ખુબ જ સન્માનીય એવા બાબા ભારતી પાસે એક સુંદર અરબી ઘોડો હતો. આ ઘોડાની ફક્ત એક નજર તેમની અંદર એવી લાગણીઓ ઉત્પન્ન કરતી કે જેવી પોતાનાં ખેતરનો પાક જોઈને કોઈ ખેડૂતને હર્ષ થતો હોય. છેલ્લાં મુઘલ રાજાએ, બાબાની ચોક્કસ આગાહીથી ખુશ થઇને આ ઘોડો તેમને ભેટમાં આપ્યો હતો. બાબા, કે જે ફકીર હતાં, અને તે એક ગામડામાં આવેલાં મંદિરનાં પ્રાંગણમાં જ પોતાનાં માટે એક ઝુપડી અને ઘોડા માટે એક નાનો તબેલો બનાવીને રહેતાં હતાં. આ ઘોડાનું નામ તેમને સુલ્તાન પાડ્યું હતું.

“મેં તમારા ઘોડા માટે બહુ મોટી વાતો સાંભળી છે,” ખડગ સિંઘે કહ્યું, “મારે પણ તેને જોવાની ઈચ્છા છે.”

ખડગ સિંઘ બાબાનો એક ભક્ત અને શિષ્ય હતો પણ તે એક માત્ર તેની ઓળખ નહોતી, તે પોતે એક ખતરનાક ડાકુ પણ હતો કે જેણે અનેક વટેમાર્ગુઓને લૂટેલાં હતાં. સદા ઉત્સાહી એવા બાબા તેને પોતાનાં તબેલામાં લઇ જાય છે.

“અવિશ્વસનીય!” ચમકતા કાળા એવા આ પ્રભાવશાળી ઘોડાની પીઠ પર હાથ પસારતા ખડગ સિંઘે કહ્યું. “ખરેખર, અત્યાર સુધી મેં જોયા હોય એટલાં તમામ ઘોડામાંથી આ સર્વોત્તમ નસલનો ઘોડો છે.”
“સુલ્તાનના આવવાથી મારા જીવનને એક નવો અર્થ મળ્યો છે.” બાબાની છાતી ગર્વથી ફુલાઈ ગઈ અને તેઓ ઘોડાના માથાના વાળ ઉપર હાથ ફેરવવા લાગ્યા. “હવે દરેક દિવસ એક સુંદર દિવસ બની જાય છે!”

ખડગ સિંઘની વિનંતીથી બાબા તેને ઘોડેસવારી કરવા દે છે. આ ભવ્ય ઘોડો તો પવનથી પણ તેજ ભાગતો હતો. શું ગજબની તેની તાકાત, કાબુ અને વેગ હતાં! ખડગ સિંઘના હૃદયમાં એક બળતરા આવી ગઈ જેમાં લાલચ અને ઈર્ષ્યા પણ ભળેલાં હતા. એક સંતને વળી ઘોડાની શું જરૂર પડવાની હતી; સુલ્તાનતો તેની પોતાની જાગીર, તેનો સાથી હોવો જોઈએ, તેણે વિચાર્યું. તેણે ઘોડાને તબેલામાં ખૂંટે બાંધ્યો અને પછી તેઓ બન્ને ઝુપડીની અંદર ગયા જ્યાં ખડગે ઘોડાને ખરીદવાની ઈચ્છા બતાવી.

“કદાપી નહિ!” બાબાએ વિરોધ કર્યો.

થોડી રકઝક પછી ખડગ સિંઘને  જયારે લાગ્યું કે બાબા એકના બે નહિ થાય અને સુલ્તાનને કોઇપણ કિંમતે નહિ વેચે, ત્યારે તેને ચેતવણી આપતા કહ્યું, “એક દિવસે, હું આ ઘોડો તમારી પાસેથી લઇ જઈશ.”
“ના, ખડગ, મહેરબાની કરીને એવું ન કરતો. હું મારા સુલ્તાન વગર નહિ જીવી શકું.”
“જે હોય તે,” ખડગે બેફીકરાઇથી ખભા ઉછાળતા કહ્યું. “હું તો કોઈ પણ રીતે આ ઘોડાને લઇને જ ઝંપીશ.” અને આટલું કહ્યાં પછી તે ત્યાંથી ચાલતો થયો, પોતાનાં ગુરુ પ્રત્યેનો બધો પૂજ્ય ભાવ અને એક શિષ્યનાં દરેક ગુણોને એકબાજુ પર મૂકીને.

