હૈમીન સુનિમનાં The Things You Can See Only When You Slow Down, નામના પુસ્તકમાં દક્ષિણ કોરિયામાં રહેતા એક ઝેન ગુરુનાં જીવનનાં એક અર્થપૂર્ણ પ્રસંગની વાત છે:

મારી યુવાનીમાં, આશ્રમમાં રહેતા મારા એક ઘાઢ મિત્ર સાથે હું બે અઠવાડિયા માટે યુરોપની બેકપેકિંગ યાત્રાએ ગયો. અમે જયારે રોમના એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે તો અમારો ઉત્સાહ ખુબ જ છલકાતો હતો. અમે બન્ને એકબીજાને કેટલાંક વર્ષોથી ઓળખતા હતા, અને અમને બન્નેને એકબીજા સાથે ખુબ જ સારું બનતું હતું. મને તેમનું રમુજીપણું અને હુંફાળો સ્વભાવ ખુબ જ ગમતો, અને તેઓ મારા સાહસિક સ્વભાવ અને હકારાત્મક પ્રકૃતિની કદર કરતાં હતાં. તેઓ બહુ અંગ્રેજી બોલતાં નહોતા માટે મને એવું લાગતું કે મારે તેમની નજીક રહેવું જોઈએ. પ્રથમ ૭ દિવસમાં દરેકેદરેક પલ એકબીજાની સાથે રહેવાથી, અમારી પાસે વાત કરવાનો કોઈ વિષય બચ્યો નહોતો અને બન્ને ચીડિયા થઇ ગયા હતાં. અને તે એટલા માટે નહિ કે અમારી દોસ્તીમાં કોઈ મોટો પ્રશ્ન ઉભો થઇ ગયો હતો; પરંતુ એટલાં માટે કે હવે અમે બન્ને થોડા એકાંતને ઝંખતા હતા. માટે બીજી સવારે મેં તેમને સૂચન કર્યું કે આજે આપને બન્ને અલગ અલગ રસ્તે જઈએ અને સાંજે હોસ્ટેલમાં પાછા મળીએ. મારા મિત્રે મારી વિનંતી માન્ય રાખી.

જેવી મેં હોસ્ટેલ છોડી કે મને સ્વતંત્રતા અનુભવાઈ – મને ખબર હતી કે આજે આખો દિવસ મારે જેમ પસાર કરવો હોય તેમ કરવા માટે હું સ્વતંત્ર છું. આજે મારે મારા મિત્ર સાથે એ ચર્ચા કરવાની જરૂર નહોતી કે પહેલાં ક્યાં જવું અને પછી ક્યાં જવું. પણ જેવી સવારની બપોર પડી, કે મને મિત્ર સાથે સાહસની સફર યાદ આવવા લાગી. જયારે મારે કુદરતી હાજતે જવું હોય ત્યારે હવે મારી પાસે કોઈ એવો મિત્ર નહોતો કે જે મારું બેકપેક સાચવી રાખે. એકલા-એકલા ખાવાની પણ કઈ મજા આવી નહિ; એ તો એવું લાગતું હતું કે જાણે કોઈ દિનચર્યા ન જીવતા હોય. આ કોઈ આનંદનો કે આરામનો સમય હોય તેવું નહોતું લાગતું. મેં તે દિવસે કોઈ મારું પિક્ચર પણ ન પાડ્યું કેમ કે મારે કોઈ અજાણ્યા લોકોને હેરાન નહોતા કરવા. જયારે મને કોઈ કલાનો પ્રખ્યાત એવો નમુનો નજરે પડે તો હું કોઈ નવાઈ નહોતો પામી જતો, કેમ કે હવે તે અચરજતા કોઈની સાથે વહેચવાની નહોતી. જયારે હું સાંજે મારી હોસ્ટેલમાં પાછો ફર્યો, ત્યારે મને મારા મિત્રને જોઈને ખુબ જ આનંદ થયો. સાંજનું વાળું કરતી વખતે અમારા બન્ને પાસે અમારો દિવસ કેવો રહ્યો તેના વિશે વાતો કરવાનાં ઘણા બધા વિષયો ભેગા થયા હતા.

