બ્રહ્મદત્ત કાશીના દરબારમાં છેલ્લાં ચાલીસ વર્ષથી સેવા આપી રહ્યાં હતાં અને તે રાજાના સૌથી વિશ્વાસુ મંત્રી હતાં. રાજા ફક્ત મહત્વની બાબતો માટે જ તેમની સાથે સલાહ સૂચન કરતાં એટલું જ નહિ, પણ બ્રહ્મદત્ત તેમના એટલાં ખાસ હતાં કે ઘણી વાર તે રાજવી પરિવાર સાથે જમણ પણ કરતા. રાજાના ખાનગી કક્ષમાં પણ તેઓ બેરોકટોક આવી શક્તા. બીજા દરબારીઓ તેમની પ્રમાણિકતા માટે તેમને માન આપતાં અને કાશીની પ્રજા તેમના જ્ઞાનને લીધે તેમને પૂજ્ય માનતી.

એક દિવસે, ચોકીદારે બ્રહ્મદત્તને થોડા સોનાનાં સિક્કાનો હિસાબ નહિ લખતા અનેતે  પોતાનાં ખિસ્સામાં સેરવી દેતા જોયા. તેને પોતાનાં ઉપરીને વાત કરી અને તેણે તો આ ફરિયાદને તરત જ રદ કરી નાંખી અને કહ્યું કે પરમ સન્માનીય એવા મંત્રીજી કદાચ વ્યસ્ત હશે, કે પછી ચોકીદારથી જ કોઈ ભૂલ થતી હશે. થોડાંક દિવસો પછી, આ બાબત પાછી બની: બ્રહ્મદત્તે પાછા સોનાનાં સિક્કાની ચોરી કરી, અને ફરીથી તેમની ફરિયાદ રદ કરી નાંખવામાં આવી. જયારે ચોકીદારે ત્રીજી વાર એની એ જ ફરિયાદ કરી, ત્યારે બે નવા ચોકીદારોની નિમણુંક કરવામાં આવી. તેઓએ પણ એ વાતનું સમર્થન કર્યું કે બ્રહ્મદત્ત રોજ રાજવી ખજાનામાંથી મુઠ્ઠીભર સિક્કા લઇ લેતા હતાં.

તેઓ આ ફરિયાદ રાજા પાસે લઇ ગયા અને રાજાએ ઉલટાનું તેમને આટલાં સદ્દ્ગુણી બ્રહ્મદત્ત ઉપર શંકા કરવા બદલ એ લોકોને જ સજા કરી. પરંતુ એટલાં માત્રથી ચોકીદારો પોતાની ફરજ બજાવવાનું ચૂક્યાં નહિ, જો કે, અંતે જયારે ફરી એક વાર બ્રહ્મદત્ત થોડા સિક્કાની એક કોથળી લઇને જઈ રહ્યાં હતાં ત્યારે તેઓ બ્રહ્મદત્તને રંગે હાથ પકડવામાં સફળ રહ્યાં

“મને હાથ અડાડવાની તારી હિંમત કેમ થઇ?” જેવાં ચોકીદારોએ બ્રહ્મદત્તનો હાથ પકડ્યો કે તે ચીખી ઉઠ્યા. “તમને ખબર નથી કે હું કોણ છું?”
“તમે જે હોય તે, પણ અત્યારે તો તમે એક ચોર છો,” સુરક્ષામંત્રીએ કહ્યું. “અમારે તાબે થાઓ નહિ તો પસ્તાશો.”

બ્રહ્મદત્તે પોતાની જાતને તેમની પકડમાંથી છોડવવા માટે ખુબ ફાંફાં માર્યા પરંતુ ચોકીદારોએ તેમને છોડ્યા નહિ અને તેમની પકડ સખત કરી દીધી, અને બળજબરીપૂર્વક તેમને રાજા સમક્ષ એક મામુલી ગુનેગારની જેમ રજુ કર્યા.

