નવ વર્ષ પહેલાં, અમે ધંધા માટે એક જગા ભાડે લીધી હતી. તે એક ચાર-માળની ઈમારત હતી, અને તેમાં અમે અમારી પસંદગી મુજબનુ રંગરોગાન કરાવ્યું હતું. અને અમે તેની સાફસૂફી માટે એક કંપની સાથે કરાર કર્યા હતા, કે જે અમને તે કામ માટેના માણસો પુરા પાડતી હતી. અમે ખુશ હતા કે અમારે અમારા ધંધાની મુખ્ય બાબતો સિવાયની અન્ય કોઈ બાબતની જેવી, કે આ સ્ટાફની તાલીમ કે તેમને ટકાવી રાખવા વિગરેની સહેજ પણ ચિંતા કરવી પડશે નહિ. થોડા વધુ પૈસા ખર્ચવાથી જ એક બહારની એજન્સી આ બધાની જવાબદારી લઇ લેશે. હું એક વ્યક્તિ સાથે બેઠો, કે જે મારી ઓફીસની સફાઈ માટે જવાબદાર હતો, ચાલો તેને AJ કહીએ, તેને હું મારે કઈ રીતની સફાઈ જોઈએ છીએ તેની સુચના આપતો હતો. અહિયાંથી કચરો કાઢવાનો, ત્યાં ભીનું પોતું ફેરવવાનું, અને અહી એક નરમ કપડાથી સફાઈ કરવાની વિગેરે.

AJ વાતચીત દરમ્યાન ડોકું ધુણાવીને હા પાડતો રહ્યો, અને તેનું કામ ખુબ જ ચીવટ પૂર્વક કરતો રહ્યો. હું આ યુવાનથી ખુબ જ પ્રભાવિત થઇ ગયો, કે જે માંડ તરુણાવસ્થાનાં અંતિમ ચરણમાં હતો, છતાં પણ તેમાં એક જુના મેનેજર જેટલી પીઢતા હતી. ફક્ત એક જ મુશ્કેલી હતી જો કે. દર વખતે, તે જયારે મારી ઓફીસ સાફ કરતો, ત્યારે મારી આખી કેબીન શરીરની એક તિવ્ર દુર્ગંધથી ગંધ મારતી. મારાથી તે સહન કરવું મુશ્કેલ બનતું હતું. AJ સહીત બીજા ચાર જણાનો સ્ટાફ હતો જે આ ઓફીસના કામ માટે જવાબદાર હતા, મને AJના બદલે કોઈ બીજાને મારી ઓફીસ સાફ કરાવડાવી લેવાનો વિચાર પણ આવ્યો, પરંતુ હું નહોતો ઈચ્છતો કે તેનાંથી AJને ખોટું લાગે.

મને ખબર નહોતી પડતી કે તેને ખરાબ ન લાગે તે રીતે આ વિષયની કેવી રીતે ચર્ચા કરવી. મેં મારા એક મેનેજરને કહ્યું કે તે AJને હળવાશથી પૂછી જોવાની કોશિશ કરી જુવે કે કામ પર આવતાં પહેલા તે સ્નાન કરીને આવે તો ખુબ સારું. AJ ડોકું ધુણાવીને હા પાડી. પરંતુ થોડા દિવસ પછી પણ પેલો પ્રશ્ન તો જેમનો તેમ જ રહ્યો, મને તેની આ ધ્રુણા ઉપજે એવી અવગણનાથી થોડી ચીડ પણ ચડી. એકવાર ફરી, અમારા ઓપરેશન મેનેજરે AJ સાથે વાત કરી જોઈએ, અને તેમને ખબર પડી કે પેલી એજેન્સીએ તેને ફક્ત બે જ શર્ટ આપ્યાં હતા. અમે તરત જ પેલી કંપની સાથે વાત કરી અને તેમને અમારી ઓફીસમાં આવીને કામ કરતા તેમના દરેક માણસને પાંચ શર્ટ આપવાની વાત સાથે સહમત કર્યા.

તેનાંથી આ પ્રશ્ન થોડા દિવસ સુધી તો જતો રહ્યો, પણ પછી પાછો ઉભો થયો. અમારી ઓફીસ બધી રીતે એરકંડીશન્ડ હતી માટે તેમાં હવાની અવરજવર બિલકુલ નહોતી. અને જયારે-જયારે પણ AJ મારી કેબીનમાં આવીને જાય પછી કેટલીય મિનીટો સુધી મારા માટે શ્વાસ લેવાનું મુશ્કેલ થઇ જતું. અંતે અમે તે બધા માણસો માટે ડીઓડોરન્ટ લઇ આવ્યા, અને તેનાંથી તો આ પ્રશ્ન મારા માટે ઓર વધુ વકર્યો. સૌ પ્રથમ તો ડીઓડોરન્ટનાં સેન્ટની તિવ્ર ગંધથી મારી એલર્જી અને અસ્થમા એકદમ વધી જતાં. બીજું તો આ Deo તેના BO (body ordour) સાથે મળીને કઈ ત્રીજી જ દુનિયાની દુર્ગંધ બની જઈ રહી હતી. તમે વિચારી શકો છો.

