંભળ. મુલ્લાએ પોતાનો ચહેરો એટલો ડરામણો બનાવી દીધો અને એટલું જોરથી ઘૂરકિયા કરીને કહેવા લાગ્યાં કે આ આખું કૃત્ય એટલું ડરામણુ થઇ ગયું કે પેલા છોકરાની માં ત્યાંની ત્યાં જ બેભાન થઇ ગયી, અને મુલ્લા ઓરડામાંથી ભાગીને બહાર નીકળી ગયાં. થોડી વાર પછી જયારે પેલી સ્ત્રી ભાનમાં આવી ત્યારે તેને મુલ્લાને ભાંડ્યો. “મેં તમને મારા છોકરાને બીવડાવવાનું કહ્યું હતું, મને નહિ!”

“બાનું,” મુલ્લાએ જવાબ આપતાં કહ્યું, “જયારે તમે ડરને જાગૃત કરો છો, ત્યારે તે બધાને ખાઈ જાય છે. કોઇપણ પ્રકારના ભેદભાવ વગર. તમને શું લાગે છે હું પોતે જ શા માટે ઓરડામાંથી ભાગી ગયો.”

આપણા પડછાયાને પણ, એક ડરની જેમ, કોઈ ભેદભાવ નથી હોતો. જયારે પણ પડછાયો પડે ત્યારે અંધકારની એક ઝાય કુદરતી રીતે જ ઉગી ઉઠતી હોય છે. એટલાં માટે જ એ સૌથી મહત્વનું છે કે ફક્ત આપણે એકલાં જ તેનો સામનો કરવા માટે કે પ્રકાશ તરફ ડગ ભરવા માટે કટિબદ્ધ ન થઈએ, પરંતુ સાથે-સાથે બીજાને પણ તેવું કરવા માટે પ્રેરણા આપીએ. કારણકે, આપણે કદાચ મધ્યાહ્નના સૂર્યની જેમ ચળકતા હોઈ શકીએ, પણ જો આપણી આજુબાજુના લોકો અંધકારમાં જીવતાં હોય, તો તેમનો પડછાયો પણ આપણા જ માર્ગમાં પડવાનો. પ્રકાશ બનો અને અજવાળું પાથરો. એક ઉમદા અભિલાષાની દિશામાં, ભલાઈ તરફ આગળ વધતાં રહો.

તમારા હૃદય પ્રકાશને તમારી આજુબાજુ રહેલા અનંત પ્રકાશમાં ભળી જવા દો. અંધકારનું પછી કોઈ મહત્વ નહિ રહે. જો કશું હશે, તો તે ફક્ત તમારા જીવનને એક વધુ ઊંડાઈ, હેતુ, અને અર્થ જ આપતું રહેશે.

ચાલતો રહો… પ્રકાશ તરફ.

ઓક્ટોબર ૨૦૧૫માં, A Fistful of Love પ્રકાશિત થઇ હતી કે જેની અંદર મારા લેખોનો સમૂહ હતો. ઘણાં વાંચકોએ મને લખી જણાવ્યું હતું કે તે પુસ્તક તેઓ તેમની પથારીની બાજુ પર રાખે છે અને દરરોજ રાત્રે એક-બે પાના વાંચે છે. વારુ, બે વર્ષ પછી, મને એ વાત જણાવતા આનંદ થાય છે કે આ fistful શ્રેણીમાં જ આજે એક નવું પુસ્તક આવે છે: A Fistful of Wisdom. તેમાં ૫૦ જેટલાં લેખોનો સમૂહ છે. જો તમને A Fistful of Love વાંચ્યા પછી પણ ઊંઘવામાં તકલીફ થતી હોય તો, આશા છે કે  A Fistful of Wisdom થી કદાચ મદદ મળી જાય. છેવટે, તો મોટાભાગે જયારે પ્રેમ (love) નિષ્ફળ જાય ત્યારે ડહાપણ (wisdom) કામ કરી જતું હોય છે.

A Fistful of Wisdom ખરીદવા માટે અહી ક્લિક કરો:

1. Amazon: India.
2. Amazon: Rest of the world.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email