જગવિખ્યાત સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસો એક દિવસ ફ્રાંસના એક નાનકડા કાફેમાં પોતાની ત્રીજી કોફીની રાહ જોતો બેઠો હતો. સળગતી સિગારેટ એશટ્રેમાં પડેલી હતી, અને તે પોતે પેપર નેપકીન ઉપર આમથી તેમ રેખાઓ ખેંચી રહ્યો હતો. પિકાસોની જાણ બહાર, નજીકના ટેબલ ઉપર, એક સ્ત્રી કે જે તેની પ્રોત્સાહક હતી એ બેસીને તે જોઈ રહી હતી. થોડી મિનીટો પછી પિકાસોએ પોતાની પેન્સિલ નીચે મૂકી, નેપકીન ઉંચો કરીને તેને ધારી-ધારીને જોવા લાગ્યો, જાણે કે તે તેનાંથી ખુશ ન હોય તેમ, કાં તો પછી તેમાં હજી વધારે કામ કરવા જેવું લાગતું હતું. પછી તે એ કાગળનો ડુંચો વાળવા જ જઈ રહ્યો હતો કે પેલી સ્ત્રી બોલી ઉઠી.

“રહેવા દો!” તેને એટલી જોરથી ચીસ પાડી કે પિકાસો પોતે ચોંકી ગયો. “હું તે લઇ લઈશ.”
આવી પરિસ્થિતિમાં પણ પિકાસો એક લાંબુ મૌન રાખીને એક નવાઈભરી નજરે તેની સામે જોઈ રહ્યો.
“હું તમને તેની કિંમત ચૂકવીશ,” પેલી સ્ત્રીએ બોલવાનું ચાલુ રાખ્યું અને પોતાની થેલી તરફ હાથ લંબાવ્યો.
“આ કોઈ ભેટ આપવા માટે કે વેચવા માટે નથી,” પિકાસોએ તટસ્થતાથી કહ્યું.
“એમ?” તેને પોતાની ચેકબુક બહાર કાઢી અને બોલી, “હું તમને કદાચ સારી એવી કિંમત આપી શકું!”
“સારું. ચાર મિલિયન ફ્રાન્ક્સ.” તે કદાચ ૧૦,૦૦૦ ડોલર જેટલી કિંમત હતી.
“એ તો એકદમ હાસ્યસ્પદ કહેવાય!”
“વારુ, એ કિંમત છે તેની.”
“પણ તમને એ દોરતા ફક્ત થોડી મિનીટો જ તો લાગી છે.!”
“ના મેડમ.” પિકાસોએ નેપકીનની ગડી વાળીને ખિસ્સામાં મૂકી દીધો. “આના માટે તો મને ૬૦ વર્ષ લાગ્યાં છે.”

મોટા થતી વખતે આપણામાંના મોટાભાગનાં લોકોને પોતાનો કોઈ ને કોઈ પ્રેરણાસ્રોત હોય છે, કોઈ રોલ મોડલ, કે પછી અમુક લોકો કે જેમણે આપણને પ્રભાવિત કર્યા હોય, આપણા કોઈ સુપર-હીરો હોય વગેરે. આ એવા લોકો હોય છે કે જે પોતાનાં વ્યક્તિગત ક્ષેત્રમાં છેક ટોચ સુધી પહોંચ્યા હોય, અને દુનિયાએ તેમના માટે વિદ્વાન, વિલક્ષણ પ્રતિભા સંપન્ન બાળક, કૌશલ્યવાન, વિશેષ ગુણવાન વગેરે જેવા વિશેષણો વાપર્યા હોય છે. કારણકે, તેઓએ ફક્ત અદ્દભુત પ્રતિભાના જ દર્શન નથી કરાવ્યા હોતા પરંતુ એક મોટી માત્રામાં પ્રયત્નવિહીનતા (કે સહજતા)ને પણ દર્શાવ્યા હોય છે. જાણે કે તે બસ ફક્ત કશું શીખવા માટે બસ બેસી ગયા હોય અને કોઇપણ કલામાં જાણે કે એક પ્રવિણતા ન મેળવી લીધી હોય! તેઓ તો આ આ કલા સાથે જ જન્મ્યા હશે કે પછી તેમના માટે આ એકદમ સરળ હતું એવી કલ્પના કરી લેવી તે સત્યથી જોજનો દુરની વાત છે.