બાબાને તો એ દિવસે ઊંઘ જ ન આવી; તેમને તો તેમની પથારી તબેલામાં કરી અને રાત-દિવસ બસ સુલ્તાનની રખેવાળી જ કરવા લાગ્યા. થોડાક અઠવાડિયા પસાર થઇ ગયા અને ઘોડાને ચોરવાનો કોઈ પ્રયત્ન થયો નહિ. પહેલાં કરતા થોડા ઓછા ચિંતિત થઇને બાબા, એક સાંજના રોજ ઘોડા પર સવાર થઇને ગામની બહાર લટાર મારવા નીકળ્યા.

“મહેરબાની કરીને મને મદદ કરો, હું મરી રહ્યો છું,” એક દુઃખ ભર્યો સાદ તેમને સંભળાયો.
તેમને એ દિશામાં જોયું પણ તે એ વ્યક્તિને ઓળખી શક્યા નહિ, કેમ કે હવે અંધારું થઇ ગયું હતું. નજીક જઈને જોતા તેમને જોયુંકે કોઈ ભોય ઉપર ટૂંટિયું વાળીને, આખો ધૂળ વાળો થઇને પડ્યો હતો.

“શું થયું?” બાબાએ ઘોડા પરથી જ પૂછ્યું.
“મહેરબાની કરીને મને નજીકના દવાખાને લઇ જાઓ,” પેલાએ વિનંતી કરતાં કહ્યું. “ખડગ સિંઘ અને તેના માણસોએ મને ખુબ જ માર માર્યો છે.”
“પણ હું તો તને ઓળખતો પણ નથી.”
“હું પેલા પ્રખ્યાત ડોક્ટર દુર્ગા દત્તનો ભાઈ છું,” તેને કણસતા અવાજે પોતાનું પેટ દબાવતા  કહ્યું. “હું તમારી પાસે ભીખ માંગું છું. એક જરૂરિયાતમંદને મદદ કરો.”

તેમને આ કાં તો માનવતાની દ્રષ્ટીએ જોયું હોય કે પછી એક સંતની, જે હોય તે, પરંતુ બાબાને એવું લાગ્યું કે જરૂરતના આ સમયમાં તેમને તે વ્યક્તિની મદદ કરવી જોઈએ. તેઓ પોતે ઘોડા પરથી નીચે ઉતર્યા અને પેલા વ્યક્તિને ઘોડા ઉપર બેસાડવા માટે બહુ જ મુશ્કેલીથી ઉંચો કર્યો. હજુ તો બાબા ઘોડા ઉપર ચડે તે પહેલાં તો, પેલા પોતે ઘાયલ હોવાનું કહેતા વ્યક્તિએ બાબાની છાતીમાં જોરથી એક લાત મારીને તેમને જમીન પર પછાડી દીધા.

“મેં તમને કહ્યું હતું,” પેલા ઘોડેસવારે વિજયઘોષ કરતો હોય તેવા અવાજે કહ્યું, “એક દિવસે આ ઘોડો મારો થઇ જશે.”

તેને ઘોડાને બુટની અણીઓ મારીને દોડાવ્યો, પણ હજી તે કેટલાંક ફીટના અંતરે જ પહોંચ્યો હશે કે બાબાએ ગર્જના કરી, “થોભીજા! ખડગસિંઘ.” ખડગ પોતાનાં ગુરુના અવાજને અવગણી શક્યો નહિ, વધુમાં હવે તેને ડરવાનું કોઈ કારણ પણ નહોતું. તેની પાસે હથિયાર પણ હતું અને ઘોડો પણ. માટે, તે ઉભો રહ્યો.

