આપણી દુનિયા લોકોથી બનેલી હોય છે. ખાસ કરીને આપણી સૌથી ઉત્તમ અને સૌથી ખરાબ યાદોમાં બીજા લોકો અવશ્ય રહેલાં હોય છે. તમે કદાચ લક્ઝરી કાર, બીચ હાઉસ, કે પોતાની નૌકા હોય અને બીજી એવી અનેક ઈચ્છાઓ રાખી શકો, અંતે તો જોકે, તમે તે દરેક વસ્તુ બીજા સાથે વહેચવાનું સ્વપ્ન જોતા જ હોવ છો. કોઈ દિવસ તમને દુનિયામાં ચાલતાં રહેલાં આ પાગલપણાથી દુર તમને દોડીને ક્યાંક એકલા ટાપુ ઉપર કે હિમાલયની ગુફામાં જતાં રહેવાનું મન પણ થાય કે જ્યાં તમે ફક્ત તમે જેવાં છો તેવા બની રહો, પરંતુ અંતે તો, તમારું હૃદય કોઈ બીજા સાથે તમારા આનંદ અને દુઃખને વહેચવા માટે તડપી જ ઉઠશે, કોઈ એવી સંપૂર્ણ વ્યક્તિ કે જે તમારા માટે હંમેશાં ત્યાં ઉભી હોય, જે તમને બરાબર સમજતી હોય, વિગેરે.

તમે ક્યારેય વિચાર્યું છે કે જો પ્રેમ એ માનવ અસ્તિત્વનું આટલું મુખ્ય અને પરસ્પર એકબીજાની જરૂરીયાત માટેનું તત્વ હોય, તો પછી શા માટે લોકો એકબીજા સાથે રહેવા માટે આટલો બધો સંઘર્ષ કરતાં હોય છે, કે પછી કેમ આટલી જલ્દી એકબીજાથી દુર થઇ જતાં હોય છે?

ચાલો હું તમને અમારા આશ્રમના એક સ્વયંસેવકની વાત કહું. તે અને તેની સાથે બીજા અનેક અહી રહેતાં હોય છે અને આશ્રમની કાળજીપૂર્વક રખેવાળી રાખતાં હોય છે. તે એક ખુશમિજાજી આત્મા છે. મેં તેને રસોઈઘરમાંથી બિલાડીને ભગાડતા કે પછી હું જયારે પણ બગીચામાં બેઠો હોવ ત્યારે વૃક્ષો ઉપરથી પંખીઓને ઉડાડતાં, અને બીજા કુતરાઓને બીવડાવતાં જોયો છે. અમે તેને મીક્સું કહીને બોલાવીએ છીએ કારણકે તેનું મોઢું એકદમ કાળું અને બાકીનું શરીર બરફ જેવું ધોળું છે.

જો કે મીક્સું એકદમ વ્હાલું લાગે તેવું છે, પણ તે દયા કે શાંતિ માટે જાણીતું નથી. એક દિવસે, કોઈએ તેને અમારા એક સંન્યાસીના રૂમાલ પર પેશાબ કરતાં પકડ્યું હતું. એ રૂમાલ બસ બીજા કપડાની સાથે એક કતારમાં તડકે સુકાઈ રહ્યો હતો, અને મીક્સુંને કોઇપણ રીતે હેરાન નહોતો કરી રહ્યો. જયારે તેનો સામનો કરવામાં આવ્યો ત્યારે મીક્સુંએ એકદમ ભોળો દેખાવ કરીને સામું જોયું અને એક પસ્તાવા સાથે ત્યાંથી ચાલ્યો ગયો. અને બીજા દિવસે ફરી એકવાર રૂમાલ ઉપર એ જ કૃત્ય કર્યું.

એકવાર ફરી તેને ત્યાંથી ખેંચીને દુર કરવામાં આવ્યો અને ત્યારબાદ સારું થયું કે હવે મીક્સું પોતાનાં આવા અભિયાનોથી દુર રહેવા લાગ્યો. મેં જો કે તેના સ્વભાવને સ્વીકારી લીધો હતો, પણ સિવાય તેની ફક્ત એક બાબત કે જયારે હું બહાર બેસીને બીજા પ્રાણીઓને ને ખવડાવતો ત્યારે તે તેમના ઉપર હાવી થવાની કોશિશ કરતો અને તેમના ભાગનું ખાવાનું પણ ખાઈ જતો, મને તે નહોતું પસંદ. પરિણામે, મેં તેને એક અઠવાડિયા સુધી મારા બગીચામાં આવવા ન દીધો અને મારા જમવાના સમયે તો બિલકુલ તેને ત્યાં ભટકવા દીધો નહિ.