અંતે, મેં નક્કી કર્યું કે હું પોતે જ AJ સાથે વાત કરીશ. કારણકે, આ પ્રશ્ન હજી વણઉકલ્યો જ હતો અને માટે મને લાગ્યું (જે મારી ભૂલ હતી), કે મારા લોકો આ મુદ્દાની ગંભીરતાને સમજી શક્યા નથી. મેં AJને બોલાવ્યો. તે એકદમ ભયભીત જણાતો હતો.

“હું તારા કામથી ખુબ જ ખુશ છું, AJ, મેં તેને કહ્યું. “અમે બધાં જ ખરેખર ખુશ છીએ.”
તેના ચહેરા ઉપર એક મોટું સ્મિત ઉતરી આવ્યું. “થેંક યુ,” તેને કહ્યું.
“દરેકજણના શરીરમાંથી એક દુર્ગંધ આવતી હોય છે,” મેં કહેવાની કોશિશ કરી, “શું તું રોજ સ્નાન કરે છે અને રોજ તાજા ધોયેલાં કપડા પહેરે છે?”

અચાનક જ તેનું સ્મિત વિલીન થઇ ગયું, અને તેનું માથું નીચે ઝુંકી ગયું. મારે તેની સાથે થોડી ગમ્મત કરવી પડી જેથી કરીને તે કઈ બોલી શકવા જેટલો સક્ષમ બને. મેં તેને વારંવાર કહ્યું કે હું તેનાં પ્રત્યે ગુસ્સે તો બિલકુલ નથી કે હું તેને કામ પરથી પણ નથી કાઢી મુકવાનો, હું તો ફક્ત તે આ પ્રશ્નની ગંભીરતાને સમજે અને તેને દુર કરે તેટલું જ સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.

“અરે, હું ઈચ્છું તો પણ, તાજા ધોયેલાં કપડા રોજ પહેરી શકું તેમ નથી,” તેને કહ્યું. “હું અહી કામ પર આવતાં પહેલા જો કે મારું મોઢું જરૂર ધોઈને આવું છું.”

ભારતમાં ગરમીનો પારો ખુબ જ ઉંચે ચડી જતો હોય છે, અને બહુ જલ્દી જ ગરમી અને પરસેવો વળી જતો હોય છે. તે બિલકુલ પોતાની સ્વચ્છતા નહોતો રાખી રહ્યો હતો તે વાત જાણીને હું અવાક થઇ ગયો.

“સોરી, AJ,” મેં મક્કમતાથી કહ્યું, “પણ, તારે ઘરેથી નીકળતા પહેલાં રોજ સ્નાન કરવું જ પડશે. અને તેમાં કોઈ બાંધછોડ નહિ ચાલે.”
“પણ, મારે કોઈ ઘર જ નથી, સર,” કહીને તે એકદમ રડવા લાગ્યો.
“એક્સક્યુઝ મી?” મેં કહું, મને એકદમ ધ્રાસકો અને નવાઈ બન્ને લાગી ગયા.

“મારે કોઈ ઘર નથી,” તેને ફરીથી કહ્યું. “હું એક તાડપત્રીથી તાણેલા તંબુમાં રહું છું. અને તે પણ બીજા નવ જણની સાથે.”
“વ્હોટ?”
“અમારી ચાલીમાં ફક્ત એક જ પાણીનો નળ છે અને ત્યાં ૫૦૦થી વધુ કુટુંબો ૫૦ જેટલા ઝુપડામાં રહે છે. પાણી ફક્ત સવાર સાંજ બે કલાક માટે જ આવે છે. હું જો આખી રાત પણ લાઈનમાં ઉભો રહું ને તો પણ મારો વારો આવે નહિ, જે મારાથી મોટા લોકો છે તે મને મારી મારીને અધમુઓ કરી નાંખે. ન્હાવા માટેનો સૌ પ્રથમ વારો તેમનો જ આવે, અને પ્રાથમિકતા પાછી એવી સ્ત્રીઓને હોય જે પીવા અને રાંધવા માટે પાણી ભરવા આવી હોય. જેવા તે લોકો પાણી ભરી લે ત્યારે ભાગ્યે જ કશું પાણી બચ્યું હોય.”

