શ્રીમદ્ ભાગવતમાં એક સુંદર વાર્તા છે. એક અવધૂતના જ્ઞાનથી પ્રભાવિત થઇને યદુ રાજા તેમને તેમના ગુરુ વિશે પૂછપરછ કરે છે, જવાબમાં અવધૂત કહે છે કે તેમના તો એક વેશ્યા સહીત ઘણાં બધાં ગુરુઓ છે.
“એક વેશ્યા?” રાજાએ તિરસ્કારથી પૂછ્યું.
“હા, કેમ નહિ?” અવધૂતે કહ્યું. “જુઓ હું તેની પાસેથી આ પાઠ શીખ્યો છું.” અને તેમને પિંગળાની વાત કરતાં કહ્યું.

પિંગળા પોતે વિદેહ નગરીમાં રહેતી એક સુંદર વેશ્યા હતી. તેના તાજા કાપેલા કરમદા જેવા લાલ, ભરાવદાર અને આકર્ષક હોઠ હતા, તેના શરીરમાંથી એક અદ્દભુત પુષ્પ જેવી સુંગધ આવતી હતી. તેની એક ઝલક માત્ર કોઈના મનમાં તેની ઈચ્છા જાગૃત કરે તેવી હતી. ખરેખર તો, તેની વિલક્ષણ સુંદરતા જ એક કારણ હતું કે તે વેશ્યા બની હતી, કારણકે નહિતર તો શક્તિમાન રાજાઓ અને નગરશેઠો તેને પ્રાપ્ત કરવા માટે અંદરોઅંદર લડી બેસેત. પિંગળા કોઈ રાજમહેલમાં રહેતી હોય તેવી સુવિધા ભોગવતી હતી.

વર્ષો સુધી, તેને પ્રેમની કલા એવી રીતે વિમુખ થઇને શીખી હતી જેવી વિમુખતા એક ડોક્ટરને તેનાં દર્દી પ્રત્યે હોય છે. અને છતાં પણ, જેવી રીતે પ્રેમનો માર્ગ – રહસ્યમય અને કોઈ તર્ક વિનાનો હોય છે તેમ, એક દિવસ તે પોતાનું હૃદય એક રાજકુંવર પ્રત્યે હારી બેઠી. તે યુવાન કુંવરે તેને કોઈ ચોક્કસ દિવસે મળવા આવવાનું વચન આપ્યું.

પિંગળાએ તે દિવસે દરેક ગ્રાહકોને એક પછી એક બહાના બતાવીને ટાળી દીધા. તેને અનેક જડીબુટ્ટીઓમાંથી બનાવેલા ઉબટનથી એક લાંબુ સ્નાન કર્યું. પોતાના કેશ ખુબ જ કાળજીપૂર્વક સવારીને તેમાં મોગરા અને બીજા પુષ્પો વડે ગુંથેલી વેણી ભરાવી. લાલ રંગની મોંઘા સિલ્કની સાડી પહેરી. તેના કપાળ, કાન, ગરદન, કાંડા, અને પગ પર સોના, હીરા માણેક અને રૂબી જડેલા મોંઘા ઘરેણા પહેર્યા. તેને જોઇને કોઈ તેને એક સામ્રાજ્ઞી માની લેવાની જ ભૂલ કરી બેસે.

બનીઠનીને તે આતુરતાથી પોતનાં રાજકુમારની બાહુપાશમાં કેદ થઇને તેને એકદમ નજીકથી જોવાની ઈચ્છા સાથે રાહ જોતી બેસી. બપોર હવે સાંજમાં ઢળવા આવી હતી, પરંતુ રાજકુમાર હજી સુધી દેખાયો નહિ. આ દરમ્યાન બીજા અનેક પુરુષો તેનો સાથ માણવા માટે આવ્યા, પરંતુ પિંગળાએ તે બધાને ટાળી દીધા. તેને તો બસ ફક્ત એક જ વ્યક્તિને મળવું હતું. વફાદારી અને પ્રેમની લાગણીએ બાકીની બધી ઈચ્છાઓને તેનાં હૃદયમાંથી ધોઈ નાંખી હતી અને તે ફક્ત રાજકુમારની જ થવાની ચાહ રાખીને બેઠી હતી.