“તમારે તમારા બચાવમાં શું કહેવું છે?” પૂરી હકીકત સાંભળીને રાજાએ બ્રહ્મદત્તને પૂછ્યું.
“કશું જ નહી, મહારાજ.”
“આ ધોખેબાજને જેલમાં ધકેલી દો,” રાજાએ હુકમ કર્યો. “હું એક અઠવાડિયામાં પૂરી સજા સંભળાવીશ.”
રાજા એ વાતે ખુબ પરેશાન હતાં કે જે માણસનો પોતે આખી જિંદગી વિશ્વાસ કર્યો હતો તે જ એક ભ્રષ્ટાચારી નીકળ્યો. રાજાએ બ્રહ્મદત્તના પોશાક પર તેમને સન્માનેલા બધાં જ પદકો ખેંચીને લઇ લીધા અને દરબારને મુલતવી રાખ્યો. આ સમાચાર આગની જેમ નગરીમાં ફેલાઈ ગયા અને લોકો બ્રહ્મદત્તને ચોર, ઠગ, બદમાશ અને એવી બીજી અનેક ગાળો આપવા લાગ્યાં.

“બધું બરાબર છે?” રાણીએ મધ્યરાત્રીએ પોતાનાં શયનકક્ષમાં આમથીતેમ લટાર મારતાં રાજાને પૂછ્યું. “તમે કોઈ ચિંતામાં હોવ તેવું લાગે છે.”
“મને એ સમજાતું નથી બ્રહ્મદત્ત જેવી વ્યક્તિ કઈ રીતે આટલી હદ સુધી નીચે જઈ શકે અને એ પણ મારો જ વિશ્વાસઘાત કરી શકે!,” રાજાએ આખા પ્રસંગનું વર્ણન કરતાં કહ્યું.
“તો તેમને પોતાનાં સ્વબચાવમાં કશું જ કહ્યું નહિ? ખરેખર?”
“એક શબ્દ પણ નહિ.”
“વારુ,” રાણીએ સલાહ આપતાં કહ્યું, “તો પછી આ કૃત્યમાં જે કઈ આંખોથી જોઈ શકાય છે તેના કરતાં પણ કોઈ ઊંડી વાત જરૂર હોવી જોઈએ. તમારે બ્રહ્મદત્ત સાથે ખાનગીમાં વાત કરવી જોઈએ. તેમના જેવી વ્યક્તિને કોઈ નજીવી રકમ માટે ચોરી કરવાની જરૂર પડે તેવું તો બને જ નહિ, તમને શું એવું નથી લાગતું?”

સજાની જાહેરાત કરતા પહેલાં રાજા બ્રહ્મદત્તને ખાનગીમાં મળ્યાં અને કહ્યું.
“તમારા જેવી જ્ઞાની અને ઈજ્જતદાર વ્યક્તિ આવું કઈ રીતે કરી શકે! તમે મારા પિતાની પણ સેવા કરી છે, અને જયારે હું નાનો હતો ત્યારે તમારા ખોળામાં રમીને જ મોટો થયો છું. તમારે પૈસાની જ જો જરૂર હતી તો તમે મારી પાસેથી માંગી શક્યાં હોત કે ઉછીના પણ લઇ શક્યાં હોત.”

“મહારાજ, એક સિક્કો પણ આમનો તેમ થયો નથી. હું રોજ થોડાથોડા સિક્કા તેમાંથી લઇ શકું તે
માટે થઇ ને મેં તેમાં મારા પોતાનાં ખિસ્સામાંથી થોડા સિક્કા પહેલી જ મૂકી દીધાં હતાં. તમે જાતે તે ચકાસી શકો છો. આ તો એક નાનકડો પ્રયોગ હતો.”
“વૃદ્ધ માણસ, આ કોઈ મજાકનો સમય નથી,” રાજાએ અધીરા બનીને પૂછ્યું. “”સ્પષ્ટ વાત કરો.”
“હમણાં હમણાંથી મને વિચાર આવતો હતો,” બ્રહ્મદત્તે જવાબ આપતાં કહ્યું, “કે તમને મારા વિશે ખરેખર શું ગમે છે? શું એ મારું જ્ઞાન છે, કે પછી મારા લાંબા સમયની સેવા છે, મારી નિષ્પક્ષ સલાહ છે, મારી ઈજ્જત છે કે પછી બીજું કઈ? મારે તમારી સભાના અન્ય સભ્યો તેમજ કાશીની પ્રજા મારું શેનાં માટે સન્માન કરે છે તે જાણવું હતું?”
“આ તમામ બાબતો માટે કદાચ.”
“હું સહમત છું. પણ,” બ્રહ્મદત્તે બોલવાનું ચાલુ રાખતાં કહ્યું, “હે રાજા! એમાંનું કશું પણ મને બચાવી શક્યું તો નહિ. દુરાચારના એક નાના એવા કૃત્યથી મને ચોર, બદમાશ અને બીજું શું શું નથી કહેવામાં આવ્યું! હું તો એ સાર પર પહોંચ્યો છું કે એ મારો ફક્ત વ્યવહાર જ હતો કે જેનાંથી હું આ સન્માનને રળી શક્યો છું. જે ક્ષણે મારા વ્યવહાર ઉપર સવાલ ઉઠી શકે તેમ હોય ત્યારે બાકીનાં બધાંનું મહત્વ મટી જાય છે.”

મને આ વાર્તામાં જીવનભરનું જ્ઞાન મળતું હોય એવું લાગે છે. આપણા શિક્ષણ, ઉછેર અને ચારિત્ર્યની સૌપ્રથમ ઓળખ આપણું વર્તન જ હોય છે. દુનિયામાં કાયમ આપણાથી વધુ જાણકાર, હોશિયાર, કૌશલ્યવાન લોકો હોવાનાં જ. જે કોઈ પણ આપણાથી દેખાવમાં, સંપત્તિમાં અને સિદ્ધિઓમાં આગળ પડતા હોઈ શકે, પરંતુ જયારે આ ઈશ્વર રચિત ભવ્ય યોજનાની વાત આવે ત્યારે તે કશાનું કોઈ મહત્વ હોતું નથી. બીજા લોકોને તેનાંથી બહુ નજીવો કે પછી બિલકુલ કોઈ ફરક પડતો નથી કે તમે તેમની કેટલી સેવા કરી છે કે તમારા ઈરાદાઓ કેટલાં સાચા હતાં કે તમારો IQ કેટલો ઉંચો છે, ફરક ફક્ત એક વાત માત્રથી પડે છે કે તમારું પોતાનું વર્તન કેટલું ઉમદા છે.

ચોક્કસ, આપણે કેટલું જાણીએ છીએ અને આપણી પાસે કેટલું બધું છે તેના આધારે કોઈ આપણને માન આપી શકે, પરંતુ આવું સન્માન એવી ધારણા હેઠળનું જ હશે કે જેમાં એવું માની લેવામાં આવે છે કે આપણી આવી સિદ્ધિઓની નીચે આપણું સારું વર્તન પણ રહેલું હશે. કોઈ એક ગુંડાને એટલું સન્માન નથી આપતું જેટલું એક સંતને આપે છે (કદાચ ભય હેઠળ આપતાં હશે પણ તાત્વિક રીતે તો નહિ જ). જો તમે રામ, બુદ્ધ, મહાવીર, ખ્રિસ્ત કે મોહમ્મદના જીવનનો ઊંડો અભ્યાસ કરશો, તો તમને જણાશે કે એવું નહોતું કે તેમને આ દુનિયાને કોઈ એવું સત્ય આપી દીધું હતું કે જે તેમની પહેલાં થઇ ગયેલાં સંતો કે પયગંબરોએ આપવામાં નિષ્ફળ ગયા હતાં. દુનિયાને તો તેમણે જે જ્ઞાન આપ્યું તેમાંના મોટાભાગનાં જ્ઞાનની પહેલીથી ખબર જ હતી. ઉલટાનું, એ તેમની વર્તણુક હતી કે જેનાંથી તેઓ માનવ ઈતિહાસમાં અમર થઇ ગયા.

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः।

स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ।। (भगवद्गीता 3.21)

શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે, અન્ય માણસો પણ તે તે જ આચરે છે; તે જે કઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે.

મારા મત પ્રમાણે વર્તણુકનાં ત્રણ દ્રષ્ટિકોણ છે. એક, આપણે આપણી જાતને કેવી રાખીએ છીએ અને અન્ય સાથે કેવો વ્યવહાર કરીએ છીએ તે. બીજું, આપણા કર્મો એ આપણા શબ્દો અને આપણે આપેલા વચનોની સામે કેટલાં સચ્ચાઈપૂર્વકના છે તે. અને ત્રીજું, દરેક સંજોગોમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે. જયારે આપણે તકલીફોમાંથી પસાર થતાં હોઈએ, કે આપણી જ લાલચો સામે સંઘર્ષ કરતા હોઈએ કે પછી વૈભવમાં આળોટતા હોઈએ ત્યારે, ક્યાંકને ક્યાંક એ આપણી વર્તણુક જ એકલી હોય છે જે એ વાતનું પ્રતિનિધિત્વ કરતી હોય છે કે આપણી અંદર શું ભરેલું પડ્યું છે.

એક સારો નિર્દેશક જેમ સહજતાથી એક કલાકારોના સમૂહને દિશાસૂચન કરીને આપણને અંદરથી પીગળાવી દે અને હલાવી દે તેવું જીવંત સંગીત પેદા કરે છે, તેવી જ રીતે આપણું મન પણ આપણા વિચારો, શબ્દો અને કર્મોને પ્રભાવિત કરે છે. જયારે તે ત્રણેય એક સુસંવાદીતતા સાધીને રહે છે, ત્યારે જીવનનું વાદ્યવૃંદ પણ એક સુંદર સંગીતનું સર્જન કરે છે. પણ, જયારે આ બધાં (વિચારો, શબ્દો, અને કર્મો) નિર્દેશકની સુચનાની અવગણના કરે, અને એકબીજાના સંગીતની પરવાહ કર્યા વિના પોતપોતાનોનો જ રાગ આલાપે ત્યારે એક ઘોંઘાટ પેદા થતો હોય છે.

“જો હું એક ગુલામ હોત તો મારી શી કિંમત હોય?” રાજાએ મુલ્લા નસરુદ્દીનને પૂછ્યું.
“તે કલ્પના કરવી અશક્ય છે, જહાપનાહ.”
“છતાં પણ હું આગ્રહ કરું છું. એક અંદાજીત રકમ કહો.”
તમારા આ રાજવી પોશાક અને આ અલંકારો સાથે કે તે વિના?” મુલ્લાએ પૂછ્યું.
“તમામ જેમ છે તેમ તે સહીત.”
“લગભગ નવસો દીનાર.”
“તે તો હાસ્યાસ્પદ કહેવાય, મુલ્લા,” રાજા ચીખી ઉઠ્યા. “મારા કપડા જ ખાલી તેટલી કિંમતના છે.”
“જહાપનાહ!” મુલ્લાએ કહ્યું. “મેં તેની ગણતરી જ તેમાં કરી છે.”

ભલા શબ્દો, ઉમદા ઈરાદાઓ, અને સાચા કર્મો વિના, આપણી કિંમત આપણી મિલકતના કુલ સરવાળાથી વધુ નથી હોતી. માનવતાથી દિવ્યતા તરફ લઇ જતી જે યાત્રા છે તેની કેડી સારી વર્તણુકથી જ કંડારાતી હોય છે. લોકો આપણને આપણે તેમના માટે શું કરીએ છીએ તેના આધારે આપણી જરૂરીયાત કદાચ નક્કી કરતાં હોય છે, આપણી પાસે શું છે તેનાં આધારે તેઓ આપણને માન આપતાં હોઈ શકે, અંતે તો જોકે, આપણે તેમને કેવો અનુભવ કરાવડાવીએ છીએ તેનાં આધારે જ તેઓ આપણને પ્રેમ કરતાં હોય છે. અને આપણે બીજા લોકોને કેવો અનુભવ કરાવડાવીએ તેનો સંપૂર્ણ આધાર આપણી વર્તણુંક ઉપર હોય છે. બસ તો આટલું સરળ છે આ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email