એક દિવસ, ફેબ્રુઆરી ૨૦૧૭માં, હું મારા પ્રિય વૃક્ષ નીચે બેઠો હતો અને મારું ભોજન બસ આવવાનું જ હતું કે શમતા માં (અમારા આશ્રમના એક શિષ્ય) આવ્યાં અને મને કહ્યું કે મીક્સું હવે આ દુનિયામાં નથી રહ્યું.

“શું!” મને મારા કાન ઉપર વિશ્વાસ ન થયો. “હજુ ગઈકાલે જ તો મેં તેને ધમકાવીને કાઢી મુક્યો હતો. તે એકદમ સરસ હતો અને રમતિયાળ હતો!”
“સ્વામીજી, બપોરે જ તેને સાપ કરડ્યો,” માં એ કહ્યું. “અમે તરત જ એક ટેક્સી લઇને તેને ઈસ્પિતાલમાં લઇ ગયા. ડોકટરે તેને ઈન્જેકશન આપ્યું, દવાની બાટલી પણ ચડાવી અને બનતી તમામ કોશિશ કરી પણ, કમનસીબે તે બચ્યો નહિ.”
માંની આંખો ભરાઈ આવી. અચાનક મારી ભૂખ મટી ગઈ અને મીક્સું સતત મારી આંખો સામે તરવરવા લાગ્યો.

મારું ભોજન આવ્યું અને મેં આ દુઃખદ સમાચાર બધાંને કહ્યાં. અમારી ખુશીને આ દુઃખે, એક પ્રકાશિત દિવસે ચડી આવતાં વાદળની જેમ ઘેરી લીધી. દરેકજણ મીક્સું કેવી રીતે રમતો અને બીજા પ્રાણીઓનો બોસ બની જતો તેની વાતો યાદ કરી. બધાંએ તેની અનેક રમુજભરી વાતોને યાદ કરી અને અમે સૌ તેની ખોટનો અનુભવ કરવા લાગ્યા. ગઈકાલે તેને વઢવા બદલ મને ખુબ જ દુઃખ થયું. મને યાદ આવ્યું કે તે કેવો દુઃખી થઇને મારા બગીચામાંથી જતો રહ્યો હતો. ભોજનમાં કશો સ્વાદ આવ્યો નહિ અને બપોર આખી ધીમે ધીમે પસાર થઇ. મંદિરમાં સાંજની આરતી એક સામાન્ય ઘટના જેવી લાગી. હવે અમે મીક્સુંને કોઈ દિવસ જોઈ શકીશું નહિ તે સત્યને હું ગળા નીચે ઉતારી શકતો નહોતો.

બીજા દિવસે, સ્વામી વિદ્યાનંદ દોડતાં આવ્યાં અને ખુબ જ ઉત્સાહપૂર્વક મને કહ્યું, “સ્વામીજી! મીક્સું એકદમ બરાબર છે. તેને કશું થયું નથી!”
“પણ, માં તો કહેતાં હતાં કે તેને ઈસ્પિતાલમાં લઇ જવો પડ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી છતાં પણ તે બચ્યો નહિ.”
“એ કોઈ બીજો કુતરો હતો કે જે હમણાંથી જ આશ્રમમાં આવતો હતો. માંને લાગ્યું કે આપણે તેને મીક્સું કહેતાં હતાં. મીક્સું હજી એવો જ તોફાની છે. મેં હમણાં જ તેને ઘી વાળી રોટલી ખવડાવી.”
હું તો એકદમ ખુશીથી છલકાઈ ગયો અને નીચે દોડતો ગયો. એ ત્યાં જ ઉભો હતો પોતાની પૂછડી પટપટાવતો. તેને ત્યાં હલતા હલતા ઉભો રહેલો જોઈને કોઈને કદાચ એમ લાગે કે તેની કુંડલિની જાગૃત થઇ ગઈ છે. મેં તેને બોલાવ્યો અને તે દોડતો આવ્યો અને મારી સામે જ ઘાસમાં આળોટવા લાગ્યો.