થોડીથોડી વારે તે પોતાનો રાજકુમાર આવ્યો કે નહિ તે જોવા માટે ઉઠતી કે દરવાને કઈ અકસ્માતથી તેને દરવાજા આગળ જ અટકાવી નથી દીધોને, તે ખાતરી કરવા માટે તે ઉઠતી ત્યારે તેના પગનાં ઝાંઝર અને બીજા અલંકારો રણકી ઉઠતાં હતા. પિંગળા દરવાનોને સાવચેત રહેવા માટે કહેતી હતી. તે છુપાઈને પસાર થતા દરેક પાલખી અને રથને જોતી હતી, રખેને તેમાં પોતાનો રાજકુમાર હો!. તેના પોતાના ચાકરો પણ પોતાની માલકણને આટલી અધીરી જોઈને વિસ્મય પામી રહ્યાં હતાં. પોતાનું મો તાજું અને લાલ રાખવા માટે, તેને આખો દિવસ કઈ ખાધું નહોતું અને ફક્ત તાંબુલ ચાવતી રહી.

સાંજમાંથી હવે રાત ઢળી ગઈ અને ધીરે ધીરે રાત્રી પસાર થવા લાગી. પિંગળાની ભૂખ મરી ગઈ હતી, અને તે ક્ષણે-ક્ષણે અધીરી બનતી જતી હતી. આકાશમાં તારા આમથી તેમ ચમકતાં હતા. થોડા વધુ કલાક પસાર થઇ ગયા, પૂર્ણ ચંદ્ર બીજા અનેક તારાઓ સાથે આકાશમાં પ્રકાશિત થઇ ઉઠ્યો. કંસારીઓનો અવાજ આવી રહ્યો હતો અને ચકોર પક્ષી પોતાની માદાને આકર્ષવા માટે એક લાંબુ ગાન જાણે કરી રહ્યો હોય તેમ બોલી રહ્યો હતો. રાહ જોઈ રહેલી પિંગળાના હૃદયમાં પોતાનો પ્રેમ હજી પણ તાજો જ હતો, પરંતુ તેના રાજકુમારનાં કોઈ એંધાણ નહોતા વર્તાતા.

તે આખી રાત જાગતી બેઠી, તેની આખો થાકથી ફૂલી ગઈ હતી, અસંખ્ય વાર પિંગળાએ પોતાનાં વસ્ત્રો અને સજાવટને સરખી કરતી રહી. અનેક વાર અરીસામાં જોઈને પોતાના ચહેરાને ફરી ફરીને સજાવતી રહી. કેટલીય વાર તો તેને પોતાના ઉપર અત્તર છાંટ્યું હશે. આ બધું એટલા માટે કે જયારે પોતાનો રાજકુમાર આવે ત્યારે બધું બરાબર હોય. પણ તે તો ક્યારેય આવ્યો જ નહિ. તેના કેશમાં પરોવેલા પુષ્પો પણ કરમાવા લાગ્યાં, હવે તો મોગરા ઉપર કથ્થાઈ રંગના ડાઘા પણ પડવા લાગ્યા.

હજી પ્રભાત ફૂટે તેની થોડી વાર પહેલાં જ, જયારે લોકો હજી પોતાની ઊંઘમાંથી જાગી રહ્યા હતાં ત્યારે જ, પિંગળા પણ પોતના અજ્ઞાનમાંથી એક ઊંડા સાક્ષાત્કાર સાથે જાગૃત થઇ ગઈ.

અવધૂત  યદુરાજાને સંબોધતા કહે છે:

नह्यगाजातनिर्वेदो देहबन्धम जिहासति |
यथाविज्ञानरहितो मनुजोममतार्नुप ||
(શ્રીમદ્ ભાગવતમ ૧૧.૮.૨૯)

હે રાજન, જેવી રીતે મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનની અજાણ રહીને જેમ ભૌતિક વસ્તુઓ પર પોતાનો માલિકીભાવ છોડતો નથી, તેવી જ રીતે જેનામાં વૈરાગ્ય ભાવ વિકસ્યો નથી તેવો મનુષ્ય પોતાના શરીર પરનો મોહ પણ છોડી શકતો નથી.

પિંગળા જો કે, પોતાના સ્થૂળ અસ્તિત્વથી ઉપર ઉઠી ગયી. તેને એક મહાન વૈરાગ્ય અને પરમ આનંદનો અનુભવ થયો. તેને લાગ્યું કે પોતે સ્વયં સંપૂર્ણ છે અને હવે તેને બીજા કોઈ પુરુષની જરૂર નથી કે જે તેને પરિપૂર્ણતાનો અનુભવ કરાવી શકે. કે જેને હવે કોઈ પ્રેમ કરવાનો હોય, વાસ્તવમાં જે તેને ક્યારેય દિવસ રાતની રાહ જોવડાવતો નથી, કે જે પોતાને ક્યારેય ત્યાગીને ક્યાંય જાય જ નહિ તેવો તે -ઈશ્વર તેની અંદર જ વસી રહ્યો છે.