“આ તો ભયાનક કહેવાય,” મેં કહ્યું, મને આઘાત પણ ખુબ લાગ્યો. “પણ, અમે તને એટલું વેતન તો આપીએ જ છીએ કે જેમાં તું કોઈ વ્યવસ્થિત ઘર ભાડે લઇ શકે, કે કોઈની સાથે રહી શકે, દર અઠવાડિયે તને બે દિવસની રજા પણ મળે છે અને ૯૦૦૦ રૂપિયાનો પગાર. હું ચોક્કસપણે કહી શકું કે આટલામાં તું એક સારું જીવન જીવી જ શકે.”

તેને આગળ કહેતા જણાવ્યું કે તેનાં હાથમાં તે વેતનમાંથી ફક્ત ત્રીજા ભાગ જેટલો જ પૈસો આવતો હતો અને ભાગ્યે જ તેને કોઈ છુટ્ટી મળતી હતી. જે દિવસે રજા હોય ત્યારે તેને, પેલી એજેન્સી, તેના માલિકના ઘરની સાફસુફી, બગીચાની માવજત વિગેરે કામ માટે મોકલતી હતી કે પછી કોઈ બીજી જગ્યાએ કામ પર મોકલી દેતી હતી.

મેં સીધો જ ફોન લગાવ્યો અને પેલી એજેન્સી જોડે વાત કરીને તેમને ખખડાવ્યાં.

“ક્યારેય સાંભળ્યું છે કે રોજગારી માટેના પણ કોઈ કાયદા કાનુન જેવું હોય છે?” મેં તેને માલિકને પૂછ્યું. “તમે કોઈ કંપની નથી ચલાવી રહ્યા પરંતુ શોષણખોરી કરી રહ્યાં છો.”

તેનો માલિક કોઈપણ બાબત સ્વીકારવા તૈયાર જ નહોતો થતો, અને બસ એવું જ કહ્યાં કરતો હતો કે કોઈ ગેરસમજણ થઇ રહી છે. અંતે નિરાશ થઇને મેં જ ફોન મૂકી દીધો. અમે બધાં જ સફાઈ કર્મચારીઓને ભેગા કર્યા અને તેમને તે જ ક્ષણે સીધા નોકરી ઉપર લીધા. મેં તેમના શિક્ષણ માટે પણ મદદ કરવાની તૈયારી બતાવી, તેમના કામના કલાકો ઓછા કરીને કે જેથી કરીને તે સ્કુલ, કોલેજ વિગેરેમાં જઈ શકે. તેમાંનાં એક પણ જણાએ ભણવા પ્રત્યે જો કે કોઈ ઉમળકો ન બતાવ્યો, કે ન તો હું તેમને શિક્ષણનું કોઈ મુલ્ય સમજાવી શક્યો. વધુમાં, આવી અમાનવીય અવસ્થામાં નર્યું શોષણભર્યું જીવન જીવીને, તેમની શિક્ષણ પ્રત્યેની ઉપેક્ષા જોવી તે મારા માટે સૌથી દુઃખદ બાબત હતી.

હળવાશથી કહું તો, BOના પ્રશ્નનો અંતે ઉકેલ આવ્યોં. છતાંપણ, અમે કામના સ્થળે પણ સ્નાન લેવાની વ્યવસ્થા કરી. ત્રણ અઠવાડિયા પછી તે એક ભાડાના મકાનમાં રહેવા ગયો. અમને દરેકજણને તેના માટે ઘર શોધવામાં થોડી મહેનત પડી કે જેથી કરીને અમે એવો મકાનમાલિક શોધી શકીએ જે AJ ને રહેવા માટે ઘર આપી શકે, કેમ કે AJ પોતાની સાથે ૭ કુટુંબના સભ્યોને લઇ જવા માંગતો હતો.

મને આ અનુભવમાંથી એક ખુબ મોટો પાઠ ભણવાનો મળ્યો: કોઈપણને જોઈને, આપણને એ ખબર ન પડી શકે કે તેઓ તેમના જીવનમાં શેમાંથી પસાર થઇ રહ્યાં છીએ. આપણી આજુબાજુમાં જ ઘણા લોકો અત્યંત કપરા, સંઘર્ષમય અને શોષિત અવસ્થામાં જીવતાં હોય છે, અને તે પણ પોતાના કોઈ વાંક વગર. કર્મના સિદ્ધાંતને બાજુ પર રાખીએ તો, મને નથી લાગતું કે AJ એ પોતે ક્યારેય આવા ખરાબ સંજોગોમાં જન્મે એવું જાતે પસંદ કર્યું હોય, અથવા તો મોટા થતા તેને ક્યારેય એવી કલ્પના પણ કરી હોય કે પોતે આવી જિંદગી જીવવા માટે જન્મ્યો છે. વધુમાં, કોઈએ ગમે તે કેમ ન કર્યું હોય, તેમની સાથે કોઈએ પણ ખરાબ વર્તન ન કરવું જોઈએ.

