“લેફ્ટનન્ટ,” મેજરે ચેતવણી આપતાં કહ્યું, “તમારે ત્યાં પાછા નથી જવાનું.”
“મને માફ કરજો, સર,” લેફ્ટનન્ટે કહ્યું. “મારે જવું જ પડશે.”
“તમે મારા આદેશનું પાલન નથી કરી રહ્યાં. તદુપરાંત, તે હવે મરી ગયો હશે.”
“મને માફ કરજો, સર, પણ મારે ત્યાં જવું જ પડશે અને મારા મિત્રને બચાવવો પડશે.”

દંતકથા એવી છે કે આ એક સત્યઘટના છે. વિયેટનામના યુદ્ધમાં, અમેરિકાના સૈનિકોની એક ટુકડી દુશ્મનના વિસ્તારમાં આવી ગઈ હતી અને ત્યાં ઘમસાણ ગોળીબાર ચાલી રહ્યો હતો. જો કે તે દળના દરેક સૈનિકો સહેજ પણ ઘવાયા વગર ત્યાંથી ભાગી જવા માટે સફળ થયા હતાં બસ સિવાય એક સૈનિક કે જે મરણતોલ રીતે ઘવાઈ ગયો હતો. જ્હોન, જે એક લેફ્ટનન્ટ હતો તેને ત્યાં જઈને પોતાનાં ભાઈબંધને બચાવવાનો આગ્રહ રાખ્યો. મેજરે તેને ત્યાં નહિ જવાનો આદેશ આપ્યો, પણ જ્હોને તેની કોઈ પરવાહ કરી નહિ.

“તને કોડની ખબર છે,” મેજરે ચિલ્લાતા કહ્યું. “હું તને આદેશ આપું છું કે તારે ત્યાં નથી જવાનું, સિવાય કે પછી તારો આર્મીમાં આ છેલ્લો દિવસ હોય.”
“તમે મને કાઢી નાખી શકો છો, મેજર, પણ, મારે પાછા જવું જ પડશે.”
“તું જીવિત રહીશ તો બસ પસ્તાવા માટે જ, લેફ્ટનન્ટ.”

બીજો એક પણ શબ્દ બોલ્યા વગર, નિયમનું, પ્રોટોકોલનું અને પોતાનાં ઉપરીના આદેશનું ઉલ્લંઘન કરીને, તે યુવાન લેફ્ટનન્ટ તો પેલા દુશ્મનોથી ઘેરાયેલા વિસ્તારમાં દોડી ગયો. તે પોતાની કોણીના ટેકે પેટ પર સરકતો પોતાનાં મિત્ર સુધી પહોંચી ગયો જે શ્વાસ માટે તડપી રહ્યો હતો. તેઓએ થોડા શબ્દોની આપ-લે કરી જે આ ઘમસાણ દારૂગોળા અને ફાયરીંગના અવાજમાં ભાગ્યે જ સંભળાઈ શકે તેમ હતાં. મહામુસીબતે, જ્હોન પોતાનાં મિત્રને પોતાની પીઠ ઉપર સુવાડીને ખુબ જ ધ્યાનપૂર્વક ત્યાંથી સરકીની નીકળી ગયો. જ્યાં સુધી પોતે પોતાનાં કેમ્પ સુધી પહોંચે તે પહેલાં તો તેના મિત્રે પોતાનાં અંતિમ શ્વાસો ત્યાગી દીધા હતાં.

“મેં તને શું કહ્યું હતું?” મેજરે ચિલ્લાયો. “એક મરેલા માણસને બચાવવા માટે તારે તારી જિંદગી જોખમમાં નાંખવી શું જરૂરી હતી?”
“સર, તે કોઈ મરેલો માણસ નથી, પણ એક શહીદ છે,” લેફ્ટનન્ટે ધીમા સુરે કહ્યું. “મને ખુબ જ ખુશી છે કે હું પાછો ગયો કારણકે મારા અંતિમ શ્વાસો લઇ રહેલો મિત્ર મારું કાંડું જોરથી પકડીને બસ એક જ વાત વારંવાર કહેતો હતો”

થોડા સમય માટે ત્યાં એક મૌન છવાઈ ગયું અને મેજર પણ એક ક્ષણ માટે મંદ પડી ગયો.