પિંગળાનું વર્ણન ભાગવતમાં ચાલુ રહે છે:

પિંગળા કહે છે:
पिंगला उवाच
अहो ममोहविततिम पश्यताविजितात्मन: |
या कांताद्सत: कामं कामयेयेन बालिसा || (૩૦)

संत समिपे रमणम रतिप्रद्म वित्त-प्रदम नित्यमीमंविहाय |
अकामदंदु:खभयाधिशोकमोहप्रदम तुच्छमहंभजेज्ञा || (૩૧)

अहोमयात्मापरितापितो वृथा सांकेत्यवृत्त्यातिविगर्य्ह्यावर्तया |
स्त्रैणान्नराद्यार्थत्रुशोनुशांच्यात्किर्तेन वित्तंरतिमात्मनेच्छती || (૩૨)

यदस्थिभिर्निर्मितवंशवंश्यस्थूण त्वचारोमनखे पिनध्ध्म |
क्षरं नवद्वारंगारमेत द्विन्मुत्रपूर्ण मदुपैतीकान्या || (૩૩)

विदेहानांपुरे ह्यस्मिन्नहंमैकैव मूढ़धि: |
यान्यमिच्छ न्स्यसत्यस्मादा त्कममच्युतात || (૩૪)

 

પિંગળાએ કહ્યું: જરા જુઓ તો, હું કેટલી ભ્રમિત થઇ ગયી! કારણકે હું મારા મનને કાબુમાં ન રાખી શકી, એક મુર્ખની જેમ મને એક પામર પુરુષ જોડે વાસનાભર્યા આનંદની ઈચ્છા થઇ. (૩૦)

હું એટલી અબુધ કે હું એવા વ્યક્તિની સેવા કરવાનું ચુકી ગઈ જે નિરંતર મારા હૃદયમાં વસી રહ્યો છે, જે ખરેખર તો મને સૌથી વ્હાલો છે. અને જે મને સૌથી વ્હાલો છે તે તો આ સમગ્ર બ્રહ્માંડનો ભગવાન છે, કે જે ખરેખર સાચા પ્રેમ, સુખની વર્ષા કરનારો તેમજ દરેક પ્રકારની સમૃદ્ધિનો સ્રોત છે. જો કે એ મારા હૃદયમાં તો છે, પરંતુ મેં તેની અત્યાર સુધી બિલકુલ અવગણના જ કરી છે. ઉલટાનું, મેં તો એક અજ્ઞાનીની જેમ પામર પુરુષોને સેવ્યા કે જે ક્યારેય મારી ખરી ઇચ્છાઓને સંતોષી શકે તેમ નહોતા અને જે ખરેખર તો મારા માટે દુઃખ, ડર, બેચેની, વિલાપ અને ભ્રમણાઓની જ ભેટો લાવ્યા છે. (૩૧)

અરે, મેં કેટલી નિર્દયતાથી મારા આત્માને ત્રાસ આપ્યો છે! મેં મારા શરીરને એવા વાસના અને લાલસા ભર્યા પુરુષોને વેચી દીધું કે જે ખુદ દયાના પાત્ર છે. હું એવી તો કેટલી મૂરખ કે મેં મારા ધંધા દ્વારા પૈસો અને શારીરિક આનંદ મેળવવાની આશા રાખી. (૩૨)

આ ભૌતિક શરીર તો એક એવા ઘર જેવું છે જેમાં હું, આત્મા, વસી રહ્યો છું. હાડકામાંથી મારી કરોડ, પાંસળી, હાથ અને પગ બન્યા છે જેવી રીતે એક ઘરની દીવાલો, થાંભલા અને તેનું બાંધકામ હોય, અને આ આખું માળખું કે જે મળ, મૂત્રથી ભરેલું છે તે ફક્ત ચામડી, વાળ અને નખથી ઢંકાયેલું છે. આ શરીરના નવ દ્વારોમાંથી સતત નરી ગંદકી વહી રહી છે. મારા સિવાય, બીજી કઈ મુર્ખ સ્ત્રી હોઈ શકે કે જે પોતાના શરીરને આનંદ અને પ્રેમની ખોજમાં આવા ધંધામાં સમર્પિત થઇ ગઈ હોય? (૩૩)