કોઇપણ બાબતમાં સહજતા (પ્રયત્નવિહીનતા) એ પુષ્કળ પ્રયત્નોમાંથી જ આવતી હોય છે. કોઇપણ બાબતમાં આપણે જેટલા સજાગ પ્રયત્નો કરીએ, તો તેમાં કુદરતી રીતે જ સારા બનવાનું સરળ થતું જાય છે. તમારે જે પણ બાબતમાં પ્રભુત્વ મેળવવું હોય, પછી તે ધ્યાન કરવાની બાબત હોય કે બાસ્કેટબોલ રમવાની બાબત હોય કે પછી ગમે તે કેમ ન હોય, તેની પાછળ પુષ્કળ પ્રમાણમાં થકવી નાખનારા પ્રયત્નો કરવા માટે તૈયાર થઇ જાવ. અને તે સતત કરતા રહો. સજાગપણે. તમારા તે કામને સતત ચકાસતા રહો અને તેના ઉપર સતત કામ કરતા રહો. ધીરેધીરે, તમને જણાશે કે જે વસ્તુ શરૂઆતમાં ખુબ જ અઘરી, અરે અશક્ય લાગતી હતી તે હવે તમારા હાથની રમત બની ગઈ છે. જે પહેલાં તમારો ૮૦% સમય તમારી કલાના કંટાળાજનક ભાગને વારંવાર કરવામાં જતો હતો, તે હવે ઘટીને માત્ર ૨૦% થઇ ગયો છે. બાકીનાં ૮૦% તો હવે મજા બની ગઈ છે.

આપણે જેણે વિદ્વાનતા કહીએ છીએ તે બીજું કઈ નથી પણ એક નિષ્ઠુર કટિબદ્ધતા અને વર્ષો સુધીના પ્રયત્નો અને સાતત્યતાનું પરિણામ હોય છે. પાબ્લો દી સારાસેત, એક વિખ્યાત સ્પેનિશ વાયોલીન વાદક અને સંગીતજ્ઞ થઇ ગયો. તેના પ્રસંશકો તેમજ ટીકાકારો એમ બન્ને તેની ગણતરી એક વિદ્વાન તરીકે કરતા હતાં. એક દિવસ કોઈ સમાચારપત્રકમાં તેના ગુણગાન કરતો એક લેખ આવ્યો હતો. એક વ્યક્તિ તેને કાપીને તે લઇ ગયો અને સારાસેતને આપ્યું, સારાસેતે તે લેખને બાજુ પર ફેંકી દીધો.

એક ઉપેક્ષાના ભાવ સાથે તેને કહ્યું. “મેં ૩૭ વર્ષો સુધી દિવસના ૧૪ કલાકની મહેનત કરી છે, અને હવે તેઓ મને વિદ્વાન કહી રહ્યાં છે!”

અરે મોઝાર્ટે પણ એક દિવસ પોતાનાં પિતાને પત્ર લખીને જણાવ્યું હતું કે, “લોકો એવું વિચારીને બહુ મોટી ભૂલ કરી રહ્યાં છે કે મને મારી કલા બહુ સહેલાઇથી હસ્તગત થઇ ગઈ છે. કોઈએ પણ મારા જેટલો સમય અને વિચાર સંગીત પાછળ આપ્યો નથી.”