“સર,” લેફ્ટનન્ટે કહેવાનું ચાલુ રાખ્યું, “તેને મને કહ્યું કે, ‘મને ખબર હતી કે તું મારા માટે જરૂર પાછો આવીશ.’ બસ તેને એટલું જ કહ્યું, સર. અને, બીજા બધાં કરતાં મારા માટે એ શબ્દો સૌથી વધારે મુલ્યવાન હતાં.”

આપણામાંના મોટાભાગના લોકો પોતાનું જીવન અને સંબંધોને આપણે આપેલા વચનો કે કોઈએ આપણને કરેલા વચનોને આધારે જીવતાં હોઈએ છીએ. વચન એ કદાચ આશાનો સમાનર્થી શબ્દ છે, કારણકે આપણા પ્રિય વ્યક્તિઓ આપણા બોલ ઉપર તેમની એક આશા રાખીને રહેતાં હોય છે. વચન આપવું એ તો સૌથી સહેલી બાબત છે, તે પછી નવા વર્ષે લેવાતાં સંકલ્પો હોય કે પછી લગ્નની વેદી ઉપર અપાતા વચનો હોય, અઘરી બાબત તો છે આપેલા વચનોને પુરા કરવા. પરંતુ આપણે આપણું વચન તો પાળવું જ જોઈએ. કારણ કે જેટલી વખત આપણે આપણું વચન પૂરું કરીએ છીએ ત્યારે તેટલી વખત આપણે તેટલા વધુ વિકાસ પામતા હોઈએ છીએ. તેનાંથી ફક્ત આપણી ઈચ્છાશક્તિને જુસ્સો મળે છે એટલું જ નહિ, પરંતુ તે આપણને થોડા વધુ આધ્યાત્મિક પણ બનાવતું હોય છે.

એમાં કોઈ શક નથી કે વચન પાલન કરવા જતા તમે થાકી પણ જઈ શકો છો. ખાસ કરીને ત્યારે જયારે તમારી અંદર એક યુદ્ધ ચાલી રહ્યું હોય જેમાં તમારું મગજ તમને એક વસ્તુ કરવાનું કહી રહ્યું હોય અને તમારા હૃદયમાં કોઈ બીજી જ વસ્તુ ઘર કરી ગઈ હોય, જયારે લાગણીઓ તમારા તર્કને હરાવી રહી હોય. આટલું કહ્યાં પછી ઉમેરીશ કે, એક કલાક જીમમાં કાઢવાનો હોય કે રસોડામાં રસોઈ કરવામાં કાઢવાનો હોય, તે બન્ને બાબતો થકવી નાંખનારી હોઈ શકે, પરંતુ જો તમારે સારી તંદુરસ્તી અને તાજો ખોરાક જોઈતો હોય, તો તમારે જે કરવાનું છે તે કરવું જ રહ્યું. વચન પાલન કરવામાં પણ એવું જ છે; તેમાં કોઈ આનંદ ન પણ આવે કે તે મનને ગમે તેવું ન પણ હોય, પરંતુ અંતે, તે આપણને એક ગૌરવ અને પરિપૂર્ણતાની લાગણીનો એક પ્રેરણાભર્યો અનુભવ કરાવે છે.

તમારા હૃદય ઉપર હાથ રાખીને તમે એટલું કહી શકવા જોઈએ કે, “મારાથી જે ઉત્તમ થઇ શકે તેમ હતું તે મેં કર્યું છે; મેં મારા વચનનું પાલન કર્યું છે,” તેનાંથી તમારા આત્મ-ગૌરવ અને નૈતિકતા એમ બન્નેને પ્રોત્સાહન મળશે, એટલું જ નહિ,  તે તમને હવે જીવનમાં થોડા ઓછા પ્રયત્નથી વધારે મોટી ચુનોતી લેવા માટે તૈયાર પણ કરશે.