ચોક્કસ આ વિદેહ નગરીમાં, ફક્ત હું એક જ મુર્ખ છું. મેં સર્વોત્તમ વ્યક્તિત્વ એવા ઈશ્વરની અવગણના કરી છે, કે જે આપણને બધું જ આપતો હોય છે, અરે આપણું અસલ આધ્યાત્મિક સ્વરૂપ પણ તે જ તો આપે છે. અને ઉલટાનું, મેં તો ઘણા બધા પુરુષો જોડે ઇન્દ્રિયભોગના સુખને માણવાની ઈચ્છા કરી. (૩૪)
(શ્રીમદ્ ભાગવતમ, શ્રીલા પ્રભુપાદ, અનુવાદ ૧૧.૦૮.૩૦-૩૪)

મને નથી ખબર કે હવે અહી કશું ઉમેરવાનું કે કહેવાનું બાકી રહે છે કે કેમ; પિંગળાની વાર્તા પોતે જ એક સંદેશ છે. તેમાં ક્યાંક ને ક્યાંક એ દરેક વ્યક્તિની વાત આવી જાય છે કે જે ક્યારેય કોઈ બીજાને પ્રેમ કરતી હોય, અને બદલામાં કોઈ પોતાને પ્રેમ કરે તેવી અપેક્ષા રાખતા હોય. હજારો લોકોને મળ્યા પછી, મેં એ જોયું છે કે દુઃખનું સૌથી મોટું કારણ લોકોની સંબંધો પ્રત્યેની અપેક્ષાઓમાં નહિ પરંતુ તે સંબંધ પોતે જ છે. દરેક દુન્વયી સંબંધમાં ચુનોતીઓ તો રહેલી જ હોય છે, અને તે મુખ્યત્વે એટલા માટે કે આપણે હંમેશાં એવું ઇચ્છતા હોઈએ છીએ કે સામેની વ્યક્તિ છે તે આપણને પરિપૂર્ણતાનો અનુભવ કરાવડાવે (અને બીજી વ્યક્તિ પણ તમારા તરફથી તેવું જ ઇચ્છતી હોય છે). આટલું કહ્યાં પછી, હું બીજું એટલું ચોક્કસ કહીશ કે, હું અહી એવું પણ નથી સુચવી રહ્યો કે સંબંધો ખરાબ છે, અથવા તો તમારે કોઈપણ સંબધમાં બંધાવું જોઈએ નહિ. અંતે તો, આપણી સૌથી વધુ ખુશીઓનો આધાર આપણા વ્યક્તિગત અને સામાજિક વ્યવહારોની ગુણવત્તા ઉપર જ આધાર રાખે છે. છતાં પણ સત્ય તો એ જ છે કે જો આપણને આપણી જાતને ખુશ રાખતા આવડતું ન હોય તો, તે બીજું કોઈ આપણા માટે નહિ કરી શકે.

અન્ય વ્યક્તિ તમને બધું ન આપી શકે. છેવટે તો તમારી ખુશી તમારા નિ:સ્વાર્થ કર્મો ઉપર અને તમે તમારી જાત સાથે કેવો વ્યવહાર કરો છો તેના ઉપર છે. તમે જેને પ્રેમ કરતા હોવ તેના માટે કઈક કરવું તે કાયમ કઈ નિ:સ્વાર્થ કાર્ય નથી હોઈ શકતું. તમારા માટે ઘડિયાળ ખરીદવા કરતા, તમારી પત્ની માટે બ્રેસલેટ ખરીદો, તો તે ચોક્કસ એક વિચારવાન તેમજ કાળજીભર્યું કાર્ય તો છે જ, પરંતુ જરૂરી નથી કે તે નિ:સ્વાર્થ કાર્ય પણ હોય, જો તમે મારા કહેવાનો અર્થ અહી સમજી શકતા હોય તો. આવા સંબંધમાં તમે એક ખુબ જ મોટું લાગણીમય રોકાણ કરો છો. ખરો નિ:સ્વાર્થ તો એ હોઈ શકે કે જેમાં તમે કોઈ કર્મ, બદલાની બહુ ઓછી કે બિલકુલ અપેક્ષા રાખ્યા વગર કરો, કદાચ તમે તેમાં કોઈપણ લાગણી કે બીજી કોઈ ઈચ્છા રાખ્યા વગર કરો.