“કોઈને આ બાબતની વાત કરતો નહિ,” બાબા ઉભા થઇને પોતાનાં કપડા ઉપરની ધૂળ ખંખેરતા ગણગણ્યા. “બસ આ બાબતનો ક્યારેય કોઈ ઉલ્લેખ પણ કોઈની આગળ કરતો નહિ. તારે સુલ્તાન જોઈતો હોય તો તું લઇ લે.”

“કેમ?” ખડગ હસ્યો, સુલ્તાનને થપથપાવતા બોલ્યો. “શું તમને એ વાતનો ડર લાગે છે કે લોકો હવે એવું કહેશે કે આ બાબા આપણને આશીર્વાદ કેવી રીતે આપી શકે, જયારે એ પોતે જ પોતાનાં ઘોડાને તો બચાવી નથી શક્યાં?”

“જો ખડગ, એમાં એવું છે ને કે,” બાબા બોલ્યા, “જો લોકોને આ વાતની ખબર પડી જશે, તો પછી કોઈપણ વ્યક્તિ ક્યારેય બીજી જરૂરિયાતમંદ વ્યક્તિનો વિશ્વાસ નહિ કરે. લોકો એકબીજાની મદદ કરવાનું જ માંડી વાળશે.” અને આટલું કહ્યાં બાદ, બાબા બાલ ભારતી પાછા વળીને એક સંતને છાજે તેવા વૈરાગ્યભાવથી પોતાનાં સુલ્તાનથી દુર ચાલી ગયા જાણે કે તેમને ક્યારેય સુલ્તાનને પ્રેમ જ ન કર્યો હોય.

ખડગ ગૌરવપૂર્વક ત્યાંથી ઘોડા પર સવાર થઇને ચાલી ગયો અને બાબાએ એક સાંત્વના લીધી કે હવે દુનિયામાં પોતાનાં માટે કશું ખોવાઈ જવાની ચિંતા કરવા જેવું રહ્યું નથી.

એક-એક દિવસ જેમ પસાર થતો ગયો, તેમ-તેમ ખડગ વધુને વધુ બેચેન બનતો ગયો. “હું મારા જ ગુરુને આવું કેવી રીતે કરી શકું? મારી અંદરના કયા રાક્ષસે મને આટલો નીચ બનાવી દીધો? મારા પર વળતો ગુસ્સો કરવાને બદલે, બાબાએ દુનિયા માટે દયા રાખીને વિચાર કર્યો. અને પોતે કેટલાં શાંતિથી પોતાનાં ઘોડાથી દુર ચાલી ગયા કે જેના માટે પોતે એવું કહેતા હતાં, કે તે તેના વગર જીવી શકે તેમ નથી…આવા અનેક વિચારો તેને ખાવા લાગ્યા. એક રાત્રીના અંધારામાં ખડગ ચુપકીદીથી મંદિરમાં ગયો અને ઘોડાને તેની મૂળ જગ્યાએ બાંધીને છુપા પગલે ત્યાંથી જતો રહ્યો.

સવારમાં, જયારે બાબા પોતાની ઝુપડીમાંથી બહાર નીકળ્યા ત્યારે સુલ્તાન પોતાનાં માલિકના પગલાંનો અવાજ ઓળખીને આનંદમાં આવી જઈને ખુબ જ જોરથી હણહણાટી કરવા લાગ્યો. બાબાને ખુબ જ નવાઈ લાગી ને તે ખુલ્લા પગે દોડતા તબેલામાં પહોંચ્યા. પોતાની આંખના તારાને જોઇને બાબા ખુબ જ હર્ષિત થઇ ગયા અને સુલ્તાનની લાંબી ડોક ઉપર પોતાનું મસ્તક રાખીને તેના ઉપર હાથ પસારવા લાગ્યા, તેને વ્હાલ કરવા લાગ્યા અને તેમની આંખોમાંથી અશ્રુધારા વહી ગઈ. “ઓ સુલ્તાન,” તેમને કહ્યું, “હવે લોકો કોઈ જરૂરિયાતમંદની મદદ કરતા ડરશે નહિ.”