વધુમાં, તમારી વચન પાલનતા માટે એક આધ્યાત્મિક કારણ પણ છે: તે આપણને આપણી અંદર રહેલી દિવ્યતાની નજીક લાવે છે. આપણે જે કઈ પણ વચન આપીએ તે ફક્ત આપણી અને બીજા વચ્ચેની જ સમજુતી હોય એવું જરૂરી નથી, પણ તે આપણી અને દિવ્યતા (તેને પછી તમે ભગવાન કહો કે બ્રહ્માંડ કે પછી તમારી ઈચ્છા મુજબનું બીજું કઈ પણ કહો) વચ્ચેની એક સમજુતી પણ હોય છે. કારણકે, અંતિમ પૃથ્થકરણમાં તે આપણી અને કોઈ બીજા વચ્ચેની બાબત હોતી જ નથી, ઉલટાનું તે તો ફક્ત આપણી અને આપણી વચ્ચેની જ બાબત બની રહેતી હોય છે. થોડાક વર્ષો પહેલા, મેં કેથ એમ. કેન્ટની એક સુંદર કવિતા ટાંકી હતી (અહી). આપણે જે કઈ પણ કરીએ કે કહીએ, તે શા માટે કરીએ અને કેવી રીતે કરીએ, તે બાબતમાં કોઈ બીજાના આપણા પ્રત્યેના વર્તનથી કોઈ ફરક ન આવવો જોઈએ, અને તે બાબતને એ કવિતામાં ખુબ જ અસરકારક રીતે કહેવામાં આવ્યું છે. બધાં જ સમયે, આપણી વર્તણુક આપણને શોભે તેવી જ રાખવી જોઈએ.

મુલ્લા નસરુદ્દીનનાં પિતા મરણપથારીએ હતાં અને તેઓ પોતાની સંપત્તિ પોતાની સાથે બીજી દુનિયામાં લઇ જવા માટે મક્કમ હતાં.

“મને વચન આપો,” ઈમામને એક લાખ રૂપિયા રોકડાની થેલી હાથમાં આપતા કહ્યું, “તમે આ થેલી મને દફનાવતી વખતે મારી પાસે મુકશો.”

તેમને બીજી એક લાખ રૂપિયાની થેલી ડોક્ટરને અને ત્રીજી થેલી મુલ્લાને આપી અને બન્ને પાસેથી પણ તે જ વચન લીધું કે તે થેલીને તેમના મૃતદેહ સાથે જ દફનાવવી. દરેકજણે તેમને વચન આપ્યું. તેમના મૃત્યુનાં ૬ મહિના પછી તે ત્રણેય ભેગા થયા, અને ચર્ચા માટે આ વિષય સહજ જ ઉપર આવ્યો.

“મને આ કહેતા થોડી શરમ આવે છે,” ઈમામે કબુલતા કહ્યું,  “પણ, મારે મસ્જીદના સમારકામ માટે થોડા પૈસાની જરૂર હતી, અને માટે મેં તો ફક્ત ૬૦,૦૦૦ રૂપિયા જ તેમની કબરમાં મુક્યા છે.”
“તો પણ તમે તો મારા કરતા સારા કહેવાય,” ડોકટરે કહ્યું. “મેં તો મારી પોતાની જરૂરિયાત માટે ૭૫,૦૦૦ રૂપિયા કાઢી લીધા અને ફક્ત ૨૫૦૦૦રૂપિયા જ મુક્યા હતાં.”
“તમે શું કર્યું, મુલ્લા?” તેઓએ મુલ્લાને પૂછ્યું કેમ કે મુલ્લા તેમની કબુલાતને એક ધ્રુણાથી સાંભળી રહ્યા હતાં.
“તમને શું લાગે છે?” મુલ્લાએ તેમને ભાંડતા હોય તેમ કહ્યું. “મેં તો મારા વચનનું પાલન કર્યું અને બધી જ રકમ કબરમાં મૂકી દીધી.”
“આખાં લાખ રૂપિયા?” પેલા બન્ને એકીસાથે બોલી ઉઠ્યા.
“નહિ તો શું!” મુલ્લાએ કહ્યું. “વાસ્તવમાં, તેમને રોકડા પૈસાની થેલી લઈને આમથી તેમ રખડવું ન પડે માટે મેં ચેક જ લખી આપ્યો. તેમને જયારે મરજી પડે ત્યારે તેને વટાવી તો શકે.”