કોઈપણ કીમતે, જીવનમાં પરિપૂર્ણતાનો અનુભવ એ તમારી વ્યક્તિગત જવાબદારી છે. બીજી વ્યક્તિની અપેક્ષા રાખીને બેસનારને ક્યારે ખુશીઓનો દરિયો પ્રાપ્ત થતો હોય છે? આપણા ધર્મ(ફરજ)ના માર્ગ ઉપર ચાલવા માટે આપણી પાસે તે માટેની હિંમત અને જ્ઞાન બન્ને હોવા જ જોઈએ નહિ કે બીજા લોકો આપણી અપેક્ષાઓની પૂર્તિ કરી આપશે એવી ગણતરી કરતાં આપણે બસ બેસી જ રહીએ.

જો પિંગળાની ખુશીનો આધાર તેનો રાજકુમાર ક્યારે આવે અને તેની સાથે કેવો વ્યવહાર કરે, તેનો કેવો સ્વીકાર કરે, તેને કેવો પ્રેમ કરે તેના ઉપર જ હોય તો તેને ક્યારેય કાયમી સુખની પ્રાપ્તિ થવાની જ નહોતી; કારણકે પ્રેમની સતત ઈચ્છા અને લાગણીઓની તિવ્રતા તો અસ્થાઈ હોય છે. વધુમાં, પ્રથમ પોતે પરિપૂર્ણ થયા વગર બીજા કોઈને પ્રેમ કરવો શક્ય જ નથી. અને પરિપૂર્ણતાની લાગણી એક આંતરિક અનુભવની વાત છે. અન્ય કોઈ તો આપણને તેની ફક્ત એક ઝાંખી જ કરાવી શકે, પણ અંતે તો, એ તમારા ચારિત્ર્ય અને અસ્તિત્વની ઊંડાઈ જ હોય છે જે તમે કેટલા સંતોષી છો તે દર્શાવી શકે.

તમે જે બીજા લોકો પાસેથી મેળવવાની ઈચ્છા રાખતાં હશો, તે તમારી જાતને પ્રથમ આપતા શીખો. પ્રેમમાં નિ:સ્વાર્થ રહેવાનો અર્થ એ છે કે સામેવાળાને એવી રીતે પ્રેમ કરતા રહેવું જેવી રીતે તે પોતે પોતાને પ્રેમ કરવામાં આવે તેવું ઇચ્છતા હોય. તમારી જાતથી શરૂઆત કરો. જવાબદારી લો. તમે જોશો કે હવે તમે કોઈ તમારા હૃદયના દરવાજે ટકોરા મારે તેની રાહ જોઇને બેસી નથી રહ્યા. ઉલટાનું તમને જણાશે કે તમારું હૃદય તો આકાશ જેટલું વિશાળ છે, જેમાં કોઈ દરવાજો જ નથી, અને તેની વિશાળતામાં દરેકજણ માટે અવકાશ છે.

સવાલ છે જ્યાં સુધી તમે પિંગળાના સાક્ષાત્કાર સુધી ન પહોંચો, ત્યાં સુધી તમે જો કોઈ સંબધમાં હોવ તો તે સંબંધને કેવી રીતે કાર્યક્ષમ રાખવો? તે આવતાં લેખમાં જોઈશું.

અને છેલ્લાં શબ્દોમાં: તમે તમારી ઉર્જા અને પ્રેરણા હંમેશાં તમારા જીવનના કેન્દ્રબિંદુમાંથી શોધો છો. પ્રેમમાં, તમે જેને પ્રેમ કરતાં હોવ તે જ બની જાવ છો. જો તે ભોગવાદી વ્યક્તિ હશે, તો તમે પણ ધીમેધીમે ભોગવાદી બની જશો. જો તે વ્યક્તિ આધ્યાત્મિક હશે, તો તમે પણ એક શાંત વ્યક્તિ બનતાં જશો. જો તે કોઈ બેચેન કે આત્માસક્ત હશે, તો તમે પણ અધીરા અને આતુર થઇ જશો. જો તમારા જીવનનું કેન્દ્રબિંદુ સુંદરતા, ઈશ્વર, કરુણા કે આમાંથી ગમે તે હશે તો, તમે પણ તેના સૂચક બની રહેશો.

કાળજી રાખીને પસંદગી કરશો.

શાંતિ.
સ્વામી

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email