આ વાર્તા (हार की जित), જે એક અદ્દભુત હિન્દી લેખક સુદર્શને (૧૮૯૫ – ૧૯૬૭), લખી હતી, મેં તો તેનું અહી ભાષાંતર કરવાની ધૃષ્ટતા માત્ર કરી છે. જયારે મેં તે સૌ પ્રથમ વાંચી હતી ત્યારે તે મને એટલી બધી અસર કરી ગઈ હતી કે તેનાંથી મને બટરફ્લાય ઈફેક્ટની યાદ આવી ગઈ.

જેવી રીતે આપણે મોટા રેતીનાં ઢગલામાં કોઈ બદલાવ લાવ્યા વગર રેતીનો એક કણ પણ દુર કરી શકતાં નથી  તેવી જ રીતે, આપણું દરેક કર્મ, પછી ભલેને તે ગમે તેટલું નાનું પણ કેમ ન હોય, તે બ્રહ્માંડીય ચેતનામાં અનેક વમળો પેદા કરે છે, અને તે બીજાને પણ અસર કરે છે. નાના અમથા કાર્યથી પણ બહુ મોટી અસર થતી હોય છે. આપણા કર્મોની અસર આપણને તરત જ કદાચ ન દેખાતી હોય (અને હકીકતમાં મોટાભાગે તે નથી જ દેખાતી હોતી), પરંતુ તે ભેગી થતી જતી હોય છે અને અંતે તે સ્વયં પ્રગટ થઇ જતી હોય છે. આ સિદ્ધાંત વૈદિક વિચારધારા સાથે પણ બંધ બેસતો છે, જે કહે છે કે આપણા નાનામાં નાના કર્મથી પણ સમગ્ર બ્રહ્માંડમાં અનેક પ્રતિક્રિયાઓ ઉઠતી હોય છે. કારણકે, આપણે જ આ બ્રહ્માંડ છીએ, બ્રહ્માંડ અને તેમાં રહેલી દરેક વસ્તુ તેમાં જે રહેલું છે તેનાંથી જ બનેલી હોય છે – અને તેમાં નિશ્ચિતપણે તમારો અને મારો સમાવેશ થાય જ છે.

કેટલાંય અઠવાડિયા પહેલાં એક પતંગિયાએ પાંખો ફડફડાવી હોય તો, તે એક હજારો માઈલ દુર ત્રાટકે એવા વાવાઝોડાના નિર્માણ અને તેના માર્ગને અસર કરતી હોય છે. એક પતંગિયાની પાંખોનાં ફડફડાટથી જે સુક્ષ્મ હવા બહાર આવતી હોય છે તે એડવર્ડ લોરેન્ઝનાં ઈ.સ. ૧૯૬૧માં શોધેલા હવામાન આગાહીના સિદ્ધાંતમાં જયારે ગણતરીમાં લેવાઈ ત્યારે તેનાંથી તદ્દન જુદું જ પરિણામ મળતું હતું. બીજા શબ્દોમાં કહેવું હોય તો, બટરફ્લાય ઈફેક્ટ એ કર્મના સિદ્ધાંતનું જ એક બીજું જટિલ વર્ણન કહી શકાય. કે, આપણે જે કઈ પણ કરીએ છીએ તે ફક્ત આપણને જ અસર કરે છે એટલું જ નહિ, પરંતુ તે બીજા દરેકને પણ અસર કરતું હોય છે.

सर्वभूतेषु येनैकं भावमव्ययमिक्षते |
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विध्धि सत्विकम् ||

હે અર્જુન! જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતાં બધાં જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મભાવને, અવિભાજિતરૂપે સમભાવે રહેલો જુએ છે, એ જ્ઞાનને તું સાત્વિક જાણ ||

(શ્રીમદ્ ભગવદ્ ગીતા ૧૮.૨૦)

આપણા કર્મો ફક્ત આપણા સુધી જ સીમિત છે અને મારી ખુશી એ સંપૂર્ણપણે મારા સ્વતંત્ર જીવન વિશે છે એવું માનવું એ નરી અજ્ઞાનતા જ નહિ પરંતુ એક સતત રહેતાં દુઃખ અને પીડાને આમંત્રણ આપવાં જેવું પણ છે. આપણને કદાચ બીજા લોકોની તેમજ દુનિયાના દુર કોઈ ભાગમાં ઘટતી ઘટનાથી કોઈ ફરક નહિ પડતો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણામાંનું દરેક જણ વૈશ્વિક સુખ અને શાંતિનાં દાતા કે ઉપભોગતા હોઈએ જ છીએ. આપણને કદાચ તેનું ભાન હોય કે ન હોય, પરંતુ આપણે સતત એકબીજાને મદદ કરતાં હોઈએ છીએ અથવા તો પછી કોઈકને અડચણરૂપ બનતાં હોઈએ છીએ (ને કોઈવાર તો આ બન્ને એક જ સમયે કરતાં હોઈએ છીએ).

મુલ્લા નસરુદ્દીનની પત્નીનો એક ૬ વર્ષનો ભાઈ હતો જે પોતાનાં માં-બાપની સખ્તાઈથી કંટાળી ગયો હતો. “શું એ સાચું હોય છે,” તેણે મુલ્લાને એક દિવસે પૂછ્યું, “કે માં-બાપના કર્મોની અસર તેમના બાળકોને પણ થાય છે?”
“ખાલી એટલું જ નહિ,” મુલ્લાએ ઊંડો નિસાસો નાંખતા કહ્યું, “તેની અસર તો જમાઈને પણ થાય છે. તારી બેન જોડે હું પણ રહું છું.”

આપણા ટૂંકા અને અસ્થાઈ જીવનમાં, આપણે સાશ્વતતાની એક નિશાની લઈને ચાલીએ છીએ. સતત અસ્તિત્વમાં રહેતું અને સતત ફેલાતું જતું અનંત બ્રહ્માંડ, કે જેની કોઈ શરૂઆત નથી કે નથી કોઈ અંત, જે તેમાં રહેલી દરેક વસ્તુથી ઉદ્દભવતા વમળોથી સમૃદ્ધ થતું જાય છે.

પર્વત પરથી ગબડતો શિલાખંડ, કે પાણી પર તરતું મચ્છર, આપણા મગજમાં સતત ચીટકી રહેતાં વિચારો, આપણા શબ્દો, અને કર્મો, પ્રત્યેક વસ્તુથી એક ફરક પડતો હોય છે. અને માટે જ, હું કહેતો હોવ છું કે આપણા માર્ગમાં આવતા પ્રત્યેક લોકો માટે આપણે કાળજી રાખીને ભલા અને પ્રેમાળ બની રહેવું તે આપણી ફરજ છે. જો કે આપણે કદાચ સ્વતંત્ર હોઈ શકીએ અને આપણે આપણા વ્યક્તિગત ધ્યેય અને સ્વતંત્રતાને માટે સખત મહેનત પણ કરતાં રહેતાં હોઈશું, પણ સત્ય તો એ છે કે બ્રહ્માંડના સ્તરે આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ, અને એકબીજા ઉપર આધારિત છીએ. આપણે સૌ એક છીએ. એક એકમમાં આપણે પણ આવી જઈએ છીએ.

કલ્યાણમય વિચારો, કલ્યાણમય લાગણીઓ, કલ્યાણકારી શબ્દો અને કલ્યાણકારી કર્મો આપણને એક કલ્યાણમય વિશ્વ તરફ દોરી જશે. અને બદલામાં આપણા અસ્તિત્વનો આ આખો અનુભવ કલ્યાણકારી બની જશે. ચાલો જાગૃત બનીએ, કલ્યાણ કરનાર બનીએ. જે થઇ શકે તેવું અને કરી શકાય તેવું છે.

શાંતિ.
સ્વામી

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email