અમુક સમયે, મુલ્લાના પિતાની જેમ, આપણે પણ વાહિયાત વચનોની અપેક્ષા રાખતા હોઈએ છીએ કે જેનાથી કોઈને કશો કોઈ પણ રીતે ફાયદો થવાનો ન હોય સિવાય કે તેનાંથી આપણને એક જુઠ્ઠા સંતોષની લાગણી જ ખાલી થવાની હોય. અને બીજા સમયે, મુલ્લાની જેમ આપણે પણ આપણા સત્યમાં એક છેદ શોધતા હોઈએ છીએ કે જે આપણી જાતને માફક આવતું હોય. કોઈપણ રીતે, આનાથી આપણી ખુદની જ આધ્યાત્મિકતામાં એક નબળાઈ આવી જતી હોય છે. તમારા વચનપાલન માટેનો એક સરળ રસ્તો છે સૌ પ્રથમ તો તમે જે શબ્દો ઉચ્ચારો તેના પ્રત્યે સાવધાન બની જાવ અને ત્યારબાદ એક સમયે એક વચન ઉપર કામ કરતા રહો. મારે બસ ફક્ત એટલું જ કરવાનું છે કે ફક્ત આજના દિવસ માટે, આજના કલાક માટે, ને આજની મીનીટે મારે મેં આપેલા વચનનું પાલન કરવાનું છે. મારે ફક્ત આ એક ક્ષણ-ક્ષણ માટે જ કરવાનું છે, એક શ્વાસથી બીજા શ્વાસ સુધી. જયારે આપણે આવી સજાગતા સાથે જીવતા રહીશું, ત્યારે આપણે આપણું સમગ્ર જીવન વચનપાલન કરતા રહીને જીવી શકીએ. અને આ આધ્યાત્મિક શક્તિ અને સિદ્ધિ માટેનું એક રહસ્ય છે.

કુદરત જેવી રીતે કરે છે તેવી જ રીતે જો આપણે પણ આપણું પોતાનું વચનપાલન કરતા રહીએ તો કેવું નહિ? અને તો પછી આપણા જીવનમાં પણ એક કુદરતી ક્રમ આપોઆપ પ્રગટ થતો જશે. માન્યું કે અમુક ભાગ્યે જ ઘટતા સંજોગોમાં કુદરત પણ પોતાનો ક્રમ ચુકી જતું હોય છે (જેમ કે શિયાળામાં થતો એક અનપેક્ષિત ધોધમાર વર્ષા કે ગરમીનું મોજું વિગેરે.) પણ મોટાભાગે તે તેની ઋતુ મુજબનું વર્તન કરતું જ હોય છે. આપણામાંના દરેકજણ જો પોતાનાં શબ્દોનું પાલન કરવાનો એક પ્રામાણિક પ્રયત્ન કરે તો, આપણું વિશ્વ દિનપ્રતિદિન વધુને વધુ સુંદર અને માફી બક્ષનારું બનતું જશે. ભૂલ થઇ જવી એ તો માનવસહજતા છે જયારે માફ કરવું એ એક દૈવી ગુણ છે. ફરીથી ભૂલ થઇ જવી તે એક બેજવાબદારી છે. અને ફરીથી માફ કરી દેવું…એ કદાચ લાગણીમય આધાર કે અત્યંત દયાનો ભાવ હોઈ શકે.

આ અનેક વિક્ષેપો અને લાલચોમા, પ્રામાણિકતા પૂર્વકનું વર્તન કરતા રહેવું તે આપણી ફરજ છે.

આખરે તો વચનપાલનતાનું સન્માન કરીને જ આપણે એક સન્માનીય વિશ્વ બનાવી શકીશું.

શાંતિ.
સ્વામી

નોંધ: હું મારા લાંબા સમયના એકાંતમાંથી બહાર આવી ગયો છું અને મારા વચન મુજબ મેં દર બીજા અને ચોથા શનિવારે ૬:૦૦ વાગ્યે (ભારતીય સમય મુજબ) સાંજે બ્લેક લોટસ એપમાં ધ્યાન કરેલું છે (સિવાય મે મહિનાના એક શનિવારે, જયારે એ મારા મગજમાંથી નીકળી ગયું હતું). મારી પાસે ઈન્ટરનેટ તો નહોતું, પરંતુ નિશ્ચિત સમયે જે કોઈ પણ લોકો ઓનલાઈન હતાં તેમની સાથે હું કાયમ ધ્યાન કરવા માટે બેસી જતો હતો. આ એક બહુ સુંદર અનુભવ હતો.

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email