અને આ ફક્ત મોઝાર્ટ કે પિકાસો માટેની જ વાત નથી પણ જે કોઈએ પણ મહાનતાની ઉંચાઈને સર કરી છે, તે તમામે તેવું ફક્ત નિષ્ઠુર આત્મ-અનુશાસન અને સઘન મહેનતથી જ કરેલું હોય છે. જયારે આધ્યાત્મિક ગ્રંથો સંતુલિત અને સંયમિત જીવન જીવવાની વાત કરે છે, પરંતુ સત્ય તો એ છે કે જે લોકોને કોઈ એક કામની ધૂન ચડી હોય છે, અને જે પોતાનાં માર્ગે પૂરી એકાગ્રતાથી ચાલી રહ્યાં હોય છે તેઓ પોતાનાં સમયને કોઈ સંતુલન સાધીને ખર્ચતા હોતા નથી. જયારે તેઓ પોતે પોતાને ગમતા કાર્ય માટે કાર્યરત નથી હોતા ત્યારે તેઓ એના માટે વિચાર કરતાં બેઠા હોય છે. ગાંધીથી લઈને સ્ટીવ જોબ્સ સુધી અને તે બન્નેની વચ્ચે આવી શકે તેવા તમામ સફળ લોકો પોતાનો બધો જ સમય પોતાનાં ઝનુન પાછળ વાપરી નાંખતા હોય છે.

વિદ્વાનોની દક્ષતા અને આત્મવિશ્વાસનો પાયો તેમના લાંબા સમય સુધી ચાલતા સતત અને સઘન પ્રયત્નોમાં રહેલો હોય છે. અને એમાં પણ સૌથી મહત્વનું તો એ છે કે આ મોટાભાગનાં લોકો તેમના માર્ગમાં આવતા મોટામાં મોટા અવરોધોને ઓળંગતા હોય છે. અને તે મારા મત મુજબ તો સમજી શકાય તેવી બાબત જ છે કેમ કે જેટલું ઊંચું ધ્યેય, તેટલાં મોટા અવરોધો. એક રોકેટને લોન્ચ થતી વખતે એક ભીષણ ધક્કાની જરૂર પડતી હોય છે, પરંતુ એક વખત તે અવકાશમાં આવી જાય છે ત્યારે તે પોતાને જરૂરી ઉર્જા પોતાનાં બળતણમાંથી જ મેળવી લે છે, અને એટલું જ નહિ પરંતુ બીજા ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળમાંથી પણ મેળવી લેતું હોય છે. અને આવું જ જે સિદ્ધ પુરુષો હોય છે એમના વિશેનું પણ હોય છે. જેનામાં સાતત્ય રહેલું હોય છે તે અંતે તો એક એવા ક્રુઝ મોડમાં આવી જાય છે કે જ્યાં તેમની આજુબાજુની દરેક વસ્તુ એક સુસંવાદીતતામાં ચાલતી રહેતી હોય છે અને તે તેમને એક ઉચ્ચ જાગ્રુત અવસ્થા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. ઉચ્ચ જાગૃત અવસ્થા દ્વારા હું કોઈ રહસ્યમય અવસ્થાની વાત નથી કહી રહ્યો પરંતુ એ તો એક સહજ એવી અવસ્થાની વાત છે કે જેમાં તમને તમારી આંતરિક શકિતનું ભાન થઇ જાય છે, અને એક ઉચ્ચ સ્તરની અંત:સ્ફૂરણાથી ભરપુર એવી સમજણ તમારી અંદર વિકસીત થઇ જાય છે. આ એક એવી અવસ્થા છે કે જેમાં તમારી સર્જન શક્તિ, હિમાલયમાંથી વહેતી ગંગાની જેમ કોઈપણ પ્રકારના અવરોધ વગર વહેવા માંડે છે.

એક સ્વયં સંચાલિત ફેક્ટરીમાં બહારથી મંગાવેલું મશીન બંધ થઇ જાય છે અને તેનાંથી સમગ્ર ઉત્પાદન ઠપ થઇ જાય છે. આ મશીનમાં આવેલાં અનેક અટપટા ભાગો, નટ અને બોલ્ટ, ચક્રો અને વાયરને જોઇને કંપનીના સર્વોત્તમ એન્જીનીયરો પણ ચક્કર ખાવા માંડે છે. એક-એક ક્ષણે કંપની ખોટ કરવા માંડે છે, તેમ છતાં તેમના સમુદાયમાંથી કોઈ તેનું સમાધાન નથી લાવી શકતું. અંતે, એક બહારના વિશેષજ્ઞને બોલાવવામાં આવે છે. તે મશીનને ચકાસે છે અને તેમાં એક નાનકડો સ્ક્રુ બદલે છે અને પાંચ મિનીટમાં તે મશીન ચાલતું થઇ જાય છે. એક અઠવાડિયા પછી, કંપનીના એક્ઝીક્યુટીવને જયારે ૧૦,૦૦૦$નું બીલ મળે છે ત્યારે તેઓ ધુંઆપુંઆ થઇ જાય છે. તેઓ તેને પાછો પત્ર લખીને જણાવે છે આ બીલનું વિગતવાર કારણ રજુ કરવામાં આવે, કેમ કે આ કામ તો તેને થોડી મિનિટોમાં જ કર્યું હતું.

એન્જીનીયરે તો વિગતવાર નવું બીલ મોકલી આપ્યું:

સ્ક્રુની કિંમત: ૨.૦૦$
સ્ક્રુને બદલવાની કિંમત: ૨૦.૦૦$
અને કયો સ્ક્રુ બદલવાનો તે જાણકારી હોવાની કિંમત: ૯૯૭૮$.

આપણામાંના દરેકજણને આપણું જીવન સંવારવા માટે વધતા ઓછા અંશે એક સરખા જ માનસિક અને શારીરિક સ્રોત મળતાં હોય છે, પરંતુ આપણે તેનો કેવો ઉપયોગ કર્યો છે તે નક્કી કરતુ હોય છે આપણે મંચ ઉપર ઉભા છીએ કે સ્રોતાગણમાં (જો કે બન્ને સરખો જ આનંદ લેતા હોય તેવું પણ બની શકે). આપણા જીવનની દરેક ક્ષણની કદર કરવાનું જ્ઞાન અને તેને વિચારપૂર્વક ખર્ચવાની શિસ્ત આપણને વિશેષ બનાવતી હોય છે.

કોઇપણ કલા, સર્જન, કે કૌશલ્ય માં નિપુણતા મેળવવી એ કોઈ થોડા નસીબદાર લોકોના વિશેષ અધિકારની બાબત નથી પરંતુ એ તો દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ સાધારણ બની રહેવામાં બિલકુલ મજા નથી. નિપુણતા કે સાધારણતા હાંસલ કરવામાં આપણે જો કે એક સરખો જ સમય પસાર કરતા હોઈએ છીએ, ફક્ત એક નાના તફાવત સાથે. એક નિપુણ વ્યક્તિ તેનો બધો જ સમય તે એક વસ્તુ પાછળ ખર્ચી નાંખતો હોય છે જે તેના માટે મહત્વની હોય છે, જયારે એક સાધારણ વ્યક્તિ પોતાનો બધો જ સમય એ બધી બાબતો માટે ખર્ચી નાખે છે જે તેના માટે બિલકુલ કોઈ મહત્વની નથી. બન્ને પાસે દિવસના ચોવીસ કલાક જ હોય છે.

જો તમે તમારા માટે જે બાબત મહત્વની હોય તેની કાળજી કરતા હોવ, તો પછી બીજી કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. તો કહો, તમારા માટે શું મહત્વનું છે? તમારા પોતાનાં સત્યની ખોજ અને તેના માટેની મહેનત તે બન્ને ફળદાયી હોય છે.

તો જાવ, તમારું સત્ય શોધો અને તેમાં નિપુણ બનો.

શાંતિ.
સ્વામી

 

 

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email