આ અનુભવ ઉપરથી મને સમજાયું કે એક સારા સંબંધની કલા એક ભઠ્ઠી પાસે બેસવા સાથે સરખાવી શકાય. જો આપણે ખુબ લાંબા સમય માટે એકદમ નજીક બેસી રહીએ, તો કદાચ ગરમ થઇ જઈએ અને શક્ય છે કે દાઝી પણ જઈએ. અને જો એકદમ દુર બેસીએ તો આપણને તેની હુંફ પણ ન આવે. એવી જ રીતે, બીજી વ્યક્તિ સાથે ગમે તેટલું સારું કેમ ન બનતું હોય, જો આપણે થોડી અંગતતા તેને આપ્યા વગર તેની નજીક જો બેસી રહીએ, તો થોડી વારમાં જ આપણને ફસાઈ ગયા હોઈએ એવું લાગશે અને તેનાંથી થાકી જઈશું. એક સંબંધને હળવાશથી લઇ લેવાનો અને પછી તેમાં થોડો પણ અંગત સમય ન હોય કે કોઈ સ્વતંત્રતા ન હોય તો તેના માટે નારાજ થઇ જવું ખુબ જ આસાન છે. અને બીજી બાજુ, જો આપણે આપણા મિત્રો તેમજ કુટુંબ સાથે નજીક રહેવા માટે કોઈ પ્રયત્ન જ ન કરીએ, તો આપણે તેમના પ્રેમની હુંફનો અનુભવ પણ ચુકી જતા હોઈએ છીએ. બન્ને વચ્ચે સંતુલન જાળવવું એ જ એક માત્ર માર્ગ છે.

એક સારો સંબંધ જાળવી રાખવાની કલાને ભઠ્ઠી પાસે બેસવા સાથે સરખાવી શકાય.

સુનિમની આ વાર્તામાં બીજી એક બાબત જો મને ગમી હોય તો તે છે દિનચર્યા શબ્દનો પ્રયોગ. મોટાભાગનાં લગ્નો પડી ભાંગતા હોય છે કેમ કે બન્ને સાથીઓ તેમાં ખુબ જ ગંભીર બની જતાં હોય છે, સંબંધમાં એક ખુબ જ વધારે પડતું આયોજન ચાલતું રહેતું હોય છે. લગભગ તમામ બાબત એક દિનચર્યા જેવી બની જાય છે. આવા સંબંધોમાં, મિત્રતાનું તત્વ ઉડી જાય છે અને પાછળ રહી જાય છે ફક્ત જવાબદારીઓ અને અપેક્ષાઓ. કઈ બાબતનો સંતોષ છે તેના ઉપર હવે ધ્યાન નથી રહેતું, બધું જ ધ્યાન હવે બીજી વ્યક્તિ તમારા માટે શું નથી કરી રહી તેના ઉપર જતું રહે છે. અને વધુ વાર લાગે તે પહેલા હવે બન્ને જણા એકબીજાથી નારાજ રહેવા લાગે છે. અને જયારે તમને તમારા સાથીની સાથે આનંદને બદલે નારાજગીનો અનુભવ વધારે થવા લાગે ત્યારે તે તમે હવે થાકી ગયા છો અને બળી રહ્યાં છો તેની એક ચોક્કસ અને સ્પષ્ટ નિશાની છે.

મોટાભાગે, દંપતિઓ એવું વિચારતા હોય છે કે એક વખત તેમના સંબંધમાં જો પ્રેમનો અનુભવ થવાનું બંધ થઇ જાય, તો પછી તેઓને તેનો ક્યારેય અનુભવ થશે નહિ. અરે પ્રેમમાં હવે નહિ હોવાની બાબતને જો પેલા ખરી પડતાં સફરજન સાથે સરખાવું, કે જેના વિશે મેં કેટલાંક વર્ષો પહેલા એક લેખ લખ્યો હતો, તો પણ સત્ય તો એ છે કે જો તમારે તમારા સંબંધને કાર્યશીલ રાખવો હોય, તો તમારે એકબીજાને થોડી મોકળાશ આપવી પડશે. તેમાં એક ચોક્કસ માત્રામાં પીઢતા રહેવી જોઈએ કે જ્યાં તમે તમારા વિચારો, મત અને ડરને વિના સંકોચે વ્યક્ત કરી શકો. પુરુષ અને સ્ત્રીની વાતચીત કરવાની જરૂરિયાત તેમજ રીતભાતમાં એક ખુબ જ મોટો તફાવત રહેલો હોય છે. મારે કોઈ ચીલો નથી પાડવો પરંતુ પુરુષ અને સ્ત્રી બન્નેની અભિવ્યક્તિ તેમજ અપેક્ષા જુદી-જુદી હોય છે. અને તે એકદમ જૈવિક હોય છે, જેના ઉપર કોઈ કાબુ નથી ચાલતો. માટે જ, બધા ઈરાદા સારા હોવા છતાં પણ મોટા ભાગના લોકો તેમનું જીવન સંબંધોમાં બસ દુઃખ અનુભવીને જ પસાર કરતા હોય છે. કેમ કે બધી વસ્તુનો સાર ફક્ત એટલો જ છે કે સામે વાળી વ્યક્તિને તે પોતે જે રીતે ઈચ્છે તેમ તેની સાથે વર્તન કરવું જોઈએ (તમે ઈચ્છો એ પ્રમાણે નહિ!).