બીજા બે દિવસ સુધી મીક્સુંની કોઈ એક VIP (Very Important Pet)ની જેમ દેખભાળ કરવામાં આવી, અને આશ્રમમાં રહેલી દરેક વ્યક્તિ ખુબ આનંદપૂર્વક તેને બધી જાતની વાનગીઓ ખવડાવવા લાગ્યા. મને લાગે છે કે તે ચોક્કસ આ અચાનક પ્રદર્શિત થઇ રહેલા પ્રેમ અને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે બાબતથી પોતે એક મૂંઝવણ અનુભવી રહ્યો હતો. તે કદાચ વિચારતો હશે, “મેં શું કર્યું છે? આ લોકોને શું થયું છે? હું આશા રાખું કે તેમને એ ખબર હોય કે હું મીક્સું છું. મને જ શા માટે? હવે જ શા માટે? ખરેખર, માનવીઓ તો ખરા પાગલ જેવા છે. ગાંડાઓનું ટોળું. એક દિવસ મારા પર ગુસ્સે થાય અને બીજા દિવસે મારા પર હેત વરસાવે. શું ચાલી રહ્યું છે આ!” હું ફક્ત તેની મૂંઝવણ સમજી જ નહોતો રહ્યો પરંતુ મને તેની કદર પણ હતી.

તે બાકીના બીજા બધાં પ્રાણીઓ કરતાં હવે વધારે પસંદ હતો, અને બીજા અનેક દિવસો સુધી બીજા કુતરાઓ અને બિલાડીઓ કરતા તેની વધારે સંભાળ લેવાઈ રહી હતી. અને આ વાત પરથી એક સુંદર સંદેશ મળે છે: કોઈવાર, તમને એ ખબર નથી હોતી કે તમે કોઈને કેટલો બધો પ્રેમ કરો છો જ્યાં સુધી તે વ્યક્તિ તમારા જીવનમાંથી ચાલી ન જાય. મોટાભાગે, આપણે આપણા પ્રિય વ્યક્તિઓની હાજરીને બહુ હળવાશથી લઇ લેતા હોઈએ છીએ. જયારે બે વ્યક્તિઓ એકબીજાથી ટેવાઈ જાય, ત્યારે તેમની વચ્ચેનું બધું જ એક પ્રકારની ઘરેડ જેવું થઇ જાય છે: પ્રેમ, સંભાળ, સન્માન, લાગણી વિગેરે બધું જ. એ સારું જ છે, પણ તેની એક બીજી બાજુ પણ હોય છે: જયારે કશું પણ આપણા માટે સામાન્ય બની જાય છે, ત્યારે મોટાભાગે આપણે તેની કદર કરવાનું બંધ કરી દેતા હોઈએ છીએ. આપણને એવું લાગવા માંડે છે કે હવે આપણે આપણી ઉપર કે આપણા સંબંધો ઉપર કોઈ કામ કરવાની જરૂર નથી, એવું લાગે છે કે સંબંધોમાં રહેલી સારી લાગણી કાયમ ટકી જ રહેશે. એક સમયે જે એક ગૌરવ, એક આશીર્વાદ સમાન લાગતું હતું તે હવે પોતાનો હક હોય તેવું લાગવા માંડે છે. બહુ જલ્દી જ આવી વિશેષાધિકારની લાગણીઓમાંથી અપેક્ષાઓ જન્મવા માંડે છે. અને અધુરી અપેક્ષાઓ, પરિણામે, દરેક દુઃખમય સંબંધોનું મૂળ કારણ બની જતી હોય છે.