માટે, મારા નમ્ર મત મુજબ તો, કોઈપણ પ્રત્યે આપણી પ્રથમ લાગણી તો દયાની જ હોવી જોઈએ, ચાલો તેમને એક ઓર વધુ મોકો આપીએ. બીજું કે, આપણો જે રીતે ઉછેર થયો હોય અને જે રીતે આપણું મગજ કામ કરતુ હોય તે જોતા આપણે કોઈના વિશે મત બાંધી લેવાનું તો ન બંધ કરી શકીએ. કેમ કે એ તો આપણાથી સહજ થઇ જતું હોય છે. આપણે રસ્તા પર સુતેલા માણસને જોઈને એવું માની લેતા હોઈએ છીએ કે તે તો દારૂ પીને પડ્યો હશે, જયારે એવું પણ શક્ય છે કે તેને કદાચ હાર્ટએટેક પણ આવ્યો હોય. જાતી, દેખાવ, કપડા, બોલી વિગેરે પરથી જ આપણે બહુ જલ્દી બીજા વ્યક્તિને માટે કોઈ લેબલ લગાવી દેતા હોઈએ છીએ. આપણી આજુબાજુનાં સંજોગો અને લોકો માટે આવા અકલ્યાણકારી વિચારો એ ફક્ત બિન-આધ્યાત્મિક જ નહિ પરંતુ ગેરવ્યાજબી પણ છે.

જો તમે આધ્યાત્મિક પ્રગતિને ઝંખતા હોવ તો, દયા અને કૃતજ્ઞતાના, સમાનુભૂતિ અને નમ્રતાના ગુણ કેળવવા જ જોઈએ અને તેનું પાલન પણ કરવું જોઈએ. બીજો કોઈ જ રસ્તો નથી. તમે મક્કમ બની રહી શકો, તમે ના પણ પાડી શકો, કોઈની વિનંતીને તમે નકારી પણ શકો, તમે આ બધું અને બીજું બધું પણ કરી શકો અને તે પણ કરુણાના ગુણને ભૂલ્યા વગર. જો કુદરતે તમને એટલું બધું આપ્યું હોય કે તમે આ લેખને તમારા ફોન, ટેબલેટ કે કમ્પ્યુટર ઉપર વાંચી શકો તેમ હોવ તો, ક્યાંક ને ક્યાંક તમારી એ ફરજ પણ બને છે કે તમે તમારો ભાગ ભજવીને આ દુનિયાને થોડી વધુ સુંદર પણ બનાવો. હું એ બાબતને પણ નકારતો નથી કે જે કઈ પણ સુવિધા તમે જીવનમાં ભોગવી રહ્યાં છો તે તમારે સખત મહેનત કરીને કમાવવી જ જોઈએ. અને એ જ તો કારણ છે બીજા માટે પણ કઈક કરવાનું. કારણકે, તમે જો એટલું બધું મેળવી શકતા હોવ તો તમે આટલી નાની ભલાઈનું કામ તો કરી જ શકોને.

એક વખત ટ્રેઈનમાં ચડતી વખતે, ગાંધીજીનો એક બુટ તેમનાં પગમાંથી નીકળી ગયો. તેઓ સખત ગિરદી વાળી ટ્રેઈનમાં ચડી તો ગયા પણ તેમનું પગરખું તો પાછળ જ રહી ગયું.  ટ્રેઈન થોડી દુર જ ગઈ હશે કે તેમને જલ્દીથી પોતાનો બીજો બુટ પણ કાઢીને પ્લેટફોર્મ પર ફેંકી દીધો.

“આવું કેમ કર્યું?” સાથે બેઠેલા એક મુસાફરે પૂછ્યું.
“અરે, જે કોઈને પણ મળે, તો તે આખી જોડી તો હોય,” ગાંધીએ જવાબ આપ્યો. “કોઈપણ ને એક બુટ મળે તો શું ફાયદો થવાનો હતો?”

આપણી ભલાઈને જતી કરવાનું, કે આપણા ઉપર જે આશીર્વાદોની વર્ષા છે તેને માટે આભારી નહિ રહેવાનું, કે કોઈને મદદ નહિ કરવાનું, કે થોડા મૃદુ નહિ થવા માટેનું કોઈપણ કારણ ઉત્તમ ન હોઈ શકે. આપણું જીવન કેટલું આશીર્વાદ સમાન છે, ચાલો બીજાને પણ આપણા આનંદ અને આપણા સ્રોતમાં એક ડૂબકી મારવા દઈએ. જેને જ્ઞાની બનવું છે તેના માટે ભલાઈનો માર્ગ ખુબ જ ફળદાઈ માર્ગ છે.

ભલા બનજો.

શાંતિ.
સ્વામી

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email