હું માનું છું કે આવી જગ્યાએ આધ્યાત્મિક શિક્ષણ ખરેખર માણસને મદદ કરી શકે. ખાસ કરીને, એક એવી પ્રેમાળ-ભલાઈ વિકસાવવાની વાત છે કે જેમાં અમુક અંશે થોડો વૈરાગ્ય પણ ભળેલો હોય. એવું સમજવું કે એક સદ્દગુણોથી ભરેલું જીવન એ બીજી વ્યક્તિને આપણી ઈચ્છા મુજબ વાળતાં રહેવા કરતા ક્યાંય વધુ સારું છે. સ્વતંત્રતાથી વધુ સુંદર બીજું કશું પણ નથી હોતું. પછી ભલેને તમે ગમે તે કેમ ન હોવ, પુરુષ, સ્ત્રી, શ્વાન કે પક્ષી, આપણને બધાને એક સલામતી, પ્રેમ અને આરામ જોઈતો હોય છે, પરંતુ તે બધાથી ઉપર આપણને સૌને એક સ્વતંત્રતા જોઈતી હોય છે. જયારે પ્રેમ વિશે પૂછવામાં આવે ત્યારે મને હંમેશાં એવું સાંભળવા મળતું હોય છે કે પ્રેમ એટલે તમે જેવા છો તેવા બની રહી શકો, તમે જે અભિવ્યક્ત કરવા ઇચ્છતાં હોવ તે મુક્તપણે કરી શકો વિગેરે. શું આ સ્વતંત્રતા જ નથી?

પ્રેમની લાગણી એટલે બીજા શબ્દોમાં જોઈએ તો એક એવો લ્હાવો, કે જેમાં તમે તમને જે વ્યક્તિ તમારા જીવનમાં જોઈતી હોય તેની હાજરીમાં તમે તમારી સ્વતંત્રતાને પણ માણી શકો. આ એક બહુ ઉચ્ચ પ્રકારની સ્વતંત્રતા છે કે જે ત્યારે જ શક્ય છે, જયારે તમે જેને પ્રેમ કરતાં હોવ તે વ્યક્તિને પણ આજ સ્વતંત્રતા તમારા તરફથી મળતી હોય. ત્યાં તમારે કઈ તેની સ્વતંત્રતાનું ચિત્ર દોરવાની જરૂર નથી, અને તે વ્યક્તિએ તમારી સ્વતંત્રતાનું કોઈ વર્ણન કરવાની જરૂર નથી. જો તેને વ્હાઈટ ચોકલેટ ભાવતી હોય તો તમે તેને ડાર્ક ચોકલેટ ગમાડવાનું દબાણ ન કરી શકો.

એક સંબંધ બાંધવો એ ભરત-ગુંથણ જેવું છે. અહી તમે તમારી ભાતને જેટલી ઝીણી બનાવવી હોય તેટલી બનાવી શકો અને જેટલી સાદી બનાવવી હોય તેટલી પણ બનાવી શકો છો. કોઈપણ બાબતે, જો કે, સુંદર કે સાદી કોઇપણ ભાત બનાવવા માટે તમારે ધ્યાન અને સમય બન્ને આપવા પડશે, તદુપરાંત થોડી આવડત પણ જોઇશે. જો કે મુખ્ય વસ્તુ છે ઈચ્છા. ઘણીબધી વાર તો મોટાભાગના લોકોને તે ખબર જ નથી હોતી કે તે પોતે શું ઈચ્છે છે. અરે તેમાં પણ, માનવી જીવનની સૌથી મોટી મુર્ખામી જો કોઈ હોય તો તે છે તેની એવી માન્યતા કે પોતે જે કઈ પણ ઈચ્છા કરશે તેની પૂર્તિથી તે પોતે સુખી થઇ જશે.