જયારે સંબંધમાં જોડાયેલ બે વ્યક્તિઓ એકબીજાથી દુર જવા માંડે ત્યારે તેઓ બન્ને એકબીજાના નકારાત્મક પાસાઓ ઉપર ધ્યાન આપવા માંડે છે. આપણને મીક્સું બોસ બની જતો હોય, કોઈના રૂમાલ ભીના કરતો હોય એવું જ દેખાવા લાગે છે, અને પછી એક દિવસ જયારે આપણને ખબર પડે છે કે હવે પછી આપણે તેને ક્યારેય જોઈ શકીશું નહિ, ત્યારે એ જ બધી વસ્તુઓ આપણે રમુજી લાગવા માંડે છે ને સુંદર પણ. દરેક વાસ્તવિક અને પીઢ સંબંધો પણ એક તોફાની અવસ્થામાંથી પસાર થતાં જ હોય છે જ્યાં તમે જે પણ કઈ જાણતા હોવ તે તમામ બાબત માટે એક ચુનોતી ઉભી થઇ ગઈ હોય એવું લાગે છે. અને, ત્યાં એક જ એવી વસ્તુ હોય છે કે જે એક સિલ્વર જ્યુબીલી ઉજવતા દંપતી અને થોડાંક મહિનાના જ લગ્ન બાદ કોર્ટમાં ઝઘડી રહેલા દંપતીની વચ્ચે રહેલાં ફરક જેવી હોય છે. અને તે છે: એક તંદુરસ્ત સંબંધમાં, તમે સામેની વ્યક્તિનાં ફક્ત હકારાત્મક પાસાઓ ઉપર ધ્યાન આપો છો અને એક તણાવભર્યા સંબંધમાં તેનાંથી ઉલટુ કરો છો. જયારે તમે ખરાબ શું છે તેના કરતા સારું શું છે તેના ઉપર ધ્યાન આપવા લાગો છો ત્યારે તમે કુદરતી રીતે જ તેની કદર પણ કરવા માંડો છો. અને જયારે તમે કશાની ખરી કદર કરવા લાગો છો, ત્યારે તમે તેની રક્ષા કરવા માટે સખત મહેનત પણ કરવા લાગો છો.

એક ભારેવર્ષામાં શેરીના રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે, બધું જળબંબાકાર જેવું લાગે છે, ત્યારે જ એક વ્યક્તિ બેકરીમાં આવે છે. તેની છત્રી પણ આ તોફાનમાં તૂટી ગઈ હોય છે અને તે આખો ભીનો થઇ ગયો હોય છે.
“એક ક્રીમ ચીઝ વાળું બેગલ આપો,” તે વ્યક્તિએ કહ્યું.
“ફક્ત એક?” બેકરીવાળાએ આવા સમયે આવેલાં ગ્રાહકને પૂછ્યું.
“હા”
“તમને ખરેખર મારા બેગલ ખુબ પસંદ હોવા જોઈએ!”
“હું બેગલ નથી ખાતો. એ લઇ જવા માટે છે.”
“ઓહ,” બેકરીવાળાએ કહ્યું, “શું એ તમારી પત્ની માટે છે?”
“તને શું લાગે છે આવા તોફાનમાં એક બેગલ લેવા માટે મને શું મારી માં અહી મોકલવાની હતી?”

લપસી પડવું અને ફક્ત- હું/મારું/મને ગમતું હોય એવું– બસ એનાં ઉપર જ અટકી જવું બહુ જ સરળ છે, પરંતુ એક સક્ષમ સંબધ તો ધીરજ, પરસ્પર કાળજી, અને સન્માન વિશેની વાત છે. આવા ગુણોથી પ્રેમનું એક દુર્લભ પુષ્પ ખીલતું હોય છે, જે પોતાની સુગંધ ચારેકોર ફેલાવતું હોય છે, અને જીવનને વધુ ને વધુ સુંદર અને જીવવાલાયક બનાવતું હોય છે. આપણી આ દુનિયામાં અને આપણી યાદોમાં, વિચારોમાં, ઇચ્છાઓમાં, અને સ્વપ્નાઓમાં હંમેશાં બીજા લોકો રહેલા હોય છે, તો પછી આવો, આપણે આપણા જીવનમાં જે લોકોની હાજરી છે તેમની થોડી કદર પણ કરી લઈએ. કારણકે તમે ફક્ત તેની જ કદર કરી શકો જેને તમે ખરેખર પ્રેમ કરતાં હોવ. અને પ્રેમ રાખવા માટેનો ફક્ત એક જ રસ્તો છે અને તે છે વળતો પ્રેમ કરવો. પ્રેમ પ્રેમને રળી આપતો હોય છે.

(વારુ, બે દિવસ પહેલાં જ, મેં મીક્સુંને નદીકિનારે દુનિયાની કોઈ પરવાહ કર્યા વગર લટાર મારતા જોયો હતો.)

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email