મેં એક વાર લી રોસ્ટનનો એક ટુંચકો વાંચ્યો હતો, જે તમારા માટે બીજા શબ્દોમાં અહી રજુ કરું છું, થોડા ફેરફાર સાથે કે જેથી કરીને મુલ્લા નસરુદ્દીનને તેમાં લઇ શકાય.

“હું જરૂર એવી ઈચ્છા રાખું છું,” મુલ્લાએ તેના મિત્રને કહ્યું, “કે મારી પાસે એક ઊંચું અને રૂપાળું જીરાફ ખરીદવા જેટલા પૈસા હોય.”
“જીરાફ?” તેના મિત્રને આશ્ચર્ય લાગ્યું. “જીરાફ શું છે?”
“પેલું નથી હોતું જેના શરીર ઉપર મોટા ધાબા હોય છે, લાંબા લાંબા પગ હોય છે, ઉંચી ડોક અને કદાચ ૨૦ ફૂટ જેટલું ઊંચું હોય છે તે.”
“ઓહ, તે…પણ તે શા માટે?”
“શા માટે શું વળી?”
“અરે તમને જીરાફ જ ખરીદવાની ઈચ્છા શા માટે છે?”
“મેં એવું ક્યારેય નથી કહ્યું કે મારે જીરાફ ખરીદવું છે,” મુલ્લાએ ચિડાઈ જતાં કહ્યું. “મેં તો એટલું જ કહ્યું કે મારી પાસે જીરાફ ખરીદવા જેટલા પૂરતા પૈસા હોય.”

અરે સંબંધમાં પણ, સારો હોય કે ખરાબ, સામેની વ્યક્તિ જે બધું કહે તે ખરેખર તેનો અર્થ તેમ જ હોય તેવું નથી હોતું. તમે જે બધી ઈચ્છા અભિવ્યકત કરો, તે બધી જ પૂરી થવી જોઈએ એવું તમે કઈ કાયમ નથી ઇચ્છતા હોતા. કોઈ વખત, તમે ફક્ત એક વાત બીજા સાથે કરી રહ્યાં હોવ છો, કોઈ વિચાર કે ચિંતન કે જે તમે મોટેથી કરી રહ્યા હોવ છો. મોટાભાગના લોકો પોતાનાં સાથી આકાશમાંથી તેમના માટે તારા તોડી લાવે તેવું નથી ઇચ્છતા હોતા. તેઓ ફક્ત બસ તેમને સાંભળે, એ વાતની નોંધ લે કે તે પોતે પણ એનાં જીવનમાં અસ્તિત્વ ધરાવી રહ્યાં છે, કે પોતે તેના માટે મહત્વના છે અને તેમના જીવનમાં પોતાની જરૂર છે. અરે, આ તો પાછી પેલી બધી ઇચ્છાઓ થઇ ગઈ…

તો સુનિમનો સંદેશ જીવવાની કોશિશ કરી જુઓ, જો તે નિષ્ફળ જાય, તો પછી કદાચ પિંગળાની શોધ ઉપર વિચાર કરી જુઓ. અને જો તે પણ કામ ન કરે તો, વારુ, તો પછી, બીજું તો હું શું કહું,  કદાચ: ઓ ધરતી પરના જીવ, તમારું આ ગ્રહ પર સ્વાગત છે!

ફરિયાદ કરવા માટેના કારણો ન શોધતા રહો, તે તો કુદરતી રીતે જ સામેથી આવતાં હોય છે. કૃતજ્ઞી બની રહેવાના કારણો શોધો. તમારી જાત પ્રત્યે કે અન્ય કોઈ પ્રત્યે, જવાબદારી લો, તમારી પોતાની ખુશી માટે જવાબદારી લો. જાવ, થોડું જીવી પણ લો.

શાંતિ.
સ્વામી